વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2 - હાસ્ય રૂપે સમાધિ

યુ ટ્યુબ પર અસ્મિતા પર્વનો એક જૂનો વિડીયો જોયો. આ વીડિયોમાં હાસ્યસમ્રાટ શાહબુદ્દીન રાઠોડ, જગદીશ ત્રિવેદી અને સાંઈરામ દવેને મંચ પર સાથે જોવાનો લ્હાવો આમ તો દરેકે લેવા જેવો છે, અને કોઈને પણ એ વિડીયોની લિંક જોઈતી હોય તો મને 9825198717 પર વોટ્સએપ કરી શકે છે, પણ મારે આજે જે લાડુ વહેંચવું છે એ છે એ કાર્યક્રમમાં શાહબુદ્દીન સાહેબે કરેલી એક ઊંડાણ ભરેલી આધ્યાત્મિક વાત.


શાહબુદ્દીન સાહેબ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખડખડાટ હસે છે ત્યારે એ નિર્વિચાર થઈ જાય છે. ખડખડાટ હસવું અને વિચાર કરવા એ બે કામ સાથે થઈ શકે એમ છે જ નહીં. અને જ્યારે મન નિર્વિચાર હોય, એટલે એ સમાધિની દશા કહેવાય. ભલે એ સમાધિ ફક્ત અમુક સેકન્ડ્સ પૂરતી જ હોય.


કેટલી સાચી વાત, મિત્રો. અને ખૂબ જ નવીન અને મનને ગમે એવી વાત..! કહે છે ને, કે 'જે પોષતું એ મારતું, એ ક્રમ દિસે છે કુદરતી.' આપણે જ નાનપણથી આપણા મગજને વિચારો કરી શકવા ટ્રેન કરીયે, અને જેમ જેમ ઉંમરના પડાવો પાર કરતા જઈએ, તેમ તેમ વિચારોની સંખ્યા, તેમની તીવ્રતા વધતી ચાલે. આ વિચારોમાંના અમુક વિચારો વમળની જેમ એક જ અણીદાર પોઇન્ટ પર ફરી ફરીને આવ્યા રાખે અને મનને કોરી ખાય. એ અને એવા કેટલાંય બીજા વિચારોથી મનને મુક્ત રાખવાની પદ્ધતિઓ ઋષિઓ, જ્ઞાનીઓએ શોધવાની કોશિશ કરી. કહે છે કે માનવ શરીરને મોક્ષ ત્યારે જ મળે જ્યારે એ નિર્વિચાર જીવન જીવતો હોય અને નિર્વિચાર મૃત્યુ પામે. આ ઋષિઓ, જ્ઞાનીઓ કેટલાંય વર્ષોની સમાધિ થકી બુદ્ધ થયાં. આજે પણ દુનિયાભરમાં સમાધિ સ્થિતિ મેળવવા કેટકેટલાંય સુંદર પ્રયોગો થાય છે, શિવિરો ચાલે છે.


ખેર, એ બધી ડિટેઇલમાં ન જતાં, આપણે તો ખુબજ સૂક્ષ્મ સમયની અને બહુ મહેનત વગરની સમાધિ એટલે કે ખડખડાટ, મુક્ત હાસ્યવાળી શાહબુદ્દીન રાઠોડ સાહેબની વાત પર પાછા આવીએ. તાણથી ભરપૂર આજની જિંદગીમાં જો આવી મીની કે માઈક્રો સમાધિઓ નિયમિત રીતે મળતી રહે તો આ નાનાં નાનાં નિર્વિચારપણાંના અનુભવોને કારણે મનને અપાર રાહત મળે. જ્યારે આપનો ફોન કે લેપટોપ બહુ ધીમો ચાલતો હોય અને એને આપ રિબૂટ કરો એના જેવું કઈંક. છાશવારે જો વ્યક્તિને ખડખડાટ હાસ્ય મળતું રહે તો, ભલેને જીવનચક્રથી મોક્ષ ન મળે તો કંઈ નહીં, પણ વિચાર વમળોના તાણથી મુક્તિ મળે ખરી. અને આ થિયરીમાં આપણાં મુખ્ય મુક્તિદાતા એટલે આપણાં પરમ મિત્રો.


હા, અમુક ફિલ્મો જોવાથી, કે હાસ્યના ડાયરા માણવાથી કે સ્ટેન્ડ અપ કોમેડીના વિડિયોઝ જોવાથી પણ હાસ્ય મળે જ છે, અને એટલે જ છેલ્લાં બે દાયકાથી કે જ્યારે વૈશ્વિક માનસિક તાણ ખૂબ વધ્યું છે, ત્યારે ગંભીર કરતાં કોમેડી ફિલ્મોમાં ફૂટ ફોલ્સ પણ વધ્યાં જ છે. ટીવી પર પણ હેરફેરી, નો એન્ટ્રી, વેલકમ જેવી ફિલ્મોના ટી આર પી ઊંચા હોય છે. પણ કેટલાંક જૂજ વ્યક્તિઓ એ મીડીયમથી ખડખડાટ હાસ્ય મેળવી શકે છે, બાકી મોટા ભાગની વ્યક્તિઓ સ્મિતથી કામ ચલાવી લેતી હોય છે. આ સ્મિત પણ કાંઈ ખોટું તો નથી જ. 'ન મામા કરતાં, કહેણો મામો સારો.' પણ ખડખડાટ હાસ્ય તો મિત્રોના દરબારમાં જ આવે.


જો કે આવા મિત્રો પણ જૂજ હોય છે. વચ્ચે એવું થયું કે મોર્નિંગ વૉક કરવા જતાં રસ્તામાં એક મિત્ર મળી ગયો. શાળાકાળનો એક જૂનો મિત્ર. સામાન્યતઃ હું દરરોજ એકલો ચાલવા નીકળું. દરિયાકિનારે ઉછળતાં મોજાઓના અવાજ સાથે ધીરે ધીરે કાનમાં ઈયરફોન મારફતે ક્યારેક ગાયનો તો ક્યારેક યુટ્યુબનું જ્ઞાન પણ ચાલતું હોય. ક્યારેક અસ્મિતા પર્વના કે જી.એલ.એફ.ના કાર્યક્રમો ચાલતાં હોય તો ક્યારેક સ્વામિ સચ્ચિદાનંદના વ્યાખ્યાનો. આમ એક અનિશ્ચિત પણ નિશ્ચિત પેટર્ન પ્રમાણે સ્કેડ્યુલ ચાલતું હોય મોર્નિંગ વૉકનું પણ. એમાં એ વિચાર આવ્યો કે જો આ મિત્ર આજે જોડે વૉક કરશે તો સાલું આજે હું અત્યારે જે રસપ્રદ કાર્યક્રમ સાંભળી રહ્યો છું એ સાંભળી નહીં શકાય!!


અજબ પ્રાણી છે મનુષ્ય. એને બધું ધાર્યું કરવું હોય. બીજા બધાં પ્રાણીઓ જાજું કાંઈ પ્લાનિંગ કરતાં નથી. 'પડશે એવાં દેવાશે'ની નીતિથી ચાલતાં હોય છે. પણ મનુષ્યજાતને પોતાની એક એક ક્ષણ પૂર્વ આયોજિત જોઈએ છે. એમાં નાનકડો ફેરફાર પણ એમને વિચલિત કરે છે. એ ફેરફાર ઘણી વાર વધુ સુખદ હોય તો પણ. ઑફિસ જવા માટે લેઈટ થઈ રહેલા પિતાને પોતાના બાળકની પાંચ મિનિટ સાથે બેસીને મસ્તી કરવાની કાકલૂદી પણ અવરોધ લાગે છે. પણ આમાંય સુખદ અપવાદો જેવી ઘટનાઓ હોય જ છે. વિચાર સ્ફુર્યો કે એ મિત્રની જગ્યાએ અત્યારે કદાચ મારો ફલાણો કે ઢીંકણો મિત્ર મળ્યો હોત તો? તો તેલ લેવા ગયું સેટ સ્કેડ્યુલ, આ પછીની સાઈઠ મિનિટોની એ વૉક હાસ્યનું હુલ્લડ બની જાત! 


એક વ્યાખ્યા પણ મળી ખાસ અને અંગત મિત્રોની. કે જે મિત્રો માટે તમને તમારાં પૂર્વ આયોજિત પ્રોગ્રામ્સમાં અચાનકથી ફેરફાર કરવા પણ ગમે અને એ પણ સહર્ષ, એ બધાં તમારા પરમ મિત્રો.



આવા પરમ મિત્રોથી ઘેરાયેલો માણસ ટૂંકમાં ઘણી બધી સમાધિ અવસ્થાઓ ભોગવતો હશે. દરેક પુત્રને પિતાએ સલાહ આપવી કે આવા મિત્રોનું વર્તુળ વધારે, અને દરેક પુત્રીને માતાએ સલાહ આપવી કે થનારા પતિમાં બીજા કોઈ ગુણ કદાચ ન હોય તો ચલાવે, પણ વારંવાર ખડખડાટ હસાવી શકે એવું સેન્સ ઓફ હ્યુમર અને ખેલદિલી હોય. જીવનસાથીમાં જ આવો પરમમિત્ર મળી જાય કે જેની સાથે પસાર કરેલો સમય સુવર્ણ હોય, સમાધિષ્ઠ હોય, તો એનાથી રૂડું શું?


હવે એ ન પૂછતાં પાછું, કે પુત્રીને જેમ હસાવી શકે એવા ભરથારની સલાહ આપવી, એમ પુત્રને હસાવી શકે એવી જીવનસંગીનીની સલાહ ન આપી શકાય? કદાચ પુરુષોને, પોતાના પાત્રને હસાવીને, એના ચહેરા પરનું એ સ્મિત જોઈ ને, અને વધુમાં એ સ્મિત પોતાનાં લીધે છે એ જાણીને જ સમાધિ અવસ્થા પ્રાપ્ત થઈ જતી હશે! હા હા હા..!!


હાર્દિક રાયચંદા (તા. 07.03.2021)



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ