વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અસ્તિત્વ

અસ્તિત્વ

---------------
હું હાંફી રહ્યો હતો. મારા શ્વાસ ફૂલી રહ્યા હતા. છતાં પણ, દોડવાની રફતાર મેં ધીમી ન કરી. મધરાતનો સન્નાટો ચીરતો હું ભાગતો જ રહ્યો. સડક સૂમસામ હતી. કૂતરાઓનો રડવાનો ભયાવહ અવાજ વાતાવરણને ભારે બનાવવા સક્ષમ હતો. રાતની નીરવતામાં આ સિવાય માત્ર મારા જોડાનો નિરંતર ‘ઠક-ઠક’ અવાજ પ્રસરી રહ્યો હતો. જો કે આ કંઈ માત્ર આજની વાત તો હતી નહીં. લગભગ દરેક ચોરી પછી મારે આમ જ રાતે-મધરાતે ભાગવું પડતું, અને દરેક વખતે હું આબાદ પલાયન પણ થઈ જતો. પોલીસને હાથતાળી આપ્યા બાદ હું મનોમન બબડતોયે ખરો, “મને ગિરફ્તાર કરી શકે એવો કોઈ માઈનો લાલ આજ સુધી પેદા નથી થયો!” અને પછી માથાનો એક ઝટકો મારી, ખભા ઊલાળી, મારા વધેલા વાળમાં ઉપરથી નીચે સુધી બંને હાથો ભરાવી, હું પાછળની તરફ એક ‘પોની ટેલ’ વાળી દેતો.

મેં મનોમન ફેંકેલા આ પડકારને યાદ કરીને ખુદ હું જ સહેજ મલકાઈ ઊઠ્યો. પરંતુ, હું સમજી શકતો હતો કે મારા આ મલકાટ પાછળ આજે એક અજાણ્યો ફફડાટ છુપાયેલો છે. ને એમાં આ અડધી રાતનું અંધારું મને વધુ ડરાવી રહ્યું હતું. આજે મારી હિંમત તૂટી રહી હતી. ઝડપાઈ જવાનો ડર મારા દોડતા પગને ધ્રૂજાવી રહ્યો હતો.

આમ તો ચોરી કરવાની મારી ચીલઝડપ અને કાબેલિયત ભલભલા અફસરોને થાપ ખવડાવી ચૂકી હતી. વારંવારની એમની નિષ્ફળતાને પરિણામે સમયાંતરે એમની બદલીનો બોમ્બ ફૂટતો રહેતો. પણ હુંયે શું કરું? હું તો નિષ્ઠાથી મારું કામ કર્યે જતો હતો. ભલે લૂંટફાટ એ બેઈમાનીનું કામ હતું, પણ એ કરતો હું પૂરી ઈમાનદારીથી હતો!

હું આટલો ઘડાયેલો હોવા છતાં પણ આ વખતે મારી ગણતરી ઊંધી પડી રહી હતી. નવો આવેલો પોલીસ ઓફિસર ખૂબ બાહોશ જણાતો હતો. શરીરે એ કોઈ પહેલવાન જેવો પડછંદ હતો. માથાના વાંકડિયા વાળ એને કોઈક સાઉથની મૂવીના હીરો જેવો ‘લુક’ આપતા હતા. એક પોલીસ ઓફિસરને શોભે એવો કઠોર ચહેરો, અને એ ચહેરા પર વળ ચઢાવેલી મોટી રાઠોડી મૂછ... દેખાવથી જ એ ઇન્સ્પેક્ટર ઝનૂની જણાતો હતો. ઉપરથી, ખાખી વર્દી એને જાંબાઝ હોવાનું પ્રમાણપત્ર આપી રહી હતી!

આજે નક્કી કોઈકે એને બાતમી આપી હશે, તો જ એ વેતાળની પેઠે મારી પાછળ પડ્યો હતો. જો કે મને તો મારા પરવરદિગાર પર સંપૂર્ણ ભરોસો હતો. મારી સાઠગાંઠ જો હતી એમની સાથે. અરે, ચોરીમાંથી મળતાં દલ્લામાંથી અડધોઅડધ હિસ્સો એમને પહોંચી જતો હતો, નિયમિત રીતે.. અને એના બદલામાં મને અગાઉથી બધી માહિતી મળી રહેતી... ક્યાં હાથ સાફ કરવો, ક્યારે અને કેવી યોજના બનાવવી - એની પૂરતી સૂચના મળી રહેતી.

અને આ વખતે તો પરવરદિગારે મને રીતસરનો ચેતવી દીધો હતો કે, પોલીસ ડિપાર્ટમેન્ટ હવે સાબદું બની ગયું છે. તેઓ હવે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. મારી ગિરફ્તારીમાં હવે વિજ્ઞાનની કોઈ અસરકારક તકનીકનો વપરાશ થવાનો હતો. અને પરવરદિગારની આ અંદરખાનેથી મેળવેલી જાણકારી સચોટ જ હોવાનો મને વિશ્વાસ હતો. આખરે તો પરવર દિગાર પોતે એક નિવૃત્ત પોલિસ કમિશ્નર હતા – મિ. પરવર દિગાર ખાન...

પણ હવે હું ખરેખર થાકી રહ્યો હતો, ચિંતાગ્રસ્ત પણ થઈ રહ્યો હતો. કાળી અંધારી રાતમાં લપાતો છુપાતો હું પેલા જાંબાઝ ઇન્સ્પેક્ટરથી બચવા માટે કોઈક સુરક્ષિત જગ્યાની તલાશ કરી રહ્યો હતો. એટલામાં એક નાનકડી દુકાન મારી નજરે ચઢી, જેની પાછલી બારી જરા ઊંચકાયેલી - અધખૂલી હતી. આગળ પાછળ વિચાર્યા વગર મેં એના કટાયેલાં સળિયા વચ્ચેથી જગ્યા કરી દુકાનની અંદર છલાંગ લગાવી દીધી. અંધારામાં હું જ્યાં પડ્યો ત્યાં એ જ સ્થિતિમાં બેસી રહ્યો. થોડીવારમાં જ બહાર સડક પરથી પોલીસની જીપ પસાર થવાનો અવાજ સંભળાયો. હેડલાઇટનો પ્રકાશ ક્ષણવાર માટે દરવાજાની ફાટમાંથી દુકાનની અંદર પથરાયો. પ્રકાશના એ લિસોટામાં મેં અનુમાન લગાવ્યું કે આ એક બુકસ્ટોર છે. નાની અમસ્તી જગ્યામાં ખૂણેખાંચરે પુસ્તકો તથા વર્તમાનપત્રો ગોઠવેલાં હતાં, તો અમુક જગ્યાએ સામયિકો લટકાવી રાખ્યાં હતાં.

ખરેખર તો હું ત્યારે ચોંકી ઊઠ્યો, જ્યારે મારી ઊડતી નજર એક કરડાકીભર્યા ચહેરા પર પડી. એ જ વાંકડિયા વાળ, એ જ કઠોર ચહેરો અને ચહેરા પર પણ એ જ વળ ચઢાવેલી મોટી મૂછ... પળ વાર માટે ઝબકેલા પ્રકાશમાં પણ એ કાગળ પર છપાયેલો ચહેરો ઓળખતા મને વાર ન લાગી. એ સૂરત હતી પેલા નવા નિયુક્ત થયેલા, અને મારી પાછળ હાથ ધોઈને પડેલા કાબેલ પોલીસ ઓફિસરની... હું ભયસૂચક આશ્ચર્ય અનુભવી રહ્યો! ખરેખર જ ઇન્સ્પેક્ટર ચબરાક અને કાબેલ હશે, તો જ પોતે અખબારમાં ચમકે છે. મેં ઝપટ મારીને એ છપાયેલો કાગળ ખેંચ્યો. દુકાનની પાછળના ભાગમાં થોડે દૂર આવેલા લાઇટનાં થાંભલા પર એક પીળો બલ્બ ઝબૂક ઝબૂક થઈ રહ્યો હતો. એના ચાલુ-બંધ થતાં આછા અજવાળા સામે એ કાગળ ધરીને મેં ઝીણી આંખે જોયું. એ કોઈ અખબાર નહીં, પરંતુ કોઈક નવી પ્રકાશિત થયેલી નવલકથાનું પુસ્તક જેવું લાગતું હતું. હવે હું વધુ ગૂંચવાયો. એ ઇન્સ્પેક્ટર વાર્તામાં..? આ નવલકથામાં..? મેં પુસ્તક ખોલ્યું; પ્રસ્તાવના વાંચી; પાત્ર-પરિચય વાંચ્યો; અને એ સાથે જ હચમચી ઊઠ્યો...   

ધીમે ધીમે હવે મારી સમજમાં આવી રહ્યું હતું. મારા માર્ગદર્શક - પરવર દિગારે મને ચેતવ્યો હતો એ યાદ આવ્યું – ‘આ વખતે પોલીસ ડિપાર્ટમેન્ટ મને જેર કરવા માટે, વિજ્ઞાનની કોઈક અત્યંત આધુનિક તકનીકનો ઉપયોગ કરીને અશક્ય લાગતો કોઈક પેંતરો રચવાની ફિરાકમાં છે..!’

એ હકીકતની જાણ થતાં જ કે, મારી પાછળ પડેલો આ ઇન્સ્પેક્ટર કોઈ જીવિત વ્યક્તિ નહીં... પરંતુ, નવલકથાનું એક કાલ્પનિક પાત્ર છે, મારું માથું ભમવા માંડ્યું... આ કેવી રીતે શક્ય બને? આવું થઈ શકે? એક કાલ્પનિક પાત્ર, ભલે ને વાર્તામાં એ ખૂબ જ બાહોશ હોય.. પણ શું મને ગિરફ્તાર કરી શકશે? શું એ મને માત આપી શકશે? જો કે હાલની વાસ્તવિકતા તો એ જ હતી કે, એ પાત્ર જ મને દોડાવી રહ્યું હતું, હંફાવી રહ્યું હતું..! તો પછી શું મારા માટે એ પાત્રરૂપી ઇન્સ્પેક્ટરને, કે જેનું અસ્તિત્વ જ નથી, થાપ આપવી શક્ય બનશે? હું પરસેવે રેબઝેબ થઈ ઊઠયો. હ્રદયના ધબકારા જાણે કે ધમણની ગતિએ તેજ થયા. મસ્તિષ્કમાં નકારાત્મક વિચારોનો વંટોળ ફૂંકાયો...

મેં બહાર નજર કરી. રસ્તો સાફ જણાયો. ઇન્સ્પેક્ટરની જીપ દૂર નીકળી ચૂકી હતી. મેં મારા માર્ગદર્શક – નિવૃત્ત પોલીસ કમિશ્નર પરવર દિગાર ખાનનો સહારો લેવાનું નક્કી કર્યું. આખરે મારી મહેનતમાંથી એમને પણ મોટો હિસ્સો મળવાનો નક્કી હતો. એ પોતે જ તો મારી ચોરીઓ માટે આયોજન કરતા, છટકબારીઓ શોધતા. ખાનસાહેબ કમિશ્નરપદેથી નિવૃત્ત થઈ ચૂક્યા હતા, છતાંયે પોલીસ ખાતામાં ચાલતી ગતિવિધિઓની રજેરજથી વાકેફ હતા. એમને ખુફિયા માહિતી મળતી રહેતી હતી. એક રીતે જોવા જઈએ તો હું એ પરવર દિગાર માટે જ કામ કરી રહ્યો હતો.

મેં ખાનસાહેબના બંગલા તરફ દોટ મૂકી. મધરાતે પણ એમના બંગલાનો દરવાજો થોડો ખૂલ્લો હતો. ડ્રોઈંગરૂમમાં એ પોતે સફેદ ઝભ્ભો પહેરીને રોકિંગ ચેર પર બેઠા હતા. આંખો પર જાડા કાચના ચશ્માં ચઢાવીને કંઈક ડાયરી જેવું લખવામાં મશગૂલ જણાતા હતા. હું ચૂપચાપ હાંફતો હાંફતો એમની સામેના સોફા પર જઈને બેઠો. એમણે મારી તરફ નજર ઊંચી કર્યા વગર જ એક હળવું સ્મિત ફરકાવ્યું અને લખવાનું ચાલુ જ રાખ્યું!

હું થોડો ડરેલો ને અસમંજસમાં સ્થિર બેસી રહ્યો. એમનું લખવાનું બંધ થાય એની રાહ જોઈ રહ્યો હતો, કેમ કે હું જાણતો હતો કે એમને કોઈ ખલેલ પહોંચાડે એ પસંદ નહોતું. મેં આજુબાજુ મારી નજર ફેલાવવા માંડી. શો-કેસમાં, કબાટ પર, ટેબલ પર, બધે જ - ક્યાંક બંદૂકના તો ક્યાંક યુદ્ધવિષયક ચિત્રો તેમજ શો-પીસ ગોઠવેલાં હતાં. પરંતુ, એ બધી અહિંસાસૂચક ચીજ-વસ્તુઓથી સાવ અલગ જ ખૂણાની દીવાલ પર એક વિશાળ તૈલચિત્ર મારી નજરને આકર્ષી ગયું. ચિત્રમાં એક સુંદર, જુવાન અને ગુલાબની કાચી કળી જેવી ફૂટડી છોકરી જાણે કે શરમાઈ રહી હતી. મેં અનુમાન લગાવ્યું કે એ કમિશ્નરની દીકરી હોવી જોઈએ. ચિત્રમાં પૂરેલા તૈલી રંગો એ છોકરીની ગોરી ચામડીને વધુ લીસી બનાવતા હતા. એનાં વિખરાયેલા અને બેપરવા વાળ.. વાળની નીચે અડધી ઢંકાયેલી એની આંખો.. ઝૂકેલી પાંપણો.. તેમજ હલકા નારંગી રંગની લિપસ્ટિક એનાં મુલાયમ હોઠને વધુ રસાળ બનાવતી હતી. એનાં કામણગારા ચહેરાની નીચે, ગરદન તરફના ઢોળાવ પર એક ઘેરા કાળા રંગનો તલ જાણે કે એનાં સૌંદર્યની કાયનાત પર ચાર ચાંદ લગાવી રહ્યો હતો! મને હાલની લગભગ બધી જ વિકટ પરિસ્થિતિ ભૂલીને એ તૈલચિત્રમાં પ્રવેશી જવાની ઉત્કટ ઈચ્છા થઈ આવી.. મારું મન એવી રીતે ઊછળી રહ્યું હતું, જાણે કમિશ્નર સાહેબ પોતની ડાયરી પૂરી કરે ત્યાં સુધી થોડી ક્ષણો માટે એ સુંદરીને બાહુપાશમાં લઈને એનાં ગળા પર શોભી રહેલા એ તલને હળવું ચુંબન કરી આવું. પરંતુ, ન તો એ શક્ય હતું કે ન તો મારા ભાગ્યમાં એવું લખાયેલું હતું!

મારી તંદ્રા ત્યારે તૂટી, જ્યારે બંગલાની બહાર કોઈક વાહનની ઘરઘરાટી સંભળાઈ. તૈલચિત્રના તલનો માયાવી મોહ છોડી હું મારી દુનિયામાં પાછો ફર્યો. એટલામાં જ, કમિશ્નરનો ઈશારો થયો, ને હું ઊભો થઈ ગયો. ડ્રોઈંગરૂમમાં કાચના અનેક કબાટો હતા, એમાંના ઘણાખરા તો પુસ્તકોનાં જ હતા. મેં એક સ્ટિલનો કબાટ ખોલ્યો ને એમાં સંતાઈ ગયો. હું એ કબાટના દરવાજાની તિરાડમાંથી બહારનું નિરીક્ષણ કરવા લાગ્યો.

મારા હ્રદયના ધબકારા ત્યારે વધ્યા, જ્યારે બંગલાની બહારથી પેલા ભયાનક ઇન્સ્પેક્ટરને મેં અંદર પ્રવેશતા જોયો. શું એણે મારું પગેરું મેળવી લીધું હશે? શું નવલકથાનું આ કાલ્પનિક પાત્ર ખરેખર મારા માટે મુસીબત ખડી કરશે? આટલો રીઢો ગુનેગાર હું, શું એક એવા ઇન્સ્પેક્ટર દ્વારા ગિરફ્તાર થઈશ કે જેનું ખરેખર કોઈ અસ્તિત્વ જ નથી? એવી વ્યકિત કે જે લોકોના માનસમાં માત્ર અને માત્ર મનોરંજન માટે જ છે, વાસ્તવિકતામાં છે જ નહીં... એ મને પરાસ્ત કરશે?

“ચોરને ઝબ્બે કરવા માટે કોઈકના બંગલાની તલાશી લો ઇન્સ્પેક્ટર, તો તમે એને ક્યાં ક્યાં શોધશો?” કમિશ્નર સાહેબે જાણે કે ઇન્સ્પેક્ટરને આડકતરો ઈશારો કર્યો. મને કંઈક શંકા ગઈ. ઇન્સ્પેક્ટરના કાલ્પનિક પાત્ર સાથે કમિશ્નર પરવર દિગાર ખાનને વાત કરતા જોઈ હું ચોંકી ઊઠ્યો! હું કબાટમાં જ આસપાસ નજર ઘૂમાવી રહ્યો હતો. અહીં પણ થોડા ઘણા પુસ્તકો ગોઠવ્યાં હતાં. એની પર વારાફરતી મારી નજર ફરી વળી, ને હું ખળભળી ઊઠ્યો. ઘણા ખરા પુસ્તકો પર આ કાલ્પનિક ઇન્સ્પેક્ટરનો જ કરડાકીભર્યો ચહેરો છપાયેલો હતો!

મારું દિમાગ હવે ચકરાવે ચઢ્યું. તો શું આ નિવૃત્ત કમિશ્નર મિ. પરવર દિગાર ખાન એ પોતે એક વાર્તાકાર છે? નવલકથાકાર છે? એમની નિવૃત્તિ પછીની વૃત્તિ? અને શું આ ઇન્સ્પેક્ટર એ પરવર દિગાર ખાને પોતે જ રચેલું પાત્ર છે? હું સ્તબ્ધ થઈ ગયો. શું કમિશ્નર મારી સાથે ડબલ ગેઈમ રમે છે..?

કમિશ્નરનો ઈશારો પામી જઈ ઇન્સ્પેક્ટર ચોતરફ નજર ઘુમાવતો છેવટે એ જ કબાટની આગળ આવીને ઊભો રહ્યો, કે જેમાં હું સંતાયો હતો. મારી ધડકનો તેજ બની. સાથે સાથે દાંત પણ ભીંસાયા. કોઈકવાર પોલીસના હાથે પકડાઈ જવાના સંજોગો ઊભા થતા જણાઈ તો મારે શું કરવું એ પણ મને કમિશ્નર પરવર દિગાર ઉર્ફે આ લેખક પરવર દિગારે સૂચના આપી જ રાખી હતી. એ સૂચન યાદ કરીને હું ખંધુ હસ્યો. હિંમત એકઠી કરીને મેં ખિસ્સામાંથી રામપુરી ચાકુ ખેંચી કાઢ્યો. ઇન્સ્પેક્ટરને પણ જાણે કે કબાટની અંદર કંઈક અણસાર આવ્યો હોય એમ એણે પોતાના પોકેટમાંથી સર્વિસ રિવોલ્વર બહાર કાઢી. કબાટનો દરવાજો ઉઘાડવા હળવે રહીને પોતાનો હાથ લંબાવ્યો. હું તમાશો જોઈ રહ્યો હતો કે શું થાય..

ને જેવો કબાટનો દરવાજો ઊઘડ્યો કે બીજી જ પળે મેં પળનોયે વિલંબ કર્યા વિના એ કાલ્પનિક ઇન્સ્પેક્ટરના પેટમાં રામપુરી હૂલાવી દીધું.

 

અને એ જ સમયે રિવોલ્વરનું ટ્રિગર પણ દબાયું. ‘સ..ન..ન..ન..’ કરતી ગોળી છૂટી, અને સીધી મારી છાતી સોંસરવી ઊતરી ગઈ! અમારા બંનેના શરીર લોહીના ફુવારા છોડી રહ્યાં હતાં. અમે જમીન પર ઢળી પડ્યા. અમારા આખરી શ્વાસ ચાલી રહ્યા હતા. ફર્શ પર લોહીનું ખાબોચિયું બની રહ્યું હતું. હવે કોઈ પણ ક્ષણે અમારું બંનેયનું પ્રાણપંખેરું ઊડી જાય એવી પરિસ્થિતિ હતી!

મૂર્છિત અવસ્થામાં હું મારી અડધી મિંચાયેલી આંખોથી જોવાની કોશિશ કરી રહ્યો હતો. હું હેરત તથા આઘાત અનુભવી રહ્યો હતો. આટલી મોટી દુર્ઘટના ઘટી ગઈ હતી... લગભગ બે કતલ – બે લાશ પડવાની તૈયારી હતી.. છતાંયે કમિશ્નર પરવર દિગારના પેટનું પાણીયે હલતું નહોતું! ખાનસાહેબ તો લખવામાં જ તલ્લીન હતા.

પરંતુ, હું આ શું જોઈ રહ્યો છું? તેઓ પોતાનું માથું ધુણાવી રહ્યા છે. જાણે કે કોઈક વાતને રદિયો ન આપતા હોય? એમનાથી કોઈક મોટી ભૂલ થઈ હોય એવું એમનું વર્તન જણાતું હતું. અકળામણ અનુભવી રહ્યા હતા. જેની પર બેઠા હતા એ ખુરશીનાં હાથા પર પોતાની મુઠ્ઠી પછાડી રહ્યા હતા..

પછી ઊંડા વિચારોમાં ગરક થયા. અને અચાનક એક આંચકાથી પોતે બંધ કરેલી ડાયરી ફરીથી ઉઘાડી. એમાં એમણે થોડી વાર પહેલાં જ લખેલાં છેલ્લાં અમુક વાક્યો છેકી નાખ્યા. અને ફરીથી કંઈક નવા વાક્યો વિચારવામાં મશગૂલ થયા.. અને એ સાથે જ મારા અને ઇન્સ્પેક્ટર, બંનેના શરીરમાંથી થઈ રહેલો રક્તસ્ત્રાવ બંધ થયો. અમને કળ વળી રહી હતી. હોશ આવી રહ્યો હતો. આંખો ખૂલી રહી હતી. અમે બંને ઊભા થયા. હું હાથમાં રામપુરી ચાકુ સાથે, ઊંધા મોઢે કબાટમાં સંતાયો. કબાટનો દરવાજો બંધ થયો. અને ઇન્સ્પેક્ટર પોતાની સર્વિસ રિવોલ્વર સાથે કબાટની બહાર ઊભો રહ્યો. ઈન્સ્પેક્ટરે રિવોલ્વર પોકેટમાં મૂકી, અને મેં રામપુરી મારા ખિસ્સામાં સરકાવ્યું. કમિશ્નર સાહેબની ડાયરીમાંથી છેકાયેલા આઠ-દસ વાક્યોનું ઊંધુ ચલચિત્ર ચાલ્યું... ફરી હું કબાટમાં સંતાઈને એની તિરાડમાંથી ધડકતા હૃદયે બહાર તાકી રહ્યો હતો. અને ઇન્સ્પેક્ટર બંગલામાં પ્રવેશી રહ્યો હતો..

હવે મને પણ અહેસાસ થઈ રહ્યો હતો... હું હવે ધીમે-ધીમે સમજી રહ્યો હતો, સ્વીકારી રહ્યો હતો કે.. ઇન્સ્પેક્ટરની જેમ જ હું પણ એક કાલ્પનિક પાત્ર જ છું! ખાન સાહેબની નવલકથાનું એક પાત્ર માત્ર..

એટલામાં જ.. કમિશ્નર પરવર દિગાર ખાન મનોમન બબડ્યા, “આ વાર્તાનો અંત કંઈક જુદો વિચારવો પડશે... ચોટદાર, રોમાંચક, અને સનસનાટીપૂર્ણ.. ચોર-પોલીસની નવલકથાઓની આ શૃંખલા સમાપ્ત કરવાનો હાલમાં તો કોઈ ઈરાદો નથી..!”

આખરે એમની કલમ ફરી એકવાર ચાલવા લાગી. કંઈક લખાઈ રહ્યું હતું. હું અને ઇન્સ્પેક્ટર, નવલકથાના અમે બંને કાલ્પનિક પાત્રો, એક્બીજા સામે પ્રશ્નાર્થ નજરે તાકી રહ્યા... અમારા વજૂદનું જાણે કે અમે પોતે જ મૂલ્યાંકન કરી રહ્યા હતા... “ભલે આપણે વાર્તામાં એકબીજાના કટ્ટર દુશ્મનો, પરંતુ દોસ્ત બનીને આપણે એક્બીજાને જીવાડી શકીએ.” ઈન્સ્પેક્ટરે મારા મનની વાત કરી.

“હા દોસ્ત, આપણા રચયિતા કરતા તો આપણે વધુ લોકપ્રિય.. આપણું અસ્તિત્વ ટકવું જ જોઈએ. ભલે ને એ માટે આપણા સર્જનહારનો જ અંત કેમ ન લાવવો પડે..” મેં લગભગ નિશ્ચય કરી જ લીધો હતો.

અમે એ સમજી ચૂક્યા હતા કે અમારો રચનાકાર જ્યારે પોતાની કલમથી અથવા તો પોતે રચેલા પાત્રોથી ધરાઈ જશે, ત્યારે અમારો અકાળે અંત આણી દેશે! પરંતુ, નવલકથાની વાર્તાનાં અમે બંને કાલ્પનિક પાત્રો, હવે અમારું પોતાનું વજૂદ ખુદ બનાવવા - અમારું અસ્તિત્વ ખુદ ટકાવવા કટિબદ્ધ બન્યા હતા.. અમે એક ઘાતકી નિર્ણય લઈને કમિશ્નર તરફ આગળ વધ્યા. એમની પીઠ પાછળ મેં રામપુરી ચાકુ ઉગામ્યું. ઇન્સ્પેક્ટરે પોતાના ચહેરા પર કરડાકી લાવીને રિવોલ્વર એમની તરફ તાકી. ટ્રીગર પર એની આંગળી દબાવાને હવે ક્ષણમાત્રની વાર હતી. મારા ચાકુની ધારદાર અણી પણ કમિશ્નરની પીઠની એકદમ લગોલગ પહોંચી ચૂકી હતી... બસ હવે બંને તરફથી જીવલેણ હુમલો, અને અમારા જન્મદાતાનો અંત નિશ્ચિત..

પણ, પણ... આ શું? મારો હાથ હવામાં જ સ્થિર થઈ ગયો. ઇન્સ્પેક્ટર પોતે પણ એક પ્રતિમા જેવો બની ચૂક્યો હતો. અમારા બંનેના શરીરમાં રહેલું બળ જાણે કે હણાઈ ચૂક્યું હતું!

સ્થિર મુદ્રામાં પણ મેં જોયું.. કમિશ્નરની કલમની અણી તૂટી ગઈ હતી. એમનું લખવાનું એકાએક અટકી પડ્યું હતું! ઇન્સ્પેક્ટર હજુ પણ મૂર્તિમંત બનીને ઊભો હતો. રામપુરી ચાકુવાળો મારો હાથ હજુ પણ હવામાં જ લહેરાઈ રહ્યો હતો!

રચનાકારની રચના અધવચ્ચે જ અટકી પડી હતી...


***સમાપ્ત***

(શબ્દો : ૨૨૨૨)

'મમતા' વાર્તામાસિકના 11મા વર્ષમાં પ્રવેશના અવસરે એના નવવર્ષાંક (દિવાળી-વિશેષાંક * નવે/ડિસે-૨૦૨૧)માં મારી આ નવલિકા 'અસ્તિત્વ' પ્રગટ થઈ છે.

મમતાના મહાનાયક શ્રી મધુ રાય સાહેબ દ્વારા શ્રી સંજયભાઈ ઉપાધ્યાયને એક કપરી કામગીરી સોંપવામાં આવી હતી - મમતાના 10 વર્ષના 100 અંકોની લગભગ 750થી વધુ વાર્તાઓમાંથી આવતી કાલના વાર્તાકારોની શ્રેષ્ઠ 11 વાર્તાઓ પસંદ કરવી; અને એના એક વિશેષાંકનું સંપાદન કરવું. એ અંતર્ગત 'ડ્રિમ ઇલેવન' વિશેષાંકમાં મારી વાર્તા ‘અસ્તિત્વ’ સ્થાન પામી એ બદલ મારી કલમ હૃદયપૂર્વક એમના માટે આભારની આતશબાજી કરે છે.

પ્રસ્તુત વાર્તા આ અગાઉ મમતા-ફેબ્રુ.2018માં જ પ્રકાશિત થઈ ચૂકી છે.

આ કૃતિ ‘શોપિઝન’ ઉપર પ્રકાશિત કરતા હું હરખની લાગણી અનુભવું છું. ભાવકોના નિખાલસ પ્રતિભાવો આવકાર્ય.

આભાર.

*

ધર્મેશ ગાંધી
નવસારી

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ