વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શબ્દ

હું જાણું છું તું મને,

મારા શબ્દોમાં શોધી રહી છે,

ખેર...હજુ તારા મનમાં હું છું,

એ વિચારું છું ત્યારે ખૂબ આનંદ થાય છે,

પરંતુ એક વાત કહું હું આ શબ્દ વિશે..??

બહુ લાંબી કહાની છે આ શબ્દોની,

કોઈ પીછું ઉડીને જો સ્પર્શી જાય તો,

તને શબ્દોનો સ્પર્શ જરા મખમલી લાગશે,

વહેલી સવારમાં જો કલમ હાથ લાગી જાય તો,

શબનમની ભીનાશ ઉડીને આંખે વળગશે,

ભર બપોરે જો હું વ્યથિત થઈ રહ્યો તો,

બને કે કદાચ શબ્દો તને પણ દઝાડે.

ક્યારેક અકળાયો છું,

ક્યારેક ગભરાયો છું,

ક્યારેક મારા ઉરના નિર્મળ હાસ્ય થકી,

શબ્દોમાં અનેરી રંગત ભરી છે,

ક્યારેક નિઃશબ્દ સરી પડતા આંસુએ,

થોડી વેદનાને પણ વલોવી છે,

ઝરણામાંથી વિખુટા પડતા જળ બુંદ માફક,

એકાદ શબ્દ પણ ક્યાંક મારાથી દૂર ગયો હશે,

અને એ જો કદાચ તને મળી ગયો તો

આહહહ...સાચું કહું છું,

તું એને સ્પર્શી પણ નહિ શકે...

તને ખબર છે હું ફક્ત તારો જ હતો...

અને તે જ શબ્દ સાથે મિત્રતા કરાવી,

થયું એવું કે શબ્દની પ્રીત તારા કરતા વધી ગઈ,

તું છોડી ગઈ અને આ શબ્દો,

મારો સાથ એ જ રીતે નિભાવી રહ્યા,

ના, ક્યારેય સામે થયા નથી,

કલમથી હું દમન કરું છું પરંતુ,

મધુર હાસ્ય સાથે મને ન્યાય આપે છે,

મારા એકાંતમાં મને વળગી પડે છે,

હું રડું છું તો એ પણ રડે છે,

હું હસું છું તો એ પણ હસે છે,

કહેવાતા સંબંધ બધા છૂટી ગયા,

અને ના કહી શકાય એવા સંબંધ રહી ગયા,

આ અજવાળી રાતે જ્યારે પાછળ જોયું તો,

ફક્ત હું અને મારા શબ્દો જ હતા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ