વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કુંડલી.

     અબ્દુલ ઓસરીમાં વાળુ કરવા બેઠો.રાંધણીયાની નાની બારીમાંથી અમિજાન રોટલા ઘડતી દેખાઈ .તેની બાજુમાં તેની પત્ની હલીમાં ને બેઠેલી જોઈ.ત્યાંજ ભાભીજાને થાળીમાં ગરમ રોટલો ખીચડી અને શાક મુકી

રાંધણીયાના ઉંબરે બેઠા, અને હલીમાંને કહયું "છાશનો લોટો લાય".


    અબ્દુલે કોળીયો મોઢામાં લઈ એક નજર ફાતિમાભાભી તરફ જોયું તો તે અંદર કંઈક ઈશારો કરતા નજરે પડ્યા.અબ્દુલથી બારીમાં જોવાઇ ગયું.ઇશારાના જવાબમાં હલીમાએ જાણે નકારમાં ડોક હલાવી.પણ ભાભીએ,અબ્દુલ તરફ જોઈ ,મજાકના લ્હેકામાં, કહ્યું,


"અબ્દુલભાઇ ત્રીજા ફરજંદ ના બાપ બનવાના છો,નિરાંતે વાળુ કરજો."અને છાસનો લોટો અબ્દુલ તરફ સેરવ્યો.


     આ સાંભળી હલીમાં શરમાઈને ઓસરીમાં થઈ પોતાના ઓરડામાં ચાલી ગઈ.અબ્દુલનું હ્રદય એક થડકારો ચુકી ગયું.તેણે પરાણે હસતું મોં રાખી બારીમાં જોયું. અમિજાન ચૂલો ફૂંકવા મથતી હતી.  


    તેણે વાળુ કર્યું ન કર્યું 'ને ઉભો થઇ પોતાના ઓરડામાં ગયો,તેણે એક નજર હલીમાં તરફ ફેંકી,તે ધોયેલા કપડાની ઘળી વાળતી હતી.તેનું ધ્યાન અબ્દુલ તરફ ગયું. અબ્દુલ ટોર્ચ લઈ બહાર આવ્યો.                                           


     હલીમાં તરત ઉભી થઇ બહાર આવી, જોયું તો અબ્દુલ ભાભીજાનને કહેતો સંભળાયો.                        

   "ભાભી હું વાડીએ સુવા જઉં છું."

હલીમાં ને નવાઈ લાગી આમ એકાએક,! નારાજ જેવા દેખાયા.તે વિચારમા 'ને વિચારમા પોતાના કામમાં પરોવાઈ.


    અબ્દુલ તળાવની પાળ પાસે પહોંચ્યો. પોતે આટલું ઝડપથી કેમ ચાલ્યો તેની નવાઈ લાગી. તેણે સુનકારમાં ચારેબાજુ નજર ફેરવી.ઉપર જોયું.ચાંદ બરોબરનો ખીલી ને પોતાનું સામ્રાજ્ય જમાવી રહ્યો હતો. સાંજે ભાદરવાના ભૂસાકા પછી થોડી ઠંડી પ્રસરી ગઈ હતી.


   તેણે શાલ સરખી કરી.થોડીવાર તળાવની પાળે બેસવાની ઈચ્છા દબાવી તે વાડીએ પહોંચ્યો. એક નજર તેણે ભવાની ની વાડી બાજુ ફેરવી.ત્યાં રાખેલા ખેતમજુરની ઓરડીમાં થી ધીમો પ્રકાશ આવતો હતો.


       તેણે ખાટલામાં લંબાવ્યું.બાજુની જદુમારાજની વાડીનું સંપૂર્ણ કામ બાપ દાદાથી તેના હસ્તક હતું.ઉપજમાંથી અમુક હિસ્સો તેને મળી રહેતો.ભવાનીના બાપુ ,જદુમારાજ નું પાંચાળા ના ગામોમાં મોટું નામ, કર્મકાંડી, જ્યોતિષ,અને એનો દીકરો ભવાની,!પોતાનો બાળ ગોઠીયો.


      આજ તો તે મોટો ભાગવત કથાકાર થઈ ગયો. તેને કાશી ભણવા જતા પહેલાની ભવાની ની વાતો યાદ આવી. તેણે ભોળે ભાવે પૂછેલું.

  

   "તે હેં ભવાની, અહીં નિશાળ નથી કે તું કાશી ભણવા જાય છે."ભવાનીએ હસીને કહેલું,


  "અરે નિશાળ તો છે,પણ મારા બાપુ મને મોટો પંડીત બનવા ત્યાં મોકલે છે ,સમજ્યો !"

    "પણ એ 'તો તું તારા બાપુ પાસે શીખી લે 'ને, યદુમારાજ તો મોટા પંડીત છે.કાશીમાં કેટલા વર્ષ ભણવું પડશે ?"


    "છ કે આઠ વર્ષ લાગે અબ્દુલ."


    "તે એટલા વર્ષ ત્યાં શું ભણાવે".

ભવાની એ વાતથી ખૂબ હસેલો અને કહેલું,

"ત્યાં અગમ-નિગમ, જ્યોતિષશાસ્ત્ર,કર્મકાંડ,

અને ઘણું બધું શીખવા મળે."

 એમાંથી અબ્દુલે જ્યોતિષ ની વાત પકડી કહેલું

"ભવાની તમારા હિન્દુ ધર્મમાં જ્યોતિષ એ શું સાચી વાત હોય કે હવામાં ગોળીબાર."


    "સાચી વાત હોય અબ્દુલ, પણ આવડવું જોઈએ.હસ્તરેખા જ્યોતિષ એ બહુ ગહન

હોય ,એમાં ગણતરી હોય."


    અને બને મિત્રો પોતપોતાના ધર્મની વાતોએ ચડી ગયેલા. અબ્દુલ નું કહેવું હતું કે" આમ જો માણહ માણહ નું ભવિષ્ય જોઈ શકતો હોય તો અલ્લાહ ઈશ્વર ને કોણ માને ? અને હજયાત્રાનું મહત્વ શુ! યાર હું તો માનું છું કે, તમારા પૂજારીઓ મહાત્માઓ કે અમારા ફકીરો, ઓલિયાઓ બધું હંબગ છે.ધર્મના નામેં એક જાતનો લૂંટ નો ધંધો છે."

 

     ભવાનીએ કહેલું,"દરેક ધર્મની માન્યતાઓ, તારણો અલગ અલગ છો હોય, પણ અંતે તો માનવી થાકે ત્યારે પ્રકૃતિના પેદા કરનારના શરણે જતો જ હોય છે.જેને તમો પરવરદિગાર કે અલ્લાહ, અને અમો ,રામ કૃષ્ણ કે શિવ કહીએ"


    પણ જ્યોતિષની વાત માનવા અબ્દુલ તૈયાર ન થયો. અને.પ્રેમથી ચાલતી આ ગોઠડી દરમ્યાન અબ્દુલથી કહેવાઈ ગયું.


 "જો તું મારી સચોટ કુંડળી બનાવી 'દે તો માનું."


 "એમાં શી મોટી વાત છે,પણ તમે લોકો એમાં માનો છો ? તારા મારા બાપુને ખબર.પડે તો કેવું લાગે?મેં તો મારા બાપુ પાસે જ્યોતિષ નું ઘણું જ્ઞાન મેળવ્યું છે.અને વધારે ભણવા કાશીએ જઉં છું.બોલ તારી કુંડલી બનાવી આપું.?".


    અને આઠેક દિવસ બાદ કાશીએ જતા પહેલા અબ્દુલે પોતાની જન્મતારીખ,સ્થળ અને સમય ભવાનીને કહ્યો,એ ઉપરથી ભવાનીએ કુંડળી બનાવી આપેલી.જે અબ્દુલે વાંચીને ઘરના સભ્યોથી 

છુપાવી પોતાના પટારામાં રાખી દીધેલી.


   અબ્દુલે વાંચેલું,લગ્નપછી તેને એક દીકરો એક દીકરી થશે, તે બે જ થયેલા ,અને બીજું પણ ઘણું લખેલું જે અત્યાર સુધી એવુંજ થતું આવેલું.અને આજ ?.ભાભી એ કહ્યું,"અબ્દુલભાઈ ત્રીજાના બાપ બનવાના છો નિરાંતે જમજો." 


   અબ્દુલને એ વાક્ય તીર સમાન લાગેલું.તે એકીટશે ચાંદ સામે જોઈ રહ્યો.તે ધીમેથી બેઠો થયો, બીડી સળગાવી ઊંડો કસ લઈ વિચાર્યું,


     અત્યાર સુધી સાચી પડેલી કુંડળી ખોટી ન હોય,તો શું હલીમાં !!. અબ્દુલ નું માથું ફરી ગયું.તેણે જાતજાતના વિચારો આવ્યા ઘડીકમાં હલીમાંને તલાક આપવાનો પણ વિચાર આવી ગયો.ઘરની આબરુનું શું? આબરૂ,તલાક,સમાજમાં વગોવણી. મારા બે બાળકોનું શુ! એવા વિચારે તેને ઘેરી લીધો ,તેણે ફરી બીડી સળગાવી.


      આજ ભવાની કેટલો મોટો કથાકાર થઈ ગયો.ભારતભરમાં તેની કથાઓ યોજાય છે.ટી.વી.પર તેનું લાઈવ પ્રસારણ થાય છે.ભવાની શંકરમાંથી તે બાપજી તરીકે ખ્યાતી પામ્યો.બાપજીની કથા હોય ત્યાં માનવ મેદની ઉમટી પડતી.વિશાળ મંડપ પણ નાનો પડતો.બહાર ટી વી અને સાઉન્ડ ગોઠવવા પડતા.જાણે મેળો ભરાતો.એ જ્યારે કથા પુરી કરી ગામમાં આવે ત્યારે હું અચૂક તેને મળવા જાઉં ત્યારે તે કોઈ અલ્લાહના ફરીસ્તા જેવો દેખાય છે.અરે દેખાય છે શું ફરીસ્તો જ છે.


  અબ્દુલે વિચાર્યું, હું જે નિર્ણય લઉં ,તલાક આપું કે તેના માવતરે મૂકી આવું પણ બાપજી

(ભવાની) ગામમાં આવ્યા છે તો તેને એકાંતમાં મળીને મોઢામોઢ કહીશ કે,"ત્રિકાળજ્ઞાની ભવાની

તારી કુંડળી ખોટી સાબિત થઈ ,તમારું જ્યોતિષ હંબગ જ 'ને." 


     --------ક્રમશ.


અબ્દુલ ,હલીમાને છોડી દેશે.??

શું કુંડલી ખોટી સાબિત થશે.??

બાપજી ને અબ્દુલ મળશે ત્યારે શું થશે.?


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ