વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક ભિખારન ! ૯ જુલાઈ, શુક્રવાર,૧૯૭૬

આ સંપૂર્ણ કાલ્પનિક વાર્તા છે અને તમામ પાત્રો કાલ્પનિક છે.

એક ભિખારન !

૯ ઓગસ્ટ ૨૦૧૯, શુક્રવાર...

હું ધીરે ધીરે ડગલા ભરતી મુખ્ય રસ્તા પર આવી. સામે જ સ્ટાર સિનેમાનું મોટું બિલ્ડીંગ હતું. મલ્ટીપ્લેકસના જમાનામાં પણ સ્ટાર સિનેમાએ એની ઓળખ જાળવી રાખી હતી. લગભગ ૧૯૫૦માં શરુ થયેલું અને ૩-૩  વાર રીનોવેશન કરેલું એ ભવ્ય સિનેમાઘર તમામ સિનેરસિકોનું પ્રિય હતું. આજે પણ સ્ટાર સિનેમામાં ફિલ્મ જોવી એક લ્હાવો છે. અત્યારેતો એને પણ આધુનિકતાનો ઢોળ ચડી ગયો છે પરંતુ એક જમાનામાં મને યાદ છે કે એ ભારતનું એક માત્ર આધુનિક અને ભવ્ય થીયેટર ગણાતું. એક ફ્રેંચ ડીઝાઈનરએ એને બનાવેલું અને લગભગ ૩૦૦ લોઅર/અપર અને ૨૦૦ બાલ્કનીની સીટ્સ સાથે એ ખૂલેલું. જી હા, એ જમાનામાં લોઅર, અપર અને બાલ્કની એમ ત્રણ વિભાગની ટીકીટસ રહેતી. લોઅર સીટ્સ એકદમ સિનેમાના પડદાની નજીક રહેતી, ત્યારબાદ અપર સીટ્સ આવતી અને સંપન્ન પરિવારો અને ધનિકો માટે ઉપર બાલ્કનીમાં બેઠક વ્યવસ્થા રહેતી. સ્ટાર સિનેમા અસંખ્ય ફિલ્મોના પ્રીમીયર્સનું સાક્ષી પણ હતું.

કૈઝાદ રૂસ્તમજી બાટલીવાલાએ આ ભવ્ય સિનેમાઘરનું નિર્માણ કરાવેલું હતું. કૈઝાદ ભારતના સહુથી મોટા નિર્માતા અને દિગ્દર્શક હતા. ૧૯૫૦ થી લઈને ૧૯૭૦ની સાલ સુધી એમનો સિક્કો પડતો હતો. એમના નામનો એક ભવ્ય સ્ટુડીઓ પણ બોમ્બેમાં હતો (એ વખતે મુંબઈ નહોતું, બોમ્બે નામ જ પ્રચલિત હતું !). અસંખ્ય એવોર્ડ્સના વિજેતા કૈઝાદ મને યાદ આવી ગયા, માથે કાયમ રહેતી કાળી ટોપી, ગોરો વાન, ખભા સુધી આવતા સફેદ લાંબા વાળ, સફેદ લાંબી મૂછો અને લાંબી ભરાવદાર દાઢી. દૂરથી કોઈ સાધુ કે મોલાના જેવો એમનો દેખાવ હતો. એ કાયમ બંધ ગળાનો બ્લેક કે ગ્રે સુટ પહેરી રાખતા. છાતીની ડાબી બાજુ કોટના ખીસામાંથી બહાર લાલ રંગનો રૂમાલ સતત દેખાતો. સુટના બટનો સોનેરી રંગના જ હોય. વીંધી નાખે એવી આંખો અને ચહેરા પર સતત રમતું રહસ્યમય સ્મિત ! લગભગ ૬ ફૂટની ઊંચાઈ અને હાથમાં કાશ્મીર વિલોની અદ્ભુત નકશી કરેલી એક લાકડી હમેશા રાખતા. પગમાં આજે જેને લોફર કહેવાય એ જાતની અલગ પ્રકારની મોજડી હંમેશા પહેરી રાખતા. એમની ભવ્ય પર્સનાલીટીથી સહુ અંજાઈ જતા. એ સ્પષ્ટ અને ફાંકડું અંગ્રેજી બોલતા. મરાઠી, ઉર્દુ અને હિન્દી પર પણ એમનો એટલો જ પ્રભાવ રહેતો. પરંતુ એમની મનગમતી ભાષા તો ગુજરાતી જ ! મારી સાથે એ ખીલી ઉઠતા ! મને એક પુત્રીની જેમ પ્રેમ કરતા. હું પણ ગુજરાતી અને એ મારી સાથે ગુજરાતીમાં (એમનું પારસી મિશ્રિત ગુજરાતી) વાતો કરતા. કલાકોના કલાકો એમની સાથે વાતો કરી છે, વાઈનની ચુસ્કીઓ લેતા લેતા. એ હમેશા રમ અથવા તો જીન પીતા. ઓરેન્જ જ્યુસ સાથે મિક્સ કરેલું જીન એમનું પ્રિય પીણું હતું અને એક વ્યક્તિ સતત એક ફ્લાસ્કમાં એ લઈને એમની આજુબાજુ ફરતો. એમને ચીરૂટ પીવાનો પણ બહુ શોખ હતો. સુગંધિત તમાકુ મિશ્રિત ચિરૂટના ધુમાડા કાઢતા કાઢતા અને જીન પીતા પીતા એ મારી સાથે એમની આવનારી ફિલ્મોની અને અન્ય વાતો કર્યા જ કરતા. અમે સાથે બેસીને ફિલ્મી ઉદ્યોગના આવનારા સોનેરી સમયના શમણા જોતા !

ફિલ્મી વર્તુળોમાં અમારા સબંધોની અફવા ઉડતી રહેતી અને અમે બંને સાથે બેસીને એ વાંચતા અને ખડખડાટ હસતા રહેતા હતા ! અમને કોઈ ફરક નહોતો પડતો. અમારી આજુબાજુ વાળા સહુ જાણતા અમારા સબંધો અને અમને અમારા સબંધોને નામ આપવાની કોઈ ઈચ્છા પણ નહોતી. બસ તમે કોઈ દિવસ કોઈ વ્યક્તિને દિલ ફાડીને પ્રેમ કરો, એ સબંધને નામ ના આપો, પછી જુવો કેવી મજા આવે છે ! અમે એવા દિલ ફાડીને પ્રેમ કરવાવાળા ‘આશિક’ મિત્રો હતા ! પ્રેમ માત્ર શારીરિક જ અવસ્થા નથી, મૈત્રીભર્યો પ્રેમ પણ હોય જ છે !

મારા મુખ પર એક સ્મિત આવી ગયું.

“હેય હેય ! આંધળી છે ?” એક તીખો અવાજ મારા કાને પડ્યો અને હું ચમકી ઉઠી ! હું રસ્તાની વચ્ચે આવી ગઈ હતી અને આવતા જતા વાહનોને અડચણ રૂપ થઇ રહી હતી !

“સાલી ભિખારણ ! ક્યાં ક્યાં થી આવી જાય છે” ફરીથી એક તીખો અને કર્કશ અવાજ કાને પડ્યો અને હું ઝડપથી રસ્તો ઓળંગી ગઈ.

આજે તો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ હતો ! મેં સ્ટાર સિનેમાના હોર્ડિંગ સામે જોયું. પ્રદર્શિત થનારી અલગ અલગ વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મોના પોસ્ટર્સ ત્યાં લાગેલા હતા. એક પોસ્ટર જોઇને મારી આંખો ચમકી ઉઠી !

***

૮ માર્ચ, રવિવાર, ૧૯૭૦નો ઉનાળો...

હું નર્વસ હતી ! ભારતના સહુથી મોટા નિર્માતા/દિગ્દર્શકની સામે હું ઉભી હતી. એમની વિશાળ પ્રતિભા આગળ મારી પાંચ ફૂટ અને પાંચ ઇંચની કાયા ઢંકાઈ જતી હતી. એમેણે મારી સામે જોયું, એમના કાળા ગોગલ્સ ઉતાર્યા અને એક સ્મિત કર્યું. એમની માંજરી આંખો મારી સામે વેધક નજરે જોઈજ રહી હતી. હું શરમથી નીચું જોઈ ગઈ. એ ઉભા થયા અને મારી પાસે આવ્યા અને મારી હડપચી પકડીને મારા ગાલે એક ચુંબન કરી બોલ્યા “યે હી હે મેરી હિરોઈન. કભી દેખા હે એસા હસીન મુખડા ?”

મારા શ્વાસોમાં કૈંક સુગંધ ભરાઈ ગઈ ! હું ચુપચાપ એમ જ ઉભી રહી ગઈ. આ સુગંધ હવે આવનારા વર્ષો સુધી મારી આજુબાજુ રહેવાની હતી ! હા, ભારતની એક ખ્યાતનામ અભિનેત્રીના ગોડફાધર તરીકે કૈઝાદ રૂસ્તમજી બાટલીવાલા મને એમની ફિલ્મમાં પ્રથમવાર લોન્ચ કરી રહ્યા હતા ! એમણે મને એક નાટકમાં જોયેલી, અમદાવાદ આવેલા ત્યારે અને ત્યારે જ એમણે મને બોમ્બે બોલાવાનું એમના માણસોને સૂચન કરેલું.

મારા પિતાજી, સિદ્ધાર્થ જમનાદાસ પટેલ પહેલેથી જ નાટકના માણસ. મને બહુ પ્રેમ કરતા ! હા, એમની દારુની બાટલી કરતા પણ ! કદાચ હું એવું માનતી, કારણ કે મારી હાજરીમાં ક્યારેય એ દારુને હાથ ના અડાડતા. માતાનું મૃત્યુ હું ૧૪ વર્ષની હતી ત્યારે થઇ ગયું, પછી કદાચ એ નાટકો કરતા દારુમાં વધુ ડૂબી ગયા. મને બહુ પ્રેમથી ઉછેરી અને મેં જ્યારે એમની થીયેટર ટોળકીને જોઈન કરવાનું કહ્યું ત્યારે પણ અચકાયા વગર હા પાડી દીધી અને એમના શ્રેષ્ઠ મિત્રો પાસે મને અભિનયની, સંવાદો બોલવાની અને અન્ય કળાઓ શીખવાડી !

આવા જ એક નાટકમાં એ દારૂડિયાની ભૂમિકામાં હતા અને હું એમની પુત્રી બનેલી. કોમેડી નાટક હતું. અંત કરુણ હતો. નાટકમાં છેલ્લે છેલ્લે એ દારુની આદતથી મૃત્યુ પામે છે અને મારા લગ્ન હોય છે એવો સીન હતો. સહુને નાટક બહુ જ ગમ્યું પરંતુ એક જ ટ્રેજેડી થઇ ગઈ ! એ શો છેલ્લો શો થઇ રહ્યો ! જેવો પડદો પડ્યો કે મેં જોયું કે એક ખૂણામાં પિતાજી પડી રહ્યા હતા અને પછી ઉભા જ ના થયા ! એક ઉત્કૃષ્ઠ અભિનેતાનો કેવો કરુણ અંજામ ! મારું તો સર્વસ્વ લુટાઈ ગયું. હું એકલી પડી ગઈ.

સદભાગ્યે નાટકમાં મારી સાથે કામ કરતી એક યુવતી કે જે મારી ગાઢ સખી પણ હતી એનો બહુ સાથે મળ્યો. એક મોટી બહેનની જેમ એણે મને સાચવી અને આગળ નાટકો પ્રત્યે ધ્યાન આપવા સમજાવ્યું. બીજું તો મારી પાસે કોઈ ટેલેન્ટ પણ ક્યાં હતું ? મેં એમ જ કર્યું.

આવા જ એક નાટકમાં કૈઝાદ સાહેબ મને જોઈ ગયેલા અને બોમ્બે બોલાવી.

ખેર ! હું એમની સામે ઉભી હતી અને મારી દુનિયા બદલાઈ ગઈ હતી. પાંચ હજારનો ચેક હાથમાં હતો, ત્રણ ફિલ્મોનો કરાર પણ ! બેંકમાં તો એકાઉન્ટ પણ નહોતું મારું ! કૈઝાદસાહેબે મારી બહુ મદદ કરી. મને રહેવા એક ફ્લેટ પણ આપ્યો. મારું આખું નસીબ એમણે ફેરવી દીધું.

મારો મેકઅપ કેવો હોવો જોઈએ, મારે કેવા કપડા પહેરવા એ બધું જ કૈઝાદ નક્કી કરતા. હું એમને તુંકારે બોલાવું એવો એમનો આગ્રહ રહેતો. અરે મને સાડી પહેરતા પણ એમણે શીખવાડેલું !

“સીદ, તને તો સાડી પણ પહેરતા નથી આવડતી ! (એ મને કાયમ સીદ કહી બોલાવતા) તું ગુજરાતી છે કે શું ?” એવું બબડતા બબડતા એ મને સાડી પહેરાવતા ! મને ખૂબ શરમ આવી હતી પહેલા તો, પરંતુ એમનો સ્પર્શ અને સાડી પહેરાવાની રીત પરથી મને ખ્યાલ આવી ગયો કે એ માત્ર એક પ્રોફેશનલ વર્તન હતું ! એમણે ક્યારેય મારો કોઈ ગેરફાયદો નહોતો ઉઠાવ્યો ! એ બહુ મોટી ઉમરે પરણ્યા હતા અને સંતાનમાં એમને કોઈ હતું નહિ. એમના પત્ની પણ વહેલા સિધાવી ગયા હતા. હું જ એમની એક માત્ર સંતાન કે મિત્ર કે હિરોઈન કે સબંધી રહી ગઈ હતી. સુજાતા પટેલ હવે કૈઝાદ બાટલીવાલાનું માનસ સંતાન હતું.

મેં પણ જાન રેડી દીધી. પ્રથમ ફિલ્મજ સુપરસ્ટાર ઉત્તમકુમાર સાથે હતી, હું નર્વસ હતી પણ પાછી ના પડી. ગુજ્જુ લોહી અને એ પણ નાટકનું કામે લાગ્યું. મારી એક્ટિંગના બધે જ વખાણ થયા અને મારી પ્રથમ ફિલ્મ “છોટી બહુ” સુપરહિટ થઇ ગઈ.

કૈઝાદસાહેબના ડાયરેકશનમાં બનેલી એ છેલ્લી ફિલ્મ હતી. પછી એ માત્ર ફિલ્મો પ્રોડ્યુસ કરવા લાગ્યા. બધામાં હું તો હિરોઈન ખરી જ ! બોમ્બે જ નહિ પરંતુ સમગ્ર ભારતમાં મારી ખ્યાતી વધતી ચાલી. એક પછી એક સુપરહિટ ફિલ્મો અને એવોર્ડ્સથી મારું ઘર ભરાઈ ગયું પણ હૃદય હજુ ખાલી હતું !

મારી સતત ચોથી ફિલ્મ હીટ થઇ એની પાર્ટીમાંથી આવીને હું એમના વિશાળ બંગલાના ગાર્ડનમાં બેઠી હતી. એ થોડીવાર પછી આવ્યા અને એમની ફેવરીટ ચિરૂટ ફૂંકાવા લાગ્યા. હું થાકી ગઈ હતી અને હળવે હળવે વાઈન પી રહી હતી.

“કૈઝાદ, તને કેવી લાગી મારી ફિલ્મ ? મારી એક્ટિંગ જોઈ તે એમાં ?” મેં નશીલી આંખે કૈઝાદને પૂછ્યું.

જવાબમાં કૈઝાદએ એક ઊંડો શ્વાસ લીધો અને હવાને એમના સુગંધિત તંબાકુથી ભરી દીધી. “જો સીદ, મારી દ્રષ્ટિએ હજુ તું શીખી રહી છે અને મને હજુ તારી એક્ટિંગ માં કોઈ ઠેકાણા લાગતા નથી. સારી કરે છે પણ હજુ તારે આંખોથી વધુ કામ લેવાની જરૂર છે. આંખોથી જે એક્ટિંગ કરે એને જ સર્વશ્રેષ્ઠ એકટર કહેવાય. વગર સંવાદોથી માત્ર આંખો અને ચહેરાના હાવભાવ થકી કરાતી એક્ટિંગ સર્વશ્રેષ્ઠ છે.”

“તો એ તો હું પણ કરી શકું છું કૈઝાદ. તું મને ઓછી આંકે છે. ચાલ એક ચેલેન્જ થઇ જાય. આવતી મારી ફિલ્મ “એક ભિખારન” માં મારી એક્ટિંગ જોજે તું ! જો હું સર્વશ્રેષ્ઠ એક્ટિંગ ના કરી બતાવું તો હું ફિલ્મ જગતને અલવિદા કહી દઈશ. તું પણ મારી એક્ટિંગ જોઇને છક ના થઇ જાય તો મારું સુજાતા કૈઝાદ પટેલ બાટલીવાલા નામ નહિ !” હું ગુસ્સે થઇ ઉઠી. હું એની સામે જ્યારે જ્યારે ગુસ્સે થતી ત્યારે ત્યારે મારા નામમાં એનું નામ એડ કરીને બોલતી.

“હું તારું માનસ સંતાન છું કૈઝાદ અને મારા જેવી હિરોઇન ન તો કદી થઇ છે અને કદાચ કોઈ દિવસ થશે પણ નહિ. લખી રાખ તું !”

કૈઝાદએ એક ગ્લાસમાંથી એની પ્રિય જીનનો ઘૂંટડો ભર્યો અને એક સ્મિત કર્યું.

“બહુ ઘમંડ સારો નહિ સીદ, ચાલ મારી હિરોઈન, તું કરી બતાવ તો તને હું માની જાવ.”

બસ, એ ઘડી અને એ દિવસ, હું ઝનુનથી કામે લાગી ગઈ. મેં અન્ય બધી જ ફિલ્મો અભરાઈએ ચડાવી દીધી અને કૈઝાદના વર્ષો જુના ડાયરેક્ટર સુભાષ વર્મા હેઠળ બનતી “એક ભિખારન” પર ધ્યાન કેન્દ્રિત કરી દીધું. મારી તમામ એક્ટિંગ, હાવ ભાવ મેં એમાં રેડી દીધા. કૈઝાદ બધું જોતા રહેતા અને એમના મુખ ઉપર એક રહસ્યમય સ્મિત કાયમ ફરકતું રહેતું.

અદ્ભુત ફિલ્મ બની હતી. રશીઝ જોનારાઓ એ એને બે મોઢે વખાણી. કૈઝાદ એ જોઇને મને એના રૂમમાં બોલાવી.

“સરસ બની છે ફિલ્મ, તે એક્ટિંગ પણ કરી છે, હવે એક છેલ્લી ચેલેન્જ ! આપણા સ્ટાર સિનેમાના કમ્પાઉન્ડની બહાર તે ધ્યાનથી જોયું છે ? ત્યાં ભીખ માંગવાવાળા બેસે છે ! તું પણ આ ફિલ્મમાં કર્યો છે એનાથી અલગ મેકઅપ કરીને ત્યાં બેસ, આવતા જતા લોકો પાસે ભીખ માંગ ! જો કોઈ તને ના ઓળખી બતાવે તો હું માની જઈશ, બસ !” એ મારી સામે હસતા હસતા બોલ્યા.

“મને મંજૂર છે કૈઝાદ, તું પણ જોઈ લે મારી એક્ટિંગ નો દમ !” હું જુસ્સાથી બોલી.

“યાદ રહે, એક પણ સંવાદ ના જોઈએ ! માત્ર આંખો અને અભિનયથી જ ભીખ માંગવાની છે. તને કોઈ ઓળખી ના જાય એ પણ જોવાનું છે !” કૈઝાદ ઉભા થતા થતા બોલ્યા અને મેં હકારમાં માથું ધુણાવ્યું.

***

૯ જુલાઈ, શુક્રવાર,૧૯૭૬

આજે એક ભિખારનનું પ્રીમિયર હતું. બોમ્બેમાં ચારેકોર ફિલ્મના મોટા મોટા કટઆઉટસ લાગી ચુક્યા હતા. સ્ટાર ટોકીઝ પણ મોટા મોટા પોસ્ટરથી શોભી રહ્યું હતું. કેમ ના હોય, આખરે તો દેશની સહુથી માનીતી અને નંબર વન હિરોઈન સુજાતાનું ફિલ્મ હતું !  ચારેકોરથી ફિલ્મી જગતના નામી લોકો આવી રહ્યા હતા. મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ ગેસ્ટ લીસ્ટમાં સામેલ હતા. કૈઝાદ અને દિગ્દર્શક સુભાષ વર્મા પોતે બહાર ઉભા રહીને સહુનું અભિવાદન કરી રહ્યા હતા.

હું થીયેટરની બહાર બેઠી હતી. એક વૃદ્ધ ભિખારણનો મેકઅપ અને વેશ ધારણ કરીને ! ખૂણામાં બેઠી બેઠી હું દયામણું મોઢું કરીને અને આંખોમાં યાચનાનો ભાવ લાવીને ભીખ માંગી રહી હતી.

સહુ મોટા મોટા લોકો એ રસ્તે થઈને જ થીયેટરમાં પ્રવેશી શકતા, કૈઝાદે જાતે એવી ગોઠવણ કરેલી હતી. ત્યાના ચોકીદારોને પણ તાકીદ કરેલી કે મને ઉઠાડે નહિ. આવતા જતા મારા ફેવરીટ પ્રોડ્યુસરો, એકટરો, હિરોઈન મારી સામે જોતા, કોઈ કૈંક પૈસા ફેંકતું, કોઈ કરડી નજરે મારી સામે જોઈ આગળ વધી જતું, કોઈ મારી હાજરીની નોધ પણ નહોતું લેતું. મજા તો ત્યારે આવી કે જયારે ઉત્તમકુમાર, મારા ફિલ્મના હીરો જયારે મારી પાસે આવ્યા અને મને દસ રૂપિયાની નોટ આપીને આગળ વધી ગયા. મેં ધ્રુજતા હાથે પૈસા લઈને એને બે હાથ જોડ્યા. હું અંદરોઅંદર હસી પડી હતી.

લગભગ ઘણો સમય વીતી ગયો. અંદર પ્રીમિયર પહેલાનું સંબોધન શરુ થઇ ગયું હતું. સહુના મનમાં એક જ પ્રશ્ન હતો કે સુજાતા ક્યાં છે ?

આખરે હું ધીરેથી ઉભી થઇ અને મારા સેક્રેટરી કે જે ત્યાં દૂર ઉભો હતો એને મેં બોલાવ્યો.

હું એનો હાથ પકડીને ધીરે ધીરે એક વૃદ્ધ વ્યક્તિ ચાલે એમ પ્રીમિયરના સ્ટેજ ઉપર પહોચી. કૈઝાદ મને જોઈ રહ્યા. મારા મુખ ઉપર વિજયનું સ્મિત હતું. ઉત્તમકુમાર અને અન્ય અભિનેતાઓ આશ્ચર્યથી મને સ્ટેજ પર આવતી જોઈ જ રહ્યા.

હું સ્ટેજ પર આવી અને માઈક પાસે ગઈ અને એક ભિખારનનો એક ફેમસ ડાઈલોગ બોલી “અરે ઓ બાબુસાહેબ, એક પાંચ પૈસા દઈ દો ભાઈ, આપ કે બચ્ચે જીયે ભાઈ, આપ કે પેર પડતી હું ભાઈ, દો દિન સે કુછ નહિ ખાયા, ભગવાન આપકી સબ મુરાદ પૂરી કરેગા, એક પાંચ પૈસા દે દો ભાઈ, અરે ઓ બહેન, આપ તો દો કુછ” મારા સ્વરમાં કંપન હતું અને આંખોમાં આંસુ. આખા થીયેટરમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. ઘણાતો ઉભા થઇ ગયા. મારો અવાજ પરિચિત લાગતા ઘણાએ ગણગણાટ શરુ કરી દીધો.

ત્યાં જ મેં મારી સફેદ વિગ હટાવી દીધી અને મારા મેકઅપ દાદાએ આવીને મારા ચહેરા પરનો થોડો ઘણો મેકઅપ દૂર કર્યો અને લોકો અચંભિત બની ગયા ! જયારે સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો ત્યારે લગભગ એક મિનીટ સુધી લોકો તાળીઓ પાડતા રહ્યા. મેં ગર્વિત નજરે કૈઝાદ તરફ જોયું અને એમણે મારી સામે એક બહોળું સ્મિત કર્યું અને આંખો નમાવીને મારું અભિવાદન કર્યું અને એમની હાર સ્વીકારી.

“એક ભીખારન” સુપરહીટ સાબિત થઇ, મારી એક્ટિંગના ખૂબ વખાણ થયા. ફ્રાંસ, રશિયા, લંડન વગેરે દેશોમાં પણ પ્રદર્શિત થઇ અને ખૂબ જ લોકચાહના પામી. સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનું બિરુદ મને મળ્યું. અસંખ્ય એવોર્ડ્સ પણ મને મળ્યા. હું સાતમાં આસમાન પર વિહરવા લાગી.

૧૯૭૬ના શિયાળામાં કૈઝાદ ચાલી નીકળ્યા. એમના માનસ સંતાનને એકલી મૂકીને ! હું સાવ એકલી પડી ગઈ. ચારેબાજુ પ્રોડ્યુસર્સ હતા, ફેન્સ હતા, ફાયદો ઉઠાવવા તૈયાર એવા લોકો હતા પરંતુ કોઈ મિત્રો કે મારું પોતાનું કહેવાય એવું કોઈ જ નહોતું ! ખેર, મેં ફિલ્મો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. પણ હવે ઘણું બધું બદલાઈ ચુક્યું હતું. કૈઝાદ પોતાની સઘળી મિલકત મારા નામે કરીને ગયા હતા. હું કરોડોની આસામી હતી. લગભગ ૫ વર્ષ સતત સુપરહિટ ફિલ્મો આપ્યા પછી મેં પ્રોડક્શનમાં હાથ અજમાવ્યો અને બે એક પછી એક સુપરહિટ ફિલ્મો પણ આપી. હું કંટાળી ગઈ હતી, એકલી હતી, હૃદયમાં કૈંક કૈંક સંવેદનો ઉઠી રહ્યા હતા પણ કોઈ હતું નહિ સાંત્વના આપે એવું !

પૈસાના રૂઆબમાં, રૂપના તોરમાં મેં ના કરવા જેવા ઘણાબધા નિર્ણયો લીધા અને એક પછી એક મારી ફિલ્મો ફ્લોપ જવા લાગી. મેં પ્રોડક્શનમાં જ ધ્યાન આપ્યું પરંતુ એમાં પણ મારી એક પછી એક ફિલ્મો ફ્લોપ ગઈ. છેલ્લે તો મેં એક ફિલ્મ ડાઈરેકટ પણ કરવાની કોશીશ કરી પણ એ પણ ભયંકર ફ્લોપ નીવડી.

લેણદારોની લાંબી લાઈન થઇ ગઈ. કૈઝાદનો બંગલો કે જેમાં હું રહેતી એ વેચવો પડ્યો, મારું અને કૈઝાદનું પ્રિય સ્ટાર સિનેમાઘર પણ વેચવું પડયું, મારી લગભગ બધી જ સંપતિ ઉધારી ચુકવવામાં જતી રહી. એક પછી એક મારી આજુબાજુના લોકો પણ સાથ છોડીને જતા રહ્યા. હું એક સામાન્ય ફ્લેટમાં રહેવા આવી ગઈ. મારી સાથે સંપર્કમાં બસ મારો એક માત્ર જુનો અને વફાદાર સેક્રેટરી નવીન પંડ્યા જ રહ્યો હતો. ભયંકર કડકીના દિવસો હવે શરુ થવાના હતા !

બહુ જ વેઠવું પડ્યું, શરૂઆતમાં ઓળખીતા કહેવાતા લોકો આવતા, સંતાવાના આપતા અને અલગ અલગ ‘ઓફર’ પણ આપતા પણ મેં ક્યારેય બાંધછોડ ના કરી. નવીન, મારો સેક્રેટરી મને મા નો કે અન્ય નાના રોલ અપાવવા મથતો પરંતુ એક સમયની પ્રસિદ્ધ હિરોઈન આવા રોલ કરે ? મેં ઘસીને ના પડી દીધી. મારું અભિમાન મને આવું બધું કરવાનું ના પાડતું ! એ પણ બીજે કામે લાગી ગયો પરંતુ દર મહીને મારું ઘરનું ભાડું અને મારું ગુજરાન ચાલે એટલી રકમ મોકલાવતો જ ! બસ એજ એક મારો સ્વજન થઇને આજીવન રહ્યો હતો.

આખરે એક દિવસ નવીન ના આવ્યો ! એનું અવસાન થઇ ગયું હતું. હું ફ્લેટમાં એકલી એકલી ખૂબ રડી. મને મારા ભવ્ય દિવસો યાદ આવી રહ્યા હતા. હવે મારું આ દુનિયામાં કોઈ જ રહ્યું નહોતું.

એક દિવસ ૪ મહિનાનું ભાડું ચડી ગયું હોવાથી મકાનમાલિકે મને કાઢી મૂકી. મારી પાસે થોડાઘણા ઘરેણા હતા, એ વેચીને મેં ધારાવીમાં એક જગ્યાએ નાનકડી ખોલી ભાડે રાખી. હું એક ગુમનામ જીવન જીવવા લાગી. ક્યારેક ક્યારેક ટીવી ઉપર આવતી મારી ફિલ્મોને જોઇને હું સંતોષ પામતી અને મારા ભવ્ય ભૂતકાળને યાદ કરતી. હવે તો કૈઝાદની યાદો પણ ધુંધળી થઇ ગઈ હતી.

***

૪ જાન્યુઆરી,૨૦૧૯, શુક્રવાર...

આજે મને ધારાવીની ઝુંપડીમાંથી પણ કાઢી મુકવામાં આવી. હું સાવ નિરાધાર થઇ ઉઠી હતી. આંખે હવે ઝાંખું દેખાતું હતું. રૂપ હવે તો ક્યારનું સાથ છોડી ગયું હતું. કૈંક હતું તો બસ એક અભિનયની પ્રતિભા કે જે ક્યારેય ઝાંખી પડી નહોતી. હું ફૂટપાથ પર આવી ગઈ. મારા અભિનયના જોરે હું ભીખ તો બહુ જ અસરકારક રીતે માંગી લેતી. શરૂઆતમાં તો બહુ શરમ આવતી પણ પછી પેટ ની આગળ મારું ના ચાલ્યું. ભૂખ એવી વસ્તુ છે કે જે તમને કોઈપણ કામ કરાવી શકે છે. મારી અંદર રહેલી અભેનીત્રી અસરકારક રીતે અને લાચાર થઈને ભીખ માંગી શકે છે એ જોઈ મને સંતોષ થતો. દેખાવ તો આમ પણ મારો ભિખારણ જેવો જ થઇ ગયો હતો. હા, હું સુજાતા કૈઝાદ પટેલ બાટલીવાલા, એક સમયની નંબર વન હિરોઈન, કરોડો લોકોના હૃદયની ધડકન, આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત, આજે એક ફૂટપાથ ઉપર બેસીને ભીખ માંગી રહી છું. મારા રૂપ રૂપના અંબર જેવા ચહેરા પર કરચલીઓ પડી ગઈ છે. હું વૃદ્ધ થઇ ગઈ છું. હું અશક્ત થઇ ગઈ છું. પણ, ના, મારો અભિનય, મારી પ્રતિભા તો હજુ અકબંધ છે હો ! એ ના જાય, એ તો મારા છેલ્લા શ્વાસ સાથે જ જશે.

***

૯ ઓગસ્ટ ૨૦૧૯, શુક્રવાર...

વડાપાઉં ખાતા ખાતા મેં જોયું કે જે છાપાના પડીકામાં એ કોઈએ મને આપેલું એમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલની જાહેરાત હતી અને એમાં મારા સુપરહિટ ફિલ્મ ‘એક ભિખારન’ પણ સામેલ હતું. કેમ ના હોય, અદ્ભુત ફિલ્મ હતી અને એનાથી પણ વધારે તો એમાં મારો અદ્ભુત અભિનય પણ હતો ! મારા મુખ પર એક સ્મિત આવી ગયું. હું ધીરે ધીરે સ્ટાર સિનેમા કે જે હવે કોઈ બીજાની માલિકીનું હતું એ તરફ જવા લાગી.

ભીડ જામી હતી. લોકોની ધસારો પણ એટલો જ હતો. ‘એક ભિખારન’ નો શો લગભગ એક બે કલાક માં શરુ થવાનો હતો.

“સીદ, જોઈ શું રહી છે ? તારા જેવી હિરોઈન કોઈ દિવસ પેદા નથી થઇ. જા, આજે તું ત્યાં જ બેસ જ્યાં વર્ષો પહેલા તું મેકઅપ કરીને બેઠી હતી, પણ આજે કહાની માં ટ્વિસ્ટ છે, આજે તારે તને લોકો ઓળખી જાય એવું કરવાનું છે ! ક્યાં સુધી તું આવી ભિખારણ જેવી ગુમનામ જીંદગી જીવીશ ? ક્યાં સુધી ? લોકો સમક્ષ આવ, તને લોકો માથે ઉપાડી લેશે, પહેલા જેટલો જ પ્રેમ આપશે, તને આ ફિલ્મફેર વાળા લાઈફટાઈમ એચીવમેન્ટ આપશે, પૈસા, પ્રતિષ્ઠા બધું જ પાછું આવશે, તને તારો હક મળશે જ, મળવો જ જોઈએ, જા સીદ જા, આ રૂપેરી પડદો તારી રાહ જુવે છે, તારા ચાહકો તારી રાહ જુવે છે, જલ્દી જા” અચાનક મારા કાનોમાં કૈઝાદનો અવાજ પડઘાવા લાગ્યો ! પાછી ચેલેન્જ, કૈઝાદ ? તું મને શું સમજે છે ? હું વૃદ્ધ ભલે થઇ ગઈ, પણ મારો અભિનય, મારી પ્રતિભા એવી જ છે, હો ? ચાલ, આજે તને પાછું બતાવી દઉં કે હું કોણ છું ? હું સુજાતા કૈઝાદ પટેલ બાટલીવાલા નહિ જો આજે હું લોકોને મારો અભિનય બતાવી ના દઉં તો, તું જોતો જ રહેજે કૈઝાદ, તું જોતો જ રહેજે, અરે, તું જોતો જ રહીશ, ચાલ ફરીથી આજે તને હું હરાવી દઉં” હું બબડી અને આગળ વધી.

“એય એય ભિખારણ, ક્યા જાય છે ? ચલ ભાગ અહીંથી !” એક કર્કશ અવાજ કાને પડ્યો.

“એય, જબાન સંભાલ કે બાત કર, દો કોડીકા આદમી, જાનતે હો મેં કોન હું ?” મેં ચોકીદારને રોકડું પરખાવ્યું. એ ખડખડાટ હસી પડ્યો !

“અચ્છા ? કોણ છે તું ? મોટી હિરોઈન છે ? ચલ ભાગ અહીંથી” એણે મને ધક્કો માર્યો.

“એય, ખબરદાર ! સાલા, તને ખબર છે હું કોણ છું ? આ સામે મોટું પોસ્ટર દેખાય છે ? હું એની હિરોઈન છું. હું સુજાતાદેવી છું. ચલ હટ” મેં પણ સામે એને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો.

“એય ચોકીદાર, કોણ છે ? શું છે બધી બબાલ ?” સુભાષ વર્મા, મારો એક સમયનો દિગ્દર્શક આગળ આવ્યો. એ કદાચ ફિલ્મફેસ્ટીવલમાં આવ્યો હશે.

“જુવોને સાહેબ આ, ભિખારણ, જતી જ નથી, કહે છે કે હું સુજાતાદેવી છું, આ ઉપર લાગ્યું એ પોસ્ટરના ફિલ્મની હિરોઈન”  ચોકીદારે મારી સામે ક્રોધથી જોઇને કહ્યું.

“એય સુભાષ, આમ જો, મને નથી ઓળખાતો ? આમ મારી સામે જો, હું સુજાતાદેવી છું, તારી ફિલ્મની હિરોઈન, સરખું જો સુભાષ, હું જ છું” મેં સુભાષનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો.

સુભાષે એક ક્ષણ મારે સામે જોયું અને મારો હાથ જોરથી છોડાવ્યો અને મારા હાથમાં દસ રૂપિયાની નોટ પકડાવી. “જુવો માજી, હું સમજી શકું છું, તમે આ રાખો અને અહીંથી જલ્દી જતા રહો. અહિયાં ભીખારીઓ અલાઉ નથી. તમને ગાંડા ગણીને કોઈ ધક્કો મારે એ પહેલા અહીંથી જતા રહો !” સુભાષ એટલું બોલીને અંદર જતો રહ્યો.

હું અવાક બનીને જોઈજ રહી ! આ સુભાષ વર્મા, સાલો એક સમયે મારી આગળ પાછળ ફરતો હતો એ આજે મને આવી રીતે...મારી આંખોમાં પાણી આવી ગયા !

ના સુજાતા ના, હજુ સારો અભિનય કરવો પડશે, ભાઈ ચેલેન્જ નો સવાલ છે, એમ કઈ થોડી હારી જવાય ? કૈઝાદને તો હરાવો જ પડે ને !

અચાનક મારી પાસે એક કાર આવીને ઉભી રહી અને એમાંથી એક સફેદ વાળમાં આકૃતિ નીચે ઉતરી. મેં આંખો ઝીણી કરીને જોયું તો ઉત્તમ કુમાર ! અરે વાહ ! મારો હીરો, હવેતો કામ થઇ જશે.

મેં એનો હાથ પકડી લીધો “ઉત્તમ, હું છું, સુજાતા, તારી હિરોઈન, મને ઓળખી ? આપણે કેટકેટલી ફિલ્મો સાથે કરી છે, ઉત્તમ, આમ જો, મારી સામે જો, હું છું”

ઉત્તમકુમારે ધીમેથી મારી સામે જોયું અને એક ક્ષણ એની આંખો ચમકી પણ પછી એણે પણ માથું ધુણાવ્યું અને મને હલાવો ધક્કો મારીને આગળ વધી ગયો !

હું એને ધીમે ધીમે થીયેટરમાં જતો જોઈ જ રહી. હવે હદ થઇ ગઈ હતી ! આ લોકો મને સમજે છે શું ? હું એકદમ આવેશમાં આવી ગઈ.

“અરે ભાઈઓ અને બહેનો, સાંભળો સાંભળો, આમ જુવો, હું સુજાતાદેવી છું, આ અહી પોસ્ટર લાગ્યું છે એ ફિલ્મની હિરોઈન છું, હા, હું જ પોતે સુજાતાદેવી, એ ભાઈ, આમ જો, સંભાળ, હું તને મારી ફિલ્મોના ડાઈલોગસ સંભાળવું, પછીતો માનીશ ને ? એ બેન, તમે તો આમ જુવો, સાંભળો, કોઈક તો સાંભળો ભાઈ, તમારા બાળકો લાંબુ જીવે ભાઈ, મારી એક વાત તો માનો, તમને ભગવાન કરોડો રૂપિયા આપે ભાઈ, એક વાર મારી વાત કોઈતો સાંભળો ! હું જ પોતે સુજા...તા...દે...વી.....

હું હાંફતી હાંફતી નીચે પડી ગઈ હતી ! સમયનું ચક્ર ફરી ગયું હતું ! કેટલો ક્રૂર હોય છે સમય પણ. જ્યાંની હું માલિક હતી, જ્યાં મારી ફિલ્મો ધૂમ મચાવતી, જ્યાં હું એક સમયે શરત જીતવા ભિખારણ બનીને બેઠી હતી એ જ જગ્યાએ હવે હું સાચેસાચ ભિખારણ થઈને બેઠી છું, આજે મારા અભિનયનો ગર્વ ઉતરી ગયો છે ! કોઈ મને નથી ઓળખતું ! કોણ છું હું ? હું ખડખડાટ હસી પડી અને રસ્તો ક્રોસ કરી દોડવા માંડી. અચાનક એક ધડાકો થયો અને મારી આંખે અંધારા આવી ગયા.

સ્ટેજ ઉપર ઉભેલા કૈઝાદ મને દેખાયા, એમના મુખ ઉપર એક રહસ્યમય સ્મિત હતું અને આંખોમાં ચમક ! હું જોરથી બબડી “હું તારું માનસ સંતાન છું કૈઝાદ અને મારા જેવી હિરોઇન ન તો કદી થઇ છે અને કદાચ કોઈ દિવસ થશે પણ નહિ. લખી રાખ તું !”

કૈઝાદ હવે ખડખડાટ હસી રહ્યા હતા.

“ના, હું એમ નહિ હારું કૈઝાદ, એમ નહિ....”

૧૦ ઓગસ્ટ ૨૦૧૯, શુક્રવાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા

ઇન્ટરનેશનલ ફિલ્મફેસ્ટીવલની યાદો – તમામ રીલીઝ થયેલી ફિલ્મોની યાદી. ભારતમાં બનેલી અને સર્વત્ર વખણાયેલી ફિલ્મ “એક ભિખારન” પણ પ્રદર્શિત થયેલી હતી. સહુએ એકસાથે એને ફરીથી વખાણી. આવી ફિલ્મો ભાગ્યે જ બને છે. ફિલ્મજગતનું ગર્વ છે આ ફિલ્મ અને એમાં ઉત્કૃષ્ઠ અભિનય કરનાર સુજાતાદેવી. શ્રી ઉત્તમકુમારએ પણ એમાં કામ કરેલું, આગળ વાંચો કે એ શું કહે છે ?

ઉત્તમકુમાર : એક ભિખારન આજે ફરીથી અહી પ્રદર્શિત થઇ છે, મારા હૃદયના બહુ જ નજીક છે આ ફિલ્મ, આખી દુનિયામાં અભિનયનો ડંકો સુજાતાએ આ ફિલ્મ થકી વગાડેલો. આજે એને યાદ કરું છું અને મારી આંખો ભીની થઇ જાય છે. કાશ સુજાતા, આજે અહિયાં હોત, આજ સ્ટેજ ઉપર મારી સાથે ઉભી હોત ! એ જ ગેટઅપમાં ! ફિલ્મજગતમાં એના જેવી હિરોઈન બીજી થશે પણ નહિ.”

આ સમાચારની નીચે જ એક નાનકડા સમાચાર હતા :

ઇન્ટરનેશનલ ફિલ્મફેસ્ટીવલમાં સ્ટાર સિનેમાની સામે એક વૃદ્ધાનું કાર નીચે કચડાઈને થયેલું મૃત્યુ ! પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

૧૫ ઓગસ્ટ ૨૦૧૯, ગુરુવાર.

કોઈપણ ઓળખ ઉભી ના થતા અને કોઈ સ્વજન કે અન્ય વ્યક્તિ આગળ ના આવતા સ્ટાર સિનેમાની સામે અકસ્માતમાં મૃત્યુ પામેલ એક વૃદ્ધાના મૃતદેહને આજે અગ્નિ આપવામાં આવી છે. પ્રભુ એની આત્માને શાંતિ આપે !  સામાનમાં એના થેલામાં થોડા જુના કપડા અને હાથમાં એક દસની નોટ હતી !

 
 

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ