વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રક્તબીજ

"રક્તબીજ"
સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ
લેખક: ડેનિસ ક્રિશ્ચયન

ડેનિસ ક્રિશ્ચયન પ્રતિલિપિ પરનો જ એક યંગ લેખક છે. પ્રતિલિપિ માધ્યમ દ્વારા જ ડેનિસ ક્રિશ્ચયનનું લેખનક્ષેત્ર શરૂ થયું હતું. આ ફિલ્મ જોવાનો મારો હેતુ જ એ હતો કે પ્રતિલિપિમાં નવોદિત લેખક તરીકે લખતો એક લેખક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચ્યો અને તેની લખેલી સ્ટોરીની ફિલ્મ બનીને આટલા વિશાળ પાયા પર પ્રસ્તુત થઈ તે ખૂબ મોટા એચિવમેંટની વાત કહેવાય. જો આપણામાંથી કોઈક લેખક આ રીતે ઉભરીને આટલા મોટા પાયા પર ઝળહળે તો આપણી એટલી ફરજ બને છે કે બીજું તો કંઈ નહીં પણ તે લેખકના સપોર્ટમાં એટલીસ્ટ આપણે એની ફિલ્મ જોવી જઈએ.

આજનો ઊગતો દરેક લેખક એવું ઈચ્છતો હોય છે કે તેની લખેલી સ્ટોરીની એક દિવસ ફિલ્મ બને કે વેબ સિરીઝ બને. બીજું કંઈ નહીં તો છેલ્લે શોર્ટ ફિલ્મ તો બને જ. ડેનિસ ક્રિશ્ચયને એક નવોદિત લેખક તરીકે આ સિદ્ધિ હાંસિલ કરી લીધી કહેવાય કે જે બાકી બધા જ ઉગતા નવોદિત લેખકો માટે પ્રેરણારૂપ છે.

આ ફિલ્મ જોવાનો મારો બીજો હેતુ એ પણ હતો કે એક લેખક તરીકે ડેનિસ ક્રિશ્ચયને કયો એવો વિષય પસંદ કર્યો છે અને ફિલ્મમાં શું રજૂ કર્યું છે. સાથે મનમાં અનેક શંકાઓ પણ હતી કે આજના ઘણા બધા લેખકો જે અશ્લીલતા પોતાની સ્ટોરીમાં પીરસે છે તેવું જ કંઇક આ ફિલ્મમાં પણ નથી ને! કારણકે જલદી જલદી ફેમસ થવાના શોર્ટ કટ રસ્તાઓમાં ઘણાં લેખકો માટે આ પણ એક સરળ રસ્તો હોય છે કે સ્ટોરીમાં સેકસ, ગાળો, વલ્ગર દ્ર્શ્યો અને બોલ્ડ વિષય મૂકી દેવો જેથી લોકો વાંચવા પ્રેરાય અને ફિલ્મ જોવા પણ પ્રેરાય. માટે આ ફિલ્મ જોવી તે આ દ્વષ્ટિએ પણ મહત્વની હતી કે આજના એક યંગ લેખકે એની ફિલ્મમાં શું ચીતર્યું છે.

ફિલ્મનું નામ અને ફિલ્મનો પ્રકાર પણ મારી પંસદગીની શ્રેણીની બહાર હતો. છતાં ફિલ્મ જોવાની ઉત્સુકતા હતી અને મેં કહ્યું તેમ આપણા લેખકોમાંથી કોઈ આગળ વધતું હોય તો એક વણમાંગ્યા સપોર્ટ તરીકે પણ આપણે ફિલ્મ જોવી જોઈએ. માટે આખરે ફિલ્મ જોવાનું નક્કી કર્યું અને મે ફિલ્મ જોઈ.

ફિલ્મની જોયા બાદ મારી દરેક શંકા કુશંકાઓનું નિવારણ થઈ ગયું. ફિલ્મ ખરેખર દરેક લેખકે અને વાચકે પણ એકવાર તો અવશ્ય જોવી જ જોઈએ. આખી ફિલ્મમાં બે ગાળો બોલાઈ છે જે સેન્સર બોર્ડે બીપ દ્વારા સાયલંટ કરી નાંખી છે. બાકી આખી ફિલ્મ એક સાફ સુથરી અને ખાસ કરીને આજના લેખકો માટે જ એક મોટી સામાજિક શીખરૂપ છે.

રક્તબીજ ફિલ્મ એક સસ્પેન્સ સાયકોલોજીકલ ફિલ્મ છે. ફિલ્મનો વિષય લેખક અને લેખકનું લેખન છે. એક લેખકની સામજિક જવાબદારી શું હોવી જોઈએ અને એક લેખક પોતાના લેખન દ્વારા લોકોના જીવન, મગજ અને સમાજ સાથે પણ શું શું કરી શકે તેનો ખૂબ જ રસપ્રદ રીતે અને રહસ્યમય રીતે આખો ચિતાર આપ્યો છે.

ફિલ્મની શરૂઆત ખૂબ જ જોરદાર રીતે થાય છે.
ફિલ્મની શરૂઆતમાં લીધેલું ગીત શીર્ષકના અનુસંધાનમાં છે. એક લેખકની સ્ટોરીની જ્યારે ફિલ્મ બને અને તેને સ્વર અપાય કે તેમાં ગીત સંગીત પુરાય તે અનુભૂતિ કદાચ લખનાર લેખક માટે અને ફિલ્મ જોનાર મારા જેવા લેખક માટે પણ શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવી છે.

ફિલ્મનું મુખ્ય પાત્ર એક લેખિકાનું છે. એક કોન્ટ્રોવર્સિયલ લેખિકા જે પોતાની દરેક નવલકથા સાથે સનસની મચાવતી હોય છે. આખી ફિલ્મ આ લેખિકાની આગળ પાછળ જ ગાઢ રીતે વીંટળાયેલી છે. ફિલ્મની શરૂઆતથી જ સ્ટોરી સસ્પેન્સ ક્રિકેટ કરે છે. જેનું કેન્દ્રસ્થાન ફિલ્મની નાયિકા એટલે આધ્યા શોધન નામની એક લેખિકા છે. અને એક પછી એક નવા નવા પાત્રો આ નાયિકા સમક્ષ આવતાં જાય છે અને સ્ટોરીમાં વધુને વધુ સસ્પેન્સ ઉમેરતાં જાય છે.

રક્તબીજ ફિલ્મ એ એના પ્રકાર પ્રમાણે ચોક્કસ તમારું મગજ ગોળ ગોળ ફરાવી દેય તેવી ફિલ્મ છે. આખી ફિલ્મ સંવાદો પર જ છે. ફિલ્મમાં કોઈ એક્શન દ્ર્શ્યો નથી. બીજી ફિલ્મોમાં એન્ટરટેઇનમેન્ટના નામે ભરવામાં આવતો કોઈ બીજો મસાલો પણ આ ફિલ્મમાં નથી. આ કારણોસર પણ આ ફિલ્મનું બીજી ફિલ્મો સામે ટકવું મુશ્કેલ છે. છતાં આ ફિલ્મમાં એક ફિલ્મ જેવું કશું જ ન હોવા છતાં સમજવા જેવું ઘણું બધું છે.

માત્ર સંવાદો પર જીવતી આ ફિલ્મ સાયકોલોજીકલ ફિલ્મ હોવાથી મગજને હચમચાવે છે જરૂર પણ ફિલ્મના દરેક સંવાદો જુદા જુદા પ્રશ્નો ઉજાગર કરે છે, જુદા જુદા ગંભીર મુદ્દાઓ અને લેખક તથા સમાજને સ્પર્શતા વિષયોને રસપ્રદ રીતે રજૂ પણ કરે છે. માત્ર સંવાદોથી રચાયેલી આ ફિલ્મ માત્ર અણધડ ભેજાની ઉપજ કે માત્ર આડેધડ કોઈ કલ્પના માત્ર નથી પણ ફિલ્મનો દરેક સંવાદ અર્થપૂર્ણ છે, જેના વિશે આપણે વિચારવું પડે.

ફિલ્મમાં પાત્રો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો અને તર્ક વિતર્ક અને દલીલો અર્થસભર છે.જે આખા લેખક જગત અને આડકતરી રીતે ફિલ્મ જગત અને સમાજને પણ સ્પર્શે છે. મને તેથી જ આ ફિલ્મ અન્ય ધમાકેદાર ફિલ્મો કરતા વધુ ગમી.

જોકે આ ફિલ્મ ફિલ્મ સ્વરૂપે બની જ નહોતી. આ સ્ટોરી પરથી પહેલા વેબ સિરીઝ બની હતી. આ વેબ સિરીઝને ત્રણ એવોર્ડ પણ મળી ચૂક્યા છે. આ વેબ સિરીઝને પહેલા ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવાની હતી પણ કોઈક કારણોસર ફિલ્મના ડાયરેક્ટરે આ ફિલ્મને આખરે થીયેટરમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું. જેથી મેં કહ્યું તેમ થીયેટરમાં તમે આ ફિલ્મ જોવા બેસો તો ચોક્કસ તમને ફિલ્મ જોતા હોય તેવું ઘણા દ્રશ્યોમાં ન જ લાગે છતાં ફિલ્મનો વિષય અને ફિલ્મના કલાકારોએ જે રીતે ઉમદા અભિનય કરીને સ્ટોરીને જીવંત કરી છે તે ખરેખર કાબિલે તારીફ છે. 

ફિલ્મમાં બીજું કોઈ મનોરંજન નથી છતાં પણ ફિલ્મની શરૂઆતનું ગીત અને તેના શબ્દો ખૂબ જ સુંદર છે. ફિલ્મની મધ્યમાં આવતું બીજું એક ગીત એ હ્રદયને સ્પર્શી જાય તેવું ગીત છે. તે ગીત પૂર્ણ થયા બાદ સર્જન નામના એક પુરુષ પાત્ર દ્વારા સ્ત્રીને ઉદ્દેશીને બોલાયેલા સંવાદો બેસ્ટ છે. મારા મતે આખા ફિલ્મનું સૌથી સુંદર દ્રશ્ય અને સંવાદ તે સર્જન નામના પાત્ર દ્વારા બોલાયેલા એ સંવાદો છે અને સાધના નામની ફિમેલ પાત્રએ જે રીતે તે ગીતને નિભાવ્યું છે તે છે.

લેખક તરીકે ડેનિસ ક્રિશ્ચયનને આ સ્ટોરી માટે અને સ્ટોરીના સંવાદો લખવા માટે જેટલી શાબાશી આપીએ તેટલી ઓછી છે. આટલી યંગ એજમા આવી ઉમદા સ્ટોરી સર્જવી અને એક સામાજિક સંદેશ પણ પોતાની સ્ટોરી દ્વારા આપવો તે ખરેખર પ્રશંસાને પાત્ર છે.

સાથે ડેનિસ ક્રિશ્ચયને દરેક લેખકોને જે સંદેશો આપ્યો છે તેનું પહેલું અનુકરણ સંદેશો આપનાર ડેનિસ ક્રિશ્ચયનને પોતે પણ હવે કોઈ પણ સ્ટોરી લખે ત્યારે ગંભીરતાથી કરવું રહ્યું. હવે આ શું છે તે હું અહીં રિવીલ કરી દઈશ તો ફિલ્મની સ્ટોરીનું સસ્પેન્સ ખુલી જશે. માટે લેખક તરીકે ડેનિસ ક્રિશ્ચયનને પણ શું અનુસરવું રહ્યું તે માટે એકવાર તમારે ફિલ્મ જોવી રહી.

ફિલ્મમાં દર્શક માટે અન્ય બીજો કોઈ મનોરંજનનો સામાન ભર્યો ન હોવા છતાં દરેક એક પાત્રનો અભિનય સોમાંથી સો માર્ક આપીએ તેટલો સક્ષમ છે. હું એમ કહીશ કે એક લેખકની સ્ટોરી કે તેના મગજની કલ્પનાને કોઈએ ઉત્કૃષ્ઠ રીતે વાચા આપી હોય અને બેહતરીન રીતે નિભાવી હોય તો એ રક્તબીજ ફિલ્મના એક એક કલાકારોએ નિભાવી છે. જાણે એક એક પાત્ર હકીકતમાં જ આ સ્ટોરીનું રિયલ પાત્ર હોય એટલો બખૂબીથી દરેક એક કલાકારે આ ફિલ્મમાં તેમના અભિનય દ્વારા કમાલ કરી છે.

ફિલ્મના ડાયરેકટરે પણ ભલે વેબ સિરીઝને ફિલ્મ તરીકે રિલીઝ કરવાની હિંમત કરી દીધી હોય પણ તે હિંમતને પણ દાદ દેવી જોઈએ. તેમની આવી હિંમત દ્વારા જ આટલી યુનિક ફિલ્મ દર્શકો જોઈ શક્યા. સાથે નવોદિત લેખકને આટલું સ્થાન આપવું અને તેની સ્ટોરીને આટલી શ્રેષ્ઠ રીતે મઠારવી અને આટલી વિશાળ બજેટની ફિલ્મો સામે રક્તબીજ જેવી ગુજરાતી ભાષાની ફિલ્મને દેખીતા જોખમ છતાં થીયેટરમાં રિલીઝ કરી તે બદલ ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસરની હિંમતને સો ટકા સલામ કહેવી પડે. 

રક્તબીજ એ એક જ લોકેશન પર બનેલી આખી ફિલ્મ છે. એક કેફેટેરિયામાં જ આખી ફિલ્મ શરૂ થાય છે અને અંત પામે છે. જે આમતો ખરેખર એક યુનિક કન્સેપ્ટ કહેવાય. પણ ખૂબ નાની જગ્યામાં દ્રશ્યમાન થતી આખી આ ફિલ્મને સારા સારા અને મોટા મોટા લોકેશન અને મોટા બજેટમાં બનતી ફિલ્મો આગળ ટકી રહેવામાં મોટો સંઘર્ષ કરવો પડે. જે આ ફિલ્મ સાથે પણ થયું.

કરોડોની કમાણી કરતી ત્રીપલ આર ફિલ્મ અને કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મ સામે રક્તબીજ જેવી ગુજરાતી ફિલ્મનું એક અઠવાડિયું પણ સિનેમા હોલમાં ટકી રહેવું એ એક યુધ્ધ જીતવા બરાબર છે.

વેબ સિરીઝની જગ્યાએ રક્તબીજને ફિલ્મ તરીકે રિલીઝ કરવાથી ફિલ્મ વચ્ચે થોડી કંટાળાજનક પણ થઈ જાય છે. વેબ સિરીઝ જે રીતે અલગ અલગ ભાગમાં રજુ થાય ત્યારે દર્શકને કશું ઓડ ના લાગે પણ વેબ સિરીઝના બધા ટુકડા ભેગા કરી એક ફિલ્મ ભેગી કરી દીધી હોય તેવું ઘણાં દ્ર્શ્યો વચ્ચે નાના નાના બ્રેક દેખાય છે ત્યારે ફિલ્મની લિંક તૂટે છે.

મારા મતે આ ફિલ્મનો સૌથી લેક પોઇન્ટ એ છે કે
સ્ટોરી ફ્લેશ બેકમાં જાય છે ત્યારે જ્યાં નવા જ પાત્રો કે કલાકારો લેવાના હોય તેની જગ્યાએ જૂના કલાકારોને જ ફ્લેશ બેકમાં રીપિટ કરવાંમાં આવ્યા છે.

ઉદાહરણ તરીકે ફિલ્મની નાયિકા આધ્યા શોધન જ્યારે પોતાની નવલકથાના કોઈ પાત્રોની વાત કરે છે ત્યારે તે પાત્રોમાં બીજી કોઈ વ્યક્તિ રોલ પ્લે કરતી હોવી જોઈએ. તેની જગ્યાએ નાયિકા પોતે જ નવા પાત્રોમાં ખુદ જ રોલ અદા કરે છે. જેનાથી જૂના અને નવા બંને પાત્રોની ગંભીરતા સાવ મરી જાય છે.

આધ્યા શોધનનું પાત્ર નિભાવતી એક્ટ્રેસને એજ સ્ટોરીમાં બીજી નવી યુવતીઓના પાત્ર આવે ત્યારે પણ તે પાત્રના રોલ કરવા માટે જેમ રીપિટ કરવામાં આવે છે એજ રીતે બીજા બે ત્રણ કલાકારોને બીજા નવા પાત્રોમાં પણ રિપિટ કરતા મૂળ પાત્રની ગંભીરતા મરી જાય છે. જાણે ડાયરેકટર પાસે નવા સ્ટાર કાસ્ટની અછત હોય એમ બે ત્રણ કલાકારોએ એક જ ફિલ્મમાં બીજા ત્રણ પાત્રો પણ નિભાવ્યા છે.

આધ્યા શોધન લેખિકા અને એક અન્ય યુવતીનું પાત્ર જેનું નામ ચેતના હતું તે બંનેનો રોલ એક જ એક્ટ્રેસે નિભાવ્યો. ત્રીજું એક ગેંગસ્ટર અને તેની દીકરીનું પાત્ર પણ આજ એક્ટ્રેસે નિભાવ્યું. આના લીધે ફિલ્મ બોરિંગ થઈ. જો નવા પાત્રો માટે નવા ચહેરા લેવામાં આવ્યા હોત તો મારા મતે ચોક્કસ દરેક એક પાત્રનું સાતત્ય અને તેની ગંભીરતા જળવાઈ રહેત.

છતાં પણ હું એમ કહીશ કે એક જ ચેહરાને ત્રણ પાત્રો નિભાવતા જોયા બાદ પણ તેમની ડાયલોગ ડિલિવરી અને તેમની અભિનય કળા અને સ્ટોરીના સસ્પેન્સના લીધે તમારું ધ્યાન સ્ક્રીન પરથી હટશે તો નહિ જ. પરંતુ સંવાદોથી સર્જાયેલી સ્ટોરીમાં જો તમે એક બે સંવાદો ચૂક્યા તો તમને જે તે સંવાદો પાછળનું હાર્દ શું તે પણ નહિ સમજાય.

ફિલ્મનો અંત તમે કલ્પી ન શકો તેવો છે. ફિલ્મની શરૂઆતની જેમ મને સ્ટોરીનો અંત પણ ખૂબ જ ગમ્યો. પરંતુ અંતમાં સસ્પેન્સ ખૂલે છે ત્યારે પણ આખી સ્ટાર કાસ્ટ રીપિટ થાય છે અને જ્યારે રહસ્ય છતું થઈ જાય છે અને સ્ટોરી શું ,તેની અંદર પૂછાયેલા પ્રશ્નો અને રક્તબીજ એટલે શું ની ચોખવટ મળી જાય છે, ત્યાર પછી પણ તેનું ફરી એક પાત્ર દ્વારા એક્ષપ્લેનેશન અપાય છે. જે સ્ટોરીને વધાર પડતી રબરની જેમ અંતમાં ખેંચે છે. જો આ વધારાની ચોખવટ કરવામાં ન આવી હોત તો મારા મત મુજબ અંત વધારે ધારદાર અને સક્ષમ થાત.

પરંતુ વેબ સિરીઝમાથી પહેલીવાર ફિલ્મ બનાવવી કે ફિલ્મ તરીકે ઘણા જોખમો જાણીને પણ તેને રિલીઝ કરી માટે પહેલા પ્રયાસ તરીકે આ ફિલ્મમાં જે પણ ભૂલો થઈ હોય તે સો ટકા ચલાવવી પડે. સારા સારા બજેટની અને મોટા મોટા કલાકારોની ફિલ્મો પણ કેટલીયવાર ફ્લોપ થઈ જાય છે. ત્યારે રક્તબીજ જેવી ફિલ્મ સિનેમા હોલમાં અત્યારે ટકી રહી છે તેજ મોટી વાત કહેવાય.

આ ફિલ્મની સ્ટોરી, કલાકારોની અદાકારી અને ડાયરેકટર અને પ્રોડ્યુસરની હિંમત અને મહેનત હજુ પણ સિનેમા હોલમાં ટકી રહે તે માટે આપણે આ ફિલ્મને થીયટેરમાં જોઈને તેને સપોર્ટ કરવો રહ્યો.

ગુજરાતી ભાષાને જો આપણે આવતા સમયમાં લુપ્ત ન કરી નાંખવી હોય અને ગુજરાતી ફિલ્મોને પણ આપણે ગુમનામીમાં ન ધકેલી દેવી હોય તો ગુજરાતી ફિલ્મો બનતી રહેવી જોઈએ અને આપણે સારી ગુજરાતી ફિલ્મો જોવા જઈને તેને સિનેમા હોલમાં ટકાવી રાખવામાં એક ગુજરાતી તરીકે આપણો ફાળો પણ આપવો જોઈએ. સાથે આપણામાંથી ઉભરતા ડેનિસ ક્રિશ્ચયન જેવા લેખકને પણ આપણે લેખકો તરીકે તેની ફિલ્મ જોઈને સપોર્ટ કરવો જોઈએ.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ