વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧


  " હાશ! ટાઇમસર પહોંચી તો ગયો." નરેન્દ્ર એ સુટકેસને લાકડાના પાટિયાવાળી સીટની નીચે ગોઠવીને નિરાંતનો શ્વાસ લેતા કહ્યું. આ થેલો તો સીટ ઉપર મારી પાસે જ રાખુ, એમાં નાસ્તો ભરેલો છે. જ્યારે નાસ્તો કરવો હોય ત્યારે લે - મૂક કરવાની ચિંતા નહિ, એમ વિચાર કરી, થેલો બાજુમાં રાખી, પોતાની બારી પાસેની સીટ પર નરેન્દ્ર ગોઠવાઈ ગયો. 

  "  અરે વાહ! સીટ તો સારી મળી છે. એમ તો નરેન્દ્ર તું નસીબદાર ખરો હો!"  બારીમાંથી બહારની દુનિયા જોવા ની મજા કૈંક અલગ હોય છે,એમ વિચારતા આજુબાજુની સીટ ઉપર નજર કરી લીધી. સામેની સીટ પર  એક પતિ-પત્ની  પોતાની દીકરી સાથે બેઠા હતા. ભાઈના માથાને વાળ સાથે સાત ભવની દુશ્મનાવટ હશે, એવું સફાચટ માથું હતું. અને એટલે જ કપાળ અને માથુંં જરાય અલગ નો'તા પડતાં. જાડા હોઠની ઉપર નાકની જગ્યાએ તો માત્ર ટોપકુ મુકી ભગવાને બધી કસર કાનમાં પુરી કરી હોય એવા મોટા કાન બનાવી દીધા હતાં. હાથને નાજુક (નાના) બનાવી પગ લાંબા કરી દીધા હતા. જ્યારે એમના શ્રીમતીજી કોઈ સિનેમાની અભિનેત્રીથી કમ નહોતાં. જોકે દીકરી એની માતા જેવી જ દેખાતી હતી. હવે આને જોડું કહેવાય કે...,નરેન્દ્ર મનમાં વિચારી રહ્યો. પણ આપણે શું? કરી વિચાર ખંખેરી નાંખ્યો. જ્યારે બાજુની સીટ ઉપર બે ભાઈઓ બેઠા હતા. તેની સામે હસીને નરેન્દ્ર ચાલતી ગાડીએ બારીમાંથી બહાર જોવા લાગ્યો. 

  વરસાદની સીઝન શરૂ થઈ ગઈ હતી એટલે બહાર લીલોતરી ઉગી નીકળી હતી. જાણે કે ધરતીએ લીલી સાડી પહેરી હોય, અને નરેન્દ્રને યાદ આવ્યું કે અંજવાળીકાકી  પણ આવી જ લીલી સાડી પહેરીને ફરતાં. 

   કેટલા વર્ષો વીતી ગયા કાકીને મળ્યાને! એકવડિયો બાંધો, પાંચ હાથ પુરી ઉંચાઈ,  ઉજળોવાન  અને હંમેશા લાલ અથવા લીલી સાડી જ પહેરીને ફરતા કાકી કેવા પોતીકા લાગે? પેઢીએ બેઠા પછી આજે પહેલીવાર કાકી પાસે જાવાનો મેળ પડ્યો છે. મને જોઈને કાકી રાજી રાજી થઈ જાશે. ટપાલ તો લખી નાખી છે 'હું આવું છું' એમ, હરીભાઈ સ્ટેશન પર લેવા જરૂર આવી જાશે, હું ઓળખુંને મારા ભાઈ ને. નાનપણમાં સાથે રમ્યા છીએ ઈ બધું કાંઈ ભુલાય થોડું? ભલેને દુર રહીયે, પણ જ્યારે એક બીજાની જરૂર હોય, બસ એક ટપાલ લખો એટલે ભાઈઓ હાજર જ હોય. આ વખતે ગામના ઘરે થોડીક મરામત અને રંગ કામ કરાવવાને બહાને બધાને મળી પણ લેવાશે. 

      જમવાનો સમય થયો એટલે બધા પોતપોતાના ભાતાનાં ડબ્બા ખોલવા માંડ્યા હતા. નરેન્દ્રએ પણ થેલો ખોલી ડીશમાં થેપલા, છુંદો વગેરે લઈ જમવાનું ચાલુ કર્યું. ફરી પાછા કાકી યાદ આવી ગયા. કાકીનાં હાથે બનેલા થેપલા જેવા થેપલા ક્યાંય ખાવા નો મળે હો! હવે તો ઘરે પહોચુ એટલી વાર છે. કાકીને કહીજ દઈશ, "કાકી, હું અહીં રોકાવ એટલા દિવસ તમારે જ રસોઈ બનાવીને મને જમાડવાનો છે.નાનો હતો ત્યારે કેવા પાસે બેસીને જમાડતા'તાં. બાળકો ભલેને ગમે એવડા મોટા થાય પણ માવતર આગળ તો નાના જ રહે છે."વિચાર કરતા કરતા જમવાનું પતાવી, થેલામાંથી ઓઢવાની સાલ કાઢી, થેલાનું જ ઓશીકું બનાવી સુવાની તૈયારી કરી. એ જોતાં બાજુમાં બેઠેલા બન્ને ભાઈઓ ઉપર પોતાની સીટ પર જતા રહ્યા. જાણે એટલી જ રાહ જોતો હોય એમ નરેન્દ્ર એ એક મોટું બગાસું ખાઈને સીટ ઉપર લંબાવી દીધું. એ.. ય.. ને.. વેલી પડે સવાર. સવારે નવ વાગ્યેતો ઉતરવાનો સમય થઈ જાશે. 

  સુતાની સાથે જ  આંખો ઘેરાવા લાગી, થોડીવારમાં જ નરેન્દ્ર નિંદ્રાધીન થઈ ગયો. હા! ઝડપથી આગળ વધી રહેલી ટ્રેનનાં હડદોલા ઉંઘમાં ખલેલ જરૂર પહોંચાડતા હતા પણ જાણે ઝુલામાં સુતા હોય એવી મજા પણ આવતી હતી.  આમ અર્ધા જાગૃત અને અર્ધા ઉંઘમાં સવાર પડી ગઈ હતી. એક સ્ટેશન પર ટ્રેન ઉભી રહી એટલે ચા-પાણી પી લીધા. પછી સામાન પેક કરી પોતાનું સ્ટેશન આવવાની રાહ જોવા લાગ્યો. આઠ તો વાગી ગયા હતા,ફક્ત એક કલાકની જ વાર હતી પણ કાકીને મળવાની અધિરાઈ વધતી જતી હતી 

એટલે નરેન્દ્ર વારંવાર બારીમાંથી બહાર જોયા કરતો હતો. જ્યારે રાહ જોતા હોઈએ ત્યારે સમય પણ જાણે થંભી ગયો હોય એવું લાગે છે. છેવટે સ્ટેશન આવતા ગાડી ધીમે ધીમે ઉભી રહી અને નરેન્દ્ર પણ જાણે ઠેકડો મારીને ઉતરી ગયો. 

     સ્ટેશન પર જોયું તો હરીભાઈ ક્યાય દેખાણા નહિ. આવું બને તો નહિ, પણ હા! કદાચ મારી ટપાલ નહિ મળી હોય? એવું જ હશે. કાઈ વાંધો નહીં. હું સીધો ભાઈની દુકાને પહોંચી જાવ, પછી બેય ભાઈ સાથે ઘરે જાશુ. એમ વિચારીને નરેન્દ્રએ ટાંગાવાળા સાથે ઉભી બજારે થી ટાંગો લેવાનું નક્કી કર્યું. ટાંગાવાળાની સાથે વાતો કરતા કરતા હરીભાઈની દુકાન પાસે પહોંચી ગયા, પરંતુ જોયું તો દુકાન પણ બંધ! આજુબાજુ નજર કરી પણ કોઈ જવાબ મળે એવું લાગ્યું નહિ. છેવટે 'કદાચ મને ભાવતાં જલેબી - ગાંઠીયા લઈ ઘરે જઈ ને મારી રાહ જોતા હશે એવું પણ બને.' એમ વિચારી પાછા ટાંગાવાળાને "ચાલ ભાઈ ઘરે લઈ લે"કહેતા પાછા બેસવા ગયા, અને અચાનક જ એમની નજર દુકાન પાસે ઉભેલા ટપાલી ઉપર પડી. " શું છે ભાઈ? હરીભાઈની કોઈ ટપાલ છે? જો હોય તો મને આપી દે, હું હાથોહાથ આપી દઈશ." કરતાં ટપાલીએ આપેલી ટપાલ જોઈ હસવું રોકી શક્યા નહિ. 

     " મારી લખેલી ટપાલ હું જ લઈને ઘરે જાવ? કાકી કહે કે ટપાલ લખવી હતી ને, તો બંદાતો કહી દેશે મારી લખેલી ટપાલ લઈને હું પોતે જ આપવા માટે આવી ગયો. એમ તો હું બહુ ડાહ્યો ખરોને?" વિચારોમાં ઘરે પહોંચી ગયા. ફરી એક આશ્ચર્ય થયું, સવારે કાયમ ખુલી રહેતી ખડકી આજે બંધ હતી. આજે છે શું કાંઈ સમજ પડતી નથી. અને સામે ઉભેલી મુસીબત થી અજાણ નરેન્દ્ર ખડકીની સાંકળ ખખડાવી રહ્યો. 

   શું હતી એ મુસીબત જે વિકરાળ જડબાં ખોલીને નરેન્દ્ર ની રાહ જોઈ રહી હતી? જેમાં પહેલાંજ પુરો પરિવાર ફસાઈ ગયો હતો. 

કેવી રીતે કરશે એનો સામનો?

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ