વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભીની લાગણી..!

          

રોજ સવારમાં કંકુ, પહેલાં ગંગાબેનને ત્યાં કામ કરે અને પછી જ બીજે જાય. આ તેનો રોજનો ક્રમ થઈ ગયો હતો. આજે પણ તેનાં ઘરે થયેલ રાતની રામાયણ, કામ કરતાં કરતાં એની ગંગામોસીને સંભળાવી રહી હતી.

બારીનાં સળીયામાંથી પ્રવેશી રહેલાં સૂરજનાં આછા પ્રકાશને નજરોમાં ભરતાં ગંગાબેન, જાણે અતીતની કોઈ યાદોની સફરે નીકળી ગયા હોય તેમ, કંકુને કંઈ જ જવાબ આપી નહોતાં રહ્યાં. કંકુથી હવે રહેવાયું નહીં અને સાવરણી બાજુ પર મૂકી ગંગાબેનને રીતસર ઢંઢોળતી બોલી, 

"મોસી, ક્યાં ખોવાઈ ગયાં? આજ રસોઈ ચ્યમ નય બનાઈ?"

અચાનક યાદોની નિંદ્રામાંથી જાગતાં ગંગાબેન બોલ્યાં, 

"અરે બેટા આજે મન નથી, એમ પણ એકલાં એકલાં હવે ઈચ્છા જ નથી થતી.. આ તારા કાકા તો મને એકલી મૂકી જતાં રહ્યાં ઊપર, હવે હું એકલી શું કરું? ભૂખ જ નથી લાગતી."

"અરે મોસી એવું ના ક્યો હો, અમે તમારાં છોરું જ છીએ ને.. હાલો આજ હું તમને મારા હાથનું રેંગણનું શાક ને બાજરીનો રોટલો ખવડાવું. પસે તો રોજેય ભૂખ લાગહે. જોજો.. હાચું કવ સું હું.."

ઘણી આનાકાની કરી ગંગાબેને, પણ કંકુએ તો હાથ ધોઈ રસોડા પર કબજો જમાવ્યો. 

ગંગાબેન પણ, 

"તું નહીં જ માને કંકુડી.. ખરું ને.." 

બોલી હસી પડ્યાં.


બે વર્ષ થઈ ગયાં, મગનકાકાને ગુજરી ગયાને. બંને નિઃસંતાન હોઈ બસ એકબીજાને સહારે જીવન પસાર કરતાં હતાં. કાકાનાં ગયાં પછી કંકુ ગંગામાસીનું વઘુ ધ્યાન રાખતી. કેમ કે, એકલપંડે જીવવું કેટલું અઘરું છે, એ વાત તે સારી રીતે જાણતી હતી. રઘલો પણ એને એકલી મૂકી હાલતો થ્યો તો.. ઓલી વીજળી હારે. 

કહેતો કે, 

"તને તો રોંધતો ય નહી ઓવડતું કંકુડી.."

ને કંકુ કરગરતી કહેતી, 

"મા તો મુને નાનકી મૂકી ને મરી ગઈ, તો કુન હીખવાડે મુને..પણ હું હીખી જાય.. તું જોજે રઘલા.. ઓંગળા સાટ્યા કરીહ પસે તો.."

પણ ઈ એક નો બે નો થ્યો.. ને નાનકડા કાળિયાને અને કંકુને છોડી વયો ગ્યો, ઓલી વીજળી હંગાથે. ત્યારે ગંગામાસી અને કાકાએ મા બાપ જેમ હાચવી'તી આ કંકુડીને. પોક મૂકી મૂકી રોતી કંકુને માંડ પાટે ચડાવી હસતાં શીખવી દીધું હતું.


'હાલો લ્યો મોસી, થઈ ગયું ખાવાનું .. આ રોંઘતા તો હીખી હું, પણ હવે ઈને વખાણનારું કુણ..?

કહેતી કંકુએ થાળી પીરસીને ગંગામોસીને જમવા બેસાડયા અને એ લાગી બીજાં કામમાં.

ભીની આંખે ગંગાબેન ખાવા બેઠાં. 

"અરે બેટા, શાક રોટલો તો બહુ જ મસ્ત બન્યાં છે હો.. ભારે મીઠી રસોઈ બનાવી હો કંકુડી તારા જેવી જ .." 

કંકુ હરખાતી, શરમાતી,

" હુ મોસી તમેય.. પણ હારું લાગ્યું હો મુને તમારું આવું વહાલથી કહેવું ને ખાવું.. !"

કંકુને તો જાણે ધરમની મા મલી ગઈ. ને લાગણીની ગંગા એની આંખોને ભીની કરતી ગઈ. 


હવે તો રોજ કંકુ હરખઘેલી થતી વહેલી આવે ને પહેલાં રસોઈ કરે અને પછી બીજાં કામમાં લાગી જાય. ગંગાબેને વિચાર્યું, આ જીવનનો શું ભરોસો? કંકુને પગભર કરતી જાવ, તો મારી દીકરી કોઈની ઓશિયાળી ના રહે.

એમણે કંકુને રસોઈમાં થોડું માપનું ધ્યાન કેમ રાખવું અને રસોઈ વિશેની બીજી શિખામણ આપી. એક સરસ મોબાઈલ લઈ આપી, તેમાં શું કઈ રીતે કરવું તે પણ શીખડાવ્યું. ને કંકુડી પણ ઝટપટ બધું શીખવા લાગી. ગંગાબેનનાં સહકારથી 'રસોઈની રાણી નામની ટિફિન સર્વિસ' ચાલુ થઈ, કંકુ માટે. વોટ્સએપથી શરૂ થયેલી આ ટિફિન સર્વીસમાં ધીમે ધીમે ઓર્ડર વધવા લાગ્યાં. ધીમે ધીમે નફો પણ વધવા લાગ્યો. ગંગાબેન કંકુને અડધાં પૈસા આપી દેતાં ને બાકીનાં અડધાંમાંથી સામાન લઈ લેતાં. અને આ હિસાબની સમજ પણ તેઓ કંકુને બરોબર આપતાં. 


'રસોઈની રાણી ટિફિન સર્વીસ' ધીમે ધીમે ખૂબ જ પ્રખ્યાત થવા લાગી. ઘરે ઘરે કામ કરતી કંકુ હવે મોબાઈલમાં ઓર્ડર લેતી કંકુબેન બની ગઈ. એણે એની આજુબાજુની બહેનોને પણ સાથે લીધી અને બધાં સાથે મળી, કામ કરી વઘુ કમાણી કરવા લાગ્યા.


આજે એ વાતને 10 વર્ષ થઈ ગયાં. ગંગાબેન હવે નથી રહ્યાં. પણ 'રસોઈની રાણી ટિફિન સર્વીસ' આજે પણ ધમધોકાર ચાલે છે. કંકુનાં ટિફિનમાંથી અમૂક ટિફિન હવે એકલાં રહેતાં વૃધ્ધોને ત્યાં જાય છે, પણ હા તદન મફતમાં હો.

કંકુ ફક્ત એટલું જ કહે છે, 

"મારી કમાણી તો ગંગામોસીની આંખોની ચમકમાં હતી. આ લોકો જમે અને હાશકારો કરે ત્યારે લાગે, જાણે મારી ગંગામોસી જમ્યાં."

અને એમનાં ફોટા પાસે ભીની આંખે દીવો કરી, પહેલી થાળી એમને અર્પણ કરીને, એ જ થાળીમાં પોતે જમવા બેસી જાય છે.. આજે પણ એ જ હર્ષભરી ભીની આંખે..!


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ