વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડૂબકી

 

Hey sun,

Good morning,

શુભ પ્રભાત.

“Hey sun, now I’m 18th! Message to my mother, Dadima & Lord… I will come… I will come… I will come as early as possible…”

અનિરૂદ્ધ જોરથી હસવા માંડ્યો. મુક્ત અને ઉગતા સૂર્યની લાલીમા નીચે, ઝળહળું થતાં આભ નીચે, દૂર દૂર દોડતી, નાની નાની વાદળીને જાણે હાથમાં લઈ સ્પર્શવા લાગ્યો…

આજે અનિરૂદ્ધ અઢારનો થયો. બચપણથી જોયેલા શમણાં સાકાર કરવાનો સમય થયો.

"ઓની, ઓની, નીચે આવ."

પણ પોતાનામાં મસ્ત, અગાશીમાં કુદરતનું સૌંદર્ય માણતો અનિરૂદ્ધ સાંભળે તો ને! ફરી બૂમાબૂમ થઈ.

"ઓની, ઓની!"

બર્થ-ડેની શુભેચ્છા આપવા આવેલા મિત્રો ઉપર આવી ગયા.

“Hey sun, Message to my mother, Dadima & Lord… I will come and see you early.”

આટલું કહીને અનિરૂદ્ધ રડી પડ્યો. પોતાના સ્વર્ગસ્થ મા અને દાદીમાની યાદો તેના હૃદયને ઝંકૃત કરી ગઈ.

"ઓની, તું રડે છે?"

સામંથાએ વાત્સલ્યથી આલિંગન આપ્યું.

"Ya, I miss my mother and Dadima." કહેતો તે રડી પડ્યો.

બધાં જ મિત્રોએ તેને આલિંગનમાં લઈ લીધો.

"ઓની!" મુક્કો મારતા રોની ક્રિશ્ચિયન બોલ્યો, “આજે તો જોરદાર પાર્ટી, ક્લબ, સેક્સ, ડ્રગ્સ. યાહૂ!”

“ના યાર, કંઈક નવું કરીએ.” સામંથા બોલી.

“નવું એટલે?” આબિદ બોલ્યો.

“ચાલ નીચે તો જઈએ.” સામંથાએ ઓનીના વાળમાં હાથ પ્રસરાવ્યો.

“યાર, મારે તો કંઈક બનવું છે. એમ થાય છે કે સ્પેસમાં જઈને તારા અને ચાંદને ચૂમી ભરી લઉં.”

“રોની, તું તો પાગલ જેવી જ વાત કરે છે. સ્પેસમાં જવા માટે નાસા જોઈન કરવું પડે અને...”

“બસ બસ સામંથા, ડાહ્યી ડાહ્યી રડતી ઢીંગલી."

"તું અને આ ઓની, આબિદ..." રોની વધુ બોલવા જાય ત્યાં જ સામંથાનો મુક્કો તેના મોઢા પર આવી ગયો.

"યાર, મારે તો અમ્મા અબ્બુને લઈને પહેલા મક્કા મદીના જવું છે, પછી હું કંઈક બનીશ."

"આબિદ, તારી વિશ ભગવાન જલ્દી પૂરી કરે, આમીન." અનિરૂદ્ધ બોલી ઊઠ્યો.

"પણ, ઓની! તારે શું કરવું છે?"

"આજે? આજે મારા ગોડ, જોનાથન બર્ડ, સ્કુબા ડાઈવીંગના શહેનશાહ સાથે વાત કરવી છે અને..."

ત્યાં જ "હરે ક્રિષ્ણા હરે ક્રિષ્ણા, હરે ક્રિષ્ણા હરે હરે, હરે રામા હરે રામા" કરતી ટોળી રસ્તા પર નૃત્યમાં મગ્ન, ચળકતી આભાવાળી, સફેદ ધોતી અને કુર્તામાં સજ્જ યુવાન સાધુ સાધ્વી જોયા.

"મારે લોર્ડ ક્રિષ્ણાને મળવું છે." અનિરૂદ્ધ બોલી ઊઠ્યો.

"તો જા... ત્યાં જ જા" રોનીએ ધક્કો માર્યો અને અનિરૂદ્ધ પડી ગયો, ત્યાં સાધુ અને સાધ્વીના ટોળા વચ્ચે.

પ્રેમથી ઓનીને ઉઠાડી, તે સાધુ બોલ્યો, "પ્રભુ તારી મનોકામના પૂરી કરે."

ઓની જોરથી તે સાધુને ભેટી પડ્યો અને ચીસ પાડીને બોલ્યો. "થેંક યુ રોની... થેંક યુ રોની, હવે તો હું લોર્ડ ક્રિષ્ણાને મળીને જ રહીશ."

***

અનિરૂદ્ધ પ્રદ્યુમ્ન યાદવ.

લંડનના પોશ વિસ્તારમાં ધનાઢ્ય પરિવારમાં ઉછરેલો લાડકો દીકરો, મુગ્ધ કિશોર.

કહેવાય છેને કે 'દૂધના દાંત તૂટ્યા નથી અને મૂછનો દોરો ફૂટ્યો નથી.' મુગ્ધ કિશોર બસ તેવો જ મનમોહક કિશોર. ધાર્યું કરનારો, જિદ્દી, જક્કી પણ લાગણીશીલ, કોઈનું દુઃખ જોઈ રડી ઉઠનારો અનિરૂદ્ધ.

નાનો હતો ત્યારે એક દિવસ-

"દાદીમા દાદીમા, મમ્મા કયા ગઈ?"

"લોર્ડ ક્રિષ્ણાના ઘરે."

"લોર્ડ ક્રિષ્ણા ક્યાં રહે છે?"

"દ્વારિકામાં."

"દ્વારિકા ક્યાં આવ્યું?"

"ગુજરાત."

"અને ગુજરાત ક્યાં આવ્યું?"

"ભારતમાં, આઇ મીન ઇન્ડિયામાં."

"ઓહો! મારે મમ્મા પાસે જવું છે." બોર બોર જેવડા આંસુ વહાવતો નાનકડો અનિરૂદ્ધ ડુસકા લેતા લેતા બોલતો, "મારે લોર્ડ ક્રિષ્ણાને મળવું છે."

"ઓકે, પણ પહેલા મોટો થઈ જા."

"મોટો એટલે?"

"18th નો."

"ઓકે." કહેતા અનિરૂદ્ધ વાત્સલ્યથી ઉભરાતી, મમતામયી દાદીમાની છાતીમાં સમાઈ જતો.

થોડો મોટો થયો ત્યારે જાતે સર્ચ કર્યું મમ્મા વિશે, લોર્ડ ક્રિષ્ણા વિશે, દ્વારિકા વિશે.

"દાદીમા દાદીમા, આ લોર્ડ ક્રિષ્ણાની દ્વારિકા તો સમુદ્રમાં ડૂબી ગઈ છે. હવે મમ્મા અને લોર્ડ ક્રિષ્ણાને ક્યાં શોધું? દાદીમા... દાદીમા, ઊઠ, બોલ."

પણ દાદીમા ઊઠ્યા જ નહીં.

અનિરૂદ્ધે પ્રદ્યુમ્ન ડેડી સામે જોયું.

"દાદીમાને પણ લોર્ડ ક્રિષ્ણા લઈ ગયો." મનને મનાવી લીધું નાના અનિરૂદ્ધે. પણ દાદીમાના હેત, વાત્સલ્ય ઉપરાંત મીઠા શબ્દો કાનમાં ગુંજતા રહ્યા. "મમ્માને લોર્ડ ક્રિષ્ણા લઈ ગયો. લોર્ડ ક્રિષ્ણા દ્વારિકામાં, ગુજરાતમાં, ઇન્ડિયામાં રહે છે. દ્વારિકા દરિયામાં ડૂબી ગઈ છે.

એ નાનકડા અનિરૂદ્ધે બચપણથી મનમાં થામી લીધું, "ડૂબકી મારવી છે દરિયામાં. મમ્મા અને દાદીમાને, લોર્ડ ક્રિષ્ણાને મળવું જ છે. હું જઈશ, જરૂર જઈશ. ડૂબકી મારીને બધાને અહીં લઈ આવીશ."

એક ઝનૂન, એક સાહસ, કંઇક કરવાની તમન્ના, આ આખાય જગતને પામી લેવાની તમન્ના, જગતના દરેક સુખને પામી લેવાની ઈચ્છા, વડીલોની વિરૂદ્ધ બળવો ઉઠાવવાની તમન્ના, પોતાનું ધાર્યું કરવાની તમન્ના, જોશ, બહાદુરી, ઉત્સાહ. આ જ તો ઠાંસી ઠાંસીને ભર્યું છે કિશોરવયમાં. હજુ બચપણ ગયું નથી, હજુ યુવાની આવી નથી. તેવી વચ્ચેની અવસ્થા, મુગ્ધ અવસ્થા! કિશોર અવસ્થા. મા-બાપના વાત્સલ્યમાંથી ગર્લફ્રેન્ડના વાત્સલ્યમાં સમાવવાનું મનોમંથન એ જ મુગ્ધ અવસ્થા. એક હૂંફાળી દુનિયામાંથી જગતના સત્ય કઠોરતા તરફ જતું પ્રયાણનું પહેલું પગથિયું કિશોર અવસ્થા. બધા જ પોતાના લાગે, બધામાં જલ્દી વિશ્વાસ મૂકી દેવો, બધું જ મેળવવા અધીર થવું એ કિશોર અવસ્થા.

આ કિશોર અવસ્થા એ જ સાહસનું મૂળ સ્રોત. અહીં જો કિશોર ખોટા રવાડે ચઢી માર્ગ ભૂલે તો જીવન બરબાદીના પંથે અને સાચો માર્ગ પકડે તો આહા! તેને એવરેસ્ટ ચઢતા વાર નથી લાગતી, તેને કોઈ વાત અશક્ય નથી લાગતી.

મનમાં થાની લીધેલા અનિરૂદ્ધે પણ નક્કી કર્યું હતું, સ્કુબા ડાઈવીંગ.

ધનાઢ્ય પ્રદ્યુમ્ન ડેડીએ કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના તેના એકાઉન્ટમાં ડોલર ટ્રાન્સફર કરી દીધા, લાખો ડોલર.

આખરે આવા ધનાઢ્ય પિતા બાળકોને અઢળક સંપત્તિ સિવાય શું આપી શકે? સફળ બિઝનેસમેન હોવાથી તેમની પાસે અનિરૂદ્ધ માટે સમય તો હતો જ નહીં.

સ્કુબા ડાઇવીંગ શીખવતાં શીખવતાં અનિરૂદ્ધને મિત્રો મળ્યા. જાંબઝ અને દિલોજાન. આબિદ, સામંથા, રોની અલગ દુનિયામાં જીવતા હોય તેવું લાગતું તેમને.

દરિયામાં ડાઈવીંગ શૂટ પહેરી સ્કુબા ટેન્ક લગાવી ઊંડે ઊંડે સહેલ કરતા દરિયાને માણતા.

અલબત્ત આ માટે પહેલા તેઓ સ્વિમિંગ પુલમાં જંપ કરતા શીખ્યા. સ્વિમિંગ ટેસ્ટ આપ્યા. ત્યારબાદ દરિયામાં જવાની તેમની તીવ્ર ઇચ્છાએ, તેઓ દરિયામાં ડાઈવીંગ શીખ્યા. કલાકો સુધી સ્કુબાની એરટેંકમાંથી નળી વાટે શ્વાસ લેતા શીખ્યા. લેન્સની સામે ઘસી આવતી માછલીઓનો સામનો કરતા શીખ્યા. દરિયાના ઊંડાણમાં કોઈપણ ધારને સ્પર્શ કર્યા વિના તરતા શીખ્યા. અને ચારેય જણા આત્મવિશ્વાસથી સફળ "સ્કુબા ડાઈવર" થઈ ગયા, સજ્જ થયા. પોતાના શમણાં સાકાર કરતા.

અનિરૂદ્ધ મોટો થયો હતો, પણ મનોકામના ભૂલ્યો ન હતો. દ્વારિકા જવાની તીવ્ર ઇચ્છાએ ઈન્ટરનેટની દુનિયામાં કલાકો સુધી સફર કરતો.

ઘડીક પોતાની દાદીમાએ ભેટ આપેલ મેઘશ્યામ મનોહરની મૂર્તિ જોતો અને તેવી જ મૂર્તિ શોધવા દરિયાની નીચેની દુનિયામાં ખોવાઈ જતો.

આમેય પૃથ્વીના પંચાણું ટકા લોકો પૃથ્વી પર શું છે તેની વિશે જાણતા રહે છે, સંશોધન કરતા રહે છે. પરંતુ માત્ર પાંચ ટકા સંશોધન દરિયાની દુનિયા વિશે થાય છે અને તેના વિશે જાણતા થયા છે.

અનિરૂદ્ધ જોતો, વાચતો, તેનું હૃદય ધક ધક થતું, નેટ પર સર્ફિંગ કરતા તે રોમાંચિત થઈ જતો.

"આખી દ્વારિકા નગરી સોનાની! આ દ્વારિકા નગરી વિશ્વમાં એ સમયે અસ્તિત્વમાં હતી જ્યારે વિશ્વમાં અનેક ખૂણામાં માનવી હજુ અસ્તિત્વ માટે, ખોરાક પાણી માટે ઝઝૂમતો હતો.

આજના આધુનિક શહેર જેવું જ હતું દ્વારિકા. રસ્તા, બગીચા, મંદિર, પાણીની વ્યવસ્થા, પાકા મકાનો બધું જ હતું, દ્વારિકામાં અને તે પણ પાછળ કલાત્મક રીતે કંડારાયેલા. તે વખતે દ્વારિકા ઓખામંડળ તરીકે ઓળખાતું. આજથી આશરે ૯૦૦૦ વર્ષો પહેલાં ભારતમાં ધનાઢ્ય, સભ્ય સંસ્કૃતિ વસતી હતી. તેનું પ્રમાણપત્ર હતું દ્વારિકા નગરી. ૧૯૮૦માં એસ.આર. રાવે દ્વારિકાની પહેલી ઝલક સમુદ્રના ગર્ભમાં જોઈ. ગુજરાત સરકાર અને નેશનલ ઇન્સ. ઓફ ઓશનના સહયોગથી તેમણે દ્વારિકાની સંશોધન કર્યું; જે હજુ ચાલુ જ છે.

ખંભાતની ખાડીમાંથી માત્ર ૨૦ કિ.મી. દૂર તેમને દ્વારિકામાં અવશેષ મળ્યા. આ માટે નગર ન હતું, પણ રાજ્ય હતું. આશરે ૫૦૦ ચો.કિ.મી.માં પથરાયેલું. તેમાં તેમને જે અવશોષો મળ્યા તે સિંધુઘાટી કરતાં પણ પ્રાચીન હતા. દરિયાના પેટાળમાં ૪૦થી ૮૦ ફૂટ ઊંડે તેમને પથ્થરની વિશાળ દીવાલ મળી; કદાચ કિલ્લો હોય શકે. આ દીવાલમાં અનેક દ્વાર હતા, જેથી દ્વારિકા નામ પડ્યું હશે. અનેક કલાકૃતિ કંડારાયેલા પથ્થરો, વિશાળ હોજ મળી આવ્યા. ધાતુના સિક્કા મળી આવ્યા.

વિજ્ઞાન અને આધ્યાત્મિક સાથે કરી શ્રી રાવે જણાવ્યું, મહાભારતમાં ઉલ્લેખ કરેલ દ્વારિકા નગરી તે આ જ છે. પોતાના પરિવારને, સ્ત્રીઓને, યાદવોને રક્ષણ આપવા માટે શ્રીકૃષ્ણે જરાસંઘ સાથે યુદ્ધ છોડી, રણછોડ નામ ધારણ કરી ગુજરાત તરફ પ્રયાણ કરી દ્વારિકા વસાવ્યું. જગતમાં મહાભારત અને રામાયણનો ઉલ્લેખ "પરિકલ્પના" તરીકે થાય છે, "માયથોલોજી" તરીકે થાય છે. પરંતુ સત્ય તો એ છે કે રામાયણ અને મહાભારત એક પૌરાણિક કલ્પના કથા નથી, પણ સત્ય કથા છે. તેનું જીવતું જાગતું પ્રમાણ દ્વારિકાનગરી છે.

અનિરૂદ્ધને પ્રતીતિ થઈ કે જેમ દ્વારિકા સત્ય છે તો શ્રીકૃષ્ણ પણ સત્ય છે અને આ સત્યને શોધવા પણ દ્વારિકા જરૂર જઈશ.

સાંજ પડતાં અનિરૂદ્ધ ઉદાસ થઈ ગયો. અગાધ મિલકતો વચ્ચે અનિરૂદ્ધને એકલતા કોરી ખાતી હતી. મમ્મી અને દાદીની યાદ સતાવતી હતી. તે "મેઘશ્યામ મનમોહનની મૂર્તિ સાથે ઊભો રહી નીરખવા લાગ્યો. આજે તે ધ્યાનથી નીરખતો હતો. તેને એવું લાગ્યું, મૂર્તિ બોલી રહી છે. મૂર્તિનું સ્વરૂપ મારી જેવું.

અચાનક દાદીમા યાદ આવી ગયા.

"દાદીમા, લોર્ડ ક્રિષ્ણા કેવા લાગે છે?"

"Just like you." કહેતા દાદીમાએ ચૂમીથી નવડાવી દીધો હતો.

ક્યારેક હાથમાં વાંસળી, ક્યારેક મોરપીંછ, ક્યારેક પીળી પોતડી પહેરાવી દાદીમા "મારો કૃષ્ણ, મારો ગોવાળ" કહી વ્હાલ કરતા. તે બધું યાદ આવતા આંખ ભરાઈ આવી. તેણે નક્કી કર્યું, તે હવે ઇન્ડિયા જશે જ. આમેય કાલથી કૉલેજમાં વેકેશન હતું. તેણે સામંથાને કૉલ કરીને જણાવ્યું કે આવતા વિકમાં ઇન્ડિયા હશે.

"એકલો?"

"હા."

"પાગલ! હું, રોની, આબિદ પણ આવીશું."

"તમારું શું કામ છે ત્યાં?"

"તારું શું કામ છે ત્યાં? ઓની, મમ્મી અને દાદી મૃત્યુ પામ્યા છે; તે હકીકત છે, તો તું ત્યાં શોધવા કેમ જાય છે?"

"મને ખબર નથી. પણ કંઇક એવું છે જે મને ત્યાં બોલાવે છે. આ ડૂબેલી દ્વારિકાનગરી, એમાં રહેલી મનમોહક મૂર્તિ."

"ઓની, તને ખબર છે? ત્યાં દરિયામાં એવી પ્રજાતિ છે જે વિશ્વમાં ક્યાંય નથી. હું, રોની, આબિદ પણ આના વિશે વાંચીએ છીએ. અમે આવીશું જ."

"ખરેખર!"

"હા ખરેખર. ઇન્ડિયાના વિઝા, પ્લેનની ટિકિટ બુક કરાવ, અમે તૈયારી કરીએ."

અનિરૂદ્ધે પ્રવાસવર્ણન લખવા માટે વેબ એપ્લિકેશન પણ બનાવી દીધી, તેનું નામ આપ્યું, "અસાઆરો".

***

એ સમય, એ ક્ષણ આવી ગઈ. પોતાના હેન્ડબેગમાં મૂર્તિને સ્પર્શતા ફરી એક અનોખો રોમાંચ થઇ ગયો.

અનિરૂદ્ધ ઇન્ડિયાના ખુલ્લા, વિશાળ વાદળી આકાશમાં ઉડતાં ઉડતાં એક આધ્યાત્મિક અનુભૂતિ કરવા લાગ્યો. તેને ક્ષણ ક્ષણ એવું લાગવા માંડ્યું કે હવે તે મમ્મી, દાદીની નજીક છે, લોર્ડ ક્રિષ્ણાની નજીક છે. હૃદય પર હાથ રાખ્યો અનિરૂદ્ધે. જોરથી ધડકવા લાગ્યું, સ્વજનને મળવાની તાલાવેલીની સાથે. ભારતની પવિત્ર ભૂમિને સ્પર્શવાનો એક અનેરો આનંદ તેના ચહેરા પર તરવરવા લાગ્યો. છાતી ગજગજ ફૂલવા લાગી. મારી સંસ્કૃતિ.

"હું પહોંચી ગયો." પ્રદ્યુમ્ન ડેડને એક મેસેજ મોકલી, પોતાની હેન્ડબેગમાંથી દાદીએ આપેલ ચિત્ર અને મૂર્તિ મેજ પર મૂક્યા. જાણે આખો રંગ ઝળહળી ગયો એવું અનિરૂદ્ધને લાગ્યું.

રાત્રે સ્વપ્નમાં પણ મમ્મીનો ચહેરો દેખાયો. દાદીમાની બૂમ સાંભળી "મારા લાલ... મારા કાન્હા... મારા માધવ!"

"આવ્યો." કરતા અનિરૂદ્ધ પથારીમાંથી આંખ ચોળતો ઊભો થઈ ગયો. બારી બહાર અફાટ દરિયાના મોજાના અવાજો સિવાય કશું ન હતું.

સોનેરી સવાર થઈ. બાળ સૂર્ય પોતાના પ્રકાશિત કિરણો ફેલાવી રહ્યો હતો. પક્ષીઓનો કલરવ આકાશમાં ગુંજી રહ્યો હતો. અનિરૂદ્ધની આંખો ખુલી. હોટેલની બાલ્કનીમાંથી જોયું. દ્વારકાધીશની ધજા ગગનમાં લહેરાતી હતી. તેની આંખો બંધ થઈ, હવાનો ફરફર કરતો ઝોકો આવી ગયો. તેને સ્પર્શી ગયો. તેણે આંખ ખોલીને જોયું. દૂરથી ઊડતું ઊડતું એક મોરપીંછ તેના નજીક આવી પડ્યું અને દ્વારકાધીશની આરતીની ઝાલર શરૂ થઈ. તેનું શરીર રોમાંચથી કંપી ઊઠ્યું.

બધા જ મિત્રો દર્શન કરી દરિયાકિનારે પહોંચી ગયા, ઉત્સુક્તાવશ ફરવા લાગ્યા. ક્યાંથી સ્કુબા ડાઈવીંગ કરવું?

ત્યાંના પ્રખ્યાત સ્કુબા ડાઇવર બાબુભાઇનો સંપર્ક કર્યો. શરૂ થઈ દુનિયા દરિયાઈ સફરની.

પરંતુ દ્વારિકાના અમુક ભાગ પ્રતિબંધિત હતા. ત્યાં કઈ રીતે જવાશે? મૂર્તિ કઈ રીતે મળશે? શ્રી કૃષ્ણને કઈ રીતે મળાશે? અનિરૂદ્ધના મનમાં સવાલો ઊભા થયા. પરંતુ, એકવખત તો ચાલો કૂદી પડીએ.

પહેલે દિવસે તો પ્રતિબંધિત વિસ્તારથી દૂર ડાઈવિંગ કર્યું. એકમેકની સાથે સાંકળ બનાવી, દરિયામાં રહેતી ગોલ્ડન ફિશ જોઈ, અનેક લાંબા સાપ જોયા, દરિયાઈ ઘોડા જોયા, પૃથ્વી પર બીજે ક્યાંય ન હોય એવી દરિયાઈ વનસ્પતિ જોઈ.

દ્વારિકાના દરિયાની રેતીના કિનારે રેતીનો મહેલ બનાવ્યો. રોની ઘણો આવેશમાં હતો. તો સામંથા કંઇક વિચારમાં ડૂબી હતી. અનિરૂદ્ધને મનની વાત કઈ રીતે કહું?

આબિદ અને અનિરૂદ્ધ આમતેમ કરતા જગ્યાનું નિરીક્ષણ કરવા લાગ્યા.

"અહીં રેતીના કણકણમાં કૃષ્ણ વસે છે." એક ભક્ત બોલી ઉઠ્યો. "દૂર બેટદ્વારકા છે, પ્રભુનું નિવાસસ્થાન છે. શ્રીકૃષ્ણ તેમની પટરાણી સાથે ત્યાં જ નિવાસ કરતા હતા. દ્વારિકામાં શ્રીકૃષ્ણનું શાસન હતું. પરંતુ બેટદ્વારકામાં આઠેય પટરાણીનું શાસન હતું."

ચારેય મિત્રો બોટમાં બેસી સફર કરવા નીકળી પડ્યા.

અચંબિત! ચારે તરફ પાણી અને વચ્ચે બેટ. આવવા જવા માટે માત્ર એક જ રસ્તો.

"આ બેટનો આકાર એક શંખ જેવો છે." એક ભક્ત બોલી ઊઠ્યો.

"આપ કોણ છો?" અનિરૂદ્ધ આ તેજસ્વી લાગતા મનમોહક યુવાનને પૂછી બેઠો.

"હું? માધવ, અહીંનો ગાઈડ છું. આપને જરૂર હોય તો આપની સાથે આવી શકું."

"જરૂર, અમને ખૂબ ગમશે." માધવની તેજસ્વી મારકણી આંખો અને હોઠ પર મલકાતું હાસ્ય જોઈ સામંથા બોલી ઉઠી.

"તો ચાલો." આ બેટદ્વારકા ૩૪ ચોરસ કિ.મી. વર્ગમાં ફેલાયેલો ટાપુ. કહેવાય છે કે દુર્વાસાના શ્રાપ અને ગાંધારીના શ્રાપથી યાદવો અંદરોઅંદર લડીને મૃત્યુ પામ્યા. શ્રીકૃષ્ણના મૃત્યુ બાદ સમગ્ર દ્વારિકાનગરીને સમુદ્ર ગળી ગયો. પરંતુ બેટદ્વારકા, જ્યાં પ્રભુ નિવાસ કરતા હતા તે સ્થાન હજી અડીખમ છે. સમુદ્ર તેને સ્પર્શી શક્યો નથી.

હવેલીમાં શ્રીકૃષ્ણની મૂર્તિના દર્શન કરી ચારેય મિત્રો આધ્યાત્મિક સ્પંદનો અનુભવી રહ્યા.

અનિરૂદ્ધ ધીરે ધીરે સામંથા પાસે આવ્યો. આઠ પટરાણીના મહેલ પાસે લઈ જઈ બોલ્યો, "સામંથા, તું મારી રૂક્ષ્મણી બનીશ?"

આવેશથી તરબતર ધ્રૂજતી સામંથાએ પોતાના હાથ અનિરૂદ્ધના હાથમાં આપી દીધા. તે હા કે ના બોલી ના શકી. પણ તેની લજ્જાભરી આંખો, હૃદયનો ધ્રૂજતો સ્પર્શ તેની સંમતિ દર્શાવી રહ્યો હતો.

અનિરૂદ્ધે તેના કપાળે ચૂમી ભરી. કંકુ લઈ તેના કપાળ પર લાલ ચટ્ટક ચાંલ્લો કર્યો.

માધવ, રોની, આબિદ જોરજોરથી તાળી પાડવા લાગ્યા. "રાધે ક્રિષ્ણ, રાધે ક્રિષ્ણ!"

"ઓની, અહીં દ્વારિકામાં તને શ્રીકૃષ્ણ મળે તે ખબર નહીં, પણ રાધા જરૂર મળી ગઈ. રોનીએ બોલતાં બોલતાં દોડીને ઓની સામંથાને આલિંગનમાં લઈ લીધી.

"જ્યાં સુધી ધરતી પર પ્રેમ જીવિત છે ત્યાં સુધી શ્રી રાધાકૃષ્ણ પણ જીવિત છે." મારકણો મોહક માધવ બોલી ઉઠ્યો.

એકમેકના હાથ પકડી બેટદ્વારકાની આધ્યાત્મિકતા સ્પર્શવા લાગ્યા.

"ખબર છે? રૂક્ષ્મણીને દુર્વાસાનો શ્રાપ હોવાથી શ્રીકૃષ્ણ વિયોગ થયો. તે શ્રીકૃષ્ણ વગર રહી શકતા ન હોવાથી લાડુ ડુંગર ઉપર રેતીની મૂર્તિ બનાવી, તેને નીરખતા રહ્યા, પૂજતા રહ્યા, પ્રેમ કરતા રહ્યા. શ્રાપની અવધિ પૂરી થતાં જ રૂક્ષ્મણી શ્રીકૃષ્ણ પાસે દોડી ગયા. પણ રેતીની મૂર્તિ ત્યાં જ રહી, અડધી જમીનમાં દટાયેલી અડધી બહાર. આ મૂર્તિને બેટદ્વારકામાં લાવી ગુંથ શરૂ થઈ. આથી આને રેણુમૂર્તિ પણ કહે છે."

"વાઉ!" રોની બોલી ઊઠ્યો.

"ચાલો હજી કંઇક નવું બતાવું." માધવ મધુર હાસ્ય સાથે મીઠા અવાજે બોલ્યા.

"દ્વારિકાની ઉત્તરે આવેલું આ સ્થળ, જ્યાં દ્વારકાધીશના હાથમાં પદ્મ છે તે આખા ભારતમાં નહીં પણ અહીં જ થાય છે. મહાભારતમાં શ્રીકૃષ્ણે પાંચજન્ય શંખ ફૂંક્યો હતો. એ પાંચજન્ય શંખ પણ માત્ર અહીં જ દ્વારિકાની પૂર્વ વિસ્તારમાં દરિયાકિનારે જ જોવા મળે છે. અહીં દૂર શંખ તળાવ છે જ્યાં ભગવાને મતસ્યાવતાર ધારણ કરી શંખાસુરનો વધ કર્યો."

"માધવ, તમારી દ્વારિકા કઈ રીતે ડૂબી?" રોનીએ આતુરતાવશ પૂછી લીધું.

"મારી દ્વારિકા!" કહેતા માધવ હસી પડ્યો. "આમ તો શ્રીકૃષ્ણના મૃત્યુ પછી બધી જ લીલા પ્રભુએ સમાવી લીધી. દરિયો, એ બધી ગળી ગયો. વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો હિમયુગ સમાપ્ત થયો, બરફ ઓગળ્યો, દરિયાની સપાટી ૪૦૦ ફીટ ઊંચે આવી અને સમગ્ર વિસ્તાર સાગરના ગર્ભમાં સમાઈ ગયો."

"ઓહ! અત્યારે પણ મુંબઈ, ઈન્ડોનેશિયા વગેરે ટાપુ માટે આ જ સ્થિતિ આવશે, નહીં?" આબિદ બોલી ઉઠ્યો.

"અહીં દરિયાની નીચે ૧૦૦ પ્રકારની દરિયાઈ વનસ્પતિ, પ્રજાતિ છે."

"ઓની, કાલે, કાલે સવારથી જ સ્કુબા ડાઈવીંગ કરવું છે. દ્વારિકાનગરીના અવશેષ જોવા છે, વનસ્પતિ જોવી છે, અવનવી સુંદર માછલી, કાચબા જોવા છે." રોની રોમાંચિત થઈ ગયો.

"માધવ, તને વેણુ વગાડતા આવડે છે?"

માધવે કશી પણ આનાકાની વગર વેણુ વગાડી. ઘૂઘવતો દરિયો શાંત થઈ ગયો, પંખીઓનો કલબલાટ શમી ગયો, વૃક્ષની ડાળીએ પક્ષીઓ આ સુમધુર સંગીત સાંભળવા લાગ્યા, મોર પણ ટહુકા કરતો આવી ચઢ્યો.

"અદ્ભુત! અદ્ભત વેણુવાદન."

અનિરૂદ્ધના રોમ રોમ રોમાંચિત રહી ગયા, આંખો બંધ થઈ ગઈ, દાદીમાની યાદ આવી ગઈ.

"મારા કાન્હા, મારા લાલા, મારા માધવ." દાદીમાનો અવાજ સંભળાયો.

અનિરૂદ્ધે આંખો ખોલી. સામે સુમધુર હાસ્ય સાથે માધવ હજુ વેણુવાદન કરી રહ્યો હતો.

"આ જ તો શ્રીકૃષ્ણ નથી ને?" અનિરૂદ્ધ વિચારી ઊઠ્યો.

"મને વેણુવાદન શીખવીશ, માધવ?"

"જરૂર."

"માધવ, તમે બધું બતાવ્યું, શ્રીકૃષ્ણને હજી બતાવ્યા નહીં. મારે તેમને મળવું છે."

"શ્રીકૃષ્ણને મળવા માટે તડપવું પડે. એ નટખટ, કપટી છે. ઘડીક તારી પાસે આવી જાય અને આંખના પલકારામાં દૂર થઈ જાય. તેને મેળવવા માટે સાચો પ્રેમ જોઈએ, માત્ર પ્રેમ. તેને મેળવવાનો પથ અગ્નિપથ છે, માત્ર કાંટા જ વેરાયેલા છે. શ્રીકૃષ્ણ ખૂબ પરીક્ષા લે, ખૂબ તડપાવે; પણ પછી... એને મળ્યા પછી માત્ર મોક્ષ મળે."

"માધવ, તેનું વર્ણન કરોને."

"જસ્ટ લાઈક યુ." કહેતા માધવ જતો રહ્યો. અનિરૂદ્ધને ફરી દાદી યાદ આવી ગયા. તેણે કહેલા શબ્દો તેના અને આકાશમાં પડઘા બનીને ગુંજવા લાગ્યા.

હોટલ ઉપર પહોંચી અનિરૂદ્ધે મેઘશ્યામ મનમોહનની મૂર્તિ કાઢી, નીરખવા લાગ્યો. આ જ મૂર્તિ તેને શ્રીકૃષ્ણ પાસે લઈ જશે. મૂર્તિની આંખ, મલકતા હોઠ, કોમળ ચહેરો તેને જાણીતો લાગ્યો. ઓહ માધવ!

"ઓની, ઓની જલ્દી કર." સામંથા, રોની, આબિદ બૂમાબૂમ કરવા લાગ્યા.

"અસાઆરો" પર પોતાનું વર્ણન લખતો અનિરૂદ્ધ લેપટોપ બંધ કરી નીચે આવ્યો.

બધાએ સ્કુબા ડાઈવીંગ માટે સજ્જ થઈ દરિયામાં ડૂબકી મારી.

ડૂબકી, દ્વારિકાનગરીના અવશેષ શોધવા.

ડૂબકી, આધ્યાત્મિક રૂપે શ્રીકૃષ્ણને મળવાની તડપ સાથે અનિરૂદ્ધે દરિયામાં મારી.

શ્રીકૃષ્ણનો આત્મા જ્યાં વસે છે તે નગરીમાં જવા ઓની આતુર થઈ ગયો.

પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં તેઓએ દૂરથી બીજી દિશામાં પ્રવેશ કર્યો.

સાગરમાં ડૂબેલું નગર, તેની લાંબી દિવાલ, કલાકૃતિથી કંડારાયેલા પથ્યરો, ક્યાંક દેખાય ધાતુના સિક્કા, ઊંચી ઇમારતના તૂટેલા અવશેષ, વૈભવી દેખાતા મંદિરના અવશેષ.

"વાઉ!" રોની આટલું જ બોલી શક્યો. "શ્રીકૃષ્ણ ખરેખર હતા જ. આ બધું તેમના હોવાની સાબિતી છે."

"ઓની, સામંથા." આબિદે અવાજ કર્યો. પણ તેઓ મળ્યા નહીં. ક્યાં ગયા હશે? શું ઉપર કિનારે પહોંચી ગયા હશે?

"રોની!" આબિદે બૂમ પાડી. "ઉપર ચાલ, ઓની સામંથા નથી મળતા."

આ તરફ સાંજ ઢળવા આવી હતી. સૂર્યના કિરણો દરિયાની નીચે પ્રકાશ આવી ઝળકાવી રહ્યા હતા. અનિરૂદ્ધે જોયું. એક દિશામાં સૂર્યપ્રકાશ થોડો વધુ ઝળહળતો હતો. પણ તે દિશામાં, તે અવશેષ થોડા વધુ ઊંડા, જોખમી હતા.

"રોની!" સામંથાએ બૂમ પાડી. પણ કોઈ મળ્યું નહીં. તે ઓનીની પાછળ જ ચાલી નીકળી.

"અનિરૂદ્ધ, ત્યાં જોખમ છે, નહીં જા." સામંથા અનિરૂદ્ધનો મનસૂબો જાણી ગઈ.

પણ અનિરૂદ્ધ!

ઝળહળતો પ્રકાશ, મેઘશ્યામ મનમોહન ત્યાં જ મળશે તેવી પ્રતીતિ થઈ ગઈ.

અચાનક તેના ટેંકની નળી લીક થવા માંડી.

"અનિરૂદ્ધ, ઉપર ચાલ. હવે ખૂબ જોખમ છે."

અનિરૂદ્ધ પાછો વળ્યો. તેણે સામંથા સામે હાથ ફેલાવ્યો. સામંથાએ તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. તેના હાથમાં પોતાનો હાથ આપી અનિરૂદ્ધ-સામંથાએ તે પ્રકાશિત સ્થળ તરફ જવા ઊંડી ડૂબકી લગાવી.

***

દ્વારકાધીશના મંદિરમાં પૂજારીજી પ્રભુનું વર્ણન કરી ગાઈ રહ્યા હતા.

 

કસ્તુરીતિલકં લલાટપટલે, વક્ષ:સ્થળે કૌસુતભં

નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુ કરે કંકણમ

સર્વાંગે હરિચન્દનં સુલલિતં કંઠે ચ મુક્તાવલિ

ગોપીસ્ત્રીપરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણિ.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ