વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 1

ઉત્તર ગુજરાતના પશ્ચિમ વિભાગમાં આવેલા ખોબા જેવડા  સુખપર ગામમાં સિત્તેર વર્ષ પહેલાં સુખ સુવિધાનું કહી શકાય તેવું કોઈ સાધન ઉપલબ્ધ ન હતું. પચરંગી વસ્તી ધરાવતું આ ગામ તે વખતે પૂરેપૂરું ખેતી પર આધારિત હતું.

આઝાદી પહેલાં આ ગામના લોકોને પીવાના પાણીનાં ફાંફાં હતાં. ખેતી માટે સિંચાઈની કોઈ સુવિધા મળશે તેવી કલ્પના પણ કોઈએ કરી ન હતી. 

પીવાનું પાણી, ગામથી લગભગ દોઢ કિલોમીટર દૂર આવેલા એક નાના વહેળામાં વીરડો બનાવી (ખાડો ખોદી), તેમાં ધીમે ધીમે જમા થતા પાણીને ધીરજ પૂર્વક પિત્તળના વાડકાથી તાંબાના બેડામાં ભરી, હેલ માથે કરી લાવવું પડતું હતું.

દેશમાં આઝાદી પછી દેશી રાજયોનું વિલીનીકરણ થયું હતું  તેમ છતાં સ્થાનિક ઠાકોરોનો દબદબો હજુ પણ નજરે પડતો હતો.

ગામમાં દરબારો, મુસલમાનો, દરજી, કુંભાર(પ્રજાપતિ), સુથાર, લુહાર, રબારી, રાવળ, હરીજન વિગેરે જ્ઞાતીના લોકો વર્ષોથી રહેતા હતા. આઝાદી પછી બે પટેલ કુટુંબ પણ અહીં આવી વસ્યા હતાં. બાપીકો ધંધો ખેતીવાડી હોવાથી દરેક કોમ પાસે ઓછા વત્તા પ્રમાણમાં પોતીકી જમીન હતી.

ખેતી કરવા માટે સિંચાઈની સુવિધાનો અભાવ અને ગરીબીના કારણે સતત રહેતી નાણાંની ખેંચને લીધે ખેતીમાંથી પૂરતું આર્થિક વળતર મળતું ન હતું તેમ છતાં દરેક જણ પોતાના ખપ પૂરતું અનાજ પકવી ગુજારો કરી લેતા હતા. 

સાઈઠ વર્ષ પહેલાં રતિલાલશેઠ આ ગામમાં આવીને વસ્યા હતા. તેઓ ગામના ખેડૂતોને વ્યાજે પૈસા ધીરવાની સાથે સાથે કરીયાણાની દુકાન પણ ચલાવતા હતા. લોકો પોતાની ઉપજ રતિલાલશેઠની દુકાને વેચતા અને જરૂરિયાત મુજબનું બકાલું ત્યાંથી ખરીદતા હતા. આમ ગામના લોકોનું અને રતિલાલશેઠનું ગાડું ગબડતું રહેતું હતું.

આઝાદી પછી ગામડાઓમાં પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો. સરકારની વિવિધ યોજનાઓ તબક્કાવાર અમલમાં આવતી જતી હતી. ગામના લોકો સરકારી યોજનાઓનો લાભ મેળવી આર્થિક સધ્ધરતા સાથે થોડી થોડી પ્રગતિ કરવા લાગ્યા હતા.

રતિલાલશેઠની પ્રગતિ આંખે ઉડીને વળગે તેવી હતી. તે લોકોની જમીન ગીરવી રાખી ભૂમિ વિહોણા કે અલ્પ જમીન ધરાવતા દરબારો પાસે તે જમીનમાં વાવણી કરાવી સારી ઉપજ મેળવતા હતા.

સમયની સાથો સાથ રતિલાલશેઠની રોનક પણ વધતી જતી હતી. તેમણે ગામમાં એક મોટું પાકું ઘર બાંધ્યું હતું. તે ગામનું પ્રથમ ધાબાવાળું બે માળનું મકાન હતું. ગામના લોકો તેને ‘શેઠની હવેલી’ કહેતા હતા.

રતિલાલશેઠને ત્રણ દીકરા અને બે દીકરીઓ હતી. તેમના પત્ની સુશીલાબેન તેમના નામની જેમ સુશીલ અને માયાળુ હતાં. ગામના દરેક ઘરની રજેરજ વાત તેમની જાણકારીમાં રહેતી હતી. કોઈપણના ઘરે કોઈ સારો કે માઠો પ્રસંગ હોય તો તે અવશ્ય હાજર રહેતાં. તેઓ ગામના જરૂરિયાતમંદને અવારનવાર મદદરૂપ પણ થતા રહેતાં હતાં.

સરકારે ગામમાં એક પ્રાથમિક શાળા શરુ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ તે સમયે શાળા માટે ગામમાં કોઈ સરકારી મકાન  ઉપલબ્ધ ન હોવાથી બાળકોને ક્યાં ભણાવવાં તે પશ્ન ઉપસ્થિત થયો હતો. રતિલાલશેઠેને તેની જાણ થતાં તેમણે ગામની વ્હારે આવી હવેલીમાં એક રૂમ બાળકોને ભણવા માટે ફાળવ્યો હતો. આમ ગામના બાળકોનું ભણતર શરૂ થયું હતું.

***

પંચાયતી રાજ્ય અમલમાં આવ્યાના પાંચ વર્ષના સમય ગાળામાં ગામમાં ઘણો વિકાસ થયો હતો. પ્રાથમિક શાળાનું મકાન અને પંચાયત ઘર બંધાઈ ચૂક્યાં હતાં. પીવાના પાણી માટે એક કૂવો ખોદાયો હતો. ગામની સ્ત્રીઓને ડોલ વડે કૂવામાંથી પાણી ખેંચીને પીવાનું પાણી ભરી લાવવું પડતું હતું પરંતુ પીવાના પાણી માટે હવે દોઢ કિલોમીટરનો ધક્કો ખાવો પડતો ન હતો તેનો આનંદ હતો. કપડાં ધોવા માટે હજુય સ્ત્રીઓ દોઢ કિલોમીટર ચાલીને વહેળા સુધી જતી હતી. 

ગામમાં સેવા સહકારી મંડળી અસ્તિત્વમાં આવી હતી. લોકો ‘લેન્ડ મોર્ગેજડ’ બેન્કમાંથી તગાવી રૂપે રોકડ ધિરાણ મેળવી ખેતી કરતા હતા. લોકોની આર્થિક સ્થિતિમાં ખાસ્સો સુધારો આવ્યો હતો.

મોટા ભાગના લોકોને હવે રતિલાલશેઠ પાસેથી વ્યાજે પૈસા લેવાની જરૂરિયાત રહેતી ન હતી. રતિલાલશેઠનો વેપાર ફૂલ્યો ફાલ્યો જરૂર હતો પરંતુ હવે શેઠને આ ગામમાં કોઈ કસ દેખાતો ન હતો. તેમના ત્રણ દીકરા પણ યુવાન થઈ ધંધો કરવા લાયક થયા હતા. તેમના માટે વેપાર વધારવાની જરૂરિયાત જણાતાં તેમણે ગામ છોડી મુબઈ જવાનો નિર્ધાર કરી તેમની જમીન વાજબી ભાવે વેચી કાઢી હતી.

મુંબઈ જવા માટે ગામ છોડતાં પહેલાં ગામના દરેક પરિવારની મુલાકાત લઈ, ગામમાં વસવાટ દરમ્યાન તેમના તરફથી કોઈને કોઈ પણ જાતનું દુ:ખ પહોંચ્યું હોય તો માફ કરવાની અરજ ગુજારી, સૌની શુભ આશિષો મેળવી, હસતાં મોંઢે રતિલાલશેઠે પરિવાર સાથે ગામ છોડ્યું હતું.

રતિલાલશેઠે ગામ ભલે છોડ્યું હતું પરંતુ તેમની હવેલી તેમણે વેચી ન હતી. તેમની હવેલીની દેખરેખ અને સારસંભાળ રાખવા માટે તેમણે એક આધેડ દરબારને મામુલી પગારથી નોકરીએ રાખી લીધા હતા.

ગામ છોડ્યા પછી શરૂઆતમાં તો રતિલાલશેઠ વર્ષમાં ઓછામાં ઓછા એક વાર કે વારે-તહેવારે ગામમાં આવી પોતાની હવેલીની ભાળ કાઢી જતા હતા પરંતુ જેમ જેમ તેમનો મુંબઈનો વેપાર વધવા માંડયો તેમ તેમ ગામમાં આવવાનું ઓછું થતું ગયું હતું.

***

વર્ષો પછી આજે રતિલાલશેઠની હવેલીમાં સાફ સફાઈનું કામ થતું જોઈ લોકોને અચરજ થયું હતું. ખણખોદિયા કેટલાક આધેડો રતિલાલશેઠની હવેલીમાં કામ કરતા લોકોને મળી, અધકચરી વિગતો મેળવી, ગામના ચોરે બેસી મોટા અવાજે વાતો કરવા લાગ્યા કે ‘રતિલાલશેઠનો પૌત્ર કુમુદચંદ્ર ગામમાં રહેવા આવવાનો છે એટલે તેણે ઠેઠ મુંબઈથી તેમના માણસો મોકલી હવેલીમાં સાફ સફાઈ અને મરામતનું કામ ચાલુ કરાવ્યું છે.’

એક દ્વેષીલા ભાઈએ તો બેધડક કહી દીધું, ‘ચોકકસ રતિલાલશેઠના વારસદારોએ દેવાળું ફૂકયું હશે તેથી હવે મુંબઈ જેવા શહેરમાં રહી શકાય તેમ નહીં હોય! માટે તેમણે લેણદારોથી બચવા માટે ગામમાં આવીને રહેવાનું નક્કી કર્યું લાગે છે, બાકી કોઈ મુંબઈ જેવી મોહમયી નગરીની સુખસગવડો છોડી ગામડામાં રહેવા આવવાનું વિચારે નહીં...!!’

જેટલા મોંઢાં તેટલી વાતો થતી રહી.

બરાબર ત્રણ મહીના સુધી લગાતાર કામ ચાલ્યું ત્યારે રતિલાલશેઠની હવેલી તૈયાર થઈ હતી. હવે નવા રંગ રોગાન સાથે હવેલી નવી નવેલી દુલ્હનની જેમ શોભતી હતી.

એક દિવસે ગામમાં વાયુ વેગે વાત પ્રસરી ગઈ કે રતિલાલશેઠનો પૌત્ર કુમુદચંદ્ર આવતી કાલે ગામમાં રહેવા આવી રહ્યો છે.

( ક્રમશ:)



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ