વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કદાચ એમ..!

રોજ એક સાંજ ખીન્ટીએથી ઉતારીને

ઘડી કરીને મુકતી જાઉં છું.

અડાબીડ આકાશમાં ઉગતી રાત

રોજ કશુંક આથમ્યાની 

પીડા આપી જાય છે.


તારા નામે મોકલેલા સ્પંદનો

પાછા આવીને

'એડ્રેસ નોટ ફાઉન્ડ'નો મેસેજ આપે છે

ત્યારે આંખ અષાઢી વાદળ બની જાય છે.


આડેધડ ઉગેલી, મુરઝાયેલી

ઝંખનાઓના જંગલમાં,

ફરી એક ઝંખના લીલીછમ દેખાય છે.

સાચું કહેજે, તે જ એને સિંચી હતીને,

તારા આલિંગનથી?


બેઠા બેઠા એમજ કદીક

પાસેથી નીકળતી હવાને અડકી લઉં છું.

એ અણુઓ વચ્ચેના ખાલીપામાં

મારો સ્પર્શ મૂકી દઉં છું.

કદાચ

એવા કોઈ વિચારથી

કે,

એ તારી પાસે આવે,

એને તારો સ્પર્શ મળી જાય

અને

કદાચ!

એમ તું મને મળી જાય


કદાચ એમ !

-------

પલ્લવી કોટક



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ