વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રસ્તાવના

"હેલ્લો... હા, તમને...તમને પૂછું છું. કોઈ આવ્યું હતું તમારી પાસે? માધવની તલાશમાં? ખૂબ જ સુંદર. નામ એનું મીરા છે. ના... ના... મીનાક્ષી છે. ના... ના... મીરા નામ છે. શું તમે એને જોઈ? અદ્દલ અપ્સરા સમી છે. મોહક અને રમતિયાળ."
              શું હજુ સુધી એ તમને નથી મળી? આવશે. બહુ જ જલ્દી. એને તલાશ છે. ખુદની... સાથે માધવની... વૈભવ એની નસ નસમાં છે. અને માધવ એના શ્વાસમાં. હજારો પ્રશ્નો છે. જવાબ ક્યાંય નથી. પરંતુ એ થાકતી નથી. હારતી નથી. એક ઝનૂન એની આંખોમાં છવાયેલું છે. એને એના પ્રશ્નોના જવાબ જોઈએ છે. માધવ જોઈએ છે.
                 જે છૂટતું નથી એ પણ છૂટી જાય છે. જે મળે છે એને ચાહ્યું નથી છતાં સ્વીકાર થઈ જાય છે. હર કદમ અનાયાસ એની મરજી વિરુદ્ધ ઉપડે છે. છતાં એનું પરિણામ મીરાના હિતમાં જ આવે છે. એવું લાગે છે કે એની દોર કોઈ બીજાના હાથમાં છે. કોઈ દૂર દૂર એને પુકારે છે. એનો સાદ મીરા આંખ બંધ કરીને સાંભળી રહી છે. કોઈ મધુરું સંગીત કોલાહલમાં પણ એને તલ્લીન બનાવી જાય છે. કંઈક કોમળ પીંછા જેવું એના ગાલ ઉપર ફરતું હોય એવો અહેસાસ થાય છે.
              અજીબ હરકતો એ અનાયાસ કરે છે. જેને ક્યારેય મળી નથી એ પોતાનું લાગે છે. જેની કલ્પના કરી નથી એ હકીકત થઈને આવે છે. જીવનમાં અગણિત મૂંઝવણ છે. એને મનનું સમાધાન કરવું છે. એને એનો રસ્તો કરવો છે. એને જોઈતું મેળવવું છે. ધુમ્મસ જેવા સવાલો ઉપરથી પડદો હટાવવો છે.
               એ દર બ દર ફરે છે. અજાણી જગ્યાએ કોઈ એને દોરી જાય છે. મીરા જાય છે. ખેંચાય છે. દુશ્મનો કારસ્તાન કરે છે. છતાં આબાદ નીકળી જાય છે. એકલી છોકરી જે ખુદને જ શોધી રહી હોય છે એના પણ દુશ્મન હોય! એને જાણવું છે કોણ દુશ્મન છે. મીરાને જ ખબર નથી કે 'મીરા' શું બલા છે. રખડતી, રઝળતી એ તમને મળશે. તમને પૂછશે : 'માધવ ક્યાં છે?'
             છે ને તમારી પાસે જવાબ. ચાલો મળીએ મીરાને અને એના માધવને શોધવામાં આપણે પણ એને મદદ કરીએ.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ