વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

“યસ ઓમી, સ્ક્રીપ્ટ કેટલે પહોંચી?” પોતાની આલીશાન કેબિનમાં બેઠેલા સુરજ પ્રકાશ વર્ધને પોતાની સામે બેઠેલા ઓમી જયદેવને પૂછ્યું.

“બસ સર અડધી લખાઈ ગઈ છે. એનો ક્લાઇમેક્સ કેટલો સંવેદનશીલ છે એ તમે જાણો જ છો. એને લખવા માટે મને હજી થોડો ટાઈમ જોઈએ છે. હું વિચારું છું કે થોડો સમય કોઈ એકાંત જગ્યાએ જતો રહું, જ્યાં બેસીને હું શાંતિથી સિરીઝનો ક્લાઇમેક્સ લખી શકું.” ઓમીએ જવાબ આપ્યો.

લાઈટરથી પોતાની ચિરૂટ સળગાવતા સુરજ પ્રકાશે પૂછ્યું, “નોટ અ બેડ આઈડિયા. ક્યાં જવાનું વિચાર્યું છે?”

એક ક્ષણ અચકાઈને ઓમીએ કહ્યું, “બહુ દૂર નહીં, પણ વિચારું છું કે થોડા દિવસ ઈઝરાક બીચ પર જતો રહું. ત્યાંના વાતાવરણમાં એક અજીબ શાંતિ હોય છે. તમે મનુષ્યને જોવા તરસી જાઓ એવો વિસ્તાર છે. ત્યાં ફક્ત એક જ રિસોર્ટ છે, જ્યાં ભાગ્યે જ કોઈ આવતું હોય છે. મને લખવા માટે જરૂરી શાંતિ ત્યાં મળી જશે.”

“હા આ બીચ વિશે મે સાંભળ્યુ છે, પણ ઓમી આ બીચ તો હોન્ટેડ છે ને?”

“ના સર. હું મારી બંને સીરિઝ લખવા ત્યાં જ ગયો હતો. આવી ફક્ત અફવા જ છે. ત્યાં દરિયાકિનારે બહુ શાંતિ મળે છે. એટ્લે જ મારી ઈચ્છા છે કે આ વખતે પણ હું ત્યાં જ જાઉં.”

“ઠીક છે ઓમી, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ હવે બહુ ઓછો સમય છે આપણી પાસે. બધા કેરેક્ટર્સનું કાસ્ટિંગ બાકી છે. ફાઇનલ સ્ક્રીપ્ટ આવે પછી જ કાસ્ટિંગ ચાલુ થશે.”

“હા સર. હું પંદર દિવસમાં તમને ફાઈનલ સ્ક્રીપ્ટ મોકલી આપીશ. તમને એક રિકવેસ્ટ છે સર. પ્લીઝ તમે કોઈને પણ જણાવતા નહીં કે હું ક્યાં જાઉં છું. મને કોઈપણ જાતની ખલેલ નથી પસંદ.”

“અરે ડોન્ટ વરી યાર. હું સમજુ છું. તમે લેખકો પોતાની મરજીના માલિક હોવ છો. પોતાના મૂડ પ્રમાણે જ લખો છો. કોઈ તને ખલેલ પહોંચાડવા નહીં આવે.” પોતાના અડધા સફેદ વાળમાં હાથ ફેરવતા સુરજ વર્ધન હસવા લાગ્યા.

સુરજ વર્ધનની કેબિનમાંથી બહાર નીકળતી વખતે ઓમીને લાગ્યું, કોઈની આંખો એને જોઈ રહી છે. એણે પોતાની આસપાસ નજર ફેરવી પણ સુરજ વર્ધનનો સ્ટાફ પોતાના કામમાં મશગુલ હતો. પોતાને કોઈ ભ્રમ થયો છે એમ માની ઓમી ત્યાંથી નીકળી ગયો. 

*** 

ઈઝરાક બીચ ઓમીનો ફેવરિટ હતો. ગોવાથી લગભગ ચાલીસ કિલોમીટર પર આવેલો આ બીચ એક્દમ નિર્જન હતો. વર્ષો પહેલા એક પેસેંજર જહાજ ભૂલથી ત્યાં પહોંચીને ત્યાંની તીક્ષ્ણ શિલાઓ સાથે અથડાઈને ડૂબી ગયું હતું અને એના લગભગ સિત્તેર જેટલા પેસેંજર્સ ડૂબીને મોતને ભેટ્યા હતા. ત્યારથી એ બીચ અવાવરુ બની ગયો હતો. કોઈ સહેલાણી ત્યાં આવતા નહતા. એક જૂનો રિસોર્ટ ત્યાં હતો, જેમાં ભાગ્યે જ કોઈ રહેવા આવતું હતું. અકળાવી મૂકે એવી ડરામણી શાંતિ ઓમીને ઘણી પસંદ હતી. એ રિસોર્ટમાં અવારનવાર જતો હતો, એટ્લે ત્યાંનો ચાર માણસોનો સ્ટાફ એને સારી રીતે ઓળખતો હતો. એ સ્ટાફ પણ રોજ રાત્રે એ બીચ છોડીને જતાં રહેતા હતા. એટ્લે રાત્રે ઓમી આખા રિસોર્ટમાં એકલો જ રહેતો. જોકે બત્રીસ વર્ષના ઓમીને આ એકલતાથી ડર નહોતો લાગતો. 

આ વખતે પોતાની સ્ટોરી આગળ વધારવા આવેલા ઓમીને જરા પણ અંદાજો નહોતો કે એની સાથે શું થવાનું છે. રાત્રે આઠ વાગ્યે રિસોર્ટનો સ્ટાફ ઓમીને જમવાનું આપીને, એને બીજું કશું જોઈએ છે કે કેમ એની પૃચ્છા કરી રિસોર્ટમાંથી વિદાય થયો. હવે આવડા મોટા ખંડેર જેવા રિસોર્ટમાં ઓમી એકલો હતો. જમવાનું પતાવીને, એણે કાજુ ફેનીનો એક સ્મોલ પેગ બનાવ્યો અને એકીશ્વાસે ગટગટાવી ગયો. એના મનમાં કરંટ દોડી ગયો. એણે સ્ટોરી આગળ વધારવા લેપટોપ ચાલુ કર્યું. આગળ લખેલી વાર્તા પર નજર ફેરવતા જ એના મનમાં રાજદીપ સિંઘનો ચહેરો દેખાવા લાગ્યો. 

અચાનક એના રુમના દરવાજે હળવા ટકોરા પડ્યા. એકક્ષણ માટે ઓમીનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું. એણે પોતાનો ડર કંટ્રોલ કરી અંદરથી જ પૂછ્યું, “કોણ છે બહાર?”

પણ બહારથી કોઈ જવાબ નહીં આવ્યો. ફરી ઓમીએ પૂછ્યું પણ બહાર એકદમ શાંતિ હતી. દરિયા કિનારે વાતા પવનથી દરવાજો ખખડ્યો હશે, એમ માની ઓમીએ ફરી લખવામાં ધ્યાન પરોવ્યું. 

રાજીવ કિર્લોષ્કરે નિહારિકા સામે એક ક્રોધિત નજર ફેંકી અને પૂછ્યું, “આટલી રાત્રે ક્યાથી આવે છે? તને મારી પ્રતિષ્ઠાનો જરા પણ અંદાજો નથી? કોની સાથે ભટકતી હતી?”

રાજીવના ઊંચા અવાજથી સહેમી ગયેલી નિહારિકાએ જવાબ આપવા મોઢું ખોલ્યું કે ત્યાં સૌમ્યા આવી ગઈ. તરત જ રાજીવે પોતાના અવાજની તીવ્રતા એક્દમ ઘટાડી નિહારિકાના માથે હાથ મૂકી કહ્યું, “જો ને બેટા, તારી મા તારી નાહકની જ ચિંતા કર્યા કરે છે. મે એને સમજાવી કે આપણી દીકરી હવે મોટી થઈ ગઈ છે. એને હવે દુનિયાદારીની બધી સમજ પડે છે. એ હમણાં નહીં ફરશે તો ક્યારે ફરશે?”

નિહારિકા પોતાના સાવકા પિતાના વર્તનથી જરા પણ અચરજ પામ્યા વિના બોલી ઉઠી, “યસ મોમ, હવે હું નાની કીકલી નથી રહી. તારા કરતાં તો ડેડ સારા. મારા પર એમને કેટલો ભરોસો છે.” એમ બોલતા નિહારિકા પરાણે રાજીવના ગળે વળગી ગઈ. નિહારિકાના માથામાં હાથ ફેરવતા રાજીવે સૌમ્યાને ખબર નહીં પડે એમ નિહારિકાની એક લટમા આંગળી ભેરવી જોરથી ખેંચી. નિહારિકાની આંખમાં દર્દ ઉમટી આવ્યું, પણ ચૂપચાપ એ પોતાની પીડા ગળી ગઈ. એણે આંખના ખૂણેથીસૌમ્યાનો ચહેરો જોયો, જે બાપ-દીકરીના મિલનને એક અનેરા સંતોષથી જોઈ રહી હતી.

એકાએક ફરી દરવાજે ટકોરા પડ્યા. લખવામાં મશગુલ ઓમી બહુ ખરાબ રીતે ચમકી ગયો. એણે ઊભા થઈને દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય જોઈ એની આંખો ફાટી ગઈ. એની સામે રાજદીપ સિંઘ ઊભો હતો. આટલી રાત્રે એકાએક એને પોતાની સામે ઉભેલો જોઈને ઓમી એકક્ષણ માટે ડરી જ ગયો. પોતે સપનું જુએ છે કે વાસ્તવિકતા છે એના વિચારમાં પડેલા ઓમીના કાને રાજદીપનો અવાજ પડ્યો.

“કેમ લેખકડા, મને જોઈ ચમકી ગયો? તું આખો દિવસ મને યાદ કરતો હતો, એટ્લે મને બહુ હીચકી ચાલુ થઈ ગઈ. કેમે કરીને શાંત નહીં થઈ. આખરે તારી સામે આવ્યો ત્યારે મને હીચકી બંધ થઈ. શું યાર! કેમ મને આટલો યાદ કરે છે? હું જાણું છું ત્યાં સુધી તો તું મને નફરત કરતો છે. ચલ હવે મને અંદર આવવા દઇશ કે આખી રાત મને દરવાજા પર જ ઊભો રાખવાનો વિચાર છે?” એક કુટિલ હાસ્ય કરી રાજદીપ બોલ્યો. 

“રાજદીપ? તું અહી ક્યાથી આવ્યો? તને કેવીરીતે ખબર કે હું અહી છું?” ઓમીના અવાજમાં હજી પણ આઘાત છલક્તો હતો.

“કોણ રાજદીપ? હું રાજીવ છું. રાજીવ કિર્લોષ્કર!” એક રહસ્યમય મુસ્કાન સાથે રાજદીપે જવાબ આપ્યો અને ઓમીને હળવો ધક્કો મારી રૂમમાં અંદર જતો રહ્યો. 

ઓમી પોતાની આંખો ચોળી પોતાની સામે વાસ્તવિકતા છે કે કલ્પના એ વિષે વિચારવા લાગ્યો. એને હજી પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે રાજદીપ આમ અડધી રાત્રે આ નિર્જન વિસ્તારમાં એનો પીછો કરીને પહોંચી જશે. ઓમીને યાદ આવ્યું કે એણે ફક્ત ડિરેક્ટર સુરજ પ્રકાશને જ જણાવ્યુ હતું કે એ ક્યાં જાય છે. 

‘એ ડિરેક્ટરનો બચ્ચો! છેવટે તો પૈસા મળે ત્યાં જ પોતાની પૂંછડી પટપટાવવાનો.’ મનમાં ડિરેક્ટરને એક ગાળ આપી ઓમી રૂમમાં પાછો આવ્યો. થોડીક્ષણો સુધી એ સામે બેસેલા રાજદીપને જોઈ જ રહ્યો. એની સાથે શું વાત કરવી એ ઓમીને નહીં સમજાયું. કારણકે એવોર્ડ ફંક્શનવાળી ઘટના થઈ પછી બંને એ કદી સીધે મોઢે એકબીજા સાથે વાત નહોતી કરી. રાજદીપ સામેના સોફા પર એક પગ પર બીજો પગ ચઢાવી બેઠો હતો અને એક હાથમાં ઓસ્ટ્રિયાની નેટ શર્મન બ્રાન્ડની સિગારેટ હતી અને મોઢામાંથી એ હળવો ધુમાડો ફેંકી રહ્યો હતો. 

ઓમીને રાજદીપના પહેરવેશ જોઈને થોડું આશ્ચર્ય થયું. સામાન્યરીતે રાજદીપ લુઝ ટીશર્ટ અને જીન્સ અથવા કાર્ગોમાં જ જોવા મળતો હોય. જ્યારે આજે સામે બેસેલો રાજદીપ શર્ટ, બ્લેઝર અને ટાઈમાં આવ્યો હતો. એકક્ષણ તો ઓમીને લાગ્યું, રાજદીપ અહી કોઈ એડના શૂટિંગ માટે આવ્યો છે. એણે બારીની બહાર નજર કરી, પણ ત્યાં ચોપાસ સન્નાટો હતો. 

“મને અહી જોઈને તને ઘણું આશ્ચર્ય થતું હશે લેખકડા. થવું પણ જોઈએ. પણ શું કરું યાર. આજે તે આખો દિવસ મને એટલો યાદ કર્યો, કે મને એકક્ષણ માટે પણ ચેન નહીં મળ્યું. જ્યારે તારી સામે આવીને બેઠો, તો હવે મારા દિલને શાંતિ થઈ.” રાજદીપે ઓમીની આંખોમાં નજર નોંધી કહ્યું.

“તને યાદ કર્યો? કોણે? મે તને જરા પણ યાદ નથી કર્યો!” ઓમીના અવાજમાં અકળામણ હતી.

“લાગે છે તે હજી મારી વાત ધ્યાનથી સાંભળી નથી. હું છું આ દેશનો બિગેસ્ટ બિઝનેસ ટાયકુન રાજીવ કિર્લોષ્કર.” ચહેરા પર અભિમાન સાથે રાજદીપે જવાબ આપ્યો.

રાજદીપની વાત સાંભળી ઓમીનો ચહેરો ખુલ્લો રહી ગયો. “રાજીવ? એ તો ફક્ત.. મારી વાર્તાનું પાત્ર- તું અહી કેવીરીતે? મને કઈ સમજ નથી પડતી. હું- પણ તું- ના આવું નહીં થઈ શકે-“ ઓમી પોતાનું માથું પકડી બેસી ગયો. 

“લાગે છે સાહેબે નશો કર્યો લાગે છે.” રાજદીપે ટીપોય પર પડેલા ખાલી ગ્લાસ સામે નજર કરતાં કહ્યું. ઓમીએ પણ એ ગ્લાસ સામે નજર નાખી. સાથે જ એની નજર ફેનીની અડધી ખાલી બોટલ પર પડી. એને સમજ પડી ગઈ કે સામે રાજદીપ નથી, ફક્ત પોતાના મન પર ચઢેલા ફેનીના નશાને કારણે જ પોતાને આવો ભ્રમ થાય છે.

“હું કોઈ ભ્રમ નથી ઓમી. હું તારી સામે ઊભેલી નક્કર વાસ્તવિકતા છું. હું તારું જ બનાવેલું પાત્ર છું. જ્યારથી તારા મનમાં મારૂ પાત્ર જનમ્યું, ત્યારથી જ મે આ હકીકતની દુનિયામાં જન્મ લઈ લીધો. હવે હું હમેશા તારી આસપાસ જ રહીશ.” રાજદીપે પ્રભાવશાળી અવાજે ઓમીને કહ્યું.

આ સાંભળી ઓમી હસવા લાગ્યો. ઓમીને હસતો જોઈ રાજદીપ મૂંઝાઇ ગયો. પણ પછી એણે પણ હળવું હાસ્ય કર્યું. ઓમી હસતાં હસતાં બોલ્યો, “તું નથી જ. ફક્ત હું જ છું. તું ફક્ત મારા મનની પેદાશ છે, એટ્લે જ મારા મનની વાત સાંભળી શકે છે. ચાલ્યો જા અહીથી ખૂંટ. જો તને મે જન્મ આપ્યો છે, તો હું જ તને મિટાવી દઈશ. તારા જેવા કેટલાય પાત્રોનો હું જન્મદાતા છું. જેમને મે બનાવ્યા એને મે જ મિટાવી દીધા.”

રાજદીપ એકક્ષણ માટે હસતો બંધ થઈ ગયો. પછી એક ખંધું હાસ્ય કરતાં બોલ્યો, “ત્યાં જ તારી ભૂલ થાય છે ઓમી. હું તારા બીજા પાત્રો જેવો ડરપોક નથી જે હંમેશા તારા ઈશારે નાચતો રહે. ભલે તે મને જન્મ આપ્યો, પણ હવે હું મારી મરજીનું જીવન જીવીશ. તારી કહાની પણ મારી ઇચ્છા પ્રમાણે વળાંક લેશે. તું ગમે એટલો પ્રયત્ન કર, પણ આ વખતે તે ખોટા પાત્રને જન્મ આપી દીધો છે. હમણાં તો હું જાઉં છું, પણ ફરી આવીશ તારી પાસે. તૈયાર રહેજે.” એમ કહીને રાજદીપ ઊભો થઈને રૂમની બહાર નીકળી ગયો.

ઓમી થોડીક્ષણો સ્તબ્ધ થઈને ત્યાં જ બેસી રહ્યો. હમણાં એના કાને જે શબ્દો પડ્યા, એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો. એકાએક એ ઊભો થઈને દોડતો રૂમની બહાર નીકળ્યો. બહાર લોબીમાં, ખુલ્લા ચોગાનમાં કે ગેટ પાસે એને કોઈ જ જોવા નહીં મળ્યું. ફક્ત ચોગાનની એક લાઈટ ઝબૂક ઝબૂક થઈ રહી હતી, જેને કારણે બહારનું વાતાવરણ થોડું બિહામણું લાગતું હતું. ઓમી હતાશ પગલે રૂમમાં પાછો ફર્યો. દરવાજો બંધ કરી એણે લેપટોપ સામે નજર કરી. આગળ લખવાનું એને મન નહીં થયું. છેવટે ફેનીની અધૂરી બોટલ એણે ગ્લાસમાં ઠાલવી દીધી અને રૂમની લાઈટ બંધ કરી દીધી. 

*** 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ