વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અષાઢની આંધી

(ગુજરાતી સાહિત્યકાર શ્રી પન્નાલાલ પટેલની નવલકથા 'અષાઢની આંધી'થી પ્રેરાઈને આ વાર્તા લખી છે.)


        વીણા પેરેલીસિસને બાથમાં લઈને પથારીમાં સુતેલા મનોહરને જોઈ રહી. એની આંખોમાં આંસુ ન હતાં. પરંતુ પ્રણયનું ગાંભીર્ય છલકી રહ્યું હતું. એની સમજ, ધીરજ અને મનની મોકળાશ વીણાના હૃદયમાં ઘર કરી ગયા હતાં. અને એટલે જ વીણાએ પોતાના કરતા દસ વર્ષ મોટા અને વળી બીજ વર મનોહર સાથે ઘર સંસાર માંડવાની સંમતિ દશાાવી હતી. એની સહેલીઓ તો એના આ નિર્ણયથી એનાથી નારાજ હતી. શબ્દોના ચાબખા આપવામાં કાંઈ જ બાકી ના રાખતી.


              મનોહરની પહેલી પત્ની રંભા બે સંતાનને નિરાધાર મૂકી લાંબી બીમારીને ટૂંકમાં આટોપી લઈને અનંતની વાટે સફર કરવા એકલી ચાલી નીકળી હતી. શહેરમાં મનોહરનું ઘર આબરૂદાર અને વળી ધનવાન ગણાતું. કોઈ પણ સ્ત્રી કે છોકરી મનોહર સાથે લગ્ન કરવા માટે પોતાની અસંમતી આપે એવું એક પણ કારણ શોધવું મળે નહીં. પરંતુ મનોહરની વીણામાં રહેલી વ્યવહાર કુશળતા, ચપળતા, મળતાવળાપણું, કોકિલ કંઠ, લોકોને મદદ કરવાની એની નિઃસ્વર્થ વૃત્તિ અને મનોહરના બાળકો પ્રત્યે રાખતી માં જેવી જ મમતા સ્પર્શી ગયા હતાં.


         હા, નિરાધાર થયેલા બાળકોનો અભ્યાસ ના બગડે એટલા માટે મનોહરે જ વીણાને બાળકોના ટયુશન માટે રોકી હતી. એ સમય દરમ્યાન વીણામાં  રહેલા સાદગીના ગુણ અને એના સ્વભાવથી મનોહર વધુ નજીક આવ્યો હતો. આમ તો વર્ષોથી મનોહર વીણાના કુટુંબને જાણતો હતો. ખાસ્સો પરિચય હતો. ઘરના સભ્યોની અવર જવર પણ રહેતી.


        અંતે બંનેની નિકટતા જીવનની એક સફરમાં પરિવર્તિત થઈ. વીણાની શિક્ષક રૂપી મમતા બાળકોની ખરી માં ની મમતામાં બદલાઈ ગઈ. હવેલી ફરીથી કોયલના મીઠા મધુર ટહુકાથી ગુંજી ઉઠી. સીડીના પગથિયાં પર નિરાશ થઈને દબાયેલો પાયલનો રણકાર ફરીથી આળસ મરડીને બેઠો થયો. કેટલાય સમયથી ન ખૂલેલી, એકાંતને બાથમાં ભીંસીને બંધ થયેલી બારીઓ ફરીથી ખુલી અને મધુર પ્રેમના રંગથી રાંગાયેલી અને આત્મીય ધબકારથી મહેકી ઉઠેલી હવાએ હવેલીના ખૂણે ખૂણામાં વસવાટ કયો.


        વર્ષોના સુખી દાંપત્ય જીવનમાં ક્યારેય મનોહરે વીણાને રોકી નથી. અલબત, ધંધામાં પણ રસ લેતી કરી હતી. સ્ત્રી ઉત્થાનના કાયોમાં આગળ થવાની પ્રેરણા પણ આપી હતી.


              વીણા પણ કાંઈ ઓછી ઉતરે એવી ન હતી. મનોહરના ધંધામાં એનો હાથ બઢાવવા ઉપરાંત એણે એક નુકસાન કરતી બ્રેડની ફેકટરી ખરીદી હતી અને પોતાની ધંધાદારી સૂઝથી એ ફેક્ટરીને પ્રથમ હરોળમાં લઈ આવી હતી. એ પછી એણે બીજી પણ બ્રેડની ફેકટરી ખોલી હતી. મનોહર એની પ્રગતિથી ખૂબ ખુશ હતો. એના હોઠો પરથી વીણા નામ ક્યારેય સુકાતું નહિ. મનોહર માનતો કે વીણાના લીધે જ આ ઘરમાં આટલી ખુશાલી હતી.


       વીણા એ ધંધામાં ખાસ્સુ ગજુ કાઢ્યું હતું. પોતાની કમાણીમાંથી નદી પારના વિસ્તારમાં, ખુલ્લી હવામાં એક વિશાળ બગીચા સાથેનો બંગલો ખરીદ્યો હતો. જે ફક્ત એનો હતો. એમાં મનોહર કે એમના સંતાનનો કોઈ જ હક નહતો.


        આજ એ બંગલાના ખંડમાં મનોહર પેરેલીસિસની વ્યાધિમાં પડયો જીવનના અંતિમ શ્વાસો ગણી રહ્યો

હતો. હા, સંપત્તિ અને પત્નીના કાન ભંભેરણીના લીધે સંતાનો પોતાની ફરજથી ચલિત થયા હતા. ઘરનો કાંકાસ વકરે નહિ અને સમાજમાં માન મર્યાદા જળવાય રહે એ  હેતુથી વીણા અને મનોહર બધું ત્યજી ધંધાની બધી જવાબદારી સંતાનો ઉપર નાખી પોતાના બંગલામાં આવી ગયા હતા. એકાંતની પળોમાં પરસ્પરનો આત્મીય સહવાસ બીમારીના દર્દમાં પણ નિરાંત આપનારો નીવડ્યો.


"મનોહર..."

"હા, વીણા બોલ."

"તમને યાદ છે...આપણા લગ્ન પહેલા મારે તમને એક વાત કરવાની હતી. મેં કોશિશ કરી તો તમે મને અટકાવીને કહ્યું હતું કે અત્યારે નહિ પછી કરજે.."

"હા."

"અને પછી જ્યારે હું લીલાવતી આશ્રમમાં આ પૂજનની બીમારી માટે જઈને આવી ત્યારે પણ મેં તમને કહેવાની કોશિશ કરી ત્યારે પણ તમે મને અટકાવી."

"હા."

"મારે આ પૂજન બાબતે વાત કરવી છે. મારા હૃદયના બોજને હળવો કરવો છે. તમારી માફી માાંગવી છે. આષાઢની એ આંધીમાં કરેલા ગુનાનું પ્રાયશ્ચિત કરવું છે."

"અરે ગાંડી, ગુનો કર્યો હોય તો એનું પ્રાયશ્ચિત હોય. તારું જીવન જ એવું છે કે તારાથી કોઈ ભૂલ થાય જ નહીં તો હૃદય પર બોજ ક્યાંથી આવે."

"ના એક બોજ છે, મારો ગુનો છે, મારી ભૂલ છે."

"તારો કોઈ ગુનો નથી. તે કોઈ ભૂલ કરી નથી. તે કોઈ પાપ કર્યું નથી. ઉલટાનું તારા જેવું મહાન કામ કોઈ સ્ત્રી ના કરી શકે."

"એટલે..." - વીણાની આંસુ ભરી આંખો પહોળી થઇ.

"એટલે કે તારા જીવનમાં આવેલી અષાઢની આંધી હું જાણું છું. ત્યારે તું યૌવનના ભવરમાં હતી. એ ઉંમર જ એવી હોય કે ભલભલાના પગ લસરે અને યુવાન હૈયા જો જુવાનીમાં પ્રણયના ફાગ નો ખીલવેતો ક્યારે ખીલવે."

"મનોહર...તમે..આ બધું..."- વીણાને આશ્ચર્ય થયું.

"હા વીણા..લીલાવતી આશ્રમમાં તું જ્યારે પ્રસવનો ભાર લઈને ભરતી ત્યારે આશ્રમના તારા તરફ દીકરી સમી મમતા રાખતા પાર્વતીબેને મને બધી વાત કરી હતી. લગ્ન પહેલાની આ વાત લઈને તું આટલા વર્ષોથી કચવાતી રહી. અરે તે મારા સંતાનને પોતાના કરીને રાખ્યા તો ગાંડી તને કેમ એવું લાગ્યું કે હું એક તારી નાની ભૂલ - જે તું માને છે- માફ નહિ કરું?"

"પણ મનોહર..."

"તું ફિકર ન કરીશ. તું ભલે પૂજનને તારા કુંવારા માતૃત્વની ભૂલ ગણે છે પણ હું નથી ગણતો. તે એ આંધીમાં ભલે એના પિતાનું મોઢું નથી જોયું પણ સહુ સારા વાના થશે."

"મનોહર...આટલી દિલદારી...! આટલી ઉદારતા...! આવતા જન્મમાં પણ તમે જ મારા પતિ થાઓ એવી પ્રાર્થના કરીશ. એક સ્ત્રીના ચરિત્ર પર લાગેલા દાગને પણ તમે કેટલી સિફતથી સ્વીકારીને મિટાવી દીધો. ને હું પાગલ તમારાથી પડદો રાખતી હતી."

"જો વીણા, એ તારા ચરિત્રનો દાગ નથી. તારા યૌવનનો માણેલો આનંદ છે. અને ત્યારે તે એવા કપરા સમયમાં સમાજની નિંદા, તિરસ્કાર સામે ના જોતા પોતાના જીવના જોખમે પૂજનને જન્મ આપ્યો એથી વધુ તારા પવિત્ર ચરિત્રનું દ્રષ્ટાંત બીજુ શું હોય. જો તું ખુદ એવું સમજતી કે આ પાપ છે, ભૂલ છે તો તું એને મિટાવી શકતી હતી. પરંતુ તે ખુદને મિટાવી ને તારા પ્રેમનું નવ સર્જન કર્યું છે. ખરેખર તો તારી મહાનતા એનાથી દૂર રહીને, જીગરના ટુકડાને જીગરથી દૂર રાખીને પણ જતન કર્યું એમાં બતાવી છે."


      વીણા મનોહરના બેડ પાસે ઢગલો થઈ ગઈ. કુંવારી માં બનનાર સ્ત્રીને સમાજ તરફથી મળતો તિરસ્કાર, નિંદા અને અપશબ્દોની સામે મનોહર એના ચરિત્રને દીપાવી રહ્યો હતો. સમાજ જેને કલંક સમજે છે એ કલંકને મનોહર આજ પ્રેમનું પુષ્પ બનાવીને સ્નેહનું સિંચન કરતો હતો. પોતાના જીવનમાં આવેલી એ અષાઢની આંધીને ભીંજવી રહ્યો હતો. મનોહરનો આત્મા અદ્વિતીય હતો. અદભુત હતો. વીણા મનોહરના ચરણ સ્પર્શ કરીને રડી રહી. કહો કે એના આંસુથી મનોહરના ચરણો ધોઈ પોતાને ધન્ય માની રહી.


      આજ એને સમજાયું કે પોતાના કરતા દસ વર્ષ મોટા મનોહરને જીવન સાથી તરીકે પસંદ કરીને એણે કોઈ ભૂલ નથી કરી. સમાજ એની સહેલીઓ અને ખુદ માં પણ એ બાબતમાં ખોટા સાબિત થયા. મનોહર ખરેખર મનોહર હતો. પહેલેથી જ એણે વીણાના મનમાં સ્થાન તો બનાવ્યું જ હતું. પરંતુ આજે એણે વીણાના મનને હરી લીધુ હતું. અત્યારે વીણાથી મનોહર સામે સહજ  ભાવે જોવાતું પણ ન હતું.


" સાહેબ, બહાર વકીલ સાહેબ અને બીજા કોઈ અગ્રણી અંદર આવવાની રજા માાંગેછે." - નોકરે આવીને કહ્યું.


          વીણાએ પોતાને સ્વચ્છ કરી. આંસુ લૂછયા અને મનોહર સામે જોયું.


"આવવા દે. મેં જ બોલાવ્યા છે."


         વીણાના આશ્ચર્યનો પાર ન રહ્યો. વકીલ સાહેબ અને અજાણ્યો જણ આનંદ સામે આવીને ઊભા રહ્યા. વીણાની આંખે અંધારા આવી ગયા.


        ભલે આનંદ નામ એણે મનોહર સામે નથી લીધુ. ભલે એ આનંદને મળી ચુકી છે - થોડા દિવસો પહેલા જ -  એ ન હોતું કહ્યું તો પણ મનોહર આ બધુ જાણતો હતો. એનો વ્યવહાર ખૂબ જ લાગણીશીલ અને ઉદાર હતો.


      આનંદ વીણાને જોઈ રહ્યો. થોડી વાર વીણા પર આંખો સ્થિર કર્યા બાદ એની આંખો પૂજન પર પડી. એક પિતાનું વાત્સલ્ય એની આંખોમાં ઉભરી રહ્યું.


"જો વીણા, હવેલી પર હક જતો કરવા માટે તે કાયદેસર મારી સાથે છટાછેડા લીધા છે. છતાં એક પત્ની તરીકે તે મારા જેવા નિરાધારને આધાર આપ્યો છે."

"મનોહર, આવા શબ્દો બોલીને મને દુઃખી ન કરો."

"દુઃખી થવાની વાત નથી. તારી ભાવના ઉચ્ચ છે. તારું દિલ, આત્મા સાફ છે. એટલે જ મેં વકીલને બોલાવ્યા છે."

"હું કાંઈ સમજી નહિ."

"જો વીણા, તું હવે મારી પત્ની નથી. વીણા તું પણ  પૂજનને દત્તક લઈને તારી મમતાને ઉજ્જવળ કર. ખરેખરી સમાજની નજરમાં એની માં બની જા."

"મનોહર તમે મારા માટે આટલું બધું વિચાર્યું છે!"

"ના ગાાંડી, આથી વધુ. જો હું કેટલા દિવસનો મહેમાન. આ આનંદ એ જ તારી અષાઢી આંધીનો સર્જનહાર ને? એને એની કૃતિ પણ સોંપવા માંગુ છું. જે ઝંઝાવાત તારા જીવનમાં વર્ષો પહેલા ઉદ્દભવ્યો હતો એને આજ શાંત કર. હમેંશને માટે એ આંધીમાં ડૂબી જા. કદાચ તમને બંનેને એક સાથે જોઈને મારો આત્મા ઠરે."

"મનોહર...તમારો આ ઉપકાર હું કયા ભવે ચુકવીસ. તમે તો મને તમારી ઋણી રાખી."

"વીણા...ઉપકાર તો તારા મારા પર કહું એટલા ઓછા છે. જરૂર પડયે તું મારી પત્ની બની, માં બની, સલાહકાર બની, મિત્ર બની અને મારા પરિવાર, ધંધા ને મારા ઘરને રોશન કર્યું."


                 બીજી સવારે બંગલાના દરવાજા ખુલ્યા. પ્રભાતની આરતીના સુર બંગલાના વાતાવરણને પવિત્ર કરી રહ્યા. વીણા, પૂજન અને આનંદ ધ્યાનસ્થ થઈને ભવવાનનો આભાર માની રહ્યા હતા. ત્યારે મનોહરનો આત્મા તૃપ્ત થઈને એના શરીરને છોડી ચુક્યો હતો.


              દુઃખ, દર્દ અને વિસાદની સાથે કંઈક અલગ અલૌકિક આત્મીય સ્પર્શની હવા બંગલાની દીવાલોને સ્પર્શી રહી

હતી.








ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ