વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ – 1

હદયનાં બે બોલ

 

       ‘પ્રેમાગ્નિ...’એક અતૂટ ઋણાનુંબંધનાં બંધનની નવલકથા. બે જીવ જેમને પ્રકૃતિએ એકબીજાનાં પરિચયમાં લાવી એક કર્યા અને પ્રેમબંધનમાં બંધાયા. પ્રકૃતિ અને પુરુષ એકબીજાનાં પ્રેમ-લાગણીનાં સૂરમાં પરોવાયા. કુદરતનાં ખોળે જન્મેલી અને પ્રકૃતિનાં પ્રેમ અભ્યાસમાં પરોવાયેલાં બે માનવ જીવની હૃદયસ્પર્શી કથા.

       એક નાયક અને બે નાયિકાની સામાન્ય કથા નથી આ. નાયકનાં લગ્ન સામાજિક રૂઢિરિવાજ પ્રમાણે પ્રથમ નાયિકા સાથે રચાય છે. સમજ અને પ્રેમથી નિભાવે છે. નાયક અને પ્રથમ નાયિકાની પસંદ-નાપસંદ અલગ-અલગ હોવા છતાં સુખી સંસાર છે. વિધિનાં લેખ અનુસાર પ્રથમ નાયિકાની આ દુનિયામાંથી વિદાય થાય છે. નાયકનાં જીવનમાં ફરી પ્રેમ સંસ્કાર પરોવાય છે. બીજી નાયિકા સાથેનાં સંબંધમાં જાણે જન્મોના પ્રેમ-બંધનની અનુભૂતિ થાય છે. ક્યારેય જુદા ન થવાના કોલ અપાય છે. પ્રેમ પરવાન ચઢે છે.

       વિધિનાં લેખની વિચિત્રતા છે કે નાયિકાનાં જીવનમાં કુટુંબથી – સામાજિક રીતે નવા પાત્રનો પ્રવેશ થાય છે, જે સમાજ-કુંટુંબનમાં અમાન્ય છે. નાયિકા તો પ્રેમસાગરમાં ડૂબેલી છે. નાયક સાથે એક જ પ્રેમઓરામાં શ્વાસ લે છે.

       એક એવી પ્રેમકથા જે જન્મોનાં પ્રેમ સંસ્કાર સાથે આ દુનિયામાં જીવ જન્મ લે છે – સામાજિક અને કુટુંબનાં સંબંધના ગણિતના આટાપાટામાં સંકળાય છે. કેવી રીતે નિભાવે છે. સાથે સાથે કુદરત-પ્રકૃતિ સાથેનો પ્રેમ કેવો સંકળાયેલો છે... પ્રેમીજનો પ્રેમ કેવી રીતે નિભાવે છે એ સંબંધોને વાચા આપતી નવલકથા પ્રેમાગ્નિ. ‘બંધન ઋણાનુબંધનાં’

 

પ્રેમાગ્નિ

• પાત્રવરણી •

 

નાયક: મોક્ષ

નાયિકા : મનસા

સહનાયિકા : શિખા

શિખાની બેન : સુરેખા

શિખાના બનેવી : શેખર

મનસાની માતા : વિનોદાબા

મનસાના પિતા : ગોવિંદરામ

મનસાના કાકા : મોહનદાસ

મનસાની કાકી : શાંતાકાકી

મનસાની વાડી સંભાળનાર : કેશુબાપા

મોક્ષની કૉલેજમાં પ્રોફેસર : મિસ પંડ્યા

                     : મિસ અનુરાધા

                     : મિસ અરુંધતી

                     : મિ. ગુપ્તા

                     : મિ. શર્મા

 

મનસાની સહેલી : હેતલ

મોક્ષની કૉલેજમાં કેન્ટીન સંભાળનાર : નરસિંહકાકા

મોક્ષનો મિત્ર (પ્રેસમાલિક) : અવિનાશ

સુલેખાના દીકરા-દીકરી : અમર-લિપિ

મનસાના મામા : હસમુખમામા

               (હસુમામા)

મનસાના મામી : હિનામામી

શેખરના ડૉક્ટર મિત્ર : ડૉ. સુમન

હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર : ડૉ. ભાટી

મનસાનાં કૉલેજનાં સહાધ્યાયી : વત્સલ, આલોક, નિલિમા

મોક્ષના પાડોશી : પ્રેમિલાબેન

મોક્ષની કૉલેજનાં પ્રિસિપાલ : સુકુમાર સર

મોક્ષની કૉલેજનો પ્યુન : સુરેશ

મોક્ષનાં ગુરુ : મુક્તાનંદજી

મોક્ષને ત્યાં રસોઇ કરનાર બહેન : યશોદાબેન

મનસાના ભાવિ સસરા-સાસુ : મનસુખભાઈ-માલતીબેન

મનસાનો ફીઆન્સ : વ્યોમ

હેતલનો ફીઆન્સ : વિકાસ

 

પ્રકરણ – 1

       મહાત્મા ગાંધી શિક્ષણ સંકુલમાં આવેલી સાયન્સ ફેકલ્ટીની કૉલેજમાં પિરિયડ બદલાયાનો ઘંટ વાગ્યો. પ્રો. મોક્ષ ક્લાસમાં આવ્યા. બધાં જ વિદ્યાર્થીઓ તરફ નજર ફેરવીને ‘ગુડ મોર્નિંગ બોયઝ એન્ડ ગર્લ્સ’ કહીને સ્મિત આપ્યું. નવું સત્ર ચાલુ થયું એને હજી ચાર-પાંચ દિવસ જ થયા છે. વિદ્યાર્થીઓનું એડમિશન પૂરું થયું છે. આ કૉલેજનાં છેલ્લા વર્ષનો ક્લાસ છે. લગભગ બધા વિદ્યાર્થી જૂના જ છે. વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઠીકઠીક હાજર છે. પ્રો. મોક્ષની નજર નવી વિદ્યાર્થીની પર પડી અને સ્થિર થઇ. એમણે નોંધ લીધી કે આ નવી જ સ્ટુડન્ટ છે. પ્રો.મોક્ષ – પ્લાન્ટ ફિઝિયોલોજી અને જિનેટિક્સ બન્ને વિષય ભણાવવામાં માહિર છે. છેલ્લા વર્ષમાં આવતા અભ્યાસક્રમમાં વિષય હવે ખૂબ જ વિસ્તારિત રીતે ભણાવી રહ્યા છે. પ્રો. મોક્ષે વિદ્યાર્થીઓને જાણ કરી કે કૉલેજ લાઇબ્રેરીનં રિનોવેશનનું કામ પૂરું થયું છે અને લાઇબ્રેરી રેગ્યુલર ચાલુ થઈ ગઇ છે તો પોતાનાં વિષય અંગે પુસ્તકો રીફર કરવા જઇ શકે છે. લેક્ચર પૂરા થવાના સમયે બધા વિદ્યાર્થીઓ ક્લાસરૂમની બહાર જઇ રહ્યા છે. પ્રો.મોક્ષે નવી વિદ્યાર્થિનીને જોઇ, એને બોલાવી પૂછ્યું કે તમે છેક છેલ્લા વર્ષમાં એડમિશન લીધું ?શું કારણ ?

       “મારું નામ મનસા છે, હું અહીં સુરતથી નજીકનાં એક ગામ બાલવથી આવું છું. હું પેહલાં વડોદરાની કૉલેજમાં હતી. કુટુંબના કોઇ કારણથી મારે કૉલેજ બદલવી પડી છે. સર, મારાથી આપના અમુક લેક્ચર્સ એટેન્ડ નથી થઈ શક્યા. એડમિશન લેવામાં મોડું થયું છે. મારી બાજુમાં જ હેતલ બેસે છે. હું એની પાસેથી નોટ્સ લઇ લઇશ. પ્રો. મોક્ષ કંઇ સમજાવે તે પહેલાં જ એ એકીશ્વાસે બોલી ગઇ. પ્રો.મોક્ષે કહ્યું, “હજુ કંઇ ખાસ ગયું નથી, તમે અભ્યાસ કવર કરી શકશો. છતાં પણ કંઇ તકલીફ પડે તો સ્ટાફરૂમમાં મારો સંપર્ક કરી શકો છો.”

       પ્રો. મોક્ષ કૉલેજ કેન્ટીનમાં ગયા. કેન્ટીન ચલાવનાર નરસિંહકાકાને સરસ ચા પીવરાવવા જણાવ્યું. “અરે સર, બેસોને હમણાં જ ચા બનાવું.” પ્રો.મોક્ષનો રોજનો નિયમ છે. લેક્ચર્સ પતાવીને કેન્ટીનમાં આવી નરસિંહકાકાની ચા પીવાનો જ. ચા પીને સ્ટાફરૂમમાં આવીને કંઇ કામ હોય તે આટોપીને ઘરે પાછા જવાનું. પ્રો.મોક્ષ આજે પણ ચા પીને સ્ટાફરૂમમાં પોતાના ટેબલ પર આવ્યા. ખુરશીમાં બેસીને આજનું કામ જોવા લાગ્યા. બાજુમાં જ મિસ પંડ્યા બેસે છે જે સિનિયર પ્રોફેસર છે. તેઓ આવ્યા અને મોક્ષને કહ્યું “કેમ મોક્ષભાઈ, શું વિચારોમાં છો ? ઘરે નથી જવાનું ?” મોક્ષને ઘર શબ્દ યાદ આવતા જ મુખ પર વેદનાની લકીરો આવી ગઇ અને તેઓ ભૂતકાળની સ્મૃતિમાં સરી પડ્યા.

       “તમને છાપું વાંચતાં કેટલી વાર ? છાપામાં શું લખ્યું છે ? સવારે ઊઠીને એમાં મોં ખોસી દો છો ? કેટલો સમય થયો ? જુઓ જરા. તમારી ચા બીજી વાર ઠંડી થઈ ગઈ ! એમાં વાંચવા જેવું હોય છે જ શું ? આજે કોઈ જગ્યાએ ચોરી, લૂંટ, બળાત્કાર, એક નેતાએ બીજાને આમ કીધુ, કોણે પાટલી બદલી, મોંઘવારી, કૌભાંડો આ બધા સિવાય બીજું હોય છે શું ?” શિખા ઉવાચ. મોક્ષની પત્ની શિખા. મોક્ષે જવાબ આપ્યો, “અરે ભાઈ છાપામાં તું કહે છે એ તો હોય જ છે પરંતુ સાથે સાથે સરકારી પોલિસી-નિયમો-ઈકોનોમીનાં સમાચાર – ફિલ્મી ગોસીપ, નવા નવા ઈન્વેશન – પરદેશના સમાચાર ઘણુંબધું વાંચવાનું હોય છે. મહિલાઓ માટેની પણ ખાસ પૂર્તિઓ આવે છે. આજના સમયમાં દુનિયાની નવી નવી ખબરોથી અપડેટ રહેવું પણ જરૂરી જ છે.”“પરંતુ હું તમને કહું છું એમાં એટલો બધો સમય લેશો તો ક્યારે સ્નાન કરશો ? ક્યારે પાઠ-પૂજા પરવારશો ? એક તો તમને બધામાં સ્ત્રીઓ કરતાં પણ વધારે વાર લાગે છે. આજે તમારે રજા છે તો મારી મોટી બહેનનાં ઘરે જઇએ. તમે મને કાલે જ કહ્યું હતું કે આજે મને ત્યાં લઇ જશો.” શિખાને જરા ઊંચા અવાજે કહ્યું.

મોક્ષે કહ્યું, “મને પાકું યાદ છે જ. દરેક રવિવારની જેમ આજે પણ આપણે સુલેખાબેનને ઘરે જવાનું છે, જઇશું, ઓકે ?” પ્રો. મોક્ષ અને શિખા એક સામાન્ય સુખી દંપતી છે. મોક્ષ સુરતની કૉલેજમાં પ્રોફેસર છે. પરા વિસ્તારની સોસાયટીમાં એક નાના પણ સુંદર ટેનામેન્ટમાં રહે છે. નાનકડો બગીચો છે, કાર પાર્કિંગની પણ જગ્યા છે. શિખા સાથે મોક્ષનાં લગ્નને લગભગ ચાર વરસ પૂરા થઇ ગયા છે પરંતુ એમનાં ઘરે પારણું નથી બંધાયું. શિખાને બે વખત કસુવાવડ થઈ ગઈ. નિષ્ણાત ડૉક્ટરને બતાવેલું છે છતાં સંતાનસુખ નથી મળ્યું. શિખાને સંતાન જોઇએ છે. દવાઓના ખૂબ ખર્ચ અને દોરા-દાણા-મંત્ર-તંત્ર બાધા-આખડી બધું જ કરી ચૂક્યા પરંતુ પરિણામ શૂન્ય. મોક્ષે શિખાને સમજાવ્યું કે ઈશ્વર આપણને એ સુખ આપવા જ નથી માંગતો શું કરીશું ? પરંતુ શિખાને સંતાનની તીવ્ર ભૂખ છે. બીજું, શિક્ષા ભૌતિકવાદી છે. ભૌતિક સુખ ભોગવવાની જિજીવિષા ખૂબ જ છે. શિખાની મોટી બહેન સુલેખા જે આ શહેરમાં જ રહે છે, એનો પણ સમૃદ્ધ વિસ્તારમાં બંગલો છે. એનાં પતિ શેખરને પોતાનો બિઝનેસ છે અને એમાં ખૂબ જ સફળ છે. સુલેખાને બે સંતાન છે, અમર અને લિપિ. સુલેખા ત્રીજી વાર મા બનવાની છે પરંતુ સુલેખાની ઇચ્છા નથી. શિખાએ સુલેખાને કહ્યું, “ભગવાને તને ત્રીજી વાર આ સુખ આપ્યું છે. તારે બે સંતાન છે જ, ત્રીજું તારે અને શેખરને નથી જોઇતું તો એ બાળક મને આપ. મારા ખોળાને સુખ આપ. હું તારી ઋણી રહીશ. તારા બાળકના કિલ્લોલથી મારા ઘરમાં સ્વર્ગ રચાશે”, કહેતા એની આંખમાં આંસુ આવી ગયા હતા. સુલેખાએ શેખરસાથે વાત કર્યા બાદ સંમતિ આપતા કહ્યું, “મારી બેન, મારા સંતાનથી તને સુખ મળતું હોય તો હું અને શેખર બંને સંમત છીએ.” પછી શિખાએ મોક્ષને વાત કરી અને મોક્ષે પણ સંમતિ આપી હતી. મોક્ષે વિચાર્યું, એનાથી શિખા સુખ અને આનંદ અનુભવતી હોય તો મને વાંધો નથી. જ્યારથી આ નિર્ણય લેવાયો, શિખા આનંદમાં વિહરવા લાગી છે. જ્યારે જ્યારે મોક્ષને રજા હોય છે  એ સુલેખાનાં ઘરે આવી જાય છે. સુલેખાને બાળક થવામાં હજી ચાર મહિનાની વાર છે, સુલેખાનો બાળક પોતાનાં ઘરમાં આવશે એ વિચારથી શિક્ષા સાતમા આસમાનમાં વિહરવા લાગી હતી. બાળક ઘરમાં આવશે પછી શું કરશે ? એની કલ્પનાઓમાં જ ડૂબેલી રહેવા લાગી. મોક્ષ સાથે બજારમાં જઇને બાળક માટેની વસ્તુઓ – રમકડાં, પારણું, નાના નાના ગાદી તકિયા – સુંવાળા કપડાં – રમવા માટે ઘૂઘરા – બાળકને નવરાવવાનાં સ્પેશિયલ સાબુ-શેમ્પુ કેટલી બધી વસ્તુઓ લઇ આવી હતી.

       શિખાએ પોતાનાં ઘરમાં બાળક માટે અલાયદો રૂમ સજાવવાનો શરૂ કર્યો હતો. મોક્ષ પણ શિખાને આ બધું કરતી અને કલ્પનાઓથી સુખમાં સરી જતી જોતો ત્યારે એ પણ સુખ અનુભવતો. એને વિચાર આવતો, ઈશ્વર સુખનો એક દરવાજો બંધ કરે છે તો બીજા ઘણાં ખોલી આપે છે.

       પ્રો. મોક્ષ આજે કૉલેજથી થોડાક મોડા ઘરે પહોંચ્યા. પોતે આગળ Ph.D. કરે છે એની થીસિસ લખવા અંગેના સંદર્ભગ્રંથો લાઇબ્રેરીમાંથી લેવાના હતા મનમાં નક્કી કરેલું કે કાલે રજા છે એટલે ઘણુંબધુ વાંચવાનું લખવાનું બાકી છે તે કાલે આટોપશે. થીસિસ પૂરી કરીને ડૉ. વાલિયાને સબમીટ કરવાની છે અને તે સમયસર થાય તે પણ જરૂરી છે. પ્રો. મોક્ષ ‘પ્રકૃતિ અને તેનું સંચાલન’ એ વિષય પર Ph.D. કરી રહ્યા છે. ઘરે આવતાની સાથે જ શિક્ષાએ કહ્યું : “હું ક્યારનો તમારી રાહ જોઉ છું. ચાલો તમને જમવાનું આપી દઉં પછી આપણે સુલેખાબેનની તબિયત જોવા જઇએ. હવે બે જ મહિના બાકી રહ્યા છે.” મોક્ષે કહ્યું, “મારે હજી ઘણું વાંચવાનું લખવાનું બાકી છે. મારે સમયસર થીસિસ સબમીટ કરવાની છે. તું એક કામ કર. તું આજે બહેનને ઘરે જતી રહે. આજે રાત્રે એમની સાથે જ રહેજે. એમની તબિયત જોવાશે, કાળજી લેવાશે. હું આજે મારું કામ પતાવી લઉં. કાલે હું ત્યાં આવી જઇશ.” શિખા રાજી થઇને માની ગઇ. તરત બોલી “પ્રોફેસર સાહેબ ! કાલે સમયસર આવી જજો. તમારા ચોપડાઓમાં ખૂંપેલા ના રહેશો.” શિખાને ખૂબ જ આનંદ હતો બહેન સાથે રહેવાશે, એની કાળજી લેવાશે. ખૂબ વાતો કરશે. વિચારોમાં પરોવાઈ ગઇ. મોક્ષને જમવાનું સમજાવીને સુલેખાનાં ઘરે જવા નીકળી ગઇ.

       શિખાના ગયા બાદ મોક્ષે પોતાની થીસિસ લખવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ. એટલો ગહન વિષય છે કે ઘણું લખી શકાય. પાંચ મૂળતત્વો સાથે વનસ્પતિ – બધા જીવો પોતાનું જીવન ટકાવી શકે છે. કુદરતે દરેક જીવને પોતાની જીવનક્રિયા જીવવા માટે શક્તિ અને એ પ્રમાણે વાતાવરણ આપ્યું છે. એક એવું સુદઢ વ્યવસ્થાતંત્ર ચાલી રહ્યું છે, જેમાં માણસે કોઇ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. એક અનોખી શિસ્ત સાથે બધું ચાલી રહ્યું છે. પર્યાવરણની જાળવણી માટે એક ચોક્કસ સુઆયોજિત તંત્ર ચાલી રહ્યું છે. જેમાં પણ માણસે હસ્તક્ષેપ કર્યો છે એ કામ બગાડ્યું છે. આ વ્યવસ્થાતંત્રને સમજવા માણસે ન જાણે કેટલા જન્મ લેવા પડશે. આકાશ, પવન, પ્રકાશ, ધરતી, પાણી, વનસ્પતિ, ગ્રહો, એમની ચાલ – અવકાશ લીલો, તારા, ચંદ્ર તેની કળાઓ, નક્ષત્ર ન જાણે કેટલું એક ચોક્કસ ગતિ અને ઘડિયાળનાં કાંટાની ગતિની જેમ સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. કોઈ ચલાવી રહ્યું છે. પૃથ્વીનાં પેટાળનો લાવા, ધાતુ, હીરા, મોતી, માણેક સમુદ્રનાં જીવો એક અગમ્ય સૃષ્ટિ છે. એને સમજવા માટે દષ્ટિ પણ જોઇએ. 75% સાગરનાં પાણીમાં પૃથ્વી તરી રહી છે. નદીનાં પાણી મીઠા-સાગરનું પાણી ખારું કુદરતે જે કંઇ રચના કરી છે એનાં ચોક્કસ કારણો જ છે. સમજવા જરૂરી છે. મોક્ષ વિચારે છે કે મારી શોધ-કલ્પના-વિઝન બહુ જ ટૂંકું પડે છે, અરે આ જીવન પણ ઓછું પડશે સમજવા. પ્રકૃતિ પાસે અમાપ શક્તિ છે, પ્રકૃતિ જ્ઞાન પૂર્તિ કરાવે તો જ શક્ય છે. પૃથ્વી ઉપરનાં કેટલા બધા જીવ? કેટલી વનસ્પતિ બધાનાં કદ, રૂપ, રંગ, આકાર, ગુણધર્મ, જીવનકળા, આયુષ્ય બધું જ ભિન્ન છતાં એક સુવ્યવસ્થિત રીતે ચાલે છે. કેટલી વનસ્પતિ, કેટલાં પુષ્પ, દરેકનાં ગુણ-રંગ-દેખાવ સુગંધ બધું જ અલગ. દરેક વાતાવરણની અલગ વનસ્પતિ અલગ જીવ. આ બધું સમજવા માટે સુપર હ્યુમન મગજ હોવું ખૂબ જરૂરી છે. સમજણ માટે જ્ઞાન કેળવવું જરૂરી છે. ઈશ્વરની કૃપા સિવાય શક્ય નથી. હે પ્રભુ ! તારી રચના સમજવા માટે હું તારા આપેલા જ્ઞાન થકી આ બધું સમજવા પ્રયત્ન કરું છું. મને જ્ઞાન આપ. હું તારું વ્યવસ્થાતંત્ર સમજી શકું એ માટે જેટલો આભાર માનું ઓછો છે. તેં માણસને રચીને છેલ્લું જ કાર્ય કર્યું લાગે છે  - એનાંથી વિશેષ કોઇ જીવ બનાવ્યો નહીં. તેં માણસને બનાવીને ભૂલ તો નથી કરીને કે માણસનાં હાથે જ તારી રચેલી સૃષ્ટિ પર એવા કાર્ય કરાવ કે માણસ જાતે જ સમજે સાચવે અથવા તો નાશનું વરદાન પોતાનાં માથે હાથ મૂકીને તથાસ્તુ કરાવશે. એ પોતાના સ્વાર્થ અને સુખ માટે હે ધરતીમા ! તારા પર અત્યાચાર જ કરે છે. શારડીઓ ફેરવીને તેલ કાઢે છે. જેના પર માણસનાં જીવનનો આધાર છે એ જ વનસ્પતિદેવીનો સંહાર કરે છે. આડેધડ વૃક્ષોનું છેદન કરી જંગલોનો નાશ કરે છે. વનસ્પતિએ તો જીવનનાં સંસ્કાર શિખવ્યા છે. नमामिदेवीवनस्पतये।બસ, ગ્રંથોમાં જ રહી ગઇ એ શીખ. હે પ્રભુ ! મને શક્તિ આપ, થીસિસ દ્વારા મારાથી થઇ શકે એટલી હું સેવા કરું, માણસને જાગ્રત બનાવું. માણસે બધે અશુદ્ધિ ફેલાવી દીધી છે પહાડ-નદી-સાગર-તળાવ બધું જ અશુદ્ધ – હવા પાણી બસ હવે નામના જ શુદ્ધ રહ્યા છે. માણસ પોતાનાં સ્વાર્થે સમગ્ર સૃષ્ટિ સાથે ખેલ ખેલી રહ્યો છે. દંભની લાકડી વડે બધું હાંકી રહ્યો છે. એ વનસ્તપતિની સાથે સાથે બીજા જીવોનું પણ નિકંદન કાઢી રહ્યો છે. મોક્ષે ઘણા સચોટ મુદ્દોઓનું વિવરણ કર્યું. મોડી રાત સુધી લખીને ચેપ્ટર પૂરા કર્યા.

       સવારે વહેલા ઊઠીને મોક્ષે યોગ-ધ્યાન-સેવા-પાઠ માળા પતાવ્યા પછી પોતાનાં મિત્ર અવિનાશ, જેનું પ્રેસ કમ કાર્યાલય સોસાયટીના નાકે એના બંગલામાં જ છે, એ મોક્ષનો ખાસ મિત્ર પણ છે. મોક્ષ એને થીસિસ આપી એની પાસે કૉપીઓ ટાઇપ કરી સ્ક્રિપ્ટ તૈયાર કરવા માટે આપી અવિનાશ પાસે કૉલેજનાં કામ સામયિક-મુખપત્ર વગેરે તૈયાર કરાવતો. અવિનાશને ત્યાં બધું કામ પૂરુ થઈ જતું. કમ્પાઉન્ડમાં નાનકડું છતાં લેટેસ્ટ પ્રેસ હતું. ટાઈપસેટિંગ, ઝેરોક્ષ, સાઇક્લોસ્ટાઈલ, ટાઇપિંગ, કૉમ્પ્યુટરનું કામ, કલર ઝેરોક્ષ – પ્રિન્ટિંગ બધું જ થતું હતું – મોક્ષ પોતાનાં લેખ કવિતા, મુક્તક, બધું એને જ પ્રિન્ટ કરવા આપતો. અવિનાશ એનો મિત્ર હતો સાથે સાથે મોક્ષનાં લખાણ-કવિતાનો ચાહક હતો. બંનેને સારું બનતું. મોક્ષ સમય પસાર કરવા ઘણીવાર રાત્રે ગપ્પા મારવા, કેરમ રમવા પણ અવિનાશનાં ઘરે આવતો. બધું જ કામ પતાવી બાઈન્ડીંગ સુધીનું કામ અવિનાશ કરી આપતો. આજે પણ થીસિસની પ્રતોનો જથ્થો આપ્યો અને એક કવિતા પણ આપી. મોક્ષે અવિનાશને કહ્યું, આને ફ્રન્ટ પર છાપીને તૈયાર રાખજે. અવિનાશે તરત જ વાંચવાનું જ ચાલુ કર્યું.

 

“તત્વ એક અસ્તિત્વ પૃથ્વીનો ગોળો”

“તત્વનાં અસ્તિત્વને ઝંખતો પાણીમાં બોળાયેલો પૃથ્વીનો ગોળો છું.

પ્રકાશને પામવા સૂર્ય ચંદ્રથી રોશની ઉધાર લેતો પૃથ્વીનો ગોળો છું.

છીપાવવા તૃષા મેહુલાથી વર્ષાની માંગણી કરતો પૃથ્વીનો ગોળો છું.

જીવોને પોષવા પાંગરતી પ્રજ્ઞાની આશિષ માંગતો પૃથ્વીનો ગોળો છું.

પ્રેમ તૃષાને શાતવા પરમાત્માને પામવા તડપતો પૃથ્વીનો ગોળો છું.

જીવન-મરણનાં ફેરા ફરવા સૂર્ય આસપાસ ભટકતો પૃથ્વીનો ગોળો છું.

મારા પર ફરતા જીવતાં “ઓરા”ઓનું આશ્રયસ્થાન પૃથ્વીનો ગોળો છું.

જન્મોની હારમાળામાં “તત્વ” ને “તત્વમસી”માં આરોપતો પૃથ્વીનો ગોળો છું.

“તત્વમસી”નાં વિયોગને જીરવતા તત્વનો સાક્ષી પૃથ્વીનો ગોળો છું. ”

 

       આજે સવારથી સુલેખાનો જીવ ચોળાયા કરતો હતો. કંઇ ચેન જ નથી પડી રહ્યું. ડૉક્ટરે આપેલ તારીખ નજીક આવી રહી છે. ફક્ત 2 – 3 દિવસનો સમય બાકી છે. ડૉક્ટરે જણાવેલ કે કોઇ પણ સમયે પેઈન ઉપડે તો તરત આવી જજો. શિખા પણ છેલ્લા 4-5 દિવસથી સુલેખાદીદી સાથે રોકાવા આવી ગઈ હતી. શેખર પણ ગઈકાલથી ઓફિસ નથી ગયો. અમર-લિપિ એનાં નાના-નાની પાસે હતા. અમર-લિપિ સાથે નાના-નાની પણ ગઈકાલથી અહીં જ હતા સુલેખા પાસે બન્ને દીકરીઓ સાથે રહેવાય. અમર-લિપના દાદા-દાદી પણ હતા એમને મજા પડી ગઈ હતી. લિપિ તો પોતાની કાલી ભાષામાં શિખાને પ્રશ્નોની ઝડી જ વરસાવી રહી હતી કે માસી મારી મમ્મીને શું થયું છે ? અમર ભૈયા તો કહે મમ્મી નવો ભાઈ લાવવાની છે. ભાઈ ક્યારે આવશે ? શિખા હસીને જવાબ આપતી, મારી ગુડિયા રાની ! મમ્મી તારા માટે નાનો ભાઈ લાવશે સુંદર. નાનો નાનો તું ખૂબ રમાડજે એને. લિપિ સમજી ના સમજી કરીને રમવા દોડી જતી.

       આમ ને આમ ઉચાટમાં 4 દિવસ વીતી ગયા. હવે આજે રવિવાર પણ હતો. શિખાએ ફોન કરીને આજે મોક્ષને બોલાવી લીધો. કહ્યું, “આજ તમે અહીં જ રહો. દીદીને બહું સારું નથી કદાચ દવાખાને લઈ જવા પડશે.” ડૉ. સુમનને ફોન કરીને શેખરે જણાવ્યું કે, “સુલેખાને ખૂબ જ દુખાવો છે કંઇક વિચિત્ર જ પેઈન થઈ રહ્યું છે. અમને ચિંતા થાય છે.” ડૉક્ટરે નર્સિંગહોમ લઈ આવવા જણાવ્યું. આમ, શેખર-મોક્ષ શિખા-સુલેખાને લઈને નર્સિંગહોમ પહોંચ્યા.

       ડૉ. સુમનનું નર્સિંગહોમ આખા સુરત શહેરમાં પ્રખ્યાત હતું. ડૉ. સુમનનાં હાથે કેટલાય બાળકોનાં જન્મ થયા હતા. તેઓ લકી ગણાતા. એમનું માન પણ ઘણું હતું. વિશાળ નર્સિંગહોમ હતું. લેટેસ્ટમાં લેટેસ્ટ સારવાર અહીં ઉપલબ્ધ હતી સાથે સાથે શેખરનાં મિત્ર પણ હતા. નર્સિંગહોમ પહોંચ્યા બાદ ડૉ. સુમને તરત જ સુલેખાને તપાસી અને મદદનીશ ડૉક્ટરને લિસ્ટ આપી ટેસ્ટ કરાવવા સૂચના આપી. શેખરને દવાઓનું લિસ્ટ આપ્યું અને આશ્વાસન આપ્યું, હમણાં રિપોર્ટ આવી જાય પછી નિર્ણય લઈએ. ચિંતાનું કોઈ કારણ નથી.

       શિખાને ખૂબ જ ચિંતા થઈ રહી હતી. હે ભગવાન, મારી દીદીને કોઈ તકલીફ ના પડે. સહુ સારા વાના થાય ખૂબ જ સુંદર દીકરો આપજો દીદીને સ્વસ્થ રાખજો. મોક્ષ શિખાને આશ્વાસન આપવા લાગ્યો. “તું ચિંતા ના કર,પ્રભુ સહુ સારા વાના કરશે. શ્રદ્ધા રાખ. ચિંતા કરવાથી કાંઈ ના વળે. કાલે સવારે શું થવાનું છે એ ખુદ પ્રભુ શ્રીરામને પણ ખબર નહોતી. ચિંતા કરવાથી તારું સ્વાસ્થ્ય બગડશે.”

       રિપોર્ટ આવ્યા બાદ ડૉ. મુકુલ સાથે ડૉ. સુમને ચર્ચા કરી. એ એમના આસિસ્ટન્ટ ડૉક્ટર હતા. થોડીક ચિંતા ડૉ. સુમનના ચહેરા પર જણાઈ અને ડૉ. મુકુલને કહ્યું, તમે સુલેખાબેનની સોનોગ્રાફી કરાવો. છેલ્લે છેલ્લે ડૉ. સુમનનાં મોં પર વિષાદ અને ચિંતા દેખાયા એટલે શેખરે પૂછ્યું, “ડૉક્ટર, તમે કેમ ચિંતામાં પડ્યા ? કોઈ જોખમ નથીને ? મારી સુલેખાને કોઈ તકલીફ ના થાય. જે જરૂરી હોય એ બધું કરજો જ.” ડૉ. સુમને શેખરને ધીરજ રાખવા જણાવ્યું, “ચિંતા ન કરો. સારું જ થશે.”

       મોક્ષ શિખાનાં મોં સામે જોઈ રહ્યો. શિખાનો હાથ દાબી સંયમ રાખવા જણાવ્યું. “ડૉક્ટર પાસે જ સુલેખાબેન છે તેઓ એમની પાસે જ છે ચિંતાનું કારણ નથી.” શિખા પ્રાર્થના કરવા લાગી, “હે ઈશ્વર, મારી કોખ તો ઉજાડી છે. હવે એક આશ છે દીદીનાં બાળકથી મારો ખોળો ભરું મારા ખોળાનો ખૂંદનાર એ રીતે પણ મને આપ. મારી પ્રાર્થના સાંભળજે. હું પણ યશોદા બનીને માના કોડ પૂરા કરું.” મોક્ષે શિખાને બાંકડા તરફ લઈ જઈને શાંતિથી બેસવા જણાવ્યું. શેખર અંદર ડૉ. સુમન પાસે હતો. મોક્ષ-શિખા બહાર બાંકડા પર બેઠા. હોસ્પિટલમાં લોકોની અવરજવર હતી અહીં ખાસ ભીડ નહોતી. બધાને પ્રવેશ જ નહોતો. ખૂબ જ સ્વસ્છ વાતાવરણ હતું. મોક્ષ-શિખા બાંકડે બેસીને ખુશીના સમાચાર આવવાની રાહ જોતાં બેઠાં.

       મોક્ષ શિખાનું માથું પોતાના ખભા પર ઢાળેલું રાખી એના જ વિચારોમાં ખોવાયો. શિખા સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા. તે પ્રથમ દિવસથી જ યાદો એને તાજી થવાલાગી. શિખા ખૂબ જ શોખીન જીવ, પહેલેથી જ થોડીક જિદ્દી, જે એને જોઇએ એ મેળવીને જ જંપે એવો સ્વભાવ. ભૌતિકવાદી પરિભાષામાં આવે એવી જ. એને ગાડી-બંગલો-નોકરચાકર-હોટલ સિનેમા બધા જ શોખ બધી જ ઇચ્છાઓ. મોક્ષ સાથે પરણ્યા બાદ મોક્ષને કાયમ કહે, “તમે શેખરની જેમ ધંધામાં ઝુકાવો. એ લોકો કેટુંલ બધું સુખ ભોગવે છે. આ પંતુજીની લાઈનમાં શું લેવાનું છે ? તમે હોંશિયાર છો, સ્માર્ટ છો તમે પણ બિઝનેસ કરી શકો.”

       શિખા અવારનવાર મોક્ષ અને શેખરની સરખામણી કરતી. શેખર ખૂબ કમાય છે. વારેવારે પરદેશની ટૂર કરે છે, બાળકોને મોંઘી મોંઘી ગિફ્ટ-કપડાં વગેરે અપાવી શકે છે. સુલેખાબેન મોંઘી સાડીઓ-કપડાં લાવે છે. એમને જોઈને પણ તમને મન નથી થતું એમના બંગલામાં પણ કેટલો ખર્ચો કરે છે બધા શોખ પૂરા કરે છે.

       મોક્ષે શિખાને એકવાર શાંતિથી ખૂબ પ્રેમથી સમજાવી, “મને મારા પ્રોફેશન પર ગર્વ છે. હું સંતુષ્ટ છું. તને ખૂબ સારી રીતે રાખું છું. આપણાં ઘરમાં પણ કોઈ ખોટ નથી. જીવનનું સુખ ફક્ત પૈસામાં કે ભોગ ભોગવવામાં નથી જ. મારા વિચારો જરા અલગ છે. મને મારા જીવનથી, મારા વિચારોથી સંતોષ છે. મને પ્રકૃતિ-કુદરત આર્ટ-સાયન્સમાં રસ છે. જૂના ગ્રંથ-ધર્મ-વેદ-પુરાણ-ઉપનિષદ્ ભણવામાં અને ભણાવવામાં સુખ મળે છે. એ મારી પસંદગી છે. મારી સરખામણી બીજા સાથે કરી તું દુઃખી ના થા. હું આમ જ રહેવાનો. મારા અને તારા માટે સુખની વ્યાખ્યા કે પરિકલ્પના અલગ અલગ છે છતાંય તને કદાપિ પૈસામાં ખોટ નહીં વર્તાવા દઉં.”

       શિખાને મોક્ષનાં સ્વભાવથી વાંધો નહોતો, એ એને ખૂબ જ પ્રેમ કરતો – અવનવી વાતો કરતો, પરંતુ શિખાને એમાં રસ નહોતો, એ કાયમ સુલેખા સાથે પોતાની સરખામણી કરીને દુઃખી થતી. અધૂરામાં પૂરું બે-બે વાર કસુવાવડ થયા બાદ સંતાન માટેની આશા પણ અધૂરી રહી. આમ, એને ગમતું કોઈ સુખ એને ના મળ્યું. મોક્ષ એની નાની-નાની ઈચ્છાઓ અને સગવડો સાચવવા પ્રયત્ન કરતો પરંતુ બધું જ વ્યર્થ....

       સુલેખાનાં ત્રીજા સંતાનથી એનું ઘર ભરાશે, એને માતૃત્વ માણવા મળશે એ જ આશાભર્યા વિચારોમાં તે સ્વર્ગમાં વિહરવા લાગી હતી. બસ એ ઝંખના પૂરી થાય અને એનાં જીવનમાં અનુભવાતી બધી જ ખોટ સરભર થઈ જાય.મોક્ષે પણ શેખર સાથે વાત કરી હતી. સુલેખાબેન અને એનું ત્રીજું સંતાન શિખાને મળશે તો એમનો ઘણો ઉપકાર થશે. શેખરે મોક્ષને કહ્યું હતું, “અમારું સંતાન મારા કે તમારા ઘરમાં ઉછરશે તો કોઇ ફરક નથી. એ આપણા બધાનો પ્રેમ અને કેળવણી – પામશે અમને પણ ખૂબ જ આનંદ છે. શિખાનાં જીવનમાં નવો પ્રાણ પુરાશે, એને સુખ મળશે એનાં સુખમાં આપણાં બધાનું સુખ સમાયેલું જ છેને.” મોક્ષને સંતોષ થયો હતો સાથે સાથે તે જ દિવસથી શિખામાં આશ્ચર્યજનક પરિવર્તન આવેલું. તે ખૂબ આનંદમાં રહેવા લાગી હતી. ગીતો ગણગણતી. મોક્ષ સાથે વાતો કરી બાળક માટેની વાતો એનો ઉછેર, એના અંગેનાં પુસ્તકો લાવવાનું કહેતી. મોક્ષને પણ વાંચવાનું કહેતી જાણે સાવ જ બદલાવ આવી ગયો હતો. મોક્ષ પણ આ કારણે ખૂબ ખુશ હતો.

       મોક્ષ અને શિખાનાં વિચાર અને મહેચ્છાઓમાં ખૂબ જ અંતર હતું છતાં લાગણી અને પ્રેમ એકબીજાની સાચવણીથી સંબંધ ખૂબ જ સરસ હતો. કોઈ ત્રુટિને ક્યારેય હાવી નથી થવા દીધી. જેવો જીવન-સંબંધ મળ્યો તેને નિભાવી રહ્યા હતા ખુશ હતા. મોક્ષને ઘણીવાર થતું, શિખા મને સમજી નથી રહી. એ મારા વિચાર-કલ્પનાઓમાં સાથ નથી આપતી. અગમ-નિગમને માનવા જ તૈયાર નથી. આ સૃષ્ટિથી ઉપર કોઈ સૃષ્ટિ છે, તત્વ છે, ઘણું બધું મોક્ષને કહેવું હોય છે પરંતુ... એનો કોઈ ઉપાય જ નથી. વિધિનાં લેખ છે. કાંઇ પણ થવા પાછળ ચોક્કસ કોઈ કારણ છે જ. એ ફિલોસોફી મોક્ષ ખૂબ માને છે. એ ઘણી વાર શિખાને સાંત્વન આપતો. ઘણી વાતો કરતો. પોતે વાંચેલા ગ્રંથોમાંથી ઉદાહરણ આપી સમજાવતો કે આ જીવનથી ઉપર પણ કોઈ જીવન છે. ફક્ત આમાં રચ્યાપચ્યા રહેવા કરતાં બીજી પણ કોઈ વાતો છે. વિજ્ઞાન છે. શિખાને રસ નહોતો. એ તો મોક્ષને ન કહેવાનું પણ સંભળાવી દેતી. બધામાં બસ મોક્ષ જ જવાબદાર.

       મુખ્ય તપાસખંડની બહાર ચહલપહલ થઈ. શેખર અને ડૉ. સુમન બહાર આવ્યા. મોક્ષ પણ ઉઠીને તેઓની પાસે ગયો. ડૉ. સુમને સોનોગ્રાફીનાં રિપોર્ટ બરાબર જોઈ તપાસીને નિર્ણય કર્યો. સુલેખાનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. બાળક ઊંધુ છે અને બીજા પણ કોમ્પલિકેશન છે. શેખરે ઓપરેશન કરવાની સંમતિ આપી દીધી. બીજા જરૂરી કાગળ પર સહીઓ કરી આપી. ડૉ. સુમનને જણાવ્યું કે બાળક કે સુલેખા ? એવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો સુલેખાને બચાવવી. ઈશ્વર કરે બન્ને સલામત રહે. છતાં ડૉ. સુમનને વિશ્વાસમાં લીધા. ડૉ. સુમને સાંત્વન આપતા કહ્યું બધું જ સારું થશે. તમે બહાર પ્રતિક્ષા કરો, કહી ઓપરેશન થિયેટરમાં ચાલ્યા ગયા. શેખરે મોક્ષને બાજુમાં લઈ જઈને બધી જ વિગતવાર વાત કરી. રિપોર્ટ કહ્યો – થોડી ચિંતાજનક પરિસ્થિતિ છે. તું શિખાને સંભાળી લેજે.

       શિખા તરત જ મોક્ષ અને શેખર પાસે દોડી આવી કહ્યું, “તમારું મોં કેમ પડી ગયું છે ? સુલેખાની તબિયત સારી છે ને ? બાળક સુરક્ષિત છે ને ? શું કોઈ ચિંતા છે ? કેમ બાજુમાં જઈને વાત કરો છો ? શેખર, મને સાચુ કહોને...” એમ કહેતાં તે રડી પડી. મોક્ષ તરત જ શિખાને સાંત્વન આપવા લાગ્યો. થોડીક તબિયતમાં કોમ્પલિકેશન છે પરંતુ ડૉ. સુમન એ ઓપરેશન સફળતાપૂર્વક કરશે. આજ સુધી એમનાં હાથે કોઈ કેસ બગડ્યો નથી. બાળક ઊંધું છે તેથી તાત્કાલિક ઓપરેશન કરી બાળકનો જન્મ કરાવશે તું ચિંતાના કર. ઈશ્વરને પ્રાર્થના કર.”

       શિખા ધીરજ નથી રાખી રહી, એ ડૉ. સુમનની કેબિન તરફ જવા લાગી ત્યાં નર્સે કહ્યું, “સર તો ઓપરેશન થિયેટરમાં છે. તમે ચિંતા ના કરો. તમારાથી અંદર નહીં જઈ શકાય.”મોક્ષ દોડીને શિખાને પાછી વાળવા મનાવવા ગયો. શિખાનું હદય જોર જોરથી ધડકી રહ્યું છે. એને વહેમ પડ્યો છે ચોક્કસ કંઈક ગરબડ છે. આ લોકો મારાથી કંઈક છૂપાવી રહ્યા છે. એ ખૂબ જ રડી રહી...

       ઓપરેશન થિયેટરમાં ચહલપહલ વધી ગઈ. મદદનીશ ડોક્ટર મુકુલ – બે નર્સ – બહાર-અંદર અવરજવર કરતા હતા. પછી શેખરને અંદર બોલાવ્યો. શેખર અંદર ગયો. મોક્ષ શિખાને સાચવીને બેઠો. શિખા અંદર જવા જિદ કરતી હતી. એ બેબાકળી બની ગઈ હતી. એનું દિલ જોર જોરથી ધડકી રહ્યું છે. કંઇક અજુગતું બની ગયું છે એવો ડર પેસી ગયો. એટલામાં જ શેખર અંદરથી બહાર આવ્યો. મોક્ષને કહ્યું, “સુલેખા સ્વસ્થ છે. ચિંતા કરવા જેવું નથી. હવે થોડાક સમયમાં ડૉક્ટર બહાર આવીને જણાવશે. એક જ ખોટું થયું છે – સુલેખાનાં બાળકને બચાવી નથી શકાયું.” શેખરનાં મોઢેથી મોટું ડૂસકું નીકળી ગયું.

       આ સાંભળતા જ શિખાને ચક્કર આવવા લાગ્યા. મોક્ષ હવે શેખરને સાંત્વન આપે કે શિખાને સાચવે. શિખાએ ભાન ગુમાવ્યું – શરીર સમતોલ ના રાખી શકી અને મોક્ષનાં હાથમાં જ ઢળી પડી. મોક્ષે એને ઊંચકી લીધી – શેખર પણ સ્વસ્થ થઈને નર્સ અને ડૉક્ટરને બોલાવવા દોડ્યો. એટલામાં જ ડૉ. સુમન બહાર આવ્યા. શિખાની સ્થિતિ જોઈને તાત્કાલિક બાજુના રૂમમાં બેડ પર સૂવાડવા સૂચના આપી. શિખાની સારવાર કરવા લાગ્યા. થોડાક જ કલાકમાં બધી જ પરિસ્થિતિ બદલાઈ ગઇ.

*

       આજે દસ દિવસ થઈ ગયા હતા. સુલેખાને પણ નર્સિંગહોમમાંથી રજા મળી ગઈ હતી. સુલેખાનું રુદન માતુ નહોતું. તે ખાલી હાથે, ખાલી ખોળે પાછી આવી હતી. પોતાની લાડકી બહેનનો ખોળો ભરવાની ઇચ્છા અધૂરી રહી હતી. શિખા પણ સુલેખાનાં ઘરે જ હતી. બંને બહેનો સાથે હતી. સુલેખા શિખાને સાંત્વન આપી રહી હતી. શિખાની આંખો રડી રડીને કોરી થઈ ગઈ હતી. બંને બહેનો કુદરત સામે સાવ નિરાધાર હતી. સુખની જગ્યાએ દુઃખે ડેરા નાખ્યા હતા. કોણ કોને સમજાવે ? શેખર અને મોક્ષે બંનેને સાંત્વન આપ્યું કુદરતનાં નિર્ણય સામે આપણે શું કરી શકીએ ? કુદરતનો નિર્ણય માથે ચઢાવવો જ પડે. આમ ને આમ બે મહિનાનો ગાળો વીતી ગયો.

       શિખાને ઘરે લાવ્યા બાદ એની ખૂબ જ સંભાળ રાખવા લાગ્યો. મોક્ષે એક મહિનાની રજા મૂકી દીધી હતી. એના માટે શિખાનું સ્વાસ્થ્ય જ અગત્યનું હતું. રજાઓ પૂરી થયા બાદ મોક્ષને લાગ્યું શિખા સંપૂર્ણ સ્વસ્થ નથી, હજી એ આઘાતમાંથી બહાર નથી આવી. યશોદાબેન જે રસોઈ કરવા કામકાજ કરવા આવતા હતા તેમને કહ્યું મારે કૉલેજ જવું પડશે, હવે તમે શિખાને સાચવજો હું વહેલો ઘરે આવી જઈશ. શિખા સાવ સૂનમૂન થઈ ગઈ છે. ના કોઈ ટકોર ના કોઈ રસ. આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા છે, શરીર કૃશ થઈ ગયું છે. રૂમમાંથી બહાર જ નથી નીકળતી. મોક્ષે ઘણીઁવાર કહ્યું, બહાર વરંડામાં આવીને ખુલ્લામાં બેસ, સારું લાગશે પરંતુ એને મળેલો આઘાત તે પચાવી જ નથી શકી. મોક્ષ એને જોઈને ખૂબ જ દુઃખી થતો, નિસાસા નાખતો. શિખાનાં મોંમાં બે કોળિયા નાખતો પરંતુ એનામાં કોઈ સંચાર જ નહોતો થતો. શેખર-સુલેખા પણ અવારનવાર આવીને સમજાવતા પરંતુ પરિણામ શૂન્ય જ હતું.

       રજાઓ પૂરી થયા બાદ આજે મોક્ષને કૉલેજ જવું પડે એવું હતું. યશોદાબેનને જરૂરી સૂચનાઓ આપીને મોક્ષ શિખા પાસે ગયો અને કહ્યું, “આપણો આ ખાલીપો ક્યારેય પુરાવાનો નથી. તું આ સ્વીકારી લે. શા માટે જીવની દુશ્મન બની છું. જો શિખા, નવરાત્રી નજીક આવે છે તને ખૂબ જ શોખ છે ને ગરબાનો ? તારા માટે હું નવા ચણિયાચોળી અને મારા માટે પણ નવા વસ્ત્ર લઈ આવીશ. હું અનુષ્ઠાન રાખીશ – ખૂબ ગરબા ગાઈશું મજા કરીશું. તને જેવો રંગ-ભરત ગમે એવા ચણિયાચોળી લઈ આવું. મોર પોપટ ભરેલા લાવવા છે ? તારી ખૂબ જ ઈચ્છા હતીને.” શિખાએ કોઈ પ્રતિભાવ જ ના આપ્યો. સૂનમૂન મોક્ષ સામે કોઈ હાવભાવ વિના ટગર ટગર જોતી જ રહી. આંખનો એક પલકારો પણ ના માર્યો. મોક્ષ ને જડવત્ થઈ ગયેલ જોતો જ રહ્યો. મોક્ષે એને કહ્યું નવરાત્રીમાં માની પૂજા-દીવા-ધૂપ તો કરીશને તને તો ખૂબ જ શ્રદ્ધા છે. શિખાને યશોદાબેન પાસે મૂકી મોક્ષ કૉલેજ જવા નીકળ્યો. નવરાત્રીના પહેલા દિવસે શિખા સ્નાનાદિ પરવારીને પૂજા રૂમમાં આવી. શિખાએ ધૂપ-દીપ ધર્યા. મા સામે માથું નમાવ્યું. પ્રાર્થના કરવા લાગી. દીવો લઈને તુલસી ક્યારે મૂક્યો. આટલા દિવસમાં પ્રથમવાર બહાર આવી. એટલામાં એને ના સમજાય એવી ગભરામણ થવા લાગી – એની છાતીં ભીંસાવા લાગી. એનાં રૂમમાં આવી. એનાથી બૂમ નહોતી પડાતી. આખા શરીરમાં ખૂબ અશક્તિ આવી ગઈ. પરસેવો ખૂબ છૂટી રહ્યો હતો જાણે પાણીનાં નળ છૂટા મૂકાયા. એ નીચે ફસડાઈ પડી. એ મોક્ષને બૂમ પાડવા ગઈ. દબાયેલા અવાજે બૂમ પાડી પણ મોક્ષે ન સાંભળી મોક્ષ કૉલેજ જવાની તૈયારી કરી રહ્યો હતો. એ કંઈક અવાજ સાંભળીને શિખાના રૂમ તરફ નજર કરીને દોડ્યો, હાથમાંથી પુસ્તકો છૂટી ગયા. શિખાને બૂમ પાડી. શિખાને ફર્શ પર ફસડાઈ પડેલી જોઈને ગભરાયો. શિખા બેહોશ થઈ ગઈ હતી. આખું શરીર પરસેવાથી ભીનું હતું. ઠંડુ પડી રહ્યું હતું એણે શિખાને ઊંચકી બેડ પર સૂવાડી. ખૂબ ગભરાઈ ગયો હતો. એણે તરત ડૉ. સુમનને ફોન જોડ્યો. તાત્કાલિક ઘરે આવવા વિનંતી કરી અને શિખાની પરિસ્થિતિ સમજાવી. ડૉ. સુમને તરત આવું છું કહી ફોન મૂક્યો. ડૉ. સુમનની શહેરમાં મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ છે.

       ડૉ. સુમને ઘરે આવીને શિખાને તપાસી અને પોતાના મિત્ર ડૉ. ભાટીને ફોન કર્યા. ડૉ. ભાટી હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે. ડૉ. સુમને મોક્ષને કહ્યું, “મને સીવીયર હાર્ટએટેક લાગે છે. મારા દવાખાને લઈ લો - ડૉ. ભાટી પણ ત્યાં પહોંચે છે. મારા દવાખાનામાં બધી વ્યવસ્થા મળી રહેશે.” મોક્ષે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી શિખાને ડૉ. સુમનનાં દવાખાનામાં દાખલ કરી. શેખર અને સુલેખા પણ આવી ગયા. શિખાને ડૉ. સુમનનાં ICU વિભાગમાં દાખલ કરી. ડૉ. ભાટી પણ આવી ગયા અને તાત્કાલિક સારવાર ચાલુ કરી. શિખાની સ્થિતિ નાજુક છે તેમ જણાવયું. ડૉ. ભાટીએ મોક્ષને સ્પષ્ટ કહ્યું, “છેલ્લામાં છેલ્લી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. કેસ સીવીયર છે કંઈ કહેવાય નહીં. ઈશ્વરનો જ ભરોસો છે.” મોક્ષ ખૂબ વ્યથિત થઈ ગયો. એ પોતાનાં જીવનમાં પ્રથમવાર ખૂબ અસહાયતા અનુભવી રહ્યો. મોક્ષે ડૉ. ભાટીને હાથ જોડીને કહ્યું, એમનાં પગમાં જ પડી ગયો, “તમે કંઇ પણ કરો, મારી શિખાને બચાવી લો. ગમે તેટલો ખર્ચ થાય જે સારવાર કરવી પડે તે કરો પરંતુ મને તમે નિરાધાર ના બનાવશો. શિખા જ મારા જીવનનો આધાર છે.”ડૉ. ભાટી કહે, “મોક્ષ તમે સમજો જ છો. અમે શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છીએ એમાં કાંઈ જ કચાશ નથી રાખી. તમે શાંત થાવ.” શેખર અને સુલેખા મોક્ષને આશ્વાસન આપવા લાગ્યા. ઈશ્વર સારું જ કરશે. સુલેખા ખૂબ રડી રહી છે. આ 2/3 મહિનામાં અમારા કુટુંબમાં શું થઈ રહ્યું છે ? કોની નજર લાગી ગઈ છે ? શિખા, તને કંઇ જ નહીં થાય. શિખા પહેલી કસુવાવડ – બીજી પછી મૃતબાળકના આઘાતમાંથી બહાર નથી આવી ત્યાં પોતાનાં બાળક આપવાનો સઘિયારો આપ્યો ત્યારે તે પણ મૃત્યું પામ્યું. શિખાની ઈચ્થા મનમાં જ રહી ગઈ. એ આ છેલ્લો આઘાત પચાવી ના શકી. એક આઘાતમાંથી સ્વસ્થ થયા પહેલાં જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું. મોક્ષ પણ એને ખૂબ સાચવી રહ્યો હતો. મોક્ષ પોતાનો અભ્યાસ-પ્રોફેશન કે કોઈ જરૂરિયાત કંઈ પણ યાદ કર્યા વિના નાના બાળકને સાચવે એમ શિખાની કાળજી લઈ રહ્યો હતો. સવાર-સાંજ-રાત ફક્ત શિખા એના ધ્યાનમાં હતી. શિખાને લેખો વંચાવતો, રમૂજી વાતો કહેતો, ગીતો ગાઈને સંભળવાતો પરંતુ શિખાને જાણે કશામાં રસ જ નહોતો રહ્યો. એ એક જડ પ્રતિમા બનીને રહી ગઈ હતી.

       ડૉ. ભાટીનાં ફોન આવ્યા બાદ શેખર અને સુલેખા હોસ્પિટલે દોડી આવ્યા. મોક્ષ તો શિખા સાથે ત્યાં જ રોકાયેલો હતો. સુલેખા મોડી રાત સુધી તો ત્યાં હતી જ પરંતુ બાળકો માટે થઈને ઘરે ગયેલી – પરંતુ ફોન આવતા જ પાછી દોડી આવી. ડૉ. ભાટીએ શેખર – સુલેખા – મોક્ષને કહ્યું, “આટલો શ્રેષ્ઠ સારવાર પછી પણ એમનું બોડી રિસપોન્સ નથી કરી રહ્યું, હવે ખાસ સમય નથી એમની પાસે એટલે મારે તમને બોલાવવા પડ્યા.” મોક્ષ તો સાંભળીને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો.

       એ દોડીને શિખા પાસે આવી ગયો. શિખાને હચમચાવી નાખી, બોલને શિખા કેમ બોલતી નથી ? શિખાની આંખો સજળ થયેલી જોઈ ટીકી ટીકીને જોતી હોય એમ ડૉ. ભાટીએ તો કહ્યું હતું સમય ઓછો છે. પરંતુ સમય જ ક્યાં છે ? શિક્ષા તો બધાને છોડીને ચાલી જ ગઈ છે. ડૉ. ભાટીએ શિખાની આંખો બંધ કરી કહ્યું, કશું જ નથી હવે. મોક્ષના ખભે હાથ મૂકીને કહ્યું ખૂબજ પ્રયત્ન કર્યો પરંતુ ઈશ્વરની ઇચ્છા સામે વિજ્ઞાન પણ કંઈ જ કામનું નથી માફ કરજો. સુલેખા શિખાને વળગીનો ખૂબ રડવા લાગી. શિખા બોલ – તું મોક્ષ માટે બોલ ? કોના આશરે છોડીને ગઈ તું ? હે ઇશ્વર ! આ તેં શું કર્યું ? શેખર સુલેખાને સમજાવવા લાગ્યો. મોક્ષ તો મીણની મૂર્તિ બની રહ્યો. બંને આંખમાંથી અશ્રુધારા વહી રહી છે. એ આ સત્ય માની જ રહ્યો નથી. શેખર મોક્ષ પાસે જઈને કહ્યું. મોક્ષ-સંભાળ તારી જાતને... મોક્ષ શેખરને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. કાબૂ છૂટી ગયો. ખૂબ રડ્યો. શેખર, આ શું થઈ ગયું ? હું કેવી રીતે જીવીશ ? સાવ ખાલીપો કરી ગઈ. ખૂબ જ શાંતિ છવાઈ ગઈ. ડૉ. ભાટી - ડૉ. સુમન બધાએ મોક્ષને આશ્વાસન આપ્યું. રૂમની બહાર લાવી સમજાવ્યા તમારે આ પરિસ્થિતિનો સામનો કરવો જ પડશે. સ્વસ્થ થાવ. મોક્ષને પીવાનું પાણી આપ્યું.

       શેખર-મોક્ષ-સુલેખા બધા શિખાનો નશ્વર દેહ લઈને ઘરે આવ્યા. અંતિમક્રિયા કરવાની વ્યવસ્થા કરવા લાગ્યા. શેખરે મિત્રો-સગાંવહાલાં બધાને જાણ કરી મોક્ષનાં પક્ષે તો કોઈ હતા જ નહીં – પરંતુ શિખા-સુલેખાનાં માતા-પિતા-પડોશી વગેરેને બોલાવી લીધા – કોઈના માનવામાં ના આવે એવું બની ગયું હતું. મોક્ષની આંખમાં આંસુ સૂકાતા નહોતા. કુદરતે કાળો કેર વર્તાવ્યો મારા જીવનમાં. એ પોતાનું જીવન સાવ અસહાય અને ખાલી અનુભવી રહ્યો.

       શિખાના મૃત્યુ પછી હવે લગભગ 25 દિવસ ઉપર થઈ ગયા છે. મોક્ષ કૉલેજમાં શિખાની બિમારીમાં એક મહિનો રજા લીધી હતી. હવે બીજા દિવસ વિધિ વિધાનમાં ગયા. એ પોતાના વરંડામાં સૂનમૂન બેઠો છે. સગાંવહાલાં પણ પોતપોતાનાં વ્યવસાય કામકાજ રૂટિનમાં વળી ગયા છે. શેખર-સુલેખા પણ હવે ઓછા આવે છે. મોક્ષને પોતાનાં ઘરે લઈ જવા કહ્યું પરંતુ મોક્ષે ના પાડી. શિખાના માતાપિતાએ મોક્ષ સાથે રહેવા કહ્યું તોય મોક્ષે નમ્રતાથી ના પાડી. તમારી ઉંમર ઘણી છે તમે ગામ જાવ હવે આ જ મારી નિયતિ છે. હું આમ જ જીવી લઇશ ચિંતા ના કરશો. ઘરમાં શિખા હતી ત્યારથી યશોદાબેન તો છે જ, એ રસોઈ બનાવી જાય છે, ઘરના બધા કામ પણ સંભાળી લે છે. મોક્ષને કોઈ અગવડ નથી મોક્ષ છેલ્લા ચાર માસ દરમિયાન પોતાના જીવનમાં થઈ ગયેલી ઘટમાળ યાદ કરી રહ્યો. જાણે પોતાનું જીવન આ ચાર માસમાં જ સમેટાઈ ગયું એવું લાગ્યું. શિખાને સુલેખાબેનનું સંતાન મળવાનું હતું. એની શિખાને ખુશી આવનાર સંતાન માટેની એની ચાહત – ખરીદી – રૂમમાં સુશોભન – સુલેખાના ઓપરેશનની વિધિ– સંતાન બચાવી ના શકાયું – શિખાને આઘાત – બીમાર – બસ જાણે બધું જ થંભી ગયું. ફાઈનલ રિઝલ્ટ પૂરું કુદરતની લીલા સમજી ના શક્યો.

       મોક્ષ સમય જતાં ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો હતો. કૉલેજમાં-પુસ્તકોમાં વધુ ને વધુ ઇન્વોલ્વ થઈ રહ્યો હતો. સાંજે-રાત્રે અવિનાશનાં ઘરે જતો અથવા અવિનાશ ઘરે આવતો. કેરમ રમતાં – કાવ્ય ગોષ્ઠી કરતાં. આમ, ધીમે ધીમે ભૂતકાળની સ્મૃતિમાંથી બહાર નીકળી રહ્યો હતો. આજે કૉલેજમાં આવી નરસિંહકાકાની ચા પીવા બેઠેલો અને પાછળથી બૂમ સંભળાઈ – પ્રો. મોક્ષ આપને સ્ટાફરૂમમાં બોલાવે છે. મોક્ષ બધા વિચારો ખંખેરીને સ્વસ્થ થયો. નરસિંહકાકાને ચાના પૈસા ચૂકવી સ્ટાફરૂમમાં ગયો. સ્ટાફરૂમમાં મિસ પંડ્યા મોક્ષની રાહ જોતા હતા. મિસ પંડ્યા કૉલેજમાં સીનિયર પ્રોફેસર છે. તે અપરિણીત છે. તેઓનું ટેબલ સ્ટાફરૂમમાં મોક્ષની બાજુમાં જ છે. મોક્ષે આવીને મિસ પંડ્યાને સસ્મિત કહ્યું, “નમસ્કાર મિસ પંડ્યા. બોલો, મને કેમ યાદ કર્યો ? તમે મારા વડીલ સમાન છો. શું કહો છો ?” મિસ પંડ્યા કહે, “તમે રજા પરથી પાછા આવી ગયા પછી મારે રજા પર જવું પડેલું. મેં તમને મારા પુસ્તક વાંચવા આપેલા એ પાછા માંગી રહી છું. આશા છે તમે વાંચી લીધા હશે.” મોક્ષ કહે, હા વાંચી લીધા છે. મારા ડ્રોઅરમાં જ છે. હાલ જ આપને પાછા આપું. કહીને ડ્રોઅરમાંથી પુસ્તક કાઢીને આપ્યા. મિસ પંડ્યા એકલપંડા છે. લગ્ન કર્યા નથી. માબાપની સેવા કરે છે. ઈગ્લિશ લિટરેચર ભણાવે છે. પરંતુ ગુજરાતી નોવેલો વાંચવાનો પણ ખૂબ શોખ છે. કૉલેજમાં ઘણા વર્ષોથી છે સૌથી સીનિયર છે. પ્રો. મોક્ષ સાથે એમને સારું બને છે. મોક્ષ સાથે સિનેમા, પોલિટિક્સ, લિટરેચર, કવિતાઓ બધા વિષયો પર વાત કરે છે. કૉલેજનો વાર્ષિક અંક બનાવવા બંને સાથે મળીને સેવા આપે છે અને રસપ્રદ અંક બનાવે છે.

       મિસ પંડ્યા અને મોક્ષ વાર્ષિક અંક ઉપર કોઈ ચર્ચા કરી રહ્યા હતા અને એકદમ જ સ્ટાફરૂમમાં 2-3 છોકરીઓ અંદર આવી. એમની વાતો કરવાનો અને હસવાનો અવાજ આવ્યો. એમાં હેતલ, મનસા, ફાલ્ગુની હતી. તેઓ બોલતા બંધ થઈ પ્રો. મોક્ષ તરફ આવ્યા. મોક્ષે મનસાને જોઈ. જોતા રહ્યા. પોતાનું કહેલું યાદ આવ્યું. કંઇ કામ કે નોટ્સ જોઈએ તો આપવા અંગે. મનસાને આવીને કહ્યું,  “સર મારે છેલ્લા ચાર દિવસની નોટ્સ જોઈએ છે. હેતલ પાસે પણ નથી.” મોક્ષે ડ્રોઅર ખોલીને ફુલસ્કેપ પેપર્સમાં લખેલી નોટ્સ મનસાને આપી અને બે દિવસમાં પરત આપી જવા જણાવ્યું. મનસાએ હકારમાં માથું ધુણાવ્યું.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ