વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2 ..અને પડદો પડતાં

2. અને પડદો પડતાં..


શાળામાં પણ 'મારો અમુક જગ્યાએ પહેલો દિવસ' એવો નિબંધ આવતો. અમારા 14 સપ્ટેમ્બરના હિન્દી દિવસ માટે તો વહાલો વિષય. મારો પહેલો દિવસ ક્લાર્ક તરીકે ઇમરજન્સી ઉઠ્યાના તુરતના દિવસોમાં અને ઓફિસર તરીકે રોજના બે કલાકની સ્ટ્રાઈક પુરી થઈ બધું  મેસ કરવામાં આવ્યું હોય ત્યારે તુરત શરૂઆત. પણ હું અથ ને બદલે ઇતિ થી શરૂ કરીશ. આ પ્રકરણ વિષય પ્રવેશ હોઈ થોડું આત્મકથા જેવું લાગશે. તે પછી સામાન્ય વાતો. મારી તેમજ અન્યોની. 


અંતિમ દિવસ. મારૂં રિટાયરમેન્ટ કાર્ડ આવી ગયેલું. બેંકને મને કે મારે બેંકને કશું આપવા લેવાનું બાકી રહેતું ન હતું. સવારની પ્રાર્થના 'ઇતની શક્તિ હમેં દેના દાતા..' ચાલુ થઈ. સામે ઉભેલ સ્ટાફ સામે સતત મારી દ્રષ્ટિ.  આ સમૂહ, આ વાતાવરણ, અરે એક વર્કિંગ લાઇફનો આજે છેલ્લો દિવસ! પ્રાર્થના પુરી થાતાં બધા સ્ટાફને શેક હેન્ડ કર્યા, પહેલાં કેલેન્ડર સામે પછી ઘડિયાળ સામે જોયું. થોડા વખતથી હું મહિના, દિવસો રિવર્સ કાઉન્ટમાં ગણતો હતો તેના કલાકો.  દિવસ પૂરો થતા જ મારી એક સફળ બેંકર તરીકેની કારકિર્દી પર પડદો પડી જશે! મારો શ્વાસ થોડો ઝડપી બન્યો.



‘સાહેબ,આજ તમે કોઈ કામ ન કરો ‘ પ્રેમથી સૂચન. આમેય   કોઈ લેવલે કામ કરતાં ધ્યાન રાખવાનું વધુ હોય છે. ડ્રાઈવર ઢોળાવો,વળાંકો, ટ્રાફિકમાં ચલાવતો હોય તો અરીસામાં આગળ પાછળ જોતાં બ્રેક ક્લચ સ્ટિયરિંગ પર પૂરો અંકુશ રાખે છે. નહીં તો અકસ્માત થાય. એમ જ અહીં મારે  મુખ્ય એટલે ડ્રાઇવિંગ સીટ પર હોઉં ત્યારે સંપૂર્ણ ધ્યાન રાખવું જ પડે. દાઝવા પર હાથ ખેંચી લઈએ એને પ્રતિક્ષિપ્ત ક્રિયા કહે છે એમ અમને અમુક સંજોગો દુરથી દેખાતાં પ્રતિક્ષિપ્ત ક્રિયા થાય. આપોઆપ એક્શન લેવાઈ જાય. આવતી  સંભવિત આફતથીથી ઓફિસ કે સંસ્થા બચાવવી એ જ અમારું મુખ્ય કામ. પણ હું બધાં જ કામ કરતો. સિક્કા મારવા કે પાસબુક ભરવા સુધ્ધાં. ચીફ કે સિનિયર મેનેજર હોવા છતાં. સંસ્થા માટે કરેલ કોઈ કામ નાનું નથી.


લોકો સાથે આજે નિરાંતે ચા પીધી. ચા ક્યારેક ઠરી જાય, ક્યારેક કોગળાની જેમ ઉતારી જઈએ. આજે નિરાંતે ચૂસકીઓ મારતાં પીધી સાથે સંબંધોની મધુર ચુસ્કીઓ લીધી, મમળાવી.


ફેરવેલ શરૂ. શાલ ઓઢાડી, સુંદર લાફિંગ બુદ્ધની ગિફ્ટ આપવામાં આવી, એ પહેલાં રિજીઓનલ ઓફિસ એટલેકે  ચોક્કસ એરિયાની શાખાઓની હેડ ઓફિસ હોય, તેણે આપેલ ચોપડી, નારિયેળ, ચાંદીની ગિફ્ટ તો હતાં જ.


મારા પુત્રે કહ્યું કે અમે બેંકને અન્નદાતા કહીએ છીએ, અમારો ઉછેર બેંકને આભારી છે. શ્રીમતીએ કહ્યું કે ઘરની બહાર સાઇકલ કે સ્કૂટર કે કાર હું પાર્ક કરું એટલે મારું મોં જોઈ દિવસ કેવો ગયો અને  તેથી ઘરમાં બાકીનાનો કેવો જશે એની તેણી આગાહી કરતી. તો મારી મુસાફરી સાઇકલ થી કાર સુધી, એક બેચલર રૂમ થી સારા એવા ઘર સુધી બેંકનાં લેમીનેટેડ કાઉન્ટરો, તૂટલા ગોદરેજના ટેબલોથી પહોળા, કાચથી મઢેલા ટેબલ ને ક્યાંક તૂટેલી પ્લાસ્ટિકની જાળી વાળી ખુરશીથી મોંઘી રિવોલવિંગ ચેર સુધી. બેંક સાથે, બેંકે કરાવેલી સફર. અલગ અલગ જગ્યાના અવનવા સ્વભાવના સ્ટાફ સાથે. મગજમાં વિચારોનું તુમુલ ઘમસાણ. પણ લોકો કહે છે કે કેટલાક  લોકો વિદાયમાન સમયે ભાવુક, રડું રડું થાય છે એવું કશું મને નહોતું થયું. સ્ટાફે મને એક સારો લીડર કહ્યો. "લીડર ગો ને બદલે લેટ અસ ગો કહે , ગોળી પોતે ખાય પણ ચંદ્રક ટીમને આપે એવો" હું હતો. તેમની સ્પીચ મુજબ. મારૂં પ્રવચન તાળીઓથી વધાવ્યું. અમે ઘણી કામ વખતની મુશ્કેલ સ્થિતિઓની, કાળી રાત્રીઓમાંથી પસાર થયે રાખતા. મુશ્કેલીમાં ટેંશન હેઠળ જ કામ કરવું કોઠે પડી ગયેલું. તેમાં સહુના સાથ થી સફળતાઓ મેળવી છે એમ કહ્યું. વ્હી. શાંતારામ ની ફિલ્મના ગીતનો દાખલો આપ્યો - "રાત અંધિયારી હો.. ઘને બાદલ છાયે હો તો ક્યાં કરોગે? તક તક ધૂમ ધૂમ. મુશ્કેલીઓને મહેબૂબા માની એકવાર ભેટવા જાઓ. તે તમારાથી શરમાઈ પાલવ છોડાવી ભાગશે." મેં કહ્યું. બીજું "હમ લાયે હૈ તુફાનસે .. ઇસ બેંક કો રખના મેરે બચ્ચો સમહાલકે". તાળીઓ. આખરે નાસ્તો અને સ્ટાફ સાથે અંતિમ ફોટો.



ગેઇટમાંથી છેક કાર પાર્કિંગ સુધી સ્ટાફ મુકવા આવ્યો. મારો જીવન મંત્ર, સ્ટેજ પર એન્ટ્રી ધ્યાન ખેંચતી કરવી અને સ્ટેજ પરથી તો તાળીઓ લઈને જ ઉતરવું.  અહીં એ સાર્થક થયો. આ લાંબા અનેક અંકી નાટકનો પડદો પડ્યો. તાળીઓના ગડગડાટ સાથે જ. એ ગડગડાટ મારા ઝડપી ધબકારાઓમાં હું પ્રતિબિંબિત થતા જોતો હતો.



નીકળતા પહેલાં બેંકના વિશાળ સિમ્બોલને મેં સલામ કરી. એ વખતે હું અંદરથી ભાવુક થઈ ગયો. 


ઘેર જઈ ક્યાંય સુધી મેં શાલ પંપાળ્યા કરી અને ગિફ્ટ પર હાથ ફેરવ્યા કર્યો.


એમ મારા કાર્યક્ષેત્રના જીવન નાટકનો પડદો પડ્યો.


યે જિંદગી ઉસીકી હે જો કિસીકા હો ગયા પ્યાર હી મેં ખો ગયા. 


હેમખેમ નિવૃત્તિ એ પણ  એક બેંકઓફિસર માટે ઉપલબ્ધી ગણાય.  અને એ પછી સુંદર જીવન સંધ્યાના રંગો માણવા અને એ  આપ સહુને બતાવવા હું પડદો ખોલીશ.


એ સિવાય નિવૃત્તિ બાદ તુરત લોકોને શું શું અનુભવો થયા તેનું પણ એક પ્રકરણ આગળ જતાં મુકીશ.


ગૃહસ્થાશ્રમને લોકો ગધા પચીસી કહે છે. હું એને ઘોડા ચાલીસી કહું?


અને એમ નિવૃત્તિની પળોમાં વિચારી મગજે કઈં કેટલાંય પ્રકરણો સુચવ્યાં જે આપ વાચકો સમક્ષ. બેંક શું છે તેનો વખતોવખત આછો ખ્યાલ આપવા સાથે.

ક્રમશઃ

-સુનીલ અંજારીયા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ