વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગૃહિણીનો જન્મદિવસ

ગૃહિણીનો જન્મદિવસ



                  આજે સીમા સવારથી ખુશખુશાલ હતી. આખો દિવસ ઘરમાં જ પસાર કરવાનો હતો, છતાં પણ સજીધજીને તૈયાર થઈ હતી. આજે સીમાનું તૈયાર થઈને પછી ઘરનું કામકાજ કરવું એ વાત પર ઘરના બધા આશ્ચર્યચકિત થયાં હતાં.  સીમાને સહુ કોઈએ આમ તૈયાર થવાનું કારણ પુછતા, "બસ, એમ જ." બધાને એટલો ટૂંકો જવાબ જ મળ્યો.

                 સાંજ પડી છતાં પણ ઘરમાં રહેલા કોઈ પણ વ્યક્તિ સીમાની ખુશીનું કારણ જાણી શક્યા નહીં. સાંજે સીમાએ આખા ઘરને દીવડાઓથી સજાવી દીધું. રસોડામાં બે-ચાર ફરસાણ સાથે મીઠાઈ પણ બનાવી. દીવાળી ન હોવાં આંગણું રંગોળીથી સજાવી દીધું.

                 સાંજે ડાઇનિંગ ટેબલ પર જાતજાતની વાનગી ગોઠવાઈ ગઈ અને વચ્ચે સરસ મજાની સીમાએ જાતે જ બનાવીને ફૂલોથી સજાવેલી કેક ગોઠવાઈ ગઈ. કેક જોતાની સાથે જ બાળકો દોડ્યા, એ સાથે જ સીમાએ એને અટકાવ્યા,   "અરે અરે, થોભો થોડીવાર. હમણાં કટ કરીએ છીએ હોં. ચાલો દાદા-દાદી, પપ્પા, અંકલ-આંન્ટી બધાને અહીં હાજર કરો." બંને બાળકો દોડતા ગયાં ને એક જ મિનિટમાં બધાને હાથ પકડી પકડીને દોડાવતાં આવ્યા.

                 બધા આવી ગયાં. સહુ કોઈ આજના દિવસને કેમ ખાસ બનાવ્યો એ જાણવા ઉત્સુક હતાં. સીમાના પતિ આનંદે ઉંચા અવાજે સવાલ કર્યો, "આ શું સવારનું માંડ્યું છે તેં? નથી કોઈ વાર-તહેવાર કે નથી કોઈ ઉત્સવ-મહોત્સવ."

                   સીમાએ આનંદે કરેલ ગુસ્સાને પી જઈને હસતા મોઢે જ ઉતર આપ્યો, "ઘરના દરેક સભ્યોના જન્મદિવસે આપણે કોઈને કોઈ હોટલમાં જ પાર્ટી રાખીએ છીએ, પણ આજે આપણા ઘરમાં એક ગૃહિણીનો જન્મદિવસ છે.  આજે એ એના જીવનની ચાલીસી વટાવી ગઈ એટલે એમને એના હાથે જ પાર્ટી આપવાનું મન થયું. આ છે તમને બધાને એના તરફથી જન્મદિવસની પાર્ટી." આટલું કહીને સીમા કેક તરફ આગળ વધી અને સહુએ સીમાને જન્મદિવસની વધામણી આપી.

✍ ©️ - તેજલ વઘાસીયા

(ઉમરાળી, જુનાગઢ)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ