વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આહ કલકત્તા, વાહ કલકત્તા !

આહ કલકત્તા, વાહ કલકત્તા !

(માર્ચ – ૨૦૨૨ કલકત્તા ઈંટરનેશનલ બૂકફેરની ડાયરી)

“તુમી કોથાય જાબે?” એક અવાજ કાને પડ્યો.

એક ટેક્ષીવાળો મને પૂછી રહ્યો હતો કે ક્યા જવું છે?

મેં હસીને પ્રત્યુત્તર વાળ્યો “VIP રોડ હોટેલે જાબા! કોટો ટકા? (કેટલા રૂપિયા લેશો)?”

મારી સામે આશ્ચર્યથી એ જોઈ રહ્યો અને બોલ્યો “એકશો બીશ ટકા” (૧૨૦ રૂપિયા)

મેં હકારમાં માથું ધુણાવ્યું અને હું અને તૃપ્તિ કારમાં બેસી ગયા.

“તુમી કી, બાંગાલી?” (શું તમે બંગાળી છો?) કાર એરપોર્ટના પાર્કિંગમાંથી બહાર કાઢતા પૂછ્યું.

“ના, આમી ગુજરાતી, આમી એકઠો બાંગા બોલી” (હું થોડું બાંગલા જાણું છું!) મેં કહ્યું. એ આશ્ચર્યથી હસી પડ્યો અને એણે ટેક્સી આગળ મારી મૂકી.

સારું થયું વધુ સંવાદ થયો નહિ, કારણકે મારી બંગાળીની સરહદ આવી ચૂકી હતી અને આગળ ફક્ત હિન્દી કે અંગ્રેજીમાં જ ફાવે એમ હતું!

*

શોપિઝન બંગાળી તરફથી હું અને તૃપ્તિ (મારા પત્નીશ્રી) કોલકત્તા ઇન્ટરનેશનલ બૂકફેરમાં ભાગ લેવા આવ્યા હતા.

થોડીક વાત આ બૂકફેર વિષે:

45મો કલકત્તા બૂકફેર ૨૮ ફેબ્રુઆરીથી ૧૩ માર્ચ, ૨૦૨૨માં કોલકત્તામાં સેન્ટ્રલ પાર્ક ગ્રાઉન્ડમાં (સોલ્ટ લેક સીટી) આયોજિત થયો છે. આનું આયોજન પબ્લીશર્સ ગીલ્ડ (બંગાળ) દ્વારા કરવામાં આવે છે. મોટાભાગે બૂકફેર જાન્યુઆરીની ઠંડીમાં જ આયોજિત થાય છે જેથી લોકોને પણ અગવડ ના પડે, પરંતુ કોવિડની સ્થિતિને લઈને આ વખતે થોડું મોડું આયોજન થયું હતું. જોકે માર્ચની શરૂઆત હતી એટલે બહુ ગરમી નહોતી.

 

પબ્લીશર્સ ગીલ્ડ (બંગાળ) એક પ્રકાશકોનું સંગઠન છે અને વર્ષોથી આ આયોજન કરતુ આવ્યું છે. આ લખાય છે ત્યાં સુધીમાં ૩ લાખથી વધુ લોકો મુલાકાત લઇ ચુક્યા છે, ૬૦૦ બૂકસ્ટોલ્સ, ૨૦૦થી વધુ મેગેઝીનના સ્ટોલ્સ અને ૩૦૦ થી વધુ લાઈવ સેશન્સના અદ્ભુત જગતમાં મહાલવાનો એક અનેરો આનંદ હોય છે.

આ મેળો સાહિત્ય અને સંસ્કૃતિ બંને માટે મેલ્ટિંગ પોટ છે - ગ્રંથપ્રેમીઓ માટે એક સર્વશ્રેષ્ઠ આયોજન છે. આ વખતના મેળાની ફોકલ થીમ કન્ટ્રી બાંગ્લાદેશ છે. (દર વખતે અલગ અલગ થીમ ઉપર મેળો યોજાય છે.)   

આ વખતે બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મશતાબ્દી અને બાંગ્લાદેશની આઝાદીની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિતે બાંગ્લાદેશની થીમ રાખવામાં આવી હતી. બાંગ્લાદેશ પેવેલિયન, 7 માર્ચ, 1971ના રોજ બંગબંધુના પ્રતિકાત્મક ભાષણ પર આધારિત હશે. બાંગ્લાદેશની અન્ય ઐતિહાસિક ક્ષણો પણ પેવેલિયનમાં દર્શાવવામાં આવશે. દેશના 42 પ્રકાશકો 50 સ્ટોલ પર સેટઅપ કરેલ છે. બાંગ્લાદેશ ઉપરાંત, યુકે, યુએસએ, રશિયા, ઇટાલી, જાપાન, ઈરાન, સ્પેન, આર્જેન્ટિના, મેક્સિકો અને ઘણા લેટિન અમેરિકન દેશો આંતરરાષ્ટ્રીય સંકુલમાં સ્થાન મેળવેલ છે. અહિયાં કળા અને સાહિત્યના ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ સમકાલીન મુદ્દાઓ પર સેમીનાર અને પેનલ ચર્ચાઓમાં ભાગ લેશે. આ પુસ્તક મેળાના કાર્યક્રમો ઓનલાઈન લાઈવ સ્ટ્રીમ તરીકે પણ ઉપલબ્ધ રહેશે. સરકાર દ્વારા જણાવામાં આવેલ તમામ કોવિડ -૧૯ દિશાનિર્દેશોનું પાલન પણ ચુસ્તપણે કરવામાં આવેલ છે.

*

 

કલકત્તા બૂકફેરમાં સ્ટોલ મેળવવો બહુ જ અઘરી વાત છે. ઘણા પ્રકાશકો વર્ષો સુધી તપસ્યા કરે તો પણ જલ્દી સ્ટોલ મળતા નથી. શોપિઝન બંગાળીમાં શરુ થયાને માત્ર બે વર્ષ માંડ થયા હશે અને પ્રકાશન માત્ર ૫ મહિનાથી જૂનું પણ નહિ હોય, પરંતુ મોટા મોટા લેખકો અને નવા પ્રતિભાશાળી લેખકોના ઉત્તમ સાહિત્યને લઈને ટૂંક સમયમાં જ ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત કરીને એક આગવી ઓળખ ઉભી કરી. બંગાળી પ્રકાશક ગીલ્ડના સભ્યોએ પણ એની નોંધ લીધી અને શોપિઝનને માનભેર કલકત્તા બૂકફેરમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું. કોઈપણ ઓનલાઈન પ્લેટફોર્મને કે પ્રકાશકને આટલું જલ્દી આ બહુમાન પ્રાપ્ત થયું જ નહોતું પહેલા અને શોપિઝને આ અવસરને વધાવી લીધો.

 

*

બંગાળી લોકોની ખાસિયત કહું તો એમના સ્વભાવનો તોર, મિજાજ અને તુમાખી રસગુલ્લા (કે રોશોગુલ્લા)ની ચાસણીમાં ઝબોળેલ હોય છે. મીઠાશ જીભ ઉપરથી ટપકતી હોય, મગજમાં યાંત્રિક સંવેદનાઓ ચાલતી હોય, બોલ સુપરસોનિક વિમાનની સ્પીડની જેમ ટપકતા હોય અને મોઢા પર સ્મિત હોય ! બૂકફેર એક ઇવેન્ટ ના રહી જતા એમના માટે જાણે કે એક દર વર્ષે આવતો સાહિત્યનો જમણવાર છે, લગ્નમાં મહાલવા જતા હોય એમ જાત જાતના સુંદર ડ્રેસ, સાડીઓ, આભૂષણો પહેરીને મહિલાઓ તૈયાર થઇ થઇ આવે, પોતાના સાથીના હાથમાં હાથ નાખીને જાજરમાન મહિલાઓ જયારે ગેટથી અંદર પ્રવેશે ત્યારે એક અલગ જ માહોલ ઉભો થાય. અહી અંદર આવતા જ ગરીબી અને અમીરીની રેખા જાણે કે ભેદાય જાય છે. ગરીબમાં ગરીબ બંગાળી પણ પોતાનું એક તો એક પણ સાચવી રાખેલું કપડું પહેરીને આવે, વર્ષથી કરેલી બચત અહી બુક્સ ખરીદવામાં અને પરિવારને આનંદ કરાવવામાં ખર્ચી નાખે. કોઈ ગ્લાની નહિ, કોઈ પસ્તાવો નહિ, બસ આનંદ કરો. માથે દેવું છે, ટેન્શન છે, ધંધો મંદો હોય  કે અન્ય પીડાઓને મનમાં ધરબી દે અને મુખ પર સ્મિત રાખી એક પછી એક સ્ટોલની મુલાકાત લેતા રહે અને મનપસંદ બુક્સ ખરીદતા રહે. ઘણા સીનીયર સીટીઝન લાકડીના સહારે (અમુકને તો વ્હીલચેરમાં પણ જોયા!!!) ધીમે ધીમે ચાલતા ચાલતા આવે અને એમની ઝાંખી પડી ગયેલી આંખોમાં રહી ગયેલા ભૂતકાળને ઢંઢોળીને બહાર કાઢે અને વર્તમાન સાથે વહેંચી દે. પુસ્તકો એમનો આત્મા છે, એમનું સર્વસ્વ છે.

ઘણી મહિલાઓ છત્રી અને ગોગલ્સમાં મહાલે, ઘણા પુરુષો સાદા ઝભ્ભામાં બગલથેલો લઈને આવે, તો કોઈ ગુચ્ચી, વેરામોડા, ડીઝલ, લીવાઈસ, પ્રાડા કે વર્સાચેમાં પણ આવે. સુગંધનો દરિયો હેલે ચડે એવી મધમધતી માનુનીઓ ઈમ્પોર્ટેડ પરફ્યુમ્સમાં નહાઈને સડસડાટ બંગાળીમાં વાતો કરે અને વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દો એમની હાજરી પણ પુરાવે. હાસ્યની છોળો ઉડે, ખાણીપીણીના સ્ટોલ્સમાં ફીશ ટીક્કા, પૂચકા (આપણી પાણીપૂરી),જાલમૂરી (આપણી ભેળ) ચીકનરોલ્સ, રાઈસ/પુલાવ (એ તો હોય જ ને!) અને અવનવી ગ્રેવી મોઢામાં ઓરતી જાય, ખડખડાટ હસતી જાય અને વચ્ચે વચ્ચે કોલ્ડડ્રીન્કસના ઘૂંટડા ભરતી જાય. અદ્ભુત માહોલ હતો. અસંખ્ય લોકો ઉમટી પડેલા (આ લખાય છે ત્યાં સુધીમાં લગભગ ૩ લાખ લોકો વિઝીટ લઇ ચુક્યા છે.) એક સાહિત્યમેળાવડામાં આટલા લોકોને મહાલતા જોઇને એટલો આનંદ થાય કે પૂછો જ નહિ!

બંગાળીઓ સહિષ્ણુ છે. વર્ષોથી કારમી ગરીબી અને પીડાઓનો તાપ સહી સહીને આગળ વધ્યા છે. મહિલાઓએ કાઠું કાઢ્યું છે. લગભગ દરેક ક્ષેત્રમાં મહિલાઓ આજે આગળ પડતો ભાગ ભજવી રહી છે. જૂના દૂષણો અને મહિલા અત્યાચારોની વાત હવે મોળી પડી ગઈ છે. મહિલાઓ ટટ્ટાર થઇને એક અનોખા આત્મવિશ્વાસથી અહી ફરે છે, વાતો કરે છે (રાજ પણ કરે છે! મમતા બેનર્જી-મુખ્ય પ્રધાન). હવે જમીનદારોનો, દાદાગીરીનો, પુરુષગીરીનો ડર નથી. હવે કોઈ દહેજ માંગે તો અવાજ ઉઠાવાય છે, જાન પાછી મોકલાય છે, સહનશક્તિની પેલે પાર કે જ્યાં મગજ બહેર મારી જાય અને કોઈ પીડા ના થાય એવી સજ્જડ ચામડી લઈને મહિલાઓ આગળ આવી છે, ગ્રામ્ય મહિલાઓનું જિવન સુધર્યું છે.

બંગાળમાં ટ્રાન્સજેન્ડરની સંખ્યા પણ ઘણી છે. પણ એ તમને ભીખ માંગતી નહિ દેખાય પણ બંગાળી સમાજનો એક હિસ્સો બનીને આગળ આવીને જીવે છે. બૂકફેરમાં પણ ઘણા ટ્રાન્સજેન્ડર લોકો જોયા.

મોંઘમાં મોંધી સાડી પહેરી, આભૂષણો લાદીને બેફીકરાઇથી સિગારેટના કશ મારતી આવી ટ્રાન્સજેન્ડર કડકડાટ અંગ્રેજી પણ બોલે છે, પોતાના ગમતા સાહિત્યકાર વિષે છૂટથી ચર્ચા કરે છે અને અન્ય મહિલાઓના ટોળામાં પણ એમની મિત્ર બની વિચરે છે. કોઈને છોછ નથી, ખોટો આડંબર નથી કે ધ્રુણા નથી. એ પણ સમાજનો જ એક ભાગ છે એવું બહુધા લોકોએ સ્વીકારી લીધું છે.

*

ભયંકર ટ્રાફિક વચ્ચે અમારી કાર ગેટ નંબર ૯ પાસે આવીને ઉભી રહી. ત્યાં બસસ્ટેન્ડ પણ હતું અને ઘણા લોકો બસો ભરી ભરીને આવતા જ જતા હતા.

 (ગવર્મેન્ટ આ સમયે ખાસ બસો પણ દોડાવે છે અને ગામડે ગામડેથી લોકોને લઇ આવે છે.) ગેટની અંદર જ ૧૬૭ નંબરનો શોપિસ્ટોલ હતો. પરિચિત સ્મિત સાથે શોપિબંગાળી કર્મચારીઓએ સ્વાગત કર્યું.

*

ભાગ – ૧ સમાપ્ત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ