વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

અહેસાસ          


                      *** પ્રસ્તાવના ***


       મા-બાપ અને સંતાનો વચ્ચેના ગૂંચવાયેલા સંબંધોને વર્ણવતી નવલકથા એટલે "અહેસાસ". આ જીવન આપણને માતા-પિતા તરફથી મળેલું છે, એટલે તેમના પ્રત્યેના કર્તવ્યો અને ફરજને પુરી નિષ્ઠાથી નિભાવવી એ દરેક સંતાનનું કર્તવ્ય છે. બીજી તરફ સંતાનનું લાલન-પોષણ અને તેમની તમામ ખુશીઓ આપવી, એ માટે માતા-પિતા તેમનાથી બનતા શ્રેષ્ઠતમ પ્રયાસો કરી છૂટે છે. આમ બન્ને એકબીજા સાથે સંકળાયેલા છે.


              જ્યારે કોઈ સંતાન તેમના માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને લવ મેરેજ કરી લે છે ત્યારે તેમના મનની કેટલી લાગણી દુભાઈ હશે તે એ સંતાનોને ખબર નથી હોતી, અથવા સંતાનો પોતાનું ભવિષ્ય પોતે ઘડવાની લ્હાયમાં જાણીબૂઝીને એમની લાગણીઓને કોરે ધકેલી દઈ પોતાનાં રસ્તે ચાલી નીકળે છે! સમાજમાં તેમની આબરૂ તો ઘવાય છે, પરંતુ ન જાણે કેટલાં સમય સુધી સંતાનની બેવફાઈની પીડા તેમના મનની અંદર ધરબાયેલી રહે છે. વર્ષોથી સેવેલા અરમાનોના પતાઓનો મહેલ જાણે થોડી જ વારમાં તહેસ નહેસ થઈ જાય છે. શહબાઝ અને સાયમાં ઘરેથી ભાગીને લવ મેરેજ કરી લે છે. સાયમાના પિતા નવાબ વાહેદ અલી ખાન જેમનો સમાજમાં એક રૂતબો છે, તે ઘવાય છે, તેમનાં વિશ્વાસને આઘાત પહોંચે છે. એ વાતને વર્ષો વીતી જાય છે.


                બે દાયકા પછી શહબાઝ અને સાયમાની બેટી સફા યુવાન થાય છે, તેના માં-બાપ તેને બેશુમાર પ્યાર કરે છે. તેની તમામ ખુશીઓને પુરી કરવા કઈ પણ કરી છૂટે તેમ છે. શહબાજનો બિઝનેસ શહેરમાં ધમધોકાર ચાલે છે. અચાનક એક દિવસ તેમની જિંદગીમાં અણધાર્યું તોફાન આવે છે, જે તેમની ત્રણેયની જિંદગી બદલી નાખે છે. 


              સફા, તેમની વહાલસોયી દિકરી કિડનેપ થાય છે. તેને શોધવા માટે શહબાઝ એડી-ચોટીનું જોર લગાવી દે છે, હકીકતમાં સફાને કિડનેપ કરાવનાર બીજો કોઈ નહિ, પરંતુ તેના નાના નવાબ વાહેદ અલી ખાન જ હોય છે! એક એવી નવલકથા.. જેમાં બંને પક્ષની રાતોની ઊંઘ હરામ થાય છે! એમનાં પોતાનાં લોહીને કિડનેપ કરવા પાછળનો નવાબ વાહેદ અલી ખાનનો ઉદ્દેશ્ય શું હશે? સાયમા અને શહબાઝને એમની લાડકી દીકરી સફા ફરીથી મળશે? આ રહસ્યોનો તાળો મેળવવા માટે મારા પરમ મિત્ર સોલી ફિટરની રસઝરતી કલમથી નિતરેલી આ નવલકથા આપે વાંચવી રહી! 


   -- રોહિત સુથાર "પ્રેમ"





   પ્રકરણ - 1



         શહબાઝ હુસૈન પોલીસ સ્ટેશનથી હતાશ ચેહરે બહાર નીકળ્યાં, રિમોટથી હોન્ડા સી.આર.વી.નો સેન્ટ્રલ લૉક ખોલી ડ્રાઈવીંગ સીટ પર બેસી એન્જિન સ્ટાર્ટ કર્યું અને થોડી વાર એમ જ નિષ્ક્રિય રહી ક્ષિતિજમાં તાકી રહ્યા, દોઢ મહિનાથી આ રીતે ધક્કા ખાઈને તન–મનથી તેઓ થાકી ગયાં હતાં, ‘એકવાર પકડાવો જોઈએ એ હરામખોર, પિસ્તોલનું ચેમ્બર જ ખાલી કરી દઈશ એ કાયરની છાતીમાં..!’ મનમાં બબડતાં ગાડી રિવર્સ લઈ સીધી કરી ઓફિસ તરફ પ્રયાણ કર્યું…! 


         ચુમાળીસ વર્ષની ઉમરે પણ અદ્ભુત દેખાવ ધરાવતી પત્ની સાયમા બેગમ, પ્રાણથી પણ પ્યારી રૂપ રૂપનાં અંબાર સમી બાવીસ વર્ષીય પુત્રી સફા, શહેરનાં પૉશ એરિયામાં બંગલો, કેમિકલનો ધીકતો બિઝનેસ, એકંદરે શહબાઝ હુસૈન થોડાં સમય પહેલાં અત્યંત સુખી હતાં! છેંતાળીસ વર્ષની નાની વયમાં સારી એવી વગ તેમણે બનાવી લીધી હતી, મોટા અમલદારો અને વેપારીઓમાં એમનાં નામનો સિક્કો પડતો હતો, શહબાઝ ભાઈની વાત કોઈ ટાળી શક્તું નહીં! આશરે પચ્ચીસ વર્ષ થયાં હતાં આ શહેરમાં એમને પગ મૂકવાને, એમાંથી સત્તર વર્ષ એમનાં પરિવારે ઘણી તકલીફમાં કાઢયાં હતાં, છેવટે કુદરત મહેરબાન થઈ અને સુખનો ઠંડો વાયરો છેલ્લા આઠ વર્ષથી એમનાં આંગણે આવ્યો હતો! હજી દોઢ મહિના પહેલાં શહેરની કોર્પોરેટ લોબીમાં એવી વાયકા હતી કે શહબાઝ હુસૈન રેતીમાં હાથ નાંખે, તો પણ પૈસા નીકળે, એમનો રૂઆબ, ત્વરિત નિર્ણયશક્તિ અને એમનાં લીધેલ નિર્ણયોની સફળતાનાં પ્રભાવે શહેરનાં વેપારીઓમાં એમની ઈમેજ એવી બની ગઈ હતી! પરંતુ છેલ્લાં દોઢ મહિનાથી આ ખમતીધર માણસ પોતાની લાડકી દીકરીનાં કારણે લાચાર થઈ ગયો હતો..! 


       પોતાનાં પક્ષેથી એક પણ શક્યતા બાકી ન  રાખી ન હતી, શહબાઝ હુસૈને પોતાની લાડકી સફાને શોધવામાં..! દરેક લિન્ક લગાવી જોઈ, પોલીસ તો ઠીક ગુંડા તત્વોને પણ છેવટે કામે લગાડ્યાં હતાં! જમીન ગળી ગઈ કે આકાશ  ખાઈ ગયુ, ખબર નહિ પણ દોઢ મહિનાનાં ગાળામાં સફાનો એક નાનો  જેવો ક્લૂ પણ મળ્યો ન હતો, નહિવત ધાર્મિક એવા શહબાઝ હુસૈન અંધશ્રદ્ધા તરફ પણ વળ્યાં હતાં, પરંતુ એ આંધળી શ્રદ્ધા પણ આ બાબતે એમને ન ફળી! બની બેઠેલાં બાવા-બાપુઓ બે-ત્રણ લાખ રૂપિયા ખંખેરી લઈ હજી હથેળીમાં ચાંદ જ બતાવ્યાં કરતાં હતાં..! શહબાઝ ભાઈએ એ પૈસાનું મનથી નાહી પણ નાખ્યું હતું ! પોલીસ તરફથી દરરોજનો એક રૂટીન જવાબ મળતો, “તપાસ ચાલું છે!” રોજ સવારે ઓફિસ જતાં સમયે પોલીસ સ્ટેશન જવું, એ એમની રોજનીશીમાં સામેલ થઈ ગયું હતું.. પોલીસ કમિશ્નર સાથે ઓળખાણ હતી, એ કારણે બધાં ઓફિસરો એમની વાત શાંતિથી સાંભળી વ્યવસ્થિત જવાબ આપતાં હતાં. બે-ત્રણ જણાંને એમણે પોતાની પીઠ પાછળ સહાનુભૂતિ વ્યક્ત કરતાં સાંભળ્યાં, તો કોઈકનાં મોં પર એમનાં રોજીંદા આગમનનો અણગમો અને કંટાળો પણ અનુભવ્યો હતો! 


       સફાને છેલ્લી વાર એની સખી સુહાના અને મેહતાબે જોઈ હતી, શહબાઝ હુસૈને લાડકી સફાને કૉલેજ અપડાઉન માટે સેન્ટ્રો કાર આપી હતી, સાથે એક આધેડ વયનાં ચાચાને ડ્રાઇવર તરીકે નોકરીએ રાખ્યા હતા.. એ દિવસે કૉલેજનાં ગેટ પાસે ત્રણે છોકરીઓ ડ્રાઈવર રહીમ ચાચાની રાહ જોઈ રહી હતી, ચાચા હંમેશા બરાબર ટાઈમ પહેલાં આવી ગાડી મૂકી દેતાં, પરંતુ આજે એ મોડાં પડ્યાં હતાં, આ પહેલીવાર બન્યું હતું! છોકરીઓને એનું આશ્ચર્ય હોવા સાથે ચાચા પર ગુસ્સો પણ આવી રહ્યો હતો, કારણ કે ગરમી અસહ્ય હતી, “ આજે ચાચાની શામત આવવાની છે..!” સફાનાં ગુસ્સૈલ સ્વભાવથી વાકેફ  સુહાના અને મેહતાબે મનમાં સોચ્યું, કારની બ્રેકનાં અવાજે ત્રણેનું ધ્યાન આગળ ખેંચાયું! 


        દસ-બાર પગલાં દૂર સિલ્વર ગ્રે કલરની મારૂતિ વેન આવી ઉભી રહી, કાચ સદંતર કાળા, ધીમેથી વેનનો વચ્ચેનો દરવાજો ખૂલ્યો,  બિલાડીનું બે-અઢી મહીનાનું એક બચ્ચું બે હાથોનો સહારો લઈ બહાર આવ્યુ, ગુચ્છાદાર રૂંવાટી વાળા એ બે પૌરૂષી હાથોએ એને નીચે જમીન પર મૂક્યુ, અને દરવાજો બંધ કરવાનો ઉપક્રમ કર્યો, ત્રણે છોકરીઓનું ધ્યાન આ તરફ જ હતું, બિલાડીનું બચ્ચું બહાર મુકાયું, ત્યાં સુધી ઉત્સુકતાવશ ત્રણે એ હાથોની ગતિવિધિઓ જોઈ રહ્યાં, પરંતુ  વેનનો  દરવાજો બંધ થતો જોઈ સફાનું મગજ ફર્યું, બે કારણે એણે વેન તરફ દોટ મૂકી, એક.. એને જાનવરો પ્રત્યે અપાર પ્રેમ હતો,. બીજું, એને એ સમજાયું  કે બિલાડીનો માલિક એનાંથી છૂટકારો મેળવવા આ રીતે એને રસ્તે રઝળતી મૂકીને જઈ રહ્યો છે.. 


       વેન પાસે જઈ નજાકતથી બચ્ચાને ઉંચકી સફાએ વેનનો દરવાજો ધડામ દઈ ખોલ્યો, જો કે એ ફક્ત અટકાવ્યો જ હતો, બંધ હતો જ નહીં! પરંતુ સફાને એ બધું વિચારવાનો સમય જ ક્યાં મળ્યો? એ તો બસ.. પેલું બચ્ચું રસ્તે રખડતું ન થઈ જાય એ ચિંતામાં પેલાં રૂંવાટીદાર હાથોનાં માલિક સાથે બાખડી પડી! બચ્ચાને ધીમેથી સીટ પર બેસાડ્યું, “ એય મિસ્ટર, જાનવર સાચવવાની આવડત ન હોય તો, પાળતાં……”, સફા એનું વાક્ય પૂરું કરે એ પહેલા પેલા બે હાથોએ એને હાથ પકડી અંદર ખેંચી, કમરથી ઉંચકી વેનની સીટ પર બેસાડી દીધી, જે રીતે સફાએ બિલાડીનાં બચ્ચાને ઊંચકી વેનમાં મૂક્યું હતું! ફરક ફક્ત એટલો કે સફાનાં હાથોમાં મુલાયમતાં હતી, અને એનાં હાથોમાં બરછટપણું હતું! ખતરનાક ઝડપ બતાવી એ હાથોએ વેનનો ખુલ્લો દરવાજો બંધ કર્યો, ડ્રાઇવરે અંધાધૂંધ વેન ભગાવી, આ બધું એટલું ઝપાઝપીમાં અને અપ્રત્યાશિત ઝડપે થયું કે  વેનની બહાર સુહાના અને મેહતાબને શું થયું તે ખબર જ ન પડી! બંને  મોઢું ફાડીને એકબીજાને જોઈ રહી, શું બની ગયું તેનું ભાન થતાં સફા – સફાની બૂમો પાડવા લાગી, પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઈ ચૂક્યું હતું, સફા કિડનેપ થઈ ચૂકી હતી, અને કિડનેપર વેન વળાંક લઈ હવામાં ઓગળી ચૂકી હતી..! 


        “વૉટ ઈઝ ધીઝ નૉનસેન્સ?” સફાને હજુ પણ સમજ  પડી ન હતી કે પોતાની સાથે શું થઈ રહ્યું છે?


          “આપ કિડનેપ થઈ ચૂક્યાં છો!” એનો કહેવાનો અંદાજ ખુશ ખબરી આપે એવો હતો! 


          ‘દેખાવે ગાંડો તો નથી લાગતો ’ સફાએ મનમાં બબડતાં એનું નિરિક્ષણ કર્યુ, જી-સ્ટાર રૉનું વી-નેક ટી-શર્ટ અને ડેનિમની જીન્સ પહેરેલ, બ્લેક કલરનાં ઓરિજિનલ રેબનનાં ગોગલ્સ પહેરેલો કડક પણ સોહામણો ચેહરો, કર્લી વાળ, આછી દાઢી-મૂછ, અચ્છો ખાસો હેન્ડસમ દેખાતો હતો, હાથ અને છાતી પરનાં ગુચ્છેદાર વાળ એનાં પૌરૂષત્વમાં વધારો કરતાં હતાં.. “ વ્હોટ અ જૉક? આ બદતમીઝી છોડો, ગાડી રોકો.. હું મારી ભૂલ માટે માફી માંગુ છું, મારે તમને આ બચ્ચા વિશે કંઈ કહેવાની જરૂર જ નહોતી, આઈ એમ સો સૉરી..!” બિલાડીનું બચ્ચું એ યુવાનની ગોદમાં ભરાઈને બેસી ગયું હતું, એ યુવાનનો એક હાથ એને વહાલથી પસવારી  રહ્યો હતો.. બચ્ચું લાડથી એનાં હાથને વારેઘડીએ ચાટીને વહાલનો બદલો  મૂંગા પ્રેમથી આપી રહ્યું હતું. સફા એને જોઈને વિચારમાં પડી ગઈ, 'આ મૂંગા જાનવરોની વફાદારી પણ કેટલી અજીબ હોય છે? જે એનાંથી છૂટકારો મેળવવા માટે એને રસ્તે રઝળતું મૂકીને ભાગી જતો હતો, એનાંથી જ એ પ્રેમની આશા રાખે છે! કાશ.. આ બચ્ચું એનો આશય સમજી શક્યું હોત તો હમણાં એને ચાટવાની જગ્યાએ કાટી લીધું હોત!'


        “અરે સફા બેગમ, તમારે માફી માંગવાની જરૂર નથી, તમે કોઈ બદતમીઝી નથી કરી, આ “હુર્રૂ” ને અમે તમારી માટે જ બહાર મૂક્યું હતુ, ડોન્ટ સે સૉરી!”


       “વ્હોટ? બચ્ચું બહાર મૂક્યું, મારા માટે? મને કંઈ સમજ નથી પડતી, તમે કહેવાં શું માંગો છો? વિલ યુ ટેલ મી વન્સ અગેઈન પ્લીઝ? વ્હુ આર યુ? એન્ડ હાઉ ડીડ યુ નોવ્ઝ માય નેમ? તમને મારૂં શું કામ પડ્યું કે તમારે મારા માટે આ બચ્ચાને બહાર મૂકવું પડયું?” સફાએ આશ્ચર્યચકિત થઈ એકસામટાં ઘણાં બધાં સવાલો પૂછી નાખ્યાં! 


         “લિસન બેબી, વધારે મગજ નહી ચલાવ, પેલેસ પર જઈને બધુ ખબર પડી જશે!” કંટાળેલા સ્વરે જવાબ મળ્યો.. 


        “પેલેસ? કયો પેલેસ? બટ વ્હાય? મારૂં શું કામ છે ત્યાં? ઓહ.. ધેટ મીન્સ.. તમારે પૈસા જોઈએ છે! યુ ડિડ કિડનેપ્ડ મી ફોર મની, રાઈટ? હાઉ મચ યુ વોન્ટ? કેટલાં.? બોલો.. બોલો.. હું મારા ડેડીને કહી અહીં જ મંગાવી લઉં છું, પેલેસ સુધી જવાની જરૂર નથી, મને ત્યાંનાં લોકઅપમાં નહીં ફાવે!” સફા ચપટી વગાડતાં બેગમાંથી આઈફોન ફોર કાઢતાં બોલી.. 


         વેન શહેરી વિસ્તાર છોડી હાઈવે પર આવી ગઈ હતી, “ ચૂપ, હવે એક પણ શબ્દ જો મોંમાંથી નિકાળ્યો છે તો મોંઢુ હંમેશ માટે બંધ કરી દઈશ!” યુવકનાં સ્વરમાં હલકી ખૂંખારતા ભળી, એનાં હાથમાંથી ફોન ખેંચી લઈ સ્વીચ ઓફ કરી સીમ કાર્ડ કાઢી પાછો એને આપ્યો, “ લે કર ફોન.. તારા ડેડીને!”  અવાજમાં ખૂંખારતાની જગ્યા ફરી ઉપહાસે લીધી. આગળ ઢાબા પર ચાર-પાંચ માણસો દેખાતા સફાએ "બચાવો" ની બૂમ પાડવા  મોં ખોલ્યું, પરંતુ પેલો વધુ પડતો સાવચેત હતો, હજી તો “બ” બહાર નીકળે તે પહેલાં જમણા હાથે સફાનું મોં દબાવી દીધું,ડાબા હાથે પાછળનાં પોકેટમાંથી રૂમાલ કાઢી એ નાજુક છોકરીનાં નાકે મૂક્યો, એ સાથે જ એ ઊંડી ઊંઘમાં સરી પડી…! 


        બીજી તરફ સુહાના, મેહતાબ અને ડ્રાઇવર રહીમ ચાચાનાં બયાનથી પોલીસ એ નિષ્કર્ષ પર પહોંચી કે સફાનું કિડનેપીંગ એક વેલ પ્લાન્ડ કાવતરું હતું! એ તારણનાં પૂરતાં પુરાવા પણ એ તરફ જ ઈશારો કરી રહ્યાં હતાં! સેન્ટ્રો કારનાં બે ટાયરમાં એકસાથે પંચર પડવું, રહીમ ચાચાનાં ફોન પર સફાનો કોઈ બીજા નંબરથી ફોન આવવો અને એમ કહેવું કે, “ ચાચા, અમે સુહાનાનાં ડેડીની ગાડીમાં ઘરે જઈ રહ્યાં છીએ, તમે ડાયરેકટ  ગાડી લઈ ઘરે પહોંચી જજો.” જે  ફોન સફાએ કર્યો જ ન હતો! રહીમ ચાચા બે - બે પંચરનાં ટેંશનમાં અવાજ ઓળખવામાં થાપ ખાઈ ગયાં હતાં, અથવા કિડનેપરે સફાનાં અવાજની આબેહૂબ નકલ કરી હતી! ચાચાને જરા પણ અંદાજ આવી ગયો હોત, તો એ શહબાઝ શેઠને ડાયરેક્ટ કોલ કરીને જાણ કરત, શેઠનો કોઈ પણ ઈમરજન્સી માટે કૉલ કરવાનો ઓર્ડર હતો જ… સફાનો મૂંગા પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ, બિલાડીનું બચ્ચું ગાડીની બહાર મૂકવુ, એ કિડનેપરનો મજબૂત પ્રિપ્લાન સાબિત કરતું હતું, કોઈ શાતિર દિમાગે જબરદસ્ત હોમવર્ક કરી સફાને ઉઠાવી હતી, અધૂરામાં પૂરું એની સખીઓને અફરાતફરીમાં ગાડીનો નંબર પણ નોટ કરવાનું સૂજ્યું ન હતું..! 


       શક્યતાઓ હજાર હતી, પરંતુ રસ્તા બધાં બંધ હતાં, સાયમા બેગમ અને શહબાઝ હુસૈન એકબીજાને જમાડવા માટે જમતાં અને રોજિંદી પ્રક્રિયાઓ કરતા, નહિતર જિંદગી નિરસ થઈ ગઈ હતી, સફાનાં મળવાની કોઈ આશા જ એ "નાલાયકે" આપી ન હતી. ફોન કરીને પૈસા માંગી લે, સફા માટે પુરી માલ મિલકત આપી દેવા શહબાઝ તૈયાર હતાં, અરે.. એ માણસનાં ગુલામ બનવા પણ તૈયાર હતાં! કિડનેપરનાં એક ફોનની આશાએ દિવસ - રાત નિકળતાં હતા, પરંતુ હવે એ આશા પણ ધૂંધળી થવા લાગી હતી.........! 



ક્રમશઃ 


 













         


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ