વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

 

આત્માના અંતિમ સંસ્કાર ! –ખંડ-૨-ભાગ-૨

શિવાનંદની કહાણી !

પતરાના બારણાનો કીચડુક કરતો ખુલવાનો અવાજ આવ્યો અને હું સાવધ થઇ ગયો ! પ્રેમજી હતો ! મારો જુનો સાથીદાર અને ભગત ! એ મારા માટે ટીફીન લઈને આવ્યો હતો ! મને પદ્માસન માં બેઠેલો જોઇને એને હાશ થઇ પણ જેવો એણે મારો હાથ પકડ્યો કે એના ચહેરા પર ચિંતા વ્યાપી ગઈ ! મારું આખું શરીર તાવમાં ધખતું હતું ! એણે મારી સાથે જોયું અને મેં આંખો જુકાવીને એને સાંત્વન આપ્યું. એણે ટીફીન ખોલ્યું અને નીચે જમીન પર છાપાઓના કાગળો પાથરીને ખીચડી-કઢી એક થાળીમાં મારા માટે પીરસી. હું પ્રેમજીને જોઈ રહ્યો, મારો સહુથી જુનો ભગત અને સાથીદાર, મારા અનેક કામોમાં મને એક પણ શબ્દ બોલ્યા વગર સાથ આપનાર ! મેં પ્રેમથી એના માથે હાથ ફેરવ્યો અને હું નીચે જમવા બેસી ગયો. માંડ માંડ મેં કોળિયા ગળા નીચે ઉતાર્યા અને એક ગ્લાસ પાણી પીધું. મને હવે ઘણું સારું લાગતું હતું.

"શું સમાચાર છે પ્રેમજી ? "

પ્રેમજીએ હાથ જોડ્યા અને નીચું જોઇને કહ્યું "પ્રભુ, આપણા બંને આશ્રમો પર પોલીસોએ દરોડા પાડ્યા છે ! ઘણા બધા સાધકોને પકડ્યા છે. આપણો માલ તો મેં તમે કીધું એમ સંતાડી દીધો હતો એટલે એમને કંઈ હાથમાં નથી આવ્યું પણ થોડા શસ્ત્રો અને ગાંજો/અફીણ અને ચરસના થોડા પેકેટ પકડાયા છે. રહાણે અને એની ટીમ ચારેતરફ તમને અને એ પવિત્ર દેવી ને શોધે છે ! "

"પવિત્ર દેવી" મને ભયાનક ગુસ્સો ચડ્યો ! એ ચુડેલ ! જેણે મારી વર્ષોની તપસ્યા અને મહેનત પર પાણી ફેરવી દીધું એ પવિત્ર દેવી ! હા હા હા ! કઈ નહિ, મારો પણ સમય આવશે, અત્યારે તો એની સાથે રહેવામાં જ સલામતી છે ! મેં ઇશારાથી પ્રેમજીને જવાનું કહ્યું અને હું ફરીથી એ નાનકડી ઓરડીમાં ગંદા ગોદડા પર લાંબો થયો અને હવે શું કરી શકાય એના વિચાર કરવા લાગ્યો ! ખબર નહિ મને ક્યારે ઝોકું આવી ગયું પણ અચનાક હું પરસેવે રેબઝેબ થઇ ગયો અને જાગી ગયો. મેં મહાપરાણે આંખો ખોલી અને મને ફરીથી નોરાનો ચહેરો આંખો સમક્ષ દેખાયો. મને ચિતભ્રમ જેવું થઇ રહ્યું હતું કે શું ? ઓહ ! મારી વર્ષોની અઘોર તપસ્યા એળે ગઈ કે શું ? મને આ બધું શું થઇ રહ્યું છે ? બધું જ ચક્કર ચક્કર ફરતું હોય એમ કેમ લાગે છે ? મેં ફરીથી જોરથી આંખો મીચી દીધી અને નોરાને યાદ કરી !

***

ભયંકર ઠંડી અને રૂમમાં સળગતું નાનકડું તાપણું ! હું લગભગ વહેલી સવારે ઉઠી ગયો. મેં ચારો  તરફ જોયું તો અંધકાર હતો ! એક વારતો મને એમ લાગ્યું કે હું મારા હોસ્ટેલના રૂમમાં છું ! થોડીવાર પછી મને ભાન થયું કે હું હજારો કિલોમીટર દુર રશિયામાં એક નાનકડા ગામમાં એક સુંદર  મજાના ઘરમાં સુતો છું. મેં પડખું ફેરવ્યું અને મને નોરાના દેહનો સ્પર્શ થયો અને મારા મુખ પર એક સ્મિત આવી ગયું. રાત્રે ચુપચાપ નોરા મારા રૂમમાં આવી ગઈ હતી અને મારી બાજુમાં સુઈ ગઈ હતી. મેં એને ફરીથી આશ્લેષમાં લીધી અને એના માથા પર એક ચુંબન કર્યું. એણે પણ ઊંધમાં એનો હાથ મારા ગળે નાખ્યો અને એ ફરીથી સુઈ ગઈ. નોરા ! આહ નોરા ! હું એના પ્રેમમાં પડી ચુક્યો હતો અને મને એના સિવાય હવે કઈ જ દેખાતું નહોતું ! મેં એની ગોરી ગોરી સુવાળી પીઠ પર હાથ ફેરવ્યો. બસ અહીજ બધું ખતમ થઇ જાય ! બધું જ ઉભું રહી જાય, બધું જ એકાકાર થઇ જાય, પ્રેમ એવી વસ્તુ છે કે તમને સમય થંભી જાય એવા સતત વિચારો કરાવે ! નોરાએ એક ઉહકારા સાથે પડખું બદલ્યું અને મારું ધ્યાનભંગ થયું. "એય ! શું જુવે છે તું ? શરમ નથી આવતી ? " નોરાએ અર્ધખુલ્લી આંખે એક મારકણું સ્મિત કરતા મને કહ્યું. હું હસી પડ્યો. "જે મારું છે એ જોવું છું, તું તારું કામ કર, તારે શું લેવા દેવા એમાં ? " મેં પણ શરારતી જવાબ આપ્યો. નોરા હસી પડી. "એય બુધ્ધુ, તને મારી પીઠ પર વચ્ચે તલ છે એ દેખાય છે ? " મેં જુકીને એની પીઠ પર નજર કરી અને વચ્ચે એક સુંદર નાનકડું તલ હતું એને ચુંબન કર્યું અને પાછી મસ્તી કરી "હા, એ તો મળી ગયું, બીજે ક્યાં ક્યાં તલ છે એ બતાવ એટલે હું એને પણ ચૂમી લઉં" નોરાએ હસતા હસતા એના માંસલ પગથી મને ધક્કો માર્યો અને એ પથારીમાંથી ઉભી થઇ ગઈ અને નીચે પડેલો એક ટુવાલ લઈને બાથરૂમ તરફ દોડી ગઈ. થોડીવારમાં હું પણ ઉભો થઇ ગયો અને મેં નોરાને બુમ પાડી

"હેય નોરા, બાથરૂમમાં ગરમ પાણી આવે છે ? "

"અંદર આવીને જોઈ લે" નોરાનો રમતિયાળ અને મસ્તીભર્યો અવાજ અંદરથી આવ્યો અને હું દોડીને બાથરૂમમાં ઘુસી ગયો !

***

હું અને નોરા બંને ઘોડા દોડાવતા દોડાવતા એક સુંદર મોટા ઘાસના મેદાનોમાં આવી પહોંચ્યા. અમારી પાછળ પાછળ નોરાના બંને કુતરાઓ પણ દોડતા હતા. અમે લોકો ઘોડા પરથી નીચે ઉતરીને એક વિશાળ ઝાડ નીચે બેસી ગયા. નોરાએ બંને ઘોડાઓને છુટ્ટા જ રાખ્યા હતા. નોરા મારી પાસે બેઠી અને એની સુંદર બદામી આંખો નચાવીને પૂછ્યું "શિવા, આટલી સુંદર જગ્યા તે જોઈ છે ? આ મારું નાનકડું ગામ, મારું ઘર, મારી માતા, મારા મામા, તને કેવા  લાગ્યા ? " મેં એક ઊંડો નિશ્વાસ નાખ્યો અને કહ્યું "કબુલ આ બહુજ સુંદર જગ્યા છે નોરા, પણ તારે મારી સાથે મારા ઘરે – ખેર ! એ ઘર તો હવે નથી રહ્યું પણ ત્યાં આવવા જેવું છે ! તને પણ ખુબજ મજા આવશે, ભારતની સંસ્કૃતિ, ભારતીયોના રીત ભાત, પહેરવેશ, ખાસ કરીને પહાડી વિસ્તારોનું સૌન્દર્ય તારે ખાસ માણવા જેવું છે. શું તું મારી સાથે આપાણો અભ્યાસ પૂરો થઇ જાય પછી આવીશ ? "

જવાબમાં નોરાએ એનું માથું હલાવ્યું અને મારા ખભે ડોકું ઢાળી દીધું.

"નોરા, આઈ લવ યુ, હું તારા વગર નહિ જીવી શકું નોરા, પ્લીઝ એક્સેપ્ટ માય લવ ફોર યુ" અચાનક મેં એના કાનોમાં કહ્યું અને એ સફાળી બેઠી થઇ ગઈ. મેં જોયું તો એની બદામી આંખોમાં ભીનાશ હતી. "શિવા... " એટલું બોલીને એની આંખોમાં આંસુ બહાર આવી ગયા. મેં ઉષ્માપૂર્વક એનો હાથ પકડ્યો.

આ ગોરા ગોરા રશિયનો, મજબુત બાંધાના, ખુબજ કામઢાં, સુંદર દેખાવ ના, દિલના કઠોર પણ અંદરથી મુલાયમ, પોતાની સંસ્કૃતિને દિલથી માણવાવાળા મને ખુબ ગમી ગયા હતા. હું પોતે પણ ઓછો નહોતો દેખાવ માં, પહાડી ઉછેર, મજબુત બાંધો, છ ફૂટ હાઈટ, ગોરો વાન, મંજરી આંખો, લાંબા વાળ, કોઇપણ મને એક સુંદર મજ્જાનો નવયુવાન તરીકે જોઈ શકે. નોરા મારું દિલ લઈને બેઠી હતી, ખબર નહિ કેમ પણ મેં લાગણીઓના પ્રવાહમાં તણાઈને એને પ્રપોઝ કરી દીધું !

નોરાએ મારી આંખોમાં જોયું અને મને એક દીર્ધ ચુંબન કર્યું અને મારા ખભે માથું ઢાળી દીધું.

“નોરા, તું મારી સાથે મારા ઘેર આવીશ ?” મેં એના સુંદર ભૂખરા સોનેરી વાળોમાં હાથ પસવારતા પૂછ્યું.

“શું તારા ઘેર પણ આવીજ ઠંડી હોય છે ? આવીજ બરફની સફેદ ચાદરો પથરાયેલી હોય છે ?” નોરાએ પૂછ્યું અને હું હસી પડ્યો.

“હા નોરા, મારે ત્યાં ઉત્તુંગ ઊંચા ઊંચા પહાડો બરફની સફેદ ચાદરોથી ઢંકાયેલા હોય છે, સુંદર મજાના પહાડી મેદાનો હોય છે, સુંદર હૃદય ધરાવતા અને મારા જેવા હેન્ડસમ લોકો પણ હોય છે” મેં હસતા હસતા કહ્યું.

નોરા એ મારા કાનોમાં એનો ગરમ ગરમ શ્વાસ અથડાય એમ કહ્યું “હું તારા એ સુંદર પ્રદેશમાં જરૂર આવીશ મારા વ્હાલા ! હું પણ તને ખુબ ખુબ પ્રેમ કરું છું !”

મેં આંખો બંધ કરી દીધી અને આવનારા સોનેરી ભવિષ્યના સપના જોતો હું મંદ મંદ હસી પડ્યો.

***

‘કાલે પબ માં પાર્ટી છે, તમારે આવવું છે ?’ નોરાના મામા બોરીસે પૂછ્યું અને નોરાએ આંખમાં ચમક સાથે હા ભણી દીધી. એમના ગામથી થોડે દુર એક વિશાળ તળાવના કિનારે નાનકડું ગામ હતું અને ત્યાં ચાર પાંચ નાનકડા લાકડાના ઘરોમાં પબ બનાવેલા હતા. ત્યાં દર વિકેન્ડમાં નાનકડી પાર્ટીઓ થતી. નોરાએ મને ચેતવ્યો કે ત્યાં લોકો ગાંજા અને અન્ય ડ્રગ્સનું સેવન પણ કરતા હતા અને અમુક ખાસ પ્રકારના પીણાથી દુર રહેવું ! હું પોતે દારૂ પીતો નહોતો, નોરાની સંગત થઇ ત્યારથી કોઈક વાર બીયર કે હળવું પીણું પી લેતો હતો એટલે મને તો કોઈ વાંધો નહોતો. ખેર ! સાંજે છ વાગ્યાની આજુબાજુ હું, નોરા અને બોરીસ-નોરાના મામા ઘોડા પર બેસીને એક લાકડાના જર્જરિત ચર્ચ જેવા આકારના જુના પુરાણા મકાન પાસે પહોંચ્યા. મારે તો નોરાની સંગત એ જ નશો હતો. સુંદર મજાના તળાવ પાસે બહાર પણ ઝાડના થડને કાપીને બેઠકો બનાવેલી હતી. અમે લોકો ત્યાં બેસી ગયા અને બોરીસે એના અને નોરા માટે વોડકા ઓર્ડર કર્યા અને મારા માટે વાઈન. બહાર એક નાનકડું સંગીતકારોનું વૃંદ હતું અને એ લોકો જાદુઈ સંગીત રેલાવી રહ્યા હતા. આખું વાતાવરણ આહલાદક હતુ. ઠંડો પવન વાઈ રહ્યો હતો અને એક બે પેગ પછી મને પણ નશો ચડવા માંડ્યો હતો.

અચાનક ત્યાં નોરાના સ્કુલના જુના ઓળખીતા મિત્રો આવી ચડ્યા અને અમારી બાજુના ટેબલ પર બેસી ગયા. સંગીત હવે એકદમ ફાસ્ટ થઇ ગયું અને અમુક લોકો ઉભા થઇને નાચવા લાગ્યા. હું પણ નોરાનો હાથ પકડીને ઉભો થઇ ગયો અને હળવા નશામાં મને જેવું આવડે એવું નાચવા લાગ્યો. અચાનક નોરાના કોઈ જુના સ્કુલ મિત્રે નોરાનો હાથ પકડ્યો અને એની સાથે નાચવા લાગ્યો. એમનામાં આ બધું સ્વાભાવિક હતું અને હું પણ હવે ટેબલ પર બેસીને હસતા હસતા તાળીઓ પાડતો આ બધું જોવા લાગ્યો. બોરીસે મને વધુ એક વાઈનનો ગ્લાસ આપ્યો અને હું નોરા અને એની સાથે નાચતા વ્યક્તિને જોઇને ઈર્ષાના માર્યો એક ઘૂંટડામાં ગ્લાસ ખાલી કરી ગયો. નોરા આંખના ખૂણે થી આ બધું જોતી હતી અને એણે મને ઇશારાથી વધારે ન પીવાની સલાહ આપી. અચાનક એની સાથે નાચતા માણસે નોરાને કમરેથી પકડી અને એને એક ચુંબન કરી દીધું ! એના મિત્રો ચિચિયારી પાડી ઉઠ્યા અને હસી  પડ્યા અને ફરીથી ગ્લાસ ભરવા લાગ્યા ! મારાથી આ અસહ્ય હતું ! હું ઉભો થયો અને ખબર નહિ કેમ પણ નશા માં અને નશા માં મેં એની સાથે નાચતા વ્યક્તિને નાક પર એક જોરથી મુક્કો મારી દીધો ! એ નીચે પડી ગયો ! સંગીત થંભી ગયું ! બધા સ્તબ્ધ થઇ ને મારી સામે જોઈ રહ્યા ! નીચે પડેલા અને કણસી રહેલા વ્યક્તિના મિત્રો આગળ આવ્યા પણ એણે હાથ ઉંચો કરીને એમને રોક્યા અને હવે એ નાકે રૂમાલ રાખીને ઉભો થઇ ગયો અને મને રશીયનમાં પૂછ્યું કે તે મને કેમ માર્યો ? આ તારી વાગ્દત્તા છે ? મેં પણ રશીયનમાં જવાબ આપ્યો કે હું એને પ્રેમ કરું છું અને એ પણ મને, કોઈ એને અડે એ મને પસંદ નથી ! મને લાગ્યું કે આ સંભાળીને એના મિત્રો ધસી આવશે અને મને મારશે એના બદલે બધા ખડખડાટ હસી પડ્યા ! એ વ્યક્તિ કે જેનું નામ વ્લાદિમીર હતું એ આગળ આવ્યો અને મને ભેંટી પડ્યો ! એના મોઢામાંથી દારૂની ખાટી ખાટી વાસ આવતી હતી ! એણે હસતા હસતા મને સોરી કહ્યું અને મારો હાથ પકડીને નોરાના હાથમાં આપી દીધો ! સંગીત પાછું ચાલુ થઇ ગયું અને બધા જાણે કે કઈ જ બન્યું ના હોય એમ નાચવા લાગ્યા ! નોરા અને બોરીસ ઉભા  થઇ ગયા અને મારો હાથ પકડીને ત્યાંથી જવાનું કહેવા લાગ્યા ! મને આશ્ચર્ય થયું પણ હું એમની સાથે ચાલી નીકળ્યો !

નોરા બહુ ગુસ્સામાં હતી ! “તે એને માર્યો કેમ ? ડફોળ ! એ અહીનો લોકલ પોલીસ ઓફિસર છે ! એ મારો સ્કુલ નો મિત્ર છે !”

“અરે પણ કોઈ પણ તને આમ ચુંબન કરે તો હું કેમ સાંખી લઉં ?” મેં પણ ગુસ્સામાં એને જવાબ આપ્યો.

“અરે યાર ! અહી આ બધું નોર્મલ છે ! તને બહુ ઈર્ષા આવી જાય છે !” નોરાએ ફરીથી મને કહ્યું.

“ઘોડા ભગાવો” અચાનક અમારી પાછળથી બોરીસનો પહાડી અવાજ આવ્યો અને મેં ઘોડો મારી મુક્યો. મને કઈ ખબર ના પડી પણ એ સુંદર તળાવ જેવું અમે વટાવ્યું કે એક વિશાળ મેદાન શરુ થઇ ગયું અને બોરીસે મને એ મેદાનની ડાબી બાજુએથી ઘોડો દોડાવવાનું કહ્યું. એ લોકો ગભરાયેલા  લગતા હતા. અચાનક મેં જોયું કે અમારી આગળ દુર ધુમ્મસિયા  વાતાવરણમાં ચાર  પાંચ ઘોડેસવારો ઉભા હતા ! એમના હાથમાં બંધુકો પણ હતી. એમણે બોરીસને એક રાડ પાડી અને અમે લોકો ઘોડાઓ ઉપરથી નીચે ઉતરી ગયા.

મેં આંખો ચોળીને જોયું તો વ્લાદિમીર સહુથી આગળ ઉભો હતો અને એની પાછળ એના મિત્રો ! એણે ત્યાનો લોકલ પોલીસનો ડ્રેસ પહેરેલો હતો અને એના હાથમાં બંધુક હતી. એ હસતો હસતો આગળ આવ્યો અને અમારી સામે કમર પર હાથ મુકીને ઉભો રહી ગયો !

“તો તું આને પ્રેમ કરે છે કેમ ? તું ભારતથી આવ્યો છે ને ?” એણે કટાક્ષમાં પૂછ્યું !

“હા, હું ભારતથી આવ્યો છું અને નોરાને પ્રેમ કરું છું ! તને કોઈ વાંધો છે ?” મેં પણ ગુસ્સામાં જવાબ આપ્યો અને એ ખડખડાટ હસી પડ્યો !

“વાહ ભાઈ વાહ, આ ભારતવાસીને તો બહુ સરસ રશિયન આવડે છે ! નોરાએ શીખવાડ્યું લાગે છે ! તો મિસ્ટર ભારત, અહિયાં એવું છે કે હું નોરાને સ્કુલના સમયથી ચાહું છું અને મને લાગે છે કે તારે ભારત પાછા ફરી જવું જોઈએ, હું એને સંભાળી લઈશ !” હવે એનો અવાજ તીખો થઇ ગયો. 

“હું નોરા ને ચાહું છું અને એના માટે કઈ પણ કરીશ, વ્લાદિમીર, તું તારે થાય એ કરી લે” મેં પણ તીખા સ્વરે એને પડકાર ફેંક્યો ! હું પણ પહાડી આદમી હતો અને મારું પણ કસાયેલું શરીર હતું અને કોઈ પણ મારી પ્રેમિકાને મારાથી જુદી પાડે એ મારાથી સહન થાય એમ નહોતું !

વ્લાદિમીર ખડખડાટ હસી પડ્યો અને એ આગળ વધ્યો અને એણે ઝડપથી એક મુક્કો મને માયો ! હું પોતે ખડતલ આદમી હતો પણ આમ સાવ અચાનક મારા પર પ્રહાર થયો અને હું એને ખાળી ના શક્યો અને મને જબરદસ્ત ધક્કો વાગ્યો, મારા નાકમાંથી લોહી વહી નીકળ્યું ! “શિવા ! પ્લીઝ, તું રહેવા દે !” નોરાનો ગભરાયેલો અવાજ આવ્યો ! મેં હાથ આગળ કરીને એને અને આગળ વધતા એના મામા બોરીસને રોક્યા. મેં મારા સ્વેટરની બાંયથી નાક લુછ્યું અને રશીયનમાં વ્લાદિમીરને કહ્યું “બસ ? આ જ તારો પ્રેમ છે ?” વ્લાદિમીર આશ્ચર્યથી મારી સામે જ જોઈ રહ્યો અને હું અચાનક ભયાનક ઝડપથી અમારા પહાડી લોકો પાડે એવી ગાત્રો થથરાવી દેતી ચીસ પાડીને આગળ વધ્યો અને મેં મારા જમણા પગથી વ્લાદિમીરની છાતીમાં એક ભરપુર પ્રહાર કર્યો ! વ્લાદિમીર ઉછળીને ઉંધા માથે પડ્યો ! એના સાથીઓ આ જોઇને આગળ વધ્યા, એમના હાથમાં બંધુકો હતો પણ અચાનક બોરીસે પણ ત્વરાથી બંધુક કાઢી અને વ્લાદિમીર તરફ તાકી દીધી ! એકાદ મિનીટ જેવું કણસ્યા પછી વ્લાદિમીર ઉભો થયો ! એના મુખ પર પીડા હતી ! હોય જ ને ! એક પહાડી આદમીને એણે પડકાર્યો હતો અને એના મજબુત અને માંસલ પગની એણે ભરપુર લાત છાતી પર જીલી હતી ! બીજો કોઈ કાચોપોચો હોત તો ત્યાજ બેભાન થઇ ગયો હોત ! વ્લાદિમીર થોડીવાર હાંફતો હાંફતો અમારી સામે જોઈ રહ્યો ! હવે એની આંખોમાં મારા માટે સન્માન પણ હતું. એણે હાથ ઉંચો કરીને એના સાથીઓને પાછા ફરી જવા કહ્યું ! હું પણ ક્રોધિત આંખે એનો ફરીથી સામનો કરવા તૈયાર હતો પણ એ પાછો ફરી ગયો અને ત્યાંથી નીકળી ગયો ! બોરીસ આગળ આવ્યો અને એણે મારા ખભા થપથપાવ્યા. એના મુખ પર સ્મિત હતું અને આંખોમાં પ્રશંષા. અમે લોકોએ નોરાના ઘર તરફ અમારા ઘોડા મારી મુક્યા.

“એ બહુ અદેખો છે અને અહંકારી પણ, તું અહિયાં નહોતી ત્યારે પણ એ ઘડી ઘડી આવીને મને તું ક્યારે પાછી આવવાની છે એવું પૂછી જતો હતો ! એનો ઈરાદો તારી સાથે લગ્ન કરવાનો છે ! એ ફરીથી એટેક કરશે બેટા, તમે લોકો પાછા જતા રહો ! ” નોરાની માતા સ્વાતલાનાએ ચિંતિત સ્વરે અમને કહ્યું. અમે લોકો એના ઘરની બહાર તાપણું કરીને બેઠા હતા. નોરાએ પણ ચિંતિત નજરે મારી સામે જોયું.

“બેન સાચું કહે છે નોરા, એ જંગલી નો ભરોસો નથી અને અત્યારે તો એ કાયદાનો રક્ષક થઇ ગયો છે એટલે પોલીસ પણ તમારું કઈ નહિ સાંભળે ! તમે લોકો એક કામ કરો કાલે આપણું જંગલમાં એક વુડહાઉસ છે અહીંથી ૨૦૦ કિલોમીટર દુર, ત્યાં  જતા રહો અને ત્યાં થોડા દિવસ રહો. હું ત્યાં તમારી રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા કરવી દઉં છું ! આમ પણ તમને જંગલમાં રહેવાનો આનંદ થશે થોડા દિવસ. બધું શાંત થઇ જાય એટલે તમે લોકો અહી એક દિવસ રોકાઈને પાછા તમારી યુનીવર્સીટી જતા રહેજો. વ્લાદિમીર કઈ નહિ કરી શકે ! ” બોરીસે ઉપાય સૂચવ્યો. આમ પણ મને જંગલમાં નોરા સાથે રહેવાનું આવ્યું એટલે અંદરખાનેથી ખુબજ આનંદ થયો. નોરાએ પણ સંમતિ આપી દીધી !

“તમે પણ સાથે ચાલો પ્લીઝ” મેં નોરની માતા અને મામાને કહ્યું અને એ બંને હસી પડ્યા અને મને કીધું કે એ લોકો થોડા દિવસો પછી અમારી સાથે જોડાઈ જશે.

ખબર નહિ કેટલા વાગ્યા હશે પણ મને ઊંઘ નહોતી આવી રહી, મેં બારીમાંથી જોયું તો મને ધુમ્મસ આચ્છાદિત વાતાવરણ દેખાયું. નીરવ શાંતિ હતી અને વિચિત્ર પ્રકારની દુર્ગંધ વાતાવરણમાં પ્રસરી રહી હતી ! મેં નાક મચકોડ્યું ! આ તો લાકડા બળવાની વાસ હતી ! શું બહાર  તાપણું હજુ સળગી રહ્યું હતું ? મને આશ્ચર્ય થયું ! મેં બારી ખોલી અને બહાર ડોક્યું કાઢ્યું અને અચાનક ઘોડાઓના હણહણવાના અવાજોથી હું ચમકી ઉઠ્યો ! મેં જોયું કે નોરાના ઘરની બહાર આવેલા વરંડામાં અમુક ઘોડેસવારો આમતેમ ફરી રહ્યા હતા ! એમના હાથમાં સળગતી મશાલો હતી ! મને કૈંક ખતરા જેવું લાગ્યું અને હું ઉભો થયો અને નોરાના રૂમ ભણી દોડ્યો.

નોરા ભરપુર ઊંઘમાં હતી, મેં એને જલ્દીથી ઉઠાડી. એણે આંખો ચોળીને મારી સામે જોયું અને મેં એને બધી વાત કહી ! એની મોટી મોટી સુંદર આંખોમાં ભય છવાઈ ગયો. અમે બંને નીચે દોડ્યા. નીચે બોરીસ હાથમાં બંધુક લઈને ઉભો હતો અને નોરાની માતા સ્વાતલાના પણ ગભરાહટથી એની પાછળ ઉભી હતી !

“એ લોકો ઘરને આગ લગાડી રહ્યા છે ! વ્લાદિમીર અને એના માણસો છે ! તમે લોકો પાછળના દરવાજેથી ગેરેજમાં જાઓ અને ત્યાં આપણા ઘોડાઓ બાંધેલા છે, એને છોડીને અહીથી ભાગો, જંગલમાં રહેલી આપણી કેબીન તરફ, હું તમને ત્યાં મળીશ, જલ્દી કરો સમય નથી” બોરીસે મારી સામે જોઇને રાડ પાડી ! મેં પણ સમયની માંગને જોઇને નોરાનો હાથ પકડ્યો અને સ્વાતલાનાની સાથે અમે લોકો ગેરેજ તરફ દોડ્યા. ગેરેજની બાજુમાં જ અમારા ઘોડાઓ બાંધેલા હતા ! સ્વાતલાનાએ ઘોડાઓને છોડાયા અને બોરીસ માટે એક ઘોડો અનામત રાખ્યો. હું એક ઘોડા પર નોરા સાથે સવાર થઇ ગયો ! આગ મકાનની આગળની બાજુએ લાગેલી હતી ! હવે એ પ્રસરી રહી હતી ! બહાર અમને ઘોડેસવારોના હાકોટા સંભળાઈ રહ્યા હતા ! સ્વાતલાના અચાનક એના ઘોડા પરથી નીચે ઉતરી અને એણે એના મૃત પતિની સાચવેલી યાદો વાળું લાકડાનું ખોખું ખોલ્યું અને એમાંથી એમનો યુનિફોર્મ કાઢીને એક થેલીમાં મૂકી દીધો ! એના હાથમાં રહેલું શિવજીના ફોટા વાળું પાઉચ પણ એણે એક બીજી થેલીમાં મુક્યું અને મને આપ્યું ! મેં આશ્ચર્યથી એની સામે જોયું અને એણે આંખો નમાવીને મને એ લઇ લેવાનું કહ્યું ! મેં એ પાઉચ મારા જાકીટની અંદર ભરાવી દીધું ! હવે સમય નહોતો ! સ્વાતલાનાએ એના ઘોડાને એડી મારીને એક હાકોટો પાડીને ઘરની પાછળથી જતી એક કેડી પર મારી મુક્યો. એ ચપળ ઘોડેસવાર હતી. મેં પણ એની પાછળ ઘોડો મારી મુક્યો. થોડે દુર જઈને મેં પાછળ જોયું તો નોરાનું સુંદર લાકડાનું ઘર ખરાબ રીતે સળગી રહ્યું હતું ! મને બોરીસની ચિંતા થઇ પણ મેં જોયું કે એક ઓળો ઘોડા પર સવાર થઈને અમારી તરફ ઝડપથી આવી રહ્યો હતો ! હા ! એ બોરીસજ હતો ! અમે લોકોએ ફરીથી અમારા ઘોડાઓને જંગલ તરફ મારી મુક્યા ! નોરાનું ઘર હવે ભડકે બળતું હતું !

***

અત્યારના ભારતીય સમયમાં !

“ક્યા ભાગી ગયા બધા ? બોલો ? શું જખ મારો છો તમે બધા ? આટઆટલી જગ્યાઓ બતાવી, આટઆટલી ટીપ આપી તોયે ફરાર થઇ ગયા ? નોનસેન્સ ! જો આમ જ કામ કરવું હોય તો પોલીસખાતા માં શું કરવા ભરતી થયા ? જવું તું ને ક્યાંક ચોકીદારની નોકરી કરી ખાવા, બેસી જવું તું કોકના બંગલાની બહાર !” આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ રહાણે બરાડ્યો ! એને એની આખી ટીમ ઉપર ગુસ્સો આવી રહ્યો હતો ! માંડ માંડ એને મુંબઈના બે ખતરનાક ડોનના સાથીઓના વિષે માહિતીઓ મળી હતી એમાં પાછું માફિયા ડોન રઘુ ગાયબ હતો અને રશીદખાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ બધું જ શિવાનંદ નામના નામચીન અને પ્રભાવશાળી સાધુ તરફ જઈ રહ્યું હતું ! અધૂરામાં પૂરું એના ખાસ મિત્ર સમર કે જે ગાયબ હતો એની પ્રેયસી યુવાની સંડોવણી પણ એમાં દેખાઈ રહી હતી ! રહાણેનું મગજ ચકરાઈ ગયું હતું ! રશીદ ખાનના રસોઈયાએ જે માહિતી આપી હતી અને એના પરથી જે સ્કેચ બનેલો હતો એ અદ્દલ યુવા અને શિવાનંદને મળતો આવતો હતો અને એમની આ બધામાં સીધેસીધી હાજરી પુરવાર કરતી હતી ! ખુબજ શોધખોળ પછી એને જાણવા મળ્યું હતું કે યુવા અને એનો આખો પરિવાર હિમાલયમાં આવેલા શિવાનંદના બેલી ગામ પાસેના આશ્રમ રોકાયેલા અને પછી ત્યાંથી એ લોકો હિમાલયના અંદર ના ભાગ માં ગાયબ થઇ ગયા હતા ! રહાણેએ લોકલ પોલીસની મદદ લીધી હતી પણ એને સફળતા મળી નહોતી ! બેલી ગામ પાસે આવેલા આશ્રમમાં પણ એણે દરોડો પડાવ્યો હતો પણ ત્યાંથી એને શિવાનંદ કે એના ખાસ સાથીઓ હાથ લાગ્યા નહોતા ! આશ્રમમાં થી એને થોડી નશાકારક વસ્તુઓ સિવાય કઈ મળ્યું નહોતું ! આટલું કાફી નહોતું અને રહાણે જાણતો હતો કે આટલા પુરાવાથી શિવાનંદ કે એના માણસોને એ જેલ ભેગા નહિ કરી શકે ! ત્યાના સ્થાનિક આદિવાસીઓને યુવાનો ફોટો બતાવતા એ લોકો નીચે બેસી પડ્યા હતા અને વનદેવી વનદેવી એવા મતલબનું ગાણું ગાઈ રહ્યા હતા ! રહાણેને આ અબુધ આદિવાસીઓ ઉપર હસવું કે રડવું એ નહોતું સમજાતું ! એક ક્રિમીનલ છોકરીને આ લોકો દેવી કેમ કહેતા હશે ? શું યુવામાં કૈંક અદભુત કે આશ્ચર્ય થાય એવું હતું ? એણે યુવાની અને ઝારાની આખી કડીઓ જોડેલી અને એને ખબર પડેલી કે બંને ઇઝરાયેલના સીટીઝન છે અને અહિયાં ભારત એના પાપા ને મળવા આવેલા છે ! બંને ખૂંખાર કમાન્ડો છે એ પણ રહાણે ને ખબર હતી ! આખો મામલો પેચીદો હતો ! અધૂરામાં પૂરું એને એ પણ ખબર પડી હતી કે ઇઝરાયેલની ઇન્ટરનલ સંસ્થા શીન બેટનો વડો રબ્બી અકીવા પણ ઇઝરાયેલ વાયુસેના ના ખાસ પ્લેનમાં અહી આવેલો છે અને એ પણ યુવા અને એની ટોળકી જોડે હિમાલયના જંગલોમાં ગાયબ છે !

ખેર ! રહાણે એમ બેસી રહે એમ નહોતો ! એને એના ખાસ મિત્ર કેપ્ટન સમરનો પત્તો લગાવો હતો અને એના માટે એ કઈ પણ કરે એમ હતો ! એણે ચારેબાજુ નાકાબંધી કરી દીધી અને પોલીસનો જાપ્તો સજ્જડ કરી દીધો ! એને આશા હતી કે ક્યારેક તો એને સમર વિષે માહિતી મળશે જ અને ક્યારેક તો એના હાથમાં યુવા, શિવાનંદ અને એની આખી ટોળકી આવશે જ ! એનામાં અપાર ધીરજ હતી, આ જ ગુણથી એ પોલીસ ખાતામાં ઝડપથી ઉપર પ્રમોશન પામ્યો હતો અને ઘણા વણઉક્લાયેલા કેસો એણે ઉકેલી બતાવ્યા હતા !

“સર, સર, સરરરર...” એક નવયુવાન ઇન્સ્પેક્ટર હાંફળો ફાંફળો રહાણેની કેબીનમાં દોડી આવ્યો ! એના હાથમાં શિવાનંદ અને યુવાન સ્કેચ હતા. “આપણી ટીમે બહુ શોધખોળ કરી અને જાણ્યું છે કે આ છોકરી યુવા અને એના બીજા સાથીદારો જંગલના રસ્તે હિમાલય થઈને આગળ જે પ્રતિબંધિત વિસ્તાર છે અને ચીન/તિબેટની બોર્ડર પર માનસરોવર તળાવ છે ત્યાં ગયા છે ! ઘણો સમય થઇ ગયો છે એમને ગયા  ને અને હજુ સુધી એ લોકો પાછા આવ્યા નથી ! મેં ત્યાના આદિવાસી મુખીઓને ધમકાવીને આપણી ટીમના અમુક સદસ્યો ત્યાં મૂકી દીધા છે વોચ રાખવા માટે અને જેવા એ લોકો અહી પાછા આવશે કે આપણે લોકો એમની ધરપકડ કરી શકીશું !”  એ એકી શ્વાસે બોલી ગયો અને રહાણેના મુખ પર સ્મિત આવ્યું.

“ખુબ સરસ પાંડે ! ખુબ સરસ, મારી સાથે તમે અને બીજા ચાર-પાંચ જણાની ટીમ બનાવો અને ચાલો, આપણે પણ ત્યાં ધામા નાખીએ, આ રહસ્ય તો ઉકેલવું જ પડશે. હું જરૂરી પરવાનગીઓ લઇ લઉં છું.” રહાણેએ ફોન હાથમાં લેતા કહ્યું અને પાંડે માથું જુકાવીને તૈયારીમાં લાગી ગયો.

***

“બોસ, આપણા અડ્ડાઓ પર પેલા રહાણે અને એની ટીમે દરોડા પાડવાનું શરુ કર્યું છે ! મેં આપાણો બધો માલ તો સગે વગે કરી દીધો છે પણ આપણે અહીંથી ભાગવું પડશે !” પ્રેમજી કે જે શિવાનંદનો જુનો અને વફાદાર સાગરિત હતો એણે આવીને કહ્યું અને શિવાનંદ ઉભો થઇ ગયો ! એ સાવધ હતો, જેવી એને ખબર પડી કે એણે બેલીનો આશ્રમ છોડી દીધો હતો અને એ લોકો ત્યાંથી દુર પહાડોમાં આવેલા એક નાનકડા ગામમાં આવેલી એક નાનકડી ઓરડીમાં સંતાયેલા હતા ! પોલીસમાં રહેલા એના ખબરીઓએ એને સાવધ કરી દીધો હતો. યુવા અને એની ટીમ જંગલોમાં ગાયબ હતી ! અત્યાર સુધીતો એ મૃત્યુ પણ પામી હશે ! શિવાનંદને થોડી મનમાં હાશ થઇ ! યુવાની પ્રચંડ અને આસુરી તાકાત આગળ એ લાચાર હતો અને એણે ઝડપથી આવીને બધો કંટ્રોલ એના હાથમાં લઇ લીધો હતો પણ શિવાનંદે ચાલાકીથી એને કૈલાશ પર્વત પાસે મોકલી આપી હતી અને એને ખાતરી હતી કે એ ત્યાંથી પાછી નહિ આવે ! છતાં પણ એનું મન નહોતું મનાતું એટલે એણે ત્યાના એના વફાદાર આદિવાસીઓને કહી રાખ્યું હતું કે જો એ લોકો યુવા અને અન્ય લોકોને પાછા આવતા જુવે તો યુવાને સાવધ કરી દે અને ત્યાંથી ભગાડી દે ! યુવા પકડાય એ પણ શિવાનંદને પસંદ નહોતું ! રઘુ અને રશીદખાનનો કાંટો હવે નીકળી ગયો હતો એટલે એનો ડર નહોતો. બધું શાંત થઇ જાય એટલે શિવાનંદનો પ્લાન પાછા અંધારી આલમમાં એક હથ્થુ શાસન કરવાનો હતો ! એ થોડા દિવસ અહી ગંધારી ઓરડીમાં પડી રહેવા તૈયાર હતો ! અચાનક એને શું થયું હતું કે ઉશ્કેરાટને લઈને કે ભય ને લઈને એને ખુબજ તાવ ચડી ગયો હતો અને એ ઓરડીમાં પડ્યો પડ્યો કણસી રહ્યો હતો ! એને આ તાવથી ધગધગતું ગરમ ગરમ શરીર પણ ગમતું હતું ! એને પીડા પસંદ હતી ! એને પીડા એના જુના જખ્મોની યાદ દેવડાવતી હતી ! એની આંખોમાં પાણી આવી ગયું ! એને સુતા સુતા એના જુના દિવસો યાદ આવી રહ્યા હતા ! એના જેવા અઠંગ અઘોરી સાધુ માટે પીડા સહેવી એ બહુ સહેલી વાત હતી પણ અમુક વેદના એવી હતી કે એને એ ઠેઠ અંદર સુધી કોરી ખાતી હતી ! એ એનાથી ક્યારેય પીછો નહોતો છોડાવી શક્યો !

અચાનક એ ઉભો થયો અને એણે નીચેની જમીનમાં કંકુ લઈને એક કુંડાળું દોર્યું અને એમાં એ બેસી ગયો ! એણે દુર પડેલા એક નાનકડા ચપ્પુથી એના હાથમાં એક ચીરો કર્યો અને એમાંથી દડદડતા લોહીને એ નિષ્પલક નયને જોઈ રહ્યો ! એનું ગરમ ગરમ લોહી હવે નીચે ફર્શ પર રેલાઈ રહ્યું હતું ! એને એ લોહીના રેલામાં આકૃતિઓ દેખાવાની શરુ થઇ ! નોરા ! સ્વાત્લાના ! બોરીસ ! વ્લાદિમીર ! મેજર આનંદકુમાર શેરગીલ ! પંડિત શંભુનાથ ! રેવા ! મેજર સમ્રાટ ! પ્રોફેસર સિન્હા !  બધા એક પછી એક એની સામે જોઈ રહ્યા હતા ! બધાની આંખોમાં અજીબ ચમક હતી ! અચાનક એ ચમકી ગયો ! એ લોહીના રેલામાંથી એક આકૃતિ ઉભરી અને એણે એની સામે અટ્ટહાસ્ય કર્યું ! એના માથા પર એક પછી એક બીજા માથાઓ ઉભરવા  લાગ્યા ! એના લાંબા લાંબા વાળ આમતેમ લહેરાવવા લાગ્યા ! એણે એની નીલવર્ણ આંખો ખોલીને એની સામે જોયું ! એ યુવા હતી ! એ એની સામે જોઇને હસી રહી હતી ! શિવાનંદ ગભરાઈ ગયો ! એણે એની આખો બંધ કરી દીધી અને મુઠ્ઠીઓ વાળી દીધી ! યુવાનું અટ્ટહાસ્ય એના કાનોમાં પડઘાઈ રહ્યું ! શિવાનંદે ધીમા સ્વરે શિવસ્તુતિનું પઠન શરુ કર્યું. હવે એને થોડી શાંતિ મળી ! દુર સુદૂર પહાડોમાં એક આકૃતિ પ્રગટ થઇ ! એણે એક ભયાનક અવાજ કર્યો અને નૃત્યુ કરવાનું શરુ કર્યું !

“હે મહાદેવ, તમારી કૃપા સદૈવ વરસાવજો પ્રભુ” શિવાનંદ બબડ્યો અને એના મુખ પર એક સ્મિત આવી ગયું !

***

ખંડ-૨ ભાગ-૨ સમાપ્ત.

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ