વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

Proud to be..

તપન! તપન! ત.. પ.. ન.. એય તપન, સાંભળ તો ખરો!


​ઘરની બહાર, કાનમાં ઇયરફોન્સ લગાવીને ભાગતાં તપનની પાછળ એની મંમી પણ બૂમો પાડતી પાડતી ટિફિન લઈને ભાગી રહી હતી. તપન તો મોબાઇલમાં વાત કરવામાં જ મસ્ત હતો. આખરે સોસાયટીના નાકે સામેથી આવતા કોઈકે તેને ઇશારાથી સમજાવ્યું કે કોઈ તને બોલાવી રહ્યું છે. તપન અટકયો, એણે પાછળ ફરી, થોડા ડગલા મંમી તરફ ભર્યા, એની પાસેથી ટિફિન લીધું. ચાલુ મોબાઈલે, ઇશારાથી 'સોરી' કહ્યું અને 'જય ભગવાન' બોલી ચાલવા માંડ્યું. બીજી તરફ મંમી પણ મનોમન  'આ મોબાઇલ તો છોકરાઓથી છૂટતો જ નથી' એવું બબડતી બબડતી ઘર તરફ ગઈ. ​


****************************'********' ****


​​તપન સાધારણ કુટુંબમાં જન્મેલો,  આશાસ્પદ યુવાન છોકરો હતો. કોમ્પ્યુટર સાયન્સના કોર્સમાં અભ્યાસ કરવા માટે એ રોજ બરોડાથી આણંદ અપડાઉન કરતો હતો. એનું સોમથી શુક્રવારનું રુટીન ફિક્સ હતું. રોજ સવારે 5:30 ​વાગે ઊઠીને, પરવારીને 7: 05ની ટ્રેન પકડી, મિત્રો સાથે મોજમસ્તી અને હસીખુશીની વાતો  કરતાં કોલેજ પહોંચવું. સાંજે 5:45 ની ટ્રેનમાં કોલેજ એટેન્ડ કરીને ઘર ભેગા થવું. 7:15 વાગે સાંજનું જમવાનું પતાવી સોસાયટીના નાકે જઈ મિત્રો સાથે બેસવું. ત્યાં એલોકો જોડે દુનિયાભરના સમાચાર પર ચર્ચાઓ કરવી. નજીકના આવનાર તહેવારો સોસાયટીમાં કઇ રીતે ઉજવવા એનું પ્લાનીંગ કરવું વગેરે. રાતે ઘેર આવીને કુટુંબીજનો જોડે થોડી વાતો કરવી અને સૂઈ જવું...


કોલેજનું પહેલું વરસ તો ક્યાં પસાર થઈ ગયું, એને એ સમજાયું જ ન હતું પણ બીજા વરસથી એને સંયુક્ત કુટુંબમાં પોતાની જવાબદારીનો પૂરેપૂરો અહેસાસ થવા માંડયો હતો. એણે મનોમન વિચારી લીધું હતું કે શનિ - રવિની રજાઓમાં ક્યાં પાર્ટ ટાઇમ કામ કરીને, પપ્પાને અને કાકાને મદદરૂપ થવું અને ઘરની કાયાપલટ કરવી.


*********'*******************'********'****

​નાઝનિન - જેને તપન લાડથી 'નાઝુ' બોલાવતો. આઠમા ધોરણથી, એની ગર્લ ફ્રેન્ડ હતી. બંનેજણ એકબીજાને ખૂબ સારી રીતે સમજતા હતા અને બંને એકબીજાની નાની નાની વાતોની ખૂબ સંભાળ રાખતા. મુશ્કેલીમાં એકબીજાની પડખે ઊભા રહેતા અને એમાંથી બહાર નીકળવાનો અનુકૂળ માર્ગ શોધતાં. બંનેના ઘરમાં બધાંને એવું જ હતું કે એ લોકો સારા ફ્રેન્ડસ છે. અલગ ધર્મને લીધે એલોકો ઘરમાં આ વાત કરવાની હિંમત કરી ન હતા શક્યા. તપન એટલે પણ જલ્દી પગભર થવા ઇચ્છતો હતો કે જેથી નાઝનિનના ઘરવાળાને વિશ્વાસ અપાવી શકે કે એ એને યોગ્ય રીતે સાચવી શકશે.

નાઝનિન! એ દિવસને કઈ રીતે ભૂલી શકે જ્યારે એને ખબર પડી કે  એના નાના લાડકા ભાઈ રિયાનને હૃદયમાં તકલીફ છે અને એને બચાવવા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ વિકલ્પ જ નથી. એ રડી રડીને ગાંડી થઈ ગઈ હતી. ત્યારે તપને એને સમજાવી હતી અને એના એક ઓળખીતા આંટી પાસે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવા લઈ ગયો હતો. તપને જ એને આશાનું કિરણ બ​તાવ્યું હતું અને એ જ આશાને લીધે જ એને  જિંદગી જીવવાનું બળ મળ્યું હતું. એલોકોએ ત્યાંથી નીકળતા જ નક્કી કરી લીધું હતું કે આ સંસ્થા સાથે તેઓ ભવિષ્યમાં ચોક્કસ જોડાશે અને તેમનાથી બની શકે તેટલી મદદ કરશે. નાઝનિનના પરિવારને પણ એ દિવસથી તપન એક ફરિશ્તા સમાન લાગતો હતો. પછી તો એલોકોએ ફ્રેન્ડસને આ વાત જણાવી અને પછી બધાંએ જોડે મસ્તી કરતાં કરતાં એક સકારાત્મક વિડિયો પણ બનાવ્યો હતો!


ઓ.. ઓ.. ઓ.. ઓ.... ઓ... ઓઓઓ..

જીવતાં જીવતાં કોણ રહી જવાનું છે કાયમ માટે અહીં..

ચલોને, કશું કરી દઈએ એવું..

રેલાવી દઈએ સાચું સ્મિત કોઈના હૃદય મહી..

પાથરી દઈએ થોડી અમથી હૂંફ કોઈના જીવનમહી..

​ઓ.. ઓ.. ઓ.. ઓ.. ઓ.. ઓઓઓ...

​***************************************

એ દિવસે.....

મોબાઇલ પર વાત કરતાં કરતાં જ ​એની પાછળ દોડતી, મંમીના હાથમાંથી ટિફિન લઈને, તપન કોલેજ જવા નીકળે છે....

​નાઝનિનને  છોકરો જોવા આવવાનો હતો અને એટલે જ બંને જણ કોલેજ શરૂ થાય એ પહેલાં જ ઊંડાણથી ચર્ચા કરી લેવા માંગતા હતા. બંને જણે નક્કી પણ કરી લીધું હતું કે બને એટલું જલદી જ કુટુંબીજનોને તેમના સંબંધ અંગેની જાણ કરી દેશે. જેથી ભવિષ્યમાં આવી તકલીફોનો સામનો ન કરવો પડે.


બીજી બાજુ, મંમી ઘેર ચિંતામાં હતી કે તપનનીની ટ્રેન પકડાઈ હશે કે નહીં! એણે તપનને ફોન જોડયો. તપનની ટ્રેન તો પકડાઈ હતી પણ બેસવાની જગ્યા ન હતી મળી. એણે ફોન ઉપાડ્યો પણ કશું સંભળાતું ન હતું એટલે એ પેસેજમાં દરવાજા તરફ,વાત કરવા ગયો. હલો.. હલો કરતાં એણે દરવાજા નું હેંડલ પકડી વાત કરવાની કોશિશ કરી. ત્યાં જ જોશથી ધક્કો વાગ્યો અને એ ટ્રેનમાંથી નીચે પટકાયો. એના ફ્રેન્ડસે બૂમાબૂમ કરી, ટ્રેનની સાંકળ ખેંચી, ટ્રેન ઊભી રખાવી અને તપન પાસે પહોંચ્યા. તપન ગંભીર રીતે ઘવાયો હતો અને એનું શરીર એના સ્વપના સાથે લોહીના ખાબોચિયાંમાં તરફડી રહ્યું હતું. મિત્રોએ એમ્બ્યુલન્સ બોલાવી અને એને નજીકની હોસ્પિટલમાં ખસેડયો. એને તાત્કાલિક વધારે લોહીની જરૂર હતી. વધારે સારી અને વ્યવસ્થિત સારવાર માટે એને જલ્દી જ બરોડાની હોસ્પિટલમાં ખસેડાયો. બ્લડ બેંકમાંથી જાણવા મળ્યું કે એ તો ખૂબ રેગ્યુલર બ્લડ ડોનેટ કરતો હતો! બ્લડ બેંકનો બધો જ સ્ટાફ એને ખૂબ સારી રીતે ઓળખતો હતો. એટલું જ નહીં ત્યાંના સ્ટાફ મેમ્બર્સને એ જુદી જુદી રીતે મદદ પણ કરતો હતો. કોકવાર પુષ્પગુચ્છ તો કોકવાર મિઠાઇ વહેંચી, સૌના ચહેરા પર મીઠું સ્મિત લાવવા પ્રયાસ કરતો. કુટુંબના સભ્યો માટે આ વાત તદ્દન નવી હતી. ફક્ત નાઝુને આછેરો ખ્યાલ હતો. કદાચ, આથી જ એને લોહી મેળવવામાં તકલીફ ના પડી, બ્લડ બેંકની આખી ટીમ એને જે પણ મદદ જોઇએ તે કરવા તત્પર હતી.


સિનિયર ડોક્ટરોની ટીમ ખડેપગે એની સારવારમાં લાગી ગઈ હતી, પરંતુ કુદરતે કોના માટે શું વિચાર્યું હોય છે એ ક્યારેય ક્યાં કોઈને સમજાયું જ છે? ડોક્ટર્સના અથાગ પ્રયત્નો પછી પણ તેઓ તપનને કોમામાં સરી પડતાં અટકાવી ન શકયા! થોડાં સમયમાં જ ડોક્ટર્સ પાસે એને 'બ્રેઈન ડેડ' ડિકલેર કરવા સિવાય કોઈ વિકલ્પ જ ન રહ્યો. પરિવાર માટે આ ઘટના વ્રજઘાત સમાન હતી. કોઈ માની જ નહતું શકતું કે એમના લાડકા તપન જોડે આવું કંઇક થઈ શકે. સોસાયટીમાં વાયુવેગે સમાચાર ફેલાયા કે તપને એના પ્રાણ છોડી દીધા છે. લોકો પરિવારને સાંત્વના આપવા હોસ્પિટલ પહોંચ્યા તો, ત્યાં એની શોકમગ્ન માતાની હાલત જોઈ નહતી શકાતી અને એના પિતા સતત કોઈ દોડાદોડીમાં અટવાયેલા લાગ્યા. સામાન્ય લોકોને સમજાતું ન હતું કે શું થઇ રહ્યું છે? શું એમનો તપન હજી જીવિત છે અને શું એ સારો તો થઇ જશે ને? તો પછી આ મૃત્યુની અફવા કેમ?


ખરેખર,હકીકત એ હતી કે ડોક્ટરના 'બ્રેઈન ડેડ' ડિકલેર કર્યા બાદ, કુટુંબીજનોએ અંદરોઅંદર ચર્ચા કરીને તપનના 'ઓર્ગન ડોનેશન'નું હિંમતભયુઁ પગલું લીધું હતું. કુટુંબીજનો માટે તપનને ગુમાવવાનું દુખ અસહ્ય હતું પણ તેનાં કોઈ અંગો કોક 'તપન' ને નવું જીવન બક્ષશે એ આશ્વાસન ખૂબ મોટું હતું.


************************************

'ઓર્ગન ડોનેશન' ની એક આખી અટપટી અને જટિલ પ્રક્રિયા હોય છે. જેમાં જુદાં જુદાં શહેરોની ડોક્ટરોની ટીમ અને સપોર્ટ સ્ટાફની ટીમ એમની સૂઝબૂઝ, કુશળતા, ખૂબ જ સમયસૂચકતા અને તકેદારી સાથે કાર્યરત હોય છે. ડોક્ટર્સે જાહેર કર્યું કે તપનના સાત ઓર્ગન્સનું ડોનેશન શક્ય છે હાર્ટ, લીવર, બે કિડની, લન્ગસ અને બે ચક્ષુ.  


કેડેવરના ઓર્ગન્સ સમયસર સરખી રીતે જાળવવા અને  જરૂરિયાતમંદ દર્દીમાં યોગ્ય રીતે અને યોગ્ય સમયે ઇમ્પ્લાન્ટ કરવામાં ખૂબ તકેદારી અને કુશળતા રાખવી પડતી હોય છે. એમને ઇમ્પ્લાન્ટ કરવામાં પણ ક્રમ જાળવવો પડતો હોય છે અને અમૂક પદ્ધતિ અને નિયમ મુજબ જ કામ કરવું પડતું હોય છે. ડોક્ટર્સ યુદ્ધના ધોરણે કામે લાગી ગયા.

*************'***************************


ડોક્ટર્સ તરફથી જાહેર કરવામાં આવ્યું કે તપનનું હૃદય એક બાળકને, લન્ગસ હૈદરાબાદના એક 25 વર્ષના યુવાનને, લીવર સુરતના 45 વર્ષના પુરૂષને, બંને કિડની અમદાવાદના બે દર્દીઓને અને ચક્ષુદાન લોકલ આયબેન્કને કરવામાં આવશે. ટૂંકમાં જુદાં જુદાં શહેરોની જુદીજુદી ટીમ્સે ભેગાં મળી આ ઉમદા કાર્યને સફળતા અપાવવાની હતી. સૌથી વધારે લાંબુ  અંતર હૈદરાબાદ લન્ગસ પહોંચાડવાનુ હતું જ્યાં લગભગ 1100 કિમીનું અંતર 170 મિનિટમાં કાપવાનું જરૂરી હતું. એકબાજુ ડોક્ટરની ટીમ 'ગ્રીન કોરિડોર'ની અને ઓર્ગન લેનાર દર્દીની સારવારમાં લાગી ગઈ તો બીજી બાજુ જેમ જેમ તપનના સમાચાર પ્રસરતા ગયા તેમ તેમ હોસ્પિટલમાં ભીડ એકઠી થવા લાગી.

'નાઝુ' સદંતર સ્વસ્થતા ગુમાવી ચૂકી હતી. એક લાશની જેમ એ શૂન્યમનસ્ક થઈ ચૂકી હતી. એને જ્યારે ઓચિંતા સમાચાર મળ્યા કે રિયાનને તપનનું હૃદય મળવાનું છે ત્યારે તેની ખુશી આટલા કારમાં આઘાત વચ્ચે પણ છલકાતી નહતી.! અલ્લાહનો આ કેવો ચમત્કાર! ખુદાએ એના 'તપન'ના હૃદયને એના જ ઘરમાં જીવિત રાખ્યું.! નાઝુની  આંખો સામેથી આખો એ દિવસ પસાર થઈ ગયો, જ્યારે તપન એને રિયાન માટે હાર્ટ ઈમ્પલાન્ટનુ રજિસ્ટ્રેશન કરાવવા લઈ ગયો હતો. એ દિવસે, તપને જ એને જીવવાનું જોમ પૂરું પાડ્યું હતું અને આજે પણ તપન જ.... ચોધાર આંસુથી રડતાં એને કોઈ રોકી ન શકયું. રિયાન અને તપન બંને ચહેરા એની અશ્રુભરી આંખોમાં તગતગી રહ્યા. મનોમન એણે તપનને છેલ્લી વારનું ભેટી લીધું. તપન અને એણે સાથે જોયેલા સ્વપ્નો એક જ ઝાટકે આટલા જલ્દી રોળાઈ જશે એવી એણે કલ્પના પણ નહતી કરી. એના છેલ્લા મેસેજીસ, એનો છેલ્લલો અવાજ,છેલ્લું આશ્વાસન ,સાંજે ઘરે આવીને મળવાની વાત બધું જ ફકત સંભારણાં તરીકે કેદ થઈને રહી ગયું.પણ તપન એના રિયાનને જીવાડતો ગયો અને કદાચ એને ખુદને પણ.. એવું મનોમન બોલી એ નિર્ણય કરે છે કે હું પોતે પોતાના ઓર્ગન ડોનેશનનું રજિસ્ટ્રેશન કરાવીશ અને એ સંસ્થા જોડે જોડાઈને બીજાને જીવાડવા માટે જાગૃતતા ફેલાવીશ. તપન જો પોતાના મૃત્યુ પછી પણ હૂંફ પીરસીને બીજાને જીવાડી શકતો હોય તો આના જેવું ઉતમ કાર્ય બીજું શું હોઈ શકે?


અચાનક જ તેને સંભળાય છે..


ઓ.. ઓ.. ઓ.. ઓ.... ઓ... ઓઓઓ..

જીવતાં જીવતાં કોણ રહી જવાનું છે કાયમ માટે અહીં..

ચલોને, કશું કરી દઈએ એવું..

રેલાવી દઈએ સાચું સ્મિત કોઈના હૃદય મહી..

પાથરી દઈએ થોડી અમથી હૂંફ કોઈના જીવનમહી..

​ઓ.. ઓ.. ઓ.. ઓ.. ઓ.. ઓઓઓ...

​***************************************

ખૂબ દોડાદોડી વચ્ચે આખરે તપનના બધા જ ઓર્ગનનું સમયસર ડોનેશન શક્ય બન્યું. ઓર્ગન લેનાર દરેક વ્યક્તિ આકરી વેદના અને પીડામાંથી પસાર થઈ રહી હતી અને દરેકના કુટુંબ માટે 'તપન' એક મસીહારૂપ સાબિત થઈ ચૂક્યો હતો. દરેકના અંતરમાંથી તપનના આત્મા અને કુટુંબીજનો માટે આશીર્વાદ વરસી રહ્યા હતાં. ઠેરઠેર એ જ ચર્ચા હતી કે જનાર આત્મા તો આ શરીરમાંથી વિદાય થઈ ગયો પણ કંઇકેટલાયને નવું જીવન બક્ષતો ગયો.! ઓર્ગન લેનાર એક દર્દી જ નહીં, પરંતુ એની જોડે સંકળાયેલા સૌ કોઇ એક અજાણી વ્યક્તિના, આવા પગલાંથી નવું જીવન અને જોમ પામતા હોય છે.


તપનની પ્રાર્થના સભા કંઇક અલગ જ હતી, તપનની જેમ જ તો... . ​

એના હસતા ચહેરાની નીચે સાતે સાત ઓર્ગનસ મેળવનારના ચહેરા હતાં. ઓર્ગન ડોનેશન સંસ્થાની ટીમે આવીને લોકોને ભારતમાં ઓર્ગન ડોનેશનની સાચી પરિસ્થિતિની જાણકારી આપી અને તપનના કુટુંબીજનોએ કપરા સમયમાં દાખવેલી દીર્ઘ દ્રષ્ટિ અને પરોપકારી ભાવનાને બિરદાવી.શહેરના અગ્રગણ્ય વ્યક્તિ, ડોક્ટર્સ, બ્લડ ડોનેશનની ટીમ અને સંતોએ જણાવ્યું કે કોઈપણ પેરેન્ટસ માટે બાળક ગુમાવવાનું દુઃખ પચાવવું સરળ નથી હોતું. એવા કપરા સમયે, તપનના પરિવારે મનની સ્વસ્થતા ટકાવીને પણ જે પગલું ભર્યું તે ખૂબ સરાહનીય છે. ત્યારબાદ, સાતેય દર્દીઓએ આભાર માનતો, રેકોર્ડ કરેલો વિડિયો - લોકોને બતાવવામાં ​આવ્યો. ત્યાં હાજર રહેલું કોઈ જ અશ્રુધોધ ખાળી ન શક્યું. જેને તપન વિશે કંઈ કહેવું હોય તેવા લોકોને આગળ આવી બોલવા જણાવ્યું. એમાં તો કલ્પના બહાર લોકોની લાઈન લાગી. બધાં જ આતુર હતા એ જણાવવા કે તપને કઈ રીતે કઠિન પરિસ્થિતિમાં તેમને જુદી જુદી રીતે મદદ કરી હતી. કહેવાય છે ને કે સત્કાર્ય એવા કરવા કે તમારી બીજી આંખને પણ ખબર ના પડે. તપન કદાચ એવું જ જીવ્યો હતો. કુટુંબીજનોને હવે સમજાયું હતુ કે એ આખો દિવસ મોબાઈલમાં વાત કરીને શું કરતો હતો! કેટલાય બધાં સંબંધો એણે બનાવ્યા હતા અને ખરા દિલથી નિભાવ્યા હતા. ફક્ત સાંત્વનાભરી વાતો કરીને પણ એણે લોકોની તકલીફો ઉકેલી હતી. કેટલાય લોકો માટે એ 'સંકટ સમયની સાંકળ' હતો.

​અંતમાં, તપનના પિતાએ સર્વેનો ખૂબ આભાર માન્યો અને પોતાનો ઉભરો ઠાલવતા કહ્યું કે, જિંદગીની હકીકત એ છે કે કોઈની પણ જોડે, ક્યારેય પણ કશું પણ થઈ શકે છે. ઘણીવાર પરિસ્થિતિના સ્વીકાર સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી બચતો. પરંતુ ત્યાં અટકી નથી રહી શકાતું .ગમે તેવા કપરા સંજોગોમાં પણ મનુષ્યએ જાતે જ ઊભા થવું પડે છે અને આગળ ધપવું જ પડે છે. નિયતિના કઠોર આઘાતને પચાવનાર આપણે ખુદ જ હોઈએ છીએ અને આઘાતને ખંખેરનાર પણ આપણે ખુદ જ હોઇએ છીએ.

એટલામાં તપનને ગમતા લાલચટક ડ્રેસમાં રિયાનનો હાથ પકડીને 'નાઝુ' આગળ આવી અને તપનના પપાને જણાવે છે કે અંકલ, આ રિયાનની સામે જૂઓ. નિયતિની કૃપા મેળવનાર પણ આપણે ખુદ જ હોઈએ છીએ ને! આપણા તપનનું હૃદય રિયાનમાં ધબકે છે!એના કરેલા કાર્યો આપણા બધાંમાં ધબકે છે અને સદાય ધબકતાં જ રહેશે. આટલું બોલી એણે સૌને આવા બીજા અનેક તપનને કાયમ માટે જીવાડવા ખાતર ઓર્ગન  ડોનેશનનું રજિસ્ટ્રેશન કરવા જણાવ્યું. ઘણાં બધાંએ હોંશભેર રજિસ્ટ્રેશન કરાવ્યું પણ ખરું!


પ્રાર્થના સભામાં ચાલતી એ વિડિયોના શબ્દો, એ બધાં જ લોકોની સ્મૃતિમાં સચવાયેલા રહ્યા, છવાયેલા જ રહયા, કાયમ માટે, તપનની જેમ જ..


ઓ.. ઓ.. ઓ.. ઓ.... ઓ... ઓઓઓ..

જીવતાં જીવતાં કોણ રહી જવાનું છે કાયમ માટે અહીં..

ચલોને, કશું કરી દઈએ એવું..

રેલાવી દઈએ સાચું સ્મિત કોઈના હૃદય મહી..

પ્રસરાવી દઈએ થોડી અમથી હૂંફ કોઈના જીવનમહી..

​ઓ.. ઓ.. ઓ.. ઓ.. ઓ.. ઓઓઓ...






*******************************************



પૂર્વી ચોકસી


જૂન 2021










ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ