વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 1

                     'વિઝન એમ્પાયર'ના નવમાં માળ ઉપર આવેલી કાચની આલીશાન ઓફિસની બારીએ ઉભા ઉભા રવિન્દ્ર રસ્તા ઉપર અવર જવર કરતા વાહનોને એક નજરે જોઈ રહ્યો હતો. ઉજળો વાન, વ્યવસ્થિત કટ લગાવેલી ઝીણી દાઢી,  સફેદ કાચના ફ્રેમ લેશ ચશ્માં અને ગ્રે કલરનું શૂટ એના શરીરની ખૂબસુરતીને ઉભાર આપતું હતું. કાંડાથી નીચે ઉતરી ગયેલા, સાચા હીરાથી મઢેલા સોનાના બ્રેસ્લેટને રવિન્દ્રએ ઉપર ચડાવ્યું. ગળાને પ્રેમથી આલિંગન આપતી ટાઈને જરા અળગી કરી. એ.સી. સામે જોયું. ૨૪℃ તાપમાન છતાં આ અકળામણ!

                 આશ્ચર્યના અજવાશ સાથે એણે નાક ઉપર આવી ગયેલા ચશ્મા વ્યવસ્થિત કર્યા. આંગળી વડે સુતેલા નાકને જગાડ્યું. બારી ઉપર સહેજ વાંકા વળીને ટેકવેલા હાથ યથાસ્થાને રાખી એક નજર એણે પોતાની ડબલ ડનલોપથી મઢેલી વ્હીલ ચેર અને ભવ્ય ટેબલ ઉપર કરી. ટેબલ ઉપર ફાઈલો અસ્તવ્યસ્ત પડી હતી. બીસ્લેરી પાણીની અડધી બોટલ જાણે એની જ રાહ જોઈ રહી હતી. પેન ઢાંકણાનો સાથ છોડી એક ફાઇલ સાથે ઇશ્ક લડાવામાં મશગુલ હતી. ટેબલ ઉપર રાખેલા ગુલદસ્તામાં તાજા ગુલાબ, ચંપો, ચમેલી, મોગરાના મિક્ષ ફૂલોની મધમધતી ફોરમ આખી ઓફિસમાં ઉડીને આંખે વળગતી હતી. પરંતુ એ ફૂલોનું હાસ્ય રવિન્દ્રને કટાક્ષ યુક્ત લાગ્યું.

                 રોલેક્ષ બ્રાન્ડની કાંડા ઉપર બાંધેલી મોંઘી ઘડિયાળમાં એણે ટાઈમ જોયો. સાંજના ૫:૪૫ થયાં હતાં. કંટાળા સાથે એણે દાઢીમાં ખૂંચતા વાળ ઉપર હાથ ફેવ્યો. અનાયાસ જ! ફરી બારી બહાર નજર દોડાવી કંઈક શોધી રહ્યો. પરંતુ દિશા કે દશા કંઈ જ એના કહ્યામાં ન હતું. એ જે શોધી રહ્યો હતો એ આમ એને સરળતાથી મળવાનું ન હતું. રસ્તા ઉપર દોડતી ગાડીઓ જોઈને એ જરા મૂછમાં જ હસ્યો.

                    મર્સીડિઝ, બી.એમ.ડબ્લ્યુ., જગુઆર, લીંબોરઘીની, રેન્જ રોઅર, વોલ્વો કઈ કાર એની પાસે ન હતી? ખરેખર વિચાર માંગી લે એવો પ્રશ્ન હતો. પરંતુ જવાબની રાહ જોયા વગર જ એણે ખુદને જરા ઢંઢોળ્યો. શું આજ જિંદગી છે? પ્રશ્ન ખુદ સામે હતો અને જવાબ પણ ખુદને જ આપવાનો હતો. એની સાથે બીજો સવાલ પણ થયો. હજુ ઉંમર કેટલી થઈ છે? શું કામ ના થઇ શકે?

                      પોતાના મનને વિચારોમાં રોકીને રવિન્દ્ર ટેબલ ખુરશી તરફ પાછો વળ્યો. મખમલી ખુરશી સાથે ફુલદાનીમાં રાખેલા ફૂલો પણ જાણે એની સામે હસતા હોય એવો ભાસ થયો. ટેબલ ઉપર પડેલી ફાઈલો એનાથી મોં ફેરવતી હોય એવું લાગ્યું. રવિન્દ્ર સ્પર્શ કરશે એ વિચારથી જ પેન રડવા લાગી હોય એવી પ્રતીતિ થઈ. પાછળથી કોઈ દોડી રહ્યું હોય એનો અવાજ આવ્યો. રવિન્દ્રએ પાછળ ફરીને જોયું.

                    દીવાલ ઉપર લગાવેલા અગિયાર દોડતા ઘોડાના પોસ્ટરમાં એની નજર અટકી ગઈ. એ ઘોડા વચ્ચે જાણે રેસ લાગી હતી. હણહણાટી સાથે બધા હોય એટલી તાકાતથી દોડી રહ્યાં હતાં. રવિન્દ્રને વિચાર આવ્યો. 'હું અહીં ક્યાંક જ છું. આમાં જ. આ જ પોસ્ટરમાં. આ જ રેસમાં.પણ ક્યાં? શું આ તબડીક... તબડીક... અવાજ સાથે દોડવું એ જ મારા જીવનની રેસ છે? શું આ જ મારા જીવનનો ઉદ્દેશ છે? નો... નેવર...

                 તો શું છે? પપ્પાના નાના એવા કન્સ્ટ્રકશનના બિઝનેસને આજે 7 વર્ષમાં જ 400 કરોડના એમ્પાયર સાથે દેશ આખામાં ડંકો વગાડ્યો એ શું ઓછું છે? હા કદાચ. સિવિલમાં એન્જીનીયરીંગ કર્યું પછી ફક્ત બિલ્ડીંગો બનાવી. શું માણસાઈની એક ઈંટ પણ કોઈના મકાનમાં મૂકી શક્યો? ધત... માણસાઈ અને લાગણીના વહેણમાં તણાઈ જઈએ તો સફળતા ક્યારેય ના મળે. શું આ યોગ્ય છે? શું સફળ બિઝનેશ મેન એક ઉમદા વ્યક્તિ ના હોય શકે? એક લાગણીશીલ ચરિત્ર ના ધરાવતો હોય?

                       'કેમ ના હોય શકે?' ટેબલ ઉપર પડેલી પેન ઢાંકણાને મળતા જવાબ આપી રહી. રવિન્દ્રએ ગુલદસ્તામાંથી એક ગુલાબનું ફૂલ હાથમાં લીધું. એની કોમળતાને એણે પોતાના હાથથી સ્પર્શ કરીને મહેસુસ કરી. આમ જ હું નિખાલસ ના થઇ શકું! એક સળગતા સવાલ સાથે રવિન્દ્ર આખો અંદરથી સળગી રહ્યો. હાથમાં રહેલું ગુલાબ રવિન્દ્રના આ વિચારથી જાણે કરમાવા લાગ્યું. રવિન્દ્રએ ગુલાબને ઝડપથી ગુલદસ્તામાં મૂકી દીધું. રવિન્દ્રના હાથને કોઈ અજાણી, અદ્રશ્ય દાહ અનુભવ થયો. ધુમાડો ન હતો છતાં આંખો બળી રહી.

                   રવિન્દ્રએ કપાળ ઉપર જરા ઊંધો હાથ રાખ્યો. ક્યાંક તાવ તો નથીને. કોઈ દુઃખાવા વગર માથું ભમી રહ્યું હતું. એણે પેન્ટના ખિસ્સામાં હાથ નાખી છત ઉપર નજર કરી. કાચનું લગભગ 5 લાખ રૂપિયાનું મોટું ઝુમ્મર એના માથા ઉપર પડું પડું થઈ રહ્યું હતું. દીવાલો ઉપર લગાવેલો સફેદ કલર સાદગીની જગ્યાએ અણગમા યુક્ત લાગી રહી. વૈભવી રાચરચીલું મનને, આંખોને ઠંડક આપવાને બદલે વિહ્વળ બનાવી રહ્યું. રવિન્દ્ર વિચારી રહ્યો કેમ?

                    કેમ આ એસ - ઓ - આરામ એના મનને વ્યગ્ર કરી રહ્યાં છે? કેમ આ સતત વૈભવને ઝંખતી આંખો સાદગીને ચાહી રહી છે? કેમ હંમેશા ભોગને ચાહતું હૃદય વિરક્ત થતું જાય છે? કેમ આટલી ઊંચાઈ ઉપર ઉભા હોવા છતાં પગ જમીનની અંદર દટાયેલા મહેસુસ થાય છે? કેમ શરીર ઉપર પહેરેલો 7 હજારનો રેયમન્ડનો શૂટ આજ ભારે, વજનદાર અને અકળામણનો અનુભવ કરાવે છે? કેમ ખરા સમય ઉપર ચાલતી બ્રાન્ડેડ કાંડા ઘડિયાળ પણ સમય મુજબ નથી ચાલતી એવું લાગ્યા કરે છે? કેમ? કેમ આજ મન વિરક્ત છે? આશક્તિ ક્યાં ગઈ? આકર્ષણ ક્યાં ગયું? પ્રગતિનો વિચાર ક્યાં ગયો? સંતોષ કેમ હૃદયને વળગી પડ્યો છે?

                ધ્યાનસ્થ સ્થિત વગર પણ સ્થિર રહેનારું મન આજ આટલું ચંચળ કેમ? શું લક્ષ્ય પુરા થઈ ગયા? શું પ્રગતિ અહીં સુધી જ? આગળ પ્રગતિના કોઈ રસ્તા નથી? કોઈ સંકલ્પના નથી? તક છે છતાં પણ શું રવિન્દ્રનું મન એ તકને ઉઠાવવા નથી માંગતું? પૈસાની ભૂખ સંતોષાઈ ગઈ છે? હથેળીમાં આવતી ખંજવાળ દૂર થઈ ગઈ છે? એ.સી.નું ન્યૂનતમ તાપમાન હવે શરીરમાં આળસ ઉતપન્ન કરી રહ્યું છે? 

                    હજારો પ્રશ્નોની સાથે મનમાં ઉદ્દભવેલા ગાજુસની બહાર નીકળવા રવિન્દ્રની નાવ પાંગળી હતી. હલેસા વગર સાગર ખેડવાની નેમ લઈને મજધારમાં અટવાયેલી નાવમાં પાણી ભરાઈ રહ્યું હતું. રવિન્દ્ર આ બેચેની, આ વિહ્વળતાને ધીમે ધીમે તાબે થઈ રહ્યો હતો. હાથમાંથી ખુદ જ પોતાની જાતને ગુમાવી રહ્યો હતો. સ્થિરતાથી ત્વરિત દ્રઢ નિશ્ચય કરનારો રવિન્દ્ર આજ મૂંઝવણના હિસાબી ચોપડે દેવાદાર થતો જતો હતો. બહાર ફેંકાતા ઉચ્છવાસની સાથે વૈભવની માયા ઢોળાય રહી હતી. શું બધું ફના થવાને આરે હતું? શિસ્તના પાયા ઉપર ઊભેલા એના 'વિઝન એમ્પાયર'ના પાયામાં ભૂકંપના આંચકા આવી રહ્યા હતાં. પરંતુ ઇમારત તો રવિન્દ્રના હ્ર્દયમાં ધરાશાહી થઈ રહી હતી. એ કાટમાળની નીચે ખુદ એ જ દટાઈ રહ્યો હતો.

                  જવું છે કે જવું પડશે? છોડવું છે કે છોડવું પડશે? ખબર નથી કે અજાણ થયો છે? ભુલાઈ રહ્યું છે કે ભૂલવું છે? શું છે? ખબર હોવા છતાં પોતાના ભોળા મનને રવિન્દ્ર ઠગી રહ્યો હતો. 'સી' આકારની બિલ્ડિંગની શરૂઆતમાં ઉપર ક્રોમમાં લખેલા 'વિઝન એમ્પાયર'ના મોટા ચકચકિત બોર્ડને રવિન્દ્ર ધ્યાનથી જોઈ રહ્યો. મનમાં તરત જ એક વિચાર આવ્યો. 'આ બોર્ડનું શું થશે? આ નામ અને આ નામની વેલ્યુનું શું થશે? કેટલી મહેનતથી આ નામને આટલો ચળકાટ આપ્યો છે. પછી એ નામ ઉપર ધૂળ ચડી જશે. કોણ એ ધૂળને ખંખેરશે? કોણ? કેવી રીતે? ક્યાંથી? ફરગેટ ઇટ... લેટ્સ ડુ સમથિંગ ડિફરન્ટ.. રવીન્દ્રએ આંખો બંધ કરી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ