વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

આર્યવર્ધન તે ગુફામાં પ્રવેશ્યો તેની અમુક ક્ષણો પસાર થયાં પછી તે ગુફાનો દ્વાર બંધ થઈ ગયો. પણ આર્યવર્ધન તે વાતને લક્ષમાં લીધા વગર આગળ ચાલવા લાગ્યો. તેને ચાલતાં ત્રણ પ્રહર જેટલો સમય પસાર થઈ ગયો પણ જાણે ગુફાનો કોઈ અંત જ ના હોય તેમ લાગી રહ્યું. એટલે આર્યવર્ધનને તે ઋષિમુનિની કહેલી વાતમાં કોઈ ગૂઢ સંકેત હોય તેમ લાગ્યું.

આર્યવર્ધને ઇશિત્વ સિદ્ધિનું આહ્વાન કરીને ગુફામાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કર્યો પણ તેનાથી કોઈ અસર થઈ નહીં. તેના કારણે આર્યવર્ધનના મનમાં શંકાના વાદળો ઘેરાયા. આ સ્થાન પર તેને કોઈ મહાશક્તિ હાજર હોવાનો અણસાર મળ્યો. તે શક્તિની હાજરી હોવાથી આર્યવર્ધનની કોઈ પણ યૌગિક શક્તિઓ કામ કરી રહી નહોતી.

અહી કોઈ આર્યવર્ધનને પોતાની જાળમાં ફસાવવા માંગતુ હતું અને તેના શરીરની ઉર્જાનું શોષણ કરી રહ્યું હતું. એટલે આર્યવર્ધને પોતાની પ્રતિકૃતિ અને માયાનું સંમિલિન સ્વરૂપ પ્રત્યક્ષ રીતે પ્રગટ કર્યું. તે આકૃતિ સ્વરૂપે આર્યવર્ધનની સામે આવી અને આંખના પલકારામાં તે કન્યામાં પરિવર્તિત થઈ ગઈ. તે યુવતીનું સૌંદર્ય અભૂતપૂર્વ હતું અને તેણે ધારણ કરેલા શ્વેત વસ્ત્ર તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતાં.

તેણે આર્યવર્ધનને નમસ્કાર કરીને પોતાની આંખો ખોલીને અને કહ્યું, “હે આર્યવર્ધન, હું આપની શું સહાયતા કરી શકું?”
આર્યવર્ધન બોલ્યો, “હે ભૂમિ, તું મારી સહચરી છે. આપણે બંને એક જ છીએ. તું બધું જ જાણે છે અને અનંત બ્રહ્માંડની યાત્રા કરી ચૂકી છે. જેમાં તે મારા અનેક જન્મમૃત્યુ જોયા છે અને દરેક વખતે તું મારી સાથે હતી. તે જ મારું મિલન મારા યોગ્ય પ્રેમ સાથે કરાવ્યું છે. એટલે આજે મારે તારી જરૂર પડી છે. હું આ ગુફામાંથી બહાર નીકળવા માટે અનેક પ્રયાસ કરી ચૂક્યો છું. પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ થઈ ગયાં. અહી કોઈ મહાશક્તિ વાસ કરે છે જે મારી યૌગિક શક્તિઓનું શોષણ કરી રહી છે. માટે તું મને એ શક્તિનો પરિચય આપ જે અહી વાસ કરે છે.”
ભૂમિ હસીને બોલી, “હે વર્ધનશ્રેષ્ઠ, આપ અહી એક દૈવી કાર્યની પૂર્તિ માટે આવ્યા છો. તે કાર્ય શું છે તેની શોધ તમારે જાતે કરવી પડશે. અહી આ સ્થાન પર આદ્યશક્તિ નવદુર્ગા નિવાસ કરે છે. હું આનાથી વિશેષ કઈ જણાવી શકું તેમ નથી.” આટલું કહીને ભૂમિ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ.

આર્યવર્ધને પોતાના બંને હાથની મુઠ્ઠી વાળીને ગુફાની જમીન પર પ્રહાર કર્યો. તેના કારણે આખી ગુફા ધ્રુજી ઉઠી પણ બીજી કોઈ અસર થઈ નહીં. એટલે આર્યવર્ધન આગળ ચાલવા લાગ્યો. અડધો પ્રહર સુધી ચાલ્યા પછી આર્યવર્ધનની નજર એક દ્વાર પર પડી. તે દ્વાર બહાર નીકળવાનો માર્ગ હતો. તે જોઈને આર્યવર્ધન વધુ ઝડપથી ચાલવા લાગ્યો. તે દ્વારની બહાર નીકળતાં વધુ પડતાં પ્રકાશને કારણે આર્યવર્ધનની આંખો અંજાઈ ગઈ.

થોડીવાર પછી આંખો ટેવાઇ જતાં આર્યવર્ધને જોયું કે સામે એક નાનકડું તળાવ હતું જે પ્રાગ સરોવર ચારેય તરફ બરફ છવાયેલા પર્વતોથી ઘેરાયેલું હતું. જમીન પર ચારેય બાજુ લીલું ઘાસ છવાયેલું હતું. આર્યવર્ધને આકાશમાં દૈદપ્યીમાન એવા સૂર્યદેવને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરીને સરોવર તરફ આગળ વધ્યો.
સરોવરનું પાણી નિર્મળ અને શાંત હતું. પાણી પર અમુક જગ્યાએ કમળ પુષ્પ ખીલેલા હતાં અને ઓછી સંખ્યામાં હંસ તરી રહ્યા હતાં. આ જોઈને આર્યવર્ધનને સરોવરમાં સ્નાન કરવાની ઈચ્છા થઈ. તેણે પોતાનું કવચ અને અંગવસ્ત્ર સરોવરના કાંઠે રહેલા વટવૃક્ષની નીચે મૂક્યા. ત્યારબાદ સરોવરમાં પ્રવેશ કર્યો.

તેની થોડી ક્ષણો પછી એક શસ્ત્રધારી યુવતી તે વટવૃક્ષ પાસે આવી. તે યુવતીએ આર્યવર્ધનનું કવચ અને તેના વસ્ત્રો જોઈને સજાગ થઈ ગઈ. તેણે તરત પોતાના ધનુષ્ય પર બાણ ચડાવીને સરોવર તરફ નિશાન લગાવીને આર્યવર્ધનના બહાર આવવાની રાહ જોવા લાગી. અડધો પ્રહર પસાર થતાં દિવસ મધ્યાહને પહોંચ્યો તે સમયે આર્યવર્ધન કિનારે પાછો આવ્યો. ત્યારે તેના કાનમાં મધુર ઘંટડી જેવો અવાજ સંભળાયો.

“કોણ છે તું ?” આ સાંભળીને આર્યવર્ધને સામે જોયું તો સામે સાક્ષાત દેવી આદ્યશક્તિ ઊભા હોય તેમ લાગ્યું. તેની સામે રહેલી યુવતીનો ચહેરો તડકામાં વધારે નીખરી રહ્યો હતો. તે યુવતી બોલવાની છટામાં ગર્વ છલકી રહ્યો. જે તેના સામર્થ્યનો પરિચય આપી રહ્યા હતાં. 

“મારા પ્રશ્નનો ઉતર આપ. કોણ છે તું?” તે આગંતુક યુવતીએ ફરી પ્રશ્ન પૂછ્યો. તેના અવાજમાં ગુસ્સો હતો.
પણ આર્યવર્ધને હળવા સ્મિત સાથે ઉત્તર આપ્યો, “હું ભારતવર્ષના પશ્ચિમ ભાગના રાજ્ય પ્રભાસક્ષેત્રનો શાસક આર્યવર્ધન છું. અને હવે તમે તમારો પરિચય આપો દેવી.”
“હું મહાદેવીની શિષ્યા, આ સ્થાનની રક્ષક ક્રિષ્નપ્રિયા છું.” તે યુવતી તલવારની ધાર જેવા તીક્ષ્ણ અવાજમાં પોતાનો પરિચય આપ્યો.   


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ