વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોલા : પુસ્તક સમીક્ષા

નવલકથા :- કોલા

લેખક :- હિતેષ પાટડીયા

પ્રકાશન :- શોપિઝન પ્રકાશનગૃહ અમદાવાદ

રિવ્યૂ :- ખુશાલ રાજપૂત 

 

‘કોલા’ નવલકથા! પહેલી દષ્ટિએ નામ વાંચતા મનમાં સહજ પ્રશ્ન જન્મે કે, ‘કોલા’ શું છે? પરંતુ જેવી આ નવલકથા હાથમાં આવે છે કે બસ! એ સમયના અવિરત વહેતા પ્રવાહમાં તણાઈ જવાઈ છે. કહો તો સ્ફુરતી કલાના વિલાસથી સુકુમાર, અનેક રસોની અનુભૂતિ કરાવતી, હદયમાં ઉછાળા મારતાં પ્રેમવાળી અને પોતાના હદયશ્વેરને મળવાં ઉત્સુક એવી આ નવવધૂસમાન ‘કોલા’ નવલકથા વાંચકોના મનને હરી લે છે. 

 

આદિવાસી વાગ્યભૂમિમાં રચાયેલી આ નવલકથા નહીંવત વાક્ય સંવાદો દ્વારા આ કથાનકને એવી રીતે ગૂંથ્યુ છેકે, વાંચકોને લેશ માત્ર પણ કંટાળો નથી આવતો. નહીંવત સંવાદો દ્વારા આ નવલકથાને પૂર્ણ કરવી ખરેખર હિતેષભાઈ માટે પડકારરૂપ સાબિત થઈ હશે અને આ પાછળ થયેલી મહેનત પણ નજરે ચડે છે.

 

કોલા, ઝુમ્બારૂ, ગીલી, ટાલા, નેપાથે, કમોરા, જૂજૂ અન્ય ઘણા બધાં પાત્રો નજર સમક્ષ તરવરી ઉઠે છે. ખાસ કરીને ‘ઝુમ્બારૂ’. આમ તો કથાનો નાયક કોલા છે, પરંતુ ચહેરા પર હાસ્ય અને વાંચતી વખતે આવતો આનંદ ઝુમ્બારૂના પાત્રથી ઉભો થાય છે. મારા દિલને છેદીને જો કોઈ પાત્ર સોંસરવું ઉતરી ગયું હોય તો છે, એકમાત્ર ‘ઝુમ્બારૂ’. 

 

“માનવમનના ભાવોનું જાળું મગજનાં ન્યૂરોન્સને આભારી કે મગજના ન્યૂરોન્સની ગુણવત્તા માનવમનના ભાવોની તીવ્રતાને આભારી?” આ સહજ તર્ક સાથે લખાયેલી આ નવલકથા વાંચકોને મોટા ઝાટકાઓ આપે છે. જેમાં હિતેષભાઈની તર્કબુદ્ધિનો ખ્યાલ આંખે ઉડીને વળગે છે. આદિવાસી કાળની ઝીણામાં ઝીણી બાબતો ઉપર પણ ગહન વિચાર સાથે આ નવલકથા લખાઈ છે, જે વાંચતી વેળાએ સમજાય છે. એમાં જે મગજના ઘોડાઓ દોડાવ્યા છે, એના માટે હિતેષભાઈની પીઠ થપથપાવી પડે - શંકાને સ્થાન નહીં. 

 

“ઉત્ક્રાંતિની લાંબી સફરમાં સાધનો ભલે ધીમે વિકસ્યાં હશે, પરંતુ માનવમનની લાગણી કે ભાવજગતને વિકસતાં બહું વાર નહીં લાગી હોય.” આ વાક્યને સિદ્ધ કરતી નવલકથા એટલે ‘કોલા’.

 

આદિવાસી કાળને ધ્યાનમાં લઈને જોઈએ તો આ નવલકથા લખવી કઠીન છે. કારણ કે, એ સમયનું બારિકાઇ પૂર્વક નિરિક્ષણ કરવું, તે સમયની માનવ વ્યવસ્થા, નીતિ, પધ્ધતિ, લગ્ન કે પરિવારની વ્યવસ્થા, નેતાપણું, ખાનપાન અને મનોરંજનની વ્યવસ્થા, રહેઠાણ, પહેરશે કે પછી રિવાજોને આધારે કથાનકને ગૂથવુ પડે. જેમાં હિતેષભાઈ ખરેખર સફળ થયા છે. ઉપરથી તેમની કલમ સરળ, મધૂર, કાવ્યાત્મક અને મનોહર છે. જેથી જ આ નવલકથા એક વિશાળ ફલકમાં વિશ્વૃતિ પામે છે. આ કથામાં તમને લાંબા વર્ણનો અને ઓછા ઘટનાક્રમ કે પછી ક્યારે ટૂંકુ વર્ણન અને સટાસટ ચાલતાં ઘટનાક્રમોમાં તમને અજંપાભરી સ્થિતિમાંથી કુતૂહલ પેદાં કરશે. ઉપરથી ઘટનાક્રમોની તીવ્રતા, અવઢવ, બદલાતાં સમિકરણો વાંચકોનો રસ સતત વધારતાં રહે છે.

 

‘કોલા’ નવલકથામાં માનવભાવોને આલેખાયેલો એક નમૂનો : ગીલીની આંખો સજ્જડ થઈ ગઈ હતી. લાગણીઓ ઘૂઘવતો દરિયો જાણે તોફાને ચડ્યો હતો. ચિંતાના તાપમાં આ દરિયાના પાણીનું બાષ્પીભવાન થઈ રહ્યું હતું. ખારાશ વધતી જતી હતી. દરિયો સૂકાવાં લાગ્યો હતો. જાણે ઓટ આવી હતી. જે અવિરત ચાલુ હતી. જેટલું તળિયું ખુલ્લું પડતું હતું ત્યાં ખારાશની અક્કડતા જણાતી હતી. ખારાશની કડકાઈમાં જમીન તરડાવાં લાગી હતી. તેની આંખોના ખૂણાંની જેમ - કારણ કે આંસુની ખારાશ પણ ત્યાં સ્થિર થઈ ગઈ હતી. લાગણીઓનો પ્રવાહ શાંત થતો લાગતો હતો. કદાચ થીજી ગયો હતો. ના, લાગણીઓ ઓછી નહોતી થઈ. તેનો પ્રભાવ તો વધ્યો હતો. તેની જ તીવ્રતાના પ્રખર તાપમાં પસ્તાવાની ખારાશ જ જાણે બચી હતી. 

 

અંત તરફ જતાં વચમાં એક જગ્યાએ સહેજ કંટાળો આવે છે, પરંતુ ત્યાં જ લેખક એવા સમિકરણો વાંચકોની સમક્ષ મૂકે છે કે શબ્દો સરર કરતાં આગળ વધવા માંડે છે. અંતે લખું તો, “આદિવાસી વાગ્યભૂમિમાં રસયમુનાને તીરે વિરાજતી આ કોલા નવલકથા તો અક્ષરપ્રબંધ તાજમહેલ છે. જગતના વાગમય મણિભંડારમાં 'કોલા' અનેક જ્યોત કોહિનૂર છે. જગતના સાહિત્યના ઝવેરખાનામાં આ એક અને અદ્વિતીય છે.” લેખક હિતેષભાઈએ કથાનકના તાણાવાણાને એક અદભૂત રીતે ગૂંથ્યા છે કે કથાનો અંત આવે છે ત્યા સુધી વાંચકોનો કૂતુહલવૃતિ જળવાઈ રહે છે. શૈલી, વસ્તુગૂફનકલા, કથાપદ્ધતિ, જીવનદર્શન, રસનિષ્પતિ વગેરે અનેક માપદંડોને ધ્યાનમાં રાખીને જોઈએ તો આ નવલકથા શ્રેષ્ઠ છે - ખરી ઉતરે છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ