વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

હવેલીનો હકદાર.
            *** *** ***

પ્રકરણ-1
-------------

  ડાયરાની રંગત જામી હતી.જાગીરદાર વિક્રમસિંહની હવેલીમાં શરાબની છોળો આમથી તેમ ટકરાતી હતી.વિક્રમસિંહ એટલે રાજકોટથી ચાલીસ કિલોમીટર દૂર  રામનગરનો જાગીરદાર,શરાબ સુંદરીઓનો શોખીન.
         વડવાઓની મોટી ખાનદાની હવેલી કે,જ્યાંથી વીસ ગામોનો વહીવટ ચાલતો અને લોકો માનસિંહ જાગીરદારને રાજાબાવા તરીકે પૂજયભાવે જોતા.ગરીબોના બેલી એવા સ્વર્ગસ્થ માનસિંહના પુત્ર વિક્રમસિંહ જાણે સ્વર્ગના સુખો ભોગવવા આવ્યો હોય તેમ બધી મર્યાદાઓ છોડી પોતાના સુખો માટે ગમેતેવી હલકી હરકતોપર ઉતરી પડતા અચકાતો નહીં.

  માનસિંહની ખાનદાની અને નામના થકી વિક્રમસિંહના લગ્ન કાઠિયાવાડના પ્રતિષ્ઠિત કુટુંબની દીકરી રમાબા સાથે થયા હતા.તેને પણ થોડા સમયમાં વિક્રમસિંહની ચાલ ચલગતનો અંદાજો આવી ગયો હતો પણ પોતાની અને સસરાની નામના થકી મૌન ધારણ કરી લીધું હતું.

  રાજાબાવા માનસિંહના મૃત્યુબાદ તેના વફાદાર અને ઈમાનદાર વહીવટદાર લક્ષ્મીચંદના ચોખા વહીવટથી વિક્રમસિંહ કંટાળી ગયો હતો.એક એક પૈસાનો હિસાબ અને પૈસા માંગતા લક્ષ્મીચંદની પૂછપરછ થકી વિક્રમસિંહ મુંજાતો જ્યારે લક્ષ્મીચંદ તો પોતાના ખોળે મોટા થયેલા વિક્રમસિંહને પોતાના પુત્રની જેમ સલાહ સૂચનો આપતા. ક્યારેક હળવો ઠપકો પણ આપતા.લોકો સાથે સ્નેહ પ્રેમથી વર્તવાનું શીખવતા.

માનસિંહના મૃત્યુબાદ લક્ષ્મીચંદની સલાહો વિક્રમસિંહ અવગણવા લાગતો.લક્ષ્મીચંદને એ વાતથી દુઃખ થતું.હવેલીના મુખ્યખંડની ડાબીબાજુના ઓરડામાં તેની કારોબારની ઓફીસ હતી.ત્યાંથી હવેલીમાં થતી અવર જવરપર લક્ષ્મીચંદની નજર રહેતી.માનસિંહ પણ ત્યાંજ લક્ષ્મીચંદ સાથે બેસી મસલતો કરતા.એ સિલસિલો માનસિંહના મૃત્યુબાદ વિક્રમસિંહે બંધ કર્યો હતો.

  હવેલી ગામથી દૂર સરોવરને કિનારે હતી.લક્ષ્મીચંદને હવેલીએ આવવા માટે ઘોડાગાડી મોકલવામાં આવતી તે પણ વિક્રમસિંહે બંધ કરાવી હતી.

લક્ષ્મીચંદના વિક્રમસિંહને સમજાવવાના અને સુધારવાના દરેક પગલાઓ પાછા પડતા જોઈ  મનમાં ભાવિ અમંગળ કલ્પનાઓથી થથરી જતા.જેમ જેમ દિવસો જતા હતા તેમ તેમ વિક્રમસિંહ લાપરવા બનતો જતો હતો.

       અને એકવાર લક્ષ્મીચંદ હવેલીની ઓફિસમાં જ હાર્ડએટેકથી મૃત્યુ પામ્યા હતા.લોકોને એ મૃત્યુ આકસ્મિક નહોતું લાગ્યું.જોકે ડોક્ટરે આવીને નિદાન કર્યું હતું કે,તેનું હૃદય બંધ પડવાથી મૃત્યુ થયું છે પણ ગામલોકો અને નજીકનાઓને પણ તે મૃત્યુ શંકાસ્પદ લાગ્યું હતું.

  તરત બોમ્બે ભણતા તેના દીકરા અશ્વિનને બોલાવી લેવાયો હતો.અશ્વિન વિક્રમસિંહની જ ઉંમરનો હતો.તેનું અને વિક્રમસિંહનું બાળપણ સાથે વીત્યું હતું.વિક્રમસિંહ તો  અશ્વિનની સામે રડી પડ્યો હતો કે,આપણે બંનેએ છત્રછાયા ગુમાવી.પણ લોકોને એ ફક્ત દેખાવ કરતો હોય તેમ લાગ્યું હતું.

  એજ અશ્વિનને વિક્રમસિંહે તેનું ભણતર પૂરું થયે પોતાના મેનેજર તરીકે રાખ્યો હતો.અશ્વિન શરૂઆતમાં ખૂબ મન દઈને કામ કરતો પણ વિક્રમસિંહની હરકતોથી તે પણ નવાઈ પામ્યો હતો.તે મનમાં સમજતો કે,રાજાઓ ,જાગીરદારો તો આવા જ હોય.

  જોકે વીસ ગામોના ખેતર વાડીઓની ઉપજનું વેચાણ અન્ય શહેરોમાં કરવા,માણસો સંભાળવા,અને વિક્રમસિંહના સ્વભાવને અનુરૂપ રહેવું મુશ્કેલ કામ હતું પણ શહેરમાં રહેલો અને એજ્યુકેટેડ હોવાથી તે સર્વે કામ કુશળતાથી કરતો.

  અશ્વિનની કામ કરવાની આવડત અને ઈમાનદારીથી વિક્રમસિંહ અંદરખાને ખુશ હતો.અશ્વિનને તેણે જીપ પણ આપેલી.જોકે વિક્રમસિંહ પણ ખંધો હતો.તેની દરેક કામમાં ચાંચ ડૂબતી.વહીવટ તો તે બરોબર કરી જાણતો પણ માનવતાની ખોટ હતી.તે દરેકને તુચ્છ અને હલકા ફક્ત નોકર જ સમજતો.લાગણીવેડા તેને બિલકુલ પસંદ નહોતા.

  તેની પત્ની જ્યારે પિયર જતી ત્યારે તે ઐયાશીમાં ડૂબી જતો.હવેલીના નોકરોપર તેની એવી ધાક હતી કે, કોઈ નોકર રમાબા પાસે કોઈ વાત કરતું નહીં પણ હવેલીની હવા જ જ્યાં ખરાબ હોય તો રમાબા જેવી સ્ત્રીને એની દુર્ગંધ આવ્યા વગર ન રહે એ હિસાબે રમાબાને થોડીઘણી ખબર હતી પણ હવેલી અને ખાનદાનનું ખરાબ ન લાગે તેથી તે એ બાબતે મૌન રહેતા.

  જોકે લગ્નની શરૂઆતમાં તેણે વિક્રમસિંહને સમજાવવાની ઘણી પ્રેમથી કોશિશ કરી હતી.હવે તેને લાગતું કે,ખોટો રૂપિયો કદી સાચો થવાનો નથી.તેના માટે એટલું ઘણું હતું કે,વિક્રમસિંહની તેની ઉપર કોઈ જાતની પાબંદીઓ નહોતી અને કહેતો કે,કંઈપણ જરૂર હોય તો અશ્વિનને કહી દેવું.તેથી રમાબા ધર્મધ્યાન કે,કોઈની મદદ કરવી અને સખાવતોમાં પૈસા વાપરી શક્તી.

  રમાબા સુરેન્દ્રનગર ગયા હોવાથી ત્રણ દિવસથી હવેલી નસાખોરોના જાણે તાબે થઈ હતી.જોકે રમાબાની હાજરી હોય તો પણ આવી પાર્ટીઓ થતી પણ અમુક મર્યાદાઓ રહેતી.વિશાળ હવેલીના ઉપરના માળે રમાબા અને વિક્રમસિંહનો ભવ્ય બેડરૂમ હતો.વિક્રમસિંહ જ્યારે કહેતો કે,આજ મારા મિત્રો આવવાના છે તો રમાબા નીચે ઉતરતા નહીં.

  રમાબા પોતાના ત્રણ વર્ષના પુત્ર કનકસિંહ સાથે ઓતપ્રોત રહેતા.તે ચારિત્ર્યવાન સ્ત્રી મનમાં સમજતી કે,ચારપાંચ પેઢી પછી કોઈ પેઢીના વારસો અગાઉની પેઢીને બદનામ કરવા જેવું વર્તન કરતા હોય છે.કમનસીબે  વિક્રમસિંહ એ પેઢી છે એમ મનોમન સમજી પોતાના ભાગ્યને દોષ આપતા.અને પોતાના કુંવરને સારા સંસ્કાર અને શિક્ષણ મળે એવા પ્રયત્નો કરતા જેથી હવે પછીની પેઢી તો ફરી એ નર્કમાંથી ઉપર આવે.

  પોતે જુવાન હોવા છતાં જાણે પીઢ થઈ ગઈ.મનમાં તે સમજતી કે,ક્યારેક સારા દિવસો આવશે.રાત પછી દિવસ ઉગે એમ સારા દિવસો પાછા લાવવા તે પ્રયત્નો કરતી રહેતી.

લક્ષ્મીચંદનો યુવાન દીકરો મેનેજર અશ્વિન રમાબાની માનસીકતા સમજતો.તે તેને  મદદ માટે હમેશ તૈયાર રહેતો.તેના પિતા આ રજવાડા પાછળ મુનીમ તરીકે પોતાની જાત ધસી નાખી હતી તે વાતથી તે વાકેફ હતો.

  રાત વહેતી જતી હતી તેમ મહેફિલ રંગ જમાવતી રહી.ઝૂમરના પ્રકાશમાં આછા ગુલાબી પારદર્શક કપડા પહેરી નાચતી નર્તકી વિક્રમસિંહને મદહોશ બનાવી રહી હતી. મિત્રોના સિસકારા અને વાહ વાહ અને મીઠી હરકતોથી નાચનારીના પગમાં જાણે જોમ આવ્યું હોય તેમ તે બીભત્સ ઈશારા કરી સૌને કેફ ચડાવતી હતી ત્યાં જાણે રંગમાં ભંગ પાડવા આવ્યો હોય તેમ વિક્રમસિંહનો કાકાઈ ભાઈ વીરસિંહ આવી પહોંચ્યો.

   વિક્રમસિંહે તે તરફ નજર ફેરવી તો તે ખૂબ ગભરાયેલો દેખાતો હતો.મનમાં વિક્રમસિંહે ગાળ બોલી કે,અત્યારે આ ક્યાં કબાબમાં હડી બની આવ્યો.ધ્રુજતા ઉભેલા વીરસિંહને ઈશારાથી નજીક બોલાવ્યો.વીરસિંહે નજીક આવી આજુબાજુ જોઈ વિક્રમસિંહના કાનમાં કહ્યું,

  "ભાયા, કોઈએ મંજુનું ખૂન કર્યું છે અને...
-----------------------------------ક્રમશ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ