વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ એટલે...

પ્રિય વીર,
તને ઘણી નવાઈ લાગી હશે, કે હું તારા માટે કશું લખવા બેઠી છું અને એ પણ પ્રેમપત્ર. પણ શું કરું? હું આવી જ છું. જ્યારે તું મને ઢગલો પ્રેમપત્ર લખતો, ત્યારે હું ફક્ત એને વાંચીને ખુશ થતી. પરંતુ તારા લાખ વાર કહેવા છતાં તને એક નાનકડી ચિઠ્ઠી પણ નહોતી લખી. એવું નહોતું કે મને લખવાનું નહીં ગમતું. પણ હું વિચારતી કે આપણે રોજ જ મળીએ છીએ, જ્યારે સાથે નહીં હોઈએ ત્યારે કલાકો સુધી ફોન પર વાતો કરીએ છીએ, તો પછી લખવા માટે બાકી શું રહી જાય છે. હું તારી જેમ આપણાં પ્રેમને પ્રકૃતિ અને પક્ષીઓ સાથે નથી સરખાવી શક્તી, કે નહોતી તારી જેમ કવિતાઓ લખી શક્તી. બસ, આ જ કારણ છે કે મને તારા નામનો પ્રેમપત્ર લખવો એ બાલિશ કામ લાગતું હતું.

પરંતુ આજનો દિવસ ઘણો ખાસ છે. જો હું આજે પણ તને નહીં લખું, તો કદી નહીં લખી શકીશ. તને ખબર છે વીર, તેં લખેલા બધા પત્રો મેં સાચવી રાખ્યા છે. છેલ્લા એક વર્ષથી એ પત્રો જ મારા જીવવાનો એકમાત્ર સહારો બન્યા છે. નહિતો જે રીતે તું મને છોડીને ચાલ્યો ગયો, પછી મારૂ જીવન સંપૂર્ણ રીતે અંધકારમાં ડૂબી ગયું હતું. જે આઘાત તેં મને આપ્યો, એની સામે ટકી શકવા હું સક્ષમ જ નહોતી. તેં એકપણ વાર મને ‘બાય’ નહીં કહ્યું. બસ આપણે સાથે ગાળેલી એ અસંખ્ય પળોને યાદમાં સમાવીને ધીરેધીરે તારા વિના જીવવાનું શીખ્યું. એમાં તારા પત્રો મારા માટે સંજીવની બન્યા.

હું પહેલેથી જ જાણતી હતી કે હું તારો પહેલો પ્રેમ નથી, છતાં મેં તારા જીવનમાં મારું આગમન થવા દીધું. કેમ? કારણ તો હું પણ નથી જાણતી. બસ મને તારી સાથે પહેલી જ નજરે પ્રેમ થઈ ગયો હતો. મને તારામાં DDLJના રાજની ઝલક દેખાઈ હતી. તને તો ખબર છે કે હું થોડી વધારે જ રોમેન્ટીક ટાઈપની યુવતી હતી. તારા જેવા છ ફૂટ ઊંચા, ઘઉં વર્ણા પાષાણી ચહેરો ધરાવતા, ભુજાઓમાં એક હાથી જેવી તાકાત ધરાવતા યુવક સાથે લગ્ન કરી, બાકીનું જીવન તારી ચટ્ટાની છાતી પર માથું મૂકી એક્દમ રોમેન્ટીક રીતે વહી જશે એમ લાગતું હતું.

લગ્ન પછીનું આપણું હનીમૂન તો જાણે મેં સ્વર્ગમાં મહાલીને માણ્યું હોય એવું લાગતું હતું. તારી સાથે કરેલા એ દરેક એડવેંચર, જેના વિશે પહેલા હું વિચારીને પણ ગભરાઈ જતી; એ તારો હાથ પકડીને કેટલી આસાનીથી થઈ ગયા હતા. જ્યારે મારા પાતળા દેહને તું તારી મજબૂત ભુજાઓમાં ઊંચકીને, એ શિખર ચઢ્યો હતો, માય ગોડ વીર, એ શિખર પરથી નીચે ખીણમાં જોતાં જ મને તો ચક્કર આવી ગયા હતા! પણ તેં મને મજબૂતીથી તારી વિશાળ છાતી સાથે ભીંસી રાખી હતી. તારી સાથે માણેલી એ અદ્ભુત પળ મારા દરેક શ્વાસમાં વણાઈ ગઈ છે. તારો એ હૂંફાળો સ્પર્શ હું આજે પણ મારી ત્વચા પર અનુભવી શકું છું.

તારી સાથે લગ્ન કર્યા પછી મને લાગતું હતું, કે હવે મારે મારી મોડેલિંગની કારકિર્દી છોડી દેવી પડશે, કારણકે થોડા થોડા સમયે થતી તારી ટ્રાન્સફરને કારણે તારાથી દૂર રહેવું મને જરા પણ મંજૂર નહોતું. પરંતુ ખબર નહીં કેવીરીતે તેં બહુ આસાનીથી એ સમયે મને મનાવી લીધી હતી, કે મારે ફક્ત લગ્નને કારણે મારું સ્વપ્ન નહીં છોડવું જોઈએ. અને હું તારાથી દૂર રહેવા માની પણ ગઈ હતી. કેટલી પાગલ હતી હું, જે તારા પ્રેમને સમજવા છતાં, એક ક્ષુલ્લક કારકિર્દી માટે તારાથી દૂર રહેવાની તારી વાત માની પણ ગઈ હતી. એટ્લે જ કદાચ આજે....

વીર, મને ખબર છે તું કદી આ પત્ર નથી વાંચવાનો. છતાં પણ આજે મારા હ્રદયમાં જે ઊર્મિઓ ઉછળી રહી છે, એને જ્યાં સુધી શબ્દરૂપ નહીં આપું, ત્યાંસુધી મને શાંતિ નહીં મળશે. વીર, તને ખબર છે? આપણે મળ્યા એ પહેલાથી હું તને ચાહતી હતી. જ્યારે અમારી કોલેજના એન્યુઅલ ફંક્શનમાં તારા ઉપરી અધિકારી મુખ્ય મહેમાન બનીને આવ્યા હતા, એમની સાથે તું પણ આવ્યો હતો. ત્યારે મે તને પહેલીવાર જોયો હતો. તારા યુનિફોર્મમાં તારી જે પર્સનાલિટી પડતી હતી, એ જોઈ અમારી કોલેજની ઘણી યુવતીઓ તારા પર ફીદા થઈ ગઈ હતી. હું પણ તારા સપનાઓ જોવા લાગી હતી.

એટ્લે જ તો જ્યારે એક વર્ષ પછી લગ્ન માટે તારું માંગુ આવ્યું, ત્યારે મેં જરાપણ વિચાર્યા વિના હા પાડી દીધી હતી. મારા પપ્પાએ મને કહ્યું પણ હતું કે આટલી ઉતાવળમાં નિર્ણય નહીં લે. પરંતુ હું તો હું જ હતી. કેવી જિદ્દી અને નાદાન હતી. પહેલી જ મુલાકાતમાં તેં મને તારા વિષે બધુ જ જણાવી દીધું હતું. તારો શોખ, તારા સ્વપ્નો, તારી કારકિર્દી અને સૌથી વધારે તારા પહેલા પ્રેમ વિશે.

સામાન્યરીતે કોઈપણ છોકરી પોતાના થનાર પતિના અન્ય પ્રેમ વિશે જાણીને કદાચ પાછળ પગલું ભરી લે. પણ મને તો તારા એ પ્રેમ પર ગર્વ હતો. કારણકે તારો પહેલો પ્રેમ ધરતી હતી. એ જ ધરતી, જેનું આપણાં સહુ પર ઋણ છે, જેમાંથી આપણે જન્મ્યા અને એક દિવસ એમાં જ મળી જશું. તારો માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અનન્ય હતો. તારી ફરજ સામે તું મને પણ ગણકારતો ન હતો, પરંતુ મને એનાથી કોઈ જ સમસ્યા નહોતી. લાંબા સમય પછી એકબીજાને મળવાનું પણ કેવું રોમાંચક લાગતું હતું. આખો દિવસ બેડ પર થતી એ પ્રેમભરી હરકતો, રસોડામાં થતી મસ્તી અને આખી રાત્રિ શહેરના ખુલ્લા રસ્તાઓ પર લોંગ ડ્રાઈવ. પંદર દિવસની એ રજાઓ કેટલી ઝડપથી પૂરી થઈ જતી. અને ફરી જલ્દી મળવાના વાયદાઓ સાથે શરૂ થતી વિરહની એ અનંત ક્ષણો.

વીર, આપણાં આ પ્રકારના જીવન સામે મને કોઈ જ તકલીફ નહોતી. હું મારૂ સમગ્ર જીવન તારાથી દૂર રહીને વિતાવી શકત. પરંતુ જે રીતે તું મને છોડીને ચાલ્યો ગયો, એ આઘાત હું કદી ભૂલી નહીં શકું. તને એકપણ વાર મારો વિચાર નહીં આવ્યો, કે તું મને આવી હાલતમાં છોડી જશે તો હું ક્યાં જઈશ? વીર, આજથી એક વર્ષ પહેલા જ્યારે મને તારા જવા વિષે ખબર પડી, એ જ દિવસે સવારે મને ખબર પડી હતી કે આપણાં પ્રેમના છોડ પર એક નાનકડું ગુલાબ ખીલવાની તૈયારી કરી રહ્યું છે. મને હતું કે તું આ જાણીને ઉછળી પડશે. પરંતુ એ દિવસે તારો ફોન સતત બંધ હતો.

વીર, સાચું કહું તો એ દિવસે જે ખુશી મને થવી જોઈએ, એ થતી નહોતી. મારૂ હ્રદય સતત એક અજાણી આશંકાથી ધડકતું હતું. આટલા સમયમાં પહેલીવાર એવું થયું હતું, કે તારી સાથે કોઈપણ જાતનો સંપર્ક નહોતો થઈ રહ્યો. મને રહી રહીને ઇચ્છા થતી હતી કે હું ઉડીને જેસલમેર આવી જાઉં અને તારી વિશાળ છાતી પર માથું મૂકીને હ્રદયનો ભાર હળવો કરી દઉં. પણ એ શક્ય નહોતું. હું વારેઘડીએ મારા ફોનની નિર્જીવ સ્ક્રીન સામે જોઈ રહી હતી કે હમણાં તારું નામ ઝબકશે. પરંતુ આખો દિવસ એમ જ પસાર થઈ ગયો હતો.

એકાએક સાંજે મારો ફોન જીવંત થયો હતો. હું દોડતી ફોન પાસે આવી હતી, એ આશાએ કે તું હશે. પણ એ રેહાના હતી. એણે જ મને ન્યૂઝ ચેનલ ચાલુ કરવા કહ્યું હતું. અને ત્યારે મને ખબર પડી કે જેસલમેરની સુવર્ણ રેતમાં છુપાયેલા દુશ્મનોની બાતમી મેળવી, અન્ય મદદ આવે એની રાહ જોયા વિના તું એકલો જ દુશ્મનોને પછાડવા પહોંચી ગયો હતો. પાંચમાંથી ચારને તો તેં એકલાએ જ યમદ્વારે પહોંચાડી દીધા હતા. પણ બાકી રહી ગયેલા એક દુશ્મને તારી પીઠ પાછળ વાર કર્યો હતો. અને તું એનો સામનો કરે એ પહેલા જ તું તારી પ્રાણપ્રિય ધરતી પર ઢળી પડ્યો હતો.

ન્યૂઝ ચેનલની એન્કર હજી પણ સતત તારી બહાદુરી અને શહીદી વિશે બોલી રહી હતી, પણ મારી તો દુનિયા ત્યાં જ સ્થગિત થઈ ગઈ હતી. હું જાગતી આંખે એક અનંત બેહોશીમાં પહોંચી ગઈ હતી. વીર, હું જાણતી હતી કે તારો માતૃભૂમિ પ્રત્યેનો અનહદ પ્રેમ ક્યારેક તને મારાથી ઘણો દૂર લઈ જશે. પણ સાવ અચાનક જ, આવી રીતે જતાં રહેવાનુ? એકવાર તો મારી સાથે વાત કરી હોત. હું ખુશીથી તને બલિદાન આપવા કહેત. એકવાર તો મને તારી પાષાણી છાતીમાં સમાવીને મારા કપાળે એક હુંફાળું ચુંબન આપ્યું હોત, તારી એ હુંફના સથવારે મેં બાકીનું જીવન આસાનીથી પસાર કરી દીધું હોત. એકવાર મારી અંદર પાંગરી રહેલા તારા અંશને વહાલ કર્યું હોત, તો એ કદાચ આજે જીવતું હોત.

હા વીર, તારા જવાની ખબરથી જ હું અર્ધમૃત બની ગઈ હતી. તારી અણધારી વિદાયને સ્વીકારવી મારા માટે શક્ય જ નહોતું. અને આખરે આપણાં પ્રેમનો અંશ પણ મૂરઝાઈ જ ગયો. વીર, એના માટે હું મારી જાતને ક્ષમા નથી કરી શક્તી. કોઈપણ ગુના વગર એ નહીં જન્મેલ બાળકને પૃથ્વી પર નહીં અવતરવાની સજા મળી ગઈ. એકસાથે બેવડા આઘાતને સાંભળવાની મારી ક્ષમતા જ નહોતી. પરંતુ વીર તારા જ પત્રોએ મને સતત જીવવા માટે મનોબળ પૂરું પાડ્યું. તારી બહાદુરીને બિરદાવતો 'મહાવીર ચક્ર' જ્યારે મારા હાથમાં મુકવામાં આવ્યો, ત્યારે મારુ હૃદય ફરી ધબકતું થયું. આખરે મેં મારી જાતને સંભાળી અને જીવનમાં કયા રસ્તે આગળ વધવું એ નક્કી કર્યું.

વીર, તને જાણીને મારા પર ગર્વ થશે. એક અઠવાડીયા પહેલા જ મારી ટ્રેનીંગ પૂરી થઈ. આજે જ મારો ત્રિપુરા બોર્ડર પર હાજર થવાનો ઓર્ડર આવી ગયો છે.

હા વીર, તારા વિના પણ તારી અધૂરી ફરજ બજાવવી, એ જ મારો તારા પ્રત્યેનો પ્રેમ છે. હું મારૂ બાકીનું જીવન તને યાદ કરીને રડવામાં નહીં ગુજારીશ. જે બહાદુરી તારામાં હતી, એના થોડા પણ અંશ મારામાં આવશે, તો હું માનીશ કે આપણો અધૂરો પ્રેમ હવે પૂર્ણ થયો.

વીર, આજે તને પહેલી અને છેલ્લી વાર આ પત્ર લખું છું, એટ્લે બીજા એક ખુશીના સમાચાર પણ આજે જ જણાવી દઉં. તેં ફ્રીઝ કરાવેલા તારા સ્પર્મ દ્વારા ત્રણ વર્ષ પછી તારા જ અંશને હું જન્મ આપીશ. બસ મારી તને એક જ વિનંતી છે. વીર, તું પાછો આવી જા. હું તને ખૂબ ચાહું છું, બસ આપણી ચાહતના પ્રકાર બદલાતા રહેશે. પ્રેમીમાંથી પતિ-પત્ની, આપણી ધરતી માટેનો પ્રેમ. અને હવે એક માતા અને બાળકનો પ્રેમ. આપણાં આ અતૂટ બંધનને હું છૂટવા નહીં દઉં.

બસ વીર, હવે હું વધારે નથી લખી શક્તી. મારી આંખો ઉભરાય છે, છતાં આજે મારા હ્રદયમાં એક અનોખી શાંતિ છે.
બસ તારી જ બનવા સર્જાયેલી
ગાથા.
વીરની ગાથા.

© ભૂમિધા 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ