આત્મા ના અંતિમ સંસ્કાર-૫
એ વૃદ્ધ વ્યક્તિએ સળગતી આંખે ચાઓને અને મને જોયા “તમારું મન નિષ્કપટ છે, તમારું જીવન પણ સરળ છે, હજી કહું છું પાછા ફરી જાવ, નહીતો આવનારી પેઢીઓ તમને માફ નહિ કરે, આ શક્તિને પામવાની ખેવના તમારી ભાવી પેઢીનું અને તમારા સામ્રાજ્યનું પતન લાવશે” ગર્જના જેવા અવાજે એ બોલ્યા. જવાબમાં અમે બંને ઘુટણીયે પડીને માથું જુકાવીને બેસી રહ્યા. ક્યાય સુધી અમે એમજ બેસી રહ્યા હશું અને અચાનક અમને ધ્રુજારી થઇ આવી, સમગ્ર ધરા ધ્રુજવા લાગી, અમે આંખો ખોલી તો એ વૃદ્ધ વ્યક્તિ ત્યાં નહોતા. દૂર પહાડો જાણેકે ડોલવા માંડ્યા હોય એવી અનુભૂતિ થઇ, કોઈ તીવ્ર વાજિંત્ર નો અવાજ આવવા લાગ્યો. “ઓમ” કે એવો કોઈક શબ્દ ઘેરા અવાજમાં અમારા કાનોમાં પડવા લાગ્યો. અમારા શરીરના રુંવાડા ઉભા થઇ ગયા, અમારા હૃદય તીવ્ર ગતિથી ધડકવા લાગ્યા. અમે અવાજ નો પીછો કરવા લાગ્યા. અને અચાનક જેવું અમે સરોવર ની પાસે આવેલા પહાડની ડાબી બાજુ વળ્યા કે સામેનું દ્રશ્ય જોઇને અમારી આંખો ફાટી ગઈ.”
આત્માના અંતિમ સંસ્કાર ! – ૫
“પછી શું થયું”? સમ્રાટ હુંગે અધીરાઈથી ચાંગને પૂછ્યું. ચાંગે એક ખોંખારો ખાધો અને આંખો મીચીને આગળ નું વર્ણન કર્યું.
“સામે એક વિશાળ આખલો ઉભો હતો. એની લાલ લાલ આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. એનાં નાકમાંથી એ ફૂંફાડા મારતો હોય એવું લાગતું હતું. આટલો મોટો આખલો અમે ઝીન્દગીમાં પણ જોયો ન હતો. અમે ખુબજ ડરી ગયા. અચાનક એ આખલો ઉંધો ફરી ગયો અને દૂર દેખાતા એક ભવન ભણી દોડી ગયો અને ગાયબ થઇ ગયો. એની ખરીઓમાંથી ઉડેલો બરફ ચારેકોર એની સફેદ ચાદર પાથરતો ગયો.
અમે આંખો ખેંચી ને જોયું તો સામે એક પ્રાચીન ભવ્ય લાલ પથ્થરોનું બનેલું ભવન દેખાયું. એના વિશાળ ચોગાન માં અદભુત કદી જોયા પણ નાં હોય એવા રંગબેરંગી ફૂલો ઉગેલા હતા. ચારેકોર આંખો ઠારતી હરિયાળી છવાયેલી હતી. એ ભવનની ઉપર ત્રિકોણાકાર મિનારો હતો, ત્યાના લોકો એને એમની ભાષામાં મંદિર કહેતા હતા. એ મંદિરના ગુંબજ ઉપર એક લાલ ધજા ફરકતી હતી અને એમાં ત્રિશુલ દોરેલું હતું. અમે ડરતા ડરતા આગળ વધ્યા. જેવા અમે ચોગાન વટાવીને મુખ્ય દ્વાર પાસે આવ્યા કે એ લગભગ ૬૦ ફિટ ઊંચું દ્વાર એક કડાકા સાથે ખુલી ગયું. અંદરથી અમને “ઓમ” નો ઘેરો ધ્વનીનાદ સંભળાતો હતો. આટલા ઠંડા વાતાવરણમાં પણ ત્યાં અજીબ પ્રકારની શાંતિ અને ઉષ્મા હતી. જેવા અમે મુખ્યા દ્વારની અંદર ગયા કે અમને ફરીથી એક વિશાળ આખલાની પ્રતિમા દેખાઈ, એ એજ આખલા જેવી લાગતી હતી કે જે અમે થોડી વાર પહેલા બહાર જોયો હતો. એ પ્રતિમા ઉપર ફૂલો ચડાવેલા લાગતા હતા. એની થોડે દૂર વિશાળ ઓરડો હતો અને હવે “ઓમ” નો ધ્વની અત્યંત તીવ્ર અવાજે અમારા કાનોમાં પડવા લાગ્યો હતો. જેવું અમે ઓરડાની ઉપર જોયું તો અમે ભય થી થીજી ગયા, ત્યાં એક વિશાળ ભયાનક આંખ હતી, જાણેકે જીવિત હોય એમ એ અમને તાકી રહી હતી, એ ખુબજ ગુસ્સામાં જાણેકે અંગારા વરસાવતી હોય અને અમને સૂચક રીતે આગળ જતા રોકતી હોય એમ અમારી સામે જોઈ રહી હતી. હમણા એનામાંથી આગનો વરસાદ થશે અને અમને જીવતા સળગાવી દેશે એવું અમને લાગવા મંડ્યું.
ચાઓ અને હું નીચે ઘુટણીએ બેસી ગયા અને માથું નમાવી દીધું. થોડી વાર પછી અમે ઉપર જોયું તો એ વિશાળ આંખ બંધ થઇ ગઈ હતી. “ઓમ” નો ધ્વની પણ બંધ થઇ ગયો હતો અને ચારેકોર નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. એની જગ્યાએ હવે ભયંકર ચીસો સંભળાવા લાગી. જાણેકે કોઈ વ્યક્તિને જીવતા સળગાવતા હોય અને એ પીડાથી બૂમો પાડતો હોય એવા અવાજો આવવા લાગ્યા. અટ્ટહાસ્ય કરતા અવાજો પણ અમારી ચારેકોર ઘૂમરાવા લાગ્યા. મેં ભયથી ચાઓનો હાથ પકડી લીધો. એ પણ વિચલિત થઇ ગયા પણ એમણે મારો હાથ મજબુતીથી પકડી ને આગળ ડગલું ભર્યું.
જેવા અમે એ ઓરડામાં પ્રવેશ્યા કે સાપોના ફૂંફાડાઓ અમારા કાને પડ્યા. એ ઓરડામાં ચારેકોર અત્યંત ઝેરીલા લાગતા અનેક વિશાળ સાંપો એક બીજાને વીટળાઈને પડ્યા હતા. અંદરની હવા અત્યંત ઝેરીલી લાગતી હતી. “પાછા ફરીજાવ ઓ પામર મનુષ્યો, નહીતો ત્રિનેત્રનો કોપ તમને અહીજ બાળીને ભસ્મ કરી દેશે” એ જ ઘેરો અવાજ ફરીથી પડઘાયો કે જે અમે બહાર પેલા વૃદ્ધના અવાજમાં સાંભળ્યો હતો. આશ્ચર્યની વાત એ હતી કે એ અમારી ભાષામાં જ શુદ્ધ ઉચ્ચારણો સાથે અમને સંભળાતો હતો.
ચાઓ ફરીથી ઘુટણીએ પડી ને બોલ્યા “ઓ મહાન આત્મા, આપે અમને અહી સુધી આવવા દીધા એ બદલ આભાર, અમે પામર મનુષ્યોને માત્ર એકજ વાર એ શક્તિના દર્શન કરવા દો, અમે વચન આપીએ છીએકે ફરીથી અહી કોઈ દિવસ નહિ આવીએ. અમારું જીવન ધન્ય થઇ જશે. અમારી આવનારી પેઢીઓ અને એમની પણ પેઢીઓ ધન્ય થઇ જશે. આટલી કૃપા કરો ઓ મહાન આત્મા”
“જીદ્દી મનુષ્ય, તું નહિ માને, આ મહાન શક્તિ અવિનાશી છે, એ અનંત છે, એ સર્વનાશી છે, એ અમોધ છે, એ અમાપ છે, એ અદભુત છે, એ અંત છે, એ અંતિમ છે, એને પામવી દુર્લભ છે, એને જોવી અશક્ય છે, એનું તેજ સો સો સૂર્યો બરાબર છે. એનું વહન જેનો ઉદભવ નથી થયો અને જેનો અંત નથી એવા મહાન શિવ કરે છે. જેમનું તાંડવ આખી પૃથ્વીને ધ્રુજાવી દે છે, જેમનો પ્રકોપ સમગ્ર અન્તરિક્ષને પણ સળગાવી દે છે, જેમનું નામ માત્ર લેવાથી દુરાચારીઓ નો નાશ થાય છે, જેમની ભક્તિ કરવાથી અપાર બળ પ્રાપ્ત થાય છે એ દેવો નાં દેવ મહાદેવ નાં દર્શન સો સો વર્ષોના તપ પછી પણ પ્રાપ્ત નથી થતા. છોડી દે આશા અને પાછા ફરી જાઓ મનુષ્યો. અહી સુધી આવ્યા એ જ તમારું અહોભાગ્ય છે. શિવને નમન કરો, એમની શક્તિ ને નમન કરો, નંદીને નમન કરો અને અહીંથી પાછા ફરી જાવ” જાણેકે વાદળો ગર્જના કરતા હોય એવા અવાજમાં અમને પાછા ફરી જવા માટે અંતિમ ચેતવણી મળી. અચાનક જાણેકે ધરતીકંપ આવ્યો અને આખું ભવન ડોલવા લાગ્યું. અમને ઉભા રહેવું પણ મુશ્કેલ પડવા લાગ્યું. અમને ચક્કર આવવા લાગ્યા અને એક જોરદાર ધડાકો થયો અને અમારી આંખો બંધ થઇ ગઈ.
મેં માંડ માંડ આંખો ખોલીને જોયું તો એ જ રમણીય વિશાળ સરોવરનાં કિનારો નજરે પડ્યો. હું માંડ માંડ ઉભો થયો અને મેં ચાઓ ને શોધવા માટે આમ તેમ નજર કરી કે હું સ્તબ્ધ થઇ ગયો.
ચાઓ થોડે દૂર ઘુટણીએ બેઠા હતા અને એમની સામે એક વિશાળ અને ઉંચો આદમી ઉભો હતો. હું દોડીને ચાઓની પાસે પહોંચી ગયો. મેં જોયું કે એ આદમીના આખા શરીરમાં રાખ ચોપડેલી હતી. એમની વિશાળ જટાઓ ગૂંચળું વળીને એમના માથા માં પથરાયેલી હતી. એમના કપાળ પર પણ ત્રિશુલ દોરેલું હતું. એમના ગળામાં અસંખ્ય રુદ્રાક્ષની માળાઓ હતી. આટલી ભયંકર ઠંડીમાં પણ એમના શરીર પર માત્ર એક, કમર પર વીંટાળેલ વ્યાઘ્ર ચર્મ હતું. એમનાં પહાડો જેવા વિશાળ પહોળા ખભા, ઊંડી બીક લાગે એવી લાલ આંખો, વિશાળ કપાળ, તીણું લાંબુ નાક, પહોળા જડબા, અને સુંદર પરવાળા જેવા હોઠોની સામે હું તાકીજ રહ્યો. એમના એક હાથમાં ત્રિશુલ હતું અને બીજા હાથમાં એક પાત્ર હતું. ભય અને કરુણા નાં મિશ્રણ સમું એમનું વ્યક્તિત્વ હતું.
“આ પી લો અને પાછા ફરી જાવ, શિવ એ માત્ર એક દંત કથા છે મિત્રો, અહી આવતા જતા લોકોને ચિત ભ્રમ થાય છે, અહીની હવા જ એટલી પાતળી અને ઠંડી છે કે એમાં રહેલા પ્રાણવાયુ ની અછત મગજ પર અસર કરે છે” અત્યંત મૃદુ અને કાનને ગમે એવા અવાજે એમણે અમને કહ્યું અને એમના પાત્રમાં રહેલું પાણી અમને આપ્યું.
આટલું મીઠું પાણી મેં ઝીન્દગીમાં પણ નહોતું પીધું. એને પીધા પછી જાણેકે જનમ જનમ ની તરસ છીપાઈ ગયી હોય એવું મને લાગ્યું. તમામ દુખ દર્દ જાણેકે મટી ગયા અને ભૂખ તરસ પણ છીપાઈ ગયી.
ચાઓએ માથું નમાવીને એ વ્યક્તિને પૂછ્યું “ઓ મહાન વ્યક્તિ, આપનું શું નામ છે ? આપ અહી શું કરો છો અને આપને કેવી રીતે ખબર પડી કે અમે શિવ ને મળવા અને એમનાં શક્તિ અસ્ત્રને જોવા આવ્યા છીએ?”
જવાબમાં એ વ્યક્તિ ખડખડાટ હસી પડી. એમનું હાસ્ય આજુબાજુના પહાડો જાણેકે સંભાળતા હોય એમ પડઘો પાડીને પ્રતિસાદ આપી રહ્યા.
“હું તો અહી વર્ષોથી રહું છું, તમારી જેમ અહી ભટકું છું પણ મને કોઈ દિવસ એ જોવા મળ્યા નથી કે નથી કોઈ નિશાની મળી. આટલા વર્ષોની કઠોર તપસ્યા કરીને પણ કઈજ પ્રાપ્ત નથી થતું. તમારા જેવા ભટકેલ મુસાફરો અહી આવીને ચિતભ્રમની અવસ્થામાં જોવું છું તો દયા આવે છે. મેં તમને અહી બરફમાં પડેલા જોયા અને તમે સતત શિવ વિષે અને એમના ત્રિશુલ વિષે બબડી રહ્યા હતા અને હું સમજી ગયો કે તમે પણ એમના વિષે કોઈ દંતકથા સાંભળી લાગે છે અને એમને જોવા, મળવા અહી આવ્યા લાગો છો પણ બરફના તોફાનમાં સપડાઈ ગયા છો. મારું જીવનતો હવે અહીજ સમાપ્ત થઇ જશે પણ હું જીવું ત્યાં સુધી લોકોને માર્ગદર્શન આપતો રહીશ. હવે તમે પણ અહીંથી પાછા ફરી જાવ, શિયાળો શરુ થવામાં છે અને અહીની અત્યંત ભયંકર ઠંડી તમેં સહન નહિ કરી શકો”. એમણે અત્યંત માયાળુ શબ્દોમાં અમને કહ્યું.
ચાઓએ એક ઊંડો નિશ્વાસ નાખ્યો અને મારી સામે જોયું અને ફરીથી અમે બંને એ માથું જુકાવીને એ વિશાળ વ્યક્તિનો આભાર માન્યો અને ત્યાંથી નીકળી પડ્યા પાછા આવવા માટે.
જેવા અમે થોડા આગળ ગયા કે અચાનક ચાઓ ઉભા રહી ગયા અને મને પૂછ્યું “શું મેં જે પણ જોયું એ તે પણ જોયું ચાંગ ? એ વિશાળ આખલો, એ ભવ્ય ભવન, એ સળગતા અંગારા જેવી આંખ, એ સાંપો, અને એ ઘેરો અવાજ કે જે આપણને ત્યાંથી જતા રહેવાનો આદેશ આપતો હતો ?” મેં ડોકું ધુણાવીને હા પાડી અને અચાનક ચાઓની આંખોમાં ચમક આવી ગઈ. બંને ને એક સાથે એક જેવું સ્વપ્ન ક્યાંથી આવી શકે ? એ અચાનક દોડવા લાગ્યા સરોવર તરફ. હું પણ એમની સાથે દોડ્યો પણ અમે એ વિશાળ આદમી મળ્યો હતો ત્યાં પહોંચ્યા તો ત્યાં કોઈ નહોતું. ત્યાં એમના વિશાળ પગલાની છાપ હતી અને એમાં એક રુદ્રાક્ષનો મણકો પડેલો હતો. ચાઓએ નીચે નમીને એ લઇ લીધો અને એને માથે અડાડ્યો અને મારી સામે સૂચક આંખે જોયું અને અમે બંને ત્યાંથી પાછા જવા નીકળી ગયા.
(એ વિશાળ આંખો વધારે લાલ થઇ ગઈ, એમણે એક હાથે એમની જટાઓ સરખી કરીને ઉપર આકાશમાં જોયું અને અત્યંત ભયાનક ઝડપથી દોડવાનું શરુ કર્યું. એ પાસે રહેલા એક ઉત્તુંગ શિખર પર ક્ષણ ભરમાં ચડી ગયા અને એમણે એક હાથે ડમરું વગાડવાનું શરુ કર્યું. ડમરુંનો અવાજ ચારેકોર પ્રસરી ગયો. એમણે હવે એ ઉત્તુંગ પહાડની ટોચ પર નૃત્ય કરવાનું શરુ કર્યું. પર્વતની ટોચ ઉપર એક પગે નાચતી એ આકૃતિ એક અજીબ પ્રકારનો રોમાંચ અને રોમ રોમ માં દોડી જતી વીજળીક સંવેદના ઉભી કરતી હતી. કદી ઝીંદગીમાં પણ નાં જોવા મળે અને કદી કલ્પ્યું પણ નાં હોય એવું એ અદભૂત અને અલૌકિક દ્રશ્ય હતું !)
ચાઓ અને મેં આગળ વધતા જોયું કે દૂર દૂર પહાડો પર એક ઝાંખી આકૃતિ નૃત્ય કરતી હોય એવું દેખાતું હતું. ડમરુંનો અવાજ કર્ણભેદી હતો. પહાડો જાણે કે ડોલતા હોય એવું લાગતું હતું. અમે ઝડપથી આગળ વધ્યા”.
સમ્રાટ હુંગ જાણેકે સ્તબ્ધ થઇ ગયા હોય એમ ચાંગની સામે ડઘાઈને જોઈ રહ્યા. ચાંગે એક રેશમનું કપડું ખોલ્યું અને એમાં રહેલા રુદ્રાક્ષનાં મણકાને બહાર કાઢ્યો અને સમ્રાટ તરફ ધર્યો. સમ્રાટે ધ્રુજતા હાથે એને લીધો અને એની સામેજ જોઈ રહ્યા.
“ઓ મહાન શક્તિ અને શક્તિના વહનકર્તા, એક દીવસ હું આવીશ, એક દિવસ હું આવીશ અને આ શક્તિને પામીશ, હું અજેય થઈશ, હું અપરાજિત થઈશ. હું દેવતા થઇ જઈશ.” હુંગે મનોમન વિચાર્યું અને એક ખંધા સ્મિત સાથે ચાંગની તરફ જોયું.
“વેક્લમ હોમ કેપ્ટન” સમરને જોઇને યુવા મલકાઈ. સમરે આશ્ચર્યથી એની સામે જોયું. “મને નથી ઓળખતા? હું યુવા સિન્હા, પ્રોફેસર સિન્હાની એક માત્ર પુત્રી. યાદ છે તમારા પિતાજી મેજર સમ્રાટ અને મારા પિતાજી મિત્રો હતા અને હજી છે. હું પિતાજી સાથે તમારા ઘેર આવતી અને આપણે ત્રણે, હું, તમે અને વિરાટ સાથે અહી ગાર્ડનમાં જ રમતા.” યુવાએ રમતિયાળ સ્મિત સાથે સમરને યાદ કરાવ્યું. સમરની આંખો પહોળી થઇ ગઈ. એ યુવાને તાકી રહ્યો. યુવા, પ્રોફેસર સિન્હાની પુત્રી, પ્રોફેસર સિન્હા એના પાપાના ખાસ દોસ્ત – એને બધુજ યાદ આવવા લાગ્યું. એ લોકો નાના હતા ત્યારે દર વર્ષે અચૂક પ્રોફેસર એની નાનકડી પરી જેવી રમતિયાળ અને સુંદર પુત્રી યુવા ને લઈને એમના ઘેર આવતા. મેજર સમ્રાટને જ્યારે જ્યારે છુટ્ટી મળતી ત્યારે એ લોકો બધા અહી આ ઘરે ભેગા થતા. હાસ્યની છોળો ઉડતી, રંગીન પીણાઓ અને નાસ્તાઓ ની મહેફિલ જામતી. પ્રોફેસર, મેજર અને રેવા ત્રણે જણા મોડી રાત્રી સુધી બહાર ગાર્ડનમાં બેસી રહેતા અને ખુબ વાતો કરતા. વિરાટ અને યુવાની ઉમર સરખી હતી જ્યારે સમર બે વર્ષ મોટો હતો. ત્રણે જણા ગાર્ડનમાં દોડાદોડી કરી મુકતા. સમરને યાદ આવ્યું કે યુવા કેવી અંચઈ કરતી ! થપ્પો રમતા રમતા એ કાયમ અંચઈ કરતી. જ્યારે જ્યારે એ વિરાટ અને સમરને આજુ બાજુના ઝાડમાં શોધીના શકે ત્યારે એ મેજર ની પાસે જઈને એની નિર્દોષ આંખો પટપટાવીને રડવા જેવું કરતી. મેજરથી આ જોવાતું નહિ અને એ નાનકડી યુવાને ઊંચકી લેતા અને એના કાનમાં સમર અને વિરાટ ક્યાં સંતાયા છે એ કહી દેતા. યુવા ફરીથી ખીલખીલાટ હસી પડતી અને સમરને અને વિરાટ ને શોધી કાઢતી. વિરાટ બહુ ગુસ્સે થતો અને દોડીને પ્રોફેસરને અને રેવાને ફરિયાદ કરતો. પ્રોફેસર નાનકડા વિરાટને ઊંચકી લેતા અને એને રાતે બેડ ટાઈમ સ્ટોરી કહેવાનું પ્રોમિસ આપતા ત્યારે એ શાંત થતો.
રાતે મેજરના ઘરમાં જમીને રેવા ઉપરના રૂમમાં વિરાટ અને સમરને સુવડાવતી. બાજુમાં પ્રોફેસર ખુરશીમાં બેસતા અને એમને બંનેને સિંદબાદની વાર્તાઓ એ બંને સુઈ ના જાય ત્યાં સુધી કહેતા. ઉપરના બીજા રૂમમાં રેવા નાનકડી યુવાને પોતાની પાસે સુવડાવતી અને એને પરીઓની વાર્તાઓ કહેતી. બધા બાળકો જ્યારે સુઈ જતા ત્યારે રેવા અને પ્રોફેસર નીચે આવી જતા જ્યાં બહાર મેજર ગાર્ડનમાં ડ્રીંક લેતા લેતા બેસી રહેતા.
“પ્રોફેસર, તમારે હવે ફરીથી પરણી જવું જોઈએ” રેવા એક ડ્રીંક બનાવતી અને પ્રોફેસરને આપતા કહેતી.
“રેવા, તું તો જાણે છે ને કે હવે એ શક્ય નથી. હું ઈશિતાને કેટલો પ્રેમ કરતો હતો અને હજી કરું છું. હું મારા કામમાં એટલો ગળાડૂબ છું કે હવે એવું વિચારવાનો સમય જ નથી મારી પાસે. યુવા જ મારી ઝીંદગી છે.” પ્રોફેસર ડ્રીંકનો ઘૂંટડો ભરતા ભરતા કહેતા. પ્રોફેસર સિન્હા ભારતીય પુરાતત્વ ખાતા ના વડા હતા અને એ નવી નવી આર્કીઓલોજીકલ સાઈટ માં વ્યસ્ત રહેતા. “મારું જીવન હવે યુવાને અને આ દેશને સમર્પિત છે, જે જે લોકો આપણી પ્રાચીન સભ્યતાઓની મજાક ઉડાવે છે અને આપણા દેવી દેવતાઓ ને એક ભ્રમ ગણે છે એમને મારે પુરાવા સાથે સજ્જડ જવાબ આપવો છે. મારી શોધ ચાલુ છે અને એક દિવસ હું એમાં જરુર કામિયાબ થઈશ.” આંખોમાં ચમક સાથે દ્રઢતાથી પ્રોફેસર કહેતા.
“યુવા ને ખબર છે એના ભૂતકાળની” મેજર અચાનક વચ્ચે પુછતા.
“હજી નાની છે, પણ મને લાગે છે કે સમય આવી ગયો છે કે એને હું મોકલી દઉં થોડા વર્ષો ઈઝરાઈલ માં” પ્રોફેસર દુખદ સ્વરે બોલતા. રેવા આંખો પહોળી કરીને બંનેની સામે જોઈ રહેતી.
મેજર આંખો નમાવીને પ્રોફેસરને સાંત્વના આપતા.
“આ બધું શું છે પ્રોફેસર ?” રેવા પૂછતી. એક ઊંડો નિશ્વાસ નાખીને પ્રોફેસર એમની હોકલી પેટાવતા અને થોડી વાર ઉપર આકાશમાં જોઈ રહેતા અને પછી શરુ કરતા.
“તે યુવાને ક્યારેય ધ્યાનથી જોઈ છે ? એનો વાન, એનું શરીર, એના વાળ, એની આંખો, તને શું એ મારા જેવું કે મારી સ્વર્ગસ્થ પત્ની ઈશિતા જેવું લાગે છે? રેવા, એ અમારી પુત્રી નથી.”
રેવા ફાટી આંખે પ્રોફેસરને જોઈ રહેતી. બ્લુ - સમંદરની ઊંડાઈ જેવી આંખો, લાંબા ભરાવદાર કાળા કેશ, પાતળું તીખું નાક, વિશાળ કપાળ, ગોરો વાન, રેવાને હવે યાદ આવ્યુકે યુવામાં પ્રોફેસર કે ઈશિતા ની કોઈજ નિશાની નથી.
“વોટ ધ હેલ ઇસ ધીસ મેજર, પ્રોફેસર? તમે લોકો શું છુપાવો છો મારાથી”? રેવા ગુસ્સે થઈને બંનેને પૂછતી.
મેજર રેવાનો હાથ ધીરેથી થપથપાવતા. પ્રોફેસર આગળ બોલતા “હા, આઈ એમ સોરી રેવા, બટ શી ઇઝ નોટ માઈ ડોટર. મેં તારાથી વાત છુપાવી એ બદલ હું દિલગીર છું.
યુવા રબ્બી અકીવા, સાંભળવામાં અજીબ લાગે પણ આ સાચી વાત છે. એ લાવણ્યા અને રબ્બીનું સંતાન છે.
‘રબ્બી અકીવા’, ઈઝરાયેલની ખતરનાક ઇન્ટરનલ સિક્યુરીટી ‘શીન બેટ’ નો વડો અને દુનિયાનો ખતરનાક માર્શલ આર્ટ ટ્રેનર અને ખૂંખાર કમાન્ડો છે. યુવા એની પુત્રી છે.
રેવા ફાટી આંખે પ્રોફેસરની સામે જોઈ રહી. “અને લાવણ્યા ?!” એ કોણ છે ? એ ક્યા છે? “
જવાબમાં પ્રોફેસરે એક ઊંડો નિસાસો નાખ્યો અને મેજર તરફ જોયું. મેજરે ડોકું ધુણાવ્યું અને બોલ્યા “રેવા, લાવણ્યા એ હિમાચલના જંગલોમાં આવેલા પ્રાચીન શિવ મંદિરના પુજારી શંભુનાથની પુત્રી હતી.”
“મને માંડીને બધી વાતો કરો તમે બંને જણા આજે” રેવાએ ગુસ્સાથી બંનેની સામે જોયું.
પવન અચાનક જોર જોરથી વહેવા લાગ્યો. ઉપર કાચની બારી થોડી ખખડી અને ત્યાં ઉભા રહીને બધી વાતો સાંભળતો સમર ચમકી ગયો. એની નાની આંખોમાં આશ્ચર્ય વ્યાપી ગયું. એણે ફરીથી એના કાન સરવા કર્યા આગળની વાતો સાંભળવા માટે.
ભાગ -૫ સમાપ્ત