વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કાળીયો પાતાળપેટો

મોડીરાત સુધી પિયત કરીને સુઈ રહેલા કાળીયાને સવારે કેશાકાકાએ ઢંઢોળ્યો અને કહ્યું,"અલ્યા ડોફા! ચેટલીવાર હુઈ રેવું સ અવ?"

 

 અડધીપડધી આંખ ઉઘાડીને કાળીયાએ ફાળીયુ અને એકદમ બગલા જેવો સફેદ ઝભ્ભો પહેરેલા કાંતિકાકા તરફ જોઈને કહ્યું,"ઉંઘવા દો ન કાકા, આખી રાત પોણોત કર્યું સ, બઉ થાકી જ્યો સુ."

 

"અલ્યા નઘરોળ, ઉઠ અવ. તમે આજકાલના જુવાનિયા સાવ પોચા. કલાક બે કલાકની ઉંધમોં તો થાક ઉતરી જવો જોવ. અવ ઘેર જા તન જોવા મે'મોન  આવવાના સ અન આજ જરા હખણો રેજે, તારી બુદ્ધિનું પ્રદર્શન ના કરતો. હરખો તૈયાર થજે, હું કલાક ચેડી આવું સુ."

 

છોકરીવાળા આવવાના છે સાંભળીને ખાટલામાં પાડાની જેમ આડો પડેલો ઝડપથી ઉભો થઈ ગયો, તેના શરીરમાં જાણે કોઈએ ચાવી ભરી દીધી હોય તેમ ફટાફટ જંઈને બોરની કુંડીમાં નહાવા બેસી ગયો. ચાર દિવસથી જે શેમ્પુનું પાઉચ લાવીને મૂકી રાખ્યું હતું તે આખેઆખું માથામાં ઠપકાર્યુ. આખી કુંડી ફીણથી ઉભરાવા લાગી.

 

 શરીર એવી રીતે ઘસવા માંડ્યો જાણે તેનો કાળો રંગ એક જ દિવસમાં બદલાઈ જવાનો હોય. કાળીયો નાનપણથી જ મહેનતુ પણ મહેનત ફક્ત શરીરની.

 

 

આમ તો નામ તેનું કાંતિ હતું પણ તેના રૂપ અને ગુણને લીધે તેનું નામ કાળીયો પાતાળપેટો પડી ગયું હતું. તેનો વાન કાળા રંગને પણ ઈર્ષા થઈ આવે એવો કાળો હતો. જમવા બેસે એટલે ખોરાક સાથે વેર વાળતો હોય તેમ જમતો. જેટલું રાંધી રાખ્યું હોય બધું જ પતાવું એવો તેનો નિયમ હતો. સમયની ગર્તામાં તેનું કાંતિ નામ ભૂલી ગયા હતા. હવે તે ફક્ત કાળીયાના નામે ઓળખાતો હતો.

 

સામે ખોરાકને પણ તેની સાથે વેર હોય તેમ તેના શરીરે અડતો નહોતો. સાવ સુકલકડી શરીરના સ્વામી એવા કાંતિને જોઈને કોઈ તેના ખોરાકનો અંદાજો લગાવી ન શકે. ખોરાકની જેમ બુદ્ધિએ પણ તેનાથી બાર ગાઉનું છેટું રાખ્યું હતું. ન તો ભણતર ચડ્યું હતું ન તો ગણતર.

 

આ જ કારણસર પાંત્રીસ વર્ષનો થયા હોવા છતાં બધા તેને એકવચનમાં જ સંબોધન કરતાં. ગામનું નાનું છોકરું પણ તેને કાળીયો કહીને બોલાવતું.

 

માતાપિતા તો કાળીયો નાનો હતો ત્યારે જ પરલોક સિધાવી ગયા હતા. કાકા પાસે ઉછરેલો કાળીયો ફક્ત મજુરી કરી જાણતો. કાકા અને કાકીએ તેનો પ્રેમથી ઉછેર કર્યો પણ તે અડબંગ જ રહ્યો. કાકાએ તેનાં લગ્ન માટે બહુ પ્રયત્નો કર્યા પણ ક્યાંય મેળ ન પડ્યો. શરૂઆતમાં તો તે છોકરી જોવા જતો પણ ત્યાં તેની તેનો રંગ, તેની વાતો અને તેને નાસ્તો કરતાં કે ખાતાં જોઇને છોકરીવાળા ના પાડી દેતા. બે ચાર સ્થળે જોવા ગયા, તેના અનુભવ પછી કેશાકાકાએ પોતાની આ પ્રવૃત્તિ ઉપર રોક લગાવી.  તેમણે નક્કી કર્યું કે હવે કાળીયાને ક્યાંય લઇ જવો નહિ.

 

શરૂઆતમાં છોકરીવાળા જોવા આવતાં તે ગામના પાદરેથી પાછા ફરી જતાં અને જો ભૂલેચૂકે ઘરે આવી જાય તે કાળીયા સાથે વાત કર્યા પછી ફરી મોઢું ન દેખાડતાં.

 

આવા ઘણા અનુભવો પછી કાળીયા એ પરણવાના અભરખા મૂકી દીધા અને ખેતરમાં પડ્યા રહેવાનું શરુ કર્યું. રાત દિવસ ખેતરમાં જ કામ કરતો રહેતો.

 

આવા કાળીયા ને પરણાવવાનું બીડું સરપંચ ઘનાભાએ ઝડપ્યું. કાળીયો ક્યારેક ઘનાભાના ખેતરમાં કામ  કરવા જતો. એક દિવસ ઘનાભાએ કેશાકાકાને કહ્યું,”આ કાળીયાન પૈણાવતા ચમ નહિ?”

 

“ઘણી સોડીયો જોઈ પણ ચ્યોય મેળ ના પડ્યો અન અવ આ ઉંમરે ઇન કુણ કન્યા આલ. પાસો બુદ્ધિનો લઠ્ઠ સ.”

 

“લગન નો શું થાય? હું કઉ ઈમ કર તો અઠવાડિયામોં થઈ જાય. એક સોકરી જોઈ સ ઈના હંગાથ ગોઠવઈ જશે. દરેકના માટ ઇના જોગું પાત્ર તો ભગવોને ઘડેલું જ હોય."

 

“લ્યો તો તો તમારા જેવા ભગવોને નઈ.”

 

ઘનાભાએ કાળીયાને બોલાવ્યો અને કહ્યું,"જો કાળીયા, ચાર દાડા પશી મેમોન જોવા આવશે, તાર ઈમના હોમ કોય બોલવાનું, ખાલી મોથુ હલાવવાનું. બાકી વાતો હું કરી લયે, તારી કાકી ચાપોણી આલશે, તાર ઉભું ય નઈ થવાનું."

 

સમજી ગયો હોય તેમ કાળીયાએ માથું હલાવ્યું એટલે ઘનાભાએ કહ્યું,” બસ, ઓમ જ કરજે."

 

******************************************************************************

 

કુંડીમાં મગરની જેમ પડેલા કાળીયાએ બહુ વાર કરી એટલે કેશાકાકા બગડ્યા,” અલ્યા એય અક્કલમઠા, ઘેર જા નકર મે'મોન જતા રે'શે." ત્યારે તેને યાદ આવ્યું કે ઘરે તેને જોવા મહેમાન આવવાના છે.

 

કાળીયો ઉતાવળે ઘરે પહોંચીને ઘનાભાએ આપેલ નવું પેન્ટ અને નવું ટીશર્ટ પહેરીને તૈયાર થઈ ગયો. ઘણાં દિવસ પછી માથામાં અડધી શીશી જેટલું તેલ નાખીને વાળ ચપોચપ ઓળીને ખાટલે સાવધાન મુદ્રામાં બેસી ગયો. આમ તો ખેતરમાં લગાવેલા ચાડીયા જેવી દેખાઈ રહ્યો હતો, છતાં કાકીએ તેની નજર ઉતારીને ભામણા લીધા.

 

ડેલી ખખડવાનો અવાજ આવ્યો એટલે હજુ ટટ્ટાર થઈ ગયો. જ્યારે જોયું કે કેશાકાકા જ આવ્યા છે એટલે શરીર થોડું ઢીલું છોડ્યું.

 

થોડીવાર પછી ઘનાભા મહેમાન સાથે ખડકીમાંથી દાખલ થયા. ઘનાભાએ કહ્યું હતું એમ તે એકદમ મુંગો મંતર થઈને મહેમાનો સામે બેસી રહ્યો.

 

ઘનાભા અને કેશાકાકા મહેમાનો સાથે વાતોએ વળગ્યા. ઘણીવાર થઇ કોઈ કાળીયા સાથે બોલ્યું નહિ એટલે તેણે કેશાકાકાના કાન નજીક પોતાનું મોઢું લઇ જઈને ધીમેથી કહ્યું,” સોકરી તો ગમી સ મન.”

 

"મુંગો મર, એ સોકરીની મા સ. સોકરી અમણ આવશે."

 

 

થોડીવાર પછી ખડકીમાંથી છોકરી તેના ભાઈ સાથે દાખલ થઇ અને તેને જોઇને કેશાકાકાને વગર બીડીના ફૂંક મારે ઉધરસ ચડી ગઈ. છોકરી તેની માને બદલે બાપ ઉપર ગઈ હતી અને કાળીયાના રંગને પણ ફિક્કો સાબિત કરે એવી કાળી હતી.

 

કેશાકાકાએ કાળીયા તરફ જોયું. કાળીયો તો ફક્ત તે છોકરીને જોઈ રહ્યો હતો.

 

છોકરીના પિતાએ કહ્યું,”આ મારી દીકરી કા....., પૂનમ છે. આઠ ધોરણ ભણી છે અને તેને રાંધવાનો બહુ શોખ છે. પેલું ટીવી ઉપર શું આવે છે ખુખરી શો એ જોઇને નવી નવી વાનગીઓ બનાવે છે, એને ટીવી પણ જોવાનો બહુ શોખ. બરાબર ને બેટા?”

 

“બરાબર  ડેડુ! મને રાંધનેકા બહુ ગમતા હૈ. જુદી જુદી રેપીસી બનાવતી હું”

 

તે વધુ બોલવા જતી હતી પણ એની બાજુમાં બેસેલી માએ એને કોણી મારી એટલે મૂંગીમંતર થઇ ગઈ.

 

ઘનાભાએ કેશાકાકા સામે જોયું અને પૂછ્યું,”બોલો કેશાભઈ, કરવું સ પાક્કું?”

 

કેશાકાકા અવઢવમાં હતા. છોકરી એકદમ કાળી હતી પણ આપણો કાળીયો પણ ક્યાં ગોરો છે. તેમણે કાંતિ તરફ જોયું તો કાંતિ શરમાઈ ગયો.

 

“તો કરો કંકુના!”

 

આમ કાળીયા પાતાળપેટાનું કાળી કાબરી પૂનમ સાથે ગોઠવાઈ ગયું અને ઘનાભા મૂછે તાવ દઈ રહ્યા હતા. તેમની સાળીની દીકરીનું પણ ગોઠવાઈ ગયું અને કેશાકાકાને આપેલું વચન પણ પળાઈ ગયું. ભૂતને તેનો પીપળો મળી ગયો હતો.    



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ