વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રિસામણાં:

પ્રકરણ:૨ રિસામણાં

 


"હિરેન! આ ઓરડાની હાલત શું કરી છે તે યાર? સંપૂર્ણ ઓરડાને ઉકરડો કરી મૂક્યો છે. હું ન હોઉં તો તું રૂમ માથે જ લઈ લે. શેહ, કેટલી ગંદી બદબૂ આવે છે. હિરેનનનન!! ઓ હિરેનનન... શું ગંધાય છે આવું?" મુખેથી અગ્નિના તણખાં ઓકતો મિહિર પલંગ ઉપર આળસુની જેમ પડેલા હિરેનનો ખભો પકડી એને ઢંઢોળવા લાગ્યો.
    
"આવી ગયો તું મારી જાન? અરે શું ભઈલા, હું તારો યાર છું યાર. કેટલા દિવસ પછી મળ્યો છે! એકાદ ઝપ્પી દે, પપ્પી તો બનતી હૈ ના..." પલંગ ઉપરથી આળસ મરડી હિરેન ઊભો થઈ મિહિરને ગળે વળગવા ગયો. મિહિરે ઓરડામાં આવતી બદબૂને નાછૂટકે અવગણવાનો ઢોંગ કરી હિરેનને ગળે વળગાડ્યો.
                
"ભાઈ હિરેન, તેઁ આ ઓરડાની શું હાલત કરી છે? આ ગંદી બદબૂ ક્યાંથી આવે છે?"

"દુર્ગંધ?" નાકને આમતેમ મચકોડી હિરેને ઊંડો શ્વાસ ભરીને જોયું. ઊબકો ખાવાનો ઢોંગ કરતો હિરેન આગળ બોલ્યો, "શેહ, હું તો સાવ ભૂલી જ ગયો ભઈલા, આ શહેરના ઑટોવાળા સાવ જ..." બોલીને હિરેન એક દિશામાં દોડ્યો.

"હે...? આમાં ઑટોવાળો ક્યાંથી આવ્યો વચ્ચે?" આશ્ચર્ય સાથે મિહિરે પણ હિરેન પાછળ દોટ મૂકી.

"અરે! આ જો. અહીંથી દુર્ગંધ આવે છે... સમજ્યો?" સડી ગયેલા કાચા શાકની કોથળીને એક ખૂણેથી ઊંચકી હવામાં અધ્ધર કરતો હિરેન બોલ્યો.

"તારો બરડો ભારે થયો છે શું? ક્યાંથી સમજાય કશું મને! હું પંદર દિવસથી હતો અહીં? હું અહીં હોવ નહીં ત્યારે તું જાતે તો રસોઈ કરવાથી રહ્યો...! તો આ શાકનો થેલો આપણા ઓરડામાં કોણ, ઑટોવાળો આવીને મૂકી ગયો?" દાઝે ચઢેલો મિહિર ઘાંટો પાડવા લાગ્યો.

"ના લા.. ઑટોવાળો મારા ઓરડામાં પૂછ્યા વગર પ્રવેશે તો એના ટાંટિયા ન ભાંગી નાખું?" શાકનો થેલો પાછો ત્યાં જ મૂકી હિરેન પથારી ઉપર જઈ પછડાયો.

છેવટે કંટાળેલા મિહિરે કપાળે હાથ પટકીને તીખા અવાજ સાથે હિરેનને કહ્યું, "હિરેન, તું કહેશે આ થેલો અહીં ક્યાંથી આવ્યો કે હું બકુલકાકાને જઈ તારી ફરિયાદ કરું?"
             
"અલ્યા, તને તો ખોટું લાગી ગયું? જો ભાઈ, થયું એમ કે થોડા દિવસ પહેલા હું ઑફિસેથી રૂમ પર આવવા નીકળ્યો ત્યારે ઑટોમાં મારી જોડે એક સ્ત્રી પણ બેઠી હતી. બાપરે! શું તીખું મરચું હતી? વાત ન પૂછ. પહેલા તો ઑટોવાળાને ખૂબ ધધડાવ્યો, પછી મારી સામું જોઈ ઘૂરવા લાગી, પછી ઉતાવળમાં ઑટોમાંથી ઉતરીને દોડીને ક્યાંક જતી રહી. એનો થેલો ઑટોમાં જ ભૂલી ગઈ. થેલો પાછો આપવા હું એની પાછળ દોડ્યો પણ ખરો, ત્યારે તો ઑટોવાળો મને રસ્તાની વચ્ચે મૂકીને નાસી ગયો." રિક્ષાવાળા અને સ્ત્રી પ્રત્યે અણગમો દર્શાવતા હિરેને પોતાની ગાથા મિહિરને સંભળાવી ચુપ્પી ધારણ કરી.
             
"તો હવે, આ ગંદકી કોણ ઉપાડીને ફેંકશે?"

"પ્લીઝ મિહિર, હું પથારી પર પડ્યો છું. જો તો, એ થેલો તારાથી વધુ નજીક છે. તું જ ફેંકી આવને?" શબ્દોમાં આજીજી સાથે હિરેને આંખો નાની કરી મિહિરને કાકલૂદી કરી.

શરીરથી દૂર રાખી મિહિર થેલો ઊંચકી મોઢું મચકોડી થેલાને કચરાના ડબ્બામાં ફેંકવા ગયો.

"હિરેન... આમાં શાક જોડે પથરા પણ ભર્યા છે કે શું પેલી સ્ત્રીએ?" ત્યાં જ પાછળથી હિરેને રાડ પાડી,

"ભઈલા, થેલામાં ખાતાપીતા ઘરની ચોપડી જેવું પણ કશુંક છે. જો જે હો, એને ન ફેંકી આવતો. નહીંતર પેલી બૈરી મને ફરી ભટકાશેને તો ઝૂડી જ નાખશે."

"ચોપડી જેવું નહીં, આને ચોપડી જ કહેવાય! ક્યારેય ઉપાડી હોય જીવનમાં તો જાણ હોયને તને?" બે આંગળી વડે મખમલી કવરવાળા જાડા પુસ્તકને એક ખૂણેથી ઊંચકી લાવી મિહિરે પુસ્તક એક ખૂણે મૂક્યું.
 
"હા, હો ભઈલા, લાગે છે કાકીએ પંદર દિવસ મેથીના લાડવા ખૂબ જમાડ્યા છે તને? એટલે કડવું વખ ઓકે છે તું. ચોપડીઓથી તો તને પ્રેમ છે. લોકો
વન વુમનમેન હોય. તું તો વન બુકવર્મ છે. એક જ ચોપડી પચાસ વખત વાંચે છે."

"એક પુસ્તકને તું પચાસ વખત વાંચ, તું દરેક વખતે કશું જુદું જ શીખીશ. આમ જોવા જઈએ તો પોતપોતાના પર્સેપ્શન ઉપર આધાર રાખે આ બધું. ચાલ ગરમ-ગરમ ચા પીવડાવ હવે. ઊભો થા, આળસુના પીર. નહીં તો ખૂબ માર મારીશ." પલંગ ઉપર લંબાયેલા હિરેનની પીઠ ઉપર મિહિરે હાથ વડે જોરથી ધબ્બો માર્યો.
             
                    ******

           આજે મયૂરે મરુન રંગનો શર્ટ પહેર્યો છે. એનાં પુરુષત્વ વ્યક્તિત્વ ઉપર આ રંગ કેટલો શોભે છે, નહીં! એમાં જો વળી એ લાંબી બાંયને સંકેલી ઉપર ચઢાવી નાખેને તો હું મારા ધબકારા ચૂકી જાઉં. મયૂર એટલો દેખાવડો લાગે, એટલો દેખાવડો લાગે છે કે, મારી નજર આજે ફરી-ફરી એની ઉપર આવીને થીજી જાય છે. મનમોહક અને માપસરની કાઠી ધરાવતો મયૂર કોઈ પણ સ્ત્રીને પોતાના દેખાવથી મોહી શકે છે. હા ખરેખર, કોઈ પણ સ્ત્રીને! પણ હું...હું તો એની આંખોની બંધાણી છું; એના કોમળ હૃદયની પ્રીત છે મને.

પણ આજે! આજે એને આવી રીતે જોઈ મને ખૂબ દાઝ ચઢે છે. આ ઘરમાં જાણે મારી કોઈ ઉપસ્થિતિ જ નથી એમ એ ત્યાં બેઠો-બેઠો લોકો સાથે ખીખી હીહી કરે છે.
                
"માયા! આજે કશું જ કામ નથી નહીં તારી પાસે? એક કલાકથી જોઉં છું, તારી નજર મારી ઉપર જ ચોંટી છે! ગાંડી થઈ છું કે પછી શંકા છે મારી ઉપર?" મયૂરે મારા માથે ટપલી મારી એના જ ખ્યાલમાં ખોવાયેલી મને ભાનમાં લાવી.

"શંકા? શંકા તો જાય જ ને. વળી તું પણ હસી હસીને લોકોની એટલો નિકટ જતો રહે છે કે મને તો...!" ગળે ડૂમો ભરાઈ ગયો. ઊંડો શ્વાસ ભરી મેં એક ક્ષણ મૌન જાળવ્યું.

"થોડું અંતર જાળવી રાખ લોકોથી મયૂર! તને ચાહવાવાળા હજારો છે; પણ મારી પાસે તો તું એક જ છે!" મારો ફિક્કો પડેલો ચહેરો જોઈ મયૂર મારી મૂંઝવણનું મૂળ કારણ કદાચ સમજી ગયો.

"તું અને તારું ગાંડપણ! એ કારણે મોઢું ફુલાવી તું અહીં આવીને બેસી ગઈ છે નહીં? માયા, કમોન ડિયર! ધે આર માય ફૅમિલી! ભાભી સાથે થોડું હસીને વાત કરી લઉં તો એમાં ખોટું શું છે? એ લોકો ક્યાં રોજ તારા ઘરે આવે છે?" મયૂરના અવાજમાં વિચિત્ર ચીડ જણાઈ મને. જાણે કંટાળો! મારા તરફનો કંટાળો! એનું મારા તરફનું આવું વર્તન મારા અંગેઅંગને દઝાડે છે!

"ઠીક છે, તને જેમ ઠીક લાગે એમ!" જ્યારે એ સતત એનો અણગમો દેખાડી શકે તો હું શું કામ નહીં! હું ઊભી થઈ રસોડામાં પ્રવેશી ગઈ; પણ મારા મગજમાં હજુ પણ ઈર્ષા રૂપી દાવાનળ ભભૂકતો હતો. નથી ગમતું મને; મારા અને મયૂર સિવાય કોઈ પણ ત્રીજી વ્યક્તિ મારા ઘરમાં પ્રવેશે; અમારા જીવનમાં પ્રવેશે! મયૂરના ભાઈભાભી પણ નહીં. કોઈ જ નહીં!
           
"માયા! માયા! તું પણ છે ને સાવ નાની બાળકી જેવી છે. વાતવાતમાં રિસામણાં!" એની નબળી રગ હું વર્ષોથી પિછાણું છું. ફક્ત થોડાંક રિસામણાં, એટલે કામ થઈ ગયું! ગાંડી કહેતો હોય મને અને પોતે... પોતે તો મારા કરતાં પણ વધુ પાગલ છે મારી માટે. જોયું, કેવો આવીને વીંટળાઈ ગયો મને!

"જા અહીંથી, કામ પતાવવા દે! હાલ, પજવ નહીં!" મેં ઢોંગ ચાલુ રાખી એની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો; પણ એની પકડ વધુ ને વધુ મજબૂત થવા લાગી. જાણે મારા અંગેઅંગને નિચોવીને ઓગળવા તત્પર હતી એની એ મજબૂત પકડ! જેવી હું ચાહું છું એવી પકડ!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ