વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આત્મા ના અંતિમ સંસ્કાર-૮

રાતના બે વાગ્યા હતા. પંડિત શંભુનાથ અને પ્રોફેસર સિન્હા મંદિરથી દૂર એક કેડી પર ચાલતા ચાલતા વાતો કરતા જતા હતા. આટલા અંધારામાં પણ ખબર નહિ કેમ પણ એમને સ્પષ્ટ દેખાતું હતું. “કલ્યાણ થાય એનું. હવે એક બીજો ઉપકાર કરો પ્રોફેસર, વખતને પણ તમારી સાથે રાખો. રબ્બી સારો આત્મા છે, એ દગો નહિ દે પણ એને અમારી કે અમારા કુળની ખબર નથી.” શંભુનાથ બોલ્યા.

“એ ઇઝરાયેલથી આવે છે પંડિતજી, એને આવી બધી શી ખબર પડે ? અને આમપણ લાવણ્યા ત્યાં સુરક્ષિત રહેશે. તમે તમારું કામ ચાલુ રાખો. વખતને પણ આમાં નાખવાની જરૂર નથી. તમે આજ્ઞા આપો એટલે એને હું મારી સાથે રાખી લઉં છું બસ ? પણ આપડું કામ અટકવું નાં જોઈ એ. મારે એ શક્તિને જોવીજ છે અને પામવી પણ છે. અને યાદ કરો તમારા મહાન રાક્ષસકુળ ની ગરિમા ની. હજારો વર્ષોથી તમારા વંશજોએ શિવજીને તપસ્યા છે, છાતી ફાડી નાખો તો પણ એમનો ચહેરો દેખાય એટલી હદ સુધી એમને ચાહ્યા છે. હવે શું એ મોકો ફરીથી જવા દેવો છે તમારે ? મને ઘણા ક્લુ મળ્યા છે એ જગ્યા નાં, અને હવે વધારે વખત નહિ લાગે, તમે ફરીથી તમારા પૂર્વજ મહાન રાવણની જેમ શિવજીને પામશો અને એમાં એકાકાર થઇ જશો.” પ્રોફેસર ગર્વથી બોલ્યા અને પંડિતજીની આંખોમાં આંસુ આવી ગયા. “હા, એ દિવસ નજીક આવી રહ્યો છે ઓ મહાદેવ, તમે કેટલો વખત અમારાથી છુપાશો ? મારા પરમ પૂજય વડદાદા રાવણ કે જે તમારા પરમ ભક્ત હતા એમની આ ચાલી આવતી પેઢી તમને વર્ષોથી શોધી રહી છે ઓ મહાન શિવ, હવે તો દર્શન આપશોને ? હું તમને શોધીને જ રહીશ.” પંડિતજીએ ધીમા અવાજે શિવસ્તુતિનું રટણ ચાલુ કર્યું.

બંનેની પાછળ પાછળ આવતી અને વાતો સાંભળતી લાવણ્યા ચોંકી ઉઠી. શું અમે રાવણના વંશજો છીએ ? શું બાપુજી મહાન શિવજીને શોધી રહ્યા છે ? શું એટલેજ નાનપણથી અમને શિવસ્તુતિનું પઠન કરાવામાં આવતું હતું ? શું એટલેજ જેવું એનું પઠન થાય એટલે મારા પગ આપોઆપ નૃત્ય કરવા લાગતા હતા !!! રાવણ નાં સંતાનો, અને અમે ???!!!” આશ્ચર્યથી એનું માથું ફાટુ ફાટું થઇ રહ્યું.

 

આત્માના અંતિમ સંસ્કાર – ૮

લડતા લડતા સાંજ પડી ગઈ હતી. દશાનંદે ગર્વથી માથું ઊંચું કર્યું અને એની વિશાળ સેનાની સામે જોયું. સેનાએ એમના દસ માથાવાળા અને વીસ હાથવાળા મહાબલી રાજાનો જયનાદ કર્યો. આજે એમના આ મહાપ્રતાપી રાજાએ એનાજ સાવકા ભાઈ કુબેરને હરાવી દીધો હતો. એનું સુંદર શહેર અલકા કે જે કૈલાશ પર્વત પાસે આવેલું એને પણ લુંટવાનું એણે બાકી નહોતું રાખ્યું. અરે, એના ભાઈનું અતિપ્રિય એવું પુષ્પક વિમાન પણ તેણે પડાવી લીધું હતું અને એમાં ગર્વિત અને જીતના નશામાં ચુર દશાનંદ સવાર થઇને પોતાની લંકા ભણી જવા નીકળ્યો હતો.

રસ્તામાં કૈલાશપર્વત પાસે એક અતિ રમણીય સ્થળ પાસે પુષ્પક એની ગતિ ગુમાવી બેઠું અને એનું નીચે પતન થઇ ગયું. અત્યંત ક્રોધિત થઇને દશાનંદ એના મંત્રીઓ સાથે પુષ્પકમાંથી નીચે ઉતર્યો. “કોની હિંમત થઇ દશાનંદનાં વાહનને નીચે પાડવાની ? કોણ છે એ ? સામે આવ !” ક્રોધથી એની લાલ લાલ આંખો વધારે મોટી થઇ ગઈ અને ધરા જાણેકે કાંપવા લાગી. અચનાક બરફની આંધી આવી અને ચારેકોર સફેદ બરફ ઉડવા લાગ્યો. થોડીવાર પછી જયારે એ સફેદ બરફની આંધી શાંત પડી કે દશાનંદે જોયું કે એની સામે એક વિશાળ આખલો ઉભો હતો. ફૂંફાડા મારતો અને નાકમાંથી ગરમ ગરમ ઉછ્શ્વાસ કાઢતો એ ક્રોધિત આખલો એની સામે જોઈ રહ્યો હતો. જરાયે ભયભીત થયા વગર દશાનંદે એ આખલો કે જેનું નામ નંદી હતું એને એના પુષ્પકનાં પતનનું કારણ પૂછ્યું અને જવાબમાં નંદીએ એને ચેતવ્યો “હે મહાપરાક્રમી વીર પુરુષ, આ પવિત્ર જગ્યા છે, અહી દેવોના દેવ એવા મહાદેવ એમના પ્રિય એવા પાર્વતી દેવી સાથે અત્યારે વિચરણ કરી રહ્યા છે અને આ જગ્યા ઉપરથી કે એની આસપાસથી કોઈને પણ પસાર થવાની મનાઈ છે.” જવાબમાં દશાનંદ ખડખડાટ હસી પડ્યો અને એણે નંદીની અને એના માલિક એવા મહાદેવની મજાક ઉડાવી. પોતાના ભગવાનના અપમાનથી અત્યંત ક્રોધિત થઇને નંદીએ દશાનંદને શ્રાપ આપ્યો “હે ગર્વિત રાજા, હે અહંકારી પુરુષ, તારું આ અહંકાર અને ગર્વ એક દિવસ વાનરોની સેના નષ્ટ કરશે.” હવે વારો દશાનંદનો હતો, નંદીના શ્રાપથી અત્યંત ક્રોધિત ભરાયેલા અહંકારી દશાનંદે પોતાના હથીયારો નીચે મુક્યા અને જોરથી ત્રાડ પાડી “હે મૂરખ આખલા, જો હું તારા આ મહાદેવને અને એમના સ્થાનને કેવી રીતે ખંડિત કરું છું”

બધા ફાટી આંખે જોઈ રહ્યા અને એ મહાપ્રતાપી અને મહાબલી રાજાએ નીચે નમીને કૈલાશ પર્વતને પોતાના બાહુબળથી ઉઠાવવાનું શરુ કર્યું. ધરતી ધ્રુજી ગઈ, આખો કૈલાશ પર્વત ડોલવા લાગ્યો, મોટા મોટા બરફના ખડકો કડાકા સાથે નીચે પડવા લાગ્યા.

જેવો કૈલાશ પર્વત ધ્રુજવા લાગ્યો, પાર્વતીજી અત્યંત વિહવળ થઇ ઉઠ્યા અને જોરથી શિવજીને ભેંટી પડ્યા. સર્વજ્ઞ એવા શિવજીને સમજાયું કે આની પાછળ કોનો હાથ હતો. એમના ચહેરા પર એક સ્મિત આવ્યું અને એમણે પાર્વતીજીને સાંત્વના આપી અને હળવેથી પોતાના પગનો અંગુઠો ઉંચો કર્યો અને ધીરેથી જમીન પર દબાવ્યો. અચાનક કૈલાશ ધ્રુજતો બંધ થઇ ગયો.

“આ આ આ આ આ આ આ આ આ ....!!!!” વાતાવરણમાં એક ભયાનક અને હૃદય ચીરી નાખે એવી ચીસ સંભળાઈ. દશાનંદ પીડાથી ચિત્કારી ઉઠ્યો. એના હાથ કૈલાશની નીચે દબાઈ ગયા હતા અને એ પીડાથી ચિત્કારી ઉઠ્યો હતો. નંદી અને એની સાથે ઉભેલા ગણોએ આનંદથી જય મહાદેવની ચિચિયારીઓ કરી અને દશાનંદના મંત્રીઓ ચિંતામાં પડી ગયા. અત્યંત જોર કરવા છતાં પણ એ પોતાના હાથ બહાર કાઢી શકતો નહોતો અને અત્યંત પીડા વેઠી રહ્યો હતો. એની ચીસો, એનું આક્રંદ અને એની પીડા ભરેલું મુખ એની લાચારતા વ્યક્ત કરતુ હતું. દશો દિશાઓને જીતવાવાળો દશાનંદ અત્યારે અત્યંત કફોડી હાલતમાં મુકાયો હતો.

એના મંત્રીઓમાંથી અમુક સમજુ અને ઠરેલ લોકોએ એને આવું દુસાહસ કરવા બદલ ઠપકો આપ્યો અને દેવોના દેવ એવા મહાદેવ નો પરિચય પણ આપ્યો. એને કહેવામાં આવ્યું કે માત્ર અને માત્ર મહાદેવજ એને આ પીડામાંથી ઉગારી શકે છે અને એના માટે એણે મહાદેવને પ્રસન્ન કરવા પડશે. મહાજ્ઞાની એવા દશાનંદને પરિસ્થિતિ સમજતા વાર નાં લાગી અને એણે મહાદેવને રીઝવવા માટે એમની પ્રશંસા કરવાનું શરુ કર્યું. પણ મહાદેવ એમ રીઝે ? વર્ષોના વર્ષો વીતી ગયા, દશાનંદ અત્યંત પીડા સાથે પણ એક પછી એક શિવ સ્તુતિ રચતો ગયો અને મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતો ગયો.

जटा टवी गलज्जल प्रवाह पावितस्थले, गलेऽवलम्ब्य लम्बितां भुजङ्ग तुङ्ग मालिकाम् |
डमड्डमड्डमड्डमन्निनाद वड्डमर्वयं, चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् |

जटा कटा हसंभ्रम भ्रमन्निलिम्प निर्झरी, विलो लवी चिवल्लरी विराजमान मूर्धनि |
धगद् धगद् धगज्ज्वलल् ललाट पट्ट पावके किशोर चन्द्र शेखरे रतिः प्रतिक्षणं मम |

धरा धरेन्द्र नंदिनी विलास बन्धु बन्धुरस् फुरद् दिगन्त सन्तति प्रमोद मानमानसे |
कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचिद् दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि |

लता भुजङ्ग पिङ्गलस् फुरत्फणा मणिप्रभा कदम्ब कुङ्कुमद्रवप् रलिप्तदिग्व धूमुखे |
मदान्ध सिन्धुरस् फुरत् त्वगुत्तरीयमे दुरे मनो विनोद मद्भुतं बिभर्तु भूतभर्तरि |

सहस्र लोचनप्रभृत्य शेष लेखशेखर प्रसून धूलिधोरणी विधूस राङ्घ्रि पीठभूः |
भुजङ्ग राजमालया निबद्ध जाटजूटक श्रियै चिराय जायतां चकोर बन्धुशेखरः |

ललाट चत्वरज्वलद् धनञ्जयस्फुलिङ्गभा निपीत पञ्चसायकं नमन्निलिम्प नायकम् |
सुधा मयूखले खया विराजमानशेखरं महाकपालिसम्पदे शिरोज टालमस्तु नः |

कराल भाल पट्टिका धगद् धगद् धगज्ज्वल द्धनञ्जयाहुती कृतप्रचण्ड पञ्चसायके |
धरा धरेन्द्र नन्दिनी कुचाग्र चित्रपत्रक प्रकल्प नैक शिल्पिनि त्रिलोचने रतिर्मम |

नवीन मेघ मण्डली निरुद् धदुर् धरस्फुरत्- कुहू निशीथि नीतमः प्रबन्ध बद्ध कन्धरः |
निलिम्प निर्झरी धरस् तनोतु कृत्ति सिन्धुरः कला निधान बन्धुरः श्रियं जगद् धुरंधरः |

प्रफुल्ल नीलपङ्कज प्रपञ्च कालिम प्रभा- वलम्बि कण्ठकन्दली रुचिप्रबद्ध कन्धरम् |
स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं गजच्छि दांध कच्छिदं तमंत कच्छिदं भजे |

अखर्व सर्व मङ्गला कला कदंब मञ्जरी रस प्रवाह माधुरी विजृंभणा मधुव्रतम् |
स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्त कान्ध कान्त कं तमन्त कान्त कं भजे |

जयत् वदभ्र विभ्रम भ्रमद् भुजङ्ग मश्वस – द्विनिर्ग मत् क्रमस्फुरत् कराल भाल हव्यवाट् |
धिमिद्धिमिद्धिमिध्वनन्मृदङ्गतुङ्गमङ्गल ध्वनिक्रमप्रवर्तित प्रचण्डताण्डवः शिवः |

स्पृषद्विचित्रतल्पयोर्भुजङ्गमौक्तिकस्रजोर्- – गरिष्ठरत्नलोष्ठयोः सुहृद्विपक्षपक्षयोः |
तृष्णारविन्दचक्षुषोः प्रजामहीमहेन्द्रयोः समप्रवृत्तिकः ( समं प्रवर्तयन्मनः) कदा सदाशिवं भजे |

कदा निलिम्पनिर्झरीनिकुञ्जकोटरे वसन् विमुक्तदुर्मतिः सदा शिरः स्थमञ्जलिं वहन् |
विमुक्तलोललोचनो ललामभाललग्नकः शिवेति मंत्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् |

इदम् हि नित्यमेवमुक्तमुत्तमोत्तमं स्तवं पठन्स्मरन्ब्रुवन्नरो विशुद्धिमेतिसंततम् |
हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिंतनम् |

पूजा वसान समये दशवक्त्र गीतं यः शंभु पूजन परं पठति प्रदोषे |
तस्य स्थिरां रथगजेन्द्र तुरङ्ग युक्तां लक्ष्मीं सदैव सुमुखिं प्रददाति शंभुः |

આખરે એક દિવસ દશાનંદ અત્યંત પીડામાં શિવસ્તુતિ નું પઠન કરતો હતો અને એને એના કર્ણપટલ ધ્રુજતા હોય એવું લાગ્યું. એને ડમરુંનો રણકાર સંભળાયો. એણે એની આંખો પટપટાવીને જોયું કે દૂર ક્ષિતિજમાં એક વિરાટ આકૃતિ ઉત્પન્ન થઇ. વિશાળ જટાઓ, આખા શરીર પર રાખ, એક હાથમાં ત્રિશુલ અને એક હાથમાં ડમરું, ગળામાં રુદ્રાક્ષની માળાઓ, આંખોમાં ભય અને વાત્સલ્યનાં મિશ્રણ સમું વ્યક્તિત્વ એની સામે ઉભું રહ્યું. એણે ફરીથી ધ્રુજતા અવાજે શિવજીની માફી માંગી અને શિવસ્તુતિ ચાલુ રાખી. મહાદેવે પ્રસન્ન થઇને એને માફ કર્યો અને એને પોતાની એક અજેય એવી તલવાર અને એક શિવલિંગ આપ્યું. અત્યંત પીડા અને દુઃખમાં રડતા હોવાને લઈને એને “રાવણ” – (જે રડ્યો હતો) એવું નવું નામ પણ મળ્યું.

તે દિવસથી રાવણ પરમ શિવભક્ત થઇ ગયો અને જીવ્યો ત્યાં સુધી એણે એમની પૂજા કરી અને એણે પ્રતિજ્ઞા કરી કે એ અને એના વંશજો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મહાન શિવની પૂજા કરશે.

 

***

બેલી ગામના પ્રાચીન શિવ મંદિર પાસે ગામલોકો નું મોટું ટોળું ભેગું થયું હતું. એમના પ્રિય એવા પંડિત શંભુનાથની સુપુત્રી લાવણ્યાના લગન લેવાઈ રહ્યા હતા. કોઈ ધોળો પરદેશી આવ્યો હતો સાત સમંદર પાર કરીને અને એમની પ્રિય અને લાડકી લાવણ્યાને લઇ જઈ રહ્યો હતો. પ્લેનમાં બેઠા બેઠા રબ્બીના ચહેરા પર હાસ્ય ફરકી ગયું. એને ફરીથી એ વાત યાદ આવી.

“મને સ્વપ્ને પણ ખબર ના હતી કે આમ સાવ અચાનક મારા લગન  થશે ! લાવણ્યા અદભુત સ્ત્રી હતી, હું એને દિલોજાનથી ચાહતો હતો અને એના માટે કઈ પણ કરવા તૈયાર હતો પણ આમ સાવ અચાનક મારે લગન સંબંધમાં બંધાવું પડશે એ મારા માટે ઉનાળામાં અચાનક વરસેલા વાદળ જેવું હતું. એવું નહોતું કે કોઈએ મને ફરજ પાડી હતી પણ હું પંડિતજી ને ખુબજ સન્માનની નજરોથી જોતો થયો હતો અને એમના કહેવા મુજબ આવતા એક વર્ષમાં આનાથી સારું કોઈ મુર્હુત ન હતું. ખેર ! પર્સનલી હું આ બધામાં માનતો ન હતો પણ લાવણ્યાના કહેવા મુજબ લગ્ન એ એક પવિત્ર બંધન હતું અને મારે એમના કલ્ચર અને ભાવનાઓની કદર પણ કરતા શીખવાનું હતું. મેં અમારા હેડ ક્વાટર્સમાં વાત કરીને એક મહિનાની છુટ્ટી મંજુર કરવી લીધી હતી. અમારું ડેલીગેશન અહી રહે ત્યાં સુધી મારે એમનો ચાર્જ સંભાળવાનો હતો અને પછી એ ચાલ્યા જાય એટલે હું અહી એક મહિનો રોકાવાનો હતો. મારી ટ્રેનીંગનો અંતિમ તબક્કો બાકી હતો અને એ પણ ખુબજ જરૂરી હતું. મેં લાવણ્યા અને પંડિતજીને આ વાત કરી અને એમણે ખુશી ખુશી મને એક મહિનો અહી રોકાઈને પાછા જવાની મંજુરી આપી. મારી ટ્રેનીંગનો અંતિમ તબક્કો ચાર મહિના ચાલવાનો હતો અને પછી હું અહી પાછો આવીને લાવણ્યાને તેડી જાઉં એવું નક્કી થયું હતું. ખેર મારી ઝીંદગીનો એ સહુથી સારો દિવસ આવી ગયો હતો. મને વખતે સફેદ જબ્ભો અને ધોતી પહેરાવી  હતી. સાલું જબ્ભો તો ઠીક પણ ધોતી માંડ  માંડ પહેરાણી હતી. મેં વખતને અને લાવણ્યાને ખુબજ આજીજી કરી હતી કે આ ધોતી મને નહિ ફાવે પણ એ લોકો માન્યા ના હતા. આટલું ખુલ્લું ખુલ્લું વસ્ત્ર એ લોકો કેવી રીતે પહેરતા હશે ? મને તો બે ડગલાં ચાલવામાં પણ તકલીફ પડતી હતી. કઈ નહિ, હું પણ નખશીખ લડાકો હતો, મેં એનો ઉપાય શોધી કાઢ્યો. મેં એક દોરડું લીધું અને ધોતી ઉપર કમરેથી કચકચાવીને બાંધી દીધું, બસ, હવે વાંધો નહિ ! ગમ્મે એટલું દોડો-કૂદો પણ આ ધોતિયું હવે ચસકશે નહિ. હું આ બધું કરતો હતો એટલામાં લાવણ્યા અને વખત મારા તંબુમાં આવ્યા અને મને દોરડું બાંધતો  જોઇને ખુબજ હસ્યા ! હસી લો બેટમજીઓ, હસી લો. મેં વખતને તો ધમકી પણ આપી દીધી કે તારા માટે તો હું ઈઝરાઈલથી જ છોકરી પસંદ કરીશ અને પછી જોવું છું કે એ તને તારા ધોતિયામાં કેટલું ટકવા દે છે ! પ્રોફેસર ગોલાન અને પ્રોફેસર સિન્હા પણ આનંદથી આ બધું જોઈ રહ્યા હતા.

લગ્નની આગલી સાંજે લાવણ્યા મારા માટે વાળું લઈને આવી. હું આળસુની જેમ આડો પડ્યો હતો. એ મારા સામે બેઠી અને એની ભીની સુંદર મોટી મોટી આંખોથી મને પ્રેમથી જોઈ રહી. “ચલ ખાવાનું કાઢ, જોઈ શું રહી છે ? પતિ ભૂખ્યો થયો છે અને આટલું મોડું કરાય ? અને હા, થોડું પાણી લઇ આવ પહેલા, હાથ ધોવડાવ મારા” મેં આંખો કાઢીને લાવણ્યાને ગુસ્સાથી કહ્યું. એણે ચુપચાપ થાળી નીચે મૂકી અને બહાર  જઈને એક નાનકડા પાત્રમાં પાણી લઈને આવી અને મારા હાથ ધોવડાવ્યા. “પાણી ગરમ નથી ? ખેર ! શું છે ખાવામાં ?” મેં ફરીથી ઓર્ડર કર્યો. લાવણ્યાએ માથું ઝુકાવીને ઢાંકેલી થાળી ખોલીને મને પીરસી. “હમ, ઠીક છે, હવે થી મોડું નાં થવું જોઈએ સમજી ? નહિ તો ,,,” લાવણ્યા એ બે હાથ જોડ્યા અને મારી સામે બેસી ગઈ. એનો સુંદર માસુમ ચહેરો જોઇને મને હસવું પણ આવતું હતું છતાં હું એક નિષ્ઠુર પતિની ભૂમિકા ભજવી લેવા માંગતો હતો. આમ પણ પરણ્યા પછી ખબર નહિ આવો વખત આવે કે નાં આવે. મેં જમતા જમતા એને ઈશારો કરીને પાસે બોલાવી અને એના મોઢામાં એક કોળીયો મુક્યો. એણે જેવો કોળીયો મોઢામાં ગયો કે મારા આંગળાઓ પર ધીમેથી બટકું ભર્યું ! હું પીડાથી ચિત્કારી ઉઠ્યો અને એ હસતી હસતી બહાર ભાગી ગઈ. હું પણ એની પાછળ દોડ્યો. એ તંબુની બાજુમાં આવેલા એક મોટા ઝાડની પાછળ સંતાઈ ગઈ. મેં દોડીને એનો હાથ પકડી લીધો અને ઝૂકીને એના ગોરા ગોરા મુખ પર  એક ચુંબન ચોડી દીધું. લાવણ્યાએ શરમાઈને એનો ચહેરો બંને હાથથી ઢાંકી દીધો અને એ મને ભેંટી  પડી. “મને છોડીને કોઈ દિવસ નહિ જશો ને ઓ પરદેશી ?” એણે એના હાથ મારી કમરે વીંટાળીને મારી છાતીમાં માથું નાખીને પૂછ્યું. “કોઈ દિવસ નહિ લવ, કોઈ દિવસ નહિ. બસ એક વાર મારી ટ્રેનીંગ પતી જાય એટલે હું તને અહીંથી લઇ જઈશ, મારા ગામે, મારી માતા પાસે, એ તને જોઇને ખુબ ખુશ થશે. પિતાજીનાં નિધન પછી આમ પણ એ એકલી પડી ગઈ છે. તને ત્યાં ખુબજ મજા આવશે. એ તારું ખુબજ ધ્યાન રાખશે. આપણે વખતને અને પંડિતજીને પણ ત્યાં લઇ જઈશું.” મેં કહ્યું અને એ મારી સામે તાકી રહી. “આ હિમાલય અને આ જંગલો અમારું ઘર છે, અમે અહી જ મોટા થયા છીએ, એને છોડીને જતા મારો જીવ કપાઈ જાય છે, પણ હું આવીશ તમારી સાથે અને તમારી માતા સાથે રહીશ અને એમની સેવા કરીશ. બસ કોઇક વાર તમે મને બહુ મન થાય તો અહી લઇ આવજો એટલું જ મારે કહેવું છે.” એની આંખોમાં આંસુ આવી ગયા. “લાવણ્યા, પ્લીઝ તું રડીશ નહિ, હું તને પ્રોમિસ કરું છું કે હું તને અહી લાવતો રહીશ. હવે તો મને પણ અહીની માયા લાગી ગઈ છે, અને હું પણ અહી ચોક્કસ આવવા માંગું છું. મને તમારા આ વિચિત્ર રીતી રીવાજોની સમજણ નથી પડતી પણ ખબર નહિ અહી કૈંક એવું છે કે જે તમને બાંધી રાખે છે, અહીંથી દૂર જાવ તો જાણેકે તમને બોલાવતું હોય એવું લાગે છે. બધુજ અત્યંત રળિયામણું પણ રહસ્યમય પણ લાગે  છે. અહી આવીને એમાં ખોવાઈ જવાનું મન થાય છે.” મેં લાગણીભીના અવાજે એને કહ્યું અને એણે જવાબમાં સ્મિત કર્યું.

રબ્બીને ખાવાનું આપીને મોડી સાંજે આરતી પછી લાવણ્યા પંડિત શંભુનાથના કમરાની બહાર ઉભી રહી. “આવતી રહે બેટા, અંદર આવતી રહે મારી દીકરી” શંભુનાથે એને અંદર બોલાવી. દીવાના ઝાંખા પ્રકાશમાં એ વૃદ્ધ થવા આવેલો પંડિત એની લાંબી સફેદ દાઢી પસવારી રહ્યો હતો અને શિવજીના ફોટા સામે નિષ્પલક નયને જોઈ રહ્યો હતો. “અંદર આવ બેટા, મને ખબર છે કે તું શું પુછવા આવી છે.” પંડિતજીનો ઘેરો અવાજ આવ્યો. લાવણ્યા અંદર આવીને એમના પગ પાસે બેસી ગઈ. પંડિતે પ્રેમથી એનો હાથ લાવણ્યાના માથા પર મુક્યો અને એને જોઈ રહ્યા.

“જો બેટા, આપણે કોણ છીએ અને ક્યાંથી આવ્યા છીએ એ વિષે મેં તને કે વખતને કોઈ દિવસ વાત નથી કરી. આજે તું લગ્ન કરીને પરાયા દેશ જાય છે તો સમય પાકી ગયો છે કે હું તને બધ્ધુજ કહી દઉં. વખતને પણ મેં બોલાવ્યો છે, એને આવવા દે એટલે તમને બંનેને માંડીને વાત કહું. હા, તું પેલા દિવસે અમારો પીછો કરીને અમારી વાતો સાંભળતી હતી તેની મને ખબર છે અને મને એ પણ ખબર છે કે તારા મન માં ઘણા વિચારો ચાલી રહ્યા છે, હું બધ્ધાના જવાબ આપીશ શાંતીથી.” પંડિતજી એમની લાંબી દાઢી પસવારતા બોલ્યા. લાવણ્યાને ખુબજ શરમ આવી કે એની ચોરી પકડાઈ ગઈ હતી પણ એ એમના પરિવારના ઈતિહાસ વિષે સાંભળવા ઉત્સુક હતી. થોડીવારમાં વખત આવી ગયો એટલે પંડિતજીએ શરુ કર્યું. “સાંભળો બાળકો, આજે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું તે સનાતન સત્ય છે અને એના વિષે આજ સુધી મેં પ્રોફેસર સિન્હા સિવાય કોઈને પણ કહ્યું નથી. ખરેખર તો પ્રોફેસર સિંહાને ધન્યવાદ કે એમણે મને આપણી પેઢીઓ અને આપણા પરદાદાઓ વિષે માહિતી ભેગી કરી આપી. આપણે  રાક્ષસ કુળ માં જન્મેલા છીએ, આપણા મહાન પરદાદા રાવણ હતા. હા, હું સાચું કહું છું, એ જ રાવણ કે જેમણે શિવસ્તુતિ ની રચના કરી, એ જ પરમ શિવભક્ત રાવણ કે જેમને શ્રીરામે મુક્તિ અપાવી, એ જ રાવણ-દશાનંદ કે જેના પ્રકોપથી આખી ધરતી અને દેવલોક ધ્રુજતું હતું, એ જ પરમ મેધાવી ચક્રવર્તી મહાન રાવણના આપણે સંતાનો છીએ ! તમને નવાઈ લાગશે પણ મેં અને પ્રોફેસરે અત્યંત મહેનતથી પ્રાચીન ગ્રંથોનો સહારો લઈને આપણી વંશવાળીનાં વ્રુક્ષને શોધતા શોધતા આ શોધી કાઢ્યું છે. આ હકીકત છે બેટા અને હું જન્મ્યો ત્યારથી શિવભક્ત રહ્યો  છું અને બસ મરતા પહેલા એક વાર એમના દર્શન કરવા માંગું છું. હું માનસરોવર ગયો, રાક્ષસતાલ ગયો, કૈલાસપર્વત ની નજીક પણ જઈ આવ્યો પણ મને ક્યાય એમના દર્શન નાં થયા. મારું રોમ રોમ એમને ચાહે છે, મારા શરીરનો એક એક અણુ “ઓમ નમો: શિવાય” નો જાપ કરે છે, બસ એક વાર, માત્ર એક વાર એ મળી જાય તો એમના ચરણોમાં મારે મારી જાતને સમર્પિત કરી દેવી છે. મારા આંસુઓથી એમના ચરણ ધોવા છે.” પંડિતજીની આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા. લાવણ્યા અને વખત સ્તબ્ધ થઈને આ સાંભળી રહ્યા હતા.

“તમારા બંનેમાં અદભુત શક્તિ છે, તમે એનો લોકસેવામાં ઉપયોગ કરશો એવી મને ખાતરી છે પણ એક બીજું રહસ્ય પણ છે જેની તમને જાણ નથી. આપણા ખાનદાનને શ્રાપ છે કે આવનારી પેઢીઓમાં એક વિનાશકારી આત્મા જન્મ લેશે અને એ લાખો લોકોનો આડકતરી રીતે સંહાર કરશે. ફરીથી એક મહાયુદ્ધ થશે અને આ વખતે મહાદેવ પોતે એ વિનાશકારી આત્માના અંતિમ સંસ્કાર કરશે કે જેથી એ ફરીથી જન્મ જ નાં લે. પ્રાચીન ભારતીય વેદો અને ઉપનીષદો ના અભ્યાસુ એવા પ્રોફેસર સિન્હાએ ખુબજ મહેનત કરીને એવી ચોક્કસ જગ્યાઓ અને નિશાનીઓ શોધી કાઢી છે કે જ્યાં મહાદેવનો વાસ હોવાની સંભાવના પ્રબળ છે. લાવણ્યા, તારા લગન થઇ જાય અને વખતને હું પ્રોફેસરની પાસે મૂકી દઉં એટલે હું એ જગ્યાઓ ની ખોજમાં જવાનો છું. મારે મહાદેવને પામવા છે, એમના દર્શન કરવા છે. એમનામાં એકાકાર થવું છે. વહાલાં બાળકો, કદાચ આપણો સાથ હવે બહુ ટૂંકો છે, તમારે હવે પોતાની જાતે પોતાનું ધ્યાન રાખવાનું છે. દુખી થવાની જરૂર નથી, જેનું સર્જન થાય છે એનો એક દિવસ નાશ પણ થાય છે. જ્યારે તમને વડીલો “કરોડ વરસનો કે સો વરસ નો થાજે” એવા આશીર્વાદ આપતા હોય છે ત્યારે એની પાછળની ભાવના સમજો. એક મનુષ્યનાં પીંડ/યોની માંથી બીજાની ઉત્પતિ થાય છે અને આ ક્રમ આગળ વધે છે. આમ જોવા જાવ તો આ પણ એક જાતનું નવસર્જન જ છે અને પુનર્જન્મ જ છે. કરોડો વર્ષો પહેલાના આપણા પૂર્વજોનું લોહી અને માંસ આપણા શરીરમાં છે, આપણે એ જ લોકો છીએ અને આપણી પછી આપણા વંશજો પણ આગળ એને ધપાવશે. પંડિતજીએ ધ્રુજતા અવાજે પોતાની વાત પૂરી કરી અને સજળ નયનોથી એના બાળકો સામે જોયું. લાવણ્યા અને વખત બંનેની આંખોમાં પણ આંસુ હતા. “પિતાજી, હું તમને એકલા નહિ જવા દઉં, હું પણ તમારી સાથે આવીશ” વખત દ્રઢતાથી બોલ્યો. “બેટા, દરેક વ્યક્તિની નિયતિ જન્મથીજ નક્કી થયેલી હોય છે. મારી નિયતિ મહાન શિવજીના ચરણોમાં જીવન સમાપ્ત કરવાની છે તો એવુજ થશે અને જો એવું ના થાય તો પછી તું નક્કી કરજે કે તારે શું કરવું છે. પણ હાલ તો તારે પ્રોફેસર સિન્હા પાસે એમનો પડછાયો થઇ ને રહેવાનું છે અને એ જે ભારતીય સભ્યતાને પુનર્જીવિત કરવાનું શુભ કાર્ય કરે છે એમાં એમનો સાથ આપવાનો છે. સમય આવશે એટલે તને તારો જન્મ શેના માટે થયો છે એ સમજાય જશે.” પંડિતજી આંખો બંધ કરીને બોલ્યા. “લાવણ્યા, મારી દીકરી, મારું ગૌરવ, મારું આત્મસન્માન, તું તારો પત્ની ધર્મ બરાબર નીભાવાજે અને રબ્બીનો સાથ આપજે, એ સારો વ્યક્તિ છે, એનામાં સાત્વિક ભાવના રહેલી છે, એ સામેથી એક દિવસ તને અહી લઇને આવશે અને પછી તને પણ કદાચ તારા અસ્તિત્વનું મુલ્ય સમજાશે. રાહ જોજે મારી દીકરી, સમય બળવાન છે. અને તમે બાળકો ગમે તેવી કઠીન પરિસ્થિતિ આવે, શિવજીની આરાધના કરવાનું ભૂલતા નહિ.”

પંડિત શંભુનાથની નાનકડી ઓરડીમાં વાતાવરણ ભારેખમ થઇ ગયું હતું. લાવણ્યા એમના ખભે માથું નાખીને બેસી રહી હતી અને વખત એમના પગ દબાવતા દબાવતા ઓરડાની છતને શુન્યમસ્તક થઇને જોઈ રહ્યો હતો. કોણ જાણે કાલ કેવી આવવાની હતી અને એમના માટે શું લઈને આવવાની હતી !

***

હું સ્વપ્ન જોઈ રહ્યો હતો ? ઇઝરાયેલથી આવેલ એક કમાન્ડો અત્યારે ધોતી અને કુર્તામાં એક સરસ મજાના સજાવેલા રૂમમાં બેઠો હતો. મારી પાસે જગતની સહુથી સુંદર એવી યુવતી બેઠી હતી. એ લાલ કલરની સાડી માં હતી અને એણે માથે ઘૂંઘટ ઓઢેલો હતો. રાતના ૧૧ જેવું થઇ ગયું હતું. મેં આશ્ચર્યથી બેલી ગામના લોકોએ કરેલી લગ્નની વ્યવસ્થા જોઈ. ખુબજ આનંદમાં એ લોકો નાચ્યા, કુદ્યા અને ભવ્ય ભોજનું આયોજન પણ કર્યું. અરે પંડિતજી જેવા પંડિતજી પણ એક સમયે હાથમાં લાકડી લઈને બધાની સાથે નાચવા  લાગ્યા ! પ્રોફેસર ગોલાને પણ એમના ઘોઘરા અવાજમાં એક હિબ્રુ ગીત ગાઈ નાખ્યું હતું કે જેની બધાની સાથે સાથે મને પણ ખબર નહોતી પડી પણ બધા એ ગીત પર પણ આનંદથી નાચ્યા હતા. બધાના ચહેરા પર આનંદ હતો. ખુબજ આનંદપૂર્વક આખું આયોજન થયું હતું. મોડી રાત્રે લગ્ન વિધિ અને જમણવાર પતાવીને લોકો છુટા પડ્યા હતા. પ્રોફેસર ગોલાને વખત પાસે દારુની માંગણી કરી હતી અને વખતે જંગલમાં રહેતા આદિવાસીઓ પાસેથી તાડી જેવું કૈંક માદક પીણું મંગાવ્યું હતું. મેં થોડું ચાખ્યું હતું, પ્રોફેસર સિન્હા અને ગોલાને ખાસું બધું ગટગટાવ્યુ હતું. પંડિતજીએ પણ આજે થોડું ચાખ્યું હતું. મને એમની એ વાત બહુ ગમી. ક્યારેય જીવનને બંધનમાં ના રાખવું. પરિસ્થિતિ પ્રમાણે જે તે વસ્તુનો સ્વીકાર કરવો અને એક યોગ્ય પ્રમાણમાં એનો ભોગ પણ કરવો. મારી પાસે આવીને મારા ખભે હાથ રાખીને મારી આંખોમાં આંખ મિલાવીને એ બોલ્યા “રબ્બી, આજે જેનીફરના મૃત્યુ પછી પહેલી વાર મેં નશો કર્યો છે, એ હતી ત્યારે અમે કોઈ કોઈ દિવસ અમારા વિદેશી મહેમાનોએ લાવેલી વાઈન કે બ્રાન્ડી પીતા, પણ આજે પ્રસંગ જ એવો છે કે ફરીથી મન થઇ ગયું. જેનીફર અત્યારે હોત તો એ કેટલી ખુશ થાત ! મારી લાવણ્યાને ખુબ સાચવજે અને એને મરતા દમ સુધી સાથ આપજે, એ અદભુત આત્મા છે, એક દિવસ તને એની જાણ થશે, પણ સાથે સાથે એ એક સ્ત્રી પણ છે, એક મુગ્ધા યુવતી, એક બહેન, એક દીકરી પણ છે અને હવે એક પત્ની પણ થશે. અને હા, ટૂંક સમય માં એક માં પણ ! બેટા, ગમે તેવી પરિસ્થિતિ આવે પણ એનો સામનો કરજે  અને એને સાથે રાખજે, એક દિવસ તમને બધાને તમારી નિયતિ સમજાઈ જશે” એમની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. મારું પણ ગળું ભરાઈ આવ્યું અને મેં એમના બે હાથ પકડીને એમને સાંત્વન આપ્યું.

***

કમરામાં ખૂણે એક નાનો દીવો બળતો હતો અને આછો ઉજાસ પથરાયેલો હતો. લાવણ્યા લાલ સાડીમાં ખાટલાની કિનારીએ સંકોચાઈને બેઠી હતી. હું ધીરેથી એની બાજુમાં બેઠો અને મેં એનો ઘૂંઘટ ઉઠાવ્યો. આહ ! અત્યંત મોહક રૂપની સ્વામીની એવી લાવણ્યા, મારી પત્ની લાવણ્યાને હું જોઈજ રહ્યો. એણે મારી સામે એક સુંદર સ્મિત કર્યું અને મારો હાથ પકડ્યો. મેં એની હડપચી પકડીને ઝૂકીને એને એક દીર્ઘ ચુંબન કર્યું. જાણેકે સમય થંભી ગયો, મારું ચેતાતંત્ર બહેર મારી ગયું, મારું હૃદય બંધ પડી ગયું હોય એવું લાગ્યું, મારા શરીરમાં વહેતું લોહી ઉકળી ઉઠ્યું, મારા રૂંવાડા ઉભા થઇ ગયા. આવી આહ્લાદક અનુભૂતિ મને ક્યારેય નહોતી થઇ. મેં ધીરેથી મારો હાથ લાવણ્યાની કમરમાં સરકાવ્યો અને એને ખાટલામાં સુવડાવી દીધી. “ઓ પરદેસી”, લાવણ્યાના હોઠ મારા કાનોમાં ધીરેથી ફફડ્યા “મને તમે હોડીમાં સંભળાવેલું એ ગીત ફરીથી સંભળાવોને” અને મેં આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લઈને હિબ્રુ ગીત લલકાર્યું “ઓ મારી વ્હાલી, તું જ મારું જીવન છે, તું જ મારો આત્મા છે, તું જ મારું સર્વસ્વ છે, તું હું જ છું અને હું તું જ છું, જો હું જંગમાંથી પાછો નાં આવું  તો મારી યાદોને ઓઢીને તારી અંદર સમાવી દેજે ઓ વહાલી, હું હમેશા માટે તારા દિલ માં પોઢી જઈશ”

લાવણ્યા આંખો બંધ કરીને સાંભળી રહી, એની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. મેં ધીરેથી એ લૂછ્યા. એ મને જોરથી ભેટી પડી. એનો શ્વાસ જોર જોરથી ચાલવા લાગ્યો. એની છાતી ધમણની જેમ ઉપર નીચે થવા લાગી. દુર ખુણામાં બળતો દીવો તેલ ખૂટવાથી બુઝાઈ ગયો અને અમે એક બીજામાં એકાકાર થઇ ગયા. 

***

સવારના પક્ષીઓના અવાજોથી જંગલમાં આવેલું બેલી ગામ જાગી ઉઠ્યું. મેં આંખો ખોલીને જોયું તો બાજુમાં લાવણ્યા નહોતી. મેં આળસ મરડી અને ઉભો થઇને દરવાજે આવ્યો અને મેં જોયું કે સામે ઉપર ક્ષિતિજમાં સુરજ ઉગી રહ્યો હતો અને સવારના સુરજની લાલીમાં  સમાન પ્રકાશ ફેલાવતી લાવણ્યા મારી સામે હાથમાં પાણીનો કટોરો લઈને ઉભી હતી. એના એક હાથમાં દેસી દાતણ પણ હતું. એના ચહેરા પર મુગ્ધ ભાવ હતો. પરણ્યાની પહેલી રાત્રી પછી એક સુંદર મજાની લાલીમાં એના ચહેરા પર છવાઈ ગઈ હતી. મેં એને અંદર આવવાનો ઈશારો કર્યો અને એણે હસીને એક છણકો કર્યો અને દરવાજા પાસે પાણીનો લોટો અને દાતણ મુકીને એ હસતી હસતી ભાગી ગઈ.

પરવારીને હું અમારા મકાન પાસે આવેલા કુવા પાસે ગયો અને માત્ર ચડ્ડીમાં ત્યાં બેસી  ગયો. લાવણ્યા મને દૂરથી એક વાસણમાં ગરમ પાણી લઈને આવતી દેખાઈ. મેં આંખો બંધ કરી દીધી. અચાનક હું ધ્રુજી ઉઠ્યો. ઠંડા પાણીના મારાથી ! મારા આખા શરીરમાં ઠંડા પાણીને લઈને ધ્રુજારી આવી ગઈ. મેં આંખો ખોલીને  જોયું તો લાવણ્યા હજુ મારી સામે દૂર ઉભી હતી અને એ ખડખડાટ હસતી હતી. હવે મેં ગુસ્સાથી ઉપર જોયું તો વખત હાથમાં એક મોટું પાત્ર લઈને ઉભો હતો અને એમાંથી જ એણે મારા ઉપર ઠંડા પાણીની ધાર કરી હતી. મારો સાળો, પહાડ, હવે તો તું ગયો, હું ઉભો થવા ગયો અને અચાનક મારો પગ લપસ્યો, વખતે મારો હાથ પકડી લીધો. હજુ હું ગુસ્સામાં જ હતો, મેં જાટકો મારીને એના હાથમાંથી પાણી ભરેલું પાત્ર જુટવી લીધું અને વખતની પાછળ હું ભાગ્યો. એ પહાડ દોડવામાં પણ ચપળ હતો. આગળ એ અને પાછળ હું, લાવણ્યા આ જોઇને તાળીઓ પાડીને હસવા લાગી. એક ખુણામાં વખત ભરાઈ ગયો, હવે ક્યા જશે સાળા સાહેબ ? હું નાટકીય રીતે ખડખડાટ હસ્યો અને મેં પાત્રમાં રહેલું પાણી જોરથી એના પર ફેંક્યું. વખત પણ ધ્રુજી ઉઠ્યો. જાણેકે કોઈ માતેલું રીંછ પાણીમાં પલળી ગયું હોય એમ એણે વિચિત્ર અવાજો કર્યા. હવે એનો વારો હતો, એણે નીચે વળીને થોડો કીચડ હાથમાં લીધો અને મારા તરફ ફેંક્યો. હું ટાઈમસર ઝુકી ગયો અને અમે બંને એક નાનકડી ચીસ સાંભળીને ચોંકી ઉઠ્યા ! પાછળ આવતા પંડિતજીના મોઢા પર કીચડનો લેપ થઇ ગયો હતો ! લાવણ્યાનું હાસ્ય થંભી ગયું. હું નીચું જોઈ ગયો. વખત પણ ચુપચાપ ઉભો રહી ગયો. મરી ગયા ! હવે ? પંડિતજીએ ગુસ્સામાં અમારી સામે જોયું અને અમને એમની તરફ આવવાનો ઈશારો કર્યો. હું, મારી પાછળ વખત અને આગળથી લાવણ્યા બીતા બીતા એમની પાસે આવ્યા. પંડિતજી અચાનક નીચે જુક્યા અને બાજુમાં રહેલા ચૂલા પાસે પડેલી રાખ એમણે ઉપાડી અને અમને બધાને રંગી દીધા ! હવે એ ખડખડાટ હસી પડ્યા અને અમે અવાક થઈને એમને જોઈજ રહ્યા !

“વાહ વાહ ! શું વાત છે શંભુનાથ, તમારું આવું રૂપ તો હું પહેલી વાર જોઈ રહ્યો છું” પ્રોફેસર સિન્હા ત્યાં આવી ચડ્યા અને એમણે આનંદથી અમારી સવારની ક્રીડાને જોઈ ને કહ્યું.

“હા, પ્રોફેસર, આજ આમપણ ખાસ દિવસ છે, હું મારા પુત્રો અને પુત્રી સાથે છેલ્લી વાર આનંદમય સમય પસાર કરવા માંગું છું, પછી ખબર નહિ ક્યારે મિલન થાય !” પંડિતજી બોલ્યા.

મેં આશ્ચર્યથી એમની સામે અને પછી પ્રોફેસરની સામે જોયું ! છેલ્લો દિવસ ! આ બધું શું છે ? વખત અને લાવણ્યા નીચું માથું કરીને ઉભા હતા ! મને કઈ જ ખબર ના પડી.

પંડિતજીએ મને ટૂંકમાં સમજાવ્યું કે એ લાંબી હિમાલય યાત્રાએ જાય છે અને પાછા આવતા એમને ઘણા મહિનાઓ થઇ જશે. હું પણ લાવણ્યા અને વખતની જેમ ઉદાસ થઇ ગયો. મેં જીદ કરી કે અમારું ડેલીગેશન બે દિવસમાં અહીંથી દિલ્લી પાછું જાય છે અને મારે એમની સાથે જવાનું છે, ત્યારબાદ હું અહી પાછો એક મહિનો રોકાવા આવવાનો હતો, ત્યાં સુધી પંડિતજી રોકાઈ જાય.

“બેટા, આમતો મારી યાત્રાનો સમય થઇ ગયો છે પણ તું કહે છે તો તારી વાત હું સ્વીકારું છું અને તું પાછો આવે ત્યાં સુધી હું રોકાઈશ. પણ પછી મને નહિ રોકતા. તું એક મહિનો અહી રોકાજે અને જલ્દી થી પાછો આવીને લાવણ્યાને લઇ જજે. પ્રોફેસર બધી વ્યવસ્થા કરી  આપશે.” પંડિતજી એ હસીને સંમતિ આપી.

“વાહ ! હવે દીકરી કરતા જમાઈ ચડિયાતા થઇ ગયા ! મેં કીધું તો ના માન્યા અને એમણે એક વાર કીધું તો તરત રોકાવા તૈયાર થઇ ગયા !” લાવણ્યા એ ચીડ થી મોઢું મચકોડ્યું અને બધા ખડખડાટ હસી પડ્યા !

***

 મેં ઉષ્માપૂર્વક પ્રોફેસર ગોલાન અને એમની ટુકડીની સાથે હાથ મિલાવ્યા. દિલ્લીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમે ઉભા હતા. મારા સાથી કમાન્ડોને પણ મેં અમુક સૂચનાઓ આપી અને બધા તેલ અવિવની ફ્લાઈટ પકડવા રવાના થયા. મારી સમજુતી મુજબ મારે હજુ અહી એક મહિનો બેલી ગામ રોકાવાનું હતું અને પછી હું મારી અધુરી ટ્રેનીગ પૂરી કરવા પાછો ઇઝરાયેલ જવાનો હતો કે જે ચાર મહિના ચાલવાની હતી. ત્યારબાદ હું લાવણ્યાને આવીને લઇ જાઉં એવું નક્કી થયું હતું. પ્રોફેસર સિન્હાએ મારા માટે ગાડીની વ્યવસ્થા કરી હતી. હું એમની સાથે તરતજ બેલી ગામ જવા નીકળી પડ્યો. લાવણ્યા વગર આમ પણ મને બધું સુનું સુનું લાગતું હતું. લગભગ મોડી રાત્રે અમે બેલી ગામ પહોંચી ગયા. રાત્રે બે વાગે આખું ગામ સુઈ ગયું હતું. મંદિરમાંથી આછો પ્રકાશ આવતો હતો. મંદિરથી થોડે દુર એક નાનકડા પણ સુઘડ ઘરમાં અમારો ઉતારો  હતો. આટલી રાત્રે પણ વખત અને લાવણ્યા જાગતા હતા. વખતે અમારો સામાન લઈને ઘરમાં મૂકી દીધો. લાવણ્યાએ મારી સામે જોઇને મધુર સ્મિત કર્યું અને  મારો બધો થાક ઉતરી ગયો. હાશ ! હવે એક મહિના માટે મારે એનો ભરપુર સહવાસ માણવો હતો.

મારી ઝીન્દગીના એ અદભુત દિવસો હતા ! દિવસે હું લાવણ્યાને લઈને જંગલોમાં વિચરણ કરવા નીકળી પડતો. ક્યારેક વખત અને પંડિતજી પણ અમારી સાથે જોડાતા. એમનું વનસ્પતિમાં રહેલા ઔષધીય ગુણોનું જ્ઞાન અદભુત હતું. એ મને પણ ઘણું શીખવાડતા. હિમાચલના પ્રદેશો માં રહેલા અદભુત કુદરતી ખજાનાને જોઇને હું દિગ્મૂઢ થઇ ઉઠતો. હું પણ આ વનનો હિસ્સો હોવ એવું મને લાગવા માંડ્યું હતું. ત્યાના સ્થાનિક આદિવાસીઓ પણ અમને આવકારતા અને પંડિતજીને અને એમના પરિવારને તો એ લોકો દૈવીય ગણીને પૂજાતા પણ હતા. આખરે એ દીવસ આવી ગયો. બે દિવસમાં મારે પાછું દિલ્લી થઈને તેલ અવિવ જવાનું હતું. પ્રોફેસર પણ મુંબઈનું એક કામ પતાવીને પાછા બેલી આવી પહોંચ્યા હતા.

રાતના લગભગ ૧૨ વાગ્યા હતા. આખું બેલી ગામ શાંત થઈને વાદળોનું ઓઢણું ઓઢી ને સુઈ ગયું હતું. અત્યંત મનોહર એવા બેલી ગામના શાંત સરોવરમાં આછી પાતળી હલન ચલન થઇ રહી હતી. પ્રોફેસર સિન્હા અને પંડિત શંભુનાથ એની પાળ પાસે બેઠા હતા. વહેલી સવારે પંડિતજી નીકળવાના હતા.

“પ્રોફેસર, મારા પરિવારનું ધ્યાન રાખજો” પંડિતજી એ પ્રોફેસર સિન્હાના હાથ પકડીને કહ્યું. “તમે ચિંતા નાં કરો પંડિતજી, મેં આપેલ નકશો પાસે રાખજો, તમે તો ત્યાંથી ઘણી વાર નીકળ્યા છો એટલે તમને કશી મદદની જરૂર નહિ પડે, તેમ છતાં પણ મેં અમુક ત્યાના સ્થાનિકો જોડે વાત કરી રાખી છે, એ તમને મદદ કરશે. રાક્ષસતાલ પાસે આવે એટલે તમે શિવસ્તુતિનું પઠન કરજો. મારા એક બે ઓળખીતા આદિવાસીઓ તમને આવીને મળશે અને પછી તમે લોકો કૈલાશ તરફ તમારી જીવનભર ની ઈચ્છા  પૂરી કરવા માટે પ્રયાણ કરજો. રસ્તો કઠીન છે પણ મારી આટલા વર્ષોની તપસ્યા અને સંશોધન મુજબ તમે ત્યાં પહોંચી જશો. હું પણ તમારી સાથે અત્યારે આવત પણ મારે એક અત્યંત મહત્વના કાર્યક્રમ માં જવું પડે એમ છે. બરાબર ચાર મહિના પછી હું વખતને સાથે લઈને તમારી માનસરોવર પાસે રાહ જોઇશ. તમે અમારી બિલકુલ ચિંતા ના કરશો. બસ એ મહાન શક્તિના દર્શન કરો અને ધન્ય થઇ જાવ, તમને તમારા પૂર્વજો અને મહાન રાવણના આશીર્વાદ પ્રાપ્ત છે” પ્રોફેસરે ગંભીર સ્વરે કહ્યું અને ઉષ્માથી પંડિતજી નાં હાથ દબાવ્યા.

સવારના ચાર-સાડા ચાર જેવું થયું હતું. લાવણ્યાએ ધીરેથી મને ઉઠાડ્યો. મેં આંખો ચોળીને એની સામે જોયું. એની સુંદર મોટી મોટી આંખો ઉદાસ હતી. હું ચપળતાથી ઉભો થઇ ગયો અને મેં મોઢું ધોઈ લીધું. હું અને લાવણ્યા હાથ પકડીને અમારા ઘરની બહાર નીકળ્યા. વાતાવરણ એકદમ શાંત હતું. હજી એકદમ ઘોર અંધકાર હતો. અમાસની રાત હોય એવું લાગતું હતું. અમે હળવે પગલે મંદિર પાસે પહોંચ્યા. મંદિરની બહાર હવનકુંડમાં અગ્નિ પ્રજ્જ્વલ્લિત હતો. પંડિતજી અને પ્રોફેસર સિન્હા એની પાસે બેઠા હતા. પંડિતજી આંખો બંધ કરીને કૈંક મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. વખત એક હાથમાં ઘી ભરેલું પાત્ર લઈને એમની પાસે ઉભો હતો. થોડીવારમાં પંડિતજી ઉભા થયા અને અમારી સામે જોયું. એમની આંખો સજળ હતી. મેં અને લાવણ્યાએ એમને જુકીને પ્રણામ કર્યા. એમણે મને અને લાવન્યાને ભેટીને માથે હાથ મુકીને આશીર્વાદ આપ્યા. વખત નાના છોકરાની જેમ એમને ભેટીને રડી પડ્યો. પંડિતજી પણ વિહવળ થઇ ઉઠ્યા. અચાનક એમણે ચાલવાનું શરુ કરી દીધું. અમે લોકો એમની પાછળ ચાલવા લાગ્યા. એકાદ કિલોમીટર દૂર એક કેડી પર અમે ચાલ્યા અને હવે રસ્તો નીચે એક ખીણમાં જતો હતો. વખતે એની સાથે રાખેલ બે માંથી એક મશાલ પંડિતજીને આપી દીધી. અમે એક ઉંચા ખડક પર ઉભા રહી ગયા. થોડું ચાલ્યા બાદ મશાલના અજવાળામાં ચાલતા એ વૃદ્ધ પંડિતે અમારી સામે જોયું. અમે લોકોએ હાથ ઊંચા કરીને એમને વિદાય આપી. મશાલના અજવાળામાં પંડિતજી અદભુત લાગતા હતા. એમનું વિશાળ કપાળ, લાંબી સફેદ દાઢી, અને માથા પર કરેલું ત્રિશુલનું તિલક. આ અદભુત દ્રશ્ય હું જોઈજ રહ્યો. મને ખબર નહિ કેમ પણ અંદરથી કૈંક થઇ ગયું. મેં લાવણ્યાનો હાથ સજ્જડ પકડી લીધો. છેલ્લી વાર એમણે અમારી સાથે હાથ હલાવ્યો અને અચાનક એમણે મશાલ ઓલવી દીધી અને અંધારામાં એ ગાયબ થઇ ગયા હોય એવું લાગ્યું. અમે થોડી વાર ત્યાંજ ઉભા રહ્યા. “હરી ઓમ” એક ઊંડો અને ઘેરો અવાજ ખીણમાં થી આવ્યો અને અમે બધાએ સાથે સામે “હરી ઓમ” નો સાદ પાડ્યો. પછી બધું શાંત થઇ ગયું અને અમે ભારે પગલે ગામ ભણી જવા નીકળી ગયા.

“તમારો ભક્ત તમારી પાસે આવી રહ્યો છે, એનું ધ્યાન રાખજો હે મહાદેવ”

પ્રોફેસર ધીમેથી બબડ્યા.

ભાગ-૮ સમાપ્ત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ