વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 1

ધ ટોય ટ્રેન. (1)


  તે દિવસો મારી જિંદગીના બહેતરીન દિવસો હતા.ડાંગના વઘઈ તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે મારુ પોસ્ટિંગ થયુ ત્યારે શિક્ષક બનવાના આનંદ કરતા નોકરી મળી એનો આનંદ વધુ થયો હતો.જીવનમાં કંઈક કામકાજ કે નોકરી તો કરવાની જ હતી એટલે એની શરૂઆત પણ યોગ્ય સમયે થઈ જવી જોઈએ.


વઘઈ, સાપુતારા જતા રસ્તામાં આવતો ડાંગ જિલ્લાનો એક તાલુકો છે.વસ્તી મોટેભાગે આદિવાસી ખેતમજૂરોની.જે જંગલમાં સૂકા લાકડા વીણીને કે ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતી. મોટેભાગે કાળા અને દુબળા શરીરવાળા લોકો સ્વભાવે ખૂબ શાંત હતા.વઘઈ આસપાસ બીજા ઘણા નાના ગામો છે.એમાં બેચાર પાકા મકાનો સિવાય મોટાભાગના તો કાચા ઝુંપડા જ! 


ડાંગના આ વિસ્તારમાં દીપડાઓ નો ભારે ત્રાસ છે.દીપડા જેવા રાની પશુઓથી ત્યાંની વસ્તીને સુરક્ષા આપવાની ફોરેસ્ટ વિભાગની જવાબદારી હતી.જે તે વિસ્તારમાં દીપડો દેખાય ત્યાં પાંજરું મૂકીને એને પકડી લઈ જંગલમાં દૂર છોડી આવવામાં આવતો.


બીલીમોરાથી વઘઈ સુધી અંગ્રેજોએ લાકડા અને જંગલની ચીજવસ્તુઓ લાવવા એક નેરોગેજ ટ્રેન શરૂ કરી હતી.એ ટ્રેન પછીથી આ વિસ્તારના લોકોની મુસાફરી માટેની સગવડ થઈ ગયેલી.સરકારે પણ ખાસ આવક ન હોવા છતાં આ ટ્રેનને શરૂ રહેવા દીધી હતી. નાના છ ડબ્બાને ખેંચ્યે જતું નાનકડું એન્જીન હાલક ડોલક થતું બીલીમોરાથી વઘઈ સુધીની સફર ખેડતું.


  ટ્રેનના ડબા પણ છેક જુનવાણી હતા.ડબાના બંને છેડે ડાબી અને જમણી તરફ માત્ર એક એક દરવાજો હતો. 



ટોઈલેટની સુવિધા આ ટ્રેનમાં હતી નહિ.બે બે જણ સામસામે બેસી શકે એવી રીતે બે બે બાંકડા ડાબી અને જમણી તરફ ગોઠવેલા હતા.ચાર સીટના એ દરેક કંપાર્ટમેન્ટમાં લોખંડની જાળીવાળા કાળા સિલિંગફેન અને સામાન મુકવા બસમાં હોય છે એવી ડબાની દીવાલ સાથે જડેલી અભેરાઈ હતી.


  ટ્રેનના રૂટમાં આવતાં રેલવેસ્ટેશન

પણ અહીંની ગરીબ વસ્તી જેવા જ ગરીબ હતાં. બનાવવામાં આવ્યા હશે ત્યાર પછી ક્યારેય રીપેરીંગ કે મેન્ટેન જેવો શબ્દ આ ઝીર્ણશીર્ણ હાલતમાં ઉભેલા સ્ટેશનોએ સાંભળ્યો નહિ હોય !




  જગ્યાની અનુકૂળતા મુજબ ડાબી અને જમણી તરફ આવેલા દરેક સ્ટેશન પર ટિકિટબારી માટેના જર્જરિત મકાન સિવાય કોઈ સુવિધા નહોતી. જો કે વર્ષો પહેલા બંધ થઈ ગયેલી એ ટીકીટબારી છેલ્લે ક્યારે ખુલી હશે એની જાણકારી આપી શકે એવું માણસ મળવું મુશ્કેલ હતું. એ ટ્રેનમાં સફર કરવા માટે ટ્રેનનો ગાર્ડ જ ટીકીટ આપતો. સ્ટેશનની સામે જ ઉભેલી ઘેઘુર વનરાજી અને સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભેલા બે ચાર ઝાડ ફરતે બનાવેલા ગોળ ઓટલા પણ  માંડ માંડ પોતાની ગોળાઈ જાળવીને બેઠક તરીકેના આખરી દિવસો ગણી રહ્યા હતાં.


ટ્રેનના પાટા વચ્ચે માંડ ત્રણ ફૂટ જેટલું અંતર હતું.રેલવે ટ્રેક પણ એકદમ નાનો હતો છતાં એનો પણ ક્યારેક જમાનો હશે એવું તમને લાગ્યા વગર રહે નહીં.




  આ સફરમાં ખિસ્સાકાતરુંનો કે  સમાન ચોરી થવાનો ભય બિલકુલ નહોતો.દરેક ડબો જ નહીં આખી ટ્રેન જ લોકલ હતી! માંડ પચ્ચીસ કિલોમીટરની ઝડપે ચાલી જતી આ ટ્રેન જાણે ગીત ગાતી ગાતી બિન્ધાસ્ત ચાલી જતી કોઈ અલ્લડ કન્યા જેવી લાગતી!


   હું બીલીમોરાથી સારો લાગ્યો એ ડબામાં એક વિન્ડો સીટ પર બેસી ગયો.નોકરીના આ પ્રથમ દિવસ સાથે જ આ નાનકડી ટ્રેનની સફર મારા જીવનમાં પ્રથમવાર જ

આવી હતી.બાવીસ વર્ષની મારી જિંદગીમાં હું ઘણીવાર ટ્રેનમાં બેઠો હતો પણ આ ટ્રેનની સફર કંઈક વિશેષ લાગી રહી હતી.અહીં ગિરદી અને ધક્કામુકી કે ચડવા ઉતરવાની ઉતાવળ બિલકુલ ગેરહાજર હતી.ટ્રેનને પણ ઉપડવાની કોઈ ઉતાવળ નહોતી.ટૂંકમાં આ રૂટમાં કોઈને કશી જ ઉતાવળ નહોતી.દરેક ડબ્બામાં થોડા થોડા પેસેન્જરોને લઈને આખરે ટ્રેને વ્હીસલ મારી ત્યારે જાણે એ વ્હીસલમાં ટ્રેનને ઉપડવાનો આનંદ હોય એવું લાગ્યું.


આ ગરીબડી ટ્રેનમાં ટીકીટ વગર બેસી જાવ તો પણ કોઈ ટીટી પૂછવા આવે એમ ન હોવા છતાં કોઈપણ મુસાફર વગર ટીકીટે બેસતો નહોતો.ગરીબ લોકોની આ પ્રામાણિકતા માટે મને ખુબ માન થઈ આવ્યું.ન કોઈ ભિખારી કે ન કોઈ બેસુરા ગીત ગાઈને કાન પકવી નાંખતા અને ખભે અડીને બે પૈસા માંગતા કલાકારો કે ન કોઈ ફેરિયાઓ! આખી ટ્રેનમાં સિંગચણા,ખમણ અને પાણીની બોટલ વેચનારા એક બે ફેરિયાઓ હતા ખરાં.દસના ખમણ આપીને 'ખાવ તમતમારે' કહીને આગળ ચાલી જતા એ ફેરિયાને પૈસા લેવાની પણ કોઈ ઉતાવળ નહોતી!


  સવારે સાત વાગ્યે ઉપડેલી આ ટ્રેન મને દસ વાગ્યે વઘઈ ઉતારવાની હતી.મારી નોકરીનો સમય અગિયારથી પાંચ હતો. સાંજે છ વાગ્યે વઘઈથી હું આ જ ટ્રેનમાં બેસીને બીલીમોરા આવી જવાનો હતો. આવતા જતાંની આ મુસાફરીમાં મને ત્રણ ત્રણ કલાક મળવાના હોવાથી મેં મારી પ્રિય નવલકથા સાથે જ લીધી હતી.વાંચવાનો સમય પણ મળવાનો હોવાથી હું ઘણો ખુશ હતો.


  ટ્રેનમાં કે મુસાફરોમાં ખાસ બીજું કંઈ જોવા જેવું નહોતું છતાં પહેલો દિવસ હોવાથી  ટ્રેનની બહાર લીલોતરી જોવાનો આનંદ મારે લેવો હતો. ઠંડો પવન અને સવારનું વાતાવરણ મારા મનને આહલાદક બનાવતું હતું.


જીવનમાં જે કંઈ નવું આવતું હોય છે એ નવું માત્ર થોડા દિવસ જ રહેતું હોય છે. મારે પણ એવું જ થયું. એકાદ મહિના પછી મારી આ સફર સાવ રૂટિન થઈ ગઈ. સવારે સાત વાગ્યે આ ટ્રેનમાં બેસવાનું, વઘાઈની એ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી દરમ્યાન બપોરે ટિફિન ખાઈ લેવાનું, સાંજે છ વાગ્યે વળી પાછું એ ટ્રેનમાં બેસીને નવ વાગ્યે બીલીમોરા ઉતરીને રીક્ષા પકડીને ઘેર આવવાનું અને આવીને મમ્મીએ બનાવેલી રસોઈ જમીને સુઈ જવાનું!


ઉફ્ફ! આવી તે કંઈ જિંદગી હોય? એક બે મહિનામાં તો હું સાવ કંટાળી ગયો.  પહેલે દિવસે આ ટ્રેનમાં બેસવાનો જે આનંદ મને થયેલો એના દસમા ભાગનો પણ હવે આનંદ થતો નહોતો. વાંચી વાંચીને પણ માણસ કેટલું વાંચે? રોજ રોજ પુષ્કળ સમય મને મળતો હતો. મને વાંચવું ખૂબ જ ગમતું હોવા છતાં જ્યારે કોઈપણ ચીજ તમારી પાસે પુષ્કળ માત્રામાં હોય છે ત્યારે તમને એનો અચૂક કંટાળો આવતો હોય છે.


  વઘઈની પ્રાથમીક શાળામાં આવતા બીજા બે શિક્ષકો આજુબાજુના ગામડામાંથી જ આવતા એટલે આ ટ્રેનની સફરમાં મને કોઈનો સાથ મળતો નહોતો. હું રોજ અલગ અલગ ડબામાં બેસતો હોવા છતાં એકના એક જ ડબામાં બેસતો હોઉં એવું મને લાગતું. કારણ કે દરેક ડબો એક સરખો જ હતો અને એક સરખા જ હતા એના પેસેન્જરો!  સાલો ફેરિયો પણ એનો એજ ભટકાયા કરતો.


"લ્યો સાહેબ, ખમણ મારા તરફથી ખાવ!" કહી ખમણવાળો ખીમજી મને ખમણ આપી મારી સામેની સીટ પર બેસતો. મારો કંટાળો એ કદાચ જાણી ગયો હશે. એટલે હું ક્યાંક નોકરી ન છોડી દઉં એની એને બીક હશે. કારણ કે એ પણ મારી જેમ રોજ આ ટ્રેનની સફર કરતો. મારે તો સરકારી નોકરી હતી એટલે આવકની કોઈ ચિંતા નહોતી પણ એ બિચારો તો રોજ બે પૈસા કમાવા માટે દરેક ડબામાં રખડતો રહેતો. દરેક સ્ટેશને એક ડબામાંથી ઉતરીને બીજા ડબામાં ખમણ અને નાસ્તાનો ટોપલો ઉપાડીને રખડવા છતાં એ બિચારો મારા કરતાં પાંચમા ભાગનું પણ કમાતો નહિ હોય. તો પણ એ કંટાળતો નહોતો!


"તમને કંટાળો નથી આવતો? રોજ રોજ એકનું એક કામ કર્યા કરવાનું? આખો દિવસ ગળું તાણીને એક ડબામાંથી બીજા ડબામાં ભટકવાનું." મેં એક દિવસ એને પૂછ્યું.


"એમ કંટાળી જઈએ તો કેમ ચાલે? પેટ ભરવા માટે કામ તો કરવું જ પડશે ને? આ કામથી કંટાળશો તો બીજું કાંઈક કરવું તો પડશે જ ને? રોજ રોજ નવું તો તમે શું કરી શકો લ્યો બોલો! ભૂતને મૂકીએ તો પલીતને પકડવો પડે, પણ પકડવો તો પડે જ.  તમને કંટાળો આવે છે ને? તો એક કામ કરો, કાલે તમે મારો આ ટોપલો ઉપાડીને ખમણ વેચો, ને હું તમારી નિશાળમાં જઈને છોકરા ભણાવું. તમનેય નવું કામ મળશે ને મનેય નવો અનુભવ મળશે. ખમણમાંથી જે આવક થાય એ તમારી અને એક દિવસનો જે પગાર થાય એ મારો, બોલો છે મંજુર?" કહી એ હસી પડ્યો. હું પણ એની વાત સાંભળીને હસ્યો.


"સાહેબ, આપણને તો રોજ રોજ આ બદલાતા માણસોના નવા નવા ચહેરા તો જોવા મળે છે! તમે આ ટ્રેનના ડ્રાઈવરનો તો વિચાર કરો! બિચારો કાચની કેબિનમાં પુરાયો છે, એના એ જ પાટા ને એનો એ જ રસ્તો! નહિ ઉઠીને બીજા ડબામાં જવાનું કે ન કોઈ પેસેન્જરનું મોઢું જોવાનું. બસ જોવાના એના એ જ ઝાડવા,જે એક સેકન્ડ પણ એની પાસે ઉભા રહેતા નથી. એની બેય બાજુથી દોડીને પાછળ જતા રહેતા એ ઝાડવાય કહેતા હશે કે જા ભાઈ જા તારી જેવા અભાગિયા પાસે અમારે ઘડીક ઉભુંય નથી રહેવું!"


  હું એ ખમણવાળાની વાત સાંભળીને વિચારમાં પડ્યો. આમેય બીજાનું દુઃખ આપણા કરતા વધુ હોય તો આપણું દુઃખ, દુઃખ મટીને સુખ બની જતું હોય છે. ડ્રાઈવર અને આ ખમણવાળા ફેરિયા કરતા તો હું ઘણો સુખી હતો.


આમ જુઓ તો સરેરાશ માણસની જિંદગી રૂટિન જ હોય છે ને! એક જ સરખા દિવસો ઉગીને આથમી જાય છે, માત્ર તારીખ અને વાર બદલાતા રહે છે. સમયનું ચક્ર નિરંતર ફર્યા કરે છે અને માણસની જિંદગીની સફર અવિરત ચાલતી રહે છે. ખમણવાળો કહે છે એમ કંટાળી જવાથી કામ બનવાનું નથી. આ ટ્રેનની સફર અને આ શિક્ષકની નોકરી છોડી દઈશ તો બીજી કોઈ નોકરી કરવી પડશે અને એમાં કંઈ રોજ રોજ નવું નવું શું મળવાનુ? એ નોકરી પણ રૂટિન જ હશે.જીવન જ કદાચ રૂટિનનું બીજું નામ હશે એમ સમજીને હું મારી આ ટ્રેનની સફરવાળી નોકરીને પરાણે પ્રેમ કરવા લાગ્યો.


  આપણને ભલે આપણું જીવન રૂટિન લાગતું હોય, પણ ટ્રેનની સફરમાં આવતા જુદા જુદા સ્ટેશનની જેમ કદાચ જીવનની સફરમાં પણ સ્ટેશન આવતા જ હોય છે. એ સ્ટેશને આપણા જીવનની આ ટ્રેન થોભતી હોય છે. કેટલાક મુસાફરો આપણા જીવનની ટ્રેનમાંથી ઉતરીને ચાલ્યા જતા હોય છે અને કેટલાક નવા યાત્રીઓ આપણા જીવનની આ સફરમાં સહયાત્રીઓ તરીકે જોડાતા હોય છે.


  ખમણવાળાની સલાહ માનીને મારી કંટાળાજનક સફર હું ખેંચ્યે જતો હતો! અને એક દિવસ મારા જીવનસફરની આ ટ્રેન એક લીલાછમ્મ સ્ટેશન પર આવીને ઉભી રહી. એ દિવસે એક સાવ લીલુંછમ્મ મુસાફર આ સફરમાં જોડાવા મારી ટ્રેનમાં ચડ્યું હતું!

પણ એ લીલાછમ્મ સ્ટેશનથી મારા જીવનની ગાડીના રસ્તે એક અણધાર્યો વળાંક આવશે અને હું એક ભયાનક ખીણમાં ગબડી પડીશ એની મને ખબર નહોતી.


(ક્રમશ :)



   


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ