વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક ચૂસકી ચાય કઈ કિંમત તુમ ક્યા જાનો.....

સવારનો સમય હતો.કોઈ આળસુ પાડાની જેમ પોતાના વિશાળકાય શરીરને ખાટલા પર પાથરી બેઠો બેઠો છીપરા જેવી આંખ કરી લાખો છાપું વાંચી રહ્યો હતો.વાંચતા વાંચતા તેણે પોતાની પત્નીને પડકાર કર્યો,


"મણી એ મણી ચા તો લાવ"


સ્લો મોશનની ફેન એવી મોટાપાની બેન એટલે મણી.પોતાના ગોળમટોળ શરીરને કોઈ ઝૂલતા ઝુલાની જેમ ઝુલાવતી આંગણું વાળતા વાળતા સ્વગત બબડી,


"મુઆં ની છીપરા જેવી આંખમા કાંઈ દેખાતું નથી તોય છાપું વાંચવાનો દીકરો થાય છે"હજુ મણી કોઈ જવાબ આપે એ પહેલા ફરીથી સાદ સંભળાયો.


"મણી, મારી મણી ચા લય આવને"પોતાની પત્નીથી જાણે ડરતો હોય એમ લાખાએ પ્રેમનો ડોળ કરતા ફરીથી સાદ કર્યો.


ત્યાં સામેથી ઉત્તર આવ્યો,

"એ લાવું છું" કહી ફરીથી મણી બબડી "ડોહા જરાક ટાઢો મઇર"


જાણે કાંઈ સાંભળ્યું જ ન હોય એમ લાખો પોતાના વાંચનમાં મશગુલ રહ્યો.


મણી પોતાના ભાલુ જેવા શરીરને કષ્ટ આપતા ગોકળગતિએ રસોડા તરફ વધી.હાથીના સૂંઢ સમો હાથ લંબાવી તેણે કાંધીએથી તપેલી ઉતારી તેમાં પાણી રેડયું અને તપેલી ચૂલા પર મૂકી.ચા નો ડબ્બો લેવા ફરીથી હાથ લંબાવ્યો.ડબ્બો ખોલી કોઈ રસોયાની જેમ જોયા વગર જ ડબ્બામાંથી ચાની એક ચમચી તપેલીવાળા ગરમ પાણીમાં નાખી અને લાલ ચા પાકવાની રાહ જોઈ રહી હતી.


થોડી વાર થતા ફરીથી લાખો બોલ્યો,"મણી.., આજ ચા નથી પાવો"


ત્યાં જ મણીનું ધ્યાન તપેલી તરફ ગયું જોવે છે તો શું એમાં તો ખાલી પાણી જ ઊકળે છે તો તરત તેણે ચા નો ડબ્બો તપાસ્યો અને પોતાના માથા પર ટપલી મારતા બોલી,"અરેરે, આમા તો ચા જ નથી" બોલતા લાખા ને સાદ કર્યો,


"સાંભળો છો, હું કહું છું"


"હા,બોલને" લાખા એ પ્રત્યુતર આપ્યો.


"ચા પુરી થઇ ગઈ છે તમે જાવને નાકે નાથાની દુકાનેથી ચા લય આવો."


પોતાની પત્નીને કશું કહી ન શકે એટલે નિસાસો નાખતા લાખાએ છાપું પડતું મૂક્યું અને પોતાના ખાહડા શોધવા લાગ્યો.


એક ચપ્પલ મળતા એ પહેરી લીધું "એક તો મળ્યું પણ આ સાલું બીજું ક્યાંય દેખાતું નથી" શક્કી નજરે લાખો આમ તેમ જોવા લાગ્યો.ત્યાં જ તેનું ધ્યાન પોતાના બારણે ઉભેલા કૂતરા પર પડ્યું.


કૂતરો પણ જાણે તેની જ રાહ જોતો હોય તેમ મોઢામાં ચપ્પલ નાખી,લાળ ટપકાવતો લાખા સામે ટગર ટગર જોઈ રહ્યો હતો એટલે લાખો કમર પર હાથ રાખી બબડયો,"મારા સાળા કુતરિયા તને મારુ જ ચમ્પલ દેખાણું, લાવ પાછું"


કુતરો પણ જાણે જવાબ આપતો હોય તેમ દ્રઢતાથી ત્યાં જ ઉભો ઉભો એકીનજરે જોતો રહ્યો જાણે કહેતો હોય નહીં આપું જા થાય એ કરી લે.


લાખો બોલ્યો," આમ ટગર ટગર શી જોવે છે ચમ્પલ ચોર,આલ મારુ ચમ્પલ પાછુ"એમ બોલી તે કૂતરા પર ઝપટયો.


કૂતરો પણ કાઈ ઓછો થોડી એને પણ ઈંટ નો જવાબ પથ્થરથી આપતા બે ડગલાં પાછળ ભર્યા. ત્યાં લાખો ફરીથી બબડયો,


"ચાર દિવાળી જોયેલ કૂતરા,મેરે સે પંગા"કૂતરો પણ માથું ધુણાવતો ટગર ટગર જોતો હતો.


"તો તું એમ હાર નહિ માન"એમ બોલી લાખાએ કૂતરા પાછળ ડોટ મૂકી. કૂતરું પણ પલક ઝપકતા દોડવા લાગ્યું.કૂતરું આગળ ને લાખો પાછળ એમ બન્ને આખા આંગણામાં દોડા દોડ કરતા હતા.


કૂતરા એ છલાંગ લગાવી ડોલ બાજુ અને બીજી છલાંગે તો એ ટાંકી બાજુ પહોંચી ગયો.લાખો બિચારો સ્ફૂર્તિથી પણ ધીમી ગતિએ કૂતરા પાછળ પાછળ દોડતો હતો.ત્યાં જ છૂટી પડેલી ડોલ પર તેનો પગ પડ્યો ન ડોલના કકડભૂસ અવાજ સાથે લાખા એ પણ રાડ પાડી, "ઓય માં મરી ગયો,મારો પગ..અ..અ(ડોલમાં પડેલ તિરાડથી તેના પગમાં ચીપટી આવી ગઈ હતી). કૂતરા એ પણ પાછળ જોયું ને ટીખળ કરતો તેની નજીક ગયો.


મોકો જોતા જ ચીલ ઝડપથી લાખા એ કુતરાના ઝડબામાં કેદ ચપ્પલને ઝડપી લીધું અને ખેંચવા લાગ્યો.કૂતરાએ પણ પુરજોશથી હાડકા જેવા ગ્રે રંગના ચપ્પલને ખેંચ્યું.બન્ને ખેલાડી જાણે દોરડા ખેંચ રમત રમતા હોય એમ ચપ્પલ ખેંચતા હતા. ક્યારેક કુતરાનું પલડું ભારી તો ક્યારેક લાખાનું અને આખરે એક જોરદાર ઝટકાથી લાખો એ ખેલ જીતી ગયો અને યોદ્ધાની માફક ઉછળી પડ્યો પણ એ ભૂલી ગયો હતો કે પગમાં ચીપટી આવી છે ને ભારીભરખમ શરીર સાથે જમીન પર પછડાયો. કૂતરાને તો જાણે મજા પડી ગઈ તેમ સિંહની માફક છાતી ફુલાવતો ત્યાંથી અવાજ કર્યા વગર ચાલતો બન્યો.


મણી આ ઘટનાથી અજાણ બહાર આવી અને લાખા ને જોતા બોલી,

"અરે હજી આયા શુ રાજપથારી કરી બેઠા છો,ચા નથી પીવી જાવને ઝટ ચા લય આવો"


લાખો કણસતા બોલ્યો,"હા,મારી માં જાવ જ છું,તું કામ કર"


મણી મોઢું મચકોડી ફરીથી પોતાનું કામ કરવા લાગી.

આ બાજુ લાખો ધીરે ધીરે ભીંતના સહારે ઉભો થયો.જંગ જીતેલા યોદ્ધાની જેમ ચપ્પલને જોઈ ગર્વ અનુભવતા તેણે ચપ્પલને પાણીથી ધોયું ને વાટ પકડી નાથ્યા ના દુકાનની.


સાપના દર જેવી સાંકળા દ્વારની નાથાની દુકાન,લાખો તો માંડ સમાય એવી જરીક જેટલી જગ્યા જોતા લંગડી કરતા લાખા એ નાથાને કહ્યું,


"અલ્યા નાથા, ચા આપ તો"


નાથા એ હિસાબ કિતાબના ચોપડામાં જ ધ્યાન રાખતા કહ્યું,

"કઈ ચા આપું,ગ્રીન ટી કે આપણી લાલ ચા"


"રોજ ઘરમાં પીયેને ઇ"લાખાએ જવાબ આપ્યો.


"તમે કય પીવ એ તમને ખબર હું કાંઈ ચોકી કરું છું તમારા ચા ની"નાથો નેણ ઉંચા કરતો બોલ્યો.


ગરમ ચા ની કિટલીની જેમ ગરમ થતા લાખો બોલ્યો,"લાલ ચા દે લાલ"


નાથાએ પૂછ્યું,"કેવી ઝીણી કે જાડી"


લાખો બોલ્યો,"ઝીણી જાડી ગમે એવી દે પણ ચા દે"


"અમે ગમે એવી ચા નથી રાખતા"નાથો પણ મશ્કરી કરતા બોલ્યો"


દારૂડિયા સામે તમે દારૂ રાખો તો એને પામવા માટે દારૂડિયો જેમ કરગરે એમ કરગરતા લાખો બોલ્યો, "નાથ્યા, મારા વાલા તને બે હાથ જોડું, ચા આપને યાર"


મૂછમાં હસતા નાથાએ જાણે રેડિયો ચાલુ કર્યો,"લાલમાં કય કંપનીની આપું? 'તાજમહેલ','રાજાણી','તુલસી','વાઘબકરી','પંચામૃત','રેડ લેબલ',....


લાખો દહાડ્યો,"અલ્યા એ મગજ ન ખા ગમે તે એક પેક કરી દે".


નાથો બબડયો,"એમ કેમ પેક કરી દઉં,બધાનો ભાવ અલગ છે,કંપની અલગ છે,બ્રાન્ડ અલગ છે,સ્વાદ અલગ છે,ડિસ્કાઉન્ટ અલગ છે.


ટેબલ પર પડેલ ફુટપટ્ટી ઉગામી લાખો બરાડયો,"અબે એ ભાષણની દુકાન! જલ્દી જલ્દી ચા પેક કરી દે બાકી આજ તો તારો વાહો(પીઠ) છે ને આ ફૂટપટ્ટી."


ગુસ્સેભરેલ લાલઘૂમ આંખો જોઈ નાથાએ ફટાફટ ચા પેક કરવામાં જ પોતાની ભલાઈ સમજી.તેણે ચા પેક કરી આપી.


ટેબલ પર પૈસા પછાડી ચા લઇ લાખો લંગડી કરતો ચાલતો થયો.લાખો ઘરે પહોંચ્યો અને ફટાફટ મણી ને ચા આપી બોલ્યો,


"જલ્દી જલ્દી હવે ચા બનાવી આપ બાકી મારુ મગજ ફાટી જશે".


"મગજ છે તી ફાટે",એમ સ્વગત બબડતા મણીએ ચા લય લીધી.


હજી તો લાખાએ ખાટલે તશરીફ રાખી જ હતી કે ફરીથી સાદ સંભળાયો,


"સાંભળો છો, આ ખાંડમાં તો કીડીયું ચડી ગઇ છે."


"તો તડકે શેક"એમ કહી ગુસ્સામાં ડેલી પછાડતો લાખો બહાર ચાલ્યો ગયો,


હવે લાખાનો ગુસ્સો સાતમા આકાશે હતો.શાંત રહેવાની કોશિશ કરતા કરતા એ ગયો ચા ની ટપરી પર ચા પીવા.

ત્યાં પહોંચી તેણે ચા વાળાને કહ્યું,

"એક મસ્ત મસાલેદાર કડક ચા બનાવી આપ"


"હમણાં બનાવી આલુ ભઈલા, પણ તમારી પાસે છુટ્ટા પૈસા તો છે ને?" ચા વાળાએ કહ્યું.


"હવે તારે એનું શું કામ છે?"ગુસ્સાના બાંધને છૂટતો રોકતા લાખાએ પૂછ્યું


"ભઈલા,અહીંયા ઘણા લોકો છુટ્ટાની મગજમારીમાં મફતમાં ચા પી જાય છે,પછી કેટલા જોડે જીભાજોડી કરવી?"ચા વાળો બોલ્યો.


હવે લાખાનો ગુસ્સાનો બાંધ ફૂટી પડ્યો.ગુસ્સામાં તેણે ચા વાળાનો કાંઠલો પકડ્યો અને દહાડ્યો,"તને હું મફતીયો લાગુ છું હે? આમ કાઈ સમજ્યા વગર તું કેમ કહી શકે કે હું તને પૈસા નહિ આપુ? ડબલ પૈસા આપીશ ફટાફટ ચા બનાવ"


ચા વાળો બિચારો સિંગલ પસલી એટલે લાખા સામે થવાનો તો વિચાર જ નહીં પરંતુ જવાબ આપતા તે કાંપતા હોઠે બોલ્યો,"સાહેબ,હું વધારે પૈસા નહિ લઉં,લઈશ તો મારી મહેનત ના જ"


"મારી સામે જીભાજોડી કરીશ તું....મારી જોડે?"લાખાના ગુસ્સાનો પારો વધી રહ્યો હતો.


"સાહેબ છુટ્ટા હોય તો બોલો બાકી મારે તમને ચા નથી પીવડાવવી"સહેજ ધીમા અવાજે પણ નિડરતાથી ચા વાળો બોલ્યો.


ચા વાળાની વાત પણ સાચી લાગતા, આજે ચા નસીબમાં જ નથી એમ માની લાખાએ કાંઠલો છોડ્યો અને વિલા મોઢે બાંકડા પર બેસ્યો અને ચા સાથે માણેલા એ પળો એવી રીતે યાદ કરવા લાગ્યો જાણે ચા એની પ્રેમિકા હોય.


ત્યાં ચા વાળો કંઈ બબડતો હતો,

"આ પનોતી અહીં ક્યાંથી આવ્યો,મારુ તો દૂધ ફાટી ગયું"


ધીમા અવાજને લાખો સાંભળી ગયો હવે તો હદ થઈ ગઈ પનોતી? સાવ આમ પનોતી? એમ વિચાર આવતા જ લાખા એ જાણે તરાપ મારી ચા વાળા પર,ચા વાળો પણ સતર્કતાનું સબૂત આપતા ઉભી પૂંછડીએ નાસ્યો.


"ભાગે છે ક્યાં ઉભો રે તું પનોતી વાળા"દોડતા દોડતા લાખો બોલ્યો.


"એ ભાઈ,પાગલ થઈ ગયો કે"હાંફતા શ્વાસે ચા વાળો બોલ્યો.


થોડી વારની દોડા-દોડીમાં લાખાએ ચા વાળાને પકડી પાડ્યો પણ હજી આગળ લાખો કંઈ બોલે તે પહેલાં જ અચાનક એક એમ્બ્યુલન્સ આવી અને તેને પકડીને લઈ ગઈ.


લાખો બસ બોલતો જ રહ્યો, "મને કેમ લઈ જાવ છો,છોડી દો" પણ માનસિક હોસ્પિટલના એ ધુરંધરો એ તેને ગાંડો સમજી ન છોડ્યો અને છેવટે હોસ્પિટલ લઈ ગયા.


(એક ગાંડો જે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાંથી નાસી છૂટેલો જે એકદમ લાખા જેવી જ કદકાઠી અને દેખાવનો હતો તેને આ લોકો પકડતા હતા અને એમાં આ લાખો ઝાપટે ચડ્યો)


હોસ્પિટલ પહોંચતા જ લાખો ડોકટર પાસે દોડી ગયો અને કહેવા લાગ્યો,

"સાહેબ હું ગાંડો નથી,આ બધી તો ચા ની મથામણ છે,મને છોડી દો"


"ચા ની મથામણ" ડોક્ટર આશ્ચર્યચકિત થતા બોલ્યા.


એટલે લાખો બોલ્યો,"એક ચૂસકી ચાય કી કિંમત તુમ કયા જાનો ડૉક્ટરબાબુ,


ગુજરાતીના પીણાંનું સરતાઝ છે,એક ચૂસકી ચા,

સવારની તાજગીનો એહસાસ છે,એક ચૂસકી ચા,

માથાના દુખાવાની દેશી દવા છે,એક ચૂસકી ચા,

અરે લાખાનો પહેલો પ્રેમ એટલે એક ચૂસકી ચા"


આમ બોલી આખું વૃતાંત કહી સંભળાવ્યું.અને આખો વોર્ડ ખીલખીલાટથી ગુંજી ઉઠ્યો.


છેવટે ડોકટરે લાખાને ચા પીવડાવી.


અને લાખો ચા ની ચૂસકી લેતા બોલ્યો,


"આહાહા, ચા તું મારી ચા

તારા વિના હું વગડાનો વા.






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ