વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દલદલ

"રજ્જો...અલી એ.. રી.. રજ્જો..! ઊઠ રે..આ જો સૂરજ માથે આવ્યો. ચાલ આજ જમવું પણ નથી કે? અલ્લાહ જાણે આ છોકરીનાં દિમાગને તો બાબા!" મા બબડાટ કરતી રહી.


હું ઊભી ન થઈ. કદી થઈશ પણ નહીં. હવે શું ઊભું થવાનું. માને તો આદત છે આમ મારા પર તેની મનમાની ચલાવવાની! હું આવી ગરમીમાં આવી જગ્યાએ પણ હસી રહી. જોકે મારું હાસ્ય હળહળતું જૂઠાણું જ હતું. આજે પણ છે જ. મને મારા સુંદર ચહેરા પરનું આ ખોટાડું સ્મિત એટલે બહુ વહાલું હતું કે તેને લીધે મારો રૂપાળો ચહેરો વધારે આકર્ષક લાગતો. આકર્ષક લાગવું મારા માટે બહુ જરૂરી હતું એટલું કે જેટલું શ્વાસ લેવું જીવવા માટે જરૂરી હોય! 


"રજિયા, તું બહુ.. બહુ..જ મસ્ત દેખાય છે. કેવી ખબર છે? આ ધંધામાં આવીને મને જન્નત તો નસીબ નહીં થાય પણ જન્નતમાં જો કોઈ હૂર હોતી હશે ને તો એ તારાથી વધારે સરસ નહીં હોય હો!"  


સલીમે આમ બોલી મને બાહોમાં ભરી હતી. પછી મારા કપાળ પર એક ચુંબન કરી દીધું હતું. મને આજે પણ સલીમનાં પાન ખાઈને લાલ થયેલાં ખરબચડા હોઠથી મળેલી એ તમાકુની વાસથી મિશ્રિત ભીનાશ અનુભવાય છે. હા અનુભવાય જ ને! એ ભીનાશ જિંદગીમાં મળેલી એકમાત્ર પવિત્ર લાગણીની પહેલી ભીનાશ હતી. સલીમ.. મારો ધંધાકીય રીતે કહું તો દલાલ હતો! મારી રાતોને મહત્તમ વળતર મળી રહે તેવાં ફાયદેમંદ સોદા કરાવી આપતો દલાલ. 


શરૂઆતમાં તો હું તેનાં માટે કશું ન હતી. હતી તો એક માત્ર ફરિદાખાલાની દીકરી. એ રોજ રાતે મને અલગ-અલગ ફાર્મ હાઉસ, બંગલા, લક્ઝરિયસ ફ્લેટ વગેરે જગ્યાએ મૂકી જતો. મારા એ બદનામ વિસ્તારની હું સૌથી ખ્યાતનામ(!) રૂપજીવિની હતી. મારું રૂપ એ જ તો જીવન હતું, મારા માટે અને મા માટે પણ! માએ મને જન્મ જ આ બદનામ ગલીનાં એક ચાર પતરાંવાળા આલિશાન ઓરડા(ડી)માં આપ્યો હતો. કાદવમાં કમળ ખીલતું હશે એ સાચું પણ મારું તો બચપણ જે દલદલમાં ઊગીને, ખીલ્યું તેમાં જ મારી યુવાની ખૂંચી જવાની હતી! ક્યાંય  કશું મહેંકવાની શક્યતા ક્યાં હતી? 


"ફરિદા, તારી છોકરી તો એક દિવસ આ બાજારની શાન બનશે જોજે. તે તેરની છે પણ તે વારસામાં તારું રૂપ લઈને જન્મી છે. એનાં બાપે એને નામ ભલે ન આપ્યું પણ આંખોનો રંગ તો આપતો ગયો સાલો##..!"


આટલું બોલી ગંદા દાંતનું વરવું હાસ્ય બતાવતી શમીનાઆપાએ પાસે પડેલ પિકદાનીમાં લાલ થૂંકની પિચકારી મારી હતી. મને પગથી માથા સુધી તાકતી એની એ ગંદી નજર કોઈ પુરુષની વાસનાભરી નજરથી જરાય ઓછી ઉતરતી ન હતી. મેં તેનાં તરફ એક અણગમતી દ્રષ્ટિ કરી અને ત્યાંથી જલ્દી જવાં માટે મા તરફ નજર ફેરવી. માની આંખોમાં આંસુ હતાં. તે શમીનાબાનુએ બાપની અપાવેલી યાદનાં હતાં કે યાદથી  ઊભરી આવેલી વેદનાનાં હતાં? તે મારા માટે સવાલ હતો. હું એ સવાલનો જવાબ માને કદી પૂછી ન શકી. ત્યાં મા બોલી,

"શમીનાઆપા, એક રહેમ થશે, મુજ ગરીબ પર?"

શમીનાઆપાએ માનાં આટલાં શબ્દોમાં જાણે માનો સવાલ સમજી લીધો હોય તેમ તેનાં મેકઅપ કરીને ભદા લાગતાં ચહેરાની સોજેલી આંખો પરની આછી ભ્રમર એકબીજા સાથે મળવા ખેંચાઈ!


મા પણ એમાં જ પોતાનાં વણપૂછ્યા સવાલનો સંભવિત જવાબ વાંચી ગઈ હોય એમ એનો ચહેરો પીળો પડી ગયો પણ તોય તેણે હતી એટલી હિંમતની સીડી બનાવી તેનાં પરથી સવાલને ધક્કો માર્યો, "શમીનાબાનુ, તાઉમ્ર કર્જદાર રહીશ બસ જો રજિયાને તમારી રહમ નજર તળે ભણવા બહાર મોકલી દો. હું કસમ ખાવ છું કે હું એક રાતમાં તમે કહેશો એટલી વાર..! બસ મારી રજિયાને આ દલદલમાંથી..!" 


માનાં ડૂસ્કાનો અવાજ શમીનાઆપાએ એક ત્રાડ પાડી દબાવી દીધો.

"ફ...રિ..દા.., બંધ કર તારી આ બકવાસ વાતો. દિમાગનો ઈલાજ કરાવ જરાક. એક વેશ્યાની દીકરીને ભણાવીને તારે શું અફસર બનાવવી છે? અરે શુકર કર કે આ વાત તે મને કરી. જો અસલમભાઈ સુધી તારા આ આસમાની ખ્વાબ પહોંચી જાત તો તારું બહાર નીકળીને ઘરાકો સાથે જવાનું બંધ થઈ જાત.પછી આ ગંધાતી ઓરડીમાં જે મળત તેમાં જ બસર કરવો પડત. આજ પછી આ વિચારતી પણ નહીં, ને હા..તારી આ છોકરીનું નાક ને નજર બહુ તીખાં છે. એને ય જરા સમજાવી દેજે, આપણો ધંધો અને તેનાં ઉસૂલ! સમજી?" ફરી મારા શરીર પર એ નજર સાપોલિયાંની જેમ ફરી વળી. હું રડતી માને ટેકો કરી ત્યાંથી લઈ ગઈ. 


તે રાતે માને મેં રડતાં જોઈ એટલી કદાચ તેને પહેલાં કે પછી ક્યારેય રડતાં ન્હોતી જોઈ. મા બોલી હતી તે મને આજે પણ યાદ છે, "રજિયા, મને માફ કરી દે મારી દીકરી! બહુ ચાહતી હતી તારી આ મા કે.. તું આ દોજખમાંથી બહાર નીકળ. ભણી-ગણીને મોટી ઇન્સાન બન. કોઈ શરીફ બંદા સાથે તારા નિકાહ થાય પણ તું મારા રૂપની સાથે મારી કિસ્મત પણ વારસામાં લઈને જન્મી છે! હવે મેં જે કર્યું તે જ તારે જિંદગીભર કરવું પડશે. કદાચ હું કોઈ પણ રીતે તને અહીંથી લઈને ભાગી છુટું તો પણ આ લોકો છેલ્લે તને ગમે ત્યાંથી શોધીને મારી નાખશે પણ તને આ ધંધાથી, આ બાજારથી બહાર તો નહીં જ નીકળવા દે. આ દલદલ જ તારી તકદીર હશે અને મને માફ કર રજિયા..મારી બચ્ચી કે હું તારી તકદીર બદલી નથી શકતી." 


આ જ માહોલમાં જન્મીને મોટી થયેલી હું આમ તો માની દરેક વાતને સમજી ગઈ હતી પણ અમને ત્યાં સાત ચોપડી સુધી ભણાવવામાં આવતાં એટલે માને આશા બંધાય કે જો શમીના આપાની રહેમ નજર તળે મને ત્યાંથી બહાર ભણવા મોકલી દે તો..! 


હવે મને માની અપેક્ષા કેટલી વાંઝણી હતી તે સમજાયું. મેં રડતી માને એક ઝાટકાભેર મારાથી દૂર કરી દીધી અને હું ખડખડાટ હસતી તેનાથી દૂર પડખું ફરીને સૂઈ ગઈ. મા મારા એ વિચિત્ર વર્તનથી ડઘાઈ ગઈ. તે રાત મારા સુકૂનની છેલ્લી રાત હતી. બીજા દિવસથી અસલમભાઈ અને શમીનાબાનું મારા મોટા સોદા પાર પાડવા માટે સલીમને કહી ચૂક્યાં હતાં. તે રાતે હું આમ જ સુતી હતી આજની જેમ નિષ્ફિકર! કારણકે ત્યારે મારી અંદરની રજિયા મરી ગઈ હતી અને હું બની ગઈ હતી રૂપનાં એ બજારની સૌથી દેખાવડી રૂપજીવિની રજ્જો, જેણે નક્કી કર્યું હતું કે પોતે વેચાશે તો શાનથી વેચાશે! 


******

સલીમ, તું રોજ રાત્રે મને તારા હાથે બીજાની  પથારી ગરમ કરવા મોકલી દે છે, તો તને જરાય દુઃખ નથી થતું? એકવાર પણ એમ નથી થતું કે હું મારા હાથે મારી રજ્જોને..!" આવું પૂછીને એકવાર મેં જાણે સલીમની દુખતી નસ દબાવી દીધી. હું જાણતી જ હતી કે તેને દુઃખ થતું હતું. તેની આંખોમાં સફેદીની જગ્યાએ રોજ રાતે લાલ શિરાઓ ઉપસી આવતી. તે મને મૂકવા આવતાં પહેલા પેટમાં દારૂનું ઝેર રેડીને જ આવતો. મને કારનો દરવાજો ખોલીને જ્યારે ઉતારતો ત્યારે કદી મારી સામું ન જોતો. હું જેટલી વાર અંદર કોઈ સાથે પીંખાતી કે ચૂંથાતી રહેતી એટલી વાર એના પેટમાં શું ચૂંથાતું હશે તે હું જાણતી જ હતી. રોજ સિગારેટનું એક પેકેટ કારના આગલા ટાયર પાસે ખાલી થયેલું નજરે પડતું. ધુમાડા સાથે જાણે સલીમ પોતાની પ્રિયતમાને કોઈ પાસે મોકલવાની પીડાને ઉડાડી દેવા માંગતો હતો પણ હું આખરે સ્ત્રીની જાતને! મને મારા સલીમના મોઢે એ સાંભળવાનું મન થઈ આવ્યું કે તે મને કેટલો ચાહે છે? તે રાતે રસ્તામાં કારમાં પૂછેલો આ સવાલનો જવાબ તેણે છેક કોઠા પર જઈને આપ્યો. મારો હાથ પકડીને તે બોલ્યો," રજ્જો ખુદા ગવાાહ છે કે સલીમ ધારે તો આ બજારની એકેએક વેશ્યાને ભોગવી શકે તેમ છે પણ મેં તારા સિવાય કોઈ સામે જોયું નથી. તને જીવતી રાખવા હું રોજ રાતે મરું છું. તને થતી તારી દરેક રાતની પીડા હું મારા શરીર પર કેમ લઉં છું, તને ખબર છે? આ જો!" એમ કહીને તેનો શર્ટ ઊંચો કર્યો. તેની પીઠ પર બ્લેડથી કરેલા અસંખ્ય ઘસરકા હતાં. 


"આ ઘસરકાં એ તે વિતાવેલી દરેક રાતનાં જખમ છે. મને મેં આપેલી સજા છે." હું આંસુ ભરી આંખે એ પીઠ ને તાકી રહી. મેં તેના પર આંગળી અડાળી ત્યાં તેનાથી સિસકારો થઈ ગયો. વરંડામાં ઉભેલી માએ આ દ્રશ્ય જોઈને અવાજ પાડ્યો, "રજ્જો..!" ને સલીમ ત્યાંથી ચાલ્યો ગયો.


મા એ મને કહ્યું, " પાગલ થઈ ગઈ છે રજ્જો? યાદ રાખજે આપણા ધંધામાં પ્રેમ કરવાનો હક નથી કોઈને! સલીમ તારો દલાલ છે.. દલાલ..! ને એક દલાલ કોઈ દિવસ કોઈનો ન પ્રેમી બની શકે ન ખાવિંદ. એટલે બેય પોતપોતાનાં સપનાનો છેડો ફાડી નાખજો. અહીં જ્યાં સુધી રૂપ છે, યુવાની છે, ત્યાં સુધીમાં તમારે જીવી જવાનું છે."


આટલું બોલીને માને પોતાની આથમેલી યુવાનીનો થાક લાગ્યો હોય તેમ મોઢા આડો હાથ રાખીને ઉલટી કરવા દોડી. તેની લોહીની ઉલટી જોઈ હું ડરી ગઈ. બીજા દિવસે અસ્પતાલમાં રિપોર્ટ આવ્યો કે મા હવે બે ચાર મહિનાની જ મહેમાન છે. મને  સત્તર થયાં ને મા મને આ દોજખમાં મૂકીને હંમેશા માટે ચાલી ગઈ પણ તેની વાત મારા મનમાં ગુંજી રહી ગઈ હતી કે આ દલદલમાં કોઈને પ્રેમ કરવાનો હક નથી! 


જોકે સલીમના પ્રેમ પાસે આખરે મારી અંદરની સ્ત્રી હારી ગઈ હતી. એક રાતે મેં સલીમને કહ્યું કે આજે મારે કોઈ સાથે નથી જવું બસ તું મને પ્રેમ કરે છે એની મારે સાબિતી જોઈએ છે. એ મારી જીદ પાસે ઝૂકી ગયો તે રાત પૂરતી હું ફરી રજિયા બની ગઈ અને સલીમ સાથે એક આખો યુગ જીવી ગઈ. પછીનાં મહિનેથી મારી મહિનાની ત્રણ રજાઓ રદ થઈ કારણકે મારા પેટમાં સલીમનો અંશ પાંગરી રહ્યો હતો. શમીનાબાનો એટલી ઉદાર હતી કે મને થોડા મહિના આ કામમાંથી મુક્તિ મળવાની હતી. નવમો મહિનો બેસતાંજ મારા પેટે એક ગુલાબી ઢીંગલી જન્મી. તેનું તેજ જોઈને સલીમે તેનું નામ રાખ્યું, "નૂર.. આ છે મારી નૂર..!" 


તેના આ શબ્દો થકી અસલમ ભાઈને ખબર પડી ગઈ કે આ સલીમની દીકરી છે. અત્યાર સુધી આ વાત સલીમની જાનની સલામતી માટે મેં તેને કસમ આપીને છુપાવી રાખી હતી પણ આજ તે છતી થઈ ગઈ.  તે રાતે સલીમની કારને ટ્રકની નીચે કચડી નાખવામાં આવી.


મને એમ થયું કે આ સલીમની કચડાયેલી લાશ નથી પણ આ મારી કચડાયેલી તકદીર છે. મેં મને વચન આપ્યું, સલીમનો હાથ પકડીને કે હું એની નૂરને આ દલદલમાં આથમવા નહીં દઉં.  


હું અઢાર વર્ષની હતી ત્યારે આવેલી નૂર હું પાંત્રીસની થઈ ત્યાં તો ખીલી ગઈ હતી. મેં વિચારી રાખ્યું હતું કે જેમ મારી મા મને લઈને શમીનાઆપા પાસે ભીખ માંગવા ગઈ હતી તેમ હું નહીં જાવ. હવે અસલમભાઈ અને શમીનાઆપા એ બંને પર ઉંમર અસર કરી ગઈ હતી. જોકે તેની પાસે તેનાં કેટલાંય રોકેલા માણસો હતાં. એટલે આસાન ન હતું નૂરને લઈને મારું ત્યાંથી ભાગી જવું! હજુ મારી રાતો પહેલા જેટલી જ જાગતી અને મોંઘી હતી. ફરક એ હતો કે હવે હું આખો દિવસ પણ નૂરને ત્યાંથી કેમ બહાર કાઢીશ તેના વિચારમાં જાગતી રહેતી!


હમણાં-હમણાંથી પોલીસની બહુ રેડ પડતી એટલે હવે ધંધાનો ઉસૂલ એટલો બદલવામાં આવ્યો હતો કે જ્યાં સુધી છોકરી અઢારની ન થાય ત્યાં સુધી તેને બહાર નહીં જ મોકલવાની. જ્યારે નૂર અઢારની થવાની હતી તે રાતે મારુ હૃદય બેસી જતું હોય એવી બેચેની મને થતી હતી. હું નૂરને અહીંથી કેમ બહાર કાઢીશ તે સવાલે મને અજગરની જેમ ભરડો લઈ લીધો હતો. હવે મારી પાસે આશાનું એક કિરણ હતું, અરમાન! અરમાન શેખ એટલે છેક દુબઈથી વેપારી મીટિંગ કરવાં ભારત આવતો દોલતમંદ માણસ! તે મારા પ્રેમમાં પાગલ હતો પણ મારે મન એ માત્ર ગ્રાહક હતો. સલીમ પછી રજ્જો કદી રજિયા બની જ નહીં. તે હતી માત્ર રાતની કિંમત વસૂલતી રજ્જો!


મને એમ થયું કે અરમાન જો મદદ કરશે તો હું નૂરને અહીંથી બહાર કાઢી શકીશ. કારણ કે તેની પાસે દોલતની કમી ન હતી. મેં તેને નૂરને રાતોરાત પરદેશ ભગાડવા માટે જરૂરી તમામ કાગળ પહોંચાડી દીધાં. તેણે મને વચન આપ્યું કે તે નૂરને જરૂર ભણાવશે અને આ દલદલ તો શું ભારતમાં જ ફરી કદી તેને પગ નહીં મૂકવા દે. મે બદલામાં મારી તમામ જમાપુંજી તેને આપવાની તૈયારી બતાવી પણ તેણે કહ્યું," રજ્જો પૈસા તો ઘણાં છે મારી પાસે! તું બસ મને આજીવન તારો પ્રેમ આપતી રહેજે પણ હા, એટલું યાદ રાખજે કે નૂરને હું અહીંથી બહાર તો મોકલી દઈશ પણ પછી તારા જીવનું જોખમ છે. મેં તેને સમજાવી દીધો કે હજુ મારી રાતો વેચાય છે ત્યાં સુધી હું સલામત છું. એ માની ગયો તેણે નૂરને વિઝા પણ અપાવી દીધાં. નૂર હંમેશા માટે દૂબઈ જવાની હતી. મેં રાતે નૂરની તબિયત બહુ ખરાબ હોવાથી તેને દવાખાને લઈ જવાના બહાને બહાર કાઢી. નૂરને મેં અગાઉથી જ બધું સમજાવી રાખ્યું હતું. રસ્તામાં અમને લઈ જતી અસલમ ભાઈની કાર નૂરને ઉલટી થતી હોવાનું બહાનું કરીને હાઇવે ઉપર રોકાવી. જ્યાં અરમાનનો માણસ તેની કાર લઈને આવ્યો અને નૂરને કિડનેપ કરતો હોય તેવી રીતે ઉપાડી ગયો. 


રાતના અંધકારમાં પેલો માણસ કળી ન શક્યો કે આ શું થઈ ગયું? એ કારનો પીછો કરવા અમારી કાર ભગાવવા માંગતો હતો પણ મારી આંખોમાં રહેલી કાકલુદી તેને અડી ગઈ. મેં તેને હાથ જોડ્યાં અને તેના પગ પકડી લીધાં. તે દરમિયાનમાં નૂરને લઈને ઉપડી ગયેલી કાર એરપોર્ટ પહોંચી ગઈ હતી. 


અમે હાફળાંફાફળાં થતા હોઈએ તેવી રીતે ફરી બજારમાં પહોંચ્યાં. અસલમ ભાઈએ તેના માણસને એક તમાચો રસીદ કર્યો અને મારી આંખોમાં આંખ નાખીને એટલું જ કહ્યું કે જો નૂર મને મળશે નહીં ને તો યાદ રાખજે રજ્જો કે આજની રાત તારી જિંદગીની અંતિમ રાત બનાવી દઈશ. મને એક ધક્કા સાથે ખૂણામાં હડસેલી. શમીના બાનુ સામે જઈને ફેકાયેલી હું મનોમન તમામ પીડાને ભૂલીને મેં નૂરને મુક્ત કર્યાની ખુશી અનુભવતી હતી. તેણે મને વાળ ખેંચીને ઉંચી કરીને મારી સામે જોયું. ફરી તેની ગંદી નજર મારા પર ફરી વળી. મારી આંખોમાં રમતું જીતનું સ્મિત જોઈને તેને બધું સમજાઈ ગયું. તેણે મને સજા માટે ખાસ બનાવેલી એક ઓરડીમાં બદબૂની વચ્ચે ભૂખી તરસી મરવા માટે પૂરી દીધી. બહાર નીકળવાની એક જ શરત હતી. નૂરનો કબજો! મને આ ભવિષ્યની ખબર જ હતી એટલે મેં ધીમેથી મારા આંતર વસ્ત્રમાં છુપાવેલી ઝેરની શીશી બહાર કાઢી. એક ઘૂંટડો ગળાની નીચે જતા મને હજારો વીંછીના ડંખ ઉપડ્યાં. ધીમે-ધીમે નિસ્તેજ થતી મારી નજર સામે કેટલાંય દ્રશ્યો ઘૂમી વળ્યાં. સલીમની ઘસરકા વાળી પીઠ, આકાશમાં ઊડતા વિમાન સાથે ઊડતી નૂર અને રજ્જો..રજ્જો..કહીને બોલાવતી મા!


નૂૂરનાં સપનાં હવે ક્ષિતિજને પાર હતાં. હું આ ઓરડીમાં મારી કબર સજાવીને સુકૂનથી સૂતી છું. નૂરની એક ચોપડીમાં વાંચેલી કોઈ શાયરી મને યાદ આવી ગઈ. 

"બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું! 

નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી!!"

હું ફરી ખોટું હસી. મા ભલેને ઊઠાડે, હું નહીં ઊભું..!


જાગૃતિ,  'ઝંખના મીરાં'..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ