વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વણકહ્યા શબ્દો

      " 'પ્રેમ'! ફક્ત એક શબ્દને આધારે સંપૂર્ણ જીવન નીકળી ગયું મારુ કાવ્યા! આમ જોવા જઈએ તો હું લેખક હતો. પણ તારી વાત આવતા જ લેખક તરીકેના મારા સંપૂર્ણ અસ્તિત્વ  ઉપર  પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ જતું હતું! તારા માટે જીવનભર અનુભવેલી અપ્રતિમ લાગણીઓને હું ચાર વાક્ય શું એક શબ્દમાં પણ વર્ણવી ન શક્યો! મારી કલમ કહું કે લેખક તરીકેનું મારુ વ્યક્તિત્વ કહું કે પછી તારા સાથી તરીકે નું મારુ અસ્તિત્વ કહું, આમાંથી કોઈ પણ તારા માટે મારા અંતરમાં શ્વાસ લેતી લાગણીઓને કાગળ ઉપર ઉતારી શકવા સક્ષમ નીવડ્યું નહીં! જો એક વાત કહીશ તો તને અતિશયોક્તિ લાગશે પણ આજે તને લખવાનો પ્રયત્ન કર્યો જ છે તો તારી આગળ હું જાતને સંપૂર્ણપણે ખુલ્લી કરવા તૈયાર છું. કાવ્યા મેં તારી સાથે જીવન વિતાવ્યું નથી. હું તારામાં જીવન જીવ્યો છું! તારી જ ભીતર મેં મારા ધબકારા અનુભવ્યા છે! તારા શ્વાસોશ્વાસમાં મેં પોતે શ્વાસ ભર્યા છે! પણ જેમ શ્વાસ અને ધબકારાઓની ગતિ જ્યાં સુધી સામાન્યથી વધે નહીં ત્યાં સુધી એને અનુભવે છે કોણ! એમ કદાચ તું તારી આસપાસ અને તારી ભીતર મારા અસ્તિત્વને સામાન્યથી વધું ક્યારેય અનુભવી શકી નથી. એક સત્ય એમ હતું કે મારામાં વહેતા રક્તના કણ-કણ તને ચાહતા હતા. અને એક સત્ય એમ પણ હતું કે હું એ પ્રેમ તારી સામે દર્શાવી શકવામાં સતત નિષ્ફળ નિવડતો હતો.


 


              કાવ્યા! તું મારાથી તદ્દન ભિન્ન વ્યક્તિત્વ ધરાવતી હતી એ વાતથી હું પહેલાથી માહિતગાર હતો. તું ખરખર વહેતી નદી ક્યાં હતી! જે અમુક અંતર કાપી દરિયાને ભેટી જવાની. તું તો ઊંડી ખીણ હતી કાવ્યા! જેની ઊંડાઈ કદાચ કોઈ માપી નહોતું શક્યું. તું ઝરમર વરસાદ હોતે તો તારામાં ભીંજાઈને કોઈ પણ તરબોળ થઈ જતે. પણ તું તો વરસાદ પહેલાનું વાવાઝોડું હતી. એવું વાવાઝોડું જેને મારા સર્વસને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. પણ સાચું કહું તો તારા સાથે રહીં મને મારી એ અસ્તવ્યસ્તતા ગમવા લાગી હતી. એટલે મેં જીવનભર ક્યારેય તને પામી લેવાનો કે તને બદલવાનો પ્રયત્ન કર્યો જ નહતો. હા પણ સતત તને સ્વીકારી લેવાનો પ્રયત્ન મેં જરૂર કર્યો હતો. અને સાચું કહું તો મારા માટે એ કાર્ય ખૂબ કઠિન રહેતું હતું. કારણકે રોજ મને તારામાં એક નવીન કાવ્યા દેખાતી. જેમાં ગઈ કાલ કરતા વધું નરમાશ , ગઈ કાલ કરતા વધું પ્રેમ, તેમ છતાં ગઈ કાલ કરતા વધું ઘેલછા અને ગઈ કાલ કરતા વધું વેગ દેખાતો હતો. અને એ કદાચ મારા માટે અસહ્ય થઈ પડતું. છેવટે હતો તો હું મનુષ્ય જ ને. જીવન જીવવાની તારી ઘેલછા, સર્વસને પામવાની નહીં પણ સર્વસ્વને માણી લેવાની તારી જીદ, અને તારો વેગ મને ક્યારેક ભીતરથી હચમચાવી કાઢતો હતો.  તારો વેગ સતત મારા ભીતર ભયના બીજ વાવતો હતો. ' જો આ વેગને કારણે તું મારાથી ખૂબ આગળ નીકળી જઈશ તો! જો આ ઘેલછા તને મારા વગર રહેતા શીખવાડી દેશે તો!' આવા વિચારોથી સતત મારુ કાળજુ ખવાઈ જતું હતું. ના..ના કાવ્ય તું ખૂબ અગાળ વધે એવી મારી સતત ઈચ્છા રહેતી હતી. પણ જો તું મારી વગર જીવતા શીખી જશે તો 'મારુ શું થશે' એનો ભય મને સતત કોરી ખાતો હતો. કારણકે વર્ષો તારી સાથે કાઢ્યા પછી હું તારા વગર જીવતા જ ભૂલી ગયો હતો. તારા સંગાથની હૂંફ મારા જીવતરને ઠંડુ પડી જતા અટકાવતી હતી. તારી ગતિ મારામાં વેગ પૂરતી હતી. મારામાં તારું અસ્તિત્વ મને જીવંત રાખતું હતું. હા પણ ફક્ત એ ભયને કારણે હું મારી જાતને તારા પ્રેમમાં દુબવાથી ક્યારેય રોકી નહોતો શક્યો. રોજ સવારે પાણી નીતરતા તારા વાળમાંથી ટપકતા બિંદુઓ મારા હૈયાને હચમચાવી કાઢતા હતા. મને રોજ તારા પ્રેમમાં પડવા મજબૂર કરતા. અને ફક્ત તારું એક મંદ હાસ્ય પૂરતું હતું મારા દિવસને પૂર્ણ કરવા માટે. હું ક્યારેય તારાથી ધરાતો નહોતો. તું એક અતૃપ્ત તરસ જેવી સતત મારા ભીતર વાસ કરતી હતી.


            કાવ્યા અને જમીન સાથે જેમ ક્યારેય મજબૂત સંબંધ રચાયો નહતો. એમ જ કાવ્યા અને રસોડા વચ્ચે પણ ક્યારેય નિતાંત જોડાણ બંધાયું જ નથી. તને જમીન કરતા વધું આભના તારાઓમાં રસ પડતો હતો. ટેલિસ્કોપ તારા માટે જાણે નવું જ જગત દેખાડતું યંત્ર બની રહ્યું હતું. તું જાણે ભૂમિ ઉપર રહીં તારાઓ નજીક પહોંચી જતી હતી. અને કલાકો સુધી ત્યાં જ વિહાર કરતી રહેતી હતી. રાત્રીના આભ સાથે તને એવું તો ખેંચાણ હતું કે તું જમીન ઉપરનું તારું અસ્તિત્વ જ ભૂલી જતી હતી. પણ તને એક વાત કહું! તને એમ કરતાં જોઈ હું પોતે કલાકો સુધી તને નિહારતો બેસી રહેતો હતો. એક સાચી વાત એમ હતી કે તું સામાન્ય સ્ત્રી જેવી હતી જ ક્યાં! તું પોતાની પાંખ કાપી નાખી બીજાના સ્વપ્નોને ઉડાન આપવામાં ક્યાં માનતી હતી. તું તો પોતે પાંખો ફેલાવી આભના ખૂણે ખૂણે ફરી લઈ દરેકને એ આભની સફર એમની પોતાની પાંખે કરવા પ્રેરતી હતી. અને રસોડું! રસોડું તારા માટે જાણે યુદ્ધનું મેદાન હતું.  તેમ છતાં હું બહારનું જમવાનું ન જમુ તે માટે તું જીભને ચચરે એવું તીખું તો ક્યારેક અત્યંત ખારું જમવાનું બનાવીને જ ઘર છોડતી હતી. ફરિયાદ નથી કરતો કાવ્યા! પણ તે બનાવેલા એવાં ભોજન પણ હું ભરપૂર સ્વાદ લઇને  જમ્યો છું.


          


         કયારેક તારી અમુક વાતો મારા હૃદયને ખૂંચાતી પણ હતી. અને એ પછી કેટલીએ વાર તને ખરુખોટું સંભળાવવા માટે મનોમન શબ્દો પણ ગોઠવી રાખ્યા હતા. પણ જેવો તારો નિર્દોષ ચેહરો મારી નજર સામે આવતો કે મારા અંદર પ્રજ્વલિત થયેલો દાવાનળ જાણે ક્ષણમાં જ ઠરી જઈ બરફ થઈ જતો. અને હું મારા આવા પ્રયત્ન ઉપર હસી જતો.


  


             એક વાત કહું કાવ્યા. તને મળ્યાં પછી હું એક વાત સમજ્યો હતો. કે પ્રેમ કરવા માટે ખરેખર જીગર જોઈએ! કોઈને ફક્ત કહેવાથી પ્રેમ પૂર્ણ ક્યાં થાઈ છે! પ્રેમની જ્વાળામાં સતત તપવું પડે છે. સતત બળવું પડે છે. અને પછી એ તપન જ ધીમે ધીમે શીતતા આપવા માંડે છે. અને તારા પ્રેમમાં અનુભવેલું એ તપન મને સતત પ્રજ્વલિત રાખતું હતું.


          તારા સાથે આજે વર્ષો કાઢ્યા પછી મને એક વાતનું ભાન જરૂર પડ્યું. કે જેમ તારી આંખોમાં જીવન જીવવાની ઘેલછા છે એમ મારા હૈયામાં પણ તને જીવી લેવાની ઘેલછા સતત શ્વાસ ભરે છે! અને એટલે જ તો હવે તને હું મારાથી ભિન્ન નથી માનતો. તું તારા રીતે મને પ્રેમ કરે છે અને હું મારી રીતે તને! પ્રેમની કોઈ એક વ્યાખ્યા થોડી છે કે એ વ્યાખ્યા અનુસરીને એ જ પ્રમાણે પ્રેમ કરાઇ! પ્રેમતો પરિમાણ વગરનો હોઈ, વ્યાખ્યા વિહોનો હોઈ. અમાપ હોઈ, અપ્રતિમ હોઈ. જેમ તારો અને મારો.  હવે આગળ કહું તો કદાચ તને કહેવા માટે એટલી વાતો છે મનમાં, કે જીવતર ખૂટે. પણ સંપૂર્ણ જીવન મળે તો પણ  કાવ્યાને  શબ્દોમાં લખવી એ પણ તો મારા માટે ક્યાં સંભવ છે?  એટલે અહીં પૂર્ણવિરામ મુકુ છું. હું નથી જાણતો આ પત્ર તને હું આપીશ કે  નહીં કે આ પત્ર તને ક્યારેય મળશે કે કેમ! અને જો મળે ક્યારેકને હું જીવંત ન હોવને તો વાંચ્યા પછી છાતીએ વળગાડી ને ન રાખતી એને. કે પછી રડારોળ ન કરતી. એવું બધું તારા વ્યક્તિત્વને શોભતું નથી. તું તારે તારી ગતિથી આગળ વધતી રહેજે. ખૂબ ઉગજે..ખૂબ વિસ્તરજે."


           


                પત્રને પહેલે જેમ ગડીમાં વાળ્યો હતો એવી જ રીતે ફરી ગડી વાળી, પત્રને એજ પુસ્તકના પાના નંબર  ૩૫૫ અને પાના નંબર ૩૫૬ની વચ્ચે દબાવી એક વૃદ્ધ સ્ત્રી ખુરશી ઉપરથી ઊભી થઈ. એની આંખોના ખૂણા ભીના હતા. સ્ત્રીએ સાડીના પાલવથી આંખો લૂછી, અને પુસ્તકાલયના રિસૅપ્શન તરફ આગળ વધી અને ત્યાં બેસેલી સ્ત્રીને વૃદ્ધ સ્ત્રીએ પુસ્તક પરત આપ્યું. સામે બેસેલી સ્ત્રીએ રોજની જેમ વૃદ્ધને સહાનુભૂતિ દર્શાવતું સ્મિત આપ્યું. અને વૃદ્ધ સ્ત્રી પણ હળવું હાસ્ય આપી પુસ્તકાલયની બહાર નીકળી ગઈ. વૃદ્ધાના ગયા પછી પુસ્તકાલયમાં કામ કરતી સ્ત્રીએ રોજની જેમ જ વૃદ્ધ સ્ત્રીએ પાછુ આપેલું પુસ્તક કોઈના હાથે ન ચઢે એ રીતે પુસ્તકાલયના એક જુદા ખાનામાં મૂકી દીધું! પણ બીજે દિવસ સવારે વૃદ્ધાને એ પુસ્તક ત્યાં જ મળી રહેશે જયાંથી એ પુસ્તક રોજ ઉપાડે છે!

                                          


    


        


               


                   


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ