વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આંગડિયાવાળો અને યમરાજ ભાગ ૧

             સાત હાથ ઊંચા, કૃષ્ણવર્ણી, વિશાળદેહ અને વિશાળ ઉદર ધરાવતા જેવા યમરાજ પોતાનાં અજાનબાહુ હલાવતાં સવારે યમપુરીમાં ડ્યુટી ઉપર પહોંચ્યા, ચિત્રગુપ્તે એક લિસ્ટ થમાવી દીધું.

 

            "આ શું છે!" આશ્ચર્ય સાથે યમરાજે ચિત્રગુપ્તને પુછ્યું.

 

            "મેં આ લિસ્ટ તમારા ડિપાર્ટમેન્ટને આપી હતી પણ તમારા યમદૂતો કામ પુર્ણ કરી શક્યા નથી. એક વ્યક્તિ બાકી રહી ગયો છે અને તમારા બધા દૂતોએ ના પાડી દીધી છે. કે તેને લેવા નહિ જાય. ડિપાર્ટમેન્ટના હેડ તરીકે તમારી જવાબદારી છે તેને લાવવાની." ચિત્રગુપ્તે હાથમાં રહેલી પોતાની પેનથી પીઠ ખંજવાળતા કહ્યું.

 

            પોતાનો આજનો ઈન્દ્રના દરબારમાં જઈને મેનકાનું નૃત્ય જોવાનો કાર્યક્રમ પડી ભાંગતો બચાવવા યમરાજે દલીલ કરી, "તમને ભાન પડે છે આવાં ક્ષુલ્લક કારણ માટે મારા સ્તરના માણસને નીચે મોકલવા માગો છો. ભાન પડે છે કાંઈ!"

 

            પોતાની આંગળી નાકમાં નાખતાં ચિત્રગુપ્તે કહ્યું, "આ વાતને સિરિયસલી સમજો, મજાક નથી! એક મહેસાણાના માણસને લાવવાનો છે. તમારા યમદૂતો એમાં નાકામ રહ્યા. હવે તમારે પોતે જ જવું પડશે."

 

            મહેસાણા શબ્દ સાંભળીને યમરાજનું હ્રદય ધબકારો ચૂકી ગયું. થોડા વર્ષો પહેલાંનો અનુભવ તે ભૂલ્યા નહોતા. મેનકાનું નૃત્ય ચૂકી ગયાના અફસોસ સાથે યમરાજે પોતાના પાડાને અવાજ આપ્યો.

 

            પાડો ધીમી ચાલે યમરાજ પાસે આવીને ઊભો‌ રહ્યો. તેના માથે પ્રેમથી હાથ ફેરવીને યમરાજ બોલ્યા, "ચાલ ભાઈ, ધરતી ઉપર જવાનું છે."

 

            તેમના આ શબ્દ સાથે જ પાડાએ પોતાનું માથું ધુણાવીને યમરાજનો હાથ પોતાના માથેથી ઝટકી દીધો. યમરાજ સમજી ગયા કે હમણાં ઘણા સમયથી ધરતી પર ગયા નથી એનો આ પ્રભાવ છે. તેમણે પ્રેમથી પંપાળતા કહ્યું, “ચિત્રગુપ્તનો આદેશ છે, કામ બાકી રહી ગયું છે એટલે જવું તો પડશે.”

 

            કમને બંનેએ મહેસાણા તરફ પ્રયાણ કર્યું. યમરાજે પોતાના‌ પાશને પંપાળ્યો અને મહેસાણામાં પ્રવેશ કર્યો.

            તે બંને તે ઘર તરફ જ્યાં તેમનો ટાર્ગેટ હતો.

 

            તેમનો ટાર્ગેટ નામે વખતચંદ કડકડિયા પથારીમાં સૂતો હતો.આમ તો શરીરમાં બહુ દમખમ નહિ પણ તેનો અવાજ ભલભલાને પાછા પાડે એવો અને આખી જિંદગી આંગડીયામાં કાઢેલી એટલે બધા પ્રકારના માણસોને મળેલું અને તે અનુભવનું ભાથું તેની સાથે હતું. સાડા પાંચ ફૂટ જેટલી ઉંચાઈ અને નાક એકદમ પોપટ જેવું તીણું. મૂછો એકદમ પાતળી પણ ખૂણેથી તેને વળ આપેલો. આજ સુધી તેમની પત્ની સિવાય કોઈ તેમની મુછ નીચી કરી શક્યું નહોતું. ( કોઈને ભ્રમ હોય કે તેની મુછ પત્ની નીચી ન કરી શકે તો સમજો કે એ ફકત ફેન્ટેસી વાર્તાઓ વાંચે છે.) પાછો તેમનો પોતાની ભાષા ઉપર કાબુ જબરો.

 

            યમરાજને જોતાં જ તે બોલ્યો, "અલ્યા ઘોડીના, મારા ઘરમો ચોંથી આયો અન આ પાડાન શુ વિચારીન લાયો."

            "વત્સ, તારો સમય આ ધરા ઉપર પુર્ણ થઈ ગયો છે એટલે તારા આત્માને યમસદન લઈ જવા આવ્યો છું." સામાન્ય ભાષામાં વાત કરી શકવા સક્ષમ યમરાજે પોતાનો પ્રભાવ પાડવા અઘરી ભાષા વાપરી.

 

            "એ ધરાવાળી, ગુજરાતી આવડતી હોય તો ગુજરાતીમોં બોલ. આ ચ્યોંય શો કરવા જ્યો તો, તે આવો કપડોં પેરીન આયો. જો ઉધારી પાશી માગવા આયો હોય તો પૈશા પાસા નઈ મળ. જા થતું હોય એ કરી લે."

 

            ઉધાર શબ્દ સાંભળીને યમરાજ પિત્તો ગયો. તેમણે કહ્યુ, "તને કંઈ ભાન પડે છે! હું સ્વયં યમરાજ છું અને તારો જીવ લેવા આવ્યો છું."

 

            "હેડતી થા ઓયથી, યમરાજવાળી ના ભાળી હોય તો. તારો ટેણીયોં આયા તો કાલ, ઈમણે તન કીધું નહી આ વખાબાપા વિશે! મી પુશ્યુ તું ઈમન મન લઈ જશો તો ચોં રાખશો તો કઈ ક એ તો ચિત્રગુપ્ત જોણ, અમન કશું ખબર ના હોય. અવ મન તું થોડો હુશિયાર લાગ સ એટલ પુસુ સુ, આ તમાર ફાય નક્કી કરવાની સત્તા ય ના હોય તો શેના યમદૂત ન શેના યમરાજ!  અલ્યા તમાર કરત તો અમાર ઓગડિયાવાળા ફાય વધાર સત્તા હોય."

 

            યમરાજને તેની વાતમાં રસ પડવા લાગ્યો એટલે પાશ ફેંકવા પહેલાં તેની સાથે વાત કરી લેવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું આમ પણ મેનકાનું નૃત્ય તો પુરું થઈ ગયું હશે! પણ આ ભાઈ થોડા જ્ઞાની લાગે છે. જાણી તો લઉં કહેવા શું માગે છે એટલે ચહેરા ઉપર ભોળપણના ભાવ લાવીને કહ્યું,"મહાશય, હું સમજ્યો નહીં?"

 

            "મારું નોમ વખતચંદ સ, મહેશ નઈ. હા, હું શું કેતો તો અવ તમે તો કાલ ટેણીયો આયો તો ઈમના બોસ લાગો સો. અવ મન કો તમે મન ચોં લઈ જશો?"

    

            "હું તમને યમપુરીમાં લઈ જઈશ."

 

            "પશી શું કરશો?"

            "પછી ચિત્રગુપ્ત તમારો ચોપડો જોઈને નક્કી કરશે કે તમને સ્વર્ગમાં લઈ જવાના કે નર્કમાં. ત્યારબાદ   અમારા યમદૂતો તમને ત્યાં મુકી આવશે."

 

       "તે આ ચિત્રગુપ્ત રયો એ તમારો મેનેજર સ?"

 

       "મેનેજર એટલે?"

 

         "અમાર ઓગડિયામો ચેવું હોય ક એક મેનેજર હોય એ નક્કી કર ક ચિયુ પાર્સલ ચોં પોચાડવાનુ. એટલ મૂળ કો ન.. ક ચિત્રગુપ્ત તમારો બોસ."

 

            યમરાજ સમસમી ઉઠ્યા, “હું યમપુરીનો રાજા છું અને ચિત્રગુપ્ત મારો સચિવ, હું કહું એ પ્રમાણે જ એ કરે. એના આદેશ પ્રમાણે હું નથી કરતો." જો કે છેલ્લું વાક્ય ઉચ્ચારતી વખતે તેમને પોતાનો સ્વર બોદો લાગ્યો.

 

            "અલ્યા તું જુઠ્ઠુ બોલ્યો, આખી જિંદગી મી ઓગડિયામોં કાઢી મન ખબર પડી જાય, કુણ હાચુ બોલ અન કુણ જુઠ્ઠુ. હાચુ કે જે! તારો ટેણીયો ફેલ જ્યો એટલ ચિત્રગુપ્તે તને મોકલ્યો એટલ તું આયો ન?"

 

            પોતાના યમદૂતોનું વારંવારનું અપમાન તેમને કઠ્યુ પણ વખતચંદ સાચું કહી રહ્યો હતો.

 

            "અવ પોતાન ચ્યોયનો રાજા ના કેતો તું, અમારા ઓગડિયુ લઈ જનારા સોકરા જેવો જ સ. ખાલીખોટો ફોકો ના મારે. તારા હાથમો કોય નહી, તારા હાથમોં સત્તા હોય એ દાળ મારા ફાય આવજે."

 

            “તારી વાત મને ઠીક લાગી રહી છે વત્સ, હવે હું તને મારું મુખદર્શન ત્યારે જ કરાવીશ જ્યારે મારા હાથમાં પૂર્ણ સત્તા હશે.”

 

            “એય મુખદર્શનવાળી, ઉભી રે! એક કોમ કર મન હંગાથ લઇ જા. તું ઓમ ખાલી દેખાય જ સ હુશિયાર પણ મગજમોં અક્કલનો સોટો ય નહિ લાગતો. મારા વગર જયે તો તન કોમ પરથી કાઢી મેલશે. પશી આ પાડન ખવરાવવા દોણા ય નઈ મળ.”

 

            યમરાજના પાડાને જાણે વાત સમજાઈ ગઈ હોય એમ તેણે પોતાનું માથું યમરાજની પીઠ સાથે ભટકાવ્યું.

 

            “અલ્યા ભૈશાબ, આ પાડન પેલા બાર કાઢો. ઘરમોં કોક નુક્શોન કરી નોખશે.”

 

            યમરાજે તેની વાત માની પાડાને બહાર જવાનો ઈશારો કર્યો.

 

            જેવો પાડો બહાર ગયો વખતચંદે ધીમેથી કહ્યું, “ચેટલા વરહથી ઓન વાપરો સો?”

      

            “યુગો યુગોથી આ જ મારું વાહન છે.”

 

            “ઓય મોણહો બળદગાડામોંથી મર્સિડીમોં આઈ જ્યા અન તમે ઇકણના ઇકણ! ભલી થાય તારી.”

 

            તેના દરેક વાત સાથે યમરાજ લજ્જિત અને ક્રોધિત થઇ રહ્યા હતા.

 

            અંતે તેમણે પાસ ફેંક્યો અને વખતચંદનો આત્મા તેમની સાથે થઇ ગયો. બહાર આવીને તેમણે પાડાને પલાણ્યો. વખતચંદે પાછળ સાંકડમુંકડ બેસીને પોતાની જગ્યા બનાવી.

 

            “આ થોડું હેડવાનું રાખતા હો તો, શરીર ચેટલું ભારે થઇ જ્યું સ.”

 

            તેની વાત સંભાળીને યમરાજ થોડા આગળ ખસ્યા અને વખતચંદ માટે જગ્યા બનાવી.

 

            યમસદન જતાં પહેલાં તેમણે નિશ્ચય કર્યો કે ચિત્રગુપ્તની સત્તા પોતાના હાથમાં લઇ લેવી. હવે યમદૂતો પ્રાણ હરીને આવશે અને તેને ક્યાં મોકલવું તે હું નક્કી કરીશ. જ્યાં સુધી સત્તા ન મળે ત્યાં સુધી હડતાલ. બીજી તરફ વખતચંદની જીભ અવિરત શરુ હતી.

 

            “આ તમન અપસરાઓનો ડાન્સ જોવા મલ? ક પશી એ ખાલી ઇન્દ્ર ફાય જ નાચ? મી ઓભળ્યુ સ ક મેનકા બઉ રૂપાળી સ અને પાશી નખરાળી ય સ. એ બધું હાચ્ચું ક પશી બધું હબંગ?”

 

            “સત્ય છે, વત્સ.” પોતાની શુદ્ધ ભાષાનું પુંછડું ન છોડતાં યમરાજે કહ્યું.

 

            “તે એ ડાન્સ તમારી યમપુરીમોં થાય ક ખાલી ઇન્દ્રના દરબારમોં?”

 

            “ફક્ત ઇન્દ્રના દરબારમાં અપ્સરાઓના નૃત્યનો કાર્યક્રમ આયોજિત થતો હોય છે.”

 

            “લે ઈમોય તમન લબડતા રાખ્યા ! એટલ ડાન્સ જોવા તમાર છેક ઇકણ જવું પડ !” વખતચંદના દરેક વાક્ય પછી યમરાજનો ચહેરો મુરઝાઈ રહ્યો હતો. તેમની પાસે હવે વખતચંદ સાથે વાદવિવાદ કરવાનું મનોબળ રહ્યું નહોતું એટલે તે ચુપ થઇ ગયા.

 

            “આ ઇકણ પોચત ચેટલી વાર થશે?”

 

            “અલ્યા ભઈ, શોન્તી રાખ ન.” યમરાજે ગુસ્સે થઈને છણકો કર્યો.

 

            “લે તે મુઢું બંધ કરું, માર ચેટલા ટકા. તું તાર પશી લડી લેજે.”

 

            અંતે પ્રવાસ પૂર્ણ થયો અને યમરાજે છુટકારાનો શ્વાસ લીધો.

 ક્રમશ:


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ