વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી દીદી

          “દીદી, પણ આખરે જવાનું છે ક્યાં?”


          હું આ પ્રશ્ન મારી દીદીને ત્રીજીવાર પુછી રહી હતી. અને મને હંમેશની જેમ મીઠી મુશ્કાન જ જવાબમાં મળી.


          થોડા દિવસોથી દીદીને ન જાણે શું થયું છે વાત વાતમાં અચાનક જ હસી પડે. ક્યારેક એકાંતમાં કલાકો સુધી બેસી રહે. ક્યારેક કોઈ કામ કરતી હોય તો ઝીણું ઝીણું મનમાં જ ગાતી હોય એમ ગુનગુનાવ્યા કરે.


          નહાવા જાય તો કમ સે કમ બે કલાક તો નહાવામાં જ કાઢે. પછી બહાર આવે એટલે અરીસા સામે બેસી પોતાના ચહેરાને જોયા જ કરે. ક્યારેક એક બિંદી લગાવે. જુએ પછી પોતે જ પોતાને કહે ‘ના આ બરાબર નથી.’ એમ કહી બીજી લગાવે. પછી તેનેય કાઢી ત્રીજી લગાવે. રંગો પણ તરેહ તરેહના વાપરે. રોજ કરતા કંઈક અલગ રીતે વાળ ગુંથે. ફરી આયનામાં પ્રતિબિંબ જુએ. અસ્પષ્ટ કંઈક બોલે અને પોતાનાથી જ શરમાઇ જાય. કપડા પહેરવા માટે તો આખો કબાટ ફેન્દી નાખે પોતાને જે હમેશનો ગમતો રંગ છોડી કંઈક અલગ રંગનો ડ્રેસ પસંદ કરે અને પહેરે. પરફ્યુમ છાંટે. વાળની ગુંથણી પર ફરી એક નજર કરી લે અને એક લટ અલગ તારવી એક તરફ લટકતી રાખે.


          હું બૂમ પાડુ: “દીદી, હવે ઝટ ચાલો ને.. મારે સ્કૂલનું મોડું થાય છે…” ત્યારે છેક આયનાનો સંગાથ મુકે. હાથમાં સ્કુટીની ચાવી લઈ સુદર્શન ચક્ર જેમ ફેરવતી બારણે આવે. સેન્ડલને ભીના કપડાથી ઘસીને સાફ કરી પહેરે. સ્કુટી પર પણ કપડું માર્યા વિના નહી રહે. પછી સ્ટાર્ટ કરી જવા દે. જો હું મારી મેળે બેસી ના જાઊ તો મનેયે ભૂલી જાય એવું હમણાથી મને તો લાગવા માંડ્યું હતું.


          સ્કૂલ આવતા હું ઉતરી જાઊ એટલે તેઓ સ્કુટી હંકારી મુકે. પહેલાની જેમ “બાય છોટી..” એવું પણ ના બોલે. હું સામેથી તેને “બાય દીદી..!” ઍમ કહું તો મને જોઈને સ્માઇલ કરી દે.


          હમણા હમણાથી દીદીનું વર્તન મને તો સમજાઇ જ નથી રહ્યું. ક્યારેક મને ખુબ લાડ કરે તો ક્યારેક મારી કોઈ પરવા જ ના કરે અને પોતાની મસ્તીમાં જ રહે. ક્યારેક મને સ્કૂલનું લેસન કરવામાં મદદ કરે. ગણિતના અઘરા દાખલાઓ ચપટીમાં ગણી આપે. વિજ્ઞાનના મને સમજમાં ના આવતા પ્રયોગો એવી સરળતાથી સમજાવે કે મગજમાં ઉતરી જ જાય. નાગરિક શાસ્ત્ર, સમાજ શાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ જેવા મને ન ગમતા વિષયો ચપટીમાં ગમતા કરી દે એવું તો સરળતાથી ઉદાહરણ આપી સમજાવે. ભાષાના વિષયમાં વાર્તા રસદાયક રીતે કહી સંભળાવે. કવિતા મધુર અવાજે ગાઈને મને મોઢે કરાવે. અઘરા શબ્દોનો સરળ અર્થ સમજાવે. આમ મારી દીદી એ મારી બીજી શિક્ષક હોય એવું મને લાગે, સ્કૂલના શિક્ષકથીએ વહાલી. કદી કોઈ સજા નહી કરે. હમેશ પ્રેમથી શીખવાડે.


          પણ આજકાલ દીદીને શું થયું છે એજ સમજાતું નથી. મને શીખવાડે તો આજેય છે પણ તે દીદી નહી કોઈ બીજું જ હોય એવું લાગે. પોતાનામાં જ ખોવાયેલી રહેતી. અને કારણ વગર હસતી રહેતી દીદીમાં આ પરિવર્તન કંઈક અજાણ્યું અને નવું હતું.


          આજે રવિવાર હતો. દર રવિવારે હું અને દીદી ઘરને સાફ કરવામાં વિતાવતા. કેમકે બાકીના દિવસોમાં ખાસ સમય નહી મળતો. પરંતું આજે દીદી મને કહે:


          “ચાલ છોટી, આપણે જવાનું છે.” હું સાઆશ્ચર્ય જોઈ જ રહી.


          “પણ દીદી જવાનું છે ક્યાં?” મારા પ્રશ્નનાં જવાબમાં કેવળ મીઠી મુશ્કાન જ મળી. ત્રણ વાર પુછવા છતા જવાબમાં કેવળ હાસ્ય જ મળતા મેં આગળ પૂછવાનું માંડી વાળયુ અને જ્યાં લઈ જાય ત્યાં સાથે જવાનું એમ વિચારી ફ્રોક પહેરી તૈયાર થઈ ગઈ.


          સ્કુટી ચાલી અને અમે સીધા દરિયાકિનારે આવ્યા. દીદીને દરિયાનું આકર્ષણ છે એ વિશે ખબર હતી પણ આમ આજે અચાનક અહી લઈ આવશે એ વિશે જાણ નહોતી. સ્કુટી પાર્ક કરી તેમણે ફોન કાઢી કોઈને કોલ કર્યો અને બોલી:


          “હું આવી ગઈ છું.” સામેથી શું રિપ્લાય આવ્યો નથી ખબર પણ દીદી કેવળ “જી.. આવો.” એટલું જ બોલી.


          હવે મને થોડું થોડું સમજાઈ રહ્યું હતું કે અમે અહી કોઈને મળવા આવ્યા હતા. પણ કોણ? એ વિશે દીદીએ હજી ફોડ પાડ્યો નહોતો.


          દીદી મને કહે: “તારે કઈ ખાવું છે?”


          મેં નારિયલ પાણી પીવા વિશે ઇશારો કર્યો. તો દીદી મને લઈ નજીકના એક રેકડીવાળા પાસેથી પાણીવાળો તરોફો અપાવ્યો. હું સ્ટ્રોથી પીવા લાગી. સાથે દીદીને પુછ્યું:


          “દીદી તમે..?”


          દીદીએ ના પાડી. અને એ આવનારની રાહ જોતી સ્કુટી પાસે જઈ ઊભી. હું દીદીથી થોડી દૂર રેકડીવાળા પાસે પ્લાસ્ટિક ખુરસીમાં બેસી મઝાથી તરોફાનું પાણી પી રહી હતી. થોડીવારમાં એક બાઇક આવી. એક છોકરો તેના પરથી ઉતર્યો. મને લાગ્યું કે તે દીદી સાથે કોલેજ કરતો હશે. તેમની સાથે શું વાત થઈ રહી હતી એ તો સંભળાતી નહોતી. પણ તેને દીદીને હાથ પકડી ક્યાક લઈ જવા વિશે કહ્યું. દીદીએ ના પાડી. એટલામાં હું તરોફો ખતમ કરી દીદી પાસે આવી પહોંચી. મને જોઇ પેલો યુવક દીદી પર ગુસ્સે થઈ ગયો:


          “તને ઍક્લી આવવા કહ્યું હતુંને..? આને શું કામ સાથે લાવી? મારા આખા પ્લાન પર પાણી ફેરવી નાખ્યું…” એમ કહેતા તે ગુસ્સામાં ચાલ્યો ગયો. દીદી તેને જતો જોઈ રડવા લાગી. દીદીને આજે પહેલી વાર રડતા જોઇ મારાથી પણ ના રહેવાયું….!!


✍ પ્રકાશ પટેલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ