વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

2.

 

"ઓહો! બળવંતરાય, આજ તો મોજમાં લાગો છો, નંઇ! લાગે ગ્રહણનો મોક્ષ થઈ ગયો. કીટ્ટા પૂરી થઈ ગઈ. બંધ દરવાજા ખૂલી ગયા."

 

બળવંતરાયને ઘણા દિવસે ઉત્સાહથી તરબતર જોઈ કરસનભાઈ રાજી થઈ ગયા.

 

"તો હવે નવી નવલકથાની જાહેરાત કરી દઉં?"

 

"ના ભાઇ ના."

 

કરસનભાઈના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડતાં બળવંતરાયે કહ્યું,

 

"આ તો આજે થોડાં વહેલાં નીકળવું છે. ચાર(4)ની બસમાં. એટલે થયું કે ઝડપથી બધું કામ આટોપી લઉં."

 

બળવંતરાયની વાતથી નવાઈ તો ખૂબ લાગી, પણ એમના મૂડમાં આવેલ સાનુકૂળ પરિવર્તન ધ્યાનમાં લઈ કરસનભાઈએ વધુ કંઈ પૂછવાનું મોકૂફ રાખ્યું. બળવંતરાયની એક આંખ કામ પર સ્થિર હતી, તો બીજી આંખ ઘડિયાળ પર! જેવી ચાર વાગવામાં પાંચ મિનિટ બાકી રહી કે બળવંતરાય આવજો કહેવાની દરકાર પણ રાખ્યા વિના ઉપડી ગયા… સીધા બસસ્ટૅન્ડ તરફ. એમનું પ્રાણપ્રિય સ્કૂટર બિચારું આજે પણ પાર્કિંગમાં જ રાહ જોતું પડ્યું રહ્યું.

 

એક બસ આવી, પણ એ કાલવાળી નહોતી, એટલે બળવંતરાયે એ જવા દીધી. પાંચ મિનિટ પછી એ બસ આવી, જેની રાહ બળવંતરાય ગઈકાલથી જોતાં હતાં. આમ તો એ કોમલાંગી ક્યા

બસસ્ટૅન્ડથી ચડી હતી એ પણ ખબર નહોતી, એટલે  આજે બળવંતરાય દરેક સ્ટૉપ  પર બંને દરવાજા તરફ નજર કરી લેતાં. રસ્તો એમ જ પૂરો થઈ ગયો અને બળવંરાયનું સ્ટૅન્ડ આવી ગયું. એકવાર તો થયું કે કન્ડક્ટરને એ યુવતી વિશે પૂછે, પણ પછી પોતાનાંજ વિચાર પર હસવું આવ્યું. એ બાપડો કેટલાંકને યાદ રાખે?

 

આજે ફરી પગ બગીચા તરફ વળી ગયા. ફરી એ જ બાંકડે બેઠા બેઠા વિચારમાળા ફરવા માંડી. ત્યાં જ એક રૂપાની ઘંટડી રણકી ઉઠી.

 

"તમને વાંધો ન હોય તો હું અહીં બેસી શકું? "

 

બળવંતરાયે નજર ઉપર ઉઠાવી તો સામે એ જ લીલો દુપટ્ટો અને લીલી બંગડીઓ! બળવંતરાયે આજુબાજુ નજર ફેરવી. ઘણાખરા બાંકડાં ખાલી હતા, છતાંય એ યુવતી પોતાની બાજુમાં બેસવાની પરવાનગી માંગતી હતી! બળવંતરાયે હસીને માથું હલાવ્યું અને ખૂણા બાજુ સ્હેજ ખસ્યા. એમની બાજુમાં પોતાનું બેગ મૂકી, બીજા છેડે તે યુવતી બેસી ગઈ. બળવંતરાયને હતું કે એ યુવતી સામેથી કોઈ વાત કરશે, પણ એ તો પોતાની મસ્તીમાં જ મસ્ત હતી. એણે એક નોટબુકના પાછળનાં પેજ પર ફરી એક હથેળી દોરી. એના પર કેટલીક રેખાઓ દોરી. વચ્ચે વચ્ચે કેટલીકવાર જાણે શૂન્યમાં તાકતી હોય એમ બળવંતરાયનાં ગોઠણ પર રહેલા હાથ સામે તાકી રહેતી.

 

આમ જ સંવાદ વિનાની કેટલીક મિનિટો પસાર થઈ એટલે બળવંતરાય બંને હથેળી ઘસતાં ઘસતાં બોલ્યા,

 

"ચાલો ત્યારે, હું હવે જઈશ. એન્જોય ફુલ બેંચ."

 

"ડોન્ટ મૂવ. પ્લીઝ. હાથ જેમ હતો એમ જ રાખી દો."

 

એ અવાજમાં વિનંતી હતી કે હુકમ, એ સમજાયું નહીં; પણ વાતચીતની શરૂઆત થઈ એટલે બળવંતરાયને સારું લાગ્યું.

 

"એક જ શરતે. પહેલાં તમે અત્યારે જે કરી રહ્યા છો અને કાલે જે પેપર મને આપ્યું હતું એ વિશે જણાવવું પડશે."

 

" અફકોર્સ. પણ, મારી પણ એક શરત છે. હું જે કહું તેના પર તમારે વિશ્વાસ કરવો પડશે. હા, સવાલ પૂછવાની છૂટ, પણ અવિશ્વાસની નહીં. બોલો, કબૂલ?"

 

તેની વાત કરવાની સ્ટાઇલથી બળવંતરાય ખડખડાટ હસી પડ્યા. ખબર નહીં કેમ, પણ આ યુવતી પર તેમને વિશેષ સ્નેહ અનુભવાતો હતો.

 

" કબૂલ."

 

બળવંતરાય આટલું બોલ્યા એ સાથે જ એ યુવતી બળવંતરાયનો જમણો હાથ હાથમાં લઈ એમાંની રેખાઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવા માંડી. એ સાથે જ નોટબુકમાં કેટલીક નોંધ ટપકાવવા માંડી. થોડીવાર આમ જ ચાલ્યું પછી બળવંતરાયની ધીરજ ખૂટી ગઈ.  સવાલ પૂછવાનાં શરૂ કર્યા, પણ સામેથી કોઈ પ્રત્યુત્તર ન મળતાં એમણે હાથ પાછો ખેંચવાની કોશિશ કરી, પણ ખેંચી ન શક્યા. એ યુવતીએ મજબૂતીથી એમનો હાથ પકડી રાખ્યો.

 

બીજી દસ મિનિટ પસાર થઈ પછી હાથની પકડ સહેજ ઢીલી પડી.

 

"હા, તો સાંભળો. તમારું નામ વૃષભ રાશિ પરથી છે. તમે જીવનમાં એ બધું જ મેળવ્યું છે, જે તમે ઇચ્છ્યું છે. છતાં તમે એવું કંઈક ગુમાવ્યું છે, જેનો વસવસો તમને આજીવન રહ્યો છે. તમારો હાથ, આ જમણો હાથ એ હાથ નહીં પણ અક્ષયપાત્ર છે. હા, આ અક્ષયપાત્ર પર ગ્રહણ લાગશે, જ્યારે તમારી ઉંમર પચાસ વર્ષની હશે. પચાસ-એકાવન બે વર્ષ સંઘર્ષ રહેશે. પછી ગ્રહણનો મોક્ષ થતાં ફરી ગાડી દોડવા માંડશે, નોનસ્ટોપ."

 

એ યુવતી નોટબુકમાં કરેલી નોંધ એકીશ્વાસે વાંચી ગઈ.

 

"બોલો, આમાં સાચું કેટલું? પ્લીઝ સાચું કહેજો."

 

બળવંતરાય તેની રીતભાતથી વિચારમાં પડી ગયા. એમના તરફથી કોઈ જવાબ ન મળતાં એ યુવતી ફરી બોલી,

 

" મારું નામ ઝંખના. હું એસ્ટ્રોલોજી શીખું છું. આ વર્ષે જ કોલેજમાં નવો સિલેબસ ઈન્ટ્રોડ્યુસ થયો છે. અમે પાંચ જ જણ છીએ પહેલી બેચમાં. તો હું ચેક કરતી હતી કે મને કેટલું આવડ્યું. પ્લીઝ, વીલ યુ હેલ્પ મી?"

 

બળવંતરાયને ફરી એની પર વહાલ ઉભરાઇ આવ્યું.

 

"વેલ, તારી પહેલી વાત સાચી છે. મારું નામ બળવંતરાય છે. તો રાશિ તો સાચી પકડી. નંબર ટુ, યસ...જીવનમાં મને એ બધું જ મળ્યું છે જે મેં ઇચ્છ્યું છે. હા, એના માટે સંઘર્ષ પણ ખૂબ કર્યો છે, અને સંજોગો સામે જીત હાંસલ કરીને જ જંપ્યો છું. નંબર થ્રી, વસવસો...એના વિશે જાણવું હોય તો કાલે પાછા મળવું પડશે. અહીં જ, આ જ ટાઇમે. બોલ,  આવીશ?"

 

"હું તો આવીશ. પણ તમે આવશોને?"

 

ઝંખના તરત જ તૈયાર થઈ ગઈ એથી બળવંતરાયને આનંદ પણ થયો અને આશ્ચર્ય પણ. વળી એમણે ટીખળ કરી,

 

"મારી હથેળીમાં જોઈ લે, હું કાલે આવીશ કે નહીં "

 

અને હસતાં હસતાં બંને છુટાં પડ્યાં. બળવંતરાયને પોતાના મનમાં ઉગતા સ્પંદનો સમજાતાં નહોતાં. છતાં એ લાગણી એમને ખૂબ ગમી. ઘણા વર્ષો પછી હવાની એક લહેરખી એમના જીવનમાં પ્રવેશી હતી. ઝંખનાએ બળવંતરાયનાં મનોમસ્તિષ્ક પર પૂરેપૂરો કબજો જમાવી દીધો હતો. હવે બળવંતરાયને રાહ હતી બીજા દિવસની ઢળતી બપોરની, ઝંખના સાથે થનારી મુલાકાતની.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ