વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

   (2)


  સુરજસિંહ આ વખતે મુંબઈથી તેના બે મિત્રો કે,તેઓ પણ ઉત્તરપ્રદેશ બાજુના રાજકુમારો હતા તેમને રજાઓમાં કનકપુરમાં આમંત્રણ આપી સાથે લાવ્યો હતો.એકનું નામ રાજસ્વી યાદવ અને બીજાનું નામ તેજકુંવર હતું.બંને નવયુવાન મિત્રોને સુરજસિંહ પોતાના રાજમાં ફેરવતો.આજ સવારથી ઘોડેસવારીની મોજ માણવા તેઓ રામપુર બાજુ આવી પહોંચ્યા હતા.અહીં પણ નાની પણ ભવ્ય હવેલીમાં રોકાણ દરમિયાન તેઓ પ્રકૃતિની મજા માણી રહ્યા હતા.બપોરે જમી પરવારી ત્રણેય મિત્રો ઘોડાઓને દોડાવતા ટેકરીઓ પર આવી પહોંચ્યા.બે ટેકરીઓ વચ્ચે વહેતા મીઠા ઝરણાં વહી રહ્યા હતા.તેઓએ ઘોડાઓને ચરવા છુટા મૂકી દઈ પોતે ઝરણામાં સ્નાન કરવાનો લ્હાવો લેતા મસ્તીમાં ઝુમ હતા ત્યારે ત્યાં ગાયો ભેંસો ચરાવતો અસલમ આવી પહોંચ્યો.


  અસલમ ઝરણાની બાજુમાં બની ગયેલી નાની એવી તલાવડી પાસે આવી પહોંચ્યો.તેણે ઝરણાં નીચે મોજમસ્તી કરતા આ ત્રણ જુવાનોને જોયા.પોતે હજુ બાર વર્ષનો થયો હતો પણ લાગતો વીસ વર્ષ જેવડો.તેણે કપડાં પહેરતા ત્રણેયને બૂમ મારી કહ્યું,


  "એ...ય...ક્યાંના છો તમે?"


  આજ સુરજસિંહ સાથે કોઈ અંગરક્ષકો નહોતા પણ તેને ખાતરી હતી કે,ભટ્ટજી એ વાતે ગાફેલ ન રહે.ત્યાંજ ચાર ઘોડેસવારો આવી પહોંચ્યા."ઉફ અહીં પણ ભટ્ટજીએ" કહી સુરજસિંહે મો ફુલાવ્યું.તેના મિત્રો તેની નારાજગી સમજી ગયા.તેજસ્વીએ કહ્યું, "આપણા સૌના વડીલો હજુ આપણને નાના બાળક સમજે છે"


  અસલમનો અવાજ હજુ આ લોકોને સંભળાયો નહોતો.અસલમે બીજીવાર બૂમ પાડી કહ્યું,"અરે....ઓ...જુવાનો ક્યાંના છો,વટેમાર્ગુ છો?".


  તેજસ્વીને આ સાંભળી રમૂજ કરવાની ઈચ્છા થઈ તેણે દૂર અસલમને ઉદેશી કહ્યું,


  "દેખાતું નથી?અમો અંગ્રેજ છીએ"

  

  અસલમ આ સાંભળી વિચારમાં પડી ગયો.આ ત્રણેયને શહેરી પોશાકમાં જોઈ વિચાર્યું અંગ્રેજો તો ગોરા ગોરા હોય,શું આ લોકો ખરેખર અંગ્રેજ હશે?તેણે અંગ્રેજોની ક્રૂરતા વિશે ગામના જુવાનીયાઓ પાસે ઘણું સાંભળ્યું હતું.તેની સમજણ પ્રમાણે આપણે તેમના ગુલામ છીએ એ પણ સાંભળ્યું હતું.ચારેબાજુ તેઓની ધાકની વાતો ફેલાયેલી રહેતી.અમો અંગ્રેજ છીએ એ સાંભળી અસલમ મનમાં સમસમી ગયો.મનમાં વિચાર્યું આ ત્રણને મારવા કોઈ મોટી વાત નથી પણ આ દેશી ઘોડેસવારો કોણ છે?તેણે એ પણ સાંભળ્યું હતું કે,ગોરાઓ પોતાના રક્ષણ માટે દેશી માણસો રાખે છે અને સારું મહેનતાણું પણ આપે છે.હવે તેણે ઘોડેસવારો તરફ જોઈ કહ્યું,


  "તમે આપણા માણસો થઈને આ અંગ્રેજોની રક્ષા કરો છો?શરમ નથી આવતી?આ લોકો તો આપણી રૈયતને રંજાડે છે.ગુલામ તો તમે છો અને અમને ગુલામ કહો છો?"


  અસલમની આ વાત સાંભળી સૌ ઘોડેસવારો ખળખડાટ હસી પડ્યા.


  "બેશરમો,શરમ કરો શરમ કરો.પોતાની ભૂમિ ઉપર અત્યાચાર કરતા આ અંગ્રેજોને તમે ધારો તો હમણાંજ ખતમ કરી શકો છો.તમારાથી ન થાય તો મને કહો હું હમણાં આ ત્રણેયને યમઘાટ પહોંચાડી દઉં"


  અત્યાર સુધી આ સંવાદ સાંભળતા સુરજસિંહને વધુ મજાક કરવાનું સુજ્યું અને અસલમની નજીક આવતા કહ્યું,


  "બહુ જોશ છે તારી જવાની ઉપર?"


  "અજમાઈશ કરવી હોય તો આવી જાવ મેદાનમાં.હું તમને ત્રણેયને એકલે હાથે મસળી નાખું છું કે,નહીં"..આમ કહી અસલમે પરોણાના છેડે લટકાવેલી પાણીની હાંડી નીચે મૂકી પરોણો ઉંચો કર્યો કે,એક ઘોડેસવાર તરત નીચે ઉતરી અસલમ તરફ ધસી જઈ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ એ પ્રયત્ન તેને મોંઘો પડ્યો.કોઈ સમજે તે પહેલાં આસલમે તેને લાત મારી નીચે પાડી દીધો પણ બીજા બેએ આવી તેના હાથમાંથી પરોણો ખેંચી લીધો.આ બધું પળવારમાં બની ગયું.સુરજસિંહ મનોમન આ જોઈ રહ્યો અને વિચાર્યું એક અદના માણસમાં પણ અંગ્રેજો પ્રત્યે કેટલી નફરત છે.તેણે અસલમની સામે જોઈ કહ્યું,


  "તું તારી ડાંગ પણ સંભાળી નથી શકતો અને વાતો લડવાની કરે છે?"


  આ સાંભળી અસલમને ખૂનસ ચડ્યું.તેનો રૂપાળો ચહેરો લાલ થયો.તે દૂર ભાગ્યો.એ જોઈ સૌ ખળખડાટ હસ્યા.પણ તેઓએ જોયું તો અસલમ ગાળો બોલતો એક બાવળ પાસે પહોંચ્યો અને તેના થડને બે ત્રણ ઝટકામાં મૂળથી ઉખેડી નાખ્યું અને આખું કાંટાણું ઝાડ ઉપાડી યા ગૉસ અલ મદદ કરતો સૂરજસિંહ તરફ ધસી ગયો.સુરજસિંહના અંગરક્ષકો સુરજસિંહની આગળ ઉભા રહી ગયા અને તલવારો ખેંચી.પણ અસલમ રોકાયો નહીં. તેનો ઈરાદો તેઓને ઝાડ નીચે દાટી દેવાનો હતો પણ દૂરથી ભયંકર બૂમ સંભળાઈ.


"આ...સ...લમ...બેટા.."


  અસલમે પાછળ જોયું.થોડે દૂરથી તેને પોતાના બાપુ આવતા જોયા.તેના હાથમાં ઝાડ સ્થિર થઈ ગયું.અબ્દુલ હાંફતો હાંફતો નજીક આવ્યો અને જોરથી કહ્યું,"આ બાવળિયાને દૂર ફેંક"આટલું કહી અબ્દુલ તલવાર ખેચેલા બે સિપાઈઓ વચ્ચે ઉભેલા સુરજસિંહ તરફ જોઈ નીચે ગોઠણસમો બેસી કરગર્યો,અસલમે ઝાડ દૂર ફેંક્યું.


  "ખમ્મા ધણીને,ઘણી ખમ્મા માઇબાપ, રહેમ કરો રહેમ કરો"...અને ઉભો થઈ અસલમ પાસે આવી તેનો હાથ પકડી સુરજસિંહ સામે લઈ જઈ કહ્યું,"માલિકને પગે પડ. તારી જિંદગીની ભીખ માંગી લે,"


  અસલમ અચંબાથી જોઈ રહ્યો.તે બાપુનો બોલ ક્યારેય ઉથાપ્તો નહીં. તેણે બે હાથ જોડ્યા કે,ફરી અબ્દુલ નીચે નમી આંસુ સાથે બેસી રડી પડ્યો અને કહ્યું,"માફ કરો.ખમૈયા કરો યુવરાજ."..યુવરાજના મિત્રો રાજસ્વી અને તેજકુંવર તો આ બધું જોઈ આભા જ બની જોઈ રહ્યા.સુરજસિંહ અબ્દુલની નજીક જઈ તેના ખભ્ભે હાથ રાખી ઉભો કર્યો અને કહ્યું, "એની કોઈ ભૂલ નહોતી.ભૂલ તો અમે કરી."


  અબ્દુલે અસલમ તરફ જોયું.અસલમે કહ્યું,"બાપુ આ યુવાને મને કહ્યું કે,અમે અંગ્રેજ છીએ અને મને લલકાર્યો એટલે હું"


  સટ્ટાક કરતો એક તમાચો અસલમના ગાલે પડ્યો.અબ્દુલ ધ્રૂજતો હતો અને વિચારી રહ્યો હું જો ઘડીક મોડો પડ્યો હોત તો અનર્થ થઈ ગયો હોત.


  તેણે જોયું તો યુવરાજ આગળ નીકળી ગયા.તેના મિત્રો અને અંગરક્ષકો તેની પાછળ ગયા અને થોડીવારમાં ઘોડાઓપર બેસી સૌ ધૂળ ઉડાળતા રવાના થઈ ગયા.નીચે બેઠેલા અબ્દુલની પડખે અસલમે બેસીને કહ્યું,"અબુ" અને ત્યારેજ અબ્દુલ તેને ભેટીને રોઈ પડ્યો.અસલમ માથે હાથ ફેરવતો તે ક્યાંય સુધી તેના ભોળા ચહેરાને જોઈ રહ્યો.ચૂમી રહ્યો.અસલમ આ આખી બીના સમજવા માટે અસમર્થ હતો.તે અબુને જોઈ રહ્યો.અબ્દુલે ઉભા થઇ કહ્યું,"હવે ચાલ ઘેર,પરવરદિગારે આપણી જાન બચાવી".અસલમ કંઈ સમજી ન શક્યો.મનમાં વિચાર્યું કે,જાન તો એ લોકોની બચી ગઈ.અબુ ન આવ્યા હોત તો એકેય જીવતો ન બચત.ઘેર આવી અબ્દુલે ખાટલાપર લંબાવ્યું.ફાતિમાએ પૂછ્યું,"કેમ આજ ઠીક નથી?".


  અબ્દુલે કંઈ જવાબ ન આપ્યો પણ અસલમે બધી વાત કહી ત્યારે ફાતિમા અંદરથી ધ્રુજી ગઈ.તેણે અબ્દુલ સામે જોઈ કહ્યું,"હાય અલ્લાહ,આ આ...સાચું કે છે?"અબ્દુલની આંખ ભીની થઇ.ફાતિમા અંદરથી થથરી ગઈ.ત્યાં બહાર ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો.ફાતિમાએ ઉભા થઇ ઝુંપડા બહાર નજર કરી.


  "અબ્દુલ ગનીનું ઘર આ છે"..એક સિપાઈનો રોફદાર અવાજ સંભળાયો જે અબ્દુલે પણ અંદર સાંભળ્યું.અસલમ તરત બહાર નીકળ્યો.પાછળ અબ્દુલ આવ્યો.અસલમે ઘોડેસવાર સામું જોઈ હકારમાં ડોક હલાવી. દેશી સિપાઈએ અબ્દુલને જોતા કહ્યું,"અબ્દુલ તું અને તારો પુત્ર અસલમ બંને સાંજે હવેલીમાં આવજો.આ યુવરાજનું ફરમાન છે". જવાબની રાહ જોયા વગર એ ઘોડાની લગામ ખેંચી રવાનો થઈ ગયો.હવે અબ્દુલ અને ફાતિમા બનાવની ભયાનકતા સમજી અંદરોઅંદર થથરી ગયા.આ તો રાજનું તેંડુ આવ્યું.

-------------


 દીવાન ભટ્ટજી અને લશ્કરીવડા વિક્રમસિંહે ઉભા થઇ રણમલસિંહને ઝૂકીને સલામ કરી.વિક્રમસિંહ આમતો રણમલસિંહનો ભત્રીજો થતો હતો.તેની મર્દાનગી અને રાજ માટે કંઈક કરી છૂટવાની પ્રબળ ભાવના થકી તે સેનાપતિ પદે પહોંચ્યો હતો.દેશી રજવાડાના લશ્કર બહુ બહુ તો ત્રણ ચાર હજાર સૈનિકોના હોય.કનકપુરનું લશ્કર પણ બાવીસસોનુ હતું.એ સૈનિકો રાજ માટે જાન આપી દે એવા જવામર્દ અને વફાદાર હતા.વિક્રમસિંહને તો નાનપણથી ઘોડેસવારી તલવારબાજીનો શોખ હતો.લાંબો અને દેખાવે પાતળો એવો વિક્રમસિંહ મલકુસ્તીમાં પણ કોઈને જીતવા ન દેતો.રણમલસિંહે બંનેને બેસવા ઈશારો કર્યો અને પોતે બેઠક લીધી અને વિક્રમસિંહને પૂછ્યું,"વિક્રમ કોઈ નવી બાતમી મળી છે"


  "કાકાશ્રી,નવી બાતમી અનુસાર અત્યારે જે જે અંગ્રેજ અમલદારોની નિમણુંકો થાય છે એ ક્યાંયની પણ રૈયતને રંજાળવામાં કંઈ બાકી નથી રાખતા.આખા મધ્યપ્રદેશનો ઉપરી એવો જોનબટલર બહુ ખંધો છે."


  ભટ્ટજીએ કહ્યું,"એ મેં મહારાજને કહ્યું છે"


  "હા,વડીલ પણ તાજી ખબર કહું તો અંગ્રેજોના અમુક અમલદારો તેની આવી જાતની રિતરસમથી નારાજ છે.વિના કારણ કોઈને ફક્ત શકના આધારે જાહેરમાં ફાંસીએ લટકાવવો,અમુક જમીનો ખાલી કરાવવા આગળથી કંઈ જાણ કર્યા વગર લોકોના રહેઠાણો કબજે લેવા.જે સામા થાય કે,અરજ કરે તો જીવતા સળગાવી નાખવા.આવા ઘાતકી અત્યાચારો બંધ કરવા ઘણા અમલદારોએ તેની સામે પ્રેમથી રજૂઆત કરી કે,આ બધું વધારે પડતું થાય છે.આપને ખબર છે એના જવાબમાં જોનબટલરે શું કર્યું?".


  બંને તેની સામે જોઈ રહ્યા.વિક્રમસિંહે વાત આગળ વધારતા કહ્યું,"એ વખતે તો બટલરે હસીને ઓકે કહ્યું પણ પછી થોડા દિવસોમાં એવા અધિકારીઓને પત્રદ્વારા જણાવવવામાં આવ્યું કે,જેને પાછું વિલાયત જવું હોય તેને અમુક વધારાની રકમ અપાશે અને દર મહિને કંપની સરકાર તેને ખાધાખોરાકીની રકમ આપશે.એ ઓપરેશનનું નામ તેણે ફ્રીડમ રાખ્યું.

  

  એટલે જે થોડા માનવતાવાદી ઓફિસરોએ વિચાર્યું કે,આ સારી વાત છે. આવી લોભામણી જાહેરાતોથી તેઓમાંથી ઘણાએ અરજીઓ કરી.એ સૌની અરજીઓ મંજુર થઈ અને નક્કી કરેલા દિવસે સૌને મુંબઈથી સ્પેશિયલ આગબોટમાં વિલાયત માટે કુટુંબો સહિત ચડાવવામાં આવ્યા.એમાં જોનબટલરના ખાસ વિશ્વાસુ લડાયકો પણ સામેલ હતા.તેઓએ એ લોકો અને તેના કુટુંબના સભ્યોના પંચાણું લોકોને ગોળીઓથી વીંધી નાખી દરિયામાં પધરાવી દીધા અને આગબોટ બીજે દિવસે પાછી ગોદીમાં આવી."


  "ઓહો",બંનેના મુખમાંથી એક સાથે શબ્દો સરી પડ્યા.


  "એટલુંજ નહીં પણ મૃતકોનો ધન પૈસો એ મારાઓમાં વહેંચી દીધો.અને તેઓને બઢતી સાથે અલગ અલગ જગ્યાએ તહેનાત કર્યા.આવતીકાલે જે ઓફિસર તમને મળવા આવવાનો છે એ એમાંનો એક છે આલ્બર્ટ." 

                                    -------ક્રમશ-------

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ