વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

 

વેન કોર્ટલેન્ડ પાર્ક વિસ્તાર, ન્યુયોર્ક.

૨ ફેબ્રુઆરી, ૨૦૨૨.

રાતના ૧૧ વાગ્યે.

બરફ પડવાથી ચીકણા થયેલા સૂમસામ રસ્તા પર ટાયરની ચિચિયારી સાથે પૂરઝડપે આવી રહેલી કાર ગડથોલું ખાઈને ઊંધી પડી ગઈ. અંદર બેઠેલો વાહનચાલક ક્ષણિક સદ્નસીબના પ્રતાપે ઈજામુક્ત હતો, પરંતુ એના ભાગ્યને બદનસીબમાં પલટાતા વધુ વાર ન લાગી. જોતજોતામાં જ કાર સળગવા લાગી. એના દુર્ભાગ્યે એને બરાબર ભરડામાં લીધો હોય એમ મશીની ખામીને કારણે એ કાર ઑટોલોક થઇ ગઈ. કારચાલકની પહોળી થયેલી આંખોમાં ગભરાટ ફેલાઈ ગયો. એણે મદદ બોલાવવા માટે ઇમર્જન્સી નંબર ડાયલ કર્યો. સામે છેડેથી જવાબ મળ્યો, 'અમે ટૂંક સમયમાં ઘટના સ્થળે પહોંચી રહ્યા છીએ.'

પણ એ જાણતો હતો, મદદને એના સુધી પહોંચવામાં માઇનસ અગિયાર ડિગ્રીએ થઇ રહેલી બરફવર્ષા ઘણા અંતરાયો નાખશે. તેથી એણે મદદ આવે ત્યાં સુધી સ્વબચાવના પ્રયાસો આદર્યા.

મન અને વર્તનમાં અસ્વસ્થતા આવી ગઈ હોવા છતાં એણે પોતાની જાતને હિમ્મત આપવાનું ચાલુ રાખ્યું, ‘કારમાં ઇલેક્ટ્રિકલ ફેઇલ્યોર થયું લાગે છે. બહાર નીકળવા માટે કાચ જ તોડવો પડશે.’

વાહનચાલકે બની શકે એટલું સભાન રહી નિર્ણય લીધો. ધ્રુજતા અને ઉતાવળિયા હાથે કાચ તોડવા માટે એ કોઈ તીક્ષ્ણ ચીજ શોધવા માંડયો.

‘અરે હા! હેડરેસ્ટના સળિયાથી કાચ તોડી શકાશે.’

અગાઉ ક્યાંક જોયેલો સેફ્ટિ આઈડિયા યાદ આવતાં તેણે ડ્રાઇવિંગ સીટનું હેડરેસ્ટ કાઢવાનો પ્રયાસ કર્યો. પરંતુ એ ધ્રાસ્કો ખાઈ ગયો. કોઈએ હેડરેસ્ટના સળિયા કાઢી નાખ્યા હતા. ગાડીમાં ફેલાતા ધુમાડામાંથી નીકળેલી કાવતરાની બદબો એનો શ્વાસ રૂંધવા માંડી. ગાડી વધુ ને વધુ આગની લપટોમાં ઘેરાઈ ગઈ. એની ચામડી બફાઈ ગઈ. ગમે તે ઘડીએ કાર ફાટશે એ વિચારથી જ એના શરીરમાં ભયનું લખલખું પસાર થઇ ગયું.

એનું શરીર ગળાવા લાગ્યું હતું. એની ત્વચાનું રોમરોમ જીવતેજીવ બળી જવાની અસહ્ય પીડામાંથી પસાર થઇ રહ્યું હતું. બેશુદ્ધ થઇ રહેલા કારચાલકના કાનમાં પોલીસની સાયરનનો અવાજ સ્પષ્ટ થયો. છેલ્લી આશાના સહારે એણે હલચલ કરી. લાલ લેઝરના શેરડાએ ધુમાડો વીંધીને એ હલચલ ભાળી. બચાવ ટુકડી સતર્ક થઇ. મોત અને જીવન વચ્ચે માત્ર ઘડીભરનું અંતર હતું. પણ બચાવ ટુકડી એ ક્ષણાર્ધ પાર કરે એ પહેલાં જ પ્રચંડ ધડાકા સાથે કારના ફુરચેફુરચા ઊડી ગયા! ધુમાડા અને આગની લપટો ઓકતો કારનો કાટમાળ રસ્તા પર ફેલાઈ ગયો. એ સાથે માનવશરીરના બળેલા ટુકડા ફંગોળાઈને જમીન પર પટકાયા. થોડીવારે પોલીસના દબાયેલા કોલાહલ અને સાયરનના અવાજો વચ્ચે ફોરેન્સિક ટીમે બળેલા મૃતદેહને મોટા પાવડાથી ઉઠાવી શબપેટીમાં ભરવા માંડ્યા.

કારના વેહિકલ આઇડેન્ટિફિકેશન નંબરની માહિતી મેળવીને જુનિયર ઓફિસર પોલીસવાન તરફ ધસ્યો અને સંપર્ક નંબર લખેલો કાગળ આગળ ધરી કહ્યું, "કારનો માલિક છે, મેવરિક એડમ્સ, સિનિયર રિપોર્ટર ઑફ મેટ્રો ટાઈમ્સ અને આ નંબર છે એની પત્નીનો, મિસિસ ઍલ્વિના એડમ્સ."

વાનમાં બેસેલા પોલીસ ઓફિસરે સંપર્ક કર્યો, "હેલો, મિસિસ એડમ્સ, અમને શંકા છે કે તમારા પતિ… શું તમે વેન કોર્ટલેન્ડ પાર્ક નજીક આવી શકશો?"

***

 

ટ્રિનિટી ચર્ચ કબ્રસ્તાન, ન્યુયોર્ક.

૬ ફેબ્રુઆરી, ૨૦૨૨

બપોરના ૧૨.૩૦ વાગ્યે.

આંખો મીંચી, છાતી પર હાથ રાખીને કેન્ટીકલ બેનેડિક્ટસનો પાઠ કરી રહેલા પાદરીના હોઠ પ્રભુ ઈસુના શબ્દો લઇ ફફડી રહ્યા હતા. પાદરી વારેઘડી અડધી આંખો ઉઘાડી પોતાના માથા પર અને પછી મદદનીશ પાદરી તરફ જોઈ લેતો કે એણે છત્રી બરાબર પકડી છે કે નહીં. ઘેરા સન્નાટામાં મેવરિક અને ઍલ્વિના એડમ્સના પરિજનો દબાયેલા ડૂસકાં સાથે અંતિમ વિધિનો મલાજો જાળવી રહ્યા હતા.

અંતિમ પ્રાર્થના પૂરી થતાં પાદરી આંખો બંધ રાખી બોલ્યો, "મેય હીસ સોલ એન્ડ સોલ્સ ઓફ ઓલ ધ  ફેઇથફુલ ડિપાર્ટેડ થ્રુ ધ મર્સી ઓફ ગોડ, રેસ્ટ ઈન પીસ." કહી પાદરીએ હાથથી છાતી પર ક્રોસ બનાવ્યો.

પાદરીનું દરેક વાક્ય ઍલ્વિનાના આંસુ વડે પૂર્ણવિરામ પામતું હતું. અંતિમ વિધિ સમયે ચર્ચમાં વાગતા સંગીત 'લિબેરા મી'ના શબ્દો હજુયે ઍલ્વિનાના કાનોમાં ગુંજી રહ્યા હતા, 'હે પ્રભુ, મને ભયાનક કયામતના શાશ્વત મૃત્યુમાંથી બચાવો! જ્યારે આકાશ અને પૃથ્વીને સ્થાનભ્રષ્ટ કરવામાં આવશે, એ ક્રોધ, આફત અને દુઃખોનો દિવસ, જ્યારે તમે આગ દ્વારા વિશ્વનો ન્યાય કરવા આવશો… જ્યારે તમે આગ દ્વારા વિશ્વનો ન્યાય કરવા આવશો… હે પ્રભુ, તેમને શાશ્વત આરામ આપો… તેમના પર તમારી કૃપા ચમકવા દો…'

'મેવરિક વગરનું જીવન મારા માટે ભયાનક દિવસોથી ઓછું નથી. એકલતાની આગ, સ્મૃતિઓના છળ અને યાદોનું દુઃખ.'

ઍલ્વિનાના મનમાં વૈચારિક યુદ્ધ ચાલી રહ્યું હતું. શબ પર માટી નાખતા પહેલાં ઍલ્વિના મેવરિકના મોહક ચહેરાને મન ભરીને જોવા માંગતી હતી. પરંતુ એ મોહક ચહેરો હવે દાઝેલા માંસના ટુકડા સિવાય બીજું કંઈ જ નહોતું. અકસ્માતે મેવરિકના શરીરને સંપૂર્ણપણે બાળી નાખ્યું હતું. એ દગ્ધ અને છૂટાં પડેલા માનવઅંગો જોઈને કોઈ છળી ન મરે તેથી શવને અંતિમવિધિના સફેદ કાપડાના પાલમાં ગાંસડી બાંધી હોય એમ ઢબૂરી દેવામાં આવ્યું હતું.

અકસ્માતની તપાસ પત્યા પછી, ચાર દિવસે પોલીસ મેવરિકનો મૃતદેહ ઍલ્વિનાને સોંપી ગઈ હતી. ઍલ્વિના પાસે મેવરિકની અંતિમ યાદરૂપે માત્ર એમના લગ્નની વીંટી બચી હતી, જે મૃતદેહના છૂટા પડેલા હાથમાં મળી હતી અને જેના કારણે જ ઍલ્વિના મેવરિકને ઓળખી શકી હતી. બળેલા અંગુલી અવશેષો અને રાખને કારણે ઝાંખી થયેલી એ વીંટી ઍલ્વિનાએ કચકચાવીને પકડી રાખી હતી. આઘાતગ્રસ્ત ઍલ્વિનાનો બબડાટ સતત ચાલુ હતો, “નહીં મેવરિક... તું આ રીતે નહીં જઈ શકે!"

ઍલ્વિનાના સંબંધી આન્ટ કેડીએ સહારો આપતાં ઍલ્વિનાએ માટી ભરેલો બીજો હાથ યંત્રવત આગળ કરી અગાઉથી જ નષ્ટ થયેલા શરીરને જમીની તત્વોના હવાલે કર્યું અને કહ્યું, "રેસ્ટ ઈન પીસ મેવરિક… આઈ લવ યુ. આશા કરું કે આપણે જલદી જ મળીશું."

***

 

ટ્રિનિટી ચર્ચ કબ્રસ્તાન, ન્યુયોર્ક.

૨૩ માર્ચ ૨૦૨૨.

સાંજના ૫.૦૦ વાગ્યે.

એ ઉજવણીની રાતે આપણે મળ્યા હતા. બરફના વરસાદમાં. ક્રિસ્મસ પાર્ટીની ભીડભાડ અને કોલાહલથી દૂર ઊભી રહી તું ચહેરા પર બરફના ફોરાં ઝીલતી હતી. રસ્તાના કિનારે સજાવાયેલી ફેયરી લાઇટ્સની લાલ અને સફેદ ચમક તારા ચમકીલા ગાલ પર પ્રતિબિંબિત થઇ મેં જોઈ હતી. યુવાનીથી છલોછલ છતાં તારી બાળક જેવી નિર્દોષ આંખો આકાશમાં કંઈક શોધતી હતી. મને એ વિષે કૌતુક થઇ આવ્યું હતું. એટલે જ હું તારી નજીક આવ્યો હતો અને તને પૂછ્યું હતું, 'આટલી સરસ પાર્ટી છોડીને આ વાદળછાયા આકાશમાં શું શોધો છો?'

'સાન્તાક્લોઝ.' તેં ત્વરાથી મારી તરફ નજરો ફેરવીને સહેજેય વિચાર્યા વગર જવાબ આપ્યો. તારી આંખો મારી આંખોમાં પરોવાઈ. એ જ ક્ષણે, એ ઉજવણીની રાતે હું તારી ચકોર, માસુમ અને વિસ્મયભરી આંખોમાં ડૂબી ગયો હતો. ઍલ્વિ, આજે હું તારી પાસે જીવનભરનો સાથ…

 

‘પીંપ પીંપ પીંપ…’ અવાજ સાથે મોબાઈલ ફોન સ્વિચ ઑફ થઇ ગયો.

ઓડિયો અધવચ્ચે અટકતા ઍલ્વિના જાણે અન્ય જગતમાંથી વાસ્તવિકતામાં આવી પછડાઈ. એણે આસપાસ નજર ફેરવી. પ્રભુ ઈસુના દરેક વિશ્વાસુ આત્માઓ ચીર નિંદ્રામાં શાંતિથી પોઢી રહ્યા હતા. માત્ર ઍલ્વિનાના ડૂસકાં અને બે કલાકથી સતત ચાલી રહેલો ઓડિયો કબ્રસ્તાનની થીજેલી હવાને ખળભળાવી રહ્યો હતો. મેવરિકે ઍલ્વિના સાથે થયેલી પ્રથમ મુલાકાતનું વર્ણન કરીને મંદમંદ સ્મિત સાથે ઍલ્વિના સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઍલ્વિના માટે એ ક્ષણો પરીકથાઓથી જુદી નહોતી. જેમાં એનો રાજકુમાર એના માટે સોને મઢેલા શબ્દો સજાવીને પોતાનો ઍલ્વિના માટેનો પ્રેમ જાહેર કરી રહ્યો હોય. એ સમયે મેવરિકે ઍલ્વિનાની 'હા' રિકૉર્ડ કરવા માટે બનાવેલા ઓડીયોને ઍલ્વિનાએ મેવરિકના દેહાંત બાદ પોતાનો રોજિંદો ભાગ બનાવી લીધો હતો.

ફોનની બેટરી પુરી થતાં રિકૉર્ડિંગ એકાએક અધવચ્ચે અટકી જવાથી ઍલ્વિના ગિન્નાયી, "આગળ બોલ મેવરિક! જીવનભરનો સાથ શું? બોલ મેવરિક… આગળ બોલ…"

ઍલ્વિનાએ મૂંગો થયેલો થયેલો ફોન જમીન પર ફેંક્યો અને મેવરિક એડમ્સના નામની તકતી ગોઠવાયેલી કબર પર ચોધાર આંસુંઓ સાથે મુઠ્ઠી પછાડવા લાગી, "તું આ રીતે ન જઈ શકે મેવરિક! તેં મને જીવનભર સાથ આપવાનું વચન ન નિભાવ્યું."

દરેક સાંજની જેમ કબ્રસ્તાનની એ સંધ્યાને પણ ઍલ્વિનાએ રુદનની બક્ષિસ આપી. ત્યાંની હવાને વધુ ઉદ્વિગ્ન બનાવતા વીપિંગ નૂટકાનાં વૃક્ષો સ્તબ્ધ થઇ ઍલ્વિનાનું રુદન સાંભળી રહ્યા હતાં. ઍલ્વિનાની દરેક સાંજ આમ જ કબ્રસ્તાનમાં વીતી જતી. દરેક સાંજે એ મેવરિકની કબરને સંબોધીને કહેતી, "રેસ્ટ ઈન પીસ સ્વીટહાર્ટ. આશા કરું છું કે આપણે જલદી જ ફરી મળીશું."

***

 

મેનહટ્ટન, ન્યુયોર્ક.

કેમ્બ્રિજ ટ્રાયો એપાર્ટમેન્ટ.

૧૩ એપ્રિલ, ૨૦૨૨

રાતના ૧૦ વાગ્યે.

મેવરિકના દેહાંત પછી સૂધબૂધ ખોઈ બેઠેલી ઍલ્વિનાના રસોડામાં આન્ટ કેડી બ્રેડના પેકેટ અને ફળો ગોઠવી રહ્યા હતાં. એમણે ઉદાસ બેઠેલી ઍલ્વિના તરફ નજર કરી. ઍલ્વિનાનો સુંદર સુડોળ ચહેરો ફિક્કો પડી ગયો હતો. ઍલ્વિના એના લાંબા સોનેરી વાળ હંમેશાં ખુલ્લા રાખતી. જેને હવે તે અસ્તવ્યસ્ત અંબોડામાં બાંધી દેતી હતી. સિલ્ક અને જ્યોર્જેટના રંગબેરંગી ફ્લૉરલ ફ્રૉક અને ગાઉનમાં સજ્જ રહેતી ઍલ્વિના હવે બસ કાળા ટ્યૂનિક અને ટ્રાઉઝરમાં દેખાતી. રમતિયાળ રહેતી ઍલ્વિનાની ઉંમર બે જ મહિનામાં જાણે અઠ્ઠાવીસથી વધીને ચાલીસ થઇ ગઈ હતી. ઍલ્વિનાને હજુયે વિશ્વાસ નહોતો બેસતો કે મેવરિક એના જીવનમાંથી આમ અદૃશ્ય થઇ શકતો હતો. એ જ અવિશ્વાસ ભરેલી એની આંખો મેવરિકને શોધતી રહેતી.

ઍલ્વિનાના વણકહ્યા દુઃખને વાચા આપવાના હેતુથી કેડી આન્ટીએ એને પ્રશ્ન કર્યો, "તું મેવરિકને યાદ કરીને એમ કેમ કહેતી રહે છે કે, 'આપણે જલદી જ મળીશું?’ મૃત્યુ પામેલા લોકો પાછા નથી આવતા મારી દીકરી."

"પણ જીવતા લોકો તો મરી શકે ને આંટી? અને પ્રભુ કરે મારા જીવનનો અંતિમ દિવસ જલદી આવે. મેવરિક વગરની આ ઘડીઓ વીતાવવી મારા માટે અશક્ય થતી જાય છે." ઍલ્વિનાએ નીચું જોઈ ઠંડા સ્વરે કહ્યું.

"મેવરિકના ગયાને હજુ તો બે મહિના થયા છે ઍલ્વિના. ધીરજ રાખ. સમય સૌથી સારું ઔષધ છે, સમયને સમયનું કામ કરવા દે. પ્રભુ ઈસુ કહે છે ને, 'તમારા હૃદયને મિથ્યા તકલીફ ન આપો. મારામાં અને પરમપિતામાં હંમેશાં શ્રદ્ધા રાખો.' અને તારી તો હજુ ઉંમર જ શું છે કે તું જીવનના અંતિમ દિવસોની વાત કરે છે! યાદ રાખ, પ્રભુ એક હાથે કંઈક લઇ લે છે તો એનાથી દસ ગણું વધુ પરત કરે છે. આમ નિરાશ ન થા મારી વહાલી." કહી આન્ટ કેડીએ ઍલ્વિનાને બાથમાં લીધી અને ધ્રુસકે ધ્રુસકે રડતી ઍલ્વિના શાંત થાય ત્યાં સુધી એને સાંત્વના આપતા રહ્યાં.

"ઘણી રાત થઇ ગઈ. હવે હું રજા લઉં. કામથી બહારગામ જઈ રહી છું તેથી ફરી ક્યારે આવું એ નક્કી નથી. પણ તું તારું ધ્યાન રાખજે દીકરી. ગુડ નાઈટ એન્ડ સ્લીપ વેલ ડિયર." આન્ટ કેડીએ ઍલ્વિનાના માથે હાથ મૂક્યો.

ઍલ્વિનાની રડીરડીને સૂજેલી આંખો પણ હવે આરામ ઝંખતી હતી. છતાં એપાર્ટમેન્ટનો દરવાજો અને લાઇટ્સ બંધ કરીને ઍલ્વિના મેવરિકની ૩X૨ સાઈઝની મોટી છબી સામે જઈ ઊભી રહી. ઍલ્વિનાએ છબી સામે મીણબત્તી પેટાવી. મીણબત્તીના પ્રકાશમાં ઝળહળતો મેવરિકનો હસતો ચહેરો જાણે એને છળી રહ્યો હતો, કંઈક કહી રહ્યો હતો. ‘કદાચ મેવરિકની તસ્વીર બોલી ઊઠે, મારી સાથે વાત કરે!’ એવા નિરર્થક વિચારોથી દોરવાયેલી ઍલ્વિના મેવરિકની છબી સામે જ કૉફી લઈને આરામદાયક સોફા ખુરશીમાં બેઠી.

ઍલ્વિનાનું થાકેલું નબળું થયેલું શરીર મેવરિકની હયાતી ઝંખી રહ્યું હતું. તીક્ષ્ણ અને તેજ મુખાકૃતિવાળા મેવરિકની વાદળી આંખો જોવા ઍલ્વિના વ્યાકુળ થઇ ગઈ. રોજ રાતે દસ વાગ્યે ઍલ્વિનાની કૉફી પીવાની આદત મેવરિકને પસંદ નહોતી. કૉફી મોઢે માંડતા જ એને યાદ આવ્યું કે અનિચ્છા છતાં મેવરિક જ એને કૉફી બનાવી આપતો અને સાથેસાથે એ બાબતે ટોકી પણ દેતો. રોજની આ મીઠી તુંતુંમેંમેં બાદ ઍલ્વિના આ જ સોફા ખુરશીમાં આઇપેડ લઈને બેસતા મેવરિકની પહોળી છાતી પર માથું ઢાળીને પુસ્તક વાંચતી અથવા મેવરિકનો હૂંફાળો સ્પર્શ માણતી વિચારોમાં ગરકાવ થઇ રહેતી અને કહેતી, ‘મેવરિક મને ઊંઘ નથી આવતી, તું મારા માથે હાથ ફેરવી મને સુવડાવ ને!’

'ઍલ્વિ, સ્વીટહાર્ટ, આટલી રાતે કૉફી પીશે તો ઊંઘ નહીં જ આવે ને.'

ઍલ્વિનાના કાનમાં મેવરિકનો અવાજ પડઘાયો. આમ તો ઍલ્વિના કપ ખાલી થાય ત્યાં સુધી મેવરિકને જવાબ નહોતી આપતી. પણ આજે મેવરિકના અવાજની ભ્રાંતિએ ઍલ્વિનાને કૉફીનો કપ અધૂરો મૂકાવી દીધો. ઍલ્વિનાએ સોફા ખુરશીમાં જ લંબાવી દીધું. ઓગળતી જતી મીણબત્તીના ઝાંખા પ્રકાશ અને ઘેરાતી જતી ઍલ્વિનાની આંખોમાં મેવરિકનો ચહેરો ઝાંખો થતો રહ્યો. મેવરિકના દેહાંત બાદ ઍલ્વિના પહેલીવાર ગાઢ નિદ્રામાં સૂતી.

***

 

મેનહટ્ટન, ન્યુયોર્ક.

કેમ્બ્રિજ ટ્રાયો એપાર્ટમેન્ટ.

૧૬ એપ્રિલ, ૨૦૨૨.

રાતના ૧.૪૫ વાગ્યે.

ઍલ્વિનાના લયબદ્ધ શ્વાસો નીરવ અંધકારને સોંપી દઈ મીણબત્તી ઓલવાઈ ગઈ હતી. ઘડિયાળના કાંટાની ટીકટીક અને રસોડામાં ટપકતા નળની ટીપટીપ સિવાય આખા બે ફ્લૉરના ડ્યૂપ્લેક્સ એપાર્ટમેન્ટમાં સૂનકાર વ્યાપ્યો હતો.

ઓચિંતા જ બારણે પડેલા ટકોરા અને વારંવાર વાગતી ડોરબેલના અવાજથી ઍલ્વિના ખળભળીને જાગી ગઈ. કાચી ઊંઘ, સૂઝેલી આંખો અને અંધારાને કારણે એ વ્યાકુળ થઇ ગઈ. ઉતાવળા હાથોથી ડોરબેલ વાગવી સતત ચાલુ હતી, જે ઍલ્વિનાને વધુ વ્યગ્ર બનાવી રહી હતી. સોફા પરથી ઊઠી, ફર્નિચરના સહારે ઍલ્વિનાએ સ્વિચબોર્ડ સુધી પહોંચીને લાઈટ ચાલુ કરી ઘડિયાળ તરફ જોયું. રાતના બે વાગવામાં હતા.

‘આટલી રાતે કોણ હોઈ શકે? એ પણ આ રીતે દરવાજો ખખડાવીને?’ ઍલ્વિનાએ દરવાજાના આઈપીસમાંથી જોવાનો પ્રયાસ કર્યો.

કાળી હેટ અને કાળો ઓવરકોટ પહેરેલો શખ્સ એપાર્ટમેન્ટના કોરીડોરમાં દરવાજો ખૂલે એની રાહ જોતો આંટા મારી રહ્યો હતો. દરવાજો ન ખૂલતાં એ ફરી દરવાજાની નજીક આવ્યો અને ટકોરા મારવા ગયો, પણ એનો હાથ અટકી ગયો. તેને કદાચ દરવાજાની બીજી તરફ ઍલ્વિનાની હાજરીનો અંદાજ આવી ગયો હતો. તેણે આઈપીસ તરફ વક્ર સ્મિત સાથે પોતાનો ચહેરો ધર્યો.

"મેવરિક?" ઍલ્વિનાના હૃદયમાં ધ્રાસ્કો પડ્યો. એ ચાર ડગલાં પાછળ હટી ગઈ. એણે સૂજી ગયેલી આંખો ચોળી, 'મને ભ્રમ થઇ રહ્યો છે કે આ સત્ય છે?'

બહાર ઊભેલી વ્યક્તિએ ફરી દરવાજે ટકોરા મારવાનું શરુ કર્યું, "ઍલ્વિના, જલદી દરવાજો ખોલ!"

ઍલ્વિના પરસેવે રેબઝેબ થઇ ગઈ. ઍલ્વિનાએ દરવાજો ન ખોલતા બહાર ઊભેલી વ્યક્તિએ એક વિચિત્ર પણ મજબૂત સાધન વડે દરવાજાનું લોક તોડવા માંડ્યું.

આ જોઈ ઍલ્વિના થથરી ગઈ. ઍલ્વિનાએ ઝડપથી ફોન સુધી પહોંચી જઈ ધ્રુજતા હાથે ૯૧૧ ઈમરજન્સી નંબર દબાવ્યો, "હેલો, હું ઍલ્વિના એડમ્સ બોલું છું! સ્ટ્રીટ ૭૫, કેમ્બ્રિજ ટ્રાયો, એપાર્ટમેન્ટ નંબર ૧૦૩થી." ઍલ્વિનાની ભયભીત નજરો તૂટતાં જતા લોક તરફ હતી, "ક… ક… કોઈ અજાણ્યો માણસ લોક તોડીને મારા ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો છે અને એની પાસે ધારદાર હથિયાર…"

ઍલ્વિનાના હાથમાંથી ફોન છીનવીને કાપી નાખવામાં આવ્યો. લગભગ મેવરિક જેવો જ દેખાતો પણ ઉંમરમાં નાનો, વીસેક વર્ષનો યુવાન દરવાજો તોડીને ઍલ્વિનાની સામે ઊભો હતો. ઍલ્વિના પાછા પગલે  ખસવા માંડી. એ યુવાન ઍલ્વિના તરફ શાંત ચિત્તે અને મક્કમ પગલે આગળ વધવા લાગ્યો.

ગભરાટથી ઍલ્વિનાનો અવાજ રૂંધાઇ રહ્યો હતો, તેમ છતાં હિમ્મત ભેગી કરી એણે નજીક પડેલી ફૂલદાની ઉઠાવી યુવાનની સામે હથિયારની જેમ ધરી. "દૂર રહે મારાથી! કોણ છે તું?"

"શાંત થા ઍલ્વિના. હું તારો શત્રુ નથી. હું તો મેવરિકનું અધૂરું રહેલું કામ પૂરું કરવા આવ્યો છું. મારું નામ…"

"હું નથી માનતી. જો તું શત્રુ ન હોય તો આ રીતે મારા ઘરમાં જબરદસ્તી અડધી રાતે ઘુસવાનું શું પ્રયોજન? હું કહું છું નજીક ન આવીશ. દૂર હટ." ઍલ્વિના સ્વબચાવ માટે આક્રમકતા દર્શાવી રહી હતી, પણ ખરેખર તો ઍલ્વિનાના પગ ઢીલા થઇ ગયા હતા. એ પોલીસની મદદ જલદી આવે તો સારું એમ વિચારી રહી હતી.

તે યુવાન ઍલ્વિના તરફ આગળ વધતો મેવરિકની તસ્વીર નજીક પહોંચ્યો. ત્યાં પડેલો કૉફીનો અધૂરો કપ ઉઠાવી એણે મેવરિકની છબી સામે જોઈ ઍલ્વિનાને સંબોધી કહ્યું, "ઍલ્વિ, સ્વીટહાર્ટ, આટલી રાતે કૉફી પીશે તો ઊંઘ નહીં જ આવે ને."

મેવરિકના એ જ શબ્દો! ઍલ્વિનાની આંખો આશ્ચર્યાઘાતથી પહોળી થઇ ગઈ. એની આક્રમકતા બાષ્પીભવન પામી ગઈ. ઍલ્વિનાના હાથમાંથી ફૂલદાની સરીને નીચે પડી ગઈ અને એના હોઠ ફફડ્યા, "મેવરિક?"

"ના, ફિનિક્સ."

ઍલ્વિના ફાટી આંખે પોતાના પતિ જેવા દેખાતા નવયુવાનને જોઈ જ રહી. એને હજુ એના પર વિશ્વાસ નહોતો આવતો, પરંતુ એની આંખોમાં કંઈક તો હતું, જે એને એની વાત માનવા પર મજબૂર કરી રહ્યું હતું.

સહસા સાયરનનો અવાજ ગૂંજી ઊઠ્યો. એ યુવાને ફરીથી ઍલ્વિના તરફ આશાભરી નજરે જોયું અને ઍલ્વિનાએ હકારમાં માથું ધુણાવ્યું અને એને ઉપર આવેલા બેડરૂમના બાથરૂમમાં સંતાઈ જવાનું કહ્યું.

ઍલ્વિનાના ઇમર્જન્સી કૉલથી આવેલી પોલીસ તાબડતોબ ગનપૉઇન્ટ સાથે એપાર્ટમેન્ટમાં ધસી આવી. પોલીસે પૂછપરછ કરતા ઍલ્વિનાએ થોથવાઇને જવાબ આપ્યો, "સર, મને લાગે છે મને વહેમ થયો હતો. પતિના દેહાંત બાદ આજકાલ થોડી ચિંતિત રહું છું. મને માફ કરશો. મેં તમારો સમય વેડફ્યો. અહીં કોઈ જ નથી."

પોલીસે ચપળ નજરો ઍલ્વિનાના ડ્યૂપ્લેક્સ એપાર્ટમેન્ટમાં ફેરવી. એક લેડી ઑફિસરે આગળ આવીને ઍલ્વિનાના ખભે હાથ મૂક્યો અને ધીરેથી હોઠ ફફડાવ્યા, “આર યુ શ્યૉર? કોઈ હોય તો ઇશારાથી પણ અમને જણાવી શકે છે. કોઈ અંદર સંતાયુ હોય તો અમે એને શોધી કાઢીશું.” ઍલ્વિનાએ આંખો નમાવીને સંદેશો આપ્યો કે એવું કંઈ નથી. ઍલ્વિનાને સ્વસ્થ જોઈ તેઓ પાછા ફર્યા. એમના જતાં જ ઍલ્વિના ઉપર બેડરૂમમાં દોડીને પહોંચી ગઈ. એ યુવક બેડ પાસે જ સ્મિત કરતો ઊભો હતો.

"મને ઍલ્વિ કહીને બોલાવનાર માત્ર મેવરિક જ હતો. તું છે કોણ? અને મારા મેવરિક સાથેના ખાનગી સંવાદો તું કઈ રીતે જાણે છે?"

"ઍલ્વિના, મેં કહ્યું ને, મારું નામ ફિનિક્સ છે અને હું મેવરિકનું અધૂરું કામ પૂરું કરવા આવ્યો છું."

યુવાને ઍલ્વિનાને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કર્યો.

"મને તારા જેવા ઘૂસણખોર પર વિશ્વાસ નથી." ઍલ્વિના તાડૂકી અને જાણે એક જ ક્ષણમાં વિચાર પલટાયો હોય એમ ખુલ્લા દરવાજા તરફ પોલીસને ફરી બોલાવવા ભાગવા લાગી. પણ ઍલ્વિનાના અંતરની ખીણમાંથી આવેલા પ્રતિધ્વનિ જેવા મોટા અવાજે ઍલ્વિનાને રોકી લીધી.

“એટલે જ હું તારી નજીક આવ્યો હતો અને તને પૂછ્યું હતું, 'આટલી સરસ પાર્ટી છોડીને આ વાદળછાયા આકાશમાં શું શોધો છો?' 'સાન્તાક્લોઝ.' તેં ત્વરાથી મારી તરફ નજરો ફેરવીને સહેજેય વિચાર્યા વગર જવાબ આપ્યો. તારી આંખો મારી આંખોમાં પરોવાઈ. એ જ ક્ષણે, એ ઉજવણીની રાતે હું તારી ચકોર, માસુમ અને વિસ્મયભરી આંખોમાં ડૂબી ગયો હતો. ઍલ્વિ, આજે હું તારી પાસે જીવનભરનો સાથ માંગુ છું. તારા સુખ-દુઃખમાં ભાગીદાર થવા માંગુ છું. તારા વિશાળ હૃદયમાં એક નાનકડી પણ કાયમી જગ્યા માંગુ છું ઍલ્વિ. કહે? તારા હૃદયમાં મને સ્થાન આપીશને, ઍલ્વિ?"

ફિનિક્સ નામનો અજાણ્યો યુવક ઍલ્વિના અને મેવરિકના હૃદયના સૌથી નજીકના શબ્દો દોહરાવી રહ્યો હતો.

આ સાંભળી ઍલ્વિના આકુળવ્યાકુળ થઇ ગઈ. ઍલ્વિનાનું મન હજારો પ્રશ્નોથી ભરાઈ ગયું. એ ફિનિક્સ સામે જોવા લાગી. જાણે એ ફિનિક્સમાં મેવરિકને શોધી રહી હોય. મેવરિક જેવી જ ફિનિક્સની ગૂઢ વાદળી આંખોમાં ઍલ્વિના પોતાના પ્રશ્નોના જવાબ શોધી રહી હતી.

ચંદ્ર આજે પૂર્ણ રીતે ખીલ્યો હતો, એનું સફેદ અજવાળું અને શીતળતા ધરતી પર પાથરી રહ્યો હતો. પરંતુ ઍલ્વિનાના હૃદયમાં ખળભળાટ મચ્યો હતો! સવાલો અનેક હતા આંખોમાં, પણ દિલ બસ એને જોયા જ કરવાનું કહેતું હતું, એનાં હાથોમાં હાથ નાખીને આ ચાંદનીમાં નહાયા કરવાનું કહેતું હતું, એની છાતી પર માથું નાખીને બધું જ ભૂલીને એના ધબકારા સાંભળવા ઇચ્છતું હતું, એ જ ધબકારા, જેમાં બસ એક જ નાદ સંભળાય… ઍલ્વિ, ઍલ્વિ, ઍલ્વિ…

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ