વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરોના અને દોસ્તી - ૧

        અનિંદ્રાથી પીડાતી રાધા આમ-તેમ પથારીમાં પડખા ફેરવી રહી હતી. રાધાનાં પતિદેવ મનોજ પોતાની જ મોજમાં ઊંઘની મજા માણી રહ્યા હતા. રાધા આ જોઈ થોડી ઈર્ષા પણ કરી રહી હતી. પોતાને નીંદર ન આવતી હોય અને પતિ મોજીલી નીંદર માણી રહ્યા હોય તો કોઈપણ પત્નીને થોડી ઈર્ષા તો થાય જ. અનિંદ્રાનું કારણ પણ વ્યાજબી લાગે એવું જ હતું. રાધાના માતા-પિતા એકલા હતા. એ અમદાવાદ-બોપલમાં રહેતા હતા. સરકાર દ્વારા દિવાળી પછી તરત જ અમદાવાદમાં કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. રાધાના માતા-પિતા જે સોસાયટીમાં રહેતા હતાં ત્યાં 80 જેટલા કોરોનાનાં કેસ આવી ગયા હતા. રાધા એમને બોલાવી લે કે એમની પાસે જઈને રહે એ હાલ પૂરતું શક્ય ન હતું. રાધા સુરેન્દ્રનગરમાં પોતાની આ દુવિધા એકલી જ વેઠી રહી હતી. પતિ થોડા અલગ જ સ્વભાવના હતા. એ આવી પરિસ્થિતિમાં પત્નીને આશ્વાસન આપવામાં સમજતા નહીં. આ સમયે રાધાની આંખોના ખુણાઓ ભીનાં થયેલા અને ચહેરો પણ ફિક્કો પડી ગયેલો.


        જ્યાં ત્યાં કરતાં સવાર પડી. રાધા આખી રાત સુઈ શકી નહીં. સવારે ઉઠતાની સાથે જ એને માતા-પિતાને ફોન લાગવ્યો.


"મમ્મી... કેમ છે તું?" રાધા ભારે હૈયે બોલી.


"બેટા, અમે લોકો ઠીક છીએ. તારા પપ્પા ન્હાવા જ બેઠા છે. તું બહુ ચિંતા ન કર.." રાધાના મમ્મીએ જવાબ આપ્યો.


"મમ્મી પણ તમે બંને 65 વર્ષ ઉપરના થઇ ગયા. આ કોરોના મહામારીમાં તમારે તો બહુ જ સાવચેતી રાખવી પડે અને એમાંય હવે તો તમારી સોસાયટીમાં 80 કેશ આવી ગયા છે. મને બહુ ચિંતા થાય છે મમ્મી.. જો શક્ય હોય તો આવી જાઓને અહીં.."


"ના રે ના બેટા, એટલું કાંઈ ટેન્શન નથી અને આ બિમારી ક્યારે જશે એનો કોઈ સમય થોડી નક્કી છે. દીકરીના ઘેર પણ કેટલા'દી રોકાવાય?" રમિલા બેન રાધાની સ્થિતિ જાણતા હતાં. મનોજને રાધાના માતા-પિતા ત્યાં રોકાય એને જરાય ન ગમતું. એટલે દીકરીને એ આડકતરી રીતે નાકારો આપતા.


"મમ્મી એમાં શું થયું મારો ભાઈ હોત તો તમારે આ રીતે એકલા રહેવું ન પડેત. પણ મમ્મી મને તમારો દીકરો સમજીને આવોને. મને ખબર છે મનોજના અણગમાને લીધે તમને અચકામણ થાય છે. પણ આવી પરિસ્થિતિમાં એ બધું ન જોવો સંસાર છે એતો ચાલ્યા કરે.." રાધા માનાં મનની વાત સમજી ગઈ અને બોલી.


"બેટા તું બહુ જીદ કે આજીજી ન કર. તારા પપ્પા નીકળે એટલે એમની સાથે વાત કરીશ અને જો શક્ય હશે અને અહીં પરિસ્થિતિ બહુ ખરાબ હશે તો આવી જઈશું. તું જરાય ચિંતા ન કર બેટા.."


"સારું મમ્મી, ચાલ તો હવે રાખું છું. મનોજ ને જગાડી એમનો નાસ્તો તૈયાર કરવો છે."


"સારું બેટા, ધ્યાન રાખજે અને બહુ ચિંતા ન કરતી. ભગવાન બધાને સુરક્ષિત રાખે."


"ઓકે બાય મમ્મી, જય શ્રી ક્રિષ્ના.."


"બાય બેટા, જય શ્રી ક્રિષ્ના.."


        રાધા એ મમ્મી સાથે વાત કરીને ફોન મુક્યો. બંને મા દીકરી મોઢેથી હા-ના  કરી રહ્યા હતા પણ દિલથી એમ જ થતું કે આવી પરિસ્થિતિમાં જો સાથે હોઈએ તો કેટલું સારું રહે. મનોજ રાધાના અવાજથી જાગી ગયો હતો એના મમ્મી સાથે થતી વાતને એ સાંભળી રહ્યો હતો.


"તને દોઢ ડાઈ બનવાનો બહુ શોખ છે નહીં.." ફોન મુક્યાની થોડી જ વારમાં મનોજ બબડ્યો.


"શું થયું મનોજ, સવાર સવારમાં કેમ આવું બોલો છો.."


"શું થયું વાડી, તારા મા-બાપનો મેં ઠેકો લીધો છે? મારી આ ધરમશાળા નથી. જે તું એમને અહીં બોલાવે છે.." મનોજ ગુસ્સે થઇને બોલ્યો. રાધા ચુપ થઇ અને સાંભળી રહી હતી.


"જા હવે મારા માટે નાસ્તો બનાવ અને જો તારી માનો ફોન આવે તો કઈ દેજે કે જ્યાં જવું હોય ત્યાં જાય બાકી અહીં ના આવે.."


"પણ મનોજ એ તો ના જ પાડે છે. આતો મને ચિંતા થાય એટલે મેં જ કહ્યું."


"તો હવે પછી આવી ડાઈ બનીને કહેવાની જરૂર નથી સમજી.."


"સારું મનોજ હવે તમે ગુસ્સો ન કરો હું એમને અહીં નહીં બોલાવું. પણ તમે મને ત્યાં રહેવા જવા દેશો?"


"તો અહીં મારુ કામ કોણ તારો બાપ કરવા આવશે?"


"મનોજ પણ એ એકલા છે અને આવા ખરાબ સમયમાં એમને મારી જરૂર છે."


"એવી જ જરૂર હોય તો જા અને પાછી ન આવતી હું બીજી કરી લઈશ.."


"મનોજ તમે દર વખતે આવી જ વાત કરો છો. મેં તમારી સાથે સાત ફેરા લીધા છે. અગ્નિની સાક્ષીએ તમને સાત જનમ મારા માન્યા છે. જાણું છું તમારો સ્વભાવ મારાથી અલગ છે પણ તમે જ વિચારોને કે જો તમે મારી જગ્યાએ હોવ તો શું કરો?"


"હવે તું મને શિખામણ આપીશ? મારે શું કરવું જોઈએ અને શું નહીં હે?"


"મનોજ શિખમણની વાત નથી પણ હું ક્યાં આડા દિવસે કે વાર તહેવારે પણ એમને અહીં બોલાવું છું. આપણા લગ્નને સાત વર્ષ થયા કોઈ'દી મારા મા-બાપુ અહીં આવ્યા છે રહેવા?"


"તારે મારી સાથે ઝગડો કરવો છે? તો આજે કરી જ લે અને પૂરું કરીએ.."


"મનોજ એવી વાત નથી પણ જો મારા મમ્મી પપ્પા કોરોનાનો શિકાર બને અને એમને કંઈક થઇ જાય તો મને આખી જિંદગી એમ થાય કે મારા હાથમાં હતું તોય હું કાંઈ ન કરી શકી.."


"તારા હાથમાં શું છે? છાની માની રસોડામાં જા અને મારો નાસ્તો બનાવ. સો વાતની એક વાત તારે એમની પાસે જાવું હોય તો કાયમ માટે જા.. અને એમને અહીં બોલાવાની તો ભૂલ જ ન કરતી.."


        રાધા ચુપચાપ રસોડામાં ગઈ અને મનોજ માટે નાસ્તો બનાવવા લાગી. આંસુડાંની ધાર રાધાના કોમળ ગાલ પરથી વહી રહી હતી. પોતાના મા-બાપ માટે પોતે કાંઈ જ ન કરી સકવાથી પોતાની જ જાતને એ કોશી રહી હતી. એટલામાં જ ફોન રણક્યો. સ્ક્રીન પર નામ હતું 108. રાધાની આંખમાં ચમક આવી. રાધાની દુવિધાને દૂર કરવા જાણે ભગવાને એક અવસર આપ્યો હોય એમ જ એને લાગ્યું. રાધા એ આમ તેમ જોયું. મનોજ ન્હાવા માટે ગયો હતો રાધાએ ફોન ઉપાડ્યો અને ધીમા અવાજે બોલી.


"હેલો ડીયર કેમ છે..."


"હે રાધા કેટલા મહિનાઓ પછી આજે તે મારો ફોન ઉપાડ્યો. તારો અવાજ સાંભળીને જાણે જૂની યાદો તાજી થઇ ગઈ.."


"અરે તું જાણે છે ને દોસ્ત કે મારા પતિ બહુ સટ્રીક્ટ છે એટલે હું રિસ્ક નથી લેવા માંગતી. બોલ આજે મને કેમ યાદ કરી?"


"હા એટલે જ મનને મનાવી લઉં છું. સમજુ છું તને રાધા. આજે ફોન તો એટલા માટે કર્યો કે તારી સોસાયટીમાં (પિયરનું ઘર) ઘણા કેશ આવ્યા છે તો તારા મમ્મી પપ્પા માટે શું વિચાર્યું છે?"


રાધા થોડી સ્તબ્ધ બની અને વિચારીને બોલી.

"હાલ તો કાંઈ થયું નથી મેં મનોજ સાથે વાત કરી પણ અહીં એમને બોલાવવા કે ત્યાં મને જવા દેવા માટે એ માનતા નથી."


"જાણું છું તારી મજબૂરી. કદાચ મને એટલે જ કાલે રાત્રે તું સપનામાં આવેલી.."


"હે.. હું ને તારા સપનામાં" રાધા થોડી ખુશ થઈને બોલી.


"હા રાધા તું જ. મારી પાસે આવીને ખુબ રડતી હતી બોલતી હતી કે ઈરફાન મારા મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે.."


"ઓહ.. એવું તો આજે એટલે જ તે સવાર સવારમાં ફોન કર્યો"


"હા રાધા એટલે જ. બસ જો રસ્તામાં જ છું અને બહુ જલ્દી ત્યાં પહોંચી જઈશ. તારા મમ્મી પપ્પા માટે જીવન જરૂરી સમાન, થોડી દવાઓ ફ્રૂટ્સ લઈને જાઉ છું અને એમની સાથે થોડો સમય વિતાવીશ અને જરૂર લાગશે તો ત્યાં પણ થોડા દિવસ રોકાઈ જઈશ. જાણું છું સોસાયટી કોરેંટીન કરી છે એટલે મેં મારો કોવિડ રિપોર્ટ પણ કરાવી લીધો છે અને પરમિશન લેટર પણ લઈને આવ્યો છું એટલે મને ત્યાં પ્રવેશ મળી જશે.."


"થેંક્યું શો મચ ઈરફાન.. તું મારો દોસ્ત નહીં મારો ફરિશ્તો છે. હંમેશા જયારે પણ તકલીફમાં હોવું છું તું આવી જ જાય છે."


"અરે તે થેન્ક્સ કહીને બધું પાણી ફેરવી નાખ્યું હવે તું રડતી નહીં અને ચિંતા પણ ન કરતી હું છું તારા મમ્મી પપ્પા સાથે. સારું તો પછી નવરાસમાં વાત કરીશું બાય ડિયર.."


"બાય ડિયર.. ટેક કેર.." કહી રાધા એ ફોન મુક્યો અને ઈરફાન પોતાની કાર લઈને બોપલ પહોંચ્યો.


(ક્રમશ: આવતા અંકે..)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ