વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્પંદનો

 

ચાંદની અને દરિયો

 

હું તને વર્ષના બારેય મહિના, મહિનાના ચારેય સપ્તાહ, સપ્તાહના સાતેય દિવસ અને દિવસના ચોવીસે કલાક જોઉં છું.

આજકાલથી નહીં, કાયમથી. સદીઓથી…

પણ તું તો મને એમાંથી અડધો સમય જ જોઈ શકે છે.

ક્યારેક તો અડધાથી પણ ઓછો સમય જો ઋતુઓ મહેર ન કરે તો.

મને નફરત છે! નફરત છે આ હકીકતથી કે હું તને જેટલો જોઈ શકું છું એટલો તું મને નથી જોવા પામતો.

હું તને નીરખું ત્યારે પ્રત્યેક ક્ષણનો ઉત્સવ મનાવું છું.

ભલે આપણો સંવાદ અલ્પ હોય, પણ તારો સંગાથ મને વ્હાલો છે.

તું જ્યારે કિનારે રેતીમાં તારાં મોજાંનાં ટેરવાં ફેરવી સુંદર રેખાઓ દોરતો હોય છે, ત્યારે મને તારા પર વિશેષ પ્રેમ ઊભરાય છે.

મને તારો પ્રત્યેક અંશ ગમે છે, ગમતો જ રહેશે.

અને મારા મનમાંથી આ લાગણી કદી નહીં ઓસરે.

ચાહે ઋતુ કોઈ પણ હોય, કાળ કોઈ પણ હોય.

વ્હાલા, હું તને સતત ચાહતી રહીશ…

મને નફરત છે, લોકોએ જે રીતે તને મલિન કરી નાખ્યો છે એનાથી નફરત છે.

તારું સુંદર નીલમ જેવું પાણી હવે ઘાટું લીલું થઈ ગયું છે.

તારા મનોહર કિનારાઓ હવે કચરાથી ખદબદી રહ્યા છે.

તારી અંદર શ્વસતું જીવન પ્રત્યેક રાત્રિએ ટૂંકાઈ રહ્યું છે.

એ લોકોની નજરમાં તારું મૂલ્ય ઘટી ગયું છે, પણ છેક અહીંથી હું જાણું છું કે તું કેટલો અમૂલ્ય છે!

તારા કારણે તો એમનું અસ્તિત્વ ટકી રહ્યું છે, એનાથી અજાણ છે એ લોકો!

છેક અહીંથી હું મારા પ્રિય, તારી લાચાર હાલત જોઈ શકું છું, જોઈ શકું છું કે એ લોકોએ તારી સાથે શું કરી નાખ્યું છે…

આપણે આમ જો હજારો માઇલ દૂર ના હોત તો હું તને મારી સમિપે સાચવીને રાખત.

પણ આપણી વચ્ચેનું અંતર કદી ઘટશે નહીં.

અને અહીં ઉપર સૃષ્ટિના તમામ તારલાઓ મારી ફરતે રહેતા હોવા છતાં એમાંથી એક પણ મારી ઇચ્છા પૂર્ણ નહીં કરી શકે.

મારી ઇચ્છા, કે તું અને હું કાયમ સાથે રહીએ!

એટલે હું કાયમ અહીં બેસી રહીશ, તને ઘુઘવતો સાંભળીશ અને તોફાને ચડતો જોઈશ,

તને ધીમે ધીમે પ્રાણ ત્યાગતો જોયા કરીશ,

લાચાર નજરે…

રાત્રિનો મને ઇન્તઝાર હશે જ્યારે આપણે બંને એકબીજાને એકસાથે નિહાળી શકીએ.

સૂર્યના આગમને તું મને આથમતી જોઈશ અને હું તને એના પ્રકાશમાં દીપી ઊઠતો નિહાળીશ.

કદાચ, કોઈ દિવસ મારી ઇચ્છા પૂર્ણ થશે.

તારી સંગાથે રહેવાની ઇચ્છા, વ્હાલા.

જેથી હું તને એટલો ચાહી શકું જેટલું કોઈએ કોઈને ચાહ્યું ન હોય.

 

(ffsdadnotagain નામક કોઈ અજ્ઞાત યુઝરે ઇન્ટરનેટ પર મૂકેલી કાવ્યાત્મક પોસ્ટનો અનુવાદ.)

***

 

હું તને ચાહીશ ફરી…  

‘જીવન’ને ચાહવું,

જ્યારે શક્તિ થઈ જાય ક્ષીણ

ત્યારેય ચાહવું,

જ્યારે વ્હાલું હોય એ સઘળું

હથેળીમાં રખ્યા થઈ જાય સળગેલા કાગળ જેમ,

ગળામાં પેસી જાય એની રજ ત્યારેય…

જ્યારે યાતનાઓ પડછાયો બની

ઉષ્ણ હવામાં ઠાલવી દે ગરમાવો

ચૂલો બની જાય ફેફસાં જ્યારે

દુઃખોનો ભાર અસહ્ય, એની તળે ચગદાઈને

રહેશે ખરો અકબંધ દેહ?

એવી ક્ષણે

જેમાં હાસ્ય નહીં, દીપ્તિ નહીં, ચેતન નહીં

હળવેકથી…

એવું ‘જીવન’ લઈ બે હથેળીઓમાં,

વ્હાલ ભરેલી દૃષ્ટિ કરી એની ઉપર

કહેશો કે હા, હું તને સ્વીકારીશ

હું તને ચાહીશ, ફરી…  

- ઍલન બાસ

 

(અનુવાદ – સ્પર્શ હાર્દિક)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ