વીજળીને ચમકારે મોતીડાં પરોવવા જી રે...
વીજળીને ચમકારે મોતીડાં પરોવવા જી રે....
ફરફર કરતા પાંદડાં અને વહેતો મધુર પવન જાણે પ્રકૃતિના દરબારમાં સંગીત મહેફીલ! પવન મધુર નાદ કરતો સિતારવાદન કરે 'ને વૃક્ષનાં પાંદડાં તેનાં તાલે રૂમઝૂમ નૃત્ય કરે. "આહા!" પોતાના નાનકડાં સ્વર્ગ જેવાં બગીચામાં હીંચકે બેસી અરુંધતી એકલતાની માધુર્ય ક્ષણોને માણતી ઈશ્વરની ચેતનવંતી લીલામાં મગ્ન થઈ ગઈ હતી અને અચાનક પવનનો નાદ બદલાયો. તેનાં બદલાયેલાં નાદમાં તાંડવનૃત્યમાં ધ્રુજતાં ઝાંઝર સમો રણકાર ગુંજવા લાગ્યો. વૃક્ષો સમૂળગા ડોલવાં લાગ્યાં. નાના છોડવાં પણ પાંદડાં સાથે થરથર ધ્રુજવા લાગ્યાં. તુલસીક્યારે મૂકેલાં નાનાં અમથાં દીવડાની જ્યોત પણ તુલસીના પવિત્ર સાન્નિધ્યમાં હોવા છતાં તુલસીપત્ર સાથે થરથર ધ્રુજવા લાગી. અરુંધતી દોડતી ઉઠી અને દીવડાની થરથર કાંપતી જ્યોતને પોતાની હથેળીઓથી સુરક્ષિત કરી દીધી. "હાશ! " દીવડાની જ્યોતને એકટક તાકતી તેણે આંખો બંધ કરી પણ કંઈક યાદ આવતા રસોડામાં દોડી ગઈ. 'મોહના નાહી ધોઈને આવી ગઈ હશે'
મોહના...પીજી તરીકે રહેવા આવેલી મેડિકલ સ્ટુડન્ટ. જેની સાથે અરુંધતીને સગી દીકરી જેવો આત્મિક લગાવ થઈ ગયો હતો.
મોહના...થરથરાહટ હતી તેનાં શરીરમાં.
ઝીણું ઝીણું કંપન કરતું તેનું શરીર... અરુંધતી ત્રાંસી આંખે તેને નિહાળી રહી હતી. મોહના બિલિપત્ર અને ફૂલ ધોઈને અલગ છાબડીમાં મૂકી દેવસ્થાન તરફ આગળ વધી.
"મોહના.." અરુંધતીએ હાક મારી, "આ પ્રસાદની થાળી પણ ત્યાં મૂકી દે." હોઠ માત્ર ખુલ્યા 'ને સામે જોયું.
"ઓહ મા!" આકાશી રંગની આંખોમાં નર્યો શૂન્યવકાશ ભર્યો હતો. ઉષ્મા, લાગણી કે સ્પૃહા વગરનો! મોહનાએ પ્રસાદની થાળીમાં હાથમાં લેતા શરીરનું કંપન પણ થાળીમાં ભળી ગયું.
'શું હશે?' અરુંધતીના મનમાં શંકાના વિષેલા સાપોલિયા સળવળવા માંડ્યા. 'લાગે છે તો સારા ખાનદાની કુટુંબની. તેની હાલચાલ અને વર્તુણકમાં ઊંચા ખાનદાની સંસ્કાર ટપકે છે. તો ! ટીવી પર કોલગર્લ જોઈ હતી. એ તો કેવી અને કેવાં કપડાં પહેરે અને નખરાં! છી છી... હરિ હરિ...'
"આંટી, હું જાઉં." જવાબની રાહ જોયા વગર મોહના રૂમમાં જતી રહી. ધડામ્ કરતું બારણું બંધ થયું.
"ઓહ!" એકદમ ચીસ પાડી ઉઠી અરુંધતી! આરાધ્યદેવની શ્રીમાળા બનાવતાં બનાવતાં ફરી મોહનાના વિચારમાં એવી ઊંડી ઉતરી ગઈ કે સોંય હાથમાં ભોકાઈને લોહીની ટશરો ફૂટી નીકળી. ફટ્ટ કરીને આંગળી મોઢામાં મૂકી. દુઃખ, વેદના, પીડા... માત્ર આ સોંયે જ નહીં આપી પણ પાડોશણે કહેલાં શબ્દો પણ તેજતર્રાર કટારી બની ફરી હૈયડાને વીંધવા માંડ્યાં, "અલી અરુંધતી, પેલાં સામેનાં ઘરમાં પીજી તરીકે છોકરી રહેવા આવી હતીને, એ તો 'ધંધો' કરતી હતી. કહેતી હતી કે કોલેજમાં ભણે છે. દિવસે કોલેજ અને રાત્રે...! શાંતિકાકાએ તેને કાઢી મૂકી ઘરની બહાર. તારા ઘરે પીજી તરીકે છોકરી રહેવા આવી છે તેના લખણ તો હારા દેખાય છે પણ ધ્યાન રાખજે. નહીં તો... તારા જેવી પવિત્ર બ્રાહ્મણ વિધવાના માથે ઢળતી ઉંમરે કાળી ટીલી...સમજી! આ તો નકામાં આપણે બદનામ થઈ જઈશું અને સોસાયટી પણ. સમજી!" સુમનબાના કડવા વેણ ક્ષણેક્ષણ તેના અંતરમાં વલોણું ફેરવતા હતા અને એટલે જ આજે તે બારીકાઈથી તેની વર્તણુંક નિહાળી રહી હતી.
**
આંખ બંધ કરી, મન સ્થિર કરી, નેત્ર ખોલ્યાં. ગણપતિજીને દૂર્વા અર્પણ કરી. મહાદેવજીને જલાભિષેક કરતી હતી ત્યાં ફરી મન ચકડોળે ચડ્યું. "ઓહ મા! આજે શું થાય છે!" ફરી મન સ્થિર કરી મહાદેવજીના ચરણોમાં માથું મૂકી રડી ઉઠી. "આજે પૂજામાં હકારો નથી. ભટકું છું અહીંતહીં! હે દેવ! શું કરું! કંઈક મારગ દેખાડ."
જેમતેમ પૂજા પતાવી રસોડે પેઠી. ઊની ઊની રોટલી, કારેલાનું શાક સાથે કેરીનો રસ અને ઈદડા બનાવી મોહનાને હાક મારી, " મોહના જમવાનું તૈયાર છે."
થોડીવાર રહીને તે બહાર આવી. ખૂબ સુંદર લાગતી હતી. આછાં બદામી રંગના ચૂડીદાર સૂટ પર તેના લાંબા લહેરાતાં છુટાં વાળ, કાજળભરી અણીયાળી પણ નિર્દોષ આંખો, આછી ગુલાબી લિપસ્ટિક, કપાળ પર બાળ અરૂણના તેજ જેવો ઝગારા મારતો નાનો અમથો લાલ ચટ્ટક ચાંલ્લો," થેન્ક્યુ આંટી..." કહેતાં ડબ્બો ભરી અરુંધતી સામે જોયું 'ને તેના કાનના ઝૂમખા સુંદર રીતે નૃત્ય કરી ઉઠ્યાં.
'ના..ના.. એવું ન હોઈ શકે. આ પાડોશણો તો ઈર્ષાળુ, ઝેરીલી... કાનમાં ન જાણે કેવું ઝેર રેડીને ગઈ છે કે આખુંયે મન ઝેરીલું થઈ ગયું છે. હટ્ટ અરુંધતી! આવા વિચારો કરતા તને શરમ નથી આવતી! તારી દીકરી હોત તો... આવડી જ!' હીંચકાને જોરથી ઠેસ લાગી. હીંચકો ધ્રુજી ઉઠ્યો અને અરુંધતી પણ. સ્ત્રીનાં સૌભાગ્યનું પરમ સુખ એવું માતૃત્વ પ્રાપ્ત કર્યાનાં બીજે જ દિવસે તેનાં હૈયાનાં ટુકડાં સમી દીકરીએ અમીના ઘૂંટડા ગળે ઉતારતાં ઉતારતાં સામે જોયું અને થોડીવારમાં તો નજર એકદમ સ્થિર... શૂન્યાવકાશ ભરેલાં નિર્જીવ ડોળા અદ્દલ...!
"ટહૂક ટહૂક..." ડોરબેલ ગુંજ્યો અને ઘરમાં બધે ટહૂકારો પ્રસરી ગયો.
"બા...." સરુ ખભે સાવરણી લઈ, આખુંયે ઘર માથે લઈ, ધમાધમ કરતી હીંચકા પાસે આવી ઊભી રહી.
"કાં આજ બાર વાગ્યા છે મોઢા પર! જય શ્રીકૃષ્ણ પણ ના બોલ્યા! કાં દીકરો-વહુ યાદ આવી ગયા! તમે ય અમેરિકા થોડો વખત જઈ આવો ને! હારું લાગહે."
"હં "
"શું હં હં કરો છો બા! આમ હાવે એકલા તે જીવન જીવાતું હશે! જુઓને તમારા દેદાર!"
"ચીબાવલી નહીં થા. ચૂપચાપ કામ કર."
"હં". તેણે મોડું મચકોડ્યું. "આ હામ્મેના ઘરમાં ઓલી છોડી રેતી'તી ન ઈના સામાનમાંથી ઈવું નીકળ્યું...બા ઈવું નીકળ્યું... બા..." જીભડો બહાર કાઢી, બે હાથ ઊંચા કરી, આંખો બંધ કરી બોલી," રામ રામ..."
'રડાર જેવી સરૂની આંખો એક ટપકાને પણ ઝડપી પાડી તેના મગજના ફેલાયેલાં અનંત નેટવર્કને કામે લગાડી દે. સોશિયલ મીડિયા કરતાં પણ ઝડપથી વાતને સવિસ્તાર ફેલાવી દે. જો એને ખબર પડે કે મોહના! જોકે સત્ય હકીકતથી પોતેય ક્યાં વાકેફ હતી. આ તો! પણ સત્ય જાણવા કંઈક નક્કર પગલાં તો ભરવા જ પડશે. આજે જ.'
"સરુ, ચાલ આજે મોહનાનો રૂમ સાફ કરી દે.
"એ તો હું દરરોજ કરું છું બા."
" ભલે, આજે હું આવું છું તારી સાથે. લે આ ચાવી."
વિચિત્ર હાવભાવ સરૂના ચહેરા પર અંકાયા.
અરુંધતીનુ શરીર જાણે વીજળીનાં કરંટના આંચકા અનુભવતું હતું. શરીરમાં આંતરિક વલોણું ઘમ...ઘમ્ ત્વરાથી ફરતું હતું. 'વિષ નીકળશે કે અમૃત...દેવ જાણે! પણ...વિષ નીકળશે તો!'
સરુએ બારણામાં ચાવી નાખીને કંઈક ખોટું કરી રહી હોવાનો બોજ અરુંધતીના આખાય શરીરમાં ફરી વળ્યો. મણમણ વજનના પગલાં ભરતી મોહનાના રૂમમાં પગલું ભર્યું અને "ઓહ મા! " જાણે પરકાયા પ્રવેશ! એકદમ તે અઠંગ જાસુસ બની ગઈ. ઝીણવટભરી જાસુસી નજરે એકેએક વસ્તુને ચકાસવા માંડી.
બધુંય બરાબર હતું. "હાશ!"
પલંગ પાસેના ફોટા પર તીવ્ર નજર ઘૂમી વળી. ધ્રુજતા હાથે ફોટો લીધો. 'ઝૂંપડા જેવા ઘરમાં લઘરવઘર, ફાટેલાં કપડાં પહેરેલી સ્ત્રી સાથે એક નાનકડો છોકરો, ફાટેલા કપડામાં.' આંખો તસવીરની અંદર ઊંડી ઉતરી, 'પાછળ લટકતા ફોટામાં પુરુષ. તિરાડોથી ભરેલી ભીંત, ઠેર ઠેર કાણાં શોધીને ટપકતો સૂર્યપ્રકાશ અને ચૂલા પાસે પડેલા ખાલી ઠાંગરા.'
અજીબ કંપન અનુભવ્યું શરીરે અને મને.
'ગરીબ છે પણ સંસ્કારી દીકરી છે.'
"બા, બાથરૂમ સાફ કરી આવું." સરુ બબડતી બબડતી વિચિત્ર નજરે અરુંધતીને તાકતી રહી.
સામેના કબાટ પર નજર ચીટકી. ફરી ગુનાહિત લાગણી ધડાધડ શરીરમાં પ્રવેશી.'આમ કોઈની અંગત વસ્તુ ના જોવાય અરુંધતી' પણ પાડોશણના વિષેલા વેણની અસર એવી હતી કે ધ્રુજતા હાથે કબાટ ઉઘાડ્યું તો ખરું જ. કબાટમાં કપડાં અને નાનકડું શિવલિંગ જોઈને મનમાં સંતોષ થઈ ગયો. 'ચાલ પાછી વળ. હવે બધુંય બરાબર છે ને અરુંધતી!'
'હા સંતોષ થયો.' હળવા શરીરે પગ પાછાં જવા ઉપાડ્યા. ત્યાં જ લાલ રંગના પંજાબી સૂટ પર નજર અટકી." વાહ! કેટલો સુંદર છે!" મન લલચાયું. 'વશિષ્ઠના ગયા પછી લાલ રંગ તો...' તેણે સ્પર્શ કર્યો. 'સુંવાળો.' મનમાં કેટલાંય સ્પંદનો જાગી ઉઠ્યાં. સુંવાળી લાગણી રણઝણ કરી તનમનમાં વ્યાપી ગઈ. ફરી તેણે ડ્રેસને સ્પર્શ કર્યો. ગડી ઉકલી ગઈ અને તેમાં ઘણાં બધા કોન્ડો... પીલ્સ અને...
પરસેવાથી આખુંયે શરીર નીતરવા લાગ્યું અરુંધતીનુ. 'કોન્ડો.. સ્પર્શ. છી...છી!' છત આખીય આંખોમાં સમાવા લાગી. બધુંય ધ્રુજતું... ગોળ ગોળ ફરતું લાગ્યું. ઉબકા આવવા માંડ્યા. ઘરરર્... ધબ્બ કરીને!
"બા શું થયું!' સરુએ પકડી લીધી. પગમાં ફરી મણ મણના વજને ઘેરો ઘાલ્યો. કબાટ બંધ કરી બહાર આવી, બાથરૂમમાં જઈ શાવર ચાલુ કરી દીધો. 'ભરજવાનીમાં વિધવા થઈ. દીકરાને એકલે હાથે ઉછેર્યો પણ આ આ...!' ટપક ટપક પાણી શરીર પરથી ટપકી રહ્યું હતું પણ શરીરમાં આગે ભરડો લીધો હતો. ભરડો એવો કે મન, હૃદય બધુંય આખેઆખું ભચડાવા લાગ્યું...ભચડ..ભચડ.. વીતેલાં વર્ષો અને એકલતા..યુવાની, સંયમ, ગરીબી ભચડ..ભચડ!
"બા હું જાઉં. કામ પતી ગયું.". સરુએ ધબાધબ બારણું ખખડાવ્યું. માંડ માંડ હોઠેથી "હા" નીકળ્યું પણ ધબાક્ કરતી વર્તમાનમાં સરી પડી. કપડાં બદલી ફરી દેવસ્થાન પાસે જઈ બેઠી. કેટલાંય સવાલોના જવાબ શોધવા. કંઈક મક્કમ મન કરી ફરી ઉઠી. 'આજે તો મોહનાને ઘર બદલવા કહી દઉં. ચૂપચાપ! કોઈને પણ કહ્યા વગર. આવી સ્ત્રી ઘરમાં ના જોઈએ. "ઓહ!" પોતાના શરીર પર ઘૃણા થઈ આવી. આવી ધંધો કરતી સ્ત્રીને ક્યારેય જોઈ ન હતી. સ્પર્શી ન હતી અને આ તો.. મારા ઘરમાં રહીને! ક્યારેક હાથમાંથી કામ લેતી, ક્યારેક સાવ નજીક સ્પર્શીને ઊભી રહી રોટલી વણાવવામાં મદદ કરતી કે સેવાના ફૂલ, પ્રસાદ... અરરર્! મારું પવિત્ર દેવસ્થાન પણ અભડાવ્યું! રવરવ નરકમાં હું પડવાની! હે ભગવાન! આજે એ આવશે ત્યારે જ હું ના કહી દઉં. ઘર ખાલી કરવા કહીં દઉં.'
હીંચકે બેસીને વાળ છોડ્યા. ભીનાં વાળની સફેદ લટો ફરફરવા માંડી. મન મક્કમ હતું. શાંત હતું. ત્યાં જ શાંત પાણીમાં કાંકરીચાળો થયો અને આખુંય પાણી તરંગો લઈ ધ્રુજી ઉઠ્યું. એ ઉઠી 'ને આયનામાં જોઈ વાળ સરખા કરવા લાગી પણ...આ શું! પોતાના પ્રતિબિંબમાં તે ફોટાવાળી સ્ત્રીનો ચહેરો! શૂન્યાવકાશ ભરેલી તેની આંખો અદ્લ! ધીરેધીરે જાણે તે સ્ત્રી અરુંધતીના આયખાનાં અણુંયેઅણુમાં સમાઈ ગઈ. આયનામાં અરુંધતી નહીં પણ તે સ્ત્રીનું પ્રતિબિંબ ઝળકવા લાગ્યું.
"હે ભગવાન! કેમ આવું થાય છે!" શરીરની નસેનસમાં ક્રોધ અને ઘૃણા ઉત્તેજના ફેલાવી ઊછાળા મારવાં માંડ્યાં. બે હાથે માથું પકડ્યું ત્યાં જ આયનામાં ફરી પેલી સ્ત્રી! તેણે આયનામાં ફ્લાવર વાઝનો છુટ્ટો ઘા કર્યો. અનેક ટુકડાઓમાં વિભાજિત કાચનાં દરેક ટુકડાઓમાં ફાટેલાં કપડાવાળી તે સ્ત્રી ઝળકવા માંડી...હાથ લાંબા કરીને! અરુંધતીના આયખામાં ઘુસેલી સ્ત્રીએ ચિત્કાર કર્યો. "મોહના..."
' આ દીકરીઓ એક વખત આ કળણમાં ખૂંપે પછી મૃત્યુ જ તેને બહાર કાઢી શકે. સહેલું નથી એક "ધંધો" કરતી સ્ત્રીનું જીવન ઉગારવું. ધખધખતા અંગારા પર ચાલવા જેવું અંત્યત કઠિન કામ છે. જો તેનાં ગ્રાહકો તેને શોધતાં પોતાના ઘરે આવી ચઢે તો...' અરુંધતી ચીસ પાડી ઉઠી. જાણે ધગધગતો અંગારો તેનાં હાથમાં...!
'જેનાં ઘરમાં અન્નનો દાણો ય નથી. તન ઢાંકવા સરખું કપડું ય નથી. રહેવા માટે સરખી છત પણ નથી. તે માસુમ દીકરી હૃદયમાં કેટલાંય સ્વપનો લઈને ઝઝૂમતી હશે જીવન જીવવા! કોઈપણ સ્ત્રી પોતાનું શીલ આમ મોજશોખ ખાતર તો ના જ વેચે અરુંધતી! સ્ત્રી થઈને સ્ત્રી ન બની પણ માણસ પણ ન બની તું અરુંધતી!'
'અરે! શું એક કોલગર્લને ઘરમાં આશરો આપું! મારે સમાજમાં રહેવાનું છે. હવે આ ઉંમરે ખોટી ઉછીની બદનામી નથી વહોરવી. હવે હામ વિનાનું આ જર્જરિત આયખું મૃત્યુશૈયાની પરમ શાંતિ ઝંખે છે. '
'શાંતિને બહાર નહીં શોધ.એ તો તારા અંતરમાં જ છે. કોઈકને સુખ અને શાંતિ આપીશ તો તારું હૃદય, તારો અંતરઆત્મા આપોઆપ સચ્ચિદાનંદ... પરમ શાંતિમાં રહેશે. આ "ધંધો" કરતી દીકરીનું જીવન ઉગારવું એટલે વીજળીને ચમકારે મોતીડાં પરોવવા જેવું કઠીન...પણ અશક્ય તો નથી. તું જ... તું જ કરી શકીશ. તારાં ભોળાનાથની માફક કોઈકનાં કલ્યાણ અર્થે વિષપાન કરી લે અરુંધતી. અઢળક સંપત્તિનો સદ્ઉપયોગ કર. મોહનાની મા અને ભાઈને પણ આશરો આપ. મોહનાને દત્તક લઈ મોહનાની બધીય જવાબદારી તું તારાં શિરે લઈ લે. પછી જો.મોહના સુધરી જશે અને તારૂં જીવન પણ.આમેય તારાં દીકરોવહુ કે પૌત્રના માટે તારૂં અસ્તિત્વ શૂન્ય છે. કદાચ તારા દેહની અંતિમક્રિયા માટે..."
"બસ!બસ!" સતત ચાલતા અંતરયુદ્ધથી અરુંધતીનું માનસિક સંતુલન ડામાડોળ થવાં લાગ્યું.
'બસ! મારે સમાજમાં રહેવાનું છે. હું ય એકલી હતી. યુવાન હતી. એક યુવાન વિધવા પ્રત્યે સમાજની ગંદી નજરથી મહાપ્રયત્ને બચી છું. મારું દ્ઢ મનોબળ, મારો આત્મવિશ્વાસ, મારી પ્રભુ પ્રત્યેની આસ્થાએ મને બચાવી છે. મેં અને મારા બાળકે ભૂખ્યા રહીને, ગરીબીમાં સબડીને મક્કમતાથી સામનો કર્યો છે. આજની પેઢી મોજશોખ માટે આ ધંધો કરે છે...ભણતર એટલું મોંઘું નથી કે શરીર વેચવું પડે... સમજીને!' એકલી એકલી બડબડાટ કરતી અરુંધતીએ રસોડું ગંગાજળ છાંટી પવિત્ર કર્યું. મોહનાએ સ્પર્શેલી રસોઈ બહાર નાખવા આવી ત્યારે એક બિલાડી તેનાં બચ્ચાંને મોઢામાં મૂકીને લઈ જઈ રહી હતી ત્યાંજ એક બચ્ચું નીચે પડી ગયું. ન જાણે ક્યાંથી કાળિયો કૂતરો આવી ચઢ્યો અને એકદમ ક્ષણવારમાં તેણે બચ્ચું...!
થોડીક ક્ષણો તો અરુંધતીની મતિ મૂઢ મારી ગઈ પણ પછી ચીસ પાડી ઉઠી, "મોહના..."
વળી પાછું મન ચકડોળે ચડ્યું. તેણે દેવસ્થાન ગંગાના પવિત્ર જળથી ધોવા માંડ્યું. "એક પવિત્ર બ્રાહ્મણ વિધવા સ્ત્રીનાં ઘરમાં આટલું બધું....!" ત્રાંબાના તરભાણામાં શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરવા માંડી... ક્યાંય સુધી. જ્યારે આંખો ખોલી ત્યારે ભાન થયું કે બધાંય ધર્મગ્રંથો પણ પાણીમાં પલળી ગયાં. 'કંઈક ખોટું થઈ ગયું'ના ભાવ સાથે જળમગ્ન શિવલિંગને ધ્રુજતા હાથે બહાર કાઢ્યું પણ તેને એવું લાગ્યું કે 'શિવજી રૂઠેલા છે.' દુઃખી હૃદયે તેણે આંખ બંધ કરી. તેના વૃદ્ધ આયખાનાં એક ખૂણેથી અવાજ આવ્યો, "તારું બધુંય જ્ઞાન, પુણ્ય...પાણીમાં જ ગયું અરુંધતી!
"હેં..." તેને એવું લાગ્યું કે આજે તે ગાંડી થઈ જશે.
તે થાકી. ઘૂંટણમાં સણકા, માથામાં સણકા અને મનની ડામાડોળ હાલતમાં ઊભી થઈ. તેણે બારીમાંથી ડોકિયું કાઢીને બહાર જોયું. ચોકમાં ઉગેલા હસતાં ચાંદા પર તેની નજર પડી, જાણે કહી રહ્યો હોય ' જડ-ચેતન દરેક પર શીતળ ચાંદની વરસાવતાં જે સુખશાંતિ મળે તે જ પરમાત્મા..."
અચાનક ધ્યાનભંગ થયું અરુંધતીનું.
"પોં..પોં..." હોર્ન મારતી સફેદ કારમાંથી લથડિયાં ખાતી મોહના...
****
