વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોતને ખો.

મોત ને ખો.

--------------



     આજ મારા લેખક મિત્રો અને સુજ્ઞ 

વાચકોને હું કેવી રીતે મોત સામે ઝઝૂમયો

 એની વાત કહેવા જઈ રહ્યો છું.


     હા, વાત છે કચ્છ ના ગોઝારા ભૂકંપની.

એ વાત યાદ આવતા આજ પણ શરીરમાં

ધ્રુજારી આવી જાય છે.26 જાન્યુઆરી ના

એ ભૂકંપે જે હાહાકાર મચાવ્યો એવું તો

ભગવાન કોઈ ને ન બતાવે.


     હું આપ સમક્ષ સવારે  7 થી 8-30 નો

ઘટનાક્રમ કહીશ.આમ જુવો તો એટલી

વાતો છે કે, કહેતો જ રહું. પણ હું ટૂંકમાં જ કહીશ.


     હું સવારે 6-30 વાગે ઉઠ્યો.આજ રજા

હતી એટલે નિરાંત.હતી.આરામથી નાઈ

ધોઈ થોડી પૂજા અર્ચના કરી. જે મારુ

રૂટિનમાં હતું.અમે બંનેએ ચા નાસ્તો કર્યો.

સમય હતો સવારે 7-15.


     મારા બને જુવાન.દીકરાઓ હજુ સુતા

હતા.નાનો 12 માં અભ્યાસ કરતો હતો.

મોટો કોલેજ કરતો અને સાઈડ માં.હાઇવે

ઓથોરિટી ઓફ ઇન્ડિયા માં કામ કરતો.


     અંજાર ગામથી મારુ મકાન થોડેક જ

દૂર ચિત્રકૂટ સોસાયટી માં હતું .અત્યારે

પણ છે.હું બહાર જવા તૈયાર થયો.મારી

મિસિસ બને ને ઉઠાડવા માં લાગી.મેં કહ્યું,

"ભલે થોડીવાર સુતા હું બહાર જઉં છું.

આવતી વખતે ફાફડા જલેબી લેતો આવું

છું."કહી હું બહાર નીકળી ગયો.


     મેં.ત્રણેક મહિના પહેલા જૂનું સ્કૂટર

વાસપા વેચી નવું બજાજ લીધેલું.જે મોટે

ભાગે બને ભાઈઓ વાપરતા.એજ નવું

આચ્છા પીળા કલરનું બજાજ લઈ હું

બસ સ્ટેન્ડ પહોંચ્યો.


સમય-8-07.મિનિટ.


      મેં રાબેતા મુજબ ત્યાંથી "ચિત્રલેખા"

ખરીદ્યું.મારા મોટાભાઈ ડેપો મેનેજર

તરીકે તાજેતરમાં જ રિટાયર્ડ થયેલા.

તેથી તેનો s t નો સ્ટાફ મને ઓળખે.એટલે,

જય માતાજી,કેમ છો. ગુડમોર્નિંગ જેવા

સંવાદો થયા .અને હું બહાર નીકળી ગયો.


    હું બસ સ્ટેન્ડ સામે આવેલી ફરસાણ ની

દુકાને જતો હતો જે મારા મિત્ર ની હતી.હું

હમેશા ત્યાંથી જ નાસ્તો લેતો.પણ હું 

તરત પાછો વળ્યો.


    કારણકે, મને યાદ આવ્યું,ગયા રવિવારે

ઘેર સૌ નાસ્તો કરતા હતા ત્યારે નાનાએ

મોટા ને મજાકમાં કહેલું,"પપ્પા હમેશા

એના મિત્ર રમુકાકા ની દુકાનેથી જ નાસ્તો

લઈ આવે.કસ્ટમ ચોકથી ના લાવે."


   ત્યારે મેં હસીને કહેલું,"તો તમેજ વહેલા

ઉઠીને નવું સ્કૂટર.લઈને લઈ આવતા હો 'તો"

અને સૌ હસી પડેલા.


    આજ મને થયું કે ચાલો ત્યાંથી જ લાવું.

કસ્ટમ ચોકને ખૂણે ઉભતી લારી માં મસ્ત

ફાફડા જલેબી મળે.મેં તે બાજુ સ્કૂટર ને

જવા દીધું.


સમય:8-09.મિનિટ.


    હવે.કસ્ટમ ચોકની વાત કરું તો એ જુના

જમાનાનો ચોક.ચારે બાજુના રસ્તા તેને

મળે.પણ રસ્તા એટલા સાંકડા કે જો બે

રિક્ષાઓ સામ સામી આવી જાય તો એ

બંનેને સંભાળીને કાઢવી પડે.


     રેંકડી પર ચાર પાંચ સ્ત્રી પુરુસો નાસ્તો

લેવા ઉભેલા.મારો ક્યારે નંબર લાગશે એ

વિચાર કરતા મેં તેની સામે સ્કૂટર ઉભું રાખ્યું.તેણે મારી સામે જોયું.અને હકારમાં માથું હલાવ્યું.હું તેની નજીક ગયો.અને કહ્યું,

"500 ગ્રામ ફાફડા 250 ગ્રામ જલેબી."

કહી હું તેને ફાફડા વણતા જોઈ રહ્યો.


      રેકડીથી દસેક જ પગલાં દૂર મારા એક

સબંધી ની દુકાન હતી.જે નવા કુકર, બેટરી,

ઇલેક્ટ્રિક પ્રેસ વિગેરે રાખતા અને જૂના

રીપેર કરી આપતા.તેનું નામ ચંદુભાઈ.તે

મારાથી પાંચેક વર્ષ મોટા હતા.


    મેં જોયું તો તેણે હજુ હમણાંજ દુકાન

ખોલી અને અગરબત્તી પેટાવતા હતા.તેણે

મને જોયો.


સમય:8-15.


      મને કહે" આવ આવ રાજુ, ઘણા 'દી 

એ દેખાયો. હું હસતે હસતે ત્યાં ગયો.અને

કહ્યું,"મોડું થશે ચંદુભાઈ " પણ ત્યાંજ 

તેની દુકાને ત્રણ આહીર ખેડૂતો જેવા

દેખાતા ગ્રાહક આવ્યા, એટલે તેનું ધ્યાન

તેમાં ગયું.


     તેઓ આ મોડલ, પેલો કલર અને ઓ

બતાવો,એવું કહેતા હતા કે રેંકડી વાળાનો

ટાબરીયો આવ્યો અને મને કહે,"કાકા

તમારો નાસ્તો તૈયાર છે.

     હું તરત તેની પાસે ગયો.પ્લાસ્ટિક ની

થેલી લઈ મેં સ્કુટરની સીટ પર રાખી અને

પૈસા ચૂકવ્યા.


સમય:8-23 મિનિટ.


    મેં પાકીટ ખિસ્સામાં રાખી ,નાસ્તાની

થેલી ડીકીમાં આવશે કે કેમ તે જોવા મેં

ડીકી ખોલી.ત્યાં જ શોરબકોર સંભળાયો.

થોડેક દૂરથી મેં રેલી આવતી જોઈ.ત્યાંજ

બે ત્રણ જુવાનિયાઓ મારી પાસે આવ્યા.

અને કહ્યું,"કાકા તમારું સ્કૂટર લઈલો 'ને."


     મેં તરત સ્કૂટર ચંદુભાઈની દુકાન સામે

રાખ્યું,અને થેલી ડીકીમાં રાખી.મેં જોયું તો

આગળ બેન્ડ પાર્ટી વાળા ધૂન વગાડતા

હતા.અને પાછળ અંજારની દરેક સ્કૂલોના

નાના નાના બાળકો,શિક્ષક શિક્ષિકાઓ

સાથે ગણવેશ માં વંદે માતરમ બોલતા

ચાલી રહ્યા હતા.


સમય:8-28.


      મેં સ્કુટરમાં ચાવી ભેરવી અને ચાલુ

કરવા કીક મારી.પણ ચાલુ ન થયું.મેં બે ત્રણ

કિકો મારી તો પણ ચાલુ ન થયું. મેં થોડું

નમાવ્યું,અને ફરી કિક મારી.હું વિચારતો

રહ્યો પેટ્રોલ તો ઘણું છે તો કેમ ચાલુ નથી

થતું.! 


       ત્યાં ચંદુભાઈ ફ્રી થયા.તેણે આ જોયું.

અને કહ્યું,"રાજુ આવ ,સિગારેટ્સ નથી

પીવી",...હું પણ કિક મારી કંટાળ્યો હતો.

હું તેની પાસે ગયો.પણ મનમાં એમ કે,

વધારે સમય જશે તો ફાફડા ઠંડા થઈ

જશે.હું તેની સામે હસીને ઉભો.


સમય:8-30.


     તેણે મને સિગારેટ્સ.આપી સાથે સાથે

લાઈટર આપ્યું.મેં સળગાવી.મેં દમ માર્યો

કે નહીં તે પણ યાદ નથી.અને ધરતી ધણ

ઘણી ઊઠી.


     ચારે બાજુથી ખૂબ અવાજ આવવો

ચાલુ થયો.જાણે જમીનની બે ત્રણ ફૂટ

નીચેથી સુપર ફાસ્ટ ટ્રેન જતી હોય એવો

ભયંકર અવાજ આવ્યો.મેં મારું સંતુલન

ક્યારે ગુમાવ્યું તે યાદ નથી.પણ હું ચંદુ

ભાઈની દુકાનની બાજુમાં સાત આઠ

ઇંચ ના ખાંચામાં ફસાયો.આપણે બેઠા

ઘાટના સંડાસમાં બેસીએ એમ બેસાઈ

ગયું.


    ચારેકોર ધૂળનું સામ્રાજ્ય છવાઈ ગયું.

મારાથી આંખો બંધ થઈ ગઈ.જોકે મને

ત્યારે ખબર નહોતી પડી કે આ ધરતીકંપ

છે.મને તો એમ કે, કોઈકે મને ધકો માર્યો

અથવા મને ચકર આવ્યા અને હું પડી

ગયો. 


    ધરતી છ થી સાતઆઠ ઇંચ ડાબી થી

જમણી બાજુ હલવા લાગી.જાણે આપણે

ચાળણીમાં ઘઉં ચાડતા હોઈએ એમ અને

તે પણ ઝડપથી.


     ચંદુભાઈએ હવે રાડ પાડી "રાજુ આ

ધરતીકંપ છે ,અંદર આવ."પણ મારાથી

કંઈ બોલાય એમ નહોતું.હું ધીમે ધીમે

જાણે રેતીમાં દબાતો જતો હતો એવું

લાગ્યું.મને ખુબ બીક લાગી.મેં કુળદેવીનું

રટણ ચાલુ કર્યું.હું  એ ખાંચા સાથે આમ 

તેમ ફંગોળાતો હતો.મેં ઉભા થવા ખૂબ

મહેનત કરી પણ વ્યર્થ.લગભગ 90 

સેકન્ડ સુધી આમ ચાલ્યું.


     પાંચેક મિનિટ હું કંઈ બોલી ન શક્યો.

મેં મારા બને હાથ ખંખેરી આંખ સાફ

કરવા પ્રયત્ન કર્યો.અને આંખ ઉગાડી.

હવે થોડું ધૂંધળું દેખાયું.હું કમરથી પણ

ઉપર સુધી દટાયેલો હતો.


     મેં બને હાથ જમીનપર ટેકવી જોર

લગાવી બહાર નીકળવાનો ખુબજ

પ્રયત્ન કર્યો.હું હવે મરણીયો થયો હતો.

લગભગ અડધા કલાકે હું બહાર આવી

શક્યો.મારો શ્વાસ ધમણની જેમ ચાલતો

હતો.ત્યાં ચંદુભાઈ પણ બહાર નીકળી 

શક્યા.


    તે મહા મુશબતે એટલું બોલી શક્યા,

રાજુ, તુ.... તને...તને...કે....મ."

તેની જીભ થોથવાતી હતી.મારામાં પણ

બોલવાના.હોંશ નહોતા.મેં આંખ કાન

નાકમાંથી રેતીનો બારીક ભૂકો ખંખેરવા

માંડ્યો.હાલત એવી હતી કે જાણે લોટના

ચાર પાંચ ડબા માથે ઊંધા વાળ્યા હોય.


   હવે મેં ચારેકોર નજર ફેરવીને જોયું,

રસ્તા ઓ તો ગાયબ હતા.ફક્ત મલબા

ઓનો ઢેર હતો. 


     મેં વિચાર્યું, આ ધમધમતી બજાર 

આખી ગઈ ક્યાં. !બંધ દુકાનોને ઓટલે છાપું વાંચતા અને ચાની ચૂસકી લેતા સૌ ગયા ક્યાં.! રેંકડી વાળો ક્યાં.!અને બાળકોની રેલી ક્યાં.!અને મને કમકમાં આવી ગયા.હું નીચે પડી ગયો.મારા પગ જાણે ખોટા થઈ ગયા.

હું ઉભો થયો ફરી પડી ગયો.


     મોત સામે આવે એટલે જીવિત વ્યક્તિ

માં ઘણા ફેરફાર થાય છે.આપણે બંધ રુમ

માં બિલાડીને મારીએ તો એના રુવાડા.ઉભા

થઈ જાય.એમ મનુષ્ય માં શારીરિક ઘણા

બદલાવ થાય.કોઈ ગાંડો થઈ જાય.કોઈ

ને હાર્ટએટેક આવે.કોઈ લક્વા નો ભોગ

બને.કંઈ નકી ન હોય.


     મને એમ થયું કે,હું ઉભો થઉં તો પડી

જઉં, હા ધીમેથી ચાલુ તો ચલાય.મેં સ્કૂટર

નો વિચાર કર્યો,અને તે બાજુ જૉયું. તેની

પર છ સાત ફૂટનો મલબો ચડી ગયો હતો.

તે દેખાયું નહીં. મને મનમાં હસુ આવ્યું.કે

કુળદેવી એ બચાવ્યો અને હવે તેનો

 વિચાર. !


     મેં ચંદુભાઈ નો હાથ પકડ્યો. અમે 

મલબાઓ વચ્ચે જગ્યા શોધી ચાલવા

માંડ્યું.અમારા બે સિવાય કોઈ દેખાયું

નહીં. ચારેકોર આડા અવડા તૂટેલા

ફૂટેલા ફ્રીજ પલંગ બારી દરવાજા અને

ઘરની ચીજ વસ્તુઓ આમતેમ રખડતી

હતી.


     હવે એકદમ શાંતી હતી.પણ થોડું

આગળ ચાલ્યા કે નીચેથી મલબામાંથી

અવાજો આવવા લાગ્યા.મને બચાવો,

કોઈ છે. ! ઓ ભાઈ સાંભળો છો !

મેં ચારે બાજુ નજર ફેરવી કોઈ જ

દેખાયું નહીં. મેં મલબાના બાકોરા માંથી

જોવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ દેખાયું

નહીં. 


     હવે રસ્તો વિકટ હતો. રસ્તો તો હતો

જ નહીં.અમે અથડાતા કુટાતા મલબા

પર ચડ્યા.બે ત્રણ મોટા પથરો વચ્ચે થઈ

અમે આગળ વધતા હતા. મારી નજર

મારા પગ પાસે ગઈ.એ પથરો નીચે જીપ

હતી એવું લાગ્યું.


     પાછળથી ખબર પડેલી કે એ

 મામલતદારની જીપ હતી.અને એમાં 

બેઠેલા સૌ ગુજરી ગયેલા.


    થોડું ચાલ્યા કે ફરી ધરા ધ્રુજી,આને

આફ્ટરશોક કહેવાય.અમે જેનીપર

ઉભા હતા તે ટેકરો ચાર પાંચ ફૂટ નીચે

બેસી ગયો. અમે નીચે ફંગોડાયા. અમે

ક્યાંય સુધી એમજ પડી રહ્યા.


     મને હવે ઘર યાદ આવ્યું.પડી ગયું

હશે. ! મને ખુબ અમંગળ વિચારો આવી

ગયા.મેં કુળદેવી ને મનોમન પ્રાર્થના કરી.

 માં રક્ષા કરજો.હું બેઠો થયો.મનમાં ખોટા

વિચારો આવતા રહ્યા.ઘરની ચિંતા મને

બહુ થતી હતી.


    ત્યાં મારી નજર થોડેદુર એક ભંગાર

ટેબલ નીચે ગઈ.મેં જોયું તો એક સ્ત્રી

ઊંધે માથે પડી હતી.તેના પગ ટેબલ

નીચે દટાઈ ગયા હશે એવું લાગ્યું. તેણે

ફક્ત બ્લાઉઝ પહેર્યું હતું.તે જાણે હમણાં

નાહીને નીકળી હોય એવું લાગ્યું.તેના

વાળ ભીના દેખાયા.


    હું ને ચંદુભાઈ ત્યાં પહોંચ્યા.ઉભા રહ્યા

કે ફરી હું નીચે ફસડાઇ પડ્યો.મારા પગ

પહોળા હતા.હું હાથ લાંબા કરું તો તેના

હાથ મારા.હાથ માં આવે એટલું અંતર

હતું.મેં ચંદુભાઈ સામે જોયું.તેણે નકાર

માં ડોક હલાવી.એને એમ કે આ મરી ગઈ

છે.મને પણ એ વિચાર આવી ગયો.


     ત્યાંજ તેનું માથું થોડું સળવડીયું,તેણે

બહુ ધીમેથી ઊંચે જોયું.મારી અને એની

નજર મળી.એણે નજર નીચે ઢાળી દીધી.

મેં જોરથી તેના હાથ પકડ્યા અને ખેંચી.

પણ આ શું તેનું ફક્ત ધડ જ ખેંચાયું.

કમર નીચેનો ભાગ જ નહોતો.ત્યાંતો

લોહીનું ખાબોચિયું હતું.


     મને ઝટકો લાગ્યો. મારાથી ચીસ પડાઈ

ગઈ.એનું માથું મારા બે પગ વચ્ચે હતું.

મેં બે હાથની હથેળી જમીનપર ગોઠવી

મારા શરીરને પાછળ ફંગોળીયું.આ બધું

સેકંડો માં બની ગયું.મને પાછળ જોવાની

હિંમત નહોતી.મારુ આખું શરીર ધ્રુજતું

હતું.હું વિચારતો રહ્યો.મને અહીં પહોંચતા

એકાદ કલાક થયો હશે.તો તે અત્યાર

સુધી જીવતી હશે.!.


       ચંદુભાઈ એ મારો હાથ પકડ્યો.

હું ઉભો થયો.અમે બને બીકના માર્યા 

હજુ ચાર ડગલા ભર્યા કે,બીજો આફ્ટર

શોક આવ્યો.


     હવે આવેલા આફ્ટર શોકથી બચવું બહુ

મુશ્કેલ હતું.અમે બને ઊંધે માથે પટકાયા.મેં

આંખો બંધ કરી.મારો શ્વાસ જાણે રોકાઈ

ગયો.આજુબાજુથી કે ઉપરથી ભંગાર પડ

વાના અવાજો વધી રહ્યા.થોડીવારે શાંતી

થઈ.હું આંખો ચોડતો બેઠો.ઘડીભર ભુલાઈ

ગયેલી એ સ્ત્રી ફરી યાદ આવીતે તરફ જોવાની હવે મારી હિંમત નહોતી.


     ચંદુભાઈ બે ગોઠણ વચ્ચે માથું નાખી

બેઠા હતા.મારા મસ્તક માં વિચારોનું આખું

ઝુંડ ફરતું હતું.મારા જ સગાઓ અને ઘણા

સ્નેહીજનો અહીં આસપાસ રહેતા હતા.

તેમનું શું થયું હશે. ! મારા શરીરમાંથી એક

ધ્રુજારી પસાર થઈ ગઈ.હું હવે થરથરતો

હતો.


     મેં ચંદુભાઈ ના હાથ પર હાથ રાખ્યો.

તે સુન થઈ ગયેલા. અમારી નજર મળી.

ઉભા થઇ ફરી ચાલીએ એવી મુક સંમતિ

સધાઈ.અમે ઉભા થઇ ચાલવા માંડ્યું.

અમારી ગતિ ધીમી હતી.પણ એ ગતિ

અમારે મન ખૂબ વધારે હતી.


    દૂરથી,અને નજીક મલબામાંથી ઘણા

અષ્ટપ્રુસ્ટ અવાજો આવતા હતા.મને

બચાવો.અને એવા ઘણા બધા.અમે

આગળ પાછળ ચારેબાજુ નજર ફેરવી

પણ કોઈ દેખાતું નહોતું.મને સાથળ થી

ગોઠણ સુધી કંઈક ઠંડુ લાગ્યો.જોયું તો

મારી પેન્ટ નો એટલો ભાગ લાલ લોહી થી

રંગાયેલો હતો.હું ફફડી જઈ નીચે બેસી

ગયો.


     ચંદુભાઈ એ આ જોયું,તે મારી બાજુમાં

બેઠા.મેં ધ્રુજતે હાથે પેન્ટ નો પાયચો ઉંચો

ચડાવ્યો.લોહી સિવાય કંઈ ન દેખાયું.મને

બીક ને મારે પીડા પણ નહોતી થતી.મેં

સાથળના મૂળ સુધી પેન્ટ ઊંચી કરી.ત્યાં

આશરે દોઢ ઇંચ જેટલો ચીરો દેખ્યો."ઓહો

તને તો લાગ્યું છે,ખબર ન પડી.!" કહી ને

ચંદુભાઈએ પોતાનો ધૂળમાં રગદોડાયેલો

રૂમાલ ત્યાં બાંધી દીધો.


       અમે ક્યાંય સુધી સુન થઈ બેઠા રહ્યા.

અમારે જ્યાંથી જવાનું હતું ત્યાં નજર કરી

તો  દૂર એક જર્જરિત એક માળ વાળુ

મકાન નજરે પડ્યું.તે આખું નમેલું હતું.

અમને બંનેને એ થોડું ડગમગતું લાગ્યું.પણ

એવું નહોતું.તે 45 અંશ ના ખૂણે વળેલું

હતું.તેની નીચેથી પસાર થવાના વિચારે જ

ધ્રુજી જવાય.


     અમે ઊંડા શ્વાસ લઈ ત્યાં જ બેઠા

રહ્યા.અમે જોયું તો તેના કઠોડામાં એક

પુરુષ દેખાયો.અને તેણે જોશથી કહ્યું,

"મું પુઠિયા હલ્યા અચો."(મારી પાછળ

આવતા રહો.)એમ કહી તેણે કઠોડામાંથી

(બાલ્કની માંથી) કૂદકો માર્યો.તરત તેની

પાછળ બે સ્ત્રીઓ કુદી પડી.તેઓ ત્રણે

ને ખૂબ મૂઢ માર લાગ્યો.તે જોશથી

અમારી બાજુ આવ્યા.


     અમે એમજ બેઠા રહ્યા.તેઓ અમને

જોઈ રહ્યા.અને અંદરો અંદર વાતો કરી

એક સ્ત્રી રોઈને બોલી,"અધા કે કી પાં

ભચાઈંધા,"(બાપુજી ને કેમ બચાવીશું.)

કચ્છમાં જૈન કે લોહાણા જેવી જ્ઞાતિઓ

આપસમાં કચ્છી માં વાતચિત કરે જ્યારે

વ્યવહારમાં સૌ ગુજરાતી બોલે.


   હું મનમાં સમજી ગયો,કે બને નણંદ

ભોજાઈ છે.પુરુષે કહ્યું,"જેડો જલિયાંણ

બ્યો કુરો કરિયા ચે !"(જેવી જલારામ ની

ઈચ્છા બીજું શું કરું બોલ.)


     બંને સ્ત્રીઓ નીચે બેસી રુદન કરવા

લાગી.પુરુષ બેબાકળો થઈ નીચે બેઠો. 

અને ત્યાં જ કડાકા સાથે તે મકાન ધરા

સાહી થઈ નીચે પડ્યું. અમે સૌ હેબતાઈ

ગયા.ઉભા થયા.થોડીવાર એમને એમ

નીકળી ગઈ કે,પુરુષ" અધા અધા "(બાપુ

બાપુ)  કરતો તે તરફ દોડવા જતો હતો ત્યાં

બને સ્ત્રીઓએ તેને બાથમાં પકડી લીધો.

બહેને ભાઈ ને કહ્યું,


     "હીં વિનાજે !"(આમ જવાય.!)

     "ત કુરો કરિયા"("તો શું કરું.!)

  અને ત્રણે ચોટીને રડવા મંડ્યા. હવે મેં

કહ્યું,"હિંમત રાખો ભાઈ."

મારાથી આટલું બોલાયું એની મને નવાઈ

લાગી.ત્યાં તેની પત્ની એ કહ્યું,"અધા પાંકે

ભચાયલા મકાનકે જલી વિઠા વા." (બાપુ

અત્યાર સુધી આપણને બચાવવા મકાન

પકડી બેઠા હતા.)


   ઘણીવારે તે શાંત થયા.અમે બને તો મૂઢ

ની જેમ બેઠા હતા.તે ભાઈએ સ્ત્રીઓને

કહ્યું,"હલો હિડાનું ત હલો"(ચાલો અહીંથી

તો જઈએ.) અને એણે અમારી તરફ જોયું.

તેઓ ચાલતા થયા.અમે પણ એની પાછળ

ઢસડાયા. પંદરેક મિનિટ માં દૂર બગીચા

વાળો રોડ દેખાયો.


      અમારામાં હિંમત આવી.ત્યાં રોડ પર

જઈ હું ને ચંદુભાઈ નીચે બેસી ગયા.ત્યાં

માનવ મહેરામણ ઉમટેલું.સૌ એકબીજાના

ચહેરાઓમાં પોતાના સ્વજનોની ભાળ

મેળવવા મથી રહ્યા.મારા ઘણા નજીકના

ઓળખીતાઓ મને જોઈ નજીક આવ્યા

પણ તેઓ પોતાના ઘરના સભ્યોની ભાળ

મેળવવા આવેલા.મને જોઈ ફક્ત આંખો

થી ખબર પૂછી આગળ વધી ગયા.


    થોડીવારે ચંદુભાઈ ના કોઈ નજીકના

ભાઈ નજીક આવ્યા.તેની સાથે જવા

ચંદુભાઈ એ મારી મુક સંમતી લીધી ત્યાં

મેં મારા મોટાભાઈ ને કાઈનેટિક પર આવતા

જોયા.હું ઉભો થયો.તેણે મને જોયો.


    "અરે તું ક્યાં હતો ભાઈ," કહી તેણે

મારા દીદાર જોયા.તે સમજી ગયા.હું

રોઈ પડ્યો.કંઈ બોલી ન શક્યો.તેણે મને

કહ્યું,"આપણા ત્રણેય ભાઈઓના કુટુંબને

કંઈ નથી થયું,ચાલ પાછળ બેસ."હું તેની

પાછળ બેસી હાશકારો લઈ ઘેર પહોંચ્યો.

-------------------


      ધરતીકંપ થયો ત્યારે અમારી કોલોનીના

સૌ રહેવાસીઓ ઘરની બહાર નીકળી

ગયેલા.અહીં ખાસ કંઈ નુકશાન નહોતું

થયું,પરંતુ દરેક ઘરમાં નાની મોટી તિરાડો

પડી ગઈ હતી.


     સૌ કોઈ પોતાના સ્વજનોની વ્હારે

જવા આમતેમ જ જતા હતા.મારા

આજુબાજુ સમાચાર ફરી વળ્યાં હતા

કે,અંજાર આખું ખલાસ થઈ ગયું છે.

કોઈ જીવતો નથી બચ્યો.અને એવા

આફ્ટરશોક જેવા સમાચારો સતત

આવતા રહેલા.


      મારી પત્ની ને આ સમાચારોએ

વિચલિત કરી નાખેલી.તેને એમ કે આવું

થયું તો તે ગમે ત્યાં હોય પાછા આવી જ

જાય, અને તેનું રુદન ચાલુ થઈ ગયેલું.

આજુબાજુ વાળાઓ તેને સતત ધરપત

આપતા રહેલા. મોટા એ નાના ને કહ્યું,"

હું મમીને સાચવું છું.તું તપાસ કરવા જા."


     નાનો તેના મિત્ર સાથે તેની બાઇક થી

જ્યાં સુધી બાઇક જાય ત્યાં સુધી ફરી

વળી ઉદાસ થઈ ગયેલો.તે મનમાં સમજી

ગયેલો નકી પપ્પા ગયા.ક્યાંય સ્કૂટર પણ 

દેખાયું નહીં. તે મનમાં વિચારતો રહ્યો કે,

ન મળે તો ઘેર ભાઈ અને મમીને શુ કહેવું.


     હું ઘેર આવ્યો ,મને જોઈ મારી પત્ની

મને ભેટી પડી.તેની આ બે કલાકની વેદના

હું સમજી શક્યો.મોટાએ મને કહ્યું,"પપ્પા

હું નાનાને આ સમાચાર આપું તે તમને જ 

ગોતવા ગયો છે."ત્યાં જ નાનો આવ્યો.

મને જોઈ તે આનંદીત થઈ ઉઠ્યો.હવે

સૌ તમે ક્યાં હતા.! કેમ બચ્યા. !ત્યાં શુ

થયું હતું.! એવા પ્રશ્નોનો મારો ચાલ્યો.


      હવે મને ખુબ પીડા ઉપડી. સૌએ મને

ગરમ પાણી થી નવડાવ્યો.મારા ઘાને સાફ

કરી પાટાપિંડી કરી ખુરસી પર બેસાડી ચા

આપી ને સ્કૂટર વિશે પૂછ્યું.બાજુમાં રહેતા

જોશીભાઈએ કહ્યું,"સ્કૂટર ને મુકોને યાર

જાન બચી લાખો પાયે." હું તેને કેમ કરી

સમજાવું કે એ લકી સ્કુટરે જ મારી જાન

બચાવેલી. નહીંતર જો તે ચાલુ થયું હોત

તો હું ક્યાંય તેની સાથે દટાઈ ગયો હોત.

મારી લાશ પણ મળી ન હોત.


       અને તે રાતથી જ લૂંટફાટ ચાલુ થઈ

ગઈ.કોણ જાણે ક્યાંથી ધાડાં આવી ગયા.

માનવજાત બે ભાગમાં વહેંચાઈ ગઈ.દેવ

અને દાનવમાં.


     સેવાભાઈ માણસો સૌ ને બચાવવામાં

લાગી ગયા.અને લૂંટારાઓ મલબરૂપી

ઘરોમાં જઈ ઘાયલોને મારી મતા લૂંટવા

લાગ્યા.આવું સતત બીજે દિવસે સાંજ

સુધી ચાલ્યું.ઠેઠ બીજે દિવસે મોડી સાંજે

એસ આર પી અને પોલીસની કુમકો આવી

આખા શહેરને ઘેરી લૂંટ બંધ કરાવી.


       આ પછીની વાતો તો આપ સૌએ

ન્યૂઝમાં અને સમાચારપત્રોમાં વાંચી હશે કે,

રેલીમાં ઘણા બાળકો શિક્ષકો શિક્ષિકાઓ

મોત ને ભેટ્યા.ઘણા લોકો આઠ દશ દિવસે જીવતા મળ્યા.ઘણા પાગલ થઈ ગયા.

શમશાનોમાં લાશોની લાઈનો લાગેલી.

ઘાયલોને ગુજરાતની અલગ અલગ જગ્યાની હોસ્પિટલોમાં હેલિકોપ્ટર ની મદદે લઈ ગયા.


     ગુજરાતમાંથી અને બહારથી અનેક

સેવાભાવી સંસ્થાઓ આવી જેણે રસોડા

અને મેડિકલ કેમ્પો શરૂ કર્યા.s t એ મફત

સેવા ચાલુ કરી.તેમાં સુનિલદત અને વિનોદ

ખના જેવા ફિલ્મી હીરો પણ સામેલ થયા.


     ચૌદમેં દિવસે જ્યાં મારુ સ્કૂટર પડ્યું

હતું ત્યાં બુલડોજરીયું પહોંચ્યું.નાનો મોટો

બને ત્યાં હાજર હતા.

      તેના આગળના ભાગના પતરા થોડા

વળી ગયેલા.ચાવી પણ તેમાંજ લાગેલી

હતી.નાનાએ અડધી કિક મારી ત્યાં ચાલુ

થઈ ગયેલું.


      ઘેર લાવ્યા ત્યાં આજુબાજુ વાળાઓએ

મશ્કરી કરી "રાજુભાઇ ફાફડા તો ખવડાવો."

માહોલ થોડો હલકો થયેલો.મેં કહ્યું "એ તો

ડીકીમાં પડ્યા છે.બાજુમાં રહેતા એક ટીખડી

જુવાને ડીકી ખોલી.જલેબી કૂતરાઓને આપી દીધી. અને ફાફડા એક મોટી થાળીમાં રાખી ત્યાં બેઠેલાઓને એક એક નાનો ટુકડો

આપી કહ્યું,"ચાલો છેલ્લા ઘાણવાનાં ફાફડા

ખાવા." અને સૌ વચ્ચે હાસ્યનું મોજું ફરી

વળ્યું.


      હું આ વિતક કથા વર્ણવું છું એના કરતાં

સો ઘણું મેં નજરે જોયું જાણ્યું છે.મેં મને

જેવું આવડ્યું તેવું લખ્યું.પણ જો લખવા

બેસું તો પાંચસો પાના ઓછા પડે.અને કદાચ

ના પણ લખી શકું.


      આપે પણ આ થોડું અનુભવ્યું છે.પ્રભુ

આવું તાંડવઃ કોઈને ન બતાડે.એવી આપણે

સૌ પ્રાર્થના કરીએ.અને પર્યાવરણ ને ખૂબ

બચાવીએ એવી સદબુદ્ધિ મળે એવી અરજ

કરીએ.


-------------------

રાજેન્દ્ર સોલંકી.

વડોદરા.

9825634709.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ