વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નક્કી ચોમાસું બેઠું!


મોર કેરા ટહુકા સંભળાય છે રાનમાં,

મંદ મીઠો વાયરો વાય છે મધુવનમાં.

નક્કી ચોમાસું બેઠું અરમાનમાં!


              ભીની ભીની માટી મહેકે છે ધરામાં,

              જગાડે છે સ્પંદનો અવનવા મારામાં.

              નક્કી ચોમાસું બેઠું અરમાનમાં!


કાળા ડિબાંગ નીરદ દેખાય છે ગગનમાં,

વ્યોમ-ધરાના મિલનના એંધાણ છે નયનમાં.

નક્કી ચોમાસું બેઠું અરમાનમાં! 


               પંખીઓનું ગહેકવું સંભળાયા કરે છે કાનમાં,

               લજ્જાની લાલીઓ ફૂટતી જણાય છે પાનમાં.

               નક્કી ચોમાસું બેઠું અરમાનમાં!


ઝાકળ બિંદુ સમ વ્હાલ વરસે છે તનમનમાં,

સાચવેલા સંભારણા તરસે છે કોઈના આગમનમાં.

નક્કી ચોમાસું બેઠું અરમાનમાં!


         અનરાધાર વરસાદ પડ્યો છે ઓતર દિશામાં,

         સંગે ભીંજાવવા પિયુનું આમંત્રણ આવ્યું સંદેશામાં.

         નક્કી ચોમાસું બેઠું અરમાનમાં!


લાગણીઓનું મેઘધનુષ ચીતરાય છે કવિ હૃદયમાં,

પ્રેમ-વિરહ 'ને શૃંગાર રસ આલેખાય છે કાવ્યમાં.

નક્કી ચોમાસું બેઠું અરમાનમાં!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ