વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

...તો કદાચ હું ગાયક હોત..!!

તમારે ડોક્ટર બનવું હોય અને તમે એન્જિનિયર બની જાવ તો..?? જી હા... કંઈક આવું જ મારી સાથે પણ થયું. જીવનમાં આપણી અપેક્ષા પ્રમાણે બધું થતું નથી ઘણી વાર એવો મોડ આવે છે કે સીડીનું એક પગથિયું બાકી હોય ને નીચે પડી જઈએ... હું મારા જીવનનો એક એવો જ કિસ્સો અહીં રજૂ કરવા માગું છું..

ધોરણ-૧૧ પછી બોર્ડ પરિક્ષાના વર્ષની શરૂઆત થઈ ચૂકી હતી. ( એ સંસ્થાનું નામ અહીં લખી નહીં શકું ) મને ગાવાનો ખૂબ શોખ હતો. દૂહા, છંદ, લોકગીતોમાં મને વધારે રૂચિ હતી. સ્કૂલમાં સાંજની પ્રાર્થના સભામાં ઘણીવાર એક કલાક જેટલો આવો કાર્યક્રમ થતો એમાં મને અચૂક ઊભો કરવામાં આવતો. હું આવી રીતે જ મારી સ્કુલ અને હોસ્ટેલમાં ઘણો લોકપ્રિય થઈ ચૂક્યો હતો.

મેં એ સ્કૂલમાં અગિયારમાં ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ ઘણાં વિદ્યાર્થીઓ ત્યાં છ - સાત વર્ષથી અભ્યાસ કરતા હતા. એમાંનો જ એક જૂનો વિદ્યાર્થી જે મારો સહપાઠી પણ હતો અને તે એટલો સારૂં ગાતો કે તેનું નામ બધાએ 'લતા' પાડી દીધેલું. મારી જાણ બહાર મારા શોખને લીધે મારા ઘણાં દુશ્મનો પણ બની ગયા હતા એ વાતથી હું બિલકુલ અજાણ હતો.

નવું સત્ર શરૂ થયાના બે મહિના બાદ ઓગષ્ટ મહિનામાં એક તાલુકા કક્ષાની ગાવાની હરિફાઈ થવાની હતી. એમાં પંદર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. એમાંથી પાંચ જણ હરિફાઈ માટે જવાના હતા. સ્થાનિક કક્ષાએ એક હરિફાઈ થઈ એમાં હું સરળતાથી પસંદ થયો. મારી સાથે બીજા ચાર જણમાંથી 'લતા' નામનો છોકરો પણ હતો.

પંદર દિવસ પછી સ્પર્ધા શરૂ થઈ, લગભગ પચાસ જેટલા સ્પર્ધકો એમાં હતા. બધાએ ખૂબ સારી રીતે ગાયું. પરિણામ પણ તે દિવસે જ જાહેર થયું, જેમાં હું દ્વિતીય ક્રમે આવ્યો અને 'લતા' ચોથા ક્રમાંકે. હવે અમારે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં જવાનું હતું.

'લતા' એ મારી સાથે બોલવાનું ઓછું કરી નાખ્યું. મને ખબર હતી કે હું એનાથી આગળ રહ્યો એ વાત એનાથી હજમ થતી નહોતી, એને કદાચ એવું લાગ્યું કે જ્યાં સુધી હું સ્પર્ધામાં છું ત્યાં સુધી એનો નંબર આવવાનો નહોતો. એ ખરેખર શું કરવા માંગતો હતો એની મને જાણ નહોતી.

સ્પર્ધાને એક અઠવાડિયાની વાર હતી. તે દિવસે બપોરે એક મિત્ર મને શરબત પીવા માટે બોલાવવા આવ્યો. હોસ્ટેલમાં 'લતા' અને તેના મિત્રોએ શરબત બનાવ્યું હતું. શરબત કેસરી રંગ જેવું હતું. અમે હોસ્ટેલમાં અવાર નવાર શરબત બનાવતા એટલે નવાઈની વાત નહોતી. હું સ્વભાવ મુજબ એકદમ પ્રેમથી એની સાથે વાતો કરી અને શરબત પીધું પછી રૂમમાં આવીને સૂઈ ગયો.

સાંજે ઉઠ્યો ત્યારે મારું ગળું ભારે થઈ ગયું હતું. સોજો પણ આવી ગયો હતો અને બોલવામાં પણ તકલીફ પડતી હતી. રાત સુધીમાં સ્થિતિ વધારે ખરાબ થતાં અમારા સંચાલક તેમજ મારા મિત્રો મને હોસ્પિટલ લઈ ગયા. એક શબ્દ પણ હું બોલી શકતો નહોતો. ડોક્ટરે જ્યારે બધું પૂછ્યું ત્યારે મેં કાગળમાં લખીને શરબતની બધી વાત કરી. ડોક્ટર જાણે બધું સમજી ગયા અને એક રબરની નળી પર કંઈક લગાડીને મારા ગળામાં ચોંટેલું 'સિદોર' જેવો પદાર્થ કાઢ્યો.

ડોક્ટરે કહ્યું કે સ્વર પેટીને જો નુકસાન થશે તો અવાજ હંમેશા માટે જતો રહેશે અને જો નુકસાન ન થાય તો પણ બોલવામાં બહુ વાર લાગશે. મારી આંખોમાં આંસું આવી ગયા. કોઈ સામાન્ય વાતમાં આવું હીન કામ કરે એવો મને સપનેય ખ્યાલ નહોતો.

ઈશ્વરની કૃપાથી બહુ નુકસાન ન થયું, પણ હું બોલી શકતો ન હતો ગળું પકડાઈ જતું. જમવામાં પણ બહુ મુશ્કેલી પડતી. મારા એ દગાખોર મિત્રોને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યા. એ લોકોએ મારી માફી પણ માંગી. મારી વિનંતીથી એ લોકોને બોર્ડની પરીક્ષા આપવાની મંજુરી મળી જેથી એમનું ભવિષ્ય ન ખરાબ થાય. આ વાતની જાણ મેં ઘરે પણ ન કરી. હું કોઈને હેરાન કે દુઃખી કરવા માંગતો ન હતો.

લગભગ એક મહિના પછી હું ધીમે ધીમે બોલી શકતો હતો ત્યારબાદ બોલવાની ઘણી પ્રેક્ટિસ કર્યા પછી એકદમ સારૂં થતું ગયું, પરંતુ ગળામાં સંકોચનને લીધે હજુ પણ જમવામાં મારે ખૂબ વાર લાગે છે એટલી અસર રહી ગઈ છે.

મેં ત્યારથી કંઈક લખવાનો વિચાર કર્યો. મેં નક્કી કર્યું કે સારું ગાઈ ન શકું તો કંઈ નહીં પણ કંઈક સારું જરૂરથી લખીશ. મારા વાંચનના શોખના લીધે મને લખવામાં રૂચિ વધતી ગઈ. નાના વાક્યોથી શરૂઆત કરી અને લેખો પણ લખ્યા, પછી કવિતાઓ અને ગઝલો પણ લખવા લાગ્યો.

મેં ગાવાની પ્રેક્ટિસ પણ શરૂ કરી હતી..ભલે પહેલા જેવો અવાજ નહોતો પણ લોકગીતો અને કવિતાઓ સારી રીતે ગાઈ શકું છું. જિંદગીમાં શું લખ્યું હશે તે આપણે ક્યારેય નક્કી કરી શકતા નથી. એટલે જ વડવાઓએ કહ્યું છે કે ' ધાર્યું તો ધણીનું થાય..'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ