વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આત્મા ના અંતિમ સંસ્કાર - ૨

આ મારી પ્રથમ નવલકથા છે. વિષય પણ રસપ્રદ છે ! પ્રાચીન અને અર્વાચીન સમય જાણે કે સાથે સાથે ચાલે છે ! બે હજાર વર્ષ પહેલા ના એક ચીની સમ્રાટ ની મહત્વકાન્ક્ષા અને એને સમાંતર ભારત માં અર્વાચીન યુગ માં એવીજ મહત્વકાન્ક્ષા ધરાવતા લોકો ! બંને વચ્ચે બે હજાર વર્ષો નો ગાળો છે પણ અદભુત રીતે બંને એકજ સાથે બનતી હોય એવું લાગે છે ! ધર્મ – દિવ્ય શક્તિઓ – માન્યતાઓ થી પર થઇ ને પરંતુ સત્ય શું છે અને સત્ય “સત્ય” છે એ જાણવા આને માણજો. આમાં રોમાંચ છે, ભય છે, પ્રેમ છે, ત્યાગ છે, સાહસ છે અને પરાક્રમ છે. લાલચી લોકો કે દેહ નાં તો શું, આત્મા ના પણ અંતિમ સંસ્કાર કરી નાખે એની વાતો છે. આવો આ અદભુત રોમાંચક થ્રીલરનાં સફર માં મારી સાથે સામેલ થાઓ.

 

આત્મા ના અંતિમ સંસ્કાર -૨

 

જવાન તું તો બહુ હેન્ડસમ લાગે છે ને કઈ, અને આ શું, અરમાની છે ? વાહ વાહ વાહ આતો ભાઈ ભારે કરી, દેશી બોય સુધરી ગયો કે શું ?” યુવા એ રમતિયાળ શરારતી આંખો સાથે મને પૂછ્યું. જવાબ માં મે કઈ કીધું નહિ અને એને જોર થી ભેટી પડ્યો. “એય એય સાલા છોકરી જોયી નથી કે ચોંટી નહિ પાડવા નું, આજ કાલ ના જવાનો ને તો બસ મોકો  જ મળવો જોઈએ છેયુવા એમ આસાની થી મારો પીછો છોડે એમ નહોતી. પછી એણે ઉંચા થઇ ને મારા કપાળ પર ચુંબન કર્યું અને વહાલ થી મારા વાળ માં હાથ નાખી ને એને વેરવિખેર કરી દીધા.  હું ખાસ્સો સવા છ ફીટ ઉંચો છું અને મારા માથા સુધી પહોંચતા એણે સારું એવું ઉંચા થવું પડ્યું. મે એના ચેહરા ને મારા હાથ માં લીધો અને એની સુંદર અને મોહક નીલવર્ણી આંખો માં જોતા જોતા એની પીઠ થપથપાવી. એની મોટી મોટી આંખો માં હમેશની જેમ ભીનાશ છવાયેલી હતી, એને નાક માં ચુની પહેરાવી બહુ ગમતી જે અત્યારે ગાયબ હતી ! એણે કપાળ માં એક નાનું ત્રિશુલ ચાંદલા ની જેમ દોરેલું હતું. એ હસી, એ જ ઉન્મુક્ત મધુર હાસ્ય, એ જ્યારે હસતી ત્યારે એના ગાલો માં ખંજન પડતા અને એના વંકાયેલા હોઠો ના ખૂણા માં એક સહેજ બહાર આવેલો દાંત દેખાતો જે એના હાસ્ય માં અનેકગણી મધુરતા ઉમેરી દેતો અને એની આંખો માં જોતા હમેશા લાગતું કે પાણી જાણે કે હમણા બહાર આવી જશે અને એની સુંદર લાંબી ગરદન જાણે કે કોઈ શિલ્પી એ નવરાશ માં કંડારી હોય તેમ લગતી હતી. એ જરા પણ નહોતી બદલાઈ !  “કેમ છે તું?” મે પૂછ્યું. “બસ હવે છેલ્લા દિવસો કાઢું છું અને મરતા પહેલા એક વાર ચાર ધામ જવા માંગું છું”, એણે આંખો માં ઘેરી ઉદાસી સાથે અને વંકાયેલા હોઠો સાથે મને કહ્યું. “હા અને મારા માર્યા પછી મારા પાછળ હું મારી બધી જ મિલકતો તને સોંપતી જઈશ સમજ્યો, એટલે તું ચિંતા ના કરીશયુવા એ ફરી ગંભીર મુદ્રા સાથે મને કહ્યું. હું ખડખડાટ હસી પડ્યો અને એની રમૂજ માં જોડાયો, “એમ, સાલી તું તો એમ કહે છે જાણે તારા પાસે કુબેર નો ખજાનો હોય અને તું મને કરોડપતિ બનાવી ને જવાની હોય”, મે ટીખળ કરી. એણે મારા સામે આંખો નચાવી અને કહ્યું સાલા થોડી સેવા કર પછી જોઇશ કે કેટલા કરોડ તને આપવા”. હું  નીચો  નમી ને એને પગે લાગ્યો અને એણે મને અશીર્વાદ આપ્યા અને પછી એ હસતી હસતી ઈમારત ના મુખ્ય દરવાજા તરફ દોડી ગયી. હું પણ એની પાછળ મુખ્ય દરવાજા સુધી ચાલી નીકળ્યો. દરવાજો ખોલતા જ સામે એક વિશાળ દીવાનખાના માં મારો પ્રવેશ થયો. નીચે સુંદર મજાનો જુનો પણ હજુ પણ જાજરમાન લાગે તેવો લાલ રંગ નો ગાલીચો પાથરેલો હતો. સામે એકદમ જુના જમાના નું લાકડાનું ફર્નીચર હતું. વચ્ચોવચ રાજાશાહી સોફા હતા જેના પર સફેદ કપડું પાથરેલું હતું. આખા વાતાવરણ માં અજીબ ગંધ આવતી હતી. જાણે કે ઘણા દિવસ થી અહી કોઈ આવ્યું ના હોય તેમ લાગતું હતું ! સોફા ની બંને બાજુ ઉપર જવા માટે બે સીડીઓ હતી. વચ્ચે ઉપર ભવ્ય ઝુમર લટકતું હતું અને દીવાનખાના ની ચારે બાજુ સુંદર રીતે લગાવેલી મશાલો  હતી અને દરેક ની નીચે નાના નાના ટેબલ પર મીણબત્તીઓ મુકેલી હતી. બંને દાદરો ની વચ્ચે ની ખાલી જગ્યા માં એક વિશાળ આકાર નું ભગવાન શિવ નું બે ઉત્તુંગ પર્વતો ની વચ્ચે નૃત્ય કરતુ ખુબજ જુનું તેલચિત્ર હતું જેના રંગ ઝાંખા પડી ગયા હતા અને ઠેક ઠેકાણેથી એમાં ધાબા પણ પડી ગયા હતા અને થોડું ફાટી પણ ગયું હતું. ઇમારત માં પ્રવેશાતાજ આ ભવ્ય ચિત્ર નજર સામે આવતું હતું અને જાણે કે શિવ પોતે હજુરહાજૂર આ દીવાનખંડ માં નૃત્ય કરતા હોય એવો આભાસ ઉભો કરતુ હતું. વાતાવરણ માં એક અજીબ પ્રકારનો સન્નાટો હતો. ઈમારત ની ઉંચી બારીઓ માંથી સુર્ય ના કિરણો સીધા એ તેલચિત્ર માં નીચે પડતા હતા, જાણે કે શિવ ભગવાન ને પ્રણામ કરતા હોય. “વેલકમ વેલકમ માઈ બોય, મોસ્ટ વેલકમ, હાવ આર યુ ?” એક ઘૂંટાયેલો ગહેરો અવાજ દાદરની ઉપરથી આવ્યો. મે ઉપર જોયું તો પ્રોફેસર સિન્હા એક હાથ માં લાકડી પકડી ને ધીરે ધીરે દાદરા નીચે ઉતરી રહ્યા હતા. પ્રોફેસર દુબળા પાતળા ઉંચા આદમી હતા, છાતી સુધી પહોંચતી એમની સફેદ દાઢી, વચ્ચે થી પાથી પડેલા ઠેઠ ખભા સુધી આવતા એમના સફેદ રૂ ની પુણી જેવા વાળ, કપાળ માં પડતી ત્રણ કરચલીઓ, કપાળ પર કરેલું સફેદ ભભૂત નું તિલક, ચેહરા કરતા થોડું પ્રમાણ માં મોટું નાક એમની એક વિદ્વાન સાધુ જેવી પ્રતિભા પાડતા હતા. એમણે કિરમજી કલર નો લાંબો ઝભ્ભો અને નીચે ઝાંખું પડી ગયેલું ભૂરું જીન્સ પહેર્યું હતું, અને ગળા માં રુદ્રાક્ષ ની માળાઓ. એ ધીરે ધીરે દાદરો ઉતરી ને નીચે આવ્યા. હું આગળ વધ્યો અને એમને પ્રણામ કર્યા. એમણે પ્રેમ થી મારા માથા પર હાથ ફેરવ્યો અને મને ભેટ્યા.

એક આદમી બહાર વરંડા માં ચાર નેતર ની ખુરશીઓ ટેબલ વચ્ચે નાખી ગયો અને ટેબલ ઉપર કીટલી માં કોફી મૂકી ગયો. હું પ્રોફેસર ની સામે ગોઠવાયો. યુવા નો ક્યાય પત્તો ના હતો. “કેમ છે તારી માં ને હવે” ? પ્રોફેસરે ચિંતા થી પૂછયું. “સારું છે હવે તો, બસ ક્યારેક ક્યારેક એને તાણ આવે છે વહેલી સવારે બાકી તો કોઈ પ્રોબલેમ નથીમે ઊંડો શ્વાસ નાખતા કહ્યું. પ્રોફેસરે કીટલી લઇ ને ત્રણ કપ કોફી ભરી અને એક કપ મને લાંબો કર્યો. મે હાથ આગળ જ કર્યો હતો ત્યાજ યુવા વચ્ચે આવી અને એણે મારો કપ લઇ ને નીચે મૂકી દીધો. પપ્પા, એ તો કોફી નથી પીતાં, એ ચા જ પીવે છે, એમ કરી ને એણે એની સાથે લાવેલા થર્મોસ અને કપ માંથી એક કપ ભરી ને મને આપ્યો અને મને શરારતી સ્મિત સાથે આંખ મારી. મે કપ હાથ માં લઇ લીધો અને બકાર્ડી ની સુગંધ મારા નાક માં પ્રસરી ગયી. હું મનોમન યુવા ની લુચ્ચાઈ પર હસ્યો. યુવા એ પણ પોતાના માટે એક કપ બકાર્ડી ભરી અને મારા બંને પગ ની વચ્ચે નીચે બેસી ગયી. “ચલ જવાન, આજે તારો વારો છેએણે ટેબલ ના ખૂણે પડેલી તેલ ની શીશી ઊંચકી ને મને આપતા કહ્યું. મે હાથ માં થોડું તેલ લીધું અને એના લીસ્સા સુંદર કાળા વાળ માં ઘસવા નું ચાલુ કર્યું. અમારી આ બધી હરકતો થી અજાણ બનતા પ્રોફેસરે કોફીના ઘૂંટડા ભરતા ભરતા દૂર કુવા તરફ  અનિમેષ નયને જોયા કર્યું. શિયાળા ની સવાર નાં હુંફાળા તડકા માં અમે ત્રણે જણા બેઠા હતા અને ત્રણે જાણે કે એક બીજા થી અલગ અલગ થઇ ને કંઇક વિચારતા હતા. ૧૫ મીનીટ પછી યુવા ઉભી થઇ અને મને એક બીજો પેગ ભરી આપ્યો અને નીચે નમી ને મારા કાન માં થેન્ક્સ કહી ને જતી રહી.

લે આ વાંચ અને મને કહે કે તને શું લાગે છે ?” પ્રોફેસેરે એમના હાથ માં રહેલા લેપટોપ ને મારા તરફ સરકાવ્યું. મે લઈને ધ્યાન પૂર્વક જોયું તો એમાં સ્કેન કરેલું એક પેજ હતું. ઓરીજનલ કાગળ જાણે કે ખુબજ જુનું અને જર્જરિત અવસ્થા માં હોય એમ પીળું પડી ગયું લાગતું હતું. મે સ્કેન કરેલી એની આવૃત્તિ તરફ નજર દોડાવી તો મને નાં સમજાય એવા અક્ષરો માં કંઇક લખેલું હતું. મારી મૂંઝવણ પામી ગયા હોય એમ પ્રોફેસર બોલ્યા કે એને ધ્યાન થી જોઈ લે પછી ડેસ્કટોપ પર મે એનો અનુવાદ કરેલો છે એ વાંચ.” મે અનુવાદ વાળું પાનું ખોલ્યું અને ધ્યાન થી વાંચવા માંડ્યો.

કઈ સમજાતું નથી ઓ મહાન સમ્રાટ, કઈ જ દેખાતું નથી, ચારે તરફ સફેદ સફેદ બરફ ની ચાદરો અને પહાડો પથરાયેલા છે. કોઈ માર્ગ સુજતો નથી. ક્યાં જવું અને શું કરવું એનું પ્રમાણ ભાન પણ હું ગુમાંવાવા માંડયો છું. આ વંટોળે મને મારા સાથી વણઝારાઓ થી જુદો પાડી દીધો છે, ક્યાં ગયા છે એ લોકો, હું ક્યાં ખોવાઈ ગયો છું એ ખબર નથી પડતી !!! ત્યાજ જાણે કે ધરતીકંપ થયો હોય એમ ધરા ધ્રુજી ઉઠી અને હું મારી સ્થિરતા ગુમાવી ને નીચે પડી ગયો. આખા વાતાવરણ માં મંદ મંદ સુગંધ પ્રસરી ગયી, દૂર રહી ગયેલા તળાવ નાં સ્ફટિક પાણી માં જાણે કે વમળો ઉઠ્યા હોય એવો મને આભાસ થયો, અને લાગ્યું કે હવે મારું મોત નક્કી જ છે. મારી સમક્ષ નાં પહાડો ધ્રુજી ઉઠ્યા અને જાણે કે ડોલી રહ્યા હોય એવો મને આભાસ થાય છે. મારી આંખો માં પાણી આવી ગયું છે, હું નીચે પડ્યો પડ્યો ઠંડી માં ધ્રુજી રહ્યો છું. દૂર ક્યાંક જાણે કે નગારા કે કોઈ વિચિત્ર વાજિંત્ર વાગતું હોય એવો આભાસ થાય છે. મે મારી બધ્ધી હિંમત એકત્ર કરી ને અવાજ ની દિશા માં જોયું તો જાણે કે દૂર દૂર નાં ક્ષિતિજ ની પેલી પાર નાં બે ઉત્તુંગ પહાડો વચ્ચે કોઈ માનવ આકૃતિ હોય એવું મને લાગ્યું. એ આકૃતિ નાં હાથ માં એક વિચિત્ર પ્રકારનો ત્રણ આંકા વાળો ભાલો હતો અને એ આકૃતિ જાણે કે નાચી કૂદી રહી હોય, કોઈ પ્રકાર નું નૃત્ય કરી રહી હોય એમ મને લાગ્યું. શું એ મારો ભ્રમ છે ? શું હું મરવા પડ્યો છું એટલે મને ચિતભ્રમ થઇ રહ્યું છે ? એ આકૃતિ અસ્પષ્ટ છતાં પણ કેમ એકદમ સ્પષ્ટ દેખાય છે ? મને કઈ સમજાતું નથી. બર્ફીલા તોફાનો વધી રહ્યા છે. મારી આંખો બંધ થઇ રહી છે, મારો શ્વાસ તૂટી રહ્યો છે, એ આકૃતિ જાણે કે મારા માનસપટ પર નાચી રહી હોય એમ લાગે છે, અવાજ ધીરે ધીરે મંદ પડતો જાય છે. અચાનક મને કોઈ ઉઠાડી રહ્યું હોય એમ લાગે,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

આગળ કઈ લખ્યું નહોતું. મે પ્રોફેસર ની સામે જોયું અને મારી આંખો માં રહેલા પ્રશ્ન ને વાંચી ગયા હોય એમ એમણે મારી સામે સ્મિત કર્યું અને કહ્યું બસ આટલુંજ હતું”. મે ફરીથી એમણે કરેલા અનુવાદ સામે જોયું અને પછી એક શ્વાસ માં પૂછ્યું આ તમને ક્યાં થી મળ્યું ?, શું આમાં તમને કંઇક ભેદ લાગે છે ? કોણે લખ્યું છે આ ?” જવાબ માં પ્રોફેસર ધીમું હસ્યા અને કોફી ના ઘૂંટડા ભરવા લાગ્યા. “યુવા ને આવી જવા દે પછી તમને બંને ને માંડી ને વાત કરું છું”. એ ધીમેથી બોલ્યાઅને ઉભા થઇ ને અંદર જતા રહ્યા.

___________________________________________________________________________

સમર, ઓ ઓ ઓ ઓ સમરરરર, બેટા સમર અહી આવ મારી પાસે, મારા પાસે બેસ, કેવો દુબળો પડી ગયો છે તું, ઓહ શું લાવ્યો છે તું મારા માટે, પીળું જંગલી ફૂલ, મારું મનપસંદ ?” એણે ખુશ થઇ ને નાના બાળકો ની જેમ તાળીઓ પાડી, “લે મારા વાળ માં લગાવી દે તું, અને હા, તું થાકી ગયો હોઈશ નહિ ? ચલ જલ્દી થી હાથ મોઢું ધોઈ લે એટલે હું તને ખાવાનું પીરસી દઉં છું.” એની આંખો માં પાણી આવી ગયા, અને વ્યાકુળ નજરે એ દીવાલ ને તાકી રહી, “જલ્દી કર સમર, તારા મનપસંદ ભરેલા ભીંડા અને ચિકન કરી બનાવ્યા છે મે આજે, ચલ જલ્દી કર તું”. એણે ઉભા થવાની કોશિશ કરી. “ડોક્ટર ડોક્ટર, પેશન્ટ ભાન માં આવી ગયું છે, અને મને લાગે છે કે એને પાછો એટેક આવ્યો છેનર્સે બૂમ પાડી ને ડોક્ટર ને બોલાવ્યા. ડોક્ટરે આવીને એની નાડ તપાસી અને એનું માથું થપથપાવ્યું અને એક ઇન્જેક્શન આપ્યું. એ થોડી વાર બબડતી રહી અને પછી પાછી નિંદ્રા માં સરી પડી. “એમની શારીરિક અને માનસિક હાલત બહુ ખરાબ છે એમને શોક લાગ્યો છે, આમ ને આમ તો એ બહુ નહિ ટકી શકે, હા જો સમર જલ્દી  થી આવી ને એમને મળે તો કદાચ એ થોડા મહિના વધારે કાઢી શકે ખરાડોક્ટરે કહ્યું.

ઈસવીસન પૂર્વેના પ્રથમ દસકા માં લખાયેલી આ હસ્તપ્રત છે જે મને બીજિંગ નાં જુના મ્યુંસીયમ માં થી નકામાં અને જર્જરિત થઇ ને ફાટી ગયેલા જુના અવશેષો ની ફાઈલ માં થી મળી. એમને મન આનું કોઈ મહત્વ ના હતું અને આવી ઘણી બધી જર્જરિત થયેલી નકામીવસ્તુ ઓ એમણે એક ફાઈલ માં રાખી મૂકી છે કોઈ પણ પ્રકાર ની સાર સંભાળ વિના. મે પરવાનગી લઇ ને આના ડીજીટલ ફોટાઓ પાડી લીધા હતા. અને પછી મે એનો અનુવાદ કર્યો જે તમારી સમક્ષ છે.” પ્રોફેસરે એકજ શ્વાસ માં લેપટોપ માં જોતા જોતા કહ્યું. “તમને તો ખબરજ છે કે મે મારી સમગ્ર ઝીંદગી પુરાતત્વ વિભાગ માં જ કાઢી છે અને પછી નિવૃત થઇ ને હું મારા દિલ માં આવેલી એક ઊંડી ઊંડી ઈચ્છા પૂરી કરવા માં રચ્યો પચ્યો છું. મને ખાતરી છે કે આ અનુવાદ આપણને એક એવી દિવ્ય શક્તિ નો પુરાવો આપે છે કે જેને લોકો પૌરાણિક માન્યતા ગણી ને ભૂલી જવા લાગ્યા છે.” પ્રોફેસર શ્વાસ ખાવા રોકાયા અને આગળ બોલ્યા મે મારી નિવૃત્તિ પછી નો સમય અહી આવી ને પહાડો માં આરામ કરવા માટે નથી કાઢ્યો પણ જે શક્તિ વિષે મારી દ્રઢ માન્યતા છે એ શક્તિ ને પામવા, એના વિષે સંશોધન કરવા માં કાઢ્યો છે. આ હસ્ત્પ્રતે મને એક નવી દિશા આપી છે અને મને ખાતરી છે કે જો આપણે આમાં વધારે ઊંડા ઉતરીશું તો આપણને એક દિવસ જરૂર સફળતા મળશે”. આટલું કહી ને એ આશા ભરી નજરે અમારી સામે જોઈ રહ્યા. “પરંતુ આમાં તો એવું કઈ ખાતરી પૂર્વક કહી શકાય એવી કોઈ વાત નથી અને જો એમ હોય તો પણ તો એની આગળ ની ખુટતી કડી ક્યાં છે ? એની પહેલાનું અને પછી નું વર્ણન ક્યાં છે ? મે કહ્યું. “અને જે માણસ આટલી ઠંડી માં મરવા પડ્યો હોય એને ચિતભ્રમ પણ થાય અને એને આવી બધી વસ્તુઓ પણ દેખાય કે નહિ પ્રોફેસર?” મે મારી શંકા જાહેર કરી. જવાબ માં પ્રોફેસરે એમની નાનકડી હોકલી પેટાવવા માચીસ હાથ માં લીધી, યુવા એ કરડી નજરે એમની સામે જોયું અને પ્રોફેસરે માચીસ પાછી મૂકી દીધી અને ખાલી હોકલી ને મોમાં આમ તેમ ફેરવ્યા કરી. થોડી વાર પછી એ બોલ્યા તારી વાત સાચી છે, પણ એ નાં ભૂલ કે એ જમાના માં આપણો અને એમનો વ્યચારિક ભાષાકીય અને સાંસ્કૃતિક ગેપ કેટલો બધો હતો ? તું જ મને કહે કે શું એ ચીની મુસાફિર ને કે વણઝારાને કે પછી એ જે હોય તેને સ્વપ્ને પણ આપણા ભગવાન નો સાક્ષાત્કાર કેવી રીતે થાય કે એનો વિચાર પણ કેવી રીતે આવે ? જેના વિષે આપણે કશું જાણતા જ ના હોઈએ કે જેના વિષે કદી કશું વિચાર્યું પણ ના હોય એ વસ્તુ આપણને જો મરવા પડ્યા હોય તો પણ લોજીકલી કેવી રીતે દેખાય કે એનું સ્વપ્ન આવે ?” પ્રોફેસર ની દલીલે મને ચુપ કરી દીધો. યુવા પહેલી વાર વચ્ચે બોલી પણ એવું શક્ય નથી કે એણે રસ્તા માં કોઈ વણઝારાઓ પાસે થી ભગવાન શિવ ક્યારેક ક્યારેક આવી રીતે પર્વતો પર નૃત્ય કરતા દેખાય છે અને દર્શન આપે છે એવી દંતકથાઓ સાંભળી હોય ? તમને નથી લાગતું કે તમે એક ચીની પ્રાચીન દસ્તાવેજ ને આપણી  પ્રાચીન માન્યતાઓ સાથે ખોટી રીતે જોડી રહ્યા છો ?”

શક્ય છે બેટા, પણ એ નાં ભૂલો કે એ કઈ તરફ થી આવતો હતો, અને એ શાના માટે પ્રવાસે નીકળ્યો હતો એ પણ આપણને ખબર નથી, એણે સમ્રાટ નો ઉલ્લેખ કર્યો છે એટલે મને લાગે છે કે એ ત્યારના તત્કાલીન સમ્રાટ હુંગ નો પગારદાર પ્રવાસી હશે અને કદાચ એની કૃપા થી એ ભારત કે પછી ભારત તરફ નાં દેશ માં આવવા નીકળ્યો હશે.” કદાચ એ બુદ્ધ ધર્મનો પ્રચારક પણ હોય અને કદાચ એ કોઈ સાહસિક પ્રવાસી પણ હોય કે કોઈ સામાન્ય વણઝારો પણ હોય શકે છે, પણ એ વાત તો માનવી જ પડશે કે  એણે જે જગ્યા અને તળાવ નું વર્ણન કર્યું છે એ જ તો આપણી પ્રાચીન દંતકથાઓ મુજબ ભગવાન શીવજી નું સ્થાન છે અને ત્યાં શીવજી લોકો ને દર્શન પણ આપે છે એ પણ એક જાત ની માન્યતા છે. હું કદી ખોટી અંધશ્રદ્ધા માં નથી માનતો અને દરેક વસ્તુ ને વિજ્ઞાન નાં એન્ગલ થી પણ પારખું છું પણ બેટા ક્યારેક આપણે જ્ઞાન અને વિજ્ઞાન ની જાળ માં એવા ફંસાઈ જઈએ છીએ કે આપણને સાચું ખોટું પારખવાની બુદ્ધી નથી રહેતી.” એ થોડુંક રોકાઈ ને આગળ બોલ્યા જ્ઞાન વિજ્ઞાન અને ચમત્કારો, દંતકથાઓ, પ્રાચીન માન્યતાઓ બધાએ આપણને આજ સુધી બાંધી રાખ્યા છે, આપણી સંસ્કૃતિ ને બાંધી રાખી છે, જો એ નું અસ્તિત્વ છે તો પછી એમાં આવતી વાતો નું પણ અસ્તિત્વ પણ હોવાનું જ છે બેટા, આજ નાં વિજ્ઞાની ઓ ભલે મોટા દાવા કરે કે માણસ ની ઉત્ત્પત્તિ એકકોશી  અમીબા માં થી થઇ છે અને એણે લગતા પુરાવા પણ આપે છે પણ છતાં આપણે એ પુરાવા ને સાચા માની ને એ વાતો ને માની નથી લેતા ? કેમ? કારણ કે કોઈ ક્વોલીફાઈડ ભણેલા ગણેલા વિદ્વાન માણસે કે માણસો નાં સમૂહે એ વાત સ્વીકારી છે સમગ્ર માનવ જાત વતી, રાઈટ ? તો પછી એવીજ રીતે આપણા પ્રાચીન ઋષિ મુનીઓ અને અન્ય લોકો એ આપણને જે વાતો કરી છે એ આપણે શા માટે તર્કવિહીન અને વાહિયાત ગણીએ છીએ ? તમે માનો કે નાં માનો પણ દેશ ની ૯૦ ટકા વસ્તી તો એમાં માને છે ને ? અને એ માન્યતાઓ ના સહારે, દીવાલ પર ટીંગાડેલા ફોટો ને કે પછી પથ્થર ની બનાવેલી મૂર્તિ ઓ ને પૂજી ને કે પછી ધર્મગ્રંથો ના સહારે જ તો આપણો સમાજ જીવ્યો હતો, જીવે છે અને જીવશે, શું એ બધા નું કોઈ મોલ નથી ? આપણે ભણી ગણી ને આગળ તો વધી ગયા છીએ પણ આપણી પાછળ એક વિચિત્ર પ્રકાર ની સુગ પણ મુકતા ગયા છીએ કે જે આપણી આંખો અને બુદ્ધિ ને આવું કંઇક પણ માનવા માટે નાં પાડે છે. શું આપણે ઓપન માઈન્ડેડ લોકો છીએ કે એ લોકો જે ખુલ્લા દિલ થી આ બધું સ્વીકારતા હતા અને એણે ફોલો કરતા હતા- કરે છે એ લોકો ઓપન માઈન્ડેડ છે ?”

પ્રોફેસર ની વાત સાંભળી ને હું અને યુવા બંને ચુપ થઇ ગયા. એમની વાત માં વજૂદ તો હતું જઅમને ચુપ જોઈને પ્રોફેસરે આગળ ચલાવ્યું શું કૃષ્ણ આ ધરતી પર વિહરતા હતા, શું બુદ્ધા નું અસ્તિત્વ હતું, શું રામ નો જનમ અહી થયો હતો, શું શિવજી અહી નૃત્ય કરતા હતા? જ્યાં સુધી તમને જવાબ હા માં ના મળે કોઈ પ્રૂફ સાથે તો પછી તમે તેને અવગણી કેમ શકો ? કેમ કે તમને એના જવાબો શોધવાનો કોઈ રસ્તો નથી મળતો ? કેમ કે તમને લાગે છે કે એ કોઈ ઋષિ મુની એ ભાવાવેશ માં આવી ને લખેલી કપોળ કલ્પિત વાર્તાઓ છે ? સમાજ માં ધર્મ ના નામે ફેલાયેલી અફવાઓ માત્ર છે ? પોતાના આરાધ્ય દેવો ને સર્વપરી સ્થાપિત કરવા નું ષડયંત્ર છે ?” પ્રોફેસર ની આંખો માં ખુન્નસ ઉતરી આવ્યું અને અવાજ ધારદાર થઇ ગયો. “આંખો ખોલવાનો સમય પાકી ગયો છે બેટા, કોઈ નું કીધેલું કે સમાજ નાં એક વર્ગ દ્વારા માન્યતા પામેલું અને છપાયેલું જ માનવાનું છોડી દો, મન ને છુટું મૂકી દો અને એને જાતે એનો માર્ગ શોધવાનો એક મોકો આપો. સત્ય કદી કોઈ એક સ્થૂળ વસ્તુ નથી કે જે ખોવાઈ જાય અને પછી આપણે એને શોધી શકીએ, સત્ય આપણી અંદર હોય છે, બસ એને સમજવાનું અને પામવાનું જ બાકી હોય છે, જે લોકો એને સમજી શકે છે એ લોકો એને પામવાની દરકાર નથી કરતા અને જે લોકો એને પામી લે છે એને સમજવાની કે સમજાવવાની દરકાર નથી કરતા, જે એ બંને ને સાથે રાખી ને સત્ય નો આદર કરે છે એ જ લોકો ને એના સાક્ષાત્કાર થાય છે. ગમે તેવા ડીજીટલ કેમેરા આવે કે એક્સરે મશીન આવે પણ શું આપણે આત્મા નો ફોટો પાડી શકી એ છીએ ? શું આપણે એને સ્કેન કરી ને આપણા કમ્પુટર નાં ડેસ્કટોપ કર મૂકી શકી એ છીએ ? આત્મા ને સમજો, પામો અને પછી એને અનુભવો તો આ બધું કઈ કરવાની જરૂર નથી, બસ એ આપોઆપ જ આપણા મન નાં ડેસ્કટોપ પર સંઘરાઈ જાય છે.” બધુજ સુક્ષ્મ હોવું, સ્થૂળ હોવું જરૂરી નથી, અલૌકિક અગોચરી અવર્ણનીય અદભૂત્ત અવિસ્મરણીય અમાપ આવિષ્કારિક અદ્વિતીય પણ હોય છે અને એનો મુગ્ધ થઇ ને આનંદ માણવો એ જ એની હાજરી છતી કરતો પુરાવો હોય છે.”

અમે બંને પ્રોફેસર નાં જ્ઞાન અને દલીલો આગળ સ્તબ્ધ થઇ ગયા અને કશું બોલી ના શક્યા. ત્રણે જણા થોડી વાર કશું જ કીધા વગર બેસી રહ્યા. એટલામાં કુવા ની પાસે બાંધેલો ઘોડો હણહણવા લાગ્યો, અને એની પાસે ઉભેલા આદમી એ એને થાબડી ને શાંત પાડવાની કોશિશ કરી. યુવા કશુજ બોલ્યા વગર ઉભી થઇ ને અંદર ચાલી ગઈ, અને એના જતાજ પ્રોફેસરે એમની હોકલી ને પેટાવી ને ઊંડા ઊંડા કશ મારવાના શરુ કર્યા. મે ફરીથી પ્રોફેસરે લીધેલી ડીજીટલ તસ્વીર માં ધ્યાન કેન્દ્રિત કર્યું.

બે હજાર વર્ષ પહેલાના પ્રાચીન ચીન ના મહાન સમ્રાટ હુંગ ના સમય માં -

સમ્રાટ હુંગ એના મહેલ માં બેચેની થી આંટા મારતો હતો. આજે એક મહિનો ઉપર થવા આવ્યો હતો અને હવે તે વધારે રાહ જોઈ શકે તેમ ના હતો, તેણે એના ખાસ સલાહકાર ચાંગ ને તેડું મોકલ્યું. અને તે પોતે મહેલ નાં ઝરોખા માં જઈને ઉભો રહી ગયો. એના વિશાળ મહેલ નાં ઝરોખા માં થી એણે દૂર દૂર સુધી નજર દોડાવી, મહેલ ની બહાર આવેલા ચોગાન માં એના સૈનિકો ની તાલીમ ચાલતી હતી. એનો સેનાપતિ મિંગ પોતે ત્યાં હાજર હતો અને સૈનિકો ની તાલીમ ઉપર જાતે ધ્યાન રાખતો હતો. સમ્રાટ હુંગ ને સેનાપતિ મિંગ માટે ખુબજ માન હતું, બંને નાં સ્વભાવ પણ સરખા હતા, બંને ખુબજ આક્રમક, લડાયક મિજાજ નાં અને ક્રૂર હતા, ઉપર થી સેનાપતિ મિંગ એનો સાળો પણ થતો હતો. દૂર ઝરોખા માં સમ્રાટ ને જોઈ ને એક સૈનિકે સેનાપતિ મિંગ નું ધ્યાન દોર્યું, મિંગે ઝુકી ને સમ્રાટ હુંગ નું અભિવાદન કર્યું, જવાબ માં હુંગ એ એણે ઈશારા થી ઉપર મહેલ માં આવવા જણાવ્યું.

સમ્રાટ હુંગ નાં વિશાળ દરબાન માં આજે એના સિવાય ચાંગ અને સેનાપતિ મિંગ સિવાય કોઈ ને પ્રવેશવાની છૂટ ના હતી. ચાંગ કમરે થી વળી ગયેલો લગભગ ૬૦ વરસનો બુઢો આદમી હતો, હુંગ નાં દરબાર નો એ ખાસ સલાહકાર અને જુના માં જુનો દરબારી હતો. હુંગ નાં પિતાજી પણ એની સલાહ ને માન આપતા. લાકડી નાં ટેકે ધીરે ધીરે ચાલતા આવતા ચાંગ ને જોઈ ને સમ્રાટ હુંગ ને મનમાં કાયમ અણગમો થતો પણ એની સલાહો ઘણી વાર કામ આવી હતી અને એના જેવી તીવ્ર બુદ્ધિ ધરાવતો માણસ એણે ક્યાય જોયો ના હતો. એની પાછળ પાછળ સેનાપતિ મિંગ પણ નમ્રતા થી ચાલ્યો આવતો હતો.

ચાંગ, હવે કેટલી રાહ જોવી મારે ? તમારા કેહવા મુજબ મે પહેલા લી ને અને હવે સુંગ યુન ને પણ મોકલ્યા પરંતુ મને નથી લાગતું કે તમારી સલાહ કામ આવી છે ! ૨ વરસ થઇ ગયા છે પણ હજુ સુધી મને કોઈ જ સફળતા મળી નથી. તમારું માનીને મે મારી સેના ને રોકી રાખી છે પણ હવે તમને નથી લાગતું કે સમય પાકી ગયો છે ?” સમ્રાટ હુંગ ગુસ્સા માં આવી ને ચાંગ ની સામે જોઈ ને બોલ્યો. જવાબ માં ચાંગ કશુજ ના બોલ્યો અને હુંગ ની સામે તાકી રહ્યો. “મારા મહાન પિતાજી સમ્રાટ જો અત્યારે જીવતા હોત તો આપણે ક્યારના આપણો મકસદ પુરો કરી દીધો હોત, પણ હવે એમની અધૂરી ઈચ્છા ને પૂરી કરવી એજ મારી કામના છે અને એમાં હવે હું વધારે રાહ જોઈ શકું તેમ નથી. એ ગામડિયાઓ શું આપણને મદદ કરવાના છે ? આમાં તો આપણે જાતે જ કંઇક રસ્તો કાઢવો પડશે. અને તમને શેનો ડર સતાવી રહ્યો છે કે તમે મને આ કામ જાતે કરવાની છૂટ નથી આપતા ?”! સમ્રાટ હુંગ જાણે કે એક વિદ્યાર્થી એના શિક્ષક સામે ફરિયાદ કરતો હોય એમ બોલી ઉઠ્યો. “તમને ખબર નાં હોય તો પૂછી જુવો આ મિંગ ને કે હવે સમય પાકી ગયો છે અને જો આપણે જલ્દી પગલા નહિ લઇ એ તો આ મહાન હુંગ સામ્રાજ્ય નું પતન થઇ જશે અને એના જવાબદાર તમે અને હું ઠરીશું”.

ચાંગે એના કરચલી પડેલા ચેહરા ઉપર હાથ ફેરવ્યો અને ચુંચી આંખો સેનાપતિ મિંગ તરફ ફેરવી અને એની સામે સુચક નજરે જોયું. સેનાપતિ મિંગ એની નજર નાં મિલાવી શકતો હોય એમ સમ્રાટ હુંગ તરફ ફરી ને બોલ્યો એ મહાન સમ્રાટ, ચક્રવર્તી પરાક્રમી રાજા, આપ અમારા રહેતા કોઈ ફિકર કરશો નહિ, ગમે તેટલા શત્રુ ઓ નાં ધાડા આવે પણ આપણે આપના સામ્રાજ્ય ની રક્ષા કરવા માટે સક્ષમ છીએ, એના માટે આપણને કોઈ દિવ્ય શક્તિ ની જરૂર નથી ઓ સમ્રાટ”.  ચાંગે હવે સમ્રાટ હુંગ તરફ પ્રશ્નાર્થ રૂપે જોયું.

મને મારા સૈનિક બળ પર પુરો ભરોસો છે પણ એ નાં ભૂલો કે આજ થી ૧૦ વરસ પહેલા આપણી સેના એ લાલ રણ માં કેવી પછડાટ ખાધી હતી અને એ સિવાય મારે ઉત્તર તરફ નાં બધાજ રાજ્યો જીતી ને મારા પ્રદેશ માં સમાવવા છે એનું શું ? નાં, હવે મને રાહ જોવી પોસાઈ એમ નથી, ચાંગ તમે આજે કહી જ દો કે એ કઈ વસ્તુ છે જેનાથી તમે મને અને મારા પિતાજી ને દૂર રાખતા આવ્યા છો ? આપણે શા માટે એની શોધ કરી ને એને પામી નાં શકીએ ? શું એ દિવ્ય શસ્ત્ર છે પણ ખરું કે પછી તમારા મન ની ઉપજ માત્ર છે ? આજે તમારે જવાબ આપવો જ પડશે નહિ તો હું મારી જાતે એની ખોજ માં નીકળી પડીશ.” સમ્રાટ હુંગે ઉશ્કેરાટ માં આવી ને ચાંગ ની સામે જોયું.

ચાંગ લાકડી નાં ટેકે એક તરફ આવેલી બેઠક ભણી બેસી ગયો. એના કરચલી પડેલા ચેહરા માં ભય છવાઈ ગયો, જે વસ્તુ થી એ સમ્રાટ હુંગ ને અને એના પિતા ને દૂર રાખવા માંગતો હતો એ હવે આ મહત્વાકાંક્ષી રાજા હવે એને એમ નહિ કરવા દે એની એને ખાતરી થઇ ચુકી હતી. “સર્વનાશ થઇ જશે મહારાજ, બધું જ ખતમ થઇ જશે, એક એવો વંટોળ ઉઠશે અને એવી આંધી આવશે કે એમાં આપણે બધાજ તણાઈ જઈશું. એ કોઈ મામુલી શક્તિ નથી મહારાજ, અને એણે પામવા ની હઠ છોડી દો, મે તમારા પિતાજી ને પણ ખુબજ સમજાવ્યા હતા અને તમને પણ કહું છું કે તમે આ સાહસ ના કરશો, જે વસ્તુ આપણને સર્વનાશ તરફ ધકેલી દે એ વસ્તુ થી દૂર રહેવા માં જ શાણપણ છે મહારાજ”. થોડુંક રોકાઈ ને ચાંગ ફરી બોલ્યો હું જ્યારે નાનો હતો અને મારા પિતાજી આપનાં પિતાજી ની સેવા માં હતા ત્યારે પણ એમણે આપની જેમ આ વાત કાઢી હતી અને મારા પિતાજી એ એ વખતે એમને એવું કરતા રોક્યા હતા. એ શક્તિ સર્વનાશ વ્યાપી દે એવી છે, એ શક્તિ નથી પણ એ એક માયાજાળ છે, એ તમને ખેંચે છે પણ એ જ તમારો વિનાશ કરાવી દે છે. આજ સુધી એને ત્યાં થી કોઈ લાવી શક્યું નથી. ના તો એનો કોઈ એ ઉપયોગ કર્યો હોય એવું મે સાંભળ્યુ છે. એ દૈદીપ્યમાન શક્તિને ત્યાજ રહેવા દો, એમાં જ આપનું બધાનું ભલુ છે. જો એનો ઉપયોગ થશે તો ધરતી ધ્રુજી જશે અને આસમાન ફાટી ને નીચે  આવી જશે અને સમગ્ર જીવો નું નિકંદન થઇ જશે.”  ચાંગ ધ્રુજવા લાગ્યો હતો અને એની આંખો માં ભય વ્યાપી ગયો હતો.

શું એ સાચી વાત નથી કે એ શક્તિ નાં માલીક ને કોઈ હરાવી શકતું નથી, એ અમર બની જાય છે અને એના એક ઈશારા થી સૃષ્ટિ નો નાશ થઇ જાય છે ?” સમ્રાટ હુંગે ચાંગ ને પૂછ્યું ? જવાબ માં ચાંગે ડોકું ધુણાવી ને હા પાડી. “તો શું તમે એમ કહેવા માંગો છો કે મહાન હુંગ સામ્રાજ્ય એ શક્તિ ને લાયક નથી ? શું મારામાં એટલી યોગ્યતા નથી કે હું એ શક્તિ નો માલિક થઇ ને આ સમગ્ર જગત પર રાજ કરું ? અમર બનુ ? તમને આજ સુધી નિભાવેલી રાજકીય વફાદારી શું કામ ની ત્યારે ? શું તમે અને તમારા પૂર્વજો એ હુંગ સામ્રાજ્ય નો પાયો નાખવા માં આપેલા બલિદાનો નિરર્થક છે ? શું તમને તમારા વડવા ઓ ની આત્માઓ આ કાર્ય ને પૂરું કરવા નથી કહેતી ? કે પછી હુંગ સામ્રાજ્ય માં હવે માત્ર નાંમર્દો જ રાજ કરવાના છે ?”

ચાંગે વહાલથી અને અહોભાવ થી એના આ જુવાન સમ્રાટ તરફ જોયું, એણે એને નાનપણ  થી મોટો થતા જોયો હતો, ભણાવ્યો હતો, અને એ એના માં રહેલા નૈતૃત્વતા નાં ગુણો અને નીડરતાથી પ્રભાવિત હતો. એને ખબર હતી કે એના પિતાજી કરતા એને તર્ક માં હરાવવો બહુજ મુશ્કેલ છે. અને એનો ઝીદ્દી સ્વભાવ, એનું ધાર્યું કરવાની એની આદત એનાથી અજાણી ન હતી. એ સમ્રાટ હુંગ ને પોતાના પુત્ર થી પણ વધારે વહાલ કરતો હતો. એને પોતાને કોઈ સંતાન ન હતું પણ એ હુંગ ને પુત્ર કરતા વિશેષ ગણતો હતો અને એટલા માટે જ એ એને વારવાની કોશિશ કરતો હતો પણ હવે એ તેણે નિરર્થક જણાતું હતુંસમય પાકી ગયો હતો નિર્ણય લેવાનો. એને એના પિતાજી યાદ આવી ગયા. એમણે મરતા પહેલા એને આ વાત ની જાણ કરી હતી અને એવી ચેતવણી પણ ઉચ્ચારી હતી કે એક દિવસ આવશે જ્યારે ચાંગ ને એક કઠીન નિર્ણય લેવો પડશે અને વ્યક્તિગત કે રાજકીય હિતો ને પર મૂકી ને એને બલિદાન આપવું પડશે, અને એ તૈયાર હતો એના માટે. એણે એના બે વહાલસોયા ભત્રીજાઓને મોત ની સફર પર મોકલી દીધા હતા પણ હવે આ વસ્તુ એ વધારે વખત ટાળી શકે તેમ ના હતો.

એની બુઢી આંખો માં ચમક આવી, એણે હુંગ તરફ જોયું અને એના હોઠો પર સ્મિત આવી ગયું જાણે કે આવનારી વિપદાઓ અને સર્વનાશ થી હવે એણે કોઈ ફેર પડવાનો નાં હોય એમ એણે હળવા થઇ ને સમ્રાટ હુંગ ને કહ્યું ઓ સમ્રાટ, મારા વડવાઓ અને મે હુંગ સામ્રાજ્ય ને કરેલી સેવાઓ નિરર્થક નહિ જાય, અમે લોકો આપની સાથે જોડાયેલા છીએ, તમામ દુખ અને સુખ માં અને હવે મને લાગે છે કે સમય પાકી ગયો છે. હું તૈયાર છું સમ્રાટ.”

સમ્રાટ હુંગ ની આંખો માં ચમક આવી ગયી, એ નીચે ઉતરી ને ચાંગ ને ભેંટી પડ્યો અને એની સામે જોઈ રહ્યો, એની આંખો માં રહેલા સવાલો ને જાણે કે વાંચી ગયો હોય એમ ચાંગ બોલ્યો હા, સમય પાકી ગયો છે ઓ મહાન ચક્રવર્તી સમ્રાટબસ મને તૈયારી કરવા પુરતો બે દિવસ નો સમય આપો”.  સમ્રાટ હુંગે હકારમાં ડોકું ધુણાવ્યું. “કેટલા માણસો જોઈશે આપણને ?” ચાંગે સેનાપતિ મિંગ ની સામે જોયું અને કહ્યું, “૫૦ માણસો, અને સાથે હું પણ આવીશ.” સેનાપતિ મિંગ આ બધું અચરજ થી સાંભળી રહ્યો હતો, એના માટે આ બધું એકદમ નવાઈ પમાડે એવું હતું, પણ એને એટલી ખબર પડી ગઈ કે કોઈક દિવ્ય શક્તિ કે શસ્ત્ર ને પામવા માટે ની આ વાતો હતી. “માત્ર ૫૦ સૈનિકો મહારાજ ની સેવા માં ? એ નહિ ચાલે, મારું માનવું છે કે,,,,” સમ્રાટ હુંગે એની વાત અધવચ્ચે કાપી નાખી મિંગ, હું તને પછી સમજાવીશ, પણ અત્યારે તું તારા ૫૦ ચુનિંદા સૈનિકો ને તૈયાર કર અને હા, કોઈ ને આ વાત ની ખબર નાં પડાવી જોઈ એ, બાકી ની તૈયારી વિષે તને ચાંગ જણાવશે”, એણે સેનાપતિ મિંગ ની સામે કરડાકી થી જોતા કહ્યું.

ચાંગ ઉભો થઇ ને લાકડી નાં ટેકે જવા લાગ્યો, એના મન નો ભાર હવે હળવો થઇ ગયો હતો, અને પોતે નાનપણ થી સાંભળેલી એ કથા ની સત્યતા ને ચકાસી શકાશે એવી એને ખાતરી થઇ ગઈ હતી. મન નાં ઊંડા ઊંડા ખૂણે એને પણ અદમ્ય ઈચ્છા હતી કે એક વાર એ દિવ્ય મહાન શક્તિ નાં દર્શન કરી ને એ ધન્ય થાય. ખુબજ કઠીન અને કપરા પ્રવાસ નો સમય પાકી ગયો છે એમ એણે મનોમન વિચાર્યું.

કોણ છે ?” એક વૃદ્ધ અશક્ત આવાજ ચાંગ નાં કાને પડ્યો, એ મનોમન મલક્યો, આ ઉંમરે પણ એના કાન હજુ એવાજ છે, એણે વિચાર્યું, એ અંદર દાખલ થયો અને એણે આછા અજવાળા માં જોયું તો એક વૃધ બાઈ નીચે સુતી હતી. “આવી ગયા તમેએણે પાછુ પૂછ્યું. ચાંગ કઈ બોલ્યો નહિ અને એની પાસે જઈ ને નીચે બેસી ગયો. “સમય આવી ગયો છે. હવે મારે જવું પડશે, મને માફ કરી દે, મે આપણા બે ભત્રીજાઓ ને ખોયા અને હવે હું પણ જઈ રહ્યો છું તારાથી દૂર, મારે આમ કરવું જ પડશે, આ મારું કર્તવ્ય છે, અને આજ કદાચ મારો અંત છે.” એ ગમગીન અવાજે બોલ્યો. વૃદ્ધા બેઠી થઇ ને એની આંખો માં જોઈ રહી. એ કશું નાં બોલી, એને ખબર હતી એ આ દિવસ આવશે, અને એ એના માટે તૈયાર હતી. “લી ને અને સુંગ યુન ને લઇ ને જલ્દી પાછા આવજો”, એ માત્ર એટલું જ બોલી, “હું રાહ જોઇશ”. ચાંગ સ્તબ્ધ થઇ ગયો એની અવાજ માં રહેલા વિશ્વાસ થી અને એની ખુમારી થી. એણે ગર્વ થયો કે એણે ઝીંદગી નાં આટલા વર્ષો એની સાથે કાઢ્યા હતા ! અને છુટા પડવાની ક્ષણ નજીક આવી છે એ વિચારી ને એણે દુખ પણ થયું. એની આંખો ભરાઈ આવી. એ ઘર ની બહાર નીકળી ગયો અને દૂર દૂર દેખાતા પહાડો તરફ જોઈ રહ્યો, એ જાણે કે ડોલતા હોય, નૃત્ય કરતા હોય અને હાથ ફેલાવી ને એને બોલાવતા  હોય એવો એને આભાસ થયો.

___________________________________________________________________________

બજાર સાવ સુનું થઇ ગયું હતું, સાંજ ના સાત વાગી ગયા હતા. મે આજે આખો દિવસ હોટેલ ના રૂમ માં જ રહેવાનું નક્કી કર્યું હતું. હું બારી માંથી બહાર કુદરત ના અપૂર્વ સૌન્દર્ય નો લહાવો ઉઠાવી રહ્યો હતો. પ્રોફેસરે મને આજે રાત્રે ફરીથી ડીનર માટે આમંત્રિત કર્યો હતો. ડીનર પહેલા મે વિચાર્યું કે થોડું ચાલી લઉં, અને એટલા માટે હું હોટલ ની બહાર જવા નીકળ્યો. નીચે કાઉન્ટર પર કોઈ જ નહોતું, એટલે મે ચાવી આપવા આજુ બાજુ નજર દોડાવી. આખો હોટલ નો કોરીડોર સુમ સામ હતો. એટલે કુતુહલવશ મે હોટલ ની પાછળ આવેલા દરવાજા તરફ નજર દોડાવી. એ દરવાજો ખુલ્લો હતો અને ત્યાંથી મગજ ને મદહોશ કરી દે એવો ખુશ્બૂ આવતી હતી અને ખુલ્લા બારણાં માંથી આછો પ્રકાશ રેલાતો હતોહું તે દરવાજા તરફ આગળ વધ્યો અને એણે મે ખોલી નાખ્યો. એ દરવાજો એક નાનકડી ગલી માં થઇ ને આગળ ની તરફ આવેલા નાના રૂમ તરફ જતો હતો.  “કોઈ છે” ? મે જોર થી બૂમ પાડી પણ કોઈ જવાબ નાં આવ્યો. હું એ કોરીડોર માં આગળ વધ્યો અને અચાનક મારા કાન માં શિવ ની સ્તુતિ સંભળાઈ. એક ઘેરો ભરાવદાર અને સંમોહિત કરી નાખનાર અવાજ મારા કાને પડ્યો, શિવ ની સ્તુતિ ગવાઈ રહી હતીહું એક નાનકડા રૂમ ના દરવાજા આગળ ઉભો રહી ગયો, અને અંદર થી આવતા અવાજ ને સાંભળી રહ્યોઅચાનક ડમરૂ નો જોર જોર થી આવાજ આવવા લાગ્યો અને જાણે કે અંદર કોઈ નૃત્ય કરતુ હોય એવો આભાસ થવા લાગ્યો. ધીરે ધીરે અવાજ વધવા લાગ્યો. મને કઈ સમજ ના પડી કે શું કરવું. મે આજુ બાજુ નજર દોડાવી તો એ રૂમ ના દરવાજા ની બાજુ માં મને એક નાની બારી દેખાઈ. બારી થોડી ખુલ્લી હતી અને અંદર થી એ જ ઘેરો આવાજ આવતો હતો. મે બારી માંથી ડોકિયું કર્યું અને અંદર નું દ્રશ્ય જોઈ ને હું અવાચક થઇ ગયો ! અંદર પીળા રંગ ના પ્રકાશ માં વચોવચ અગ્ની પ્રગટેલો હતો અને એની પાછળ એજ ઠીંગણો ચુંચી આંખો વાળો માણસ બેઠો હતો અને એ ઘેરા અવાજ માં શિવ સ્તુતિ ગઈ રહ્યો હતો અને એની પાછળ કોઈ એક હાથ માં ત્રિશુલ અને બીજા હાથ માં ડમરુ લઇ ને નૃત્ય કરી રહ્યું હતું. અગ્નિમાંથી પ્રગટ થતા ધુમાડા ને લઇ ને હું એને જોઈ નહોતો શકતો પણ જે સ્ફૂર્તિ થી એ નૃત્ય કરી રહ્યો હતો એ જોઈ ને એ કોઈ સિદ્ધહસ્ત નૃત્યકાર હોય એવું લાગતું હતું. અચાનક ઠીંગણા એ અગ્નિ માં કંઇક નાખ્યું અને એ પ્રજ્જવલિત થઇ ઉઠી અને એની અગનશીખાઓ ઉંચે સુધી લબકારા લેવા લાગી અને ઠીંગણા એ અવાજ બુલંદ કરી દીધો અને એની પાછળ ની આકૃતિ એ વધાર સ્ફૂર્તિ થી નૃત્ય કરવા માંડયું. ડમરુ નો અવાજ તેજ થઇ ગયો. મારી આંખો માં ધૂમાડો ભરાઈ ગયો હોય એવું લાગ્યું અને થોડી વાર મારી બુદ્ધિ બેહર મારી ગઈ હોય એવું લાગ્યું. મને ચક્કર આવવા લાગ્યા અને બધું જ જાણે ગોળ ગોળ ફરતું હોય એવું લાગ્યું. અચાનક મારા મસ્તક પર કોઈ એ જોર થી પ્રહાર કર્યો અને હુ નીચે પડી ગયો. મને તમ્મર આવી ગયા અને મારી આંખ મીચાઇ ગઈ.

મારી આંખો માં પાણી આવી ગયું છે, હું નીચે પડ્યો પડ્યો ઠંડી માં ધ્રુજી રહ્યો છું. દૂર ક્યાંક જાણે કે નગારા કે કોઈ વિચિત્ર વાજિંત્ર વાગતું હોય એવો આભાસ થાય છે. મે મારી બધ્ધી હિંમત એકત્ર કરી ને અવાજ ની દિશા માં જોયું તો જાણે કે દૂર દૂર નાં ક્ષિતિજ ની પેલી પાર નાં બે ઉત્તુંગ પહાડો વચ્ચે કોઈ માનવ આકૃતિ હોય એવું મને લાગ્યું. એ આકૃતિ નાં હાથ માં ત્રિશુલ હતું અને એ આકૃતિ જાણે કે નાચી કૂદી રહી હોય, કોઈ પ્રકાર નું નૃત્ય કરી રહી હોય એમ મને લાગ્યું. શું એ મારો ભ્રમ છે ? શું હું મરવા પડ્યો છું એટલે મને ચિતભ્રમ થઇ રહ્યું છે ? એ આકૃતિ અસ્પષ્ટ છતાં પણ કેમ એકદમ સ્પષ્ટ દેખાય છે ? મને કઈ સમજાતું નથી. બર્ફીલા તોફાનો વધી રહ્યા છે. મારી આંખો બંધ થઇ રહી છે, મારો શ્વાસ તૂટી રહ્યો છે, એ આકૃતિ જાણે કે મારા માનસપટ પર નાચી રહી હોય એમ લાગે છે, અવાજ ધીરે ધીરે મંદ પડતો જાય છે. અચાનક મને કોઈ ઉઠાડી રહ્યું હોય એમ લાગે છે,,,,,,,,,

બોસ, સાડા છ ફિટ નાં માણસ ને ઊંચકી ને અહી લાવવો એ કઈ રમત વાત છે ?”  “આ તો સારું થયું કે હું ત્યાંથી નીકળી અને ટોળું જોઈ ને મે ગાડી ઉભી રાખી. જોયું કે સાહેબ તો નશા માં ધૂત થઇ ને રોડ ની બાજુ એ સુતા છે”.  મારા કાનો માં યુવા નો મધુર અવાજ ગૂંજયો. મે માંડ માંડ આંખો ખોલી અને યુવા સામે જોયું. એ મારા પર જુકેલી હતી અને એનો એક હાથ મારા માથા પર હતો. “સાલા દારૂ ઓછો ઢીંચતો હોય તો”. એ હસતા હસતા બોલી. મે ઉભા થવાની કોશિશ કરી અને અચાનક મારા માથા ની પાછળ ની બાજુ એ તીવ્ર દર્દ થયું અને મારા મોઢા માંથી ચીસ નીકળી ગઈ.હજી પીવો દારુ”! યુવા એ કરડી નજર થી મારા સામે જોયુંહમેશની જેમ એની આંખો માં ભીનાશ છવાયેલી હતી અને એ જયારે ગુસ્સે થતી ત્યારે ત્યારે એની મોટી આંખો વધારે મોટી થઇ જતી.  “સુતો રહે, તારા માથે ટાંકા લીધેલા છે.”  મે આંખો મીચી દીધી અને શું બન્યું હતું એ યાદ કરવાનો પ્રયાસ કર્યો. ધૂમ્રસેર માં એક હાથ માં ત્રિશુલ અને એક હાથ માં ડમરૂ લઇ ને નાચતી આકૃતિ, મોટે મોટે થી ગવાતી શિવ સ્તુતિ અને અગ્નિ ની પ્રજ્જવલિત જવાળાઓ સિવાય મને કઈ યાદ ના આવ્યું. “સાલા તું ઊંઘ માં શું બબડતો હતો”? યુવા એ પૂછ્યું. “એ ઊંઘ માં શિવ સ્તુતિ ગાતો હતો યુવાપાછળ થી પ્રોફેસર નો ઘેરો ભરાવદાર અવાજ આવ્યો. યુવા ની આંખો પહોળી થઇ ગઈ, “અલા તું ક્યારથી ધાર્મિક થઇ ગયો ? તને શિવ સ્તુતિ પણ આવડે છે ?” મે આંખો ખોલી ને પ્રોફેસર ની સામે જોયું. પ્રોફેસર મારી પાસે આવ્યા અને હસી ને મારા માથા પર વહાલ થી હાથ ફેરવ્યો.

પણ મને તો કોઈ સ્તુતિ નથી આવડતી યુવાહું બબડ્યો. યુવા એ કુતુહલ થી પ્રોફેસર ની સામે જોયું. પ્રોફેસરે એમની લાંબી સફેદ દાઢી માં હાથ ફેરવ્યો અને આંખો મીચી દીધી.

(બીજો ભાગ સમાપ્ત)...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ