વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ અલ્લડ... શહેર મારું

ડિયર ભુજ,


આહા ! આ તારું નામ લેતાં જ ને ભુજ, કંઈ કેટલુંય એક પલકારામાં ઝબકી ગયું. હું ઇચ્છું કે મારો આ પત્ર જો ભુજ, મારું વહાલું શહેર વાંચી શકતું હોત તો! પણ ન વાંચે તો કંઈ નહીં. મારે તો પ્રેમપત્ર લખવો છે. ભુજ, જ્યાં હું જન્મીને મોટી થઈ. મારાં બાળપણના એ તોફાનોનું , કિશોરાવસ્થાની મીઠી મૂંઝવણોનું, અને યૌવનના પગથિયે પગ મૂકતાં મનમાં ઉઠતાં મારાં શમણાંઓનું સાક્ષી એવાં તને કેમ ભૂલી શકું હું! તું મારું શહેર માત્ર નથી, તું મારાં લોહીમાં છે, મારી જિંદગીની દરેક અવસ્થામાં છે. તારામાં જીવાયેલ જીવન હું ઘણીવાર બહુ મિસ કરું છું.


પાંચ નાકા અને છઠ્ઠી બારીની એ બાન, એ ભુજીયો ડુંગર, આઈના મહેલ અને મ્યુઝિયમ તારી શાન. ભુજ તું અલ્લડ છે, નાદાન છે, મીઠડું છે, રળિયામણું અને સુંદર છે સાથે આધુનિક પણ છે. દરેક જાત-પાત અને ધર્મના લોકોને પ્રેમપૂર્વક સાચવે છે. જયારે બીજા બધાં શહેરોમાં જાત-પાતને લઈને ઝઘડાઓ થતાં જોઉંને ત્યારે ભુજ મને તારા ધર્મ સહિષ્ણુ લોકો પ્રત્યે ગર્વ થાય. તારામાં, પોતાની મસ્તીમાં જીવતા તારા લોકોમાં પારકાને પોતાના કરવાની અદ્ભુત આવડત છે.


બાળપણમાં જ્યારે એકવખત હું ખોવાઈ ગઈ હતી, ત્યારે ઘરનાઓએ આકાશપાતાળ એક કર્યા પછી, હસતી-રમતી, તોફાન કરતી હું જે પાર્કમા મળી, એ હમીરસરના કાંઠે આવેલ અને જેનું નામ ભુજના રાજાના નામ પરથી પડ્યું છે એ ખેંગાર પાર્ક પાસે જાઉં ત્યારે આજે પણ મોઢા પર સ્મિત આવે છે. મારી એ બસસ્ટેન્ડ રોડ પર આવેલી સ્કૂલ પાસેથી જ્યારે પસાર થાઉં, મને એમાંથી નીકળતી એ સોળ-સત્તર વરસની 'હું' દેખાઉં છું. અને ફરી એકવાર એ સ્કૂલના બાંકડે જઈને થોડું ભણી આવું છું.


ભુજ તારી એ પોતીકી લાગતી શેરીઓ, એ ફળિયું જ્યાં કિશોરાવસ્થામા મેઁ પગ મૂક્યો. જ્યાં હોળી, નવરાત્રી, દિવાળી જેવા તહેવારો આખા ફળિયાએ, એ કાકી, મામી, માસી જેવા અમથા જ બંધાઈ ગયેલા અદકેરા સંબંધો  સાથે મનાવ્યા. એ શેરીઓ, એ ચૉક હજુ પણ એવા જ અકબંધ છે મારી સ્મૃતિમા. ગમે એટલા પોશ સોસાયટી કલ્ચરમાં રહું તોય એમાં તારી નાનકડી શેરીઓ જેવું કશુંક શોધ્યાં કરું છું. અરે! મને તો તારી બજારોથી પણ લગાવ છે. બાંધણીની એ દુકાનો, મણિયારા પાસે કરાવતા એ હાથીદાંતના કડાની દુકાનો, એ કંસારા- સોની બજાર... તું કહીશ કે આવી અને આનાથી કેટલીય ચડિયાતી અને મોટી દુકાનો હવે તો દરેક જગ્યાએ હોય છે. હા, હોય છે ને,  મેઁ ક્યાં ના પાડી! જાઉં પણ છું એ મોટા શહેરોની મોટી મોટી માર્કેટમાં અને મૉલ્સમાં. પરંતુ ભુજ, તારી એ બજારો જેવું મને ક્યાંય ગોઠતું નથી! આ મૉલ્સમાં કેટલુંય ફર્યા પછી હરી-ફરીને એક જ વાક્ય હજીયે મોઢામાં આવે છે કે, 'અહીં ભુજ જેવું નથી.'


ચોમાસામાં જેના છલકાઈ જવાથી આખા ભુજમાં સરકારી, બિનસરકારી બધી જ ઑફિસમાં રજા જાહેર થઈ જાય અને આખું નગર જેનો ઉત્સવ મનાવે એ તારી શાન સમા સુંદર હમીરસર તળાવ વગર તો ડિયર ભુજ જયારે તને છોડીને ગઈ હતી, ત્યારે હું દિવસો સુધી હિજરાઈ હતી. એ હમીરસરની પાળી પર બેસીને હિલોળા લેતાં પાણીને અને સાંજે આથમતા સૂરજને જોવું મેઁ બહુ જ મિસ કર્યું છે. પાણીથી છલોછલ તળાવ અને યૌવનની મસ્તીથી છલોછલ અમે સખીઓ જ્યારે એ સુંદર તળાવની ધારે ધારે બનેલા રસ્તાઓ પર ચાલીને જતી, ત્યારે કરેલી અવનવી વાતો અને ભવિષ્યના જોયેલા સ્વપ્નો હજુય રોમાંચ જગાવે છે. મને હજુ એ રસ્તા પરની સુગંધ યાદ છે, એ રસ્તાઓનું માપ અને આકાર ખબર છે, એ રસ્તાઓની ધારે ઉગેલા વૃક્ષો અને ફૂલોનાં છોડ, તળાવની પાળ પરથી માછલીઓને ખાવાનું આપવું યાદ છે. જન્માષ્ટમી વખતે હમીરસર પાસેના એ રસ્તાઓ પર ભરાતા ભરચક મેળાઓમાં અલ્લડ થઈને ફરવું. મારી પાસે પહોંચવા એ મેળાની ભીડને ચીરીને અચાનક કોઈનું મારી સામે આવીને ઊભું રહેવું, એ યૌવનના પ્રથમ પગથિયે હૈયામાં અંકુરિત થતી કૂણી કૂણી લાગણીઓ, જાણે ધોમ તાપમાં હમીરસરના હિલોળા લેતાં ઠંડા ઠંડા પાણીની છાલક! ભુજ, મારું ચાલ્યું હોત ને તો હું જ્યારે તને છોડીને ગઈને ત્યારે હમીરસર તળાવને તો સાથે જ લઈને ગઈ હોત. શ્રાવણ મહિનાની એ મેઘલી વહેલી સવારોમાં જયારે સુરલભીટ્ટના ડુંગર પરથી સૂર્યોદય જોતા ત્યારે જે અદ્ભુત અનુભૂતિ થતી. એ ક્યાં શોધું હવે?


એ જ્યુબિલી ગ્રાઉન્ડ, જ્યાં કેટલીય નવરાત્રીની આખી આખી રાત ગરબા રમ્યા.જ્યુબિલી સર્કલ પાસેથી પસાર થતાં ગરબાની ધૂન આજેય ગુંજે છે મારાં મનોમસ્તિષ્કમાં.


મારાં પ્રિય શહેર,  મેઁ તારા ઘણા મિજાજ જોયા છે. સુખ સમૃધ્ધિમાં મહાલતું પણ, તો કદીક તકલીફમાં પણ. કદીક કુદરતી હોનારતથી તબાહ થયેલું પણ. પણ તારા દરેક મિજાજમાં તે તારી ગરિમા તારી અલ્લડતા જાળવી છે. એક વખત એવો આવ્યો કે તારી હાલત જોઈને ભલ ભલા પથ્થર દિલનું હૃદય પણ પીગળી જાય. એ હતો પેલો ગોઝારો ભૂકંપનો દિવસ. એ દિવસે હું ત્યાં હાજર તો નહોતી પણ રાત્રે જયારે જ્યુબિલી સર્કલ પર ઉતરી, ત્યારે હંમેશા રોશનીથી ઝગમગતા, દુકાનો અને લોકોની ભીડભાડથી હર્યાભર્યા રહેતા એ ગ્રાઉન્ડ પર એ રોનકને બદલે મેઁ જાણે મૃત્યુને અટ્ટહાસ્ય કરતાં જોયું. આખું જ્યુબિલી ગ્રાઉન્ડ સ્તબ્ધ થઈ ગયું હોય એવું ભાસતું હતું. રેંકડીમાં લઈને જવાતી લાશો, ગ્રાઉન્ડ પર ખોલવામાં આવેલી ઇમર્જન્સી મેડિકલ સર્વિસ. છ છ ફૂટના કાટમાળ નીચે દબાયેલા અને ચિત્કારતા લોકો, એમને એ મલબા નીચેથી કાઢવા અને જેને જરૂર હોય એમને તાત્કાલિક વિમાનમાં પૂના, મુંબઈ સારવાર માટે મોકલવા મિલિટરીના જવાનોની એ ભાગદોડ, એ પ્લેનની ઘરઘરાટી, એ ચોતરફ છવાયેલ અંધારપટ્ટ, હડબડાટીમાં સારવાર આપવા અહીં તહીં દોડતા ડોક્ટર્સ, રસ્તા પર લોકોને સુવડાવીને ચડાવાતી ગ્લુકોઝ અને લોહીની બોટલો. સ્વજનોના મૃત્યુ પર રડતાં કકળતા લોકો.. ઓહ ! હજુ કાલે જ તો અહીંથી ગઈ ત્યારે રળિયામણું, સુંદર અને આધુનિક સુખ સુવિધાથી સજ્જ એવા ભુજ તારી બાર જ કલાક પછીની આવી હાલત જોઈને મારું હૃદય ધબકારો ચૂકી ગયું, ચિત્કારી ઉઠ્યું. એવું લાગ્યું કે જાણે અચાનક કોઈ શ્રાપ ફળીભૂત થયો કે શું !


એ ભૂકંપમાં ખાલી બિલ્ડિંગસ્ અને મકાનો નહીં પણ ઘણા જીવન પલકારામાં કડડભૂસ થઈ ગયાં. મારી આંખો દિવસો સુધી એ ફળિયું, એ શેરી, એ રસ્તાઓ શોધતી રહી. નહોતું સ્વીકારી શકાતું ભુજ તારું આવું સ્વરૂપ! દિવસો સુધી આંખો એ જ ગોઠવણ કરતી રહી કે આ રસ્તો અહીં જતો, આ દુકાનો અહીં હતી. એ જ જુના ભુજવાળી ફીલિંગ્સ ફીલ કરવા હૃદય મથતું રહ્યું.


પરંતુ, કહ્યું છે ને કે પરિવર્તન સંસારનો નિયમ છે. ફિનિક્સ પક્ષીની જેમ ભુજ તું પણ પોતાની રાખમાંથી ફરી બેઠું થઈ ગયું, અને મને એ વાતનું ગૌરવ પણ છે. એટલે જ કહું છું કે મારું ભુજ બહાદુર છે. આજે જ્યારે ભુજની એવી જ રોનક પાછી જોઉં છું, ત્યારે દિલને હાશકારો થાય છે. હા, તારો આખો નકશો બદલાઈ ગયો છે. હું જ્યાં જન્મી, જીવી એવું નથી રહ્યું તું. પરંતુ એ તો ભૌગોલિક દ્રષ્ટિએ થોડું પરિવર્તન સ્વીકારવું જ રહ્યુંને! બાકી ભુજનો આત્મા તો એ જ છે.


એક સિક્રેટ વાત કહું ભુજ તને? જો કે તને તો ખબર જ હોય ને! આ વખતે વેલેન્ટાઈન્સ ડે ના હું પાછી એ જુનાં ઘરનાં ફળિયામાં અને શેરીઓમાં એક આંટો મારી આવી.. ઘણું બધું બદલાઈ ગયું છે, મારું એ જૂનું ડેલીબંધ ઘર હવે ત્યાં નથી. હા પણ થોડો એ જ જૂનો રોડ અને પછી પેવર બ્લોક્સ નંખાયેલા હતાં, એ રોડ પર ચાલી આવી. એ જુની દિવાલો પર અમે જ્યાં સ્લોગન્સ લખતા એમાની હજી કેટલીક દિવાલો અને સ્લોગન્સ એમ ને એમ જ  છે. એ દિવાલો પર હાથ ફેરવી આવી. ફરી એકવાર નાનકડી કોશિશ કરી આવી મારાં એ ભુજમાં થોડીવાર માટે જીવવાની. ટૂંકમાં કહું તો, આ વૅલેન્ટાઇન્સ ડે ના ભુજ હું તને ફરી પ્રેમ કરી આવી.


મને ખાતરી છે કે, તું પણ મને અને મારાં જેવા કેટલાય ભુજ પ્રેમીઓને ચોક્કસપણે અનુભવી શકતું હોઈશ. મારી સાથે તારી સંવેદનાઓ એવી જોડાયેલી છે કે, જો તું બોલી શકતું હોત ને ભુજ ! તો ત્યારે તું ચોક્કસપણે મને જવાબ આપત, જ્યારે હું કહેત કે આઈ લવ યુ ભુજ.

                                                              લિ.

                                                       પલ્લવી કોટક

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ