વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ને તમે યાદ આવ્યા



કલમ- કાગળના સંગમે, હૈયે ભાવ ટપક્યા, 

શબ્દો વચ્ચેની જગ્યાના ભાવાર્થ ઉકેલાયા, 

ને તમે યાદ આવ્યા... 


હથેળીમાંથી સરકતી રણની રેતીમાં કશેકથી

રાધારૂપી જળબિંદુની ભીનાશ પથરાઈ, 

ને તમે યાદ આવ્યા... 


ગૌમાતાને અનુસરતા વાછરડાના નયનોમાં, 

અનુપમ કરુણાની અદ્વિતીય પ્રીતિ ઝંખાઈ, 

ને તમે યાદ આવ્યા... 


હિમલભૂમિમાં તુલસીના માંજર વેરી, 

લોકહિતના અભિનવ માર્ગની કેડી દીઠી, 

ને તમે યાદ આવ્યા...


વૈશાખી બપોરે, તપતી વેલને, લીલા પર્ણએ, 

ગાઢ આલિંગન આપી શાતા વરતાવી

ને તમે યાદ આવ્યા..


સંધ્યાની લાલિમાએ, આથમતા દિવાકરે ,  

નિ:સ્વાર્થ સંબંધોનો સમૃદ્ધ વારસો ડોકાયો, 

ને તમે યાદ આવ્યા... 


 કડવાશને ભૂલી, મસ્તી પળો વાવી, 

આનંદીપાક લણવાની રીત સમજાવાઈ, 

ને તમે યાદ આવ્યા... 


સ્નેહીજનોના હ્રદયમાંથી શુભેચ્છા સાથે, 

નોખી કાળજી અને હૂંફ અનુભવાઈ, 

ને તમે યાદ આવ્યા... 


અર્ધનિંદ્રાએ જીવંત ભણકાર સંભળાયો,

ઘણીબધી  વ્યથાઓની તૃષાતૃપ્તિ થઈ, 

ને તમે યાદ આવ્યા... 


તડકાછાંયાની જુગલબંદીના જીવનપથે,

શુદધત્વ અને શ્રદ્ધાનો સમૃદ્ધ માર્ગ ચીંધાયો

ને તમે યાદ આવ્યા... 


સૂક્ષ્મ જીવંત જીવને, આત્માનંદને જ, 

આધારસ્તંભ બનાવવાની, અનુભૂતિ વર્તાઈ 

ને તમે યાદ આવ્યા... 


કૃષ્ણાશ્રયે વહી રહેલી આ જિંદગીમાં, 

એક પળ પણ એવી ના દીઠી, 

જ્યારે તમે યાદ ન આવ્યા...



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ