વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક અંધારી રાતે

અંધકારની આગોશમાં લપેટાયેલા ઘનઘોર જંગલને ચીરતી સાંકડી સડક પર બે પ્રકાશ-રેખા આગળ ધપી રહી હતી. શિકાર શોધતા જંગલી જાનવરની ભૂખી આંખો સમાન એ હેડલાઇટ્સ એક સરકારી જીપની હતી, જેના એન્જિનની ઘરઘરાટી અને સડક પર ઘસાતા ટાયરનો અવાજ વાતાવરણમાં છવાયેલી ભેંકાર ખામોશીને ભેદી રહ્યા હતા. દર પચાસ-સો મીટરે આવતા પહાડી વળાંકો અને તીવ્ર ચઢાણને લીધે ડ્રાઇવિંગ બહુ સાવચેતીપૂર્વક કરવું પડતું હોવાથી રાજીવ શ્રીવાસ્તવની આંખો સતત રોડ પર ખોડાયેલી હતી. કાંડે બંધાયેલી ઘડિયાળમાં હજુ સાંજના પોણા સાત જ વાગ્યા હતા, પણ સપ્ટેમ્બરની સાંજ તેની ધારણા કરતા વધુ ઝડપે કાજળઘેરી બની રહી હતી. નિરાઈથી પાછા ફરતા મોડું થઈ ગયું હતું અને આહવા હજુ ત્રીસ કિલોમીટર દૂર હતું.   

હજુ પાંચ દિવસ પહેલા જ ડાંગ જિલ્લાના નવા કલેક્ટર તરીકે કામગીરી સંભાળી હતી રાજીવે. જિલ્લાના વડા મથક આહવા ખાતે સરસ મજાનો બંગલો મળ્યો હતો. બુધવારથી શનિવાર સુધીમાં આહવા અને એની આસપાસના વિસ્તારોમાં ફરી લીધું હતું એટલે રવિવારે અંતરીયાળ જંગલમાં ફરવા જવાની ઈચ્છા હતી. એવામાં એક રસપ્રદ આગંતુકનો ભેટો થયો હતો. આહવાથી સાંઇઠ કિલોમીટર દૂર સ્થિત નાનકડા ગામ નિરાઈ ખાતે ફરજ બજાવતો ફોરેસ્ટ ઓફિસર કૌશલ ગામિત શનિવારે બપોરે અચાનક કલેક્ટર ઓફિસમાં આવી પહોંચ્યો હતો. જે તે સ્થળના સરકારી અધિકારીઓ, પોલિસ ઓફિસર્સ અને પાંચમાં પૂછાતા લોકો નવા નિમણૂંક પામેલા કલેક્ટરને કુરનિશ બજાવવા આવે એ તો બહુ સહજ બાબત હતી. નાનીમોટી ભેટ સાથે મળતી ગળચટ્ટી ચાપલૂસીની રાજીવને આદત પણ હતી, પણ શનિવારે મળવા આવેલા એ યુવાન ફોરેસ્ટરની હકારાત્મક ઉર્જા રાજીવને સ્પર્શી ગઈ હતી. આમ તો કલેક્ટર તરીકે બતાવવા જેટલો એટિટ્યુડ રાજીવ સૌને બતાવી જ દેતો. કલેક્ટરથી એમ કંઈ બધા સાથે ફ્રેન્ડલી ના થવાય! પણ કૌશલ સાથે વાતોનો દોર એવો જામ્યો કે પાંચ-દસ મિનિટની મુલાકાત એક કલાક સુધી લંબાઈ ગઈ. રાજીવે આગ્રહ કરી એને ચા-નાસ્તો કરાવ્યો તો બદલામાં કૌશલે તેને બીજા જ દિવસે નિરાઈ આવવાનું આમંત્રણ આપી દીધું.

રવિવારે કરવા માટે ખાસ કંઈ હતું નહીં અને ડાંગનું જંગલ ખૂંદવા માટે એક ફોરેસ્ટરથી વધુ સારી કંપની કઈ હોઈ શકે, એટલે રાજીવે તાત્કાલિક હા ભણી દીધેલી. રવિવારની વહેલી સવારે સરકારી જીપ લઈને તે એકલો જ નિરાઈ જવા નીકળી ગયો હતો. ડ્રાઇવર શામજીએ સાથે જવાની તૈયારી બતાવી ત્યારે રાજીવે એને ના પાડેલી. ચોમાસુ લગભગ પૂરું થવા આવ્યું હતું અને ચાર માસ ધોધમાર વરસાદ ઝીલીને સંતૃપ્ત થયેલું જંગલ હરિયાળી યુવાની ધારણ કરીને બેઠું હતું. સવારના સોનવર્ણા તડકામાં નહાઈ ઊઠેલું જંગલ જોવામાં રાજીવને જલસો પડી ગયો હતો. પહાડી ઢોળાવોમાં ડ્રાઇવિંગનો ખાસ અનુભવ ન હોવાથી તેણે બહુ સાચવીને ડ્રાઇવ કરવું પડ્યું એટલે સાંઇઠ કિલોમીટરનું અંતર કાપતા તેને દોઢ કલાક થઈ ગયો હતો.   

નિરાઈ રાજીવની ધારણા કરતા વધુ રસપ્રદ નીકળ્યું હતું. પહાડોના ખોળામાં વસેલું નાનકડું ગામ. ઝૂંપડા જેવા ઘર. માટી અને છાણ લીંપેલા. નાના અને છૂટાછવાયા. ગામની વચ્ચોવચ વહેતી એક સાંકડી, છીછરી, ઉછળતી નદી. પહાડી ઢોળાવો પર જામેલી ગંધહિન જંગલી ફૂલોની નયનરમ્ય બિછાત. વન્ય પંખીઓનો મધુર કલશોર! પટણાના પ્રદૂષણયુક્ત વાતાવરણમાં ઉછરેલા રાજીવે આવું નિર્ભેળ કુદરતી સૌંદર્ય ક્યારેય નહોતું જોયું એટલે તે તો ખુશખુશાલ થઈ ગયો. સોનામાં સુગંધ ભળી કૌશલની મહેમાનનવાજી થકી. કલેક્ટરની ખાતરબરદાસ્ત કરવા માટે એણે પૂરી તૈયારી કરી રાખી હતી. ગરમાગરમ ચાની લિજ્જત માણી બંને ગામમાં ફરવા પગપાળા જ નીકળી પડ્યા.

બપોર સુધીમાં તેઓ ફોરેસ્ટર ક્વાર્ટર પર પાછા ફર્યા ત્યારે કૌશલના સહાયકે મહેફિલ સજાવી રાખી હતી. વિદેશી શરાબ અને દેશી મરઘીનો જલસો બે કલાક ચાલ્યો. એ પછી એકાદ કલાકનો આરામ કરી બંને કૌશલના બુલેટ પર ડાંગનું જંગલ ઘૂમવા નીકળી પડ્યા.

ચોપાસ ફેલાયેલી અફાટ વનરાજી, ખુલ્લી સડક પર રમરમાટ ભાગતું બુલેટ અને કૌશલની ક્યારેય ખતમ ન થનારી વાતો. અતિઉત્સાહી ફોરેસ્ટરની અસ્ખલિત વાણી કંઈકેટલાંય વિષયો વિશે રાજીવને માહિતગાર કરતી રહી. ડાંગની ભૌગોલિક સ્થિતિ, ડાંગની મોસમો, વન્ય જીવો, આદિવાસી પ્રજાની રહેણીકહેણી અને એમના રીતરિવાજો, આદિવાસીઓ માટેની સરકારી સહાયને ચાંઉ કરી જતા અધિકારીઓ અને એનજીઓ, ફોરેસ્ટરની નોકરી દરમિયાન એને થતા ખાટામીઠાં અનુભવો... રાજીવને તો મોજ પડી ગઈ. કૌશલે તેને નિરાઈને પાદરે એ જગ્યા પણ બતાવી જ્યાં બે મહિના અગાઉ એણે ભરબપોરે એક સ્થાનિક રહેવાસી પર હુમલો કરનાર ખૂંખાર દીપડાનો શિકાર કરવાનું પરાક્રમ કર્યું હતું, અને ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલી એ જગ્યાએ પણ લઈ ગયો જ્યાં છ મહિના અગાઉ એણે સાગના લાકડાની ગેરકાયદે તસ્કરી કરતી ગેંગને અડધી રાતે ફિલ્મી સ્ટાઇલમાં ઝડપી લેવાનું મિશન ખેલ્યું હતું. બહાદુરીભર્યા બંને કામ માટે એને ગુજરાત સરકાર તરફથી ઈનામ મળ્યા હતા.    

નવપરણિતા પોતાના પ્રિયતમને વળગીને પડી હોય એ રીતે પહાડોને વીંટળાઈને વહેતી અંબિકા નદીને કિનારે બેસી બંનેએ નદીના છીછરા પટમાં ઉગેલા દેશી તરબૂચની મજા માણી. વાતોનો દોર તો ચાલુ જ રહ્યો. રાજીવે ખપ પૂરતું જ બોલીને વધુ સાંભળવાનું રાખ્યું તો કૌશલ જાણે કે જિંદગીમાં ફરીવાર બોલવાનો મોકો જ ન મળવાનો હોય એમ ધાણીફૂટ બોલતો રહ્યો. એનું કારણ પણ એ હતું કે એણે ડ્યુટી માટે એવા આદિવાસી વિસ્તારમાં રહેવું પડતું હતું જ્યાં એની ઇન્ટેલિજન્ટ વાતો સમજી શકે એવું કોઈ નહોતું.     

માંડ ચોવીસ કલાકના પરિચયમાં બંને જાણે કે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય એવી કેમેસ્ટ્રી એમની વચ્ચે સર્જાઈ ગઈ. મોડી સાંજે બંને કૌશલના ક્વાર્ટર પર પાછા ફર્યા. શરીરમાં ગરમાટો લાવવાને બહાને ગળા નીચે વ્હીસ્કીના એક એક પેગ ફરી ઉતાર્યા.

રાજીવે પાછા ફરવાની વાત કરી ત્યારે કૌશલે તેને વાર્યો હતો, કહ્યું હતું, ‘બહુ મોડું થઈ ગયું છે. ઘરે પહોંચતા રાત પડી જશે. અંધારામાં કંઈ તકલીફ પડી તો રસ્તે કોઈની મદદ નહીં મળે. આજે અહીં જ રોકાઈ જાવ.’

‘કુછ નહીં હોગા. તુમ ટેન્શન મત લો.’ રાજીવે બેફિકરાઈથી કહ્યું હતું, ‘ઐસે અકેલે બહો ઘૂમે હૈ હમ...’ ભણતી વખતે હોસ્ટેલમાં ગુજરાતી રૂમમેટ્સ મળ્યા હોવાથી તેને ગુજરાતી સમજાતી તો હતી, પણ બોલવામાં તંગી હતી. 

સાંજના ફક્ત છ જ વાગ્યા હોવાથી તેણે કૌશલની વાત ગંભીરતાથી નહોતી લીધી અને જીપ દોડાવી મૂકી હતી. પહાડી વિસ્તારમાં સૂરજ ઢળ્યે અંધારું બહુ જલદી થઈ જતું હોય છે, એ હકીકત પ્રત્યે તેણે દુર્લક્ષ્ય સેવ્યું હતું. અડધી મજલ કપાઈ ગઈ હતી, પણ આહવા પહોંચતા હજુ પોણો કલાક લાગે એમ હતું. જીપની હેડલાઇટમાં ચળકતી સડક પર આંખો જમાવેલી રાખી તે બહુ સાવધાનીથી ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. ચોપાસ ભેંકાર અંધકારનું સામ્રાજ્ય છવાયેલું હતું. પવન સદંતર પડી ગયો હતો. શિયાળની લાળી અને ચીબરી-તમરાંના ચિત્કાર સિવાય ઘનઘોર જંગલમાં અન્ય કોઈ ખળભળાટ નહોતો.

અચાનક રાજશ્રીની યાદ આવતાં રાજીવે પોકેટમાંથી ફોન કાઢી ચેક કર્યો. નેટવર્ક નહોતું. પરિવાર સાથે પટણા રહેતી રાજશ્રીને પાંચમો મહિનો જઈ રહ્યો હતો. રાજીવ કામમાંથી પરવારે પછી બંને વચ્ચે દરરોજ સાંજે ફોન પર લાંબી લાંબી વાતો થતી. આજે એ સમય ચૂકાઈ ગયો હતો. ડાંગમાં મોબાઇલ નેટવર્ક ગમે ત્યારે બેવફાઈ કરી જતું એટલે રાજીવ લેન્ડલાઇન પરથી જ કોલ કરતો. તેણે વિચાર્યુઃ રાજશ્રીએ કોલ કરવાની કોશિશ કરી હશે. કોન્ટેક્ટ ના થતાં ચિંતા કરતી હશે. લેન્ડલાઇન પર ટ્રાય કર્યું હશે. શામજીએ એને હું જંગલમાં ફરવા એકલો ગયો છું એમ ના કહ્યું હોય તો સારું. નાહક ટેન્શન લેશે...

એન્જિનમાં અચાનક ઉઠેલી કર્કશ ઘરઘરાટીએ તેની વિચારતંદ્રાને બ્રેક લગાવી. બે-ચાર ડચકાં ખાઈને જીપ એકાએક અટકી ગઈ. બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો.

રાજીવ ટોર્ચ લઈને નીચે ઉતર્યો. બોનેટ ખોલીને જોયું તો રેડિયેટરમાં પાણી ખતમ થઈ ગયું હતું.

સીટ નીચે પાણી ભરેલી બોટલ હંમેશાં પડેલી રહેતી હતી. પણ આજે ખાલી હતી! 

‘શિટ..!’ રાજીવના મોંમાંથી ગંદી ગાળ નીકળી ગઈ. ડ્રાઇવર બોટલ ભરવાનું ભૂલી ગયો હતો.

હવે? અંધારિયા જંગલની વચ્ચે સૂમસામ વિસ્તારમાં પાણી ક્યાંથી લાવવું? ઘડિયાળમાં સાત વાગવા આવ્યા હતા અને દૂર દૂર સુધી માનવવસતિનું નામોનિશાન નહોતું.

કોઈ બીજી બોટલ ખૂણેખાંચરે પડી હશે એમ માની તેણે જીપનો ખૂણેખૂણો તપાસી લીધો, પણ પાણી ન મળ્યું. આટલા અંતરિયાળ વિસ્તારમાં કોઈ વાહન આવે અને મદદ મળે એવી આશાય પાંખી હતી અને એવી આશાને સહારે બેસી રહેવાય એમ પણ નહોતું.

રાજીવે ટોર્ચ ઘૂમાવીને ચારે તરફ નજર દોડાવી. પ્રકાશના શેરડામાં જોયું કે રસ્તાની આજુબાજુ સોએક ફીટ ખુલ્લી જગ્યા હતી. પથરાળ જમીનમાં ક્યાંક ક્યાંક ઘૂંટણસમું હરિયાળું ઘાસ ઊગેલું હતું. એટલી ખુલ્લી જગ્યા બાદ ગાઢ જંગલ શરૂ થતું હતું. કાળુભમ્મ અંધારું ઓઢીને પોઢેલા સાગના વૃક્ષો ભૂતાળવા લાગી રહ્યા હતા. ઠંડીનું જોર વધી રહ્યું હતું. આખો માહોલ ડરામણો લાગી રહ્યો હતો.

બારીક નજરે જોતા એક આશાનું કિરણ દેખાયું. સાગના વૃક્ષો વચ્ચે એક પગદંડી કળાઈ!

પગદંડીનો મતલબ એ કે આસપાસ ક્યાંક માનવવસતિ હોવી જોઈએ. અને માનવવસતિ હોય તો બની શકે કે નજીકમાં પાણીનો સ્ત્રોત પણ હોય. કોઈ નદી કે નાનો વહેળો. રાજીવને તો એક બોટલ પાણીનો જ ખપ હતો.

જીપમાં એક મજબૂત દંડ પડેલો હતો એ લઈને ટોર્ચના અજવાળે રાજીવે એ પગદંડી પર આગળ વધવાનું નક્કી કર્યું. અંધારામાં જંગલમાં એકલા ભટકવામાં જોખમ તો હતું, પણ એવું જોખમ ખેડ્યે જ છૂટકો હતો.

માંડ વીસેક ડગલાં ચાલ્યો હશે ત્યાં જ તેના કાન ચમક્યા. જે આછો-પાતળો અવાજ કાને અથડાયો હતો એ હકીકત હતી કે પછી મનમાં સંચારિત આશાનો વહેમરૂપી પડઘો, એની ખાતરી કરવા તદ્દન સ્થિર ઊભા રહી તેણે કાન સરવા કર્યા. ક્ષણિક સંભળાઈ ગયેલું ફરીથી સાંભળવા મથી રહેલા તેના કાનને નિરાશા ન લાગી.

ખરેખર ક્યાંકથી પાણી વહેવાનો અવાજ આવી રહ્યો હતો!

કોઈ પથ્થર પરથી નીચે ખાબકી રહેલા જળપ્રવાહનો દબાયેલો શોર હતો એ!  

રાજીવની આંખોમાં ચમક આવી. અવાજ સામેની દિશામાંથી જ આવી રહ્યો હતો એ પીછાણતા તેને વાર ન લાગી. પગદંડી ચોક્ક્સ એ જળસ્ત્રોત તરફ લઈ જતી હશે એવી આશામાં તેની ચાલવાની ઝડપ વધી.

હજુ તો તે માંડ થોડો આગળ ગયો હશે ત્યાં જ વાતાવરણ ગજવતી દીપડાની ત્રાડ કાને અથડાઈ.

અને રાજીવના પગ આગળ વધતા અટકી ગયા. ત્રાડ બહુ દૂરથી આવી હતી એટલું તો નક્કી પણ જંગલને ધમરોળતા રહેતા વનરાજાને લાંબી ફર્લાંગો ભરી શિકાર સુધી પહોંચવામાં વાર કેટલો લાગે! ડાંગના જંગલમાં હજારોની સંખ્યામાં દીપડા વસતા હતા. એકાદ દીપડો રસ્તે આડો ઉતરે તો..? લાકડાના છ ફૂટ લાંબા દંડાથી ખૂંખાર દીપડાનો મુકાબલો કરવો અશક્ય હતું.  

દીપડાનો વિચાર આવતા જ રાજીવને છેલ્લા પાંચ દીવસોમાં સાંભળેલી વાતો યાદ આવી ગઈ. શામજીએ તેને દીપડા દ્વારા થતાં શિકારની ઘણી બધી વાતો કરી હતી. ભૂખ્યોડાંસ દીપડો વસતિમાં હુમલો કરીને પાલતુ ઢોર પર હુમલો કરવામાંય નહોતો અચકાતો. શિકાર માટે આહવા જેવા નગરમાં ત્રાટકવાનું સાહસ એ રાની પશુ ખેડી શકતું હોય ત્યારે જંગલમાં તો એ રાજા ગણાય. ફોરેસ્ટ ખાતાના પાંજરા અને બંદૂક પણ દરેક વખતે દીપડા સામે અસરકારક સાબિત ના થતાં હોય ત્યારે એક મામૂલી દંડો તો ક્યાંથી ટકી શકે?

‘દીપડો બો ખંધુ જાનવર ગણાય, સાએબ.’ રાજીવના કાનમાં શામજીની ટિપિકલ દક્ષિણ ગુજરાતી ભાષામાં બોલાયેલા શબ્દો પડઘાયા. ‘કોઈ બી દિશામાંથી ઉમલો કરે. અમણા તમારી હામે ઊભો ઓય ને બીજી સેકનમાં તો અઇંથી તઇં કૂદીને તમારી પાસળ પોંચી જાય. તમે એની જગિયાનો અંદાજ લગાવો, તમારી પાહેનું અથિયાર એની બાજુ તાકો એ પેલ્લા તો એના ન્હોર તમારી ચામડી ચીરી લાખે. ને એક વાર એના દાંત ગરામાં ઘૂઈસા પસી તો ગિયા કામથી. ગરાની નસ કાપીને એ જનાવર માણહનો ખેલ ખતમ કરી લાખે. જીવ બચાવવા તફડતા સિકારના ગરાને જડબાંમાં પકડીને આંખના પલકારામાં જંગલમાં એવો અલોપ થઈ જાય કે ખબર બી નીં પડે...’

શામજીના શબ્દોએ રાજીવને ડરાવ્યો. એ શેતાન સામો મળ્યો તો રાજીવ કેમે કરી એનો મુકાબલો કરી શકે એમ નહોતો. પોતાની કબાટના ડ્રોઅરમાં પડેલી રિવોલ્વર યાદ આવતા તેને અફસોસ થયો કે સ્વરક્ષણ માટે મળેલું એ હથિયાર સાથે કેમ ના લીધું.

આગળ વધવું કે નહીં એની અવઢવમાં તે એક જગ્યાએ અટકી ગયો. મનમાં ગણતરીઓની ગડમથલ મચી. નજીકમાં જ ક્યાંકથી પાણી મળી જાય એમ હતું, પણ એ લેવા જતાં સાક્ષાત મોતનો સામનો થઈ જાય તો..? અને પાણી નહીં મળે તો આખી રાત જંગલની વચ્ચે જાગતા જ કાઢવી પડે એમ હતું. ખુલ્લી જીપમાં ઊંઘી જવાનું રિસ્ક નહીં જ લેવાય. અને જીપમાં જાગતા બેસી રહેવામાં પણ ક્યાં સલામતી હતી. માણસનું લોહી ચાખી ગયેલ આદમખોર દૂરથી માણસની ગંધ પારખી લેતો હોય છે. એવો કોઈ માણસખાઉ દીપડો આવી ચડ્યો તો દરવાજા અને છત વગરની જીપમાં રાજીવ છુપાય પણ ક્યાં?

કરવું તો કરવું શું? ડરમિશ્રિત ચિંતાના ભાવ સાથે રાજીવ જ્યાં હતો ત્યાં જ ઊભો રહ્યો.

થોડી મિનિટ અસમંજસમાં વીતી હશે ત્યાં પીઠ પાછળ વૃક્ષોમાં એક અજીબ હલચલ મચી. દીપડાના ઓથાર તળે ફફડતો રાજીવ તરત પાછળ ફર્યો. અને તેની આંખે જે ચડ્યું એ જોઈ તેનું હૃદય જાણે કે ગળામાં આવી ગયું. ગભરાટને લીધે ટોર્ચ હાથમાંથી છટકીને નીચે પડી ગઈ. ‘ખણીંગ...’ કરીને તૂટેલા ટોર્ચના કાચની કરચો તેના પગની આસપાસ વેરાઈ. પ્રકાશનો એકમાત્ર સ્ત્રોત હાથમાંથી છૂટી જતાં તેનો ડર બેવડાયો, પણ એ ડર તેની આંખો સામે જે ભયાનક દૃશ્ય આકાર લઈ રહ્યું હતું એની સરખામણીમાં તો કંઈ જ નહોતો. 

રસ્તાની પેલે પાર, ઝાડીઓની ધાર પર, વૃક્ષોની છાયામાં એક સફેદ ધુમ્મસિયો ઓળો ઊભેલો હતો. રાતના અંધકારમાંય જાણે સ્વયંપ્રકાશિત હોય એમ એ ધુમ્મસિયો આકાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ઊંચાઈમાં નહીં નહીં તોય બાર-પંદર ફીટ અને પહોળાઈમાં ખાસ્સો પાંચ-છ ફીટ. ધુમ્મસને ગુરુત્વાકર્ષણ થકી એક જગ્યાએ જકડી રાખ્યું હોય એવો એ આકાર… હળવો છતાં નક્કર. નક્કર અને પ્રકાશિત. અવાસ્તવિક. અગોચર. અલૌકિક.

ડરના માર્યા રાજીવના પગ જાણે કે જમીન પર ખોડાઈ ગયા. તેનો શ્વાસ ગળામાં જ અટકી ગયો. પગથી માથા સુધી તે ધ્રૂજી ઊઠ્યો. આટલી ઠંડીમાંય પરસેવે રેબઝેબ થઈ ગયો. ફાટી આંખે, મોં વકાસીને તે એ રહસ્યમય ઓળાને તાકી રહ્યો.

બે પળ, ચાર પળ વીતી હશે ત્યાં જ એ ઓળામાં સંચાર થયો. પહેલા ધીમેધીમે અને પછી ગતિપૂર્વક એ ભૂતાળવો ઓળો રસ્તા તરફ આગળ વધ્યો.

રાજીવનું હૃદય જેટ વિમાનની ગતિએ ધડકવા લાગ્યું. શરીરમાં ડરનું લખલખું પસાર થઈ ગયું. તેણે પાછળની દિશામાં ભાગી જવાનું વિચાર્યું તો ખરું, પણ એ વિચારને તે અમલમાં મૂકી ન શક્યો. તેની ઈન્દ્રિયો-અંગો પર તેનો કાબૂ જ નહોતો રહ્યો. તેની સમજશક્તિ જ જાણે કે ક્ષીણ થઈ ગઈ હતી.   

ન તો એના હાથ-પગ હતા, ન તો માથું, છતાં એ આકાર ઘણે અંશે માનવદેહને મળતો આવતો હતો. પરિકથામાં આવતો એવો ઊંચો-તગડો રાક્ષસ! લોહી-ચામ વિહોણો… ભયપ્રેરક... ડરામણો... રાક્ષસ!

પથ્થરિયા જમીન પર લાંબી લાંબી ફર્લાંગો ભરતો એ ઓળો જીપ પાસે પહોંચ્યો અને અટક્યો. ઘડીભર રાજીવને લાગ્યું કે એ ઓળામાં ક્યાંક છુપાયેલી અદૃશ્ય આંખો તેને જ તાકી રહી હતી.

જીપના ખુલ્લા બોનેટ પર ઝૂકીને ઓળો થોડીવાર સ્થિર મુદ્રામાં ઊભો રહ્યો. જીપના એન્જિન પર ઝળૂંબતા એ સફેદ ધૂમ્રપૂંજને રાજીવ ધડકતા હૃદયે એકીટસે તાકી રહ્યો. આંખ આગળ ઘટી રહેલી અવિશ્વસનીય દૃશ્યાવલિથી ભયંકર ડરી ગયેલો હોવાથી તેનું આખું શરીર પરસેવામાં નહાઈ ઉઠ્યું હતું.

થોડી ક્ષણો બાદ ઓળો જીપ પરથી હટ્યો અને પછી આવ્યો હતો એ જ દિશામાં ઝડપથી જતો રહ્યો.

રાજીવ સ્તબ્ધ બનીને પોતાની જગ્યાએ જ ખોડાયેલો ઊભો રહ્યો. એ ખૌફપ્રેરક ભૂતિયા ઓળો આંખો સામેથી ઓઝલ થઈ ચૂક્યો હોવા છતાં જીપ તરફ જવાની રાજીવની હિંમત ના થઈ. ઉચાટ જીવે તે હતો ત્યાં જ ઊભો રહ્યો. તેની બહાવરી આંખો વૃક્ષોના પડછાયા વચ્ચે સમાઈ ગયેલા પેલા ઓળાને શોધવા મથી રહી.      

શું હતું એ? કોઈ ભૂતપ્રેત, કોઈ ગેબી શક્તિ કે પછી...

તેના મનમાં એક શબ્દ સ્થિર થયોઃ ભૂતબાપજી..!!!

ત્રણ દિવસ અગાઉ જીપમાં સાકરપાતળ ગામમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે શીમળાના વૃક્ષ નીચે એક પથ્થરની પૂજા કરી રહેલું લોકટોળું દેખાતા તેણે શામજીને પૂછ્યું હતું, ‘કોઈ તહેવાર છે આજે?’

‘નીં સાએબ,’ ડ્રાઇવિંગ કરી રહેલા શામજીએ જવાબ આપ્યો હતો. ‘આ ભૂતબાપજીનું થાનક સે. આજે અમાહ સે ને દર અમાહે અઇંના લોક ભૂતબાપજીની ખાસ પૂજા કરવા આવે. મરઘાની બલિ સડાવે ને મઉડા(દેશી દારૂ)નો પરસાદ વેંચે. આદિવાસી લોક માને કે ભૂતબાપજી એ લોકની ખેતી ને ઘેર-પરિવારની રક્સા કરે સે. ડાંગમાં એક બી ગામ એવું નઠી જાં ભૂતબાપજીની આજરી નીં ઓય. એમના હારુ તો ભૂતબાપજી જ ભગવાન.’

શામજીની વાત સાંભળી રાજીવને હસવું આવેલું. તેના ભણેલા દિમાગે અભણ પ્રજાની ધાર્મિક માન્યતાઓની ખીલ્લી ઉડાવતા કહેલું, ‘વૉટ રબિશ! ઐસે પેડ કે નીચે પથ્થર રખકે ઉસકી પૂજા કરને સે કોઈ ભગવાન હાજિર થોડા હો જાયેગા.’

‘એમ નો બોલો, સાએબ.’ શામજીએ સહેજ ખિન્ન સૂરમાં કહ્યું હતું. ‘ભૂતબાપજી જેટલા દયાળુ સે, જરૂર પડે એટલા જ કઠોર બી બની જાય. એ હાચવે તિયારે બરોબર હાચવે, પણ રૂઠે તિયારે માણહનું ધનોતપનોત કાઢી લાખે. તમે કદાચ નીં માનો, પણ એક કિસ્સો યાદ આવે સે. બો વરહો પેલ્લા એક નાસતિક માણહે બાપજીના હતના પારખાં કરવા તેમના થાનક પર પેસાબ કરેલો. બે-ચાર દિવસમાં તો એ પાપીના સરીરે એવા એવા ફોલ્લાં નીહરેલા... આખા સરીરે અગન કાઢે. નીં બેહાય કે નીં હૂવાય. કેમે કરી રાઅત નીં મલે. બો વૈદાં કઇરા. શે’રના મોટા મોટા દાકતરને બતાઇવું, પણ કોઈથી બિમારી નીં પકડાઈ તે નીં જ પકડાઈ. એણે બાપજીની થાનકે જેઈને માથા પટઇકા, દયાની ભીખ માગી, પણ એમ કંઈ રૂઠેલા બાપજી માને! પાપી એક વરહ હુધી રિબાયો ને થાઇકો તિયારે કૂવે પડીને મોત વા’લું કઇરું. આવા તો બો દાખલા સે બાપજીના પરચાના.’   

જવાબમાં રાજીવ હસ્યો હતો. ‘કહાની હૈ તો અચ્છી, પર ગલે નહીં ઉતરી.’

ભૂતબાપજીની હકીકત સાએબને ગળે ઉતારવા શામજીએ થોડા વધુ કિસ્સા કહ્યા હતા. ‘ભૂતબાપજી રાતના ફરતા રે’તા ઓય. મુસીબતમાં પડેલા લોકોની મદદ કરે. જંગલમાં રસ્તો ભૂલે એને ઘેર હુધી મૂકી જાય. મારી બાજુમાં એક નખ્ખોદિયો રેય સે. કામ-ધંધો કંઈ કરે નીં ને બૈરીની મજૂરીના પૈહે દારૂ પીને લવારા કઇરા કરે. એક રાતના એ પીને ઘેરે આવતા રસ્તો ભૂલીને બાપજીના થાનકે પોંચી ગેલો. મોડામાંથી ગાર તો નીહઇરા જ કરે. બાપજી ઓ કેટલું સહન કરે. એટલે સાલાને અફારી અફારીને મારેલો. કાંટાવારી ઝાડીમાં લાખી દીધેલો. હવારે લોકે જોયું તો એનું આખું સરીર લોઈલુઆણ. એવી સજા આપે બાપજી તો.’ 

આ કિસ્સો તો રાજીવને વધુ મનોરંજક લાગેલો. જોરથી હસી પડી તે બોલેલો, ‘સબ મન કા વહેમ હૈ. દુનિયા કહાં સે કહાં પહુંચ ગઈ ઔર તુમ લોગ અભી તક ઐસે ભૂત-પ્રેત મેં અટકે હુએ હો! ફિર દેશે આગે કૈસે બઢેગા!’        

‘એવું નથી, સાએબ. અમુક વસતુ તો માનવી જ પડે.’ શામજીને બદલે એની ભૂતબાપજી પ્રત્યેની શ્રદ્ધા બોલી રહી હતી. ‘બો બધા લોકોએ ભૂતબાપજીને જોયા સે. મોટ્ટો બધો સફેતસફેત આકાર બનીને આવે. સફેત ધુમાડા જેવું લાગે. કંઈ બોલે નીં. એ જે કરે તે જોયા કરવાનું. કેથ્થે ભટકી ગિયા ઓય તો એની પાસળ પાસળ ચાઇલા કરવાનું એટલે એ આપન્‍ને ઘેર હુધી મૂકી જાય ને—’

રાજીવના મશ્કરીપૂર્વકના અટ્ટહાસ્યે શામજીને અધવચ્ચે જ અટકાવી દીધેલો. રાજીવને બદલે બીજો કોઈ હોત તો એણે ભૂતબાપજીની તરફેણમાં વધુ દલીલો કરી હતી, પણ કલેક્ટર સાએબને કેમ કરી સમજાવવા?

‘મૈં તો અપની આંખો સે દેખૂંગા તો હી માનૂંગા...’

એ વિષયમાં બોલાયેલા રાજીવના એ છેલ્લા શબ્દો હતા. અને આજે એની સગી આંખે એણે ભૂતબાપજીનો પરચો જોઈ લીધો હતો.  

મોટ્ટો સફેત આકાર... ધુમાડા જેવું લાગે...

શામજીના શબ્દો રાજીવના અંતરમનમાં પડઘાયા અને એ પગથી માથી સુધી ધ્રૂજી ઊઠ્યો. ફરી એક વાર.

એની આંખો સામે, માત્ર પંદર ફીટના અંતરે થોડી વાર અગાઉ સાક્ષાત ભૂતબાપજી ઊભા હતા! એક એવી ગેબી શક્તિ જેની થોડા દિવસો અગાઉ તેણે મશ્કરી કરી હતી. એક એવી રુહાની તાકાત જેને તે અંધશ્રદ્ધા માનતો હતો.

તેની બહાવરી આંખો મિનિટો સુધી ભૂતબાપજી જે જગ્યાએ વૃક્ષોમાં ઓગળી ગયા હતા એ સ્થાને ફરતી રહી, કદાચ કંઈક દેખાઈ જાય એ માટે... પણ એવું કંઈ ના દેખાયું. જે હતું એ ક્યારનું ક્યાંય દૂર જતું રહ્યું હતું…

શૂન્યમનસ્કતાની સ્થિતિમાંથી બહાર આવતા તેને ભાન થયું કે તેણે જીપ તરફ જવું જોઈએ.

ધીમા પગલે તે જીપ તરફ આગળ વધ્યો ત્યારે પણ નજર તો ભૂતબાપજીના ગંતવ્યસ્થાન પર જ ખોડાયેલી રહી. ડરથી ફાટફાટ થતી છાતિ અને પરસેવે નીતરતું શરીર...    

જીપ નજીક જઈ તેણે રેડિયેટર ચેક કર્યું તો એ પાણીથી ભરેલું હતું. અવાવરું વનમાં ભૂતબાપજી તેને મદદ કરવા જ આવ્યા હતા એ વાતનો અહેસાસ થતાં તેનું મન આભારની લાગણીથી ભરાઈ ગયું, પણ એ લાગણી શબ્દો કે પ્રાર્થના દ્વારા વ્યક્ત કરવા જેટલા હોશ તેનામાં નહોતા. જે બની ગયું એનાથી હજુ પણ ડરેલો હોવાથી તે જેમ બને એમ જલદી એ ઘટનાસ્થળથી સરકી જવા માગતો હતો.

ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાઈ તેણે જીપ સ્ટાર્ટ કરી અને તેજ રફતારે ભગાવી મૂકી. ભૂતબાપજીના વિચારોમાં રસ્તો ક્યાં કપાઈ ગયો એય ખબર ના પડી.   

ઘરે પહોંચ્યો કે તરત શામજી નજીક દોડી આવ્યો. એણે કંઈક પૂછ્યું, પણ રાજીવનું મગજ જાણે કે જવાબ આપવાની સ્થિતિમાં નહોતું. છેલ્લા એકાદ કલાકથી જે ડર તેનો પીછો કરી રહ્યો હતો એનાથી છૂટવા માગતો હોય એમ તે સીધો બાથરૂમમાં પૂરાઈ ગયો.

તેણે ન તો ચા પીધી, ન જમ્યો કે ન રાજશ્રીને ફોન કર્યો. તેના સમગ્ર અસ્તિત્વનો ભરડો એ સાંજની ઘટનાએ લઈ લીધો હતો. આખી રાત જાગતો પડ્યો રહ્યો. એ અકલ્પનિય ઘટનાની સ્મૃતિમાંથી બહાર નીકળાય તો ઊંઘ આવેને!     

સવારે જાગ્યો ત્યારે સ્વસ્થ હતો. ગઈકાલની ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના શામજીને એ સ્થળ વિશે પૂછ્યું. સાએબ ભૂતબાપજીના થાનક વિશે પૂછી રહ્યા હતા એ શામજી માટે આશ્ચર્યજનક હતું. એણે અંદાજ બાંધ્યો કે સાહેબ પૂછતા હતા એ ગામ શામગવાન હોવું જોઈએ. 

રાજીવે ત્યાં જવાની ઈચ્છા જાહેર કરી ત્યારે શામજીનું આશ્ચર્ય બેવડાયું, પણ એણે કંઈ પૂછ્યું નહીં.

શામજીનો અંદાજ સાચો નીકળ્યો. રાજીવની જીપ શામગવાન ગામની સીમમાં જ ખોટકાઈ હતી. ગઈકાલવાળી જગ્યાએ જીપ પહોંચી કે તરત રાજીવની નજર ભૂતબાપજી જ્યાં અલોપ થયા હતા એ વૃક્ષાવલિ તરફ ગઈ. અંધારામાં ભયાવહ લાગેલું એ સ્થળ દિવસના અજવાળામાં તદ્દન સામાન્ય જણાયું.

રાજીવના પગ એ દિશામાં શા માટે આગળ વધ્યા એ શામજીની સમજ બહાર હતું, પણ એ ચૂપચાપ સાએબની પાછળ પાછળ ગયો. થોડું ચાલ્યા હશે ત્યાં વૃક્ષોની વચ્ચેથી વહેતું એક ઝરણું દેખાયું. ઝરણચરણમાં ઊગેલા એક પીપડાના વૃક્ષ નીચે ભૂતબાપજી પોઢેલા હતા.

રાજીવ એ નિર્જીવ પથ્થરને અપલક તાકી રહ્યો. આંખોના ખૂણા ભીના થયા અને તે નતમસ્તક થઈ ગયો. દંડવત પ્રણામ કરીને તેણે મનોમન ભૂતબાપજીનો આભાર માન્યો. પોતાની અજ્ઞાનતા બદલ માફીય માગી.

સાએબના વર્તનથી શામજી નવાઈ પામ્યો. એવું તો હુ બઇનું કે સાએબ... એ માત્ર ધારણા કરતો રહી ગયો.

જીપ ઘર તરફ પાછી વળી ત્યારે રાજીવની આંખો રિઅર વ્યૂ મિરરમાં દેખાતા એ વૃક્ષોમાં કંઈક શોધી રહી હતી. તેની આધુનિક વિચારપ્રણાલી ધ્વસ્ત થઈ ચૂકી હતી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ