વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

શુદ્ધિ આર્યન અમારી એક નાનકડી ભેંટ છે આપણી ફિલ્મઇન્ડસ્ટ્રીને. આમાં પ્રેમ છે, ગીતો છે, લાગણીઓ છે અને ભરપૂર પ્રેમ છે, અને હા, વરસાદ પણ છે. આશા છે કે અમારો આ પ્રયાસ આપને ગમશે. જો આપને આ વાંચી કોઈ ફિલ્મની સીચ્યુંએશન યાદ આવે કે કૈંક જાણીતું લાગે તો એ અમારા પ્રયાસનો એક ભાગ જ છે. પ્રેરણા લીધી છે પરંતુ તમામ પાત્રો, સ્થળ અને અન્ય સઘળી વસ્તુઓ કાલ્પનિક જ છે. 

 

 

૨૦૦૫ જૂન, દાર્જીલિંગ એક્સપ્રેસ

૯ વર્ષીય શુદ્ધિએ ટ્રેનની બહાર હાથ કાઢ્યો અને વરસતા વરસાદના ટીપાં હથેળીમાં ઝીલ્યા. ટ્રેને અચાનક જોરથી વ્હીસલ માર્રી અને એક તીવ્ર વળાંક લીધો. વરસાદની વાછટ એને ભીંજવી ગઈ. એ ખીલખીલાટ હસી પડી. નિસર્ગ આ જોઈ રહ્યો અને ખડખડાટ હસી પડ્યો. એને ખબર હતી કે એની એકની એક દીકરીને વરસાદ બહુ જ ગમતો. સ્ટેશન આવવાનું હોવાથી ટ્રેન એકદમ ધીમી પડી ગઈ હતી. નાનકડી શુદ્ધિએ બારીમાંથી જોયું તો ટ્રેનના પાટાની બાજુમાં ભરાયેલા ખાબોચિયામાં એક છોકરો કાગળની હોડી બનાવી બનાવીને મૂકી રહ્યો હતો. શુદ્ધિના હૃદયમાં અનોખું સંવેદન જાગ્યું. જાણેકે એ બોલાવતી હોય એમ એ છોકરો અચાનક એની સામે જોઈ રહ્યો. બનેની આંખો મળી અને સ્મિતની આપ લે થઇ. એ છોકરાએ દોડીને શુદ્ધિની બહાર ફેલાયેલી હથેળીમાં એક કાગળની હોડી મૂકી દીધી. ટ્રેન આગળ વધી ગઈ.

‘આર્યન, બેટા, ચાલો બહુ થયું હવે.” પ્રયાગનો અવાજ આવ્યો. ૯ વર્ષીય આર્યન એકીટશે બારીની બહાર દેખાતા ટ્રેન સાથે દૂર જઈ રહેલા હાથમાં રહેલી એની હોડીને જોઈ જ રહ્યો હતો. એ સ્મિત અને ડાબા ગાલે પડતું ખંજન એની અંદર કૈંક સ્પંદનો જગાડી ગયું ! એણે બાકી રહેલી હોડીઓને એક થેલીમાં ભરી દીધી અને પ્રયાગનો હાથ પકડીને એ ધીરે ધીરે સ્ટેશન તરફ આગળ વધ્યો.

*

૨૦૧૧ – જૂન – દાર્જીલિંગ એક્સપ્રેસ

વરસાદે જોર પકડ્યું, બારીની અંદર વાછટ આવી રહી હતી.

“બેટા, બારી બંધ કરી દે, પલળી જઈશ” નિસર્ગની અવાજ આવ્યો.

૧૫ વર્ષીય શુદ્ધિ બારીની બહાર હથેળી કાઢીને વરસાદના ટીપાઓ ઝીલી રહી હતી. એણે સૂચક રીતે એના પાપા સામે જોયું અને હસી પડી. એ જ્યારે જ્યારે હસતી ત્યારે એના ડાબા ગાલમાં ખંજન પડતું. બિલકુલ એની મા જેવું ! એના પાપાએ ગીટાર કાઢ્યું અને એક મધુર ધૂન છેડી “રીમઝીમ ગીરે સાવન, સુલગ સુલગ જાયે મન...” નિસર્ગનો અવાજ મધુરો હતો. શુદ્ધિએ આંખો બંધ કરી દીધી. એને ખબર હતી કે એના પાપાની આંખોમાં ભીનાશ હશે જ. આ જ ગીત એ ઘણીવાર એની મા ને પણ સંભળાવતા.

ટ્રેન હવે એકદમ ધીમી પડી ગઈ હતી. સ્ટેશન નજીક આવી રહ્યું હતું.

વરસતા વરસાદમાં શુદ્ધિ આંખો બંધ કરીને બહાર હાથ કાઢીને બેઠી હતી અને એકદમજ એણે આંખો ખોલી. અચાનક એનાં કાનોમાં વાંસળીનો મધુર ધ્વની સંભળાયો. એણે આંખો ખોલી જોયું તો સામે એક મકાઈની રેકડી હતી અને એની બાજુમાં એક ઊંચો લગભગ ૧૫-૧૬ વર્ષનો યુવાન આંખો મીંચીને વાંસળી વગાડી રહ્યો હતો. શુદ્ધિ જાણેકે મોહિત થઇ ગઈ હોય એમ એની સામે જોઈ જ રહી. છ ફૂટ કરતા વધુ ઊંચાઈ, ગોરો વાન, વાંકડિયા લાંબા વાળ, વિશાળ કપાળ, લાંબુ તીખું નાક, વાંસળીમાં ફૂંક મારતી વખતે વંકાતા હોઠો અને મધુર સ્મિત, એ બસ જોઈ જ રહી. વરસતા વરસાદમાં એના વાળ ખભે ચોંટી ગયા હતા. એણે જુનું પીળા કલરનું ટી શર્ટ અને નીચે જીન્સ પહેર્યું હતું. એ આખો પલળી ગયો હતો. સહસા એણે આંખો ખોલી અને એની નજર એને એકીટશે તાકી રહેલી શુદ્ધિ સામે પડી. એના હોઠો પર એક મધુર સ્મિત આવ્યું. શુદ્ધિએ શરમાઈને નજર નીચી કરી દીધી.

એક વ્હીસલ વાગી અને ટ્રેન આગળ નીકળી ગઈ.

‘એક બાર વક્તસે, લમ્હા ગીરા કહી, વહાં દાસ્તાં મિલી, લમ્હા કહી નહિ

થોડાસા હંસાકે, થોડાસા રુલાકે, પલ યે ભી જાને વાલા હૈ’......

નિસર્ગના કંઠેથી મધુર સુરો વહી રહ્યા હતા અને શુદ્ધિના હૃદયમાં કોઈની વાંસળીની મધુર ધૂન!

*

એન્જલ નર્સિંગ કેર – દાર્જીલિંગ

નિસર્ગે શુદ્ધિનો હાથ પકડ્યો. શુદ્ધિએ એક સ્મિત કર્યું અને એના પાપાનો હાથ મજબૂતીથી દબાવ્યો. એન્જલ નસિંગ કેર એક વિશાળ પરિસરમાં આવેલી હોસ્પિટલ હતી. અહિયાં માત્ર અમુક ખાસ કેસ જ લેવામાં આવતા. જેમને સતત મેડીકલ સહાયની જરૂર ના હોય પણ રોજેરોજ દેખરેખ રાખવી પડે એવા લોકો અહી આવતા. કોમામાં સરકી પડેલા, અસાધ્ય રોગથી પીડાતા એવા લગભગ ૪૦ પેશન્ટ અહી હતા. એક પહાડી પર સર્પાકાર વણાંકો ધરાવતા રસ્તા પર એન્જલ નર્સિંગ કેર આવેલું. અહિયાં આવવું હોય તો દાર્જીલિંગ સુધી ટ્રેનમાં આવવું પડતું અને પછી ટેક્સી કે ઘોડો કરીને જ અહી આવી શકાતું.

વિશાળ વૃક્ષોની વચ્ચે ઘેરાયેલું નર્સિંગ હોમ ફાઈવસ્ટાર ફેસેલીટી ધરાવતું. અહિયાં શ્રીમંત લોકોને જ સારવાર પરવડતી. ૪ માળના મકાનમાં પેશન્ટને એની કંડીશન પ્રમાણે રાખવામાં આવતા.

શુદ્ધિ અને નિસર્ગ બીજા માળે આવેલા છેલ્લા રૂમમાં પહોંચી ગયા. સાગના લાકડા પર અત્યંત બારીક નકશીકામ કરેલો મોટો દરવાજો અત્યારે ખુલ્લો હતો. હવામાં ભેજ હતો. વરસાદ થોડો સમય પહેલા જ પડી ચુક્યો હતો. બપોરના ૪ વાગે પણ અંધારું થઇ ગયું હોય એવું વાતાવરણ હતું. દરવાજાની બહાર એક ખુરશી પર શુદ્ધિ બેસી ગઈ. નિસર્ગે સૂચક નજરે એની સામે જોયું, એક ઊંડો નિઃશ્વાસ નાખ્યો અને અંદર જતો રહ્યો.

વિશાળ ઓરડામાં સફેદ પલંગ પર એક જીર્ણ આકૃતિ ધીમા ધીમા શ્વાસ લઇ રહી હતી. બાજુમાં બેઠેલી નર્સે નિસર્ગ સામે એક ફિક્કું સ્મિત કર્યું અને એની આંખોમાં રહેલો સવાલ જાણેકે વાંચી ગઈ હોય એમ નકારમાં ડોકું ધુણાવ્યું. નિસર્ગ માટે આ નવું નહોતું. અસંખ્ય વાર આવી જ રીતે એક પણ શબ્દ બોલ્યા વગર સવાલ જવાબની આપ લે થતી અને નકારમાં જ ડોકું ધુણાવામાં આવતું.

નિસર્ગ પલંગની બાજુમાં પડેલી હાઈચેર ઉપર બેસી ગયો. એકીટશે એ ફોરમને જોઈ જ રહ્યો. ‘ફોરમ’ ! નામ છે પણ ખુશ્બુ ઉડી ગઈ છે ! એ મનમાં જ વિશાદયુક્ત હસી પડ્યો. લગભગ છેલ્લા દસ વર્ષથી એ કોમામાં હતી. એ જુક્યો અને એની પ્રિય પત્નીના ખરબચડા હોઠ ઉપર એણે એક ચુંબન કર્યું અને એની છાતી પર માથું મુક્યું. હા, હૃદય ધડકી રહ્યું હતું, જાણેકે એના ધીરે ધીરે ઓગળી જતા અસ્તિત્વની સાક્ષી પુરાવતું હોય.

નિસર્ગે સંવાદ સાધ્યો :

“એય, કેમ છે ?”

અને જાણે કે એને ઊંડા કુવામાંથી આવતો હોય એવો અવાજ સંભળાયો.

“હાઈ હેન્ડસમ, તું કેમ છે ? મારી ચકલી શું કરે છે ?”

“બહુ સુતી હો તું ! યાર, આટલું બધું ? થોડીક તો શરમ કર, સાલું કૈંક માપ હોય”

ખડખડાટ હસવાનો અવાજ આવ્યો અને હૃદય હજુ જોરથી ધડકવા લાગ્યું.

“આરામમાં છું, તું મારી ચિંતા ના કર, મારી વ્હાલી આવી છે ?”

“હા, આવી છે, બહાર બેઠી છે તારી ચકલી. અહી તારા હૃદયની સાથે સૂર મિલાવતો હું સૂરદાસ બેઠો છું એની ખબર પૂછ ને છાનીમાની”

ફરીથી હૃદયમાંથી એક ઊંડો નિઃશ્વાસ નીકળ્યો.

“બહુ ઊંચી થઇ ગઈ હશે નહિ ? મારાથી પણ ઊંચી ? કેવી દેખાય છે ? એને મોકલને અંદર, મારે એને જોવી છે !”

“એ મૂડ આવશે તોજ અંદર આવશે, તારી વ્હાલી. બીજું બોલ, કોઈ તકલીફ ?”

“ના રે ના, જલસા છે, આખો દિવસ આરામ, નાકથી પ્રવાહી અંદર આવે, એ પોષણ આપે એટલે હૃદય ધડકતું રહે છે, બાકી આ નર્સ ચિબાવલી આખો દિવસ મારી સામે મોબાઈલ પર બેઠી બેઠી લૂડો રમે રાખે કે એના બોયફ્રેન્ડ જોડે વાહિયાત વાતો કરે રાખે. હા, ડોક્ટર હેન્ડસમ છે હો ! સાલું આમ હાથ પકડે તો શરીરમાં ઝણઝણાટી થઇ જાય ! રૂંવાડા ઉભા થઇ જાય.” હૃદય વધુ જોરથી ધડકવા લાગ્યું.

“સાલી તું નહિ સુધરે, બસ ફલર્ટ કરે રાખ જે હાથમાં આવે એની જોડે. ચાલ હું ચાલ્યો” નિસર્ગ આંખો મીંચીને આભાસી વાતચીત કરે રાખતો હતો.

“અરે મારા શોનુ, બબૂને ખોટું લાગ્યું ? સોરી બસ ? હવે નહિ ફલર્ટ કરું, પણ એને બદલી ના નાખતો, મજ્જાનો છે એ...” હૃદય ખડખડાટ હસી પડ્યું.

નિસર્ગે આંખો ખોલી અને એનું માથું ઊંચું કર્યું. એ આશામાં કે ફોરમના મુખ પર સ્મિત હશે ! છેલ્લા ૧૦ -૧૦ વર્ષોથી એ આવી જ રીતે આવીને એની છાતી પર માથું મૂકીને આભાસી વાતચીત કરતો. ફોરમ વતી પણ એ જ જવાબ આપતો. જાણે કે એની ફોરમ જ એની સાથે વાતચીત કરતી હોય. એણે ફોરમના કપાળે હાથ મુક્યો. એની આંખોમાં આંસુ આવી ગયા. અચાનક એના ખભે કોઈનો હાથ પડ્યો. એણે ચોંકીને પાછળ જોયું તો શુદ્ધિ ઉભી હતી. નિસર્ગ ઉભો થઇ ગયો અને શુદ્ધિ એની જગ્યાએ બેસી ગઈ. એ એકીટશે એની સુંદર પણ રોજ રોજ પાનખરની ઋતુમાં જીર્ણ થતા વૃક્ષ જેવી માતાને જોઈ જ રહી. નાનપણથી આજ સુધી બસ આ જ છબી એના મનમાં હતી ફોરમની. આંખો બંધ, નાકમાં નળી, હળવે હળવે ઉંચી નીચી થતી છાતી અને ક્યારેક આંખોના ખૂણે બાજી ગયેલું અશ્રુબિંદુ. એણે એની માતાનો હાથ પકડ્યો અને આંખો મીચી દીધી.

ખૂણામાં ગીટાર ઉપર નિસર્ગે એની પત્નીનું પ્રિય ગીત છેડ્યું “અજી રૂઠ કર અબ કહા જાઈએગા, જહાં જાઈએગા, હમેં પાઇએગા”... આ ફિલ્મ ટીવી ઉપર પહેલીવાર જોઇને ફોરમે પણ સાધના કટ વાળ કપાવેલા અને એ જોઇને પોતે ખૂબ હસેલો એ એને યાદ આવું ગયું.

“બહોત પ્યાર કરતે હૈ, તુમકો સનમ, કસમ ચાહે લે લો, ખૂદા કી કસમ...”

નિસર્ગનો મધૂરો અવાજ આખા રૂમમાં પડઘાઈ રહ્યો હતો. શુદ્ધિ એકીટશે એની માતા સામે જોઈ રહી હતી. એને આશા હતી કે કદાચ...એક દિવસ...ક્યારેક તો એ આંખો ખોલશે...”

નિસર્ગનો આવાજ ગાતા ગાતા ભરાઈ આવ્યો અને એ ઉભો થઇને રૂમની બહાર નીકળી ગયો.

શુદ્ધિએ પ્રેમથી એની માતાના વાળ સરખા કર્યા.

“હેય ફોરમ, માય બ્યુટીફૂલ મોમ, કેમ છે તું ? જો આજે એક મજેદાર વાત કરવાની છે, તું સાંભળે છે ને ?” શુદ્ધિએ આંખો બંધ કરી અને એના મસ્તિષ્કમાં એની માતા કે જેને એ નામથી જ બોલાવતી એનો ચહેરો ઉભર્યો.

“યેસ માય હની, સાંભળું છું, બોલ બોલ” ફોરમ હસી પડી અને એની સામે જ જોઈ રહી. “ફોરમ, સાંભળ, હું આજે ૧૫ ની થઇ, હવે તારી નાની ચકલી નથી રહી હો. બધું જ જાતે કરું છું. રસોઈ પણ આવડી ગઈ છે, ગીટાર પણ શીખું છું, વાંસળી પણ આવડે હો મને ! મને ખબર છે કે તને બહુ ઈચ્છા હતી કે હું સંગીત શીખું. પાપા તો સાવ બુદ્ધુ જ છે, આખો દીવસ મીટીંગ અને સાંજે ડ્રીંક લઇ બેસી જશે. પણ મને ખબર છે કે એ એવું કેમ કરે છે. ખેર છોડ, મારી વાત કરું, એક સરસ વાત કરું આજે તને”

“તારી આંખોમાં રહલો ચમકારો જ દેખાડે છે કે તારે કૈંક કહેવું છે. બેટા, તું ભલે ૧૫ ની થઇ પણ હું તારી રગેરગથી વાકેફ છું. કોણ છે એ બોલ ?” ફોરમે હસીને એનો હાથ પકડ્યો.

શુદ્ધિનું મોઢું ખુલ્લું જ રહી ગયું.”વાહ વાહ ફોરમ, તું તો યાર...તને કેમ...ખેર ! જવા દે, આજે થયું એવું કે ટ્રેનમાંથી મેં એને પહેલી વાર જોયો ! ઊંચો દેખાવડો વાંસળી વગાડતો વરસતા વરસાદમાં ઉભો હતો એ, એણે મારી સામે સ્મિત પણ કર્યું ! મારી અંદરના બધા જ તારો ઝણઝણી ઉઠ્યા. બહુ જ સુંદર પળ હતી એ, બસ આટલું જ થયું ત્યાતો ટ્રેન આગળ વધી ગઈ. શું એ મને મળશે ? શું હું એને ફરીથી જોઈ શકીશ ?”

ફોરમે હસીને શુદ્ધિના ગાલે હાથ મુક્યો “મારી ચકલી મોટી થઇ ગઈ છે હો ! પ્રેમમાં પડી. બુદ્ધુરામ, ટ્રેનમાંથી નીચે ભૂસકો મારીને એની પાસે જવાય ને ? આવો મોકો ચૂકાય ?”

“હત્ત તેરે કી, સાલું એ તો યાદ જ ના રહ્યું. કઈ નહિ, ચાલો એ બહાને કોઈને શોધવાનું તો થશે. નસીબમાં હશે તો વરસાદમાં જોયેલું અને ગમેલું એ સ્મિત ફરીથી દેખાશે જ. ચલ તું આરામ કર.” શુદ્ધિએ જૂકીને એની માતાના કપાળ પર એક હળવું ચુંબન કર્યું.

શુદ્ધિને નાનપણથી જ નિસર્ગે શીખવાડેલું કે પોતાનું ખૂબ જ વહાલું હોય કોઈ તો એની ગેરહારાજરી સાલવી જ ના જોઈએ. એની સાથે સંવાદો કરવા, મનના તંતુઓને જોડવા, એની હાજરી મનમાં છતી કરવી, બસ પછી આપોઆપ એક જોડાણ થઇ જશે અને સંવાદો અસ્ખલિત રીતે વહેશે. શરૂઆતમાં નાની શુદ્ધિ સમજેલી નહિ. જ્યારે જ્યારે એ એના પાપા સાથે એન્જલ નર્સિંગ હોમમાં આવતી ત્યારે ત્યારે એ દૂરથી એના પાપાને એની મમ્મીની છાતી પર માથું રાખીને કશુક બબડતા જોઈ રહેતી. ક્યારેક એના પાપા હસી પડતા તો ક્યારેક આંખમાં આંસુ પણ લાવતા. ઘણીવાર એને એના પાપાના સંવાદો સ્પષ્ટ સંભળાતા, જાણે કે એની મમ્મી એમની સાથે વાતો કરતી હોય એવું એને લાગતું. એના પાપા જ્યારે નીચે ડોક્ટરને મળવા જતા રહેતા ત્યારે શુદ્ધિ પણ એની મમ્મીની છાતી પર માથું મૂકીને આંખો બંધ કરી દેતી. એના મસ્તિષ્કમાં એની મમ્મીની ધૂંધળી છબી ઉભરતી, એનો હાથ પકડીને જતી, અને પછી એક જોરદાર ધડાકો અને બધું જ વિખેરાઈ જતું. જેમ જેમ એ મોટી થતી ગઈ તેમ તેમ એના મસ્તિષ્કમાં વધુ સ્પષ્ટ છબીઓ આકાર લેવા લાગી. એક દિવસ એણે પણ એના પાપાની જેમ એની મમ્મી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અને પોતેજ પ્રત્યુત્તર આપ્યા. બસ એ દિવસથી બંને બાપ દીકરી ફોરમ સાથે વાતો કરતા થઇ ગયા. અનેક ઋતુઓ આવી અને ગઈ પણ એન્જલ નર્સિંગ કેરના રૂમ નંબર ૧૮માં પાનખર જ રહી !

ફોરમને કેસૂડાંના ફૂલ બહુ જ ગમતા. જયારે પણ સીઝન હોય અને એન્જલ નર્સિંગની મુલાકાતે જવાનું થાય ત્યારે નિસર્ગ અચૂક કેસૂડાંના ઢગલો ફૂલ લેતો. એ સ્ટેશનની બાજુમાં ઉગતા જાંબલી અને લાલ રંગના ફૂલો પણ સાથે લેતો અને ફોરમના માથા પાસે મૂકી રાખતો. નાની શુદ્ધિ વર્ષોથી મોરપીંછ લઈને આવતી અને નિસર્ગનું ધ્યાન ના હોય ત્યારે એની માતાના કપાળે ફેરવતી રહેતી. એ આશામાં કે ક્યારેક કૃષ્ણભગવાનનું ધ્યાન પડે અને એની માતાને ઉઠાડે. દર મુલાકાતે શુદ્ધિ મોરપીંછ લાવતી અને પાછુ લઇ જતી. આવા અસંખ્ય મોરપીંછ એ નિયમિત લાવતી રહી પણ ફોરમ પર કોઈ અસર ના થઇ.

ડોકટરે આશા બંધાવેલી કે આવા કેસમાં પેશન્ટ ગમે ત્યારે ભાનમાં આવી પણ જાય. નિસર્ગ ફોરમને ગમતું બધું જ કરતો. ગીતો ગાતો, વાતો કરતો, એનું મનપસંદ ખાવાનું મંગાવીને એની હાજરીમાં ખાતો, એમણે સાથે ગાળેલા પળોની યાદ અપાવતો, શુદ્ધિ પણ મોટી થઈ એટલે એમાં જોડાયેલી. બંને ખૂબ કોશિશ કરતા પણ ફોરમના નિસ્તેજ ચહેરા પર એમને કોઈ અસર દેખાઈ નહોતી.

શરૂઆતમાં મુંબઈમાં રહેતો નિસર્ગ બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનું કામ એના જીગરજાન મિત્રો અને પાર્ટનરને સોંપીને દર મહીને એકવાર અચૂક એન્જલ નર્સિંગ હોમ આવતો જ. ધીરે ધીરે મહિનો બે કે ત્રણમાં બદલાઈ ગયો અને હવે તો લગભગ ૪-૫ મહીને એ અને શુદ્ધિ આવતા. દર અઠવાડિયે નિસર્ગ અચૂક ફોન કરી ફોરમની તબિયત પૂછતો રહેતો.

એ ફોરમને ખૂબ પ્રેમ કરતો. શુદ્ધિ પણ હવે મોટી થઇ રહી હતી. નિસર્ગે આશા છોડી નહોતી પણ મનના કોઈક ખૂણે એને હવે લાગતું હતું કે ફોરમ ક્યારેય નહિ ઉઠે. શુદ્ધિની આંખો અને ગાલમાં પડતું ખંજન એને હમેશા ફોરમની યાદ અપાવતી. શુદ્ધિથી એ ક્યારેય કઈ છુપાવતો નહતો. બસ ફોરમની આવી દશા કેમ થઇ એ સિવાય. નાની શુદ્ધિના તમામ કાલાઘેલા સવાલોના જવાબ એ આપતો જ.

“પાપા, મમ્મી કેમ બહુ સુતી જ રહે છે ? એટલી બધી બીમાર છે ?” નાની શુદ્ધિ પૂછતી.

“હા બેટા, એ બહુ બીમાર છે, જલ્દી જ સાજી થઇ જશે”

“પાપા, એ પછી આપણી સાથે રહેવા આવી જશે ?”

“હા બેટા, પછી આપણે ત્રણે ખૂબ મોજ કરીશું.”

“પાપા, કૃષ્ણ ભગવાન પાસે જાદુ હોય મોમને ઉઠાડવાનો ?”

“હા કદાચ, તું રોજ એમને કહેજે કે તારી મોમને જલ્દી સાજી કરી દે”

“પાપા, હું એમનું મોરપીંછ દર અઠવાડિયે બદલી દઈશ, એમની મૂર્તિ આગળ માખણ પણ મુકીશ, પછી એ માનશે ? એમને માખણ બહુ જ ભાવે ને ?”

“હા બેટા, માનશે જ. એક દિવસ તારું અને મારું સાંભળશે જ”

“ઓકે પાપા, હું એવું જ કરીશ, રોજ રાત્રે સુતા પહેલા શ્રી કૃષ્ણજીને પ્રાથના કરીશ જ” શુદ્ધિ દ્રઢતાથી બોલતી. એના રૂમમાં ખૂણામાં એણે એની મમ્મીના સામાનમાંથી મળેલી એક સુંદર કૃષ્ણની મૂર્તિ રાખેલી. વાંસળી વગાડતા શ્રી કૃષ્ણના મુગટમાં એણે મોરપીંછ ખોસેલું. દર અઠવાડિયે એ એમના બંગલાની પાછળ આવેલા બાગમાં વિહરતા મોરોએ વેરેલા મોરપીંછ ઉઠાવીને બદલી કાઢતી. ઘણીવાર એ બે હાથ જોડીને શ્રી કૃષ્ણની મૂર્તિ સામે કલાકો બેસી રહેતી અને રડતી પણ. ઘણીવાર ત્યાં જ મંદિર સામે રડતા રડતા સૂઈ જતી. સપનામાં એને મોર પર બેઠેલી અને હવામાં ઉડતી એની માતા દેખાતી. એ એની સામે હાથ હલાવતી અને ખડખડાટ હસી પડતી. મોર એમના બંગલાની આજુબાજુ ઉડતો રહેતો અને એની માતાનું ખડખડાટ હાસ્ય ચારેકોર ગૂંજતું રહેતું. કોઈકવાર એને વાંસળીની મીઠી મીઠી ધૂન પણ સપનામાં સંભળાતી. સવારે એની આંખો ખુલે ત્યારે એ થોડીવાર સપનાઓમાં જોયેલી ઘટનાઓ મમળાવ્યા કરતી.

“હે કૃષ્ણ ભગવાન, તમેતો જાણો જ છો, બધા છોકરાઓને મમ્મી હોય છે, મારે પણ છે, પણ એ બહુ સુતી રહે છે, બહુ બીમાર રહે છે. હું તમને રોજ માખણ આપીશ, રોજ તમે કહો એ કરીશ, ક્યારેય મમ્મીને હેરાન પણ નહિ કરું બસ ? એકવાર મારી મમ્મીને મારી પાસે આવવા દો ને ! એક વાર બસ, મારે એની સાથે બહુ બહુ વાતો કરવી છે, એના ખોળામાં સુવું છે, એના હાથે જમવું છે, એને ભેટવું છે, એનો હાથ પકડીને સુઈ જવું છે. મારા બધા ફ્રેન્ડસ આવું જ કરે છે. પેરેન્ટ ડે હોય ત્યારે સહુની મમ્મીઓ એમના છોકરાવને લઈને આવે છે, મારે તો બસ પાપા જ આવે ! હે કૃષ્ણભગવાન, આવું શું કરો છો ? મેં તમારું કઈ બગાડ્યું છે ? શું હું ગૂડ ગર્લ નથી ? મારી મમ્મીને પાછી લાવોને પ્લીઝ ! મારે કઈ નથી જોઈતું બીજું ! ના રમકડા, ના ચોકલેટ્સ, ના નવા કપડા, બસ મારી મા ને એક વાર...ભલે ભલે જો એને અહી ના લાવી શકો તો પણ વાંધો નહિ, પણ એકવાર એની આંખો ખોલાવો ને, મારે એની સાથે વાતો કરવી છે, મારે એની સાથે બહુ બહુ રમવું છે, મારે...” એની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળતી અને એ હાથ જોડી આંખો બંધ કરી બેસી રહેતી.

ક્યારેક નિસર્ગ આ બધું રૂમના દરવાજામાં ઉભો ઉભો સંભાળતો અને અશ્રુભરી આંખે એની દીકરીને પ્રાર્થના કરતા જોઈ રહેતો. એ બહુ ધાર્મિક નહોતો, ફોરમની સાથે સાથે એ ક્યારેક મંદિર જતો. ફોરમની આવી હાલત જોઈને એ પણ રોજ રાત્રે સુતા પહેલા પ્રાર્થના કરતો થઇ ગયો હતો.

ફોરમને વરસાદ બહુ ગમતો. જયારે જ્યારે વરસાદ પડતો, ફોરમ બધું જ કામ પડતું મૂકીને એમના બંગલાની અગાશીએ જતી રહેતી. ધોધમાર વરસાદમાં બસ એ આંખો મીચીને ઉભી રહી જતી. નિસર્ગે વરસાદ માણતી, ટીપાઓ હથેળીમાં ઝીલતી ફોરમના બહુ ફોટા પાડેલા. એક આખું આલ્બમ ભરાય એટલા ! નિસર્ગને વરસાદ બહુ ગમતો નહિ પણ ફોરમ એનો હાથ પકડીને એને પણ પલળવા ઉભો રાખી દેતી. શુદ્ધિના જન્મ પછી પણ આ સિલસિલો અટક્યો નહોતો. વરસાદ જાણેકે એના ઉપર લાગણીઓ, પ્રેમ અને બસ અનરાધાર પ્રેમ વરસાવતો એવું એને લાગતું. આંખો મીંચીને એ વરસાદમાં કૂદતી રહેતી, ગીતો ગાતી.

ફોરમના ગયા પછી નિસર્ગ વરસાદ આવે એની રાહ જોતો. એનો આલ્બમ કાઢીને ફોરમની વરસાદમાં પાડેલી તસ્વીરો જોતો રહેતો. ઘણીવાર એ ત્રણ ચાર પેગ મારીને ભર વરસાદમાં અગાશીએ જતો અને ફોરમની જેમ વરસાદના ટીપાઓથી એના અસ્તિત્વને ભીંજાવા દેતો. વરસાદ ફોરમની યાદો લઇ આવતો. એના એક એક ટીપામાં એને ફોરમનો પ્રેમ દેખાતો. એ આંખો બંધ કરી દેતો અને એને ફોરમની હાજરી એની બાજુમાં અનુભવાતી. ભર વરસાદમાં એના મુખ પરથી સરકતા ટીપાંની સાથે સાથે અશ્રુઓ ભળી જતા. જાણે કે નદીનું પાણી સમુદ્રને મળી રહ્યું હોય એમાં ખારા અને મીઠા પાણીનો સુભગ સમન્વય થઇ જતો. યાદો આવતી જતી રહેતી, હ્રદય ફોરમને યાદ કરી અલગ અલગ સૂરો આલાપતું ! એના હૃદયમાંથી એક જ અવાજ નીકળતો; ‘ફોરમ’.

નાનકડી શુદ્ધિ એના પાપાને અગાશીએ જતા જોતી અને ચૂપચાપ એની પાછળ જતી અને એના પાપાને બે હાથ ફેલાવીને વરસાદમાં પલળતા જોઈ રહેતી. એ પણ ઘણીવાર હાથ લાંબો કરીને વરસાદના ટીપાઓ ઝીલતી. ફોરમની જેમ એને પણ વરસાદ બહુ જ ગમતો. નિસર્ગના ગયા પછી એ પાછી એના રૂમમાંથી નીકળતી અને એના પાપાની જેમ જ વરસાદના ટીપાઓ એના મુખ પર પડવા દેતી, એની માતાને યાદ કરતી અને આંખો બંધ કરી હાથ પહોળા કરી દેતી. ફોરમ એને વીંટળાઈ પડતી હોય એવું એને લાગતું. માથા પર પડતા એક એક ટીપાં જાણે એની માતા એને ચુંબનોથી નવડાવી દેતી હોય એવું એને લાગતું. ક્યારેક જોરથી વાછટ આવે અને ભરપૂર પવનની સાથે વરસાદ એને વીંટળાઈ પડતો ત્યારે એ ખીલખીલ હસી ઉઠતી. જાણેકે ફોરમ જોરથી એને ભેટી રહી હોય એવું એને લાગતું. એના હૃદયમાં થી એક જ અવાજ નીકળતો; ‘મા’.

ઋતુઓ આવતી ગઈ અને જતી રહી, સંવેદનાઓ મનના એક ખૂણે ધરબાઈ રહી, આશાઓ વધુ ને વધુ દ્રઢ થતી ગઈ જયારે એન્જલ નર્સિંગ કેરમાંથી ડોક્ટરનો ફોન આવ્યો કે ફોરમનું શરીર સુધારા પર છે અને એ દવાઓને સારો રિસ્પોન્સ આપી રહ્યું છે. એની આંખો પણ ક્યારેક ક્યારેક ફડકે છે અને હાથ ક્યારેક હલનચલન કરે છે ! આ સારી નિશાની હતી અને કદાચ જલ્દી જ એ કોમામાંથી બહાર આવી જાય એવું લાગતું હતું.

નિસર્ગ અને શુદ્ધિ તરત જ ત્યાં દોડી ગયેલા. બંને બે દિવસ ત્યાં રોકાયેલા અને રોજ સવાર સાંજ ફોરમને તાકી રહેતા, એ આશામાં કે કદાચ...

પણ હજુ આકરી કસોટી કુદરત કરતી હોય એમ એમની સઘળી આશાઓ ઠગારી નીવડી. ફોરમે આંખો ના ખોલી તે ના જ ખોલી.

એમને ખબર નહોતી કે એમના જીવનમાં જલ્દી જ ખુશીઓની ‘ફોરમ’ લહેરાઈ ઉઠવાની છે. સઘળું બદલાઈ જવાનું છે ! લાગણીઓના ઘોડાપૂરને લઈને વરસાદની હેલી વરસવાની છે ! કોઈક આવવાનું છે. લાગણીઓની હોડીને હલેસાં મારતું મારતું એમના દિલના દરિયામાં સહેલ કરવાનું છે.

*

૨૦૨૧ જૂન, દાર્જીલિંગ સ્ટેશનની બાજુમાં આવેલી કોલોની

ભયંકર વરસાદમાં એની આંખો ખૂલી ગઈ, મધરાત્રી થઇ ગઈ હતી. એ આંખો ચોળતો ચોળતો બહાર આવ્યો. એના હૃદયમાં કઈ ના સમજાય એવી ટીસ ઉઠી હતી. ઘરની પાસે આવેલા સ્ટેશન તરફ એના પગ આપોઆપ વળ્યા. સ્ટેશનની અંદર આવેલા એક બાંકડા પર એ બેસી પડ્યો અને આંખો બંધ કરી દીધી. એને દેખાયું કે એક ટ્રેન આવી રહી હતી, સ્ટેશન પાસે ધીમી પડી ગઈ હતી, ટ્રેનની બહાર કોઈનો મૃદુ હાથ એને દેખાયો, એ દોડીને એ હાથમાં કાગળની હોડી મૂકી દે છે, એક ખીલખીલાટ હસવાનો અવાજ, એક અસ્પષ્ટ આકૃતિ, એના લાંબા વાળ અને મધુર સ્મિતમાં એ ખોવાઈ ગયો. એ આકૃતિ સ્પષ્ટ નહોતી પણ હા, એ હસતી તો એના ડાબા ગાલે ખંજન પડતું હતું! એ નિષ્પલક એને તાકી જ રહ્યો.

*

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ